RSS

(૪૬૩-અ) ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન

11 Feb

હરનિશભાઈએ મિત્રભાવે ડૉ. બળવંત જાની સંપાદિત ઉપરોક્ત પુસ્તક મને મોકલ્યું, જેના આભારદર્શનના મારા સંદેશા સામે તેમણે આ શબ્દોમાં પ્રત્યુત્તર પાઠવ્યો હતો: “આપના હાથમાં મારું પુસ્તક આવ્યું, તેનો આનંદ છે. હવે જે ન ગમે તે મને કહેશો અને ગમે તો ગામને કહેજો. પુસ્તક લાયબ્રેરીમાં પહોંચે એથી બીજું રૂડું શું ? (વાંચી લીધા પછી તેમના નામે સ્થાનિક લાયબ્રેરીને ભેટ આપી દઈશ, એમ મેં લખ્યું હતું) પરંતુ પુસ્તક વાંચજો ખરા.  I value your opinion.” કેવી નિખાલસતા, કેવી સાલસતા !

મહાકવિ કાલિદાસરચિત ‘કુમારસંભવમ્’ માંના એક શ્લોકનો અનુવાદ કંઈક આવો છે : ‘પવનને કોણ કહેશે કે તું અગ્નિનો પ્રેરનાર થા !’ મારો આ સંદર્ભ ‘પરંતુ પુસ્તક વાંચજો ખરા’ના અનુસંધાને સમજવાનો છે. ભણતા હતા, ત્યારે રમણભાઈ નીલકંઠ અને જ્યોતીન્દ્ર દવે જેવા હાસ્યલેખકોનાં હાસ્યસર્જનો પ્રિય વાંચન બની રહ્યાં હતાં અને એ જ હાસ્યસમ્રાટોના આત્માઓ જ્યારે હરનિશભાઈ જેવા હાસ્યલેખકોમાં દેખા દે ત્યારે તેમને વાંચવા કેમ ન ગમે ? હવે તેમની ‘ગમવા – ન ગમવા’ વિષેની ભલામણ વિશે સંક્ષિપ્તમાં કહું તો બધું જ ગમતું છે અને ગામમાં ઘેરઘેર ક્યાં કહેવા જવું ? પછી તો વિચાર આવ્યો કે વીજાણુમાધ્યમે વિશ્વ આખુંય જ્યારે એક ગામ જ બની ગયું હોય, તો શા માટે મારે એ માધ્યમનો આશરો ન લેવો !

હરનિશભાઈનું ‘I value your opinion’ વિધાન આ નાચીજ બંદાને ભારે તો પડે છે, છતાંય એ ભાર હસતાંહસતાં ઊંચકી લઈને પણ આગળ વધીશ. આ લેખ ઉપરોક્ત પુસ્તકમાંની લેખકની ડાયસ્પોરા હાસ્યરચનાઓ પૂરતો મર્યાદિત રાખું છું અને એમાંય વળી કાવ્યો કે ગઝલોનાં રસદર્શનોની જેમ લેખની કદમર્યાદાની બાધ નહિ નડે તો એમાંની વક્રોક્તિઓનાં વક્રદર્શન કરાવવાની નેમ રાખું છું. અહીં ‘વક્રદર્શન’ શબ્દની અર્થચ્છાયા નકારાત્મક ન સમજતાં વાચકોએ એ ગાહ્ય રાખવું પડશે કે ઉપરોક્ત પુસ્તકમાંના લેખકના લેખોમાં પ્રયોજાયેલી વક્રોક્તિઓમાંની વક્ર્તાઓને હું ઉજાગર કરવા માગું છું, તેમનાં દર્શન કરાવવા માગું છું, તેમને ખુલ્લી કરવા માગું છું; નહિ કે વક્રોક્તિઓમાંની કોઈ ઉણપો કે ખામીઓનાં હું ‘વક્રદર્શન’ કરાવી રહ્યો છું. મારા અનુસ્નાતક અભ્યાસકાળ દરમિયાન કુન્તકના વક્રોક્તિવાદ વિષે વાંચવાનું બન્યું હતું અને ત્યારથી જ સાહિત્યમાં પ્રયોજાતી વક્રોક્તિઓ પરત્વે મને વિશેષ લગાવ રહ્યો છે. વક્રોક્તિઓ એ સાહિત્યકારો, કલાકારો કે વક્તાઓનો જ ઈજારો હોય એવું ન સમજી બેસતા; ગામડાના અભણ માણસો પણ વક્રોક્તિઓ પ્રયોજતા હોય છે, જેમને મુહાવરારૂપે ‘દાઢમાં બોલવું’ એમ કહેવાતું હોય છે.

આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે ! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે !

(૧) “મદન માટે કોથળામાંથી બિલાડી કાઢવી સહેલી હતી, પરંતુ કોથળામાં બિલાડી મૂકવાની ખૂબ અઘરી હતી અને તે કામ મને સોંપવામાં આવ્યું હતું. (અમેરિકા અમેરિકા)

(૨) “તે ઠાવકાઈથી બોલ્યો: ‘જુઓ, ગ઼ાલિબના જમાના પહેલાંથી ગ઼ઝલો લખાય છે. આજ સુધીમાં હજારો શેર-શાયરી લખાયાં છે. તેની આપણા ગુજરાતીઓને તો ક્યાંથી ખબર હોય ? તેનો પરિચય કરાવવા હું તેનું ગુજરાતી ભાષાંતર કરું છું. મારું ભાષાંતર બહુ ઉત્તમ નથી થતું; પણ જો તેમાં મૂળ કૃતિનો અણસાર પણ ન આવતો હોય અને મૂળ કૃતિનો ભાવ પણ અંદર ન આવતો હોય, તો તે મારી મૌલિક કૃતિ જ કહેવાય ને ?” (મહાકવિ ‘ગુન્દરમ્’)

(૩) “તે કહેતો કે તાજાં ફૂલોનો નાનો ગુલદસ્તો તો કોઈપણ બનાવી શકે, પરંતુ ચીમળાઈ ગયેલાં ફૂલોને વચ્ચે ઢાંકી દઈને જો કોઈ મોટો ગુલદસ્તો બનાવી શકે તો તે ઈન્સ્યોરન્સ એજન્ટ જ !” (ઈન્સ્યોરન્સ)

(૪) “એની સ્વચ્છતાએ તો મારો ઘાણ કાઢ્યો છે. જો હું નાહીને ઊઠું અને એ જુએ તો કહે કે ‘આ શું ન્હાયો? તારી ચડ્ડી તો કોરી છે !’ આથી દરરોજ ન્હાતી વખતે અડધી બાલદી મારી ચડ્ડી પલાળવામાં વાપરતો અને બાકીની અડધી ન્હાવામાં વાપરતો. આમ સત્તા સામે શાણપણ કેમ વાપરવું એ શીખવા મળ્યું. (રામ + રામ = માતા)

(૫) “કહેવાય છે કે ‘ક’ ભાઈને નાનપણમાં ટોન્સિલનું ઑપરેશન કરવું પડ્યું હતું, ત્યારે નટવરલાલ ડૉક્ટરે તેમને ઘેનની શીશી સુંઘાડી આંક બોલવાનું કહ્યું. સામાન્ય રીતે વ્યક્તિ નવ દશ સુધી બોલતામાં બેભાન થઈ જાય, ત્યારે ‘ક’ ભાઈ ૯૫ સુધી બોલી ગયા હતા. દાદીમાને નવાઈ લાગી હતી કે ‘ક’ ભાઈને ૯૫ સુધી આંક આવડે છે !” (બારાખડીનો પહેલો અક્ષર)

(૬) “જૂની ફિલ્મ ‘દેવદાસ’માં એક સીન હતો, જેમાં દેવદાસના પિતાનું મૃત્યુ થાય છે. દેવદાસ દુ:ખભરેલા ચહેરે બહાર ઓટલા પર બેઠો હોય છે. દૂરથી ખોટુંખોટું રડતા લોકો દેવદાસને સાંત્વન આપવા આવે છે. દિલીપકુમારની એક્ટીંગ છે. હાથનો અંગૂઠો દેખાડીને રડતા લોકોને ઈશારો કરે છે કે અંદર જઈ મારાં કુટુંબીઓ આગળ રડો. શું એક્ટીંગ હતી !” (મારા કાકા)

(૭) “રામુભાઈ કહે, ‘કાકા, આપણે ત્યાં ટબમાં નાગા બેસીને ન્હાવાની પ્રથા નહિ ને ! એટલે આપણે ત્યાં કોઈ આર્કિમિડીઝ પેદા ન થયો ! બાકી વસ્તુના કદનો ને પાણીના સ્થળાંતરનો નિયમ આર્યભટ્ટના નામથી ભારતમાં જ બન્યો હોત.” (નાગાલેન્ડ – યુ.એસ.એ.)

(૮) “સવારના પહોરમાં ઉમાબહેન બોલ્યાં,’ગઈ કાલે રાતના મને સ્વપ્નમાં ગણપતિદાદાએ દર્શન દીધાં. મને કહ્યું કે, ‘મારી મૂર્તિ વેચી દો. દુનિયામાં મારી લાખો મૂર્તિઓ છે. એક મૂર્તિ તૂટી જવાથી મારો નાશ નથી થવાનો, આ રીતે તમને જે પૈસા મળે તે મારી કૃપા ગણજો.’” (સુપર કંડક્ટર)

(૯) “છેલ્લે, થોડા દિવસ પહેલાં મિત્ર સાથે ફોન ઉપર વાત કરતો હતો. પંદરવીસ મિનિટ વાત કરી. પછી એ મિત્ર મને કહે કે ‘હરનિશભાઈ, આ મોડર્ન ટેકનોલોજીની બલિહારી તો જુઓ. તમે જ કહો, હું ક્યાંથી વાતો કરતો હોઈશ ?’

હું કંઈ બોલું તે પહેલાં પાછળથી ટોઈલેટ ફ્લશ થવાનો અવાજ આવ્યો.” (સ્ટેટ ઑફ ધી આર્ટ – માનવી)

(૧૦) “મિત્ર ડૉ. આર.પી.શાહે મારી પત્ની હંસાને સલાહ આપી કે, ‘હરનિશભાઈના પગે રોજ માલિશ કરો.’ તો રોજ રાતે પત્નીએ સોફામાં મને આડો બેસાડીને પગે માલિશ કરી આપ્યું અને પછી એક દિવસ તેણે મને કહ્યું, ‘પગે માલિશ કરીએ તો સારું લાગે. લે, હવે તું મને કરી આપ.’ એની વાત મેં માની અને આજનો દા’ડો ને કાલની ઘડી. તે પછી મારો માલિશ કરાવવાનો વારો જ નથી આવ્યો ! હવે હું રોજ પત્નીના પગ ઘસતો થઈ ગયો છું.” (એક દિલ સો અફસાને)

(૧૧) “બેત્રણ દિવસ થયા હશે. અને એ શિલ્પાનો પત્ર લઈને સીધો મારા ઘરમાં ધસી આવ્યો. હું આગલા રૂમમાં બેઠો હતો. પત્ર આપીને તે ખુરશી પર બેસી ગયો. તે બોલ્યો, ‘લો, તમે તો ઘરમાં મધુબાલાનો ફોટો રાખ્યો છે ને !’

‘એ મધુબાલા ન્હોય. મારી ફિયાન્સી શિલ્પા છે.’

‘ના હોય, ગજબનો ફોટો છે. શિલ્પા તો મધુબાલાને પણ ટપી જાય તેવી છે.’

મેં વિચાર્યું, ‘મારો બેટો શિલ્પાબહેન પરથી શિલ્પા પર આવી ગયો.’

મેં પૂછ્યું, ‘તમે પરણેલા છો ?’

તે બોલ્યો, ‘એક છોકરી આપણું દિલ તોડી ગઈ છે, ત્યારથી પરણવાનું મન નથી થતું. જો શિલ્પા જેવી છોકરી મળે તો કાંઈ વાત બને !’

મેં કહ્યું, ‘દુનિયામાં શિલ્પા એક જ છે.’

તે બોલ્યો, ‘એ જ મોટું દુ:ખ છે ને ! આ શિલ્પા કરે છે શું ?’

‘હાલ તે એમ.એ. કરે છે, અમદાવાદમાં. દોઢ બે વરસ પછી પરણીશું. વિવાહ થયે મહિનો થયો છે.’

મેં વિચાર્યું, આ માણસને શિલ્પાની વાતોથી દૂર રાખવો. આ માણસ મને ન ગમ્યો.” (મેઘદૂત)

(૧૨) “છેલ્લે ઑપરેશન થિયેટરમાંથી મને રૂમમાં લાવ્યા, ત્યારે મારા ટેબલ ઉપર ફૂલોનો સુંદર ગુલદસ્તો પડ્યો હતો. જોઈને હું ખુશ થયો. કોનો એમ વિચારું ત્યાં નર્સ બોલી, ‘હૉસ્પિટલની બાજુમાં આવેલા ફ્યુનરલ હોલમાંથી દિલના દરદીઓ માટે મોકલવામાં આવે છે.’” (દિલ હૈ કિ માનતા નહીં)

(૧૩) “તેણે સૌ પ્રથમ કામ કર્યું એડવર્ટાઈઝ આપવાનું. સંતોકરામનો મંત્ર હતો : ‘અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઈઝ; વર્ક લિટલ એન્ડ એડવર્ટાઈઝ’ તે માને છે કે જાહેરાત વિનાનો ધંધો એટલે અંધારામાં કોઈ છોકરીને આંખ મારીએ તેવો. તમે શું કરો છો તે તમને ખબર છે, પણ બીજા કોઈને ખબર નથી.” (ચેત મછંદર)

(૧૪) “મેં તરત જ ત્યાં ટેબલ પર પડેલા કાર્ડમાંથી ‘એલ. રંગમ્’નો હોમ ફોન નંબર શોધી નાખ્યો અને ફોન કર્યો. કોઈ સ્ત્રીનો મધુર અવાજ આવ્યો. મારા આખા અસ્તિત્વમાં ઝણઝણાટી થઈ ગઈ. મેં કહ્યું, ‘મારે મિસીસ રંગમ્ સાથે વાત કરવી છે.’ સામેથી જવાબ આવ્યો, ‘હું જ મિસીસ રંગમ્ છું.’

મેં તેને મારી ઓળખાણ આપીને કહ્યું, ‘તમારા પતિ હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ છે અને માઈકલ તેનો પ્રેમી છે.’

પેલીએ ઠંડા કલેજે પૂછ્યું, ‘તમે કેવી રીતે જાણ્યું ? તમારી પાસે સાબિતી છે ?’

મેં તેને વેલેન્ટાઈન ડેની ગિફ્ટની, ‘પ્લે ગર્લ’ મેગેઝિન અને આજ સાંજના બંનેના મિલન અને શાવરની વાતો કરી. મને એમ હતું કે મારી સ્વપ્નસુંદરી બૂમ પાડશે. પરંતુ બૂમ તો મારા સુપરવાઈઝરે બીજે દિવસે પાડી. તેણે મને બોલાવીને ખખડાવ્યો.

‘તને ખબર છે ? લક્ષ્મી રંગમ્ એ પ્લાસ્ટિક કંપનીની માલિક છે. તેણે મારો પચાસ હજારનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો છે. તેણે મને તારાં બધાં પરાક્રમ કહ્યાં. એ તો સારું છે કે તને જેલમાં નથી મોકલતી. તું આ ધંધામાં ન ચાલે.’

હજુ પણ ‘પ્લાસ્ટિક કલર કંપની’ના બારણા પાસે બે કાર પાર્ક કરેલી હોય છે અને પ્રેસિડેન્ટની ઑફિસની લાઈટ ચાલુ હોય છે.” (એલ. રંગમ્)

(૧૫) “અમે તો મોનાલિસાવાળા એરોને ફોલો કરતાં કરતાં એક લાંબી લાઈન ઉપર આવી ગયાં. પછી બત્તી થઈ કે માળું મોનાબહેનને જોવામાં સ્ત્રીપુરુષોની લાઈન જુદી કેમ ? પછી સમજાયું કે અમે મોનાબહેન કરતાં પણ વધુ અગત્યની લાઈનમાં ઊભાં હતાં, બાથરૂમની ! હવે ઊભાં જ રહ્યાં છીએ તો એ પણ પતાવીએ, એમ સમજી ઊભાં રહ્યાં.” (મોનાલિસા)

(૧૬) “મારા પુસ્તક ‘સુધન’ના પ્રકાશકે મને ફૉન કર્યો, ‘હરનિશભાઈ, તમારું પુસ્તક બહુ પાતળું લાગે છે. બીજી બેત્રણ વાર્તા મોકલો તો પુસ્તક દળદાર લાગે.’

મેં કહ્યું, ’બધાને તમારા જેવા પ્રકાશક મળે. તમે લેખકની જ ચિંતા નથી કરતા, તમને પસ્તીવાળાની પણ ચિંતા છે.’” (સર્જન-વિસર્જન)

(૧૭) “બીજે વર્ષે ભીમદેવની ગેરહાજરીમાં ખાલી ખાલી લડાઈ કરી, રામલીલાના ખેલમાં રામ-રાવણની લડાઈ થાય છે તેમ. મહમ્મદ ગઝનવી પણ ખાનદાન હતો. ભીમદેવની ગેરહાજરીમાં તેને લડવાની મજા ન આવી. આઠમી લડાઈ વખતે મહમ્મદે ભીમદેવને અગાઉથી સંદેશો મોકલાવ્યો હતો. હવે બંને વચ્ચે એકમેક માટે ખુન્નસ ઓછું થયું હતું. ભીમદેવે મહમ્મદ ગઝનવીને કહ્યું, ‘આ મારો ભાઈ ભરૂચ રહે છે, પણ આ આઠ વરસમાં એક જ વાર મળ્યો; જ્યારે તમે સેંકડો જોજન દૂર રહેવા છતાં દર વર્ષે મળવા આવો છો, યુ આર માય ન્યુ ફેમિલી.’” (ફ્રિક્વન્ટ રાઈડર)

(૧૮) “આમાં મજા આવી જાય છે ધાર્મિક કથાકારને. તેમનું અડધું ઑડિયન્સ અભણ હોય છે, બાકીના અડધા ઑડિયન્સને ખબર નથી હોતી કે તેઓ અભણ છે. આ સત્ય કથાકાર જાણે છે. કથાકાર એ પણ જાણે છે કે તેમના ઑડિયન્સે ઉપનિષદ કે વેદો વાંચ્યા નથી. રામાયણ અને મહાભારતનું જ્ઞાન ટીવી સિરિયલો જોઈને મેળવ્યું છે. એટલે કથા કરનાર મહારાજ શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ, યજુર્વેદ વગેરેમાં ભગવાને શું શું કહ્યું છે એની બોલિંગ કરીને ઑડિયન્સની દાંડીઓ પહેલી પાંચ મિનિટમાં ઉડાડી દેશે.” (સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે …)

(૧૯) “’નહેરુ શું બોલ્યા તે વાંચ.’ મારા દાજીબાપુ બોલ્યા.

‘મેં એક વખત તો વાંચ્યું.’ મેં જવાબ આપ્યો.

‘તે હશે. ફરીથી વાંચ. તે તો ‘સયાજી વિજય’માં હતું. આ તો ‘સંદેશ’ છે.’

‘પરંતુ નહેરુનું લખનૌનું ભાષણ તો સરખું છે ને !’ મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો.

‘શું સાલું હંમેશાં દલીલો કરવાનું…વાંચતું હોય તો વાંચ ને સીધું સીધું ?’

જ્યારે દાજીબાપુ તમને નાન્યતર જાતિમાં સંબોધે તો ચેતી જવું, કારણ કે એ એમની ધીરજનો અંત હોય.” (મારા દાજીબાપુ !!)

(૨૦) “દુનિયા બદલાઈ રહી છે. વેકેશનમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, બધે ઘર જેવું જ લાગશે. તો એક વિચાર એમ પણ આવે તો પછી ઘરે રહીને વેકેશન ના ભોગવીએ !” (મોરે પિયા ચલે પરદેશ)

(૨૧) “હવે વ્યક્તિને આપણા દિલાસાની ક્યારે જરૂર પડે ? અથવા એમ કહેવાય કે ખબર કાઢવા માટે આપણે કેટલા દુ:ખની રાહ જોવી પડે ? સામાન્ય રીતે નાનકડી પીડા તો બધાંને આવતી હોય છે. પરંતુ જો તમે હૉસ્પિટલમાં જાવ તો એ પીડાની કેટેગરી બદલાઈ જાય અને પીડા આપત્તિમાં ફેરવાઈ ગઈ કહેવાય. કોઈના માથે આપત્તિ પડે તો દુ:ખમાં ભાગ લેવા માટે ખબર કાઢવા જવું પડે ને ?” (પીડ પરાઈ જાણે રે !)

(૨૨) ”ઑફિસમાં તો આખો દિવસ નાસ્તાપાણી ચાલતાં. બ્લડ પ્રેશર હોવા છતાં આપણને એ બધું ખાતાં કોઈ રોકતું ન હતું. હવે ઘરમાં તો કેદીઓને અપાતા માપસર રેશનની જેમ લંચ મળે છે. પોટેટો ચિપ્સ બધી બંધ અને શેકેલા ઘઉંના ફાડા દૂધમાં પલાળીને ખાવાના. મને એમ કે માણસ રિટાયર થાય તો ઘેર રહે એટલે વજન વધે. મારા કેસમાં તો ઊંધું થવા માંડ્યું છે. હવે મારે એ જયાફતનો સુવર્ણકાળ પાછો લાવવા માટે એક જ ઉપાય છે અને તે બીજી નોકરી ચાલુ કરી દેવાની. સાચું પૂછો તો આજકાલ હું બીજી નોકરી શોધી રહ્યો છું. સામેથી પગાર આપવા તૈયાર છું.” (રિટાયરમેન્ટનો આનંદ)

(૨૩) “આપણો દેશ સુપર પાવર કેમ ન બને ? આપણા જેટલું આધ્યાત્મિક જ્ઞાન કયા દેશ પાસે છે ? આપણા જેટલી જૂની સંસ્કૃતિ શોધી ન જડે. આપણી ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન આપણા ખેલાડીઓ નથી બનાવતા, પરંતુ આપણાં હોમહવન બનાવે છે. ઓસ્ટ્રેલિયા સામે જીતવા ગામેગામ પૂજાઓ અને હવનો કરવાં જરૂરી છે. વરુણદેવને ધુણાવો એટલે વરસાદ તૂટી પડે અને આપણી હારની બાજી ડ્રોમાં પરિણમે. વરસાદ તો આપણો બારમો ખેલાડી છે. અને આ સેટેલાઈટના જમાનામાં ક્યારે વરસાદ પડશે એ પણ આ યજ્ઞો નક્કી કરી શકે છે. ક્રિકેટની મેચ જીતવા માટે કે વરસાદ પાડવા માટે આપણી પાસે વિજ્ઞાન ઉપરાંત જૂની સંસ્કૃતિ છે. આપણે તો વર્ષોથી સુપર પાવર જ છીએ; કોઈ આપણને ગણે કે ન ગણે, શું ફેર પડે છે ?” (સુપર પાવર)

(૨૪) “અમારો આ શિરસ્તો ચાર વર્ષ સુધી ચાલ્યો. આ બધાનું કારણ સ્ત્રી હતી. ગુણવંતભાઈને સ્ત્રી નહોતી એટલે સમય મારે ત્યાં ગાળતા. ગોવિંદભાઈને ત્યાં સ્ત્રી હતી તેથી તે સમય મારે ઘેર ગાળતા હતા અને મારા ઘરમાં સ્ત્રી નહોતી એટલે આ બંધુઓ સાથે હું સમય ગાળતો. પડોશીની વાત જવા દો. પરમાત્માને ભૂલી જાવ. ધ્યાનથી વિચારશો તો લાગશે કે જગત આખાનું નિયંત્રણ સ્ત્રી કરે છે.” (મેરે સામનેવાલી ખિડકી મેં)

(૨૫) છેલ્લે એક લેખક મિત્ર હમણાં મળ્યા હતા. મેં પૂછ્યું, ‘આજકાલ શું લખો છો ?’

ત્યારે કહે કે ‘બેચાર પુસ્તકો ભેગાં કરી તેમાંથી ઉઠાંતરી કરીને એક નવું પુસ્તક બનાવું છું.’

મારે પૂછવું પડ્યું, ‘પકડાઈ જવાનો ડર નથી લાગતો ?’

‘પકડાઈએ તોય શું ? હું ઈંગ્લિશમાંથી ગુજરાતી શબ્દોની ડિક્શનરી બનાવું છું. દરેક ડિક્શનરીમાં ઈંગ્લીશ શબ્દ ‘સ્ટીલીંગ’નો ગુજરાતી અર્થ ‘ચોરી કરવી’ જ આપ્યો હોય ને !’

મારે કહેવું પડ્યું, ‘તમારી વાતમાં માલ છે, હોં !’” (ચોરી ચોરી ચૂપકે ચૂપકે)

(૨૬) “ભાષણ કેટલું લાંબુ હોવું જોઈએ ? આ સવાલનો જવાબ કોઈ વક્તાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. પરંતુ ભાષણ આપતી વખતે તે વક્તા કાગળમાંથી ડોકું ઊંચું કરી ઑડિયન્સ તરફ જુએ, તો તેમને તરત જ સમજ પડી જાય કે આપણાં ભાષણની અસર લોકો પર કેવી છે. તે હજુ બેઠાં છે કે જતાં રહ્યાં ? અને જેટલાં છે તેમાંથી જાગતાં કેટલાં છે ? અને ભાષણ કેટલાં લોકોને સુવાડવામાં સફળ રહ્યું છે ? આનો અર્થ એ લેવાનો કે અનિદ્રાનો રોગ દૂર કરવા કોઈનું પણ ભાષણ સાંભળવું જોઈએ. સામાન્ય રીતે તેમ કરવામાં ખર્ચ તો જરાય થતો નથી. ઉપરથી ચા પાણી અને નસીબ હોય તો નાસ્તો પણ મળે.” (જાગો સોનેવાલો)

(૨૭) “ન્યૂજર્સીના વૂડબ્રીજના સિનિયર સેન્ટરના પ્રમુખે મને કહ્યું કે અમારે તમારું બહુમાન કરવું છે, આ પારિતોષિક મળ્યું છે તે બદલ. આમ પણ મારે કોઈ કામ નહોતું, એટલે જવા રાજી થઈ ગયો. પછી એ પ્રમુખે મને તે પ્રોગ્રામની જાહેરાતનું કાગળિયું મોકલ્યું. તેમાં લખ્યું હતું : ‘આવતા રવિવારે વૂડબ્રીજ સિનિયર સેન્ટરમાં મિમિક્રી આર્ટિસ્ટ હરનિશ જાનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.’

હું ધુઆંપુઆં થઈ ગયો અને પ્રમુખને ફોન કર્યો.

‘મિમિક્રી ? હું મિમિક્રી કરું છું ? હું હાસ્ય લેખક છું, હાસ્ય લેખક.’

પ્રમુખે મને શાંતિથી કહ્યું, ‘સાહેબ, તમે લેખક છો; તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં લેખક લખીશું તો પ્રોગ્રામમાં કોઈ નહીં આવે. આ તો મિમિક્રી લખીશું તો બધાં આવશે. ખરું પૂછો તો તમે મિમિક્રી શીખી જાવ. તો બે પૈસા કમાશો, પણ ખરા-હાસ્ય લેખકની આજે વેલ્યુ જ શું છે ?’” (શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી)

(૨૮) અમેરિકામાં બેઠાં બેઠાં સાંભળ્યું છે કે દર અમાસે ગુજરાતીઓ, કલસર્પ યોગથી બચવા નર્મદા કિનારે વસેલા ચાંદોદ-કરનાળીના શંકર ભગવાનના દર્શને હજારોની સંખ્યામાં દોડે છે. હવે આ કાલસર્પ યોગની શાંતિપૂજા પણ નોબલ પ્રાઈઝની અધિકારી બની શકે. આવી પૂજાઓ કરવાથી મૃત્યુ ન આવે એનાથી માનવજાત માટે વધુ રૂડું શું ? હવે જાત્રાધામ તો બની ગયું, પણ વાહનવ્યવહારને પહોંચી વળવા રસ્તાઓ તો જૂના જ છે. સેંકડોની સંખ્યામાં વાહનો દોડે છે. એટલે જેમાં કેટલાય ભક્તો વાહનોના એક્સિડન્ટમાં માર્યા જાય છે. કાળથી બચવા ભગવાનને શરણે પહોંચે તે પહેલાં તે કાળને શરણ પહોંચે છે અને ભગવાન જોતા જ રહી જાય છે. ઘેર બેઠા હોત તો કદાચ બચી ગયા હોત ! પણ પાછા એ જ લોકો કહેશે, ‘ભાઈ, મોત જ જો નસીબમાં હોય તો ઘરમાં પણ આવે.’ ચાલો, બીજું કાંઈ નહિ તો એ બહાને રસ્તાઓ તો નવા બનશે.” (એક બંગલા બને ન્યારા)

(૨૯) “મને એક ભૂંડો વિચાર આવ્યો કે જો આ રીતે ઇન્ડિયામાં ડે લાઈટ સેવિંગ્ઝ ટાઈમ બદલાતો હોત તો ? જો કે આવો વિચાર જ વાહિયાત છે. મારા બાલુકાકા તો તરત જ કહે, ‘જા, સમય નથી બદલતો; થાય તે કરી લે’. હકીકત એ છે કે બાલુકાકા ઘડિયાળ જ રાખતા નથી. સમયને અને એમને કોઈ લેવાદેવા નહિ. હવે આવા બાલુકાકાઓ બસ સર્વિસમાં ડ્રાઈવર હોય કે ટ્રેઈન ચલાવતા હોય તો ? પાંચની ટ્રેઈન પાંચ વાગે જ ઉપડે પછી ભલે ને ઘડિયાળ એક કલાક વહેલી કરી હોય અને કોઈ દોઢ ડાહ્યા ડ્રાયવરે સમય એક કલાક વહેલો કર્યો હોય અને ટ્રેઈન નવા ટાઈમ મુજબ પાંચ વાગે (જે જૂના સમયના ચાર ગણાય. તમને આ વાત સમજાઈ ? ન સમજાઈ ને ? તો પેલા ડ્રાયવરને ક્યાંથી સમજાય ?) સમય બદલવાના દિવસે જ સેંકડો ટ્રેઈનો અથડાય.” (સમય સમય બલવાન હૈ)

(૩૦) “આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે, ’સરવાઈવલ ઑફ ધ ફિટેસ્ટ’; મોટું પ્રાણી નાનાં પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટરસાઈકલ પરના જહોન અબ્રાહમને જવા દેવાનો. તેઓ આલ્ટો, નેનોની તો દરકાર પણ નહિ કરે ! દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઉતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્ષાવાળાઓ આવે અને છેલ્લે માથે ઓઢણી લપેટેલી – બુકાનીવાળી સ્કૂટરસવાર કોલેજ કન્યાઓ. આપણે એ ધ્યાનથી જોઈએ તો આ કન્યાઓની ઓઢણીની જુદીજુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે છોકરીઓ પોલીસ માટે એ દુપટ્ટાને માથાની હેલ્મેટમાં ખપાવતી હશે અને પોલીસ એનો વાંધો ન લેતી હોય કારણ કે એક્સિડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો જ તરત કામ લાગે ને ! મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલીસ એને રોકે કે ના રોકે ? આપણો ટ્રાફિક તો જાણે યુદ્ધમાં આગળ વધતી સેના ! જમણી બાજુ ઐરાવત, પછી અશ્વો, પછી પાયદળ. આ સ્કૂટરસવાર કન્યાઓ તે પાયદળ ! ટોયોટા, હોન્ડા બધા રથ ! આ લશ્કરની સૌથી મોટી ખૂબી એ છે કે તેમણે અંદરોઅંદર લડવાનું હોય છે.” (એ તો એમ જ ચાલે !)

મારા વિદ્વાન વાચકો, સંગ્રહના ત્રીસેય લેખોમાંથી વીણેલા એકએક નમૂનામાંની વક્રોક્તિઓને આપ સૌએ જાણી, માણી અને નાણી. આ લેખના આરંભે કદમર્યાદાની બાધની સંભાવનાને આગળ ધરીને વક્રદર્શન કરાવવા સબબે મેં મારા હાથ થોડાક તો ઊંચા કરી દીધા હતા અને હવે હું પૂરા ઊંચા કરી દઉં છું.

આમ છતાંય લેખસમાપન પૂર્વે જિજ્ઞાસુઓને સાહિત્યમાં હાસ્યરસ નિષ્પત્તિમાં અંગરૂપ એવી વક્રોક્તિના પ્રણેતા કુન્તક મહારાજના વક્રોક્તિવાદનો સંક્ષિપ્ત ખ્યાલ આપી દેવા માગું છું. તેઓશ્રી પોતાની “वक्रोक्तिजीवितः” કૃતિમાં કાવ્ય (વિશાળ અર્થમાં સર્જનાત્મક સાહિત્ય)ની વ્યાખ્યા આમ આપે છે, “शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि । बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।” મારા જેવા સંસ્કૃત ભાષાથી અપરિચિત વાચકોને આ વ્યાખ્યા સમજવા-સમજાવવા માટે ઉપરોક્ત શ્લોકનો અર્થ ન આપતાં હું બ્લૉગજગતના વિદ્વાન એવા આપણા જુગલકિશોરભાઈ વ્યાસના ‘Net – ગુર્જરી’ બ્લૉગના એક લેખમાંના આ શબ્દોનો સહારો લઉં છું.

તેઓશ્રી લખે છે : કુંતકે કહ્યું છે કે શબ્દ અને અર્થનું ફક્ત જોડાણ જ નહીં, પણ એમાં ચમત્કૃતિ અને સુષ્લિષ્ટતા પણ હોવાં જોઈએ. ચમત્કૃતિ એટલે કે સાવ સાદું વાક્ય નહીં, પણ તે ‘જરા હટકે’ હોવું જોઈએ. ‘મને ભૂખ લાગી છે’ તેમ કહેવાથી કોઈ એને ખાવા આપવા તૈયાર નૉ થાય, પણ કાકાસાહેબ કહે એમ,  ‘ભૂખ તો એવી લાગી છે કે કૂણાકૂણા કાંકરાય પચી જાય’ ત્યારે એમના પર દયાભાવ જાગી જાય ખરો ! કાંકરા કૂણા હોય નહીં ને હોય તોય તે કાંઈ પચે નહીં, પણ આ વક્રોક્તિ વડે શબ્દ અને અર્થનો સંબંધ નોખો દેખાઈ આવે છે.” રસપ્રદ ઉદાહરણોથી સભર “वक्रोक्तिजीवितः”નો અનુવાદ ગુજરાતી સાહિત્યના પ્રખર મીમાંસક નગીનદાસ પારેખે કર્યો છે. આ પુસ્તક જો પ્રાપ્ય હોય તો જિજ્ઞાસુઓએ વાંચવા જેવું ખરું.

વક્રોક્તિના વધુ એક ઉદાહરણ માટે ‘લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ’ના આગોતરા આભારસહ સદાબહાર ગઝલના બાદશાહ મિર્ઝા ગ઼ાલિબ સાહેબના એક શેરને અહીં નોંધું છું.

इन परिजादों से लेंगे खुल्द में हम इन्तक़ाम,
कुदरत-ए-हक- से, यही हूरें अगर वाँ हों गयीं।

અહીં વક્રોક્તિ જુઓ – આ લોકની સુંદરીઓ જો પોતાના કર્મબળે સ્વર્ગની પરીઓ બની, તો અમે ત્યાં-સ્વર્ગમાં- એ લોકો સાથે બધી કસર પૂરી કરીશું….ખૂબ બદલો લઈશું [ અમારું સ્વર્ગમાં જવું તો નક્કી જ છે…આ મારી વાલીઓ (શબ્દ બદલ્યો છે) જે અમને અહીં ભાવ નથી આપતી, તેઓની ત્યાં વાત છે !!!!! ]

છેલ્લે હું તટસ્થભાવે કહું તો આપણે આ પુસ્તકના સઘળા હાસ્યલેખો (લલિત નિબંધો) અને ડૉ.શ્રી બળવંત જાની સાહેબે નિસ્યંદરૂપે લખેલા પુસ્તકના પુરોવચનને વાંચીશું તો આપણને એ અનુભૂતિ થયા સિવાય નહિ રહે કે લેખકે સઘળા લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, મર્મ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે કે આપણે સ્મિતમઢ્યા ચહેરે એકપછી એક લેખ વાંચતા જ રહીએ.

અમેરિકન-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સંચયશ્રેણી હેઠળ પ્રકાશિત થયેલા આ પુસ્તક બદલ હરનિશભાઈને અને ડૉ. શ્રી બળવંત જાની સાહેબને ધન્યવાદ.

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

4 responses to “(૪૬૩-અ) ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન

  1. pragnaju

    January 22, 2022 at 10:24 pm

    લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, મર્મ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: