RSS

(૪૫૩-અ) અનુવાદન – કલા કે શાસ્ત્ર; કે પછી એ બંને ?

19 Dec

‘અનુવાદન’ શબ્દના બે અર્થો છે : એક – કોઈ એક વાદ્યવાદકને અન્ય વાદ્યવાદકે સાથ આપવો; અને બે – સાહિત્યકૃતિનું ભાષાંતર કરવું. મારા પ્રશ્નસૂચક શીર્ષકનો જવાબ અહીં જ આપી દઈને હું મારા લેખમાં આગળ વધવા માગું છું. મારો જવાબ એ છે કે સંગીત અને સાહિત્ય બંનેમાંનું અનુવાદન એ કલા અને શાસ્ત્ર બંને છે. સંગીત શાસ્ત્રની રીતે શિખાય કે શિખવાય છે, માટે તે શાસ્ત્ર છે અને એ સંગીત જ્યારે પ્રગટે છે; ત્યારે એ કલા બને છે. સાહિત્યિક અનુવાદન પણ તેની પ્રક્રિયા દરમિયાન તેની શાસ્ત્રીયતાને અનુસરે છે અને પ્રક્રિયા પૂરી થતાં પરિપાકરૂપે આપણી સામે આવે છે, ત્યારે તે કલાસ્વરૂપે હોય છે. આ સંગીતકલા કે અનુવાદકલાએ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવી હોય તો તેમના રજૂકર્તાઓ માટે કાર્યકુશળતા અનિવાર્ય બની રહે છે અને આ કાર્યકુશળતા સજ્જતાથી જ આવી શકે છે. આ લેખ સાહિત્યિક અનુવાદન ઉપર જ હોઈ આપણે સંગીતને એની રીતે વાગવા દઈને આગળ વધીએ !

સાહિત્યના અનુવાદક હોવા કે થવા માટેની પાયાની શરત એ છે કે તેની પાસે બંને ભાષાઓ ઉપરનું પ્રભુત્વ હોવું જરૂરી છે. જે ભાષામાંથી અનુવાદકાર્ય કરવામાં આવી રહ્યું હોય તે ભાષા ઉપર અનુવાદકનું પ્રભુત્વ હોવું એટલા માટે જરૂરી છે કે તે લખાણના અર્થ અને ભાવ બંનેને એ સારી રીતે સમજી શકે. એ જ પ્રમાણે એ અનુવાદ જે ભાષામાં થઈ રહ્યો હોય તેના ઉપર એ અનુવાદકની પકડ હશે તો જ તે મૂળ કૃતિના અર્થ અને ભાવને સુપેરે અભિવ્યક્ત કરી શકશે. વાચક જ્યારે કોઈ અનુવાદિત કૃતિ વાંચી રહ્યો હોય, ત્યારે તેના માટે મૂળ કૃતિનું કોઈ વજૂદ હોતું નથી; એને તો નિસ્બત હોય છે, તેની સામે જે છે તે પરત્વે જ. વાચકને એમ જ લાગવું જોઈએ કે પોતે જે કૃતિ વાંચી રહ્યો છે તે કોઈ અનુવાદિત કૃતિ નથી, પણ જાણે મૂળે એ ભાષામાં પ્રથમ જ લખાયેલી છે. આમ અનુવાદક વાચકને આ પ્રકારની પ્રતીતિ કરાવવા માગતો હોય તો તે અનુવાદકાર્ય આદર્શ રીતે થયું હોવું જોઈએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો અનુવાદકે સમજવા અને સમજાવવા માટેની એમ બેઉ ક્ષમતાઓ કેળવવી પડે. જે પોતે જ સમજ્યો ન હોય તે બીજાને શું સમજાવી શકવાનો હતો !

આપણે આગળ અનુવાદક માટે ભાષાઓ ઉપરના પ્રભુત્વની આવશ્યકતાને સ્વીકારી છે, તો એ પણ જાણી લઈએ કે એ પ્રભુત્વ કેવી રીતે મેળવી શકાય. શું જે તે ભાષાનાં શબ્દભંડોળ કે વ્યાકરણ એ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે પર્યાપ્ત ગણાય ? ના, હરગિજ નહિ. દરેક ભાષામાં સામાન્ય કે સહજ રીતે બોલાતા શબ્દો (Colloquial words) હોય છે, તેના મુહાવરા કે કહેવતો હોય છે, તેમાં કેટલાક સ્વાભાવિક ઉદ્ગારો હોય છે, કોઈક એવા પણ શબ્દો હોય કે જેમાં વિશિષ્ટ ભાવો સમાયેલા હોય છે. આ બધું જાણવું, સમજવું, અનુભવવું પણ અનુવાદક માટે જરૂરી બની જાય છે અને તો જ જે તે ભાષાના પ્રભુત્વને પામી શકાય. માત્ર સાર્થ શબ્દભંડોળ ઉપર આધાર રાખનાર અનુવાદક અનુવાદ તો કરી બતાવશે; પણ તે કાર્ય દીપી નહિ ઊઠે, પરંતુ તે વસ્ત્ર ઉપર થિગડાં (Patch work) માર્યા જેવું ગણાશે. મનોરંજન માટે આવી કેટલીક ઉક્તિઓ પ્રચલિત છે, જેવી કે ‘દિલ બાગ બાગ થઈ ગયું’ નું ‘Heart became garden and garden !’, ‘લડતાં લડતાં તે રંગમાં આવી ગયા’નું ‘Fighting and fighting he came in color !’ વગેરે…વગેરે.

દરેક ભાષામાં વક્રોક્તિઓ હોય છે, કટાક્ષ માટે કેટલાક શબ્દપ્રયોગો થતા હોય છે, અપશબ્દો હોય છે, શિષ્ટાચારસૂચક સંબોધનો હોય છે, હૂલામણા શબ્દો હોય છે, શબ્દોની અર્થચ્છાયાઓ હોય છે, કેવું બોલાય અને કેવું ન બોલાય તેના વિવેકો કે મર્યાદાઓ હોય છે, વૈકલ્પિક શબ્દો હોય છે અને એ શબ્દોના હળવા કે કઠોર અર્થો હોય છે. આ બધું જાણવા અને સમજવા માટે વ્યાવહારિક જ્ઞાન જ કામ આવી શકે; માત્ર પુસ્તકોનું જ્ઞાન તો આપણને છેતરી જાય, અનર્થો ઊભા કરાવે, ગંભીર વાતને હાસ્યાસ્પદ બનાવી દે, ઘણુંઘણું બની શકે, આ યાદી હજુય લાબી થઈ શકે તેમ છે !

દરેક ભાષામાં મુખ્યત્વે ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારે લખાતું હોય છે. ગદ્યનું અનુવાદકાર્ય પ્રમાણમાં સહેલું પડે, પરંતુ પદ્યનું અનુવાદન તો લોઢાના ચણા ચાવવા બરાબર ગણાય. પદ્યસર્જન ભાવાત્મક હોય છે અને અનુવાદકે એ ભાવને પકડવો અને જે તે ભાષામાં એને અભિવ્યક્ત કરવો એ કવિકર્મ છે અને એ કવિકર્મ અછાંદસ તો કદાચ શક્ય બને, પરંતુ એને છંદબદ્ધ રીતે કરવાનું હોય; તો અડધા નહિ, પણ આખા કવિ જ બનવું જ પડે !

વચ્ચે મારા એક લેખ “વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૧) અને (૨)”માંના કેટલાક અંશોને કે જે અત્રે પ્રસ્તુત હોઈ તેને અહીં આપતાં મારી જાતને રોકી નથી શકતો. એક વખતના આપણા ભારતીય રેલવે પ્રધાન શ્રી લાલુપ્રસાદ યાદવને તેમના બજેટ પ્રવચન દરમિયાન તેમણે કહી સંભળાવેલી કેટલીક હિંદી પંક્તિઓના તેમણે જ કરેલા હિંમતભર્યા અંગ્રેજી ભાષાંતર સંદર્ભે તેમને અહીં યાદ કરું તો મારા ભલા વાંચકો મને થોડોક સહી લેશે તેવી આશા સેવું છું.

સબ કહતે હૈં, હમને ગજબ કિયા હૈ,
કરોડોંકા મુનાફા, હર એક શામ દિયા હૈ|
ફલ સાલોંમેં અબ દેગા પૌધા જો લગાયા હૈ,
સેવાકા સમર્પણકા હમને ફર્જ નિભાયા હૈ|

મિ. લાલુપ્રસાદ યાદવના હાજરજવાબીપણા અને રમુજી સ્વભાવે તેમને ઉપરોક્ત કંડિકાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે લથડતી અને કબુતરના ઘૂઘવાટ જેવી અંગ્રેજી ભાષામાં જે સંભળાવ્યું તેનાથી માત્ર લોકસભાના સભ્યો જ નહિ, પણ સ્પીકર શ્રી સોમનાથ ચેટરજી પણ હસી પડ્યા હતા. તેમણે ભાષાંતરિત જે વાક્યો સંભળાવ્યાં તે નમૂનારૂપે આ પ્રમાણે હતાં : ‘They are saying that Lalu Yadav has planted a fruit tree and every year it is a duty of mine to grow fruit trees.’ (તેઓ કહે છે કે લાલુ યાદવે ફળનું ઝાડ વાવ્યું છે, અને દર વર્ષે ફળોનાં ઝાડ ઊગાડવાની મારી ફરજ છે.)

ઉપરોક્ત ઉદાહરણ દ્વારા આપણને સમજાય છે કે અનુવાદકની સજ્જતા ન હોય તો તે અનુવાદકાર્ય કેવું હાસ્યાસ્પદ બની શકતું હોય છે. તેમના પદ્યનું અંગ્રેજીમાં રૂપાંતર ચોક્કસ રમુજ ઉત્પન્ન કરી શક્યું, પણ તેમના હિંદીમાંના ખૂબ જ અસરકારક પદ્યના મૂળ ભાવને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા ન હતા. આવી સમસ્યા કોઈપણ અનુવાદકને નડી શકે, કેમ કે કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે. બીજી વાત કે જે મેં અગાઉ કહી છે તેનું પુનરાવર્તન થવા દઈને પણ જણાવીશ કે ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’ અને આમ મૂળ સર્જક અને અનુવાદકના આત્મા સમભાવી ન હોય તો મૂળ કૃતિનું હાર્દ માર્યું જાય. હજુ પણ આપણે પદ્યાનુવાદ વિષે થોડુંક વિશેષ જાણી લઈએ.

કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે. અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને ‘Fair flowers in the valley’ (વનરામાં ગલ રાતાં ફૂલડાં) વગેરે.

આપણાં કેટલાંય ભારતીય ભાષાઓનાં સાહિત્યોનો વિદેશી ભાષાઓમાં અને એ જ પ્રમાણે વિદેશી ભાષાઓમાંનાં સાહિત્યોના ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. સાહિત્યજગતનો શિષ્ટાચાર એ છે કે કોઈપણ અનુવાદકે મૂળ જે તે ભાષાના સર્જકની અનુવાદકાર્ય કરવા માટેની અનુમતિ લેવી પડે અને માત્ર એટલું જ નહિ કોપીરાઈટના સબબે કોઈ લેતીદેતીની ચોખવટો પણ કરવી પડે. હવે માનો કે આ બધો વ્યવહાર થાય પણ ખરો, પણ મૂળ સર્જક તો અનુવાદક ઉપર માત્ર વિશ્વાસ જ મૂકી શકે કે જે તે ભાષામાં અનુવાદકાર્ય યોગ્ય રીતે અને સાચું થશે જ. હવે અપરિપક્વ અનુવાદક જો મૂળ કૃતિને યોગ્ય ન્યાય ન આપી શકે તો તેની સાથે વિશ્વાસઘાત થયા જેવું ગણાશે; કેમ કે અનુવાદક તો બંને ભાષાઓને જાણતો હોય છે, પણ સર્જક તો અનુવાદની ભાષાથી અજાણ જ હોય છે. એને બિચારાને તો ખબર સુદ્ધાં નથી પડવાની કે અનુવાદનમાં કેવું અને કેટલું કાચું કપાયું છે, સિવાય કે એ બંને ભાષાઓનો કોઈ જાણકાર વાચક એનું ધ્યાન દોરે.

આપણે એ પણ જાણી લઈએ કે ભાષાંતરકારે પોતાની ભાષાના શબ્દો કે વાક્યરચનાઓને યોગ્ય અર્થે અને સંદર્ભે પ્રયોજવાનાં હોય છે. અત્રે કોઈ ટીકા રૂપે કહેવામાં નથી આવતું, પણ જ્યારે આપણે અર્થ કે સંદર્ભની વાત કરતા જ હોઈએ તો એ મતલબનાં કોઈ એકાદબે ઉદાહરણો મારે આપવાં રહ્યાં. આપણા પંડિતયુગના કોઈક સાહિત્યકારે શેક્સપિઅરનાં નાટકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા હતા, જેમાંના આ બે નાટકો, કે જે વર્ષો પહેલાં મારા વાંચવામાં આવ્યાં હતાં, તેમાંની ભીતરની વાતને તો કોરાણે મૂકીએ; પણ માત્ર તેમનાં શીર્ષકોના અનુવાદને હું અત્રે જણાવીશ તો મારા વિદ્વાન વાચકમિત્રો સ્મિત કર્યા સિવાય રહી શકશે નહિ. શેક્સપિઅરના ‘Measure for Measure’ નાટકનું નાટકીય લાગે તેવું ગુજરાતી શીર્ષક હતું : ‘થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ !’; તો વળી, ‘Mucha Ado About Nothing’નું શીર્ષક હતું : ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર !’’ અહીં શીર્ષકના અનુવાદની કોઈ જરૂર ન હતી અને માનો કે હતી તો રૂઢિપ્રયોગો પ્રયોજવાના બદલે સાદા શબ્દોમાં અનુક્રમે ‘જેવા સાથે તેવા’ કે ‘સરવાળે શૂન્ય’ જેવાં શીર્ષકો આપી શકાયાં હોત !

કેટલાક અનુવાદકો તો સંજ્ઞાવાચક નામોને પણ અનુવાદિત ભાષાઓમાં ફેરવી નાખતા હોય છે. સ્વ. મનુભાઈ પંચોલીએ સોક્રેટિસ ઉપરની નવલકથાનું શીર્ષક ‘સોક્રેટિસ’ જ રાખ્યું હતું, જ્યારે મેં હિંદીભાષી સાહિત્યકારોને ‘સોક્રેટિસ’ના બદલે ‘સુકરાત’, ‘પ્લેટો’ના બદલે ‘પ્લુતો’, ‘એરિસ્ટોટલ’ના બદલે ‘અરસ્તુ’ કે ‘મેસિડોનિયા’ના બદલે ‘મકદુનિયા’ પ્રયોજતા વાંચ્યા છે. કોઈ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનારો અનુવાદક આપણી ભાષાના ‘રબારી’ શબ્દને ‘રાબરી’(Raabari)’, ‘યોગ‘ને ‘Yoga’, ‘ઋષિ’ને ‘Rishi’, ‘ઋચા’ને ‘Richa’ કે એવું કંઈક શબ્દાંતર કરી નાખે ત્યારે આપણને શું અજનબીભર્યું નથી લાગતું ! સંસ્કૃતમાંથી ઉર્દુ અનુવાદમાં કોઈ રાણી માટે બેગમ કે રાજા માટે બાદશાહ પ્રયોજવામાં આવે તો કેવું વરવું લાગે ! ‘અબ્દુલ્લાહ (અલ્લાહનો બંદો-સેવક)’ અને ‘ભગવાનદાસ (ભગવાનનો દાસ-સેવક)’ નામોના અર્થ તો સમાન જ છે, છતાંય એમને એકબીજાના વિકલ્પે ન જ પ્રયોજી શકીએ. અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે અનુવાદકાર્યમાં આપણે એવા તો ચીકણા ન જ થવું જોઈએ કે જેથી આપણે ‘વેદિયા’માં ગણાઈ જઈએ !

જય હો !

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

3 responses to “(૪૫૩-અ) અનુવાદન – કલા કે શાસ્ત્ર; કે પછી એ બંને ?

  1. Anila Patel

    August 10, 2016 at 4:23 am

    Anuvadan-ni bahu saras samaj aapi aape. Schoolma sanskrut ke hindimathi bhashantar karvanu aavatu tyare shabdbhandol ane kahevato ke muhavara par pakad na hoy etale nake dam avi jato.

    Like

     
  2. pragnaju

    August 10, 2016 at 1:00 pm

    ચિંતનાત્મક લેખ વારંવાર વાંચતા સમજ પડી.
    એમ કહેવાય છે કે હાસ્ય અને કવિતાના અનુવાદ થઈ શકે નહિ.
    આપે-‘ સબ કહતે હૈં, હમને ગજબ કિયા હૈ…’નો જાણીતો દાખલો આપી સમજાવી.ત્યારે બીજી તરફ આ ખૂબ અઘરી વાત આપે સિધ્ધ કરી બતાવી છે. અમુક શબ્દો જે ગુજરાતીમાં હોય તે બીજી ભાષામાં અનુવાદ કરવા અઘરા હોય છે તેથી અનુભવથી બીજી ભાષા શીખવવાનો પયત્ન કરવો પડે. વાક્યરચના શીખવાડી બાદ કાળ અને ક્રીયાપદોના વિવિધ સ્વરૂપ શીખવવા અને ક્રિયા ને ગુજરાતીમાં લખી બીજી ભાષામા અનુકરણ કરાવું ત્યારબાદ અઘરા ક્રિયાપદો અને કાળ ઓળખાતા પોતાની રીતે કાળ બદલતા શીખી શકાય. ક્રિયાપદની ધાતુ જાણતા – અનુવાદન કરતા ઝડપથી શીખી શકાય.
    આપે ઘણા સ રસ દ્રુષ્ટાંતથી આ વાત સમજાવી આ વાત-‘સાવ સરળ શબ્દોમાં કહીએ તો અનુવાદકે સમજવા અને સમજાવવા માટેની એમ બેઉ ક્ષમતાઓ કેળવવી પડે. જે પોતે જ સમજ્યો ન હોય તે બીજાને શું સમજાવી શકવાનો હતો !’ વાત આપણા સૌના અનુભવની.
    વાદ્યવાદકને અન્ય વાદ્યવાદકે સાથ આપવો વાતમા પણ સમતોલન જરુરી.શરુઆતમા નાની ભૂલ માટે બસૂરુ કહી અપમાન કરવાથી ઘણા ખોટા અનુવાદનના ધખારે ચઢે છે.સાજ જ એવું હોય કે પંચમ છેડો મધ્યમ બોલે ખરજ બને ગંધાર તો સાજ જ બદલવું પડે ! આ બધા નાચીઝના અનુભવને વધુ વિસ્તારવા યોગ્ય નથી.
    ‘અનુવાદકાર્યમાં આપણે એવા તો ચીકણા ન જ થવું જોઈએ કે જેથી આપણે ‘વેદિયા’માં ગણાઈ જઈએ !’ આપની ઉદારતા બદલ ધન્યવાદ

    Like

     
  3. સુરેશ

    August 10, 2016 at 2:30 pm

    ભાવાનુવાદ વધારે ગમે તેવા હોય છે.
    ૧૧મા ધોરણમાં અમારા પ્રિન્સિપાલ શ્રી. ઠાકોર ભાઈ ઠાકોર ( પાંચમા ! ) અઠવાડિયે અમારો એક પિરિયડ અંગ્રેજીનો લેતા. એ પણ આ જ કહેતા કે, અનુવાદ આપણી ભાષાને અનુરૂપ કરવો જોઈએ. એક દાખલો…..

    He collapsed. – તે છાણના પોદળાની જેમ પડી ગયો !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: