RSS

(૪૨૬-અ) વાહ રે, પ્રયોગશીલતા, વાહ ! ક્યા કહના ?

16 Mar

વલદા આજે કંઈક એવા મિજાજ (Mood)માં છે કે સાહિત્યમાંની પ્રયોગશીલતા વિષે કંઈક ગપસપ કે ગંભીર  વાતો કરે !  આમ તો આજના વિષયનું વિચારબીજ થોડાક સમય પહેલાંની નેટસફરમાં અંગ્રેજીમાંની એક પ્રયોગશીલ વાર્તા નજરે ચઢી, ત્યારે જ દિમાગમાં રોપાઈ ચૂક્યું હતું; પરંતુ આજે આપણી ‘વેગુ’ના ‘ગૃહ’પાનું (Home Page) ઉપરના ઉમેશ દેસાઈના ‘ફોટોકુ’ને જોતાં જ વાંસના બીજની જેમ એ વિચારબીજનો અંકુર એકદમ બહાર ફૂટી નીકળ્યો. ચાલો ત્યારે, આપણે સૌથી પહેલાં પેલા મૂળભૂત વિચારબીજનું પરીક્ષણ કરી લઈએ. એક બાબતે આપ સૌ વાચકો નિશ્ચિંત રહેજો કે પેલો ગર્ભપરીક્ષણનો જેલના સળિયા ગણાવતો કાયદો અહીં લાગુ નહિ પડે !

એ અંગ્રેજી પ્રયોગશીલ વાર્તા હતી, અધ..ધ.ધ એટલી બધી લાંબી કે તેના વાંચનનો સમય માપવા ઓલિમ્પિક રમતોમાં દોડનો સમય માપતા કોઈક નિર્ણાયક પાસેથી તેની સેકંડનો પણ એકસોમો ભાગ માપી શકે તેવી ઘડિયાળ મંગાવવી પડે ! એ વાર્તા હતી, એર્નેસ્ટ હેમિન્ગવે (Ernest Hemingway) દ્વારા લિખિત પૂરા છ શબ્દોની વાર્તા, જેના શબ્દો વચ્ચેની જગ્યા અને વિરામચિહ્નોને ન ગણીએ તો તેના કુલ અક્ષરો પચીસ (બે ડઝન પૂરા અને બોનસમાં એક) થાય ! વધારે નહિ લટકાવું, હોં કે ! જો પૂરતો સમય (!)  હોય તો વાંચી જ લો :

“For Sale : Baby Shoes, never worn !”. !!!

આ વાર્તા સાથે સંકળાએલી અજીબોગરીબ એવી ગધેડાને તાવ ન આવે તો તેને થોડુંક માથું દુખવા તો જરૂર આવે, એવી એક બીજી વાત પણ વાંચી લો કે આ વાર્તાનું વિવેચન એટલું બધું અને એટલા બધા વિવેચકોએ લખ્યું છે કે જેનો કોઈ સુમાર નથી. વાર્તાનું પિષ્ટપેષણ, વાર્તાનો સાબિતીઓ સાથેનો સમયકાળ, એમાંય વળી વાર્તાની ઊઠાંતરીની શક્યતા, ‘Shoes’ શબ્દની જગ્યાએ મૂળ શબ્દ ‘Carriage’ હોવો, તેનો મૂળ લેખક એ નહિ પણ પેલો, પેલો પણ નહિ (અલ્યા, એ વાર્તાના લેખક તમે જ થઈ જાઓ ને; કોણ તમારા ઉપર કોપીરાઈટનો કેસ ઠોકી દેવાનું છે !) વગેરે વગેરે લખાવામાં માથા કરતાં પાઘડી એટલી તો બધી મોટી થઈ ગઈ છે કે આપણે વિચારતા જ રહી જઈએ કે એ પાઘડીના કાપડવણાટ માટે કેટલી કાપડમિલોએ કેટલી પાળીઓ સુધી વણાટકામ કર્યે જ રાખ્યું હશે ! મને એવો પણ વિચાર આવે છે કે જે તે લેખકે આટલી બધી મહેનત કરીને જો આ રચના લખી જ હોય, તો તે મૂર્ખાએ તેને વાર્તાના બદલે નવલકથા તરીકે ઓળખાવવી નહોતી જોઈતી ! ખેર, વ્યુત્પત્તિશાસ્ત્ર (Etymology) હેઠળ કહીએ તો એ બાળકનાં પગરક્ષક > પગરખ્ખક > પગરખક > પગરખાંને પેલા સ્ટોર કે મોલ(Mall)ના ઘોડા (Rack) ઉપર રહેવા દઈને આપણે‘પ્રયોગશીલતા’ના  એ પ્રયોગમાં થોડાક આગળ વધીએ.

સાહિત્યમાં ‘પ્રયોગશીલ સર્જક’ તરીકેની નામના મેળવવા માટે આપણે સર્વ પ્રથમ તો પ્રણાલિકાગત નોંધપાત્ર સર્જનો દ્વારા પાંચ સર્જકોમાં પુછાવાની કક્ષાએ પહોંચવું પડે ! સાહિત્યના નવતર પ્રયોગોની ખેતીમાં જો આપણે નવતર ખેડૂત હોઈશું, તો બળિયા ખેડૂતવિવેચકો આપણને અને આપણા પ્રયોગશીલ છોડવાઓને મૂળ સહિત ઊખેડી નાખીને સાહિત્યક્ષેત્ર(ખેતર)ની થોરની વાડ બહાર ફેંકી દેશે અને આમ કદાચ આપણા તનબદન ઉપરના થોરના કાંટાના ઊઝરડાઓ થકી આપણે લોહીલુહાણ પણ થઈ જઈએ ! મોટો માણસ માથે ખાસડાં મૂકીને ચાલશે, તો લોકો કહેશે કે ‘વાહ ભાઈ, વાહ! બોલો  એ કેવો નમ્ર માણસ છે !’; અને, નાનાના માથા ઉપરનાં ખાસડાંને પણ લોકો ખાસડાં મારશે એમ બોલીને કે ‘જૂઓ ‘લ્યા, જૂઓ; આની તો વાવડી ચસકી લાગે છે !’

ગુજરાતી સાહિત્યના પંડિતયુગમાં કોઈક બિચારા નવાસવા કવિએ પોતાની કવિતાની પહેલી જ ચોપડી છપાવી હતી. તેમણે છંદના કુછંદે ચઢ્યા વગર બધી જ કવિતાઓને અછાંદસ લખી નાખી હતી અને તેમની એ ચોપડીની પોતાની જ લખેલી પ્રસ્તાવનામાં તેમણે કંઈક આવું લખ્યું હતું : “કવિતા એ તો મુક્ત અને નાજુક કલા છે, તેને છંદોનાં બંધનોમાં બાંધવી એ તો તેના ઉપરનો એક પ્રકારનો જુલ્મ છે, તેને તો સરિતાની જેમ મુક્ત રીતે વહેવા દેવી જોઈએ, આ તો મારો નવતર પ્રયોગ છે, અહીં હું નવીન ચીલો ચાતરું છું, જોજો હોં, કોઈક દિવસે મારો ચીલો રાજમાર્ગ બનીને રહેશે, વગેરે વગેરે.” શું કહું, એ ભાઈઓ અને બહેનડીઓ, એના સમકાલીન વિવેચકોએ એ બિચારાનાં એવાં તો છોડિયાં ઊતારી નાખ્યાં હતાં કે આજે જો એ જ સુથારો અને એ જ આર્ષદૃષ્ટા કવિમહાશય  જીવતા થાય અને આજકાલ અછાંદસ કવિતાઓના ફાટેલા રાફડાઓને જુએ તો પેલાઓ પોતાનાં નાક રગડીરગડીને એ કવિની માફી માગ્યા વગર રહે નહિ !

જીવનના કોઈપણ ક્ષેત્રમાં પ્રયોગશીલતા તો હોવી જ જોઈએ. પ્રયોગશીલતા વગર નવીન આવિષ્કાર કે જૂના આવિષ્કારમાં અદ્યતનતા સંભવી શકે નહિ. પ્રયોગની યથાર્થતા ઉપર પ્રારંભે જ ગંભીરતાથી વિચાર કર્યા વગર આડેધડ પ્રયોગો કરવા મંડી પડવું એ સમય, નાણાં અને શક્તિને વેડફવા બરાબર છે. કોઈપણ પ્રયોગને અમુક તબક્કા સુધી સફળતાપૂર્વક લાવ્યા પછી અધવચ્ચે તેને અભરાઈએ ચઢાવી દેવાની વૃત્તિને મનોવિજ્ઞાનની શીખવાની પ્રક્રિયાના પરિપ્રેક્ષ્યમાં સ્થગિતતા (Stagnation)નો દોષ ગણવો પડે, તો  વળી એવા પ્રયોગને કાયમી તિલાંજલી આપી દેવી તે બગાડ (Wastage) કહેવાય. આ તો બધી પ્રયોગશીલતા અંગેની સર્વસામાન્ય વાતો થઈ. પરંતુ આપણે સાહિત્યિક પ્રયોગશીલતાના વર્તુળમાં પાછા ફરીએ તો મનોવિજ્ઞાનના એવા કોઈ જડ સિદ્ધાંતો તેને પૂર્ણત: લાગુ પડે નહિ. સાહિત્યિક પ્રયોગશીલતા એ સફળ ત્યારે જ થઈ ગણાય, જ્યારે કે લોકો તેને અપનાવવા માંડે. પ્રયોગશીલતામાં તથ્યહીનતા હશે તો તે જનસ્વીકાર્ય કે જનસમર્થનપ્રાપ્ય નહિ બની શકે અને એવા પ્રયોગો તેના ઉગમસ્થાને જ શમી જશે. અહીં પણ ચાર્લ્સ ડાર્વિનનો સક્ષમતા (Fitness) નો સિદ્ધાંત લાગુ પડશે.

ગુજરાતી કે વિશ્વભરની તમામ ભાષાઓ અને તેમનાં સાહિત્યસર્જનોમાં સૈકાંઓથી પ્રયોગો થતા આવ્યા છે. સઘળે અનેક સાહિત્યપ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે, તેમણે વિકાસ સાધ્યા છે કે તેઓ ક્ષય પણ પામ્યા છે. આપણને સત્તર અક્ષરના હાઈકુથી માંડીને મહાકાવ્યો, છાંદસ અને અછાંદસ કાવ્યો, તેમનાય વળી કેટલાય પેટાપ્રકારો, લઘુ કે દીર્ઘ નાટ્યરચનાઓ, લલિત કે ચિંતનપ્રધાન નિબંધો કે મહાનિબંધો, માઈક્રો કે પ્રમાણિત કદની વાર્તાઓ કે નવલકથાઓ, વિધેયાત્મક કે ખંડનાત્મક વિવેચનો, લોકકથાઓ કે બોધકથાઓ, પરંપરાગત કે પ્રયોગશીલ સાહિત્યસર્જનો (યાદી ઘણી લાંબી થઈ શકે છે) વાંચવા મળે છે. આપણા સ્વાનુભવે આપણે જાણતા જ હોઈએ છીએ કે જે કોઈ વાંચન આપણને શબ્દેશબ્દ વાંચવા મજબુર કરે તે આપણા પૂરતું ઉત્તમ અને રસપ્રદ ગણાય અને જેનાં પાનાં ફેરવી લેવાનું કે વાંચવાનું સમેટી લેવાનું આપણું મન થાય તો તે આપણા માટે તે કાં તો મધ્યમ કે પછી કનિષ્ઠ પ્રકારનું સાહિત્ય ગણાતું હોય છે. આમ કોઈપણ વાંચનનો ગમો કે અણગમો એ વ્યક્તિલક્ષી બાબત છે અને સ્વપસંદગી તેનો આધાર હોય છે. રસ, રુચિ અને વલણ વ્યક્તિ-વ્યક્તિએ ભિન્ન હોઈ કોઈ પણ એક વ્યક્તિનો કોઈપણ સાહિત્યસર્જન વિષેનો સકારાત્મક કે નકારાત્મક અભિપ્રાય એ સૌનો અભિપ્રાય ન જ બની શકે અને કોઈ દ્વારા એવો કોઈ આગ્રહ ક્યાંય પણ સેવાતો હોય તો તેને અમાન્ય જ ગણવો રહ્યો. આ વાત વિવેચકોએ સમજવા જેવી હોય છે. પોતાના વ્યક્તિગત ગમા કે અણગમાનો પ્રભાવ પડવા દીધા સિવાય કોઈપણ સાહિત્યકૃતિનું તટસ્થ વિવેચન એ વિવેચક તરીકેની આચારસંહિતાની પ્રધાન શરત છે.

મારી આ લેખશ્રેણીના પ્રારંભે જ મેં મનોમન બને તેટલા લખાણના લાઘ્વ્યને સ્વીકારી લીધું હોઈ અને આગળ ભાગો કે પ્રકરણોમાં ગયા વગર તેને એટલેથી જ સમેટી લેવાનું નક્કી કરી દીધું હોઈ, મહાનિબંધ સર્જાઈ શકે તેવા આ ‘પ્રયોગશીલતા’ના ગહન વિષયને સોદાહરણ ન ચર્ચી શકવા બદલ હું વેગુવાચકોની ક્ષમા પ્રાર્થું છું. આમ છતાંય લેખના પૂર્ણવિરામ પૂર્વે ગુજરાતી સાહિત્યના સૉનેટપિતા બ. ક. ઠાકોરના ‘ભણકારા’ સૉનેટને ‘પ્રયોગશીલતા’ના આ લેખના વિષય સબબે ઉલ્લેખ્યા સિવાય મારાથી નહિ રહી શકાય. સામાન્ય રીતે કોઈપણ પ્રયોગશીલતા પ્રારંભિક તબક્કે ક્ષતિયુક્ત માલૂમ પડે, પરંતુ આ ‘ભણકારા’ સૉનેટ એ કવિનું પોતાનું, ‘ભણકારા’ કાવ્યસંગ્રહનું  અને ગુજરાતી સાહિત્યનું પહેલું જ સૉનેટ હોવા છતાં એ નખશિખ સર્વાંગસંપૂર્ણ બની રહ્યું છે. નર્મદા નદીના પ્રાકૃતિક સૌંદર્યને ભવ્યાતિભવ્ય એવા શબ્દોમાં કવિએ વર્ણવ્યું છે કે આપણે કાવ્યરસમાં તરબોળ થઈ જઈએ છીએ અને આપણે જાણે કે કવિના ખભા ઉપર હાથ મૂકીને એ નદીના કાંઠે સાથે ઊભા રહીને એ દૃશ્યને માણતા હોઈએ એવું આપણે અનુભવતા હોઈએ છીએ ! એ સૉનેટની દૃષ્ટાંત અલંકારને પ્રયોજતી ગુજરાતી સાહિત્યમાંની શાશ્વત કાળ સુધી અમર રહેશે તેવી આ કંડિકા વાંચો : ‘ઊંચાંનીચાં સ્તનધડકશાં હાલતાં સુપ્ત વારિ, તેમાં મેળે તલ સમ પડે ઉપડે નાવ મારી.’

‘વેગુ’ ઉપર જુગલકિશોરભાઈ જ્યારે ‘સૉનેટ’ વિષય ઉપર લેખશ્રેણી આપી જ રહ્યા છે, ત્યારે આપણે તેમની પાસે અવશ્ય અપેક્ષા રાખીએ કે તેઓશ્રી આપણને ‘ભણકારા’ સૉનેટનું રસદર્શન કરાવશે જ.

જય હો.

-વલીભાઈ મુસા 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: