RSS

(૪૨૪-અ) લોકો કે જે શબ્દો બની જાય છે !

26 Feb

મનુષ્યમાત્રની ત્વચા, આંખની કીકી કે માથાના વાળના રંગ ગમે તે હોય; એ નિન્ડરથલ, મોંગોલિયન કે અન્ય કોઈ પ્રકારનો માનવી હોય; તેનાં ફૂલી ગએલાં નાક હોય કે સૂઝી ગએલી જેવી દેખાતી તેની આંખો હોય, પરંતુ તેની નખશિખ આંતરિક અને બાહ્ય ગતિવિધિઓ તો એકસરખી જ માલૂમ પડ્યા સિવાય રહેશે નહિ.

જગતભરના જે તે માનવીઓનો પોતપોતાની ભાષાઓનો વિકાસક્રમ ભલે ધીમો કે ઝડપી રહ્યો હોય, પણ તેમના વિકાસના તબક્કાઓમાં ઘણીવાર એકસરખી લાક્ષણિકતાઓ દેખાયા સિવાય રહેશે નહિ. જે  તે ભાષાઓનાં શબ્દભંડોળો વિકસતાં રહેતાં હોય છે, પણ એ શબ્દો બનવાની ઢબ સમાન જ માલૂમ પડતી હોય છે.

આજે દશેક વર્ષ પહેલાંનો રીડર્સ ડાયજેસ્ટનો એક અંક મારી નજરે ચઢી ગયો છે, જેમાંના એક લેખના વાંચનથી હું પ્રભાવિત થયો છું અને આજે હું આજનો આપણી ગુજરાતી ભાષાના શબ્દભંડોળની વૃદ્ધિના એ મુદ્દા ઉપરનો અને એ મતલબનો આ લેખ લખવા જઈ રહ્યો છું. પેલા લેખનું શીર્ષક હતું : “People  Who Become Words”, છે ને સરસ મજાનું એ શીર્ષક ! કોઈ નાના બાળકના આપ્તજનના અવસાન પ્રસંગે તેને એમ કહીને ફોસલાવવામાં આવે કે જે તે મરનાર તો પેલા આકાશમાંનો તારો બની ગયું છે, બસ એવું જ કંઈક અહીં છે ! અહીં પણ સારી કે નરસી કોઈ વ્યક્તિ કે ધાર્મિક યા સામાજિક સાહિત્યમાંનું સારું કે નરસું કોઈ પાત્ર પોતે જ ભાષાનો ચલણી શબ્દ બનીને જે તે ભાષારૂપી વિશાળ આકાશમાંના કોઈક તારલાનું રૂપ ધારણ કરી લે તેવી આ વાત છે.

પ્રથમ તો પેલા અંગ્રેજી લેખના એવા કેટલાક શબ્દોને તપાસી લઈને પછી જ આપણી ગુજરાતી ભાષાના એવા શબ્દો ઉપર હું આવીશ. Maverick = ડામ દીધા વિનાનું વાછરડું, રૂઢિની પરવા ન કરનાર, સ્વૈરવિહારી માણસ: Cobb = દોસ્ત, સાથી; Bloomer =  મોટી ભૂલ {અહીં Mr. Maverick, Mr. Cobb, Ms Bloomer એ બધાં વ્યક્તિ કે સંજ્ઞાવાચક નામો (Proper Nouns) છે, જે ભાષાનાં શબ્દો બની ગયાં છે!}

હવે હું આપણી ગુજરાતી ભાષાના આ વિષયમાં દર્શાવ્યા મુજબના તેવા શબ્દોની અર્થ અને ઉદાહરણ સાથેની યાદી આપવા જઈ રહ્યો છું. આપણા વેગુવાચકો ભલે ગમે તે વયના હોય પણ આને એક શબ્દરમત સમજીને કોમેન્ટ બોક્ષમાં એવા શબ્દો લખશે, તો વાચકોના જ્ઞાનમાં અને તેમના શબ્દભંડોળમાં જરૂર વધારો થશે.

વ્યક્તિઓનાં નામ કે જે ગુજરાતી ભાષામાં શબ્દો બની ગયાં !

(૧) ભદ્રંભદ્ર = વેદિયો

ઉદા. અલ્યા, એ તો સાવ ભદ્રંભદ્ર છે !

(૨) ચાણક્ય = બાહોશ, ચતુર

ઉદા. હોશિયારીમાં તો તેને ચાણક્ય જ સમજવો પડે !

(૩) હરિશ્ચંદ્ર = સત્યવાદી

ઉદા. જોયો ન હોય તે મોટો હરિશ્ચંદ્ર !

(૪) ભીમ = ભયંકર, ભયાનક, વિશાળ અને મજબૂત, જાડું અને કદાવર

ઉદા. બાપ રે ! એ ભીમ સાથે હું મુકાબલો ન જ કરી શકું !

(૫) સહદેવ =પૂછ્યા વિના ન કહે એવો માણસ

ઉદા. એને બધી ખબર છે, પણ એ સહદેવ છે; મોંઢેથી કશું જ નહિ બોલે !

(૬) સુદામા = દરિદ્ર માણસ

ઉદા. એ બિચારા સુદામા પાસેથી ફંડફાળાની આશા રાખવી વ્યર્થ છે !

(૭) મદન (કામદેવ) = વિષયવાસના

ઉદા. આમ તું મસ્તીએ ચઢ્યો છે, તે મદન હાલ્યો છે કે શું !

(૮) ગાંધી(વાદ) =  ગાંધી વિચારધારા

ઉદા. ગાંધીવાદ અપનાવ્યા સિવાય જગતનો ઉદ્ધાર નથી.

(૯) ઔરંગઝેબ = નૃત્યસંગીતનો  વિરોધી માણસ

ઉદા. સંગીતના એ ઔરંગઝેબને શાસ્ત્રીય સંગીતમાં કંઈ જ સમજ નહિ પડે !

(૧૦) ગામા = પહેલવાન

ઉદા. કદાવર એનો બાંધો જોતાં તે આપણને ગામા જ લાગે !

(૧૧) ધ્રુવ = સ્થિર, નિશ્વળ, નિશ્વિત 

ઉદા. કાવ્યની ધ્રુવપંક્તિ જ આપણને કાવ્યનો સાર બતાવી દેતી હોય છે.

(૧૨) રાધા(ગાંડું) = રાધાના જેવું ઘેલું

ઉદા. એ તો સાવ રાધાગાંડી છે, એનું નામ મેલો !

(૧૩) શ્રીગણેશ (કરવા) = શુભ શરૂઆત કરવી

ઉદા. હવે ભાઈ કોઈની રાહ જોયા સિવાય કામના શ્રીગણેશ કરી દો ને !

(૧૪) હિટલર(શાહી) = સરમુખ્યતારશાહી

ઉદા. સદ્દામે પોતાના શાસનકાળમાં ઈરાકમાં હિટલરશાહી જ ચલાવી અને છેવટે તેનું પતન થયું.

(૧૫) સિકંદર = વિજયી, ફતેહમંદ   

ઉદા. તેણે ઝઝૂમવાનું ચાલુ જ રાખ્યું અને છેવટે તે સિકંદર પુરવાર થયો.

(૧૬) કુંભકર્ણ = ઊંઘણશી

ઉદા. અલ્યા, એ તો કુંભકર્ણ છે; ઢોલ વગાડશો તો પણ એ જાગશે નહિ.

(૧૭) લક્ષમણ(રેખા) = મર્યાદા

ઉદા. તેણે ખર્ચની લક્ષ્મણરેખા બાંધી દીધી છે, એટલે હવે તે વધારે ખર્ચ કરશે નહિ !

(૧૮) ભરત(વાક્ય)  = ભરત (જે નામના મુનિ કે જે ‘નાટ્યશાસ્ત્ર’ ગ્રંથના રચયિતા હતા) નું વાક્ય, નાટ્યાંતે આશીર્વચનીય શ્લોક કે વાક્ય

ઉદા. સંસ્કૃત નાટકોમાં છેલ્લે ભરતવાક્ય તો આવે જ !

(૧૯) રામ (રમી જવું) = મરણ પામવું

ઉદા. તેને ઢંઢોળી જોયો, પણ અફસોસ, તેના તો રામ જ રમી ગયા હતા !

(૨૦) દુર્વાસા = ક્રોધી

ઉદા. અલ્યા તેને સતાવશો નહિ, એ તો દુર્વાસા છે.

(૨૧) નારદ = લડાઈ-ઝઘડો કરાવનાર

ઉદા. હવે તમે નારદવેડા કરાવવાનું બંધ કરો.

(૨૨) મહમદ તઘલખ = તરંગી વિચારો કરનાર

ઉદા.  તેની તઘલખી વાતો ઉપર જરાય ધ્યાન આપવાની જરૂર નથી.

(૨૩) સુરદાસ = આંધળું

ઉદા. સુરદાસો સારું ગાઈ શકતા હોય છે.

-વલીભાઈ મુસા 

 

Tags: , , , , , , , , , , , , , , , , ,

12 responses to “(૪૨૪-અ) લોકો કે જે શબ્દો બની જાય છે !

 1. pragnaju

  April 27, 2016 at 10:15 pm

  વલીભાઈ મુસા -= વલી

  Liked by 1 person

   
  • Valibhai Musa

   April 28, 2016 at 4:14 am

   “વલીભાઈ મુસા = વલી” એમ હું લખું તો મારા માટે આત્મશ્લાઘા બની જાય! આપ લખી શકો અને લખ્યું પણ છે કે “વલીભાઈ મુસા = વલી”. ‘વલી’ શબ્દ ભાષામાં રૂઢ બની ગયો છે. કોઈપણ સીધાસાદા અને નિખાલસ માણસ માટે આમ શબ્દપ્રયોગ થતો હોય છે કે ‘તે માણસ તો અલ્લાહનો વલી છે.’ આવો જ ‘ભગવાનનો માણસ’ શબ્દપ્રયોગ પણ થતો હોય છે. ધન્યવાદ.

   Like

    
 2. સુરેશ

  April 28, 2016 at 12:19 pm

  મુસાભાઈનાં વા-પાણી !

  Like

   
 3. Anila Patel

  April 28, 2016 at 4:07 pm

  Wah……..Valibhai aap to sachej Vali chho.

  Like

   
 4. kank

  April 28, 2016 at 7:55 pm

  સતી સાવિત્રી – જો મોટી સાવિત્રી – પતિ પ્રત્યે ઘણી વફાદાર અને સેવિકા
  ભામાષા – આ આવ્યો મોટો ભામાશા- ખુબ મોટો દાનવીર થઈ ગયો

  Like

   
  • Valibhai Musa

   April 29, 2016 at 9:15 am

   ઉદાહરણોના ઉમેરા બદલ ધન્યવાદ.

   Like

    
 5. dhirajlalvaidya

  April 29, 2016 at 6:01 am

  વાહ વલીભાઈ, નાનપણમાં સાંભળેલા અને પ્રવર્તમાનમાં ઝાંખા થઈ ગયેલા શબ્દોને ઉજાગર કરીને સાહિત્યનો એક નવો ફણગો અંકૂરિત કરવા બદલ ધન્યવાદ………………મને મારા મિત્રોના સહવાસથી એવું તારણ મળે છે કે : ઈનડો-અમેરિકન એનઆરઆઈ એટલે ” પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.” ની જેમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના મૂળ એટલા ઊંડા ઉતરી ગયેલા છે. કે તે તેમનામાં આમરણાંત જીવે છે. એટલું જ નહીં. તેની ભાવિ પેઢીના લોહીમાં પણ તે ઉતરી આવવા સમર્થ છે………….મને ગમ્યું.

  Like

   
  • Valibhai Musa

   April 29, 2016 at 9:14 am

   આપના પ્રતિભાવથી ૨૦૧૧ની આપની સાથેની મુલાકાત અને હાદ ઉપરના આપના પ્રતિભાવો યાદ આવી ગયાં. આપ મારાથી મોટા છો, એટલે વડીલ ગણાઓ. આપની તબિયત કેમ રહે છે? આગામી ૭મી જુલાઈએ મારે ૭૫ પૂરાં થશે. આપ સદીથી કેટલે દૂર ?

   Like

    
 6. dhufari

  May 4, 2016 at 4:57 am

  દિવાસળી= ગમે ત્યાં ઉંબાળિયું કર નાર
  મિંઢો= જેના પર કોઇ વાતની અસર ન થાય
  મોણ નાખવું= વાતને લંબાવવી

  Like

   
 7. aataawaani

  May 6, 2016 at 1:09 pm

  પ્રિય વલી ભાઈ
  તમે દાખલા દૃષ્ટાંત સાથે ભાષામાં પ્રચલિત શબ્દો ઉત્તમ રીતે વર્ણવ્યા છે .
  તમારા જ્ઞાન ને સો સો સલામી

  Like

   
 8. pravinshastri

  July 29, 2016 at 2:36 pm

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  ઇ-મેઇલ મિત્રો સાથે ચોખલિયા શબ્દનું અર્થધટન કરતાં કરતાં સુરેશ જાનીના બ્લોગમાં પ્રવેશ્યો. તો એમણે ધક્કો મારીને મને વલદાના શબ્દ જગતમાં મોકલ્યો….આનંદ સાથે સરળ જ્ઞાનપ્રાપ્તિનો લાભ મળ્યો…માનું છું કે આપ વાચક મિત્રોને પણ ગમશે.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: