સાહિત્યકારો પોતાનાં સર્જનોમાં ઘણીવાર એવાં કથનો પ્રયોજતા હોય છે કે જે લાંબાગાળે સૂત્રો કે સુવિચારો બની જતાં હોય છે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે અને તેમાંય આ નિયમ લાગુ પડતો હોય છે. બ્લૉગ ઉપરના પ્રતિભાવ એ એક રીતે જોવા જઈએ તો વિવેચનની લઘુ આવૃત્તિ જ છે. અત્રે કનૈયાલાલ મા. મુનશીના વિવેચનશાસ્ત્રમાંના તેમના એક સૂત્ર ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ને ધ્યાનમાં ન રાખીને ‘વેગુ’વાચકોને ઊઘાડી શિખામણનાં કટુવચનોને યથાશક્ય શર્કરાયુક્ત આવરણમાં લપેટીને વટિકા ગળાવવાનો મારો અત્રે વિચાર છે. ક્યાંક આવરણ પાતળું રહી ગયું હોય કે કટુવચનના કોઈક ભાગે એ આવરણ બરાબર ચોંટ્યું ન હશે તો કટુતાનો થોડોક સ્વાદ આવી જવાની શક્યતા પણ ભારોભાર રહેલી છે જ. ‘કારેલાના ગુણ કડવા નથી હોતા’ એવું માનનારાઓ ભલે અલ્પસંખ્યક હોય, તો પણ તેમને જ ધ્યાનમાં રાખીને ગૃહિણીઓ કે વીશીઓના મહારાજો દ્વારા સમારાએલાં કારેલાંની કડવાશને નીચોવીને અને થોડોક વધુ પ્રમાણમાં ગોળ નાખીને પણ ભોજનની થાળીમાં એક વધારાના વિકલ્પ તરીકે કારેલાંનું શાક પીરસાતું હોય છે. આ લેખમાં મને “‘વલદા’ ગૃહિણો” કે “‘વલદો’ મહારાજ”, જે કહો તે, એવું જ કંઈક હું રાંધવા જઈ રહ્યો છું; પેલા અલ્પસંખ્યકોને જ મદ્દેનજર રાખીને જ તો !
આજનું કારેલું એ છે કે જેને બ્લૉગની દુનિયાનાં માણસો ‘પ્રતિભાવ’ના નામે ઓળખે છે. બ્લૉગનું માળખું ગોઠવનારાઓએ તો તેના માટે અંગ્રેજી શબ્દ ‘Comment’ આપ્યો છે, જેનો સીધો અર્થ તો ‘ટીકા’ થાય છે; પણ આપણાં શાંતિપ્રિય ગુર્જરજનોએ એના માટે ‘પ્રતિભાવ’ શબ્દ અપનાવીને તેને ‘Response’ના અર્થમાં ગોળ કાણામાં ચોરસ ખીલાની જેમ લાકડાની હથોડીએ હળવેથી બેસાડી દીધો છે. મારા મતે Comment Box એ એક પ્રકારનું Magic Box છે કે જે લેખનાં વિવિધ પાસાંઓને દેખાડે છે. પ્રતિભાવના બે જ સારા શબ્દો સારા લેખકને ઊંચે લઈ જાય છે, તો એ જ બે સારા શબ્દો નઠારા લેખકને પાછો પાડી દેતા હોય છે. પહેલામાં કાબેલિયતને પ્રોત્સાહન મળતું હોય છે, તો બીજામાં મિથ્યા ગર્વને પોષણ મળતું હોય છે.
મારો એક હોસ્ટેલ મિત્ર ભજનો ગાવાનો શોખીન હતો અને જુદાજુદા સમયે નિશ્ચિત ભજન જ ગાતો. બાથરૂમમાં નહાતી વખતે તે ‘પ્રભુ ભાવ-ના ભૂખ્યા છે, ભોજનના થાળ શાને !’ ગાય. આ વાત એટલા માટે યાદ આવે છે કે બ્લોગર એ પણ પોતાના બ્લોગનો પ્રભુ છે અને વાચક એનો ભક્ત છે. આ પ્રભુ ભક્તની પાસે ગિફ્ટ પાર્સલ જેવી મોટી અપેક્ષા નથી રાખતો, માત્ર બેચાર શબ્દોના પ્રતિભાવની આશા રાખે છે. હવે એ પણ ન મળે ત્યારે એને એવું ગાવાનો વારો આવે કે ‘હું પ્રતિભાવનો ભૂખ્યો છું, ખાલીખમ થાળ શાને ?’
રેડિયોના જમાનામાં સમાચાર-વાંચનમાં શરૂઆતમાં અને વચ્ચેવચ્ચે ‘આ આકાશવાણી છે’ એમ જે કહેવાતું, બસ તેમ જ વચ્ચે આ ‘વલદા’ કહી રહ્યો છે કે “આ લેખ ‘વેબગુર્જરી’ માટે લખાઈ રહ્યો છે.” અને તેજીને કરવામાં આવતી ટકોરની જેમ ‘વલદા’ એ કહેવા માગે છે કે કલાકારને દાદ(પ્રશંસા) ન મળે તો એ બિચારો દાદ(ફરિયાદ) કરવા ક્યાં જાય ! વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિરહુસેન પણ જો દાદ ન મળે તો સંચાલકોના મોંઢા ઉપર મળેલી ફીની નોટો ફેંકીને બગલમાં તબલાં દબાવીને સ્ટેજ છોડીને ભાગી જાય ! જો બ્લૉગર પોતાની જ કૃતિઓને પોતાના બ્લૉગ ઉપર મૂકતો હોય, તો તેના માટે તો સમજ્યા મારા ભાઈ કે, તે નિજાનંદ માટે લખે છે એટલે એને ભાવ, સમભાવ, અનુભાવ, પ્રતિભાવ, કટુભાવ, દ્વેષભાવ કે જે કહો તે ભાવ મળે કે ન મળે એને કોઈ ફરક પડશે નહિ; કેમ કે ત્યાં તો ‘વાડી’ અને ‘દલો તરવાડી’ એકના એક જ છે. પરંતુ એવી કોઈ સાઈટ કે એવાં કોઈ ઈ-સામયિક કે જે બિનવ્યાપારી ધોરણે કામ કરતાં હોય તેને તો અન્ય લેખકો ઉપર અવલંબિત રહેવું પડે અને એ લોકો જ્યારે કોઈ પુરસ્કારની અપેક્ષા વગર જાન રેડીને કંઈક લખતા હોય ત્યારે તે પ્રતિભાવ તો અવશ્ય ઝંખે જ ને !
કલાપીની આ કાવ્યપંક્તિ કે ‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ’ ને આપણે હરખપદુડા થઈને રટ્યા કરીએ અને વાચક તરીકે આપણે એને અમલમાં ન મૂકીએ તો ‘પોથીમાંના રીંગણા’ના ચિત્રને ચાવવા જેવું જ સમજવું પડે ને ! મોંઢામાં કાગળનો ડુચો વળશે, પણ એમાંથી સરસ મજાનાં મસાલાથી ભરેલાં રીંગણનાં સમારિયાંનો સ્વાદ તો ક્યાંથી મળવાનો છે ! અહીં વળી એક કાવ્યપંક્તિ યાદ આવી જાય છે, ‘મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી’; જેને આમ ગાવાની ઇચ્છા થાય છે, ’મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યાં ‘Like’ બટનને જરી !’ ભલાં ગુર્જરભાંડુડાંઓ, કોઈને ખુશ થઈને ભલે ઈનામ ન આપો, પણ મફતના ભાવની તાળી તો આપી શકાય ને ! ‘Like’ બટન એ ટેકનોલોજિકલ તાળી જ છે ! વળી તમે બ્લોગધારક હશો અને તમારા બ્લૉગમાં તમારો ફોટો હશે તો ‘Like’ બટનની હારોહાર તમારા ફોટા સાવ મફતમાં ગોઠવાતા જશે અને બ્લોગરે ‘Like’ ની જાણકારી મેળવવા માટેની મેઈલનો વિકલ્પ પસંદ કર્યો હશે તો બ્લૉગ સર્વિસ પ્રોવાઈડર પેલા લેખકને ‘Like’ની મેઈલ મોકલી આપીને મેટ્રિક પદ્ધતિમાં કહીએ તો એમને પાંચસો ગ્રામ (જૂનો માનાંક ‘શેર’) લોહી ચઢાવશે !
અમે કેટલાંક મિત્રો એક હાસ્યબ્લોગે એકવાર એવાં તોફાને ચઢેલાં (બહેનો પણ ભેગી હતી !) કે પ્રતિભાવોમાં ટોળટપ્પા કરીને થોડાક સમયમાં તો એ સાઈટને ગરમલ્હાય કરી દીધેલી. પછી તો થયું કે લાવોને આપણે અંગત રીતે એ બ્લૉગ માટે કોઈ હાસ્યલેખકોને નિમંત્રીએ. અમારા નિમંત્રણને માન આપીને કેટલાક લેખકોએ સરસ મજાના હાસ્યલેખો આપ્યા પણ ખરા. પરંતુ પછી તો થોડાક સમય માટે પ્રતિભાવોમાં થોડીક મંદી (Recession) આવી અને પેલા લેખો પ્રતિભાવ વગરના કોરા જવા માંડ્યા અને એક લેખકે તો શિષ્ટાચાર(Protocol) ને ભૂલી જઈને અંગત મેઈલમાં એવી હૈયાવરાળ કાઢી કે ‘જોયા, જોયા તમારા વાચકો, એકેયમાં Sense of humor તો છે જ નહિ; આવા બ્લૉગ ઉપર અમારી સોનાની સાંકળને પાણીમાં શા માટે નાખીએ !’ મિત્રો, બધાંય ‘વેગુ’વાચકોને સમજાય એ રીતે આ વાત અહીં એટલા માટે મૂકી છે કે ‘બાપલિયાં, જો જો હાં, અહીં ‘વેગુ’ ઉપર અમારાં નિમંત્રણને માન આપીને આવતા વિદ્વાન લેખકો અમને સંચાલકોને એવું મહેણું ન મારી જાય કે ‘જોયા, જોયા તમારા વાચકો; એકેયમાં કામની કદર કરવાની અક્કલ તો છે જ નહિ !’ અને પછી નવ અને બેનો સરવાળો કરી દે ! ( ન સમજાયું હોય, તો તેનું હિંદી કરી દઉં કે ’નૌ ઓર દોકા જુમલા કર દેં !; હજુ ન સમજાયું હોય તો કહું કે ‘નવ અને બેનો સરવાળો અગિયાર કરી દે !’ હાશ, હવે સમજાયું હશે ખરું !!!)
‘વેગુ’મિત્રો, ‘જોયા, જોયા તમારા…’ લખતાં એના અનુસંધાને એક રમુજી ટુચકો યાદ આવ્યો છે; જેને અહીં નહિ મૂકું તો મારા લેખના ઉપરોક્ત લખાણમાંનો મારો રૂની પૂણીનો પ્રહાર કોઈને ઈજા પમાડી ગયો હોય તો તેમને રૂઝ નહિ વળે ! “શ્રીરામ અને સીતાજીના વનવાસ દરમિયાન સીતાજીની પતિસેવા જોઈને નરવાનરો પ્રભાવિત થયા અને માદાવાનરોને શિખામણ આપવા માંડ્યા કે ‘અલી વાંદરીઓ, જાઓ અને સીતામાતાને જોઈ આવો કે એ કેવાં ગુણિયલ છે અને પતિની કેવી સેવા કરે છે ! તમે લોકો તો એમાંનું કશું જ કરતી નથી !’ માદાવાનરોએ સીતામાતાને વચમાં ઊભાં રાખીને કેટલીયવાર સુધી તેમની ફરતે પ્રદક્ષિણા કરી અને ઝાડવાંઓ ઉપર પ્રતીક્ષા કરતા નરવાનરો પાસે જઈને કહ્યું, ‘જોયાં જોયાં, તમારાં સીતામાતાજી ! એમને પૂંછડી તો છે જ નહિ !’” આપ સૌ સમજદાર અને શાણા વાચકોને ‘વલદા’થી એવું થોડું કહેવાય કે ‘…. એટલા માટે જ તો ‘Like’નું બટન આપ્યું છે, ને !!!’
બ્લોગીંગમાંની પ્રતિભાવની વ્યવસ્થાને ગંભીરતાથી સમજવી પડશે અને લેખકોએ પણ માનસિક રીતે તૈયારી રાખવી પડશે કે All the times સારા પ્રતિભાવ ન મળે અને કોઈકવાર વાચકો દ્વારા તેમના કાન પણ ખેંચવામાં આવે અને ત્યારે પ્રત્યુત્તર આપવાની તેમની ફરજ પણ બની રહે. અપરિપક્વ લખાણના લેખકે સારા પ્રતિભાવોની અપેક્ષા રાખવી અસ્થાને છે. ઊલ્ટાનું એણે તો એમ ઇચ્છવું જોઈએ કે કોઈક એમની ખામીઓ બતાવે. જાહેરમાં એવી ટીકાટિપ્પણી ન ખમાય તેમ હોય તો અંગત મેઈલથી પણ જાણીજણાવી શકાય. સારા પ્રતિભાવો મેળવવા માટે લાંઘણ કરવી એ તો માગીને માન મેળવ્યા બરાબર ગણાય અને એવા માનનું મૂલ્ય પણ શું ગણાય ?
વાચકપક્ષે પણ એ અપેક્ષિત છે કે તેઓ પોતાના પ્રતિભાવોમાં લખાણની શિષ્ટતા જાળવે. બ્લોગ એ બુદ્ધિજીવીઓ અને બુદ્ધિશાળીઓ માટેના વિચારોના આદાનપ્રદાન માટેનું એક ફલક (Platform) છે; જ્યાં સૌએ ખેલેદિલીપૂર્વક વર્તવાનું છે, એકબીજાનાં માનસન્માનને જાળવવાનાં છે, તટસ્થ અભિપ્રાયો મુક્ત રીતે આપવાના છે, એને કુસ્તીનો અખાડો બનાવવાનો નથી ! અહીં એવું ન બને કે પેલા પ્રાચીન કવિએ ‘પશુમાં પડી તકરાર’ જેવું કોઈ વર્તમાન કવિએ લખવું પડે કે ‘બ્લોગરોમાં પડી તકરાર’ ! અહીં પ્રશંસાને સ્થાન છે, ખુશામતને નહિ; અહીં સ્પષ્ટવક્તાપણું આવકાર્ય છે, તોછડાઈ નહિ; અહીં જ્ઞાન, ગમ્મત, ચિંતન, અને મનનને અવકાશ છે, બાલિશતાને નહિ; અહીં વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાએ એકાદ કદમ આગળ વધવાનું છે, પીછે કદમ નહિ.
અનેક બ્લૉગરોને અનુભવ થયો હશે કે કોણજાણે કેટકેટલા અજનબી માણસો સાથેના તેમના સંપર્કો સંધાયા હશે અને મિત્રાચારીના અંકુરો ફૂટ્યા હશે, આ બ્લોગના માધ્યમ થકી ! અહીં ‘વલદા’ એમ કહે કે ‘એટલા બધા સંબંધો બંધાયા છે કે તેમનાથી એક નાનકડું ગામ સર્જાઈ રહે’ તો તેને અતિશયોક્તિ સમજતા નહિ. વલદાનું તારણ છે કે બ્લોગના માત્ર લેખન કે વાંચનથી સંબંધો બંધાતા નથી, કેમ કે એ તો બંને પક્ષે એક મૂક ક્રિયા માત્ર બની રહે છે; પ્રતિભાવના માધ્યમ દ્વારા જ સંબંધો બંધાય છે અને સાથેસાથે એ પણ ખરું કે વિવેકભાન ગુમાવાય તો સંબંધો વણસે પણ ખરા !
‘વલદા’ એ આ લેખમાં સાવધાની વર્તીને જે કહેવા ધાર્યું હતું તે કહી દીધું છે, કોઈની લાગણી ન દુભાય તેની તકેદારી પણ એણે રાખી છે, જે કંઈ લખાયું છે તે ‘વેબગુર્જરી’ પ્રત્યેના અહોભાવના કારણે જ તો; આમ છતાંય જાણેઅજાણે આજના આ લેખરૂપી કારેલાની કોઈ કડવાશ કોઈ વાચકની જીભને સ્પર્શી ગઈ હોય તો તેમની ક્ષમા પ્રાર્થીને ‘વલદા’ અત્રેથી વિરમે છે.
જય ગુર્જરી.
સુરેશ
July 1, 2016 at 2:27 pm
લો! તાંણે …લાઈક પણ કર્યું અને કોમેન્ટ પણ આપી. ભલે બે વખત ખોલવું પડ્યું! અને એમ કરતાં ‘મુલાકાતી આંક’ પણ વધારી આપ્યો !
———-
હવે પ્રતિભાવ…..
વિવેચન શાસ્ત્ર અંગે તો આ જણ અભાન છે, પણ અનુભવે એટલી ખબર પડી છે કે, બ્લોગો/ વેબ સાઈટો પર વાડકી વહેવાર વાસંતી વાયરે ખીલ્યો/ મહોર્યો છે. જો એમ કરવામાં ચૂકો તો, તમારી દુકાન પર કાગડા ઊડે! ચકલીઓ જે કબૂતર કેમ નહીં – એ સંશોધનનો વિષય છે! એ વહેવારના કારણે, નવોદિતો માટે જરૂરી ગુણવત્તાની તો પથારી જ ફરી જવાની!
ખેર.. વાયરો હાલ તોએ દશ્યમાં જ વાઈ રહ્યો સં !!!
LikeLike
સુરેશ
July 1, 2016 at 2:28 pm
જરા આ સુધારી લેજો…
ચકલીઓ કે કબૂતર કેમ નહીં? ..
LikeLike
mhthaker
July 1, 2016 at 2:57 pm
Pratibhavo- upper n.a. pratibhav kharej jeenavat poorvak ane upyukta lagya. Sunder he sukhad nibandh lakhava mate aamara Vandan.
LikeLike
pragnaju
July 1, 2016 at 9:19 pm
‘આજના આ લેખરૂપી કારેલાની કોઈ કડવાશ કોઈ વાચકની જીભને સ્પર્શી ગઈ હોય તો તેમની ક્ષમા’
… જરુરી છ આ કારેલા.ફાયદો જ થશે
‘ પ્રતિભાવના માધ્યમ દ્વારા જ સંબંધો બંધાય છે અને સાથેસાથે એ પણ ખરું કે વિવેકભાન ગુમાવાય તો સંબંધો વણસે પણ ખરા !’
એકવાર લયસ્તરો પર કડક ટીકા કરી અનલહક અંગે લખ્યું તો આટલા મોટા ગજાના તબીબ , બ્લોગ ધારક વિવેકી વિવેકે જ કહ્યું છે કે તમે લખો ત્યારે વખાણ ,દોષદર્શન અને સમજાય એવું ન હોય તો ઉપેક્ષાની પણ તૈયારી રાખવી પડે. તમારા ગાલીબસાહેવબની પોસ્ટ પર આટલી સરસ તમારી સમજુતી છતા
એવા હૈયા સુના સમીપ હ્રુદય શા ઢોળવા અમથા…?
તો બીજી તરફ … કો ઇ ચાતકનો જીવ જાય
‘બાપલિયાં, જો જો હાં, અહીં ‘વેગુ’ ઉપર અમારાં નિમંત્રણને માન આપીને આવતા વિદ્વાન લેખકો અમને સંચાલકોને એવું મહેણું ન મારી જાય કે ‘જોયા, જોયા … ખરું !!!)
માફ કરજો આવી તૈયારી રાખવી જોઈએ
LikeLike
pravinshastri
July 2, 2016 at 2:22 am
મારાથી કંઈ બોલાય? વિદ્વાનોની વાતમાં ના જ બોલાય. વલીભાઈએ તો મને બોલતા પહેલાં નાક પર આંગળી મૂકી ને ચૂપ કરી દીધો. ચોખ્ખું ને ચટ્ટ પરખાવી દીધું. “અહીં પ્રશંસાને સ્થાન છે, ખુશામતને નહિ; અહીં સ્પષ્ટવક્તાપણું આવકાર્ય છે, તોછડાઈ નહિ; અહીં જ્ઞાન, ગમ્મત, ચિંતન, અને મનનને અવકાશ છે, બાલિશતાને નહિ; અહીં વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાએ એકાદ કદમ આગળ વધવાનું છે, પીછે કદમ નહિ.”
આંગળી ઊચી કરીને આપ સૌને એક વાત આપ બધ્ધાને કહી દઉં છું. પ્લીઝ તમને મારી વાર્તા, લેખ કે કંઈપણ ના ગમે તો પણ વખાણ કરતા જ રહેજો. આપણું હાર્ટ ખૂબ જ ખૂબ જ ફ્રેજલ છે. વાંકું ચૂકું બોલ્યા કીટ્ટા. વાડકી વ્યવહાર બંધ. વલીભાઈ આપણી આ વાત ફોર્વર્ડ કરજો. વાંચ્યા વગર સરસ છે એટલું કહેશો તોયે મને ગમશે. પાણી પાણી થઈ જઈશ.
LikeLike