RSS

(૪૨૬) તાંહળેતાંહળે પીજો ! (હાસ્યકાવ્ય)

09 Mar

(અછાંદસ)

રબારી વાસે,

સંવાદ ભજવાય બે જણ વચાળે કંઈક આવો :

‘ભાયા, ઊંટના લબડતા હોઠની જ્યમ મોંઢું લટકાઈને ચ્યમ બેઠો સે ?’

‘અલ્યા બીજલિયા, ઊંટ ખોવાયું સે !’ ચેહરો વદે.

’તીં કાંઈ હોધખોળ્ય કરી કે બસ ઈંમ બગલમું હાથ ઘાલીનં બેહી રિયો સે !’

’આખો વગડો ફરી વળ્યો, લ્યા, પણ કાંય પતોપજેરું મળતું નથ !’

’અલ્યા બગલમાં સોરું અનં ગોંમમું ઢોલ વગડાવવા જેવું તો નથ થ્યું !’

‘તારા કેવાનો અરથ હું લ્યા ?’

‘એટલ કે, ઘેર આવી તો નથી ગ્યું ને !’

‘અલ્યા, ઘેર તો ગુડાંણો સું ! અનં વાડોય જોઈ વળ્યો, હંધાંય ઊંટ પણ ગણી લીધાં, બે બે વાર !’

’એમ કર્ય, તું દસેક કપ દેહાઈણી પાહે ચા મેલાવ્ય અને હું ભઈબંધોને પકડી લાવું સું,

ફરી વગડો ખૂંદી વળીએ ! ગદ્ધીનું ચ્યમ નોં જડે ?’ વદે બીજલ.

*     *     *

‘અલ્યા, બધા ઘરમું ચ્યમ પેહી જ્યા સો, અનં ફેદમફેદ કરીનં હું હોધો સો ?’ પૂછે દેહાઈણી.

‘પુસ્ય તારા ચેહરિયાને, તમારુ ઊંટ હોધાં સ વળં !’ એક કડિયલ જવાન વદે.

’અલ્યા, અતારના પોરમાં અફેણકહુંબો વધારે સબડક્યો સે કે શું,

ઘરમાં ઊંટ ? બધાની ચસકી તો નથ ન !’

‘આ તો વગડે રખડવા પેલાં ઘર જોઈ લેવું હારું !’ એક કહેવાતો ડાહ્યો વદે.

’તમે દહે જણા પેલા ડૂબી મરેલા અવગતિયા તો નથં કે !’

’એ કુંણ વળી ?’

’દહ માથોડાં નદીમું હઉના વરાડે એક આવે ઈમ કેઈનં ડૂબી મર્યા’તા તીં વળી !’

’અમે એ નથં ! લૂલી હલાયા વગેર અમારી ચા મેલ્ય અને કોંમ કરવા દે.’ ચેહરો વદે.

’પણ મન હાંભળસો કે, અકલના દેવાળિયાઓ; પણ..પણ,,, ચેહરા, મોરિયામાં હું ઢૂંઢે સે ?’

’ઊંટ જ તો વળી !’

’અલ્યા, એવડું મોટું ઊંટ અને મોરિયામાં ! અરે રોંમ, તમે તો સોકરાંય વટ્યા !’

’જોય લેવામું હું ખાટુમોળુ થાય, હંતોક તો થઈ જાય એક વાતનો !’

’અરે મુઆઓ, મનં બોલવા તો દિયો. પશાદા’ના કુએ મીં ઈનં બોંધી આઈ સુ !’

’હેં પણ ચ્યમ અનં ચ્યારં ?’ ચેહરો પૂછે.

’તમે *ખરચે જ્યા તા તાણં. ઘેઘુર લેબડો હોર્યો સે ઈંયાં, ચારો લાદવો’તો, ઈ વેગાઈ મારાથી **ઝેકર્યો જ નઈ 1’

‘પણ મારી વાટ્ય તો જોવી’તી, મુઈ !’

’પણ પશાદાઈ કીધું, ભાગ્ય’લી મેંનડી, નીં તો બીજો હાવરી જાહે !’

‘હત્તારીની ! પણ, હાંભળ્યું કે ? આ કોઈનં કેતી નીં, ની તો અમારી ફજેતી થાહે !’

‘ભલ, અસ્તરીની જાત તોય મું તો નીં કું, પણ તમ ***મોરિયામાં ઊંટ હોધવાવાળા  સોકરડોંનો હું ભરુંહો, તમે જ ભહી મરસો !’,

હાથના લહેકે મેનાં દેહાઈણીએ હસતાંહસતાં મેણું માર્યું.

શરમના માર્યા ટપોટપ સૌ વિખરાવા માંડ્યા,

પણ ચેહરો કે’ કે ‘અલ્યા, ચા પીનં જોવ !’

‘તમ બેઉ તાંહળેતાંહળે પીજો, એ રોંમ રોંમ !’

-વલીભાઈ મુસા

(તાંહળું = તાંસળું (પિત્તળનું છીછરું વાસણ)*ખરચુ = જાજરૂ ; ઝેકારવું = ઊંટ બેસાડવું ; ***મોરિયો = માટીનો ઘડો)

નોંધ : –
“બાઈબલમાં છે કે ‘ઈસુએ કહ્યું હતું કે ‘ધનવાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશે એના કરતાં ઊંટ સોયના નાકામાં થઈને જાય એ સહેલું છે.’”. આ ક્થનની યાદ આવી જતાં ઉપરોક્ત કાવ્યરચના સર્જાઈ ગઈ છે.

(‘વેબગુર્જરી’ ઉપર પ્રકાશિત તા.૦૨-૦૩-‘૧૪)   

 

Tags: , , ,

11 responses to “(૪૨૬) તાંહળેતાંહળે પીજો ! (હાસ્યકાવ્ય)

 1. pragnaju

  March 10, 2014 at 1:12 am

  ખમા ખમા
  વનરાજ ચાવડાને સિંહાસન પર બેસાડનાર અનોભાઈ ઉલ્વો રબારી જ હતો. બરડાની રાજગાદી ગુમાવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા. એક માન્યતા પ્રમાણે જૂનાગઢમાં રા’નવઘણની બારી સામે વસ્યા એટલે ‘રા’બારી કહેવાયા અને તેનો અપભ્રંશ ‘રબારી’ થયો.
  . આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ તેમા રહેલો છે તેથી ( કે દેવના વંશજો હોવાથી ) આ જાતિ દેવાસી ના નામે પણ ઓળખાય છે.રબારી શબ્દ મૂળ ‘રવડ’ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે ‘ઢોર યા પશુ’ યા ઘેંટા નું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર કે સાચવનાર. ‘રેવાડી’ તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ ‘રબારી’ તરીકે અસ્તિત્વમાં આવ્યો.તેમની બોલી સમજતા વાર લાગી પણ માણી આનંદ થયો

  Liked by 1 person

   
  • Valibhai Musa

   March 10, 2014 at 3:13 am

   મારું અનુમાન હતું કે અરબસ્તાનમાં ઊંટ પાળવામાં આવે છે અને રબારીભાઈઓ પણ ઊંટ રાખતા હોય છે. આરબોમાં બદુ તરીકે ઓળખાતી ગ્રામ્ય જાતિની સ્ત્રીઓ ઊંચા ઘેરવાળા ચણિયા, લાંબી બાંયના કબજા (પહેરણ), માથે સ્કાર્ફ (ઓઢણી) અને ઘેરા રંગનાં જાડાં વસ્ત્રો ધારણ કરે છે. રબારી સ્ત્રીઓનો પરંપરાગત પોષાક પણ આવો જ જોવા મળે છે. મને લાગ્યું કે આમ રબારી સમાજને અરબસ્તાન સાથે કોઈક Connection હોઈ શકે કે કેમ ? વિકિપિડિયામાં મારી આ વાતને અંશત: સમર્થન પણ મળે છે. વળી અમારા બનાસકાંઠા જિલ્લામાં કેટલાક પીરપંથી રબારીભાઈઓ પણ જોવા મળે છે. મુસ્લીમોમાં પણ કેટલાક સંપ્રદાયોમાં પીરમુરીદ પ્રથા છે. અગાઉના પીરોએ ધાર્મિક સાહિત્ય ગરબીના રાગોમાં આપ્યું છે. રબારીભાઈઓની ગરબીઓ પણ આ સાહિત્યને મળતી આવે છે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં આવેલા પીરો પૈકીના મોટાભાગના ઈરાકથી આવેલા હતા અને તેઓ ઐરાકી તરીકે પણ ઓળખાય છે. ગમે તે હોય પણ આ પ્રજા મહેનતુ અને ખડતલ છે, ભોળી પણ છે. રબારી સ્ત્રીપુરુષોનો Sense of humor ઊંચો હોય છે. નાણાકીય વહીવટ મોટાભાગે સ્ત્રીઓ જ સંભાળતી હોય છે.

   Like

    
 2. dhavalrajgeera

  March 23, 2014 at 11:57 am

  Every where Female is a Form of CHI – Shakti who is Ma Laxmi .
  Krisna.s Bal Gopal friends are todays RABARI !!!

  Like

   
 3. Sharad Shah

  March 23, 2014 at 1:41 pm

  બાદશાહ હારુન અલ-રશીદ ખુબ બેચેન અને દુખી હતો. એવામાં સમાચાર મળ્યા કે મહા જ્ઞાની મુલ્લા નસરુદ્દીન તેમના રાજ્યમાં પધાર્યા છે. બાદશાહે મુલ્લાને ખુબ માન સંમ્માન સાથે દરબારમાં બોલાવ્યા અને તેમને પૂછ્યું,” ઘણા સમયથી ખુબ બેચેની લાગે છ ચીંતાને કારણે મારું સુખ -શાંતિ ખોવાઈ ગયા છે. કેટકેટલી દરગાહ પર જઈ મન્નતો માની, ત્રણવાર હજની જાત્રાએ જઈ આવ્યો પરંતુ કાંઈ ફેર નથી પડતો. આપ મને મારું ક્ખોવાયેલું સુખ અને શાંતિ પાછા મેળવવા મારે શું કરવું તે અંગે માર્ગદર્શન કરો.” મુલ્લા કહે મને ૨૪ કલાકનો સમય આપો. હું તમારૂ ખોવાયેલું સુખ અને શાંતિ અવશ્ય શોધી આપીશ.” બાદશાહે કહ્યું, “ઠીક છે તમે ત્યાં સુધી અહીં મહેલમાં જ આરામ ફરમાવો.” મુલ્લાને મહેમાનગૃહમાં લઈ જવામાં આવ્યા.
  રાત્રે એક વાગે મહેલના છાપરા પર કોઈના ચાલવાનો અને ઠેકાથેક થવાનો અવાજ આવ્યો અને બાદશાહની આંખ ઊઘડી ગઈ, બાદશાહે બુમ મારી ચાકરો અને રક્ષકોને બોલાવ્યા અને હુકમ કર્યો કે, “જાઓ, અને જુઓ કે અત્યારે આ મહેલના છાપરા પર કોણ ચઢ્યું છે? જે હોય તેને પકડી લાવો.” બાદશાહના રક્ષકો થોડીવારમાં તો મુલ્લાને પકડી લાવ્યા અને બાદશાહ સમક્ષ ઉભો કરી દીધો. બાદશાહને પણ આશ્ચર્ય થયું કે અરે આ મુલ્લા આટલી મોડી રાત્રે છાપરે ચઢી શું કરતાં હતાં. ઍતલે બાદશાહે મુલ્લાને પૂછ્યું,” મુલ્લા, આ અડધી રાતે મહેલના છાપ્રે ચઢી શું કરતા હતાં? તમે કોઈ સંત છો કે જાસુસ?”
  મુલ્લા કહે,” જહાંપનાહ મારું ઊંટ ખોવાયું છે તે શોધતો હતો.”
  બાદશાહ કહે અરે! ઊંટ ખોવાયું હોય તો તમે છાપરા પર કેમ શોધો છો?” મુલ્લા કહે તમે તો સમજદાર લાગો છો. ઊંટ છાપરે ન ખોવાય તેની ખબર છે. પરંતુ સુખ શાંતિ ક્યાં ખોવાઈ છે તેની ખબર નથી પડતી? કે દરગાહો અને કાબામાં શોધવા નીકળ્યા છો. જે ભિતર ખોવાઈ છે તે બહાર ક્યાં મળવાની છે?”
  બાદશાહે કાન પકડ્યા.

  Like

   
  • Valibhai Musa

   March 25, 2014 at 8:16 am

   શરદભાઈ,
   આપ મુલ્લાં નસરુદ્દીનને લગતું સારું વાંચન ધરાવો છો. આવું જ ક્યાંકથી મળે તો ‘બહલુલ દાના’ અંગેનું પણ વાંચવા જેવું ખરું. નીચેના લિંકે મારો એક લેખ વાંચવા જેવો ખરો.

   https://musawilliam.wordpress.com/2010/05/24/184-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%B2%E0%AB%82%E0%AA%B2-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%80%E0%AA%82%E0%AA%A5%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%82%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/

   Like

    
   • Sharad Shah

    March 26, 2014 at 6:52 am

    વલીભાઈ,
    બહલુલ દાનાનો લેખ અને દર્શાવેલ કહાનીઓ વાંચી . મજા આવી. આવી નાની નાની બોધકથા, ટુચકાઓ, કાવ્યો દ્વારા કહેવામાં આવેલ સત્ય વધુ ધારદાર હોય છે અને સોંસરવું હૃદયમાં ઉતરી જાય છે. પંચતંત્રની કે ઈશપ કથાઓ અને કાવ્યરુપે લખાયેલ ગીતા કે કુરાનએના ઉદાહરણો છે. અનેક સંતો જેમકે, કબીર, રહીમ, તુલસી કે પછી નરસિંહ કે મીરાં કે અખો હોય તેમને સત્યને કાવ્ય દ્વારા રજુ કર્યું છે અને આપણો એ અનુભવ છે કે આવી રજુઆત આપણા હૃદયને તુંરંત પ્રભાવિત કરે છે. જ્યારે ગદ્ય કે વિવેચનો એટલી અસર નથી કરતાં.
    ઓશોએ મુલ્લાં નસરુદ્દીનને માધ્યમ બનાવી તેના નામે બે ત્રણ હજાર જોક અને બોધ કથાઓ કહી હશે. કેટલીક ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આપ બહલુલ દાના સાહેબથી વધુ પરિચિત છે અને તેમની કહાનીઓ અને પ્રસંગોનો સોર્સ તમને ખબર હશે જ. હું પણ ઈચ્છીશ કે આપ વાંચકોને અહીં પીરસો. વાંચકોને અચુક ગમશે જ.
    હું તો ઘણીવાર વાતનો તંતુ પકડી એને અનુરુપ બોધ કથા/જોક મુલ્લાં નસરુદ્દીનના નામે બનાવી દઊં છું. એવી કથા કે જોક ક્યાંય હોતો નથી પણ લોક ભોગ્ય અને રુચિકર હોય તેનુ ધ્યાન રાખુ છું.

    Like

     
 4. M.D.Gandhi, U.S.A.

  March 24, 2014 at 4:47 am

  બહુ સુંદર કાવ્ય છે.

  Like

   
 5. Sharad Shah

  March 24, 2014 at 4:57 am

  તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
  એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

  ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
  કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
  તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
  એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

  કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
  વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
  તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
  એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

  -તુષાર શુક્લ

  Like

   
 6. dhirajlalvaidya

  March 24, 2014 at 9:33 am

  બચણમાં એક ઓઘડની વાર્તા સાંભળેલી.તેમાં ઓઘાડના કાનમાં અધેલો(આઠ આનાનો સિક્કો) ખોસેલો અને આખા ગામમાં તે ખોળી વળ્યો અને હતાશ થઇ બેઠો ત્યારે ઓઘડાણી(ઓઘડની પત્નિ)એ અધેલો બતાવ્યો હતો.તે વાત યાદ આવી ગઇ. અહીં ઊંટનું ખોવાવું અને મળવું અને તે વ્ચ્ચેનો શોધા-શોધનો પરિતાપ….મજા આવી.

  Like

   
 7. સુરેશ

  May 8, 2016 at 11:45 am

  બબ્બે વરહ થૈ જ્યા. આની પર કેમ નજર નો પડી? આ રવિવારી સવાર સુધરી ગઈ.
  જો કે, શહેરની શેરીમાં રહેલ આ શહેરી અમદાવાદી અને હવે અમેરિકનને ઘણા શબ્દો માટે તમારું ટ્યુશન રાખવું પડશે.
  ફીમાં …હાવ ફ્રી અને…. તમારે ઘેર કાણોદર બે મહિના ધામા!!!

  Like

   
  • Valibhai Musa

   May 8, 2016 at 6:14 pm

   માથાભેર. બે મહિના જ કેમ ? જીવો ત્યાં સુધી! કબ્રસ્તાન પણ બતાવ્યું જ છે ને ! વસિયત હશે તો ત્યાં, નહિ તો જેમ કહેશો તેમ; પણ ઠેકાણે પહોંચી જશો.

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

%d bloggers like this: