RSS

(૪૭૧) મારી આઠમી બ્લૉગવર્સરિ

04 May

વ્હાલાં વાચકો,

આજે મોડી રાત સુધી ‘વેબગુર્જરી’ માટેનું સંપાદકીય કાર્ય કરી રહ્યો હતો અને બરાબર રાત્રિના બાર વાગે બદલાયેલી તારીખ ૦૫-૦૫-૨૦૧૫ જોઈ અને આઠ વર્ષ પહેલાંની આજની જ તારીખ યાદ આવી ગઈ. એ  તારીખ હતી, ૦૫-૦૫-૨૦૦૭; મારા બ્લૉગજગતમાંના પદાર્પણનો એ અનેરો દિવસ કે જે એવો ફળ્યો કે …

અહીં આગળની વાતને ગળી જાઉં છું, કેમ કે એમાં કંઈ નાવીન્ય નહિ હોય; બસ, જૂનાં સંસ્મરણોને સૌ બ્લૉગરો વાગોળતા હોય તેવું જ વાગોળવા જેવું એ બની રહે. હા, એક વાત તો જીવનભર નહિ ભુલાય અને તે છે સેંકડો માણસો સાથે સ્થપાયેલા મીઠામધુરા સંબંધોની. લગ્નસંબંધ વિષે એમ કહેવાય છે કે એ જોડાં તો સ્વર્ગમાં નક્કી થઈ જતાં હોય છે. આવું જ મિત્રાચારીના સંબંધોમાં પણ થતું હોય એમ હું માનું છું. હા, એ ખરું કે નિયતિએ નક્કી કરેલા સમયે જ સત્તાવાર રીતે એ સંબંધો પ્રસ્થાપિત થાય.

મારા સ્વાનુભવનાં થોડાંક ઉદાહરણો આપું. મિત્ર કેપ્ટન નરેન્દ્રભાઈ ફણસે મારા વતનથી વીસેક કિલોમીટર દૂર દાંતીવાડા મુકામે ઘણાં વર્ષો પહેલાં રહી ચૂક્યા હોય અને દોસ્તી બંધાય વર્ષો બાદ. શરદભાઈ શાહ બે દસકાથીય વધારે સમય પહેલાં મારા પોતાના જ ગામમાં આવી ગયા હોય અને આત્મીયતા તો છેક મોડેથી થાય. ડો. ચન્દ્રવદન મિસ્ત્રી મિત્ર બન્યાના એકાદ વર્ષ પહેલાં મારા પાલનપુરના ધંધાના સ્થળે સાવ નજીકની એક હાઈસ્કૂલમાં આવી ગયા હોય અને અમારે બંનેને પાછળથી એકસાથે ત્યાં જ સભા સંબોધવાની થાય. ૧૯૬૧માં ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથની અમદાવાદની નગરયાત્રા દરમિયાન આસ્ટોડિયા રોડ ઉપર એક ફૂટપાથ ઉપર વલદા (હું) હોય અને સામેની ફૂટપાથે માનવમહેરામણ વચ્ચે સુરેશભાઈ જાની ઊભેલા હોય, પણ ઈશ્વર સિવાય કોઈની તાકાત છે કે અમને બંનેને એ વખતે મેળવી આપે !

એક નવું ગામ વસે તેટલા બધા મિત્રો વિષે લખવા બેસું તો નવમી બ્લૉગવર્સરિ આવી જાય એટલે અન્ય મિત્રોની માફી માગીને એ મુદ્દે હું અટકીને મારા આત્મસંતોષની એક વાત અવશ્ય જણાવીશ. પ્રતિભાવ માધ્યમે કે અન્ય કોઈ રીતે કોઈ વાચકે મને દુભવ્યો નથી, પરંતુ સામા પક્ષે  કે મેં કોઈને જાણ્યે-અજાણ્યે દુભવ્યાં હોવાનું બની શકે. મુક્ત ચર્ચાઓ અવશ્ય થઈ છે, પણ એ સઘળી તંદુરસ્ત જ રહી છે. મેં મારા બ્લોગ્ઝ ઉપર અનેક વિષયોને સ્પર્શ્યા છે, પણ ધર્મ અને રાજકારણ વિષેનો મારો ઠીકઠીક  અભ્યાસ હોવા છતાં હું એ વિષયોથી દૂર રહ્યો છું. હા, જો ક્યાંક વાત કરી હશે તો માનવધર્મની. અરે, વાત જ નહિ; મેં તાજેતરમાં મારો સહિયારો ત્રીજો બ્લૉગ ‘માનવધર્મ’ પણ શરૂ કરી દીધો છે. ‘વલદાનો વાર્તાવૈભવ’માં ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ’ શીર્ષકે એક સહિયારું પેજ છે. ‘William’s Tales’ એ મારો દ્વિભાષી બ્લૉગ છે, જેને મેં મારા પોતાના જ લેખો માટે અનામત રાખ્યો છે. હા, કોઈ સાહિત્યકારોની અનુવાદિત કૃતિઓ કે રસદર્શનોને મેં સ્થાન આપ્યું છે ખરું, પણ રૂપાંતરકાર કે રસદર્શનકાર તરીકે તો હું જ રહ્યો છું.

સૌ મિત્રો મારી એક વાતને આત્માશ્લાઘામાં ન ખપાવો, તો કહી દઉં કે હું લાગણીશીલ માણસ છું, પણ મને લાગણીવેડા દર્શાવતાં આવડતું નથી; એટલે લાગણીના પ્રવાહમાં ન ખેંચાતાં મારા આ એનિવર્સરિ લેખને જલ્દી પૂરો કરી દઈને આપ સૌની રજા લેવા માગું છું. જતાંજતાં લાગણીની વાતોને પડતી મૂકીને હું આપ સૌની પાસે એક માગણી મૂકી રહ્યો છું. હું મારા ‘માનવધર્મ’ બ્લૉગને મારા જીવનનો પરપોટો ફૂટી જાય તે પહેલાં તેને સંતોષકારક રીતે વિકસાવવા માગું છું. હું સૌ બ્લૉગર મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે ‘માનવધર્મ’ને અનુમોદન આપતી કોઈપણ સાહિત્યપ્રકારની આપની કૃતિઓ મને મોકલાવો અને માનવતાની ભાવનાનો પ્રસાર થાય એવા મારા આ નેક કાર્યમાં આપ સૌ મારાં સહભાગી બનો.

સસ્નેહ,

વલીભાઈ મુસા

 

 
5 Comments

Posted by on May 4, 2015 in Anniversary, લેખ

 

Tags: , , ,

5 responses to “(૪૭૧) મારી આઠમી બ્લૉગવર્સરિ

  1. pragnaju

    May 4, 2015 at 9:59 pm

    બ્લોગ સેવામાં તમારું જીવન અર્પણ કર્યું.
    સ્રરસ મનગમતી પ્રવૃતિ માટેનો અનોખો પ્રયાસ,
    આપને અભિનદન અને અનેક શુભ કામનાઓ, ઉજ્જ્વળ ભવિષ્ય માટે…
    તમને ખબર હશે જ વધુ શક્તિશાળી બની રહેલા કમ્પ્યુટર્સને કારણે દુનિયાભરના સંદેશવ્યવહાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર દબાણ વધતું જ જાય છે. ઈન્ટરનેટ કંપનીઓ કાયમ વધારાના કેબલ્સ નાખે છે, પણ તેની પાછળનો ખર્ચ પણ વધતો જાય છે. પરિણામે યુઝર્સને પેમેન્ટ બમણું કરવું પડશે અથવા ઈન્ટરનેટ વારંવાર સ્વિચ ઓફ્ફ થતું રહેશે. ૦૫-૦૫-૨૦૦૭માં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની મહત્તમ સ્પીડ પ્રતિ સેકંડ બે મેગાબાઈટ્સ હતી. આજે ૦૫-૦૫-૨૦૧૫એ દુનિયાના ઘણા ખરા ભાગોમાં પ્રતિ સેકંડ ૧૦૦ એમબી ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ છે.
    …………………… રમેશ પારેખ આ યાત્રાને વર્ણવતા ગાય છે.

    એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો, બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

    તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

    પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

    આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ, એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
    રમુજ યાદ
    સેવન એટ નાઇન…

    Like

     
  2. pragnaju

    May 4, 2015 at 10:12 pm

    ૮ મી બ્લોગ એની.અનેક શુભકામનાઓ

    તમને ખબર હશે જ
    વધુ શક્તિશાળી બની રહેલા કમ્પ્યુટર્સને કારણે દુનિયાભરના સંદેશવ્યવહાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર દબાણ વધતું જ જાય છે. ઈન્ટરનેટ કંપનીઓ કાયમ વધારાના કેબલ્સ નાખે છે, પણ તેની પાછળનો ખર્ચ પણ વધતો જાય છે. પરિણામે યુઝર્સને પેમેન્ટ બમણું કરવું પડશે અથવા ઈન્ટરનેટ વારંવાર સ્વિચ ઓફ્ફ થતું રહેશે. ૨૦૦૮માં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની મહત્તમ સ્પીડ પ્રતિ સેકંડ બે મેગાબાઈટ્સ હતી. આજે દુનિયાના ઘણા ખરા ભાગોમાં પ્રતિ સેકંડ ૧૦૦ એમબી ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ છે.
    રમેશ પારેખ બાળગીત

    એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો, બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

    તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

    પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

    આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ, એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.

    અમારો પૌત્ર નાનો હતો ત્યારે પ્રશ્ન કરતો
    સૅવન એટ નાઇન
    બ્લોગ એની ફરી મુબારક

    Like

     
  3. સુરેશ

    May 4, 2015 at 11:05 pm

    ઘયડે ઘૈડપણ આવેલું પાંચમું સંતાન હવે હાઈ ઈસ્કોલ માં જવા તલપાપડ છે – એ નિમિત્તે મુબારકબાદી.
    પેંડા/ લાડવા/ બાસુદી/ ગળી રોટલી જે ખવડાવશો – એ ગમશે!

    Like

     
  4. chandravadan

    May 5, 2015 at 2:46 am

    વલીભાઈ,
    વર્ષો ક્યાં વહી ગયા.
    આઠમી એનીવરસરી.
    અભિનંદન !
    બ્લોગ જગતને તમારી કલમથી આનંદ આપતા રહો.
    ચંદ્રપૂકાર પર આવતા રહેશો.
    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.