RSS

(૪૯૯) કૅપ્ટનશ્રી નરેન્દ્રભાઈ ફણસેના સાન્નિધ્યે યાદગાર સભા ! (Re-blogged)

07 Nov

તા. ૨૫મી ઑક્ટોબરની વિશેષ સભાનો અહેવાલ.

– જુગલકિશોર

આજે ફરી એક વાર વલદાજીની ‘હોટલ સફર ઇન’ કે જેના ડાયરેક્ટર તરીકે તેમના દ્વિતીય પુત્ર અકબરભાઈ છે ત્યાં વેબગુર્જરીના યજમાનત્વ નીચે અમે સૌ મળ્યા. આજની સભા અનેક રીતે જુદા પ્રકારની હતી. થોડી ઉતાવળે આ કાર્યક્રમ ગોઠવાયેલો એટલે હાજર સભ્યસંખ્યા વિશે બહુ આશા નહોતી. પણ ફોન ઉપર જે પ્રતિભાવો વલીભાઈને મળેલા એણે કરીને અમે ઉત્સાહિત હતા.

આગળના દિવસે કૅપ્ટન શ્રી નરેન્દ્રભાઈ વલીભાઈ સાથે રહીને કેટલીય નવાજૂની વાતોનું આદાનપ્રદાન કરી ચૂકેલા. વર્ષો પછી દેશ, પ્રદેશ અને અમદાવાદની ભૂમિને વહાલ કરવાનું માહાત્મ્ય કંઈ ઓર જ હોય. ને એવું જ માહાત્મ્ય સૌને મળીને ભાષાસાહિત્ય ને કંઈ કેટલાય વિષયોની ચર્ચા કરવાનું હોય છે. આ વાતની સાબિતી ખરે જ બીજા દિવસની સંધ્યાએ અમને સૌને મળી ! કહ્યું ને કે આ વખતની સભા કંઈ જુદી જ હતી.

ક્યારેક કાં તો ભૂલી જવાને કારણે સભાઓમાં ગેરહાજર રહેવાનું મારે બનતું હોય છે પરંતુ જો ભૂલી ન જવાયું તો તો સૌથી પહેલાં પહોંચવાનું – અપના ઉસુલમાં આવતું છે. ને એમ વલદાની હોટેલ ઇન પર સૌથી પહેલાં પહોંચીને મેં વલીભાઈને જ આવકારવાનું માણ્યું હતું.

પછી તો ખબર પડી કે કૅપ્ટન હોટેલમાં જ ઊતર્યા હોઈ હાજર જ છે તેથી ત્રીજે માળે એમની થ્રી–નોટ–થ્રી નંબરની રૂમમાં અમે પહોંચી ગયા ! સભા માટે પૂરતી બેઠકની સરસ મજાની એસીવાળી રૂમમાં એમને – વર્ષો પછી – મળવાનું બન્યું ત્યારે ભેટી પડવા સિવાય બીજો કોઈ શિરસ્તો કયો હોય ?! એક દેશસેવક સૈનિક–કૅપ્ટનના ધબકારા આપણા જેવા ઘરકૂકડી માણુસ સાથે ક્યાંથી મૅચ થાય એમ વિચારીએ વિચારીએ ત્યાં તો હૈયાએ નેટ–વેગુ–સાહિત્ય–ઈમેઈલો વગેરેના સંબંધે એવા તો ધબકાર આપ્યા કે બે હૈયાં વચાળે ધબકાર જાણે એક જ હતો !!

પછી આવ્યા શ્રી હરીશભાઈ દવે. એમનું વ્યક્તિત્વ પણ, અલપઝલપ થતા રહેતા ફોનીય સંપર્કો છતાં, ઘણા લાંબા સમયે ‘સમક્ષ’ થયું. વેગુ પર ગુજરાતના ઇતિહાસને અતિ સંક્ષેપમાં પણ રસપ્રચુર બનાવીને મૂકનારા શ્રી દવે માહિતીઓનો ખજાનો ધરાવે છે. અનેક વિષયોની નાનીમોટી, ઝીણીઝીણી કેટલીય સામગ્રી એમની પાસે સંગ્રહાયલી પડી છે. સભામાં તો એમાંની કેટલીક મેળવી શકાઈ, બાકી તો, વેગુ પર એ બધું ક્યારેક તો વરસશે જ એ આશા અસ્થાને નથી.

આ વખતે એક સાવ અલગ વ્યક્તિત્વનોય પરિચય થયો આ સભામાં. વલીભાઈએ પરશુરામભાઈ પટેલનો પરિચય કરાવ્યો. ગીત–સંગીત–કથાવાર્તા–લોકસાહિત્યના પીરસનારા એવા પરશુરામભાઈ આપણી સભાઓમાં પ્રથમ વાર જ આવ્યા હતા.

પણ સભાને એક નવું પરિમાણ આપનારા રજનીભાઈ પંડ્યાનું આવવું તો અમારા સૌ માટે આજની સભાની સફળતા માટેનું કારણ બની રહ્યું. આજ સુધીની કેટલીય સભાઓમાં આવી ચૂકેલા રજનીભાઈ આજે તો અમને વેબગુર્જરી લેખક પરિવારના સભ્યરૂપે પણ દેખાયા એનોય આનંદ વિશેષ હતો ! તેમની સાથે સુશ્રી પૂજા મલકાણ પણ હતાં. તેમણે સભાની ચર્ચાઓમાં કંઈ કેટલીય ખૂટતી માહિતી–કડી ગોઠવવામાં મદદ કરી.

ત્યાર બાદ આવ્યા કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી પ્રફુલ્લભાઈ દવે. આ પહેલાં લગભગ બધી જ સભાઓમાં હાજરી આપનારા તેઓ વિચારસભર અને વિશેષ બાનીમાં કાવ્યો રજૂ કરનારા સર્જક છે. જરૂર કરતાં એક શબ્દ પણ વધુ ન બોલનારા દવેસાહેબ સૌ વક્તાઓ માટે બહુશ્રુત શ્રોતા છે. તેમની રચનાઓ વિચારતાં કરી મૂકે તેવી હોય છે.

અને પછી, લગભગ શરૂ થઈ રહેલી સભામાં આવ્યા આજની સભાના કવિ– આપણા માનીતા ને ચચ્ચાર (હવે તો પાંચ) ઍવૉર્ડ મેળવી ચૂકેલા શ્રી અનિલ ચાવડા. ઍવૉર્ડોથી ઊંચા ચાલતા ને ક્યારેક ઍવૉર્ડો પાછા આપીને પ્રકાશમાં રહેવા મથતા કેટલાય મહાનુભાવોની સરખામણીએ ઉત્તમ કાવ્યો ને આટઆટલા ઍવૉર્ડો મેળવી ચૃક્યા પછી પણ સાવ સહજ એવી નમ્રતા ધરાવતા શ્રી અનિલભાઈ નેટ પરના કાવ્યજગતની શોભા છે. તેઓએ જે ભક્તિભાવથી શ્રી રજનીકાન્તભાઈને વંદન કર્યાં તે તેમના બન્નેનો પરિચયય અપાવનારું દૃષ્ય હતું.

*************

સભાની શરૂઆત તદ્દન અનૌપચારિક રીતે થઈ. વેગુ પર મુકાયેલા ગુજરાતના ઇતિહાસ વિષયક લખાણોની વાતથી ચર્ચા આરંભાઈ.ગુજરાતનો ઇતિહાસ અને એનાં પરનાં લખાણોની ચર્ચામાં સર્વશ્રી હરીશભાઈ, નરેન્દ્રભાઈ, વલીભાઈ તથા રજનીભાઈ જોડાયા. પરશુરામભાઈએ પોતે વિદેશોમાં આપેલા કાર્યક્રમોની વાત કરી. તેના પરથી લોકસાહિત્ય, તેના મરમ અને લોકોના કંઠે સચવાયેલું સાહિત્ય કેટલું બળુંકું ને અસરકારક હોય છે તેની વાતો થઈ. લોક અને સાહિત્ય બન્ને શબ્દો કેમ મૅચ નથી થતા તેનો ઉલ્લેખ જુગલભાઈએ શ્રી કનુભાઈ જાનીનો સંદર્ભ આપીને કર્યો. લોકસાહિત્યના સર્જનગાળા વખતે મુદ્રણકલા નહોતી ને સર્જનો કંઠોપકંઠ વહેતાં ને સચવાતાં. સાહિત્યની સાચવણ વાણી મારફતે થતી તેથી “લોક વાંગ્મય” શબ્દ કનુભાઈએ પ્રચલિત કર્યાની વાત તેમણે કહી.

આ દરમિયાન વાર્તા વિષયક વાત નીકળતાં શ્રી રજનીભાઈએ બે વાત મૂકી. કુમાર સામયિકે તેના તંત્રીશ્રી બચુભાઈ રાવતના સક્રીય રસથી અનેક કવિઓને કાવ્યો લખતાં કરીને ગુજરાતમાં ઉત્તમ કાવ્યોનો ફાલ આપ્યો. તે જ રીતે, અનેક લેખકોને વાર્તાઓ લખતાં કરવાનું શ્રેય શ્રી અશોક હર્ષને ફાળે જવાની વાત રજનીભાઈએ કહી. તેમણે વધુ વિગતો આપતાં કહેલું કે, અશોકહર્ષ સંપાદિત ‘જનસત્તા’ કાર્યાલયનું વાર્તા માસિક  ‘ચાંદની’. તેમણે પોતાના 1956થી 1982 સુધીના કાર્યકાળ દરમિયાન તે કાળે નવોદિત એવા અનેક વાર્તાકારોને વાર્તાની સમજણ આપીને તેમને ઉછેરવાનું અણમોલ કાર્ય કર્યું. જેમાંથી આગળ જતાં અનેક નામાંકિત વાર્તાકારો બન્યા, પોતે પણ તેમનાહાથ નીચે શિક્ષણ પામ્યા હતા….અન્ય વાર્તામાસિકો તે પહેલાંના કાળનાં તે ‘કહાની’. તેમના સમકાલીન વાર્તામાસિકો ‘સવિતા’  અને તે પછીના કાળે સંદેશનું ‘સરવાણી”. વાર્તા પરત્વે વાચકોનું આકર્ષણ (કવિતા તરફના પ્રબળ ખેંચાણને કારણે) ઘટી જતાં વાર્તા માસિકો બંધપડ્યાં. આ વર્ષ શ્રી હર્ષની જન્મશતાબ્દીનું છે.

એ સમયે વાર્તાનાં સામયિકોની જે પકડ વાચકો પર હતી તેનાં વર્ણનો પણ સભામાં થયાં ને સૌ વાર્તારસમાં તણાયાં…..પરંતુ કુમારની વાત નીકળે ને કુમાર ચંદ્રક કેમ રહી જાય ? એ ચંદ્રકમાંના સોના કરતાંય કુમારનું ચંદ્રક સાથે જોડાયેલું નામ કેટલું મહત્ત્વનું છે તે ચર્ચાતાં રજનીભાઈને મળેલા એ ચંદ્રકની સાથે સાથે ચંદ્રક માટે ફાળો આપનારા મહાનુભાવોનેય સંભાર્યા.

ત્યાર બાદ સીધો જ સવાલ કરીને આજની સભાના મુખ્ય અતિથિ કૅપ્ટન નરેન્દ્રભાઈને, તેમણે અંગ્રેજીમાં લખેલી બૃહદ કથા ‘પરિક્રમા’ વિશે વિગતે વાત કહેવા આગ્રહ થતાં તેમણે આ યુદ્ધકથા કઈ રીતે લખાઈ તેની વિગતે વાત કરી. આમેય “યુદ્ધસ્ય કથા રમ્યા !” એટલે કૅપ્ટનની કથા અંગેની કથામાં પણ સૌને ખૂબ રસ પડ્યો.

એ રસને હજી વાગોળીએ વાગોળીએ ત્યાં તો સૌની ઘ્રાણેન્દ્રીયને ઝબકાવી ગયેલી નવતાડનાં સમોસાની સુગંધ “વાહ, શું ગંધ !” કહેવડાવતીક ને એના અનુગામી એવાં સાક્ષાત સમોસા–ચટણીનેય પ્રતિઅક્ષ (પ્રત્યક્ષ) કરી ગઈ !  સમોસા સાથે કેટલીક વાતોય – વધારાની ચટણી જાણે – અલપઝલપ ચાલી. ત્યાર પછી તો તીખા તમતમાટને શીત કરતો આઈસ્ક્રીમ પણ પીરસાયો. (કહેવાની ભાગ્યે જ જરૂર રહે, કે આ બધી જ આગતા–સ્વાગતા ને શ્રીભરી મહેમાનગતીનું સં–ચાલકબળ એવા વલીભાઈ મુસા પરિવારના પ્રતિનિધિશ્રી અકબરભાઈ, હવે તો વેગુસભાઓના કાયમી યજમાન બની ગયા છે. વેગુની બધી સભાઓના સંયોજક–યજમાન જેમ વલીભાઈ હોય છે તેમ બધી જ સગવડો–સવલતોની નિ:શુલ્ક વ્યવસ્થા માટેના યજમાન તેઓ છે. આ બધાંનો યશ કે એ માટેની આભારની લાગણીય તેઓ સ્વીકારવા રાજી નથી ! એમનું સૌજન્ય અમારી સભાઓને એક પરિમાણ આપે છે.)

વેબગુર્જરી નિમિત્તે આજનું મળવાનું હતું તેથી તો ખરું જ પણ આ સભામાંનાં બધાં વેગુના લેખકો પણ હતા એટલે એની પ્રગતિ અને વર્તમાન પ્રવાહ પણ ચર્ચામાં આવ્યાં. કેટલાક ન આવી શકેલા લેખકો અને  બ્લૉગરોની ગેરહાજરી ખૂંચ્યાનુંય અમે વાતમાં લીધું.

‘ગદ્યં ચ પદ્યં ચ’ એવું એક સૂત્ર છે. સભામાં ચર્ચારૂપ ગદ્ય પછી કાવ્યપઠન એટલે પદ્યાસ્વાદ. કાવ્યપઠનથી સભામાં એક મજાનું વાતાવરણ મળે છે. સૌએ શ્રી પ્રફુલ્લભાઈને વિનંતી કરતાં તેમણે એક લઘુ રચના પેશ કરી –

ચાલો ‘મોટા મોટા’ રમીએ.

સાવ ભલે ને ખોટા રમીએ…..ચાલો૦

આ છલનાના કે મૃગજળના

ખાનાં કરી લખોટા રમીએ……ચાલો૦

ખાલીપાનો રાજીપો લઈ

હાથ લઈ પરપોટા રમીએ….ચાલો૦

રોલ વિનાનો કૅમેરા લઈ,

ચાલો પાડી ફોટા રમીએ…..ચાલો૦

જીવવાનું છે જીવવા માટે,

આપણે ‘ખોટા ખોટા’ રમીએ…..ચાલો૦

નાનાં બાળકોની અનેક રમતોને મોટાંઓની ‘રમત’માં ફેરવી દેતી આ રચના સૌને સ્પર્શી ગઈ.

ત્યાર બાદ વારો આવ્યો કવિશ્રી અનિલ ચાવડાનો. એમણે મજાની ટૂંકી રચના આ પ્રગટ કરી –

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,

ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

કાન તો કાપી લીધા’તા ભીંતના,

તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?

હું કળી માફક જરા ઊઘડી ગયો,

એટલામાં પણ તને તકલીફ થઈ?

આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે-

આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.

કેટલું સારું છે ઊડતા પંખીને,

કોઈ ચિંતા નહિ કઈ તારીખ થઈ?

આ પછી જુગલભાઈએ ત્રણ રચનાઓ મૂકી. અહીં તેમાંની એક –

પુત્રને હીંચકાવતાં :

ધીમે ધીમે  હાલરડાતા
આ હીંચકાની હેઠ,
ટપકતા મૂતરના રેલાની


સડકે સડકે
હું ચાલ્યો….

મઘમઘબાળોતીયું આ મહેંકે-
એની ગંધ ઓઢીને
ચાલ્યો…

કડાંના કિચૂડાટનો
શમણે લઈને ભાર,
ઝીણા ઘૂઘરિયાળા રવને મારગ
ચાલ્યો..

ઘોડિયે બેઠેલો આ પોપટ
મારાં વર્ષો
લઈને પાંખે એની
ફડ ફડ ઊડી જાય…

મારાં અંગ
ઉઘાડાં કરી,
ઘોડિયે પગ ઉલાળતો કરી મૂકીને

હવે –
‘મને’
આ કોણ હીંચોળે ?!

ને ત્યાર બાદ વલીભાઈએ એક હળવી રચના હળવે હળવે પ્રગટાવી હતી –

‘હવે ઊઠશો કે?’(અછાંદસ)

‘હવે ઊઠશો કે?’

ભરનિદ્રાએ હલબલી ઊઠ્યો શ્રીમતી ગર્જને!

’ધરતીકંપ થયો શું?’

’ના, ધરતી ફાટી નથી! ગઈ રાતનું દૂધ ફાટ્યું!’

’તો?’

’તો…શું વળી?ભાગો શેરીનાકે લઈ તપેલી,

લાવી દ્યો દૂધ અડધો લીટર’

‘તપેલી નાની લાવ્યા, સાહેબ,

દઉં ચારસો મિલિલીટર?’

ધનજી દૂધવાળો બોલ્યો.

’ના, ભાઈ, ના

હૂકમ તેણીનો નહિ ઊથાપું.’

’પણ, છલકાશે!’

’ભલે છલકતું, દઈ દે પૂરું તું તારે!’

વાત ખરી પડી, દૂધ છલકતું પ્રત્યેક ડગલે.

’છલકો મા બચુ છલકો મા, મોંઘેરાં તમે!’ વીનવું હું.

પણ, ના માને એ લગીરે!

હવે સહેજ મોટા અવાજે વદું હું,

’ખરીદ્યું તને ચાલીસના ભાવે, મફતિયું નથી તું!’

કોઈ અસર નહિ, એ તો બસ મક્કમ હતું છલકવા!

હવે ક્રોધ મુજ ચરમ સીમાએ અને તાડુકી ઊઠ્યો,

’ક્યારનો વીનવું, છલકો મત, છલકો મત, તોય તું છલકે!

તો લ્યો ફિર છલકો!’ કહી છલકાવ્યું એને,

બંને હાથોએ તપેલી હલાવી,

જાણે થયો મુજ હસ્તે કંપ!

દૂધની તપેલી તો છલકી પણ સભાએ સૌનાં હૃદય–મન પણ છલકાવી દીધાં….ને એમ સૌ એકબીજાને સ્નેહપૂર્વક ભેટતાં રહીને છલકતા હૈયે ઊભા થયા !

પણ તે પહેલાં ખાસ તો આ સભાનું યજમાનપદ શોભાવનારા શ્રી વલીભાઈ તથા તેમના દ્વિતીય પુત્ર, હોટેલના ડાયરેક્ટર અને મજાની સગવડોભરી રૂમો ફાળવવાની સાથે “ગદ્યપદ્ય પદારથો”નું આચમન કરાવનારા શ્રી અકબરભાઈને અમે સૌ અભિનંદતા રહ્યા. આભારવશ અમે તેમનેય સ્નેહે છલકાવ્યા !!

– જુગલકિશોર વ્યાસ

(સૌજન્ય ‘વેબગુર્જરી’)

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on November 7, 2015 in અહેવાલ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: