Madhuri Dixit
Beauty and sweetness compete to sit
on the heavenly curve of her lip’s rim.
Even wind dare not whistle at her feet
she commands respect in the dream.
She sees and smiles and makes her way
Brings the spring at the soul’s bay
Like lightening in rain she keeps the pace
Quenches the thirst through godly face
A queen that wears the necklace of charm
And sways like the golden wheat in the farm
Venus in disguise steals hearts from screen
Through steps of dance let lookers scream
Deity of dance and smile personified
She takes at glance the world in her stride
-Mukesh Raval
(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)
માધુરી દીક્ષિત (સિનેતારિકા)
નિજ લાવણ્ય અને માધુર્ય સ્પર્ધતાં એકમેકને, બિરાજવા કાજે,
એ લલિતાંગી લલના તણા અધર-રેખના દિવ્ય વળાંક ઉપરે.
મારુત પણ ફફડે, ના સૂસવે, તેણીના કદમો સમીપે
વળી એ જે સ્વપ્ન મહીં પણ નિજ આત્મગૌરવને રક્ષે.
દૃષ્ટિપાતે મૃદુ મલકતી માર્ગ કંડારતી એ
આણી દેતી વસંત ઋતુરાણી નિજ આતમાંતરાલે
વર્ષાકાલીન દામિની સમ સરતી એ તેજલીસોટે ત્વરાએ
દૈવી વદને સૌંદર્યપાન તણી તીવ્ર તૃષા છિપાવે.
મોહિની તણા કંઠહારે શોભે રાજરાણીસમી એ,
નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.
છૂપી પ્રેમદેવી વીનસ સમ દિલડાં ચોરતી ચિત્રપટ-પટલે
નૃત્યકલાએ ઠમકતાં ડગે ચિસાવે દર્શકોને હર્ષનાદે !
સાક્ષાત્ નૃત્યદેવી તણા મૂર્તિમંત પ્રતીકશી મધુર માધુરી એ
જગ આખાને નીરખી લેતી નિજ નર્તન તણાં વિરાટ ડગલે !
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(સૌજન્ય : Pots of Urthona (કલ્પનાનાં પાત્રો) – અંગ્રેજી કાવ્યસંગ્રહ)
રસદર્શન :
“વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધુ જાદુઈ અસર ઉપજાવે છે” – સૉક્રેટીસનું આ વિધાન મુકેશભાઈના આ કાવ્યને અક્ષરશ: બંધ બેસે છે. આ કાવ્યની વાચક મુનિરા અમી મુકેશભાઈના કાવ્યને આ શબ્દોમાં ઓળખાવે છે, ‘માધુરીએ આ કાવ્ય વાંચવું જોઈએ કે જેથી તેના આત્મસંતોષમાં ઈજાફો થાય, કેમ કે આમાં તેની ગૌરવવંતી (dignified) પ્રશંસા છે.’ ફિલ્મી સાહિત્યમાં સિનેતારક-તારિકાઓ વિષે અભદ્ર ભાષા અને ગપસપ (gossip)ની ભરમાર હોય છે, જ્યારે આ કાવ્યમાં માધુરીના સૌંદર્યસભર વ્યક્તિત્વને શિષ્ટ સાહિત્ય રૂપે અને શૃંગારરસના પ્રમાણભાનને જાળવીને આલેખવામાં આવ્યું છે.
હજુ કાવ્યના રસદર્શનના પડાવે આવવા પહેલાં આપણે શૃંગારરસ વિષે થોડુંક જાણી લઈએ. ભરત મુનિ શૃંગારરસને આનંદદાયિત્વના જનક તરીકે ઓળખાવે છે અને તેથી જ સાહિત્યરસિયાઓ તેને રસરાજ તરીકે સ્વીકારે છે. તો વળી ભોજ તો શૃંગારરસ સિવાયના અન્ય રસોને સ્વીકારવાની જ ના પાડે છે. એ તો કહે છે કે કાવ્યનાટકાદિમાં કમનીયતા તો આ રસથી જ નિષ્પન્ન થઈ શકે છે. વિદ્વાન મમ્મટે તો શૃંગારરસની ઊંડાણથી મીમાંસા આલેખી છે. એ બધા તો ભૂતકાલીન વિદ્વાનો હતા અને એ બધી એમની વ્યાખ્યાઓ હતી, જ્યારે સાંપ્રતકાલીન દાદા ધર્માધિકારી ‘સૌંદર્ય મીમાંસા’માં જણાવે છે કે ‘રસિકતા વૈષયિકતા નથી. સૌંદર્ય વિષય નથી, પણ ભગવાનની વિભૂતિ છે. સૌંદર્ય માટેની અભિરુચિ એ જીવન છે.’
બોલીવુડની ભાષામાં ભલે માધુરી દીક્ષિતને ‘ધકધક ગર્લ’ તરીકે ઓળખાવાઈ હોય, પણ આ કાવ્યના આરંભે જ કવિએ તો માધુરીના સૌંદર્ય અને માધુર્યને તેના હોઠો ઉપર બિરાજવા માટે આપસમાં સ્પર્ધા કરતાં બતાવીને કોઈપણ જાતનો ઔચિત્યભંગ ન કરતાં થોડામાં ઘણું કહી દીધું છે ! અહીં કવિની ભવ્યાતિભવ્ય કલ્પનાનાં દર્શન થયા સિવાય રહેશે નહિ. વળી પોતાની સ્વપ્નાવસ્થામાં પણ જે નારી પોતાના આત્મગૌરવને જાળવી રાખે છે, તેના ચરણો આગળ પવન પણ સૂસવવાની હિંમત કરી શકતો નથી. આમ કહીને માદક પવનના વરુણદેવ પણ તેના ગૌરવની આમન્યા જાળવતા દર્શાવીને કવિએ અહીં ગજબની ક્માલ દેખાડીને માધુરીના વ્યક્તિત્વને સુપેરે ઉપસાવ્યું છે.
ફિલ્મરસિયાઓ પુરોગામી મધુબાલાના મોહક સ્મિતની હરોળમાં માધુરીના સ્મિતને મૂકતા હોય છે, તો આપણા કવિ પણ એમ ગાંજ્યા જાય એવા નથી. એ તો કહે છે કે મૃદુ હાસ્યસહ દૃષ્ટિપાત કરતી આ સુંદરી પોતાના માર્ગ ઉપર ચાલે છે, ત્યારે માદક એવી ઋતુઓની રાણી વસંતને પોતાના આત્મામાં ભરી દે છે. પ્રભાવશાળી સૌંદર્યની સમ્રાજ્ઞી એવી એ એવી ઝડપથી પસાર થઈ જતી હોય છે કે જાણે વર્ષા ઋતુમાં આકાશમાં ઝબકતી વીજળી તેજલીસોટો પાડી દેતી હોય ! દૈવી ચહેરા ઉપર એવું તો અદ્ભૂત એનું સૌંદર્ય છે કે સૌંદર્યપિપાસુઓની સૌંદર્યપાનની તૃષા તત્ક્ષણ જ છિપી જાય.
કવિની કલ્પનાશક્તિની અને કાવ્યના શબ્દોને શણગારવાની આગવી કલા કાવ્યની આ કંડિકામાં ચમકે છે : “મોહિની તણા કંઠહારે શોભે રાજરાણીસમી એ, નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.” પ્રાચીન સંસ્કૃત કવિઓના શ્લોકોમાંના અર્થાલંકારોની હરોળમાં બેસી શકે તેવી કવિની મનહર કલ્પના આપણને ઘઉંનાં ખેતરોમાં લઈ જાય છે કે જ્યાં ઘઉં પાકી ગયા છે અને સુકાવા માંડેલાં કણસલાં સુવર્ણરંગી દેખાય છે. અહીં કવિ દૃષ્ટાંત અલંકાર પ્રયોજતાં આપણને રસાવે છે કે ગળામાં મોહિનીરૂપી માળાથી રાજરાણી જેવી શોભતી અને કોમળ અંગો વડે ઝૂમતી આ સૌંદર્યવતી નારી મંદમંદ પવનથી ઝૂલતાં પેલાં સોનેરી કણસલાંની યાદ અપાવે છે.
માધુરી દીક્ષિત એ રૂપેરી પડદે અભિનય કરતી એક એવી નૈસર્ગિક કલાકાર છે, જેનો કોઈ દૃશ્યમાં પ્રવેશ થતાંની સાથે અને તેમાંય વળી એ જ્યારે નૃત્ય કરતી હોય, ત્યારે બોલપટના દર્શકો હર્ષનાદની ચીસો પાડી બેસે છે અને એની એ કલાને બિરદાવે છે. આ કાવ્ય અંગ્રેજી ભાષા અને ભાષીઓને ગ્રાહ્ય કરવું સુગમ પડે તેવી ચીવટના ભાગરૂપે કવિએ માધુરીને પ્રણયની દેવી વીનસ સાથે સરખાવી છે. ભારતીય સંદર્ભે પ્રણયના દેવતા તરીકે કામદેવ અને તેમનાં પત્ની રતિને ગણવામાં આવતાં હોય છે. પરંતુ અહીં કવિએ પોતાની આત્મસૂઝ વડે દેવી વીનસને પસંદ કરીને વિશ્વની ભિન્નભિન્ન સંસ્કૃતિઓના અભ્યાસુ હોવાનો પરચો બતાવ્યો છે.
કાવ્યના અંતિમ ચરણમાં માધુરીના લાજવાબ નૃત્યકૌશલ્યને બિરદાવતાં કવિ તેને સાક્ષાત્ નૃત્યદેવી સાથે સરખાવીને તેના નૃત્યની કોઈ એવી અદા જાણે કે પોતે પ્રત્યક્ષ નિહાળતા હોય તેમ વર્ણવે છે કે ‘જગ આખાને નીરખી લેતી નિજ નર્તન તણાં વિરાટ ડગલે !’ શાસ્ત્રીય નૃત્યમાં શારીરિક મુદ્રાઓ આવશ્યક અંગ તરીકે મનાય છે. નર્તકનૃત્યમાં ‘લસ્ય’ એક એવો આયામ ગણાતો હોય છે કે જેમાં સ્ત્રીસહજ લાલિત્યપૂર્ણ મુખડાના ભાવો અને ચાલ પ્રધાનપદે હોય છે. કવિએ પોતાના કાવ્યમાં પ્રયોજેલા અંગ્રેજી શબ્દ ‘Stride’ના સમાનાર્થી ગુજરાતી શબ્દ માટે મારે (આ અનુવાદકને) ખાસ્સી એવી માનસિક જહેમત ઊઠાવવી પડી છે અને દીર્ઘ વિચારણાના અંતે બરાબર બંધબેસતો ‘વિરાટ ડગલે’ શબ્દયુગ્મ મનમાં ઝબકી જાય છે અને મારાથી તે અહીં પ્રયોજાઈ જાય છે.
આ કાવ્યના ભાવાનુવાદક અને રસદર્શનકાર એવા આ લેખકડાને ચિત્રકાર એમ. એફ. હુસૈન દ્વારા નિર્મિત, માધુરી દીક્ષિત દ્વારા અભિનિત અને શાસ્ત્રીય નૃત્યો ઉપર આધારિત ‘ગજગામિની’ જોવાનો મોકો મળ્યો નથી, પણ એના વિષે વિવિધ માહિતીસ્રોતોમાંથી જાણવા મળ્યું છે તે મુજબ આ ફિલ્મ ભલે હિટ ન ગઈ હોય, પણ કલાપ્રેમીઓ અને ફિલ્મ સમીક્ષકોએ તેને બિરદાવી હતી. આપણા કવિ મહાશયે એ ફિલ્મ જોઈ હોય અથવા અન્ય ફિલ્મોમાં માધુરીનાં નૃત્યો અવલોક્યાં હોય કે પછી પોતે નૃત્યકલાના વિશારદ હોય, પણ તેમણે કાવ્યના અંતિમ ચરણે મિતભાષી શબ્દોમાં માધુરીના નૃત્યને ઉજાગર કરીને વાચકોને રસતરબોળ કરી દીધા છે.
શૃંગારરસ નિરૂપણમાં સમતોલન જાળવી રાખીને માધુરી દીક્ષિતનાં સૌંદર્ય અને નૃત્યકલાને સન્માનપૂર્વક અભિવ્યક્ત કરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારે એટલે કે અભિનેત્રીના સ્વાભિમાનને જરાય ઠેસ ન પહોંચે એવા મૃદુ ભાવે લખાયેલા આ કાવ્ય બદલ કવિ શ્રી મુકેશભાઈને ખોબલેખોબલે ધન્યવાદ.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
પુસ્તક પ્રાપ્તિ : –
“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)
pravinshastri
February 26, 2015 at 4:41 pm
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
LikeLiked by 2 people