RSS

(૫૧૩) “અમર્યાદ આનંદ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન (૮) -વલીભાઈ મુસા

02 Mar

અમર્યાદ આનંદ

ચિત્તભ્રમ માનવવૃંદથી ના અધિક દૂર,
એવું સ્થિત ત્યાં, નિષ્પ્રાણ શબ્દો તણું કબ્રસ્તાન.

એય વળી કેવા?
સાવ જ નિરુત્સાહી, એકાકી અને વળી અસ્ફુટ શબ્દો;
ઊંડેરા દટાયલા, વિસ્મૃત અને સ્વચ્છંદ એ શબ્દો;
બુઠ્ઠા, કોડીય ન ઉપજે તેવા સાવ મફતિયા અને સંદિગ્ધ શબ્દો;
સાવ ખાડે ગયેલા નકામા, અંધારી ગુફામાં અટવાતા અને સાવ બોદા એ શબ્દો;
વણજોઈતા, રદબાતલ અને વણવપરાતા શબ્દો;
અપમાનજનક, હાનિગ્રસ્ત અને ધોકલે ધબેડાયેલા એ શબ્દો.

ત્યાં તો નાનેરું શિશુ એક આવ્યું,
રખડતું-રઝળતું, અહીં એકદા.
વીણી લીધા શબ્દત્રય સહજ મનમોજે,
ને લ્યો, જાણે જાદુઈ હાથે લાધ્યા એ જીવંત
અને બોલી પડ્યા, સાવ હળવા અવાજે,
સમજી શકે શિશુ એવા સહજ ભાવ ભાવે,
એ ત્રણેય શબ્દો કે, ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’)
અને એ નાનેરું બાળ પણ બોલી ઊઠ્યું,
સહર્ષે વળતા જવાબે કે,
‘હું પણ ચાહું, તમને બધાને!’ (‘I love you all, too!’)

– વિજય જોશી  (મૂળ કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Boundless Joy

Not too far from manic human herd,
sits a graveyard of lifeless words.

melancholy, lonely, dubious words,
buried, forgotten, abandoned, words.
pointless, worthless, vague words.
Pitted, cavernous, hollow words,
unwanted, discarded, unused words.
abused, injured, battered words.

A little boy came wandering one day,
picked up three words in a random way.

They came alive in his magical hands,
and spoke slowly so boy understands.

uttered three words, “We love You”
little boy replied with joy, “I love you all, too!”

– Vijay Joshi

* * *

: રસદર્શન :

આ અગાઉ ભાષાના શબ્દોને વિષય બનાવીને ‘વણલખ્યું’ કાવ્ય આપી ચુકેલા કવિશ્રી વિજય જોશી આપણી સમક્ષ બસ એ જ રીતે વળી પાછા ‘શબ્દો’ને જ કેન્દ્રમાં રાખીને ‘અમર્યાદ આનંદ’ એવા નવીન કાવ્ય સાથે આપણી સમક્ષ ફરી એક વાર આવે છે. આ કાવ્યમાં કવિએ ભવ્યાતિભવ્ય ઢબે ભાષાના શબ્દોને નિષ્પ્રાણ દર્શાવીને એમનુંય કબ્રસ્તાન હોવાની એક અનોખી કલ્પના કરી છે. જીવતાજાગતા માનવીઓ એક નિશ્ચિત કાળે અવસાન પામતાં કબ્રસ્તાનભેળા થઈ જાય, બસ તેમ જ અહીં શબ્દોનું પણ એમ જ થતું બતાવાયું છે; આમ છતાંય એટલો ફરક તો ખરો જ કે એ શબ્દો કબરોમાં દફન થઈ જતા નથી, પણ કબ્રસ્તાનની જમીન ઉપર એમને વેરવિખેર હાલતમાં પડેલા સમજવાના છે. ગદ્ય અને પદ્યમાં નોંધપાત્ર ફરક એ હોય છે કે ગદ્યમાં કથન સ્પષ્ટ હોય તો પદ્યમાં એ ઇંગિત હોય છે. જો શબ્દો કફન સાથે દફન થઈને ધરતીમાં ધરબાયેલા હોય તો પછી કવિ તેમની સાથે સંવાદ સાધી શકે નહિ ને!

કાવ્યની પ્રારંભની બે પંક્તિઓ વિષયપ્રવેશ બની રહ્યા પછી કવિએ એ સઘળા નિષ્પ્રાણ શબ્દોને વિભિન્ન વિશેષણો લાગુ પાડીને સજીવારોપણ અલંકાર વડે મઢિત એવી બાનીમાં નિર્જીવ રૂપે છતાંય અસ્તિત્વ ધરાવતા બતાવ્યા છે. હવે કાવ્યમાં એ વિશેષણો સ્વયંસ્પષ્ટ હોઈ આપણે તેની યાદીને અહીં પુનરાવર્તિત ન કરતાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈપણ ભાષામાં શબ્દો એ તો એના અંગભૂત એકમ તરીકે હોય છે અને એમના વગર ભાષા સંભવી શકે નહિ. આમ શબ્દો એ ભાષાનો પ્રાણ હોય તો કવિ એમને અહીં નિષ્પ્રાણ શબ્દો તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો અને સરળ જવાબ વ્યાકરણની પરિભાષામાં એ જ હોઈ શકે કે એ શબ્દો યોગ્ય રીતે યોગ્ય અર્થભાવ આપતા વાક્યમાં ગોઠવાય તો જ એ જીવંત બની શકે. શબ્દકોશોમાં પણ શબ્દો હોય છે, એના અર્થો પણ શબ્દોમાં જ આપવામાં આવતા હોય છે; છતાંય એ શબ્દો વ્યક્તિગત રીતે પોતાનું અસ્તિત્વ અને કોઈક અર્થ ધરાવતા હોવા છતાં એ વાક્યોમાં ન પ્રયોજાય, ત્યાં સુધી તેમને પણ નિષ્પ્રાણ જ સમજવા રહ્યા. આમ કવિ કલ્પનાએ આપણે શબ્દકોશને પણ શબ્દોના કોફિન તરીકે ઓળખાવીએ તો જરાય અજુગતું નથી.

મને ક્યાંક લખ્યાનું સ્મરણ છે કે સાહિત્યના ઉત્તમ પ્રકારના સર્જન માટે અને પ્રભાવી વાણીવિનિમયમાં ‘શબ્દપ્રયોજના’નું અનેરું મહત્ત્વ હોય છે. ભાષાનો એકલોઅટૂલો શબ્દ શુષ્ક કે મૃત જ ભાસે, પણ એ જ્યારે યથાસ્થાને, યથાભાવે અને યથાહેતુએ પ્રયોજાય; ત્યારે જ એ જીવંત અને મૂલ્યવાન બની રહે. આપણા કવિએ અત્રતત્ર વેરાયેલા એ નિષ્પ્રાણ શબ્દોના સમૂહમાંથી ત્રણ શબ્દો ઉપર પોતાની પસંદગી ઢોળીને એમને રખડતારઝળતા એક નાના બાળક પાસે હાથવગા કરાવ્યા અને આપણા આશ્ચર્ય વચ્ચે એ બાળકના હાથનો સ્પર્શ થતાં જ એ શબ્દો જીવંત બની ગયા. વળી એટલું જ નહિ એ શબ્દો હળવા અવાજે અને એ બાળકને સમજવામાં સુગમ પડે તે રીતે બોલી પણ ઊઠ્યા કે ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’).

ભાષાના શબ્દો બિચારા કહ્યાગરા હોય છે અને એમને પ્રયોજનારા ઉપર નિર્ભર હોય છે કે તેણે એ શબ્દો પાસેથી કેવું કામ લેવું. આપણા કવિ એ ત્રણેય શબ્દો પાસે એ બાળકને ઉદ્દેશીને બોલાવડાવે છે કે તેઓ સાચે જ તેને ચાહે છે. અહીં બાળકની માસૂમિયત પેલા શબ્દોને એવી સ્પર્શી જાય છે કે સહજભાવે તેમનાથી એ પ્રેમાળ શબ્દો બોલી જવાય છે. ‘પ્રેમ’ એ માનવીય એવો સંવેગ છે કે જે પડઘાયા સિવાય રહી શકે નહિ. પેલા શબ્દોએ જ્યારે એ બાળકને ‘અમે ચાહીએ તને!’ એમ કહ્યું, ત્યારે એ બાળક પણ ‘પેલા શબ્દો’ના એ જ શબ્દોમાં હસીખુશીથી ‘હું પણ ચાહું, તમને બધાંને!’થી પ્રત્યુત્તર વાળે છે.

પ્રેમ એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેથી જ ‘Love is God’ અર્થાત ‘પ્રેમ એ જ ઈશ્વર’ એમ કહેવાય પણ છે. નાનાં બાળકોને પ્રભુનાં પયગંબરો કે બાળગોપાળ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી બાળકોને ‘પ્રેમનાં પ્રતીકો’ તરીકે સમજવાં રહ્યાં; અને તેથી જ તો કવિએ એક નિર્દોષ બાળકને આ કાવ્યમાં પાત્ર તરીકે વણી લીધું છે કે જે પ્રેમ પામવાને પાત્ર તો છે જ, પણ સાથેસાથે એ પ્રેમનો પ્રત્યુત્તર પ્રેમથી જ આપે છે. આમ કવિએ આ લઘુકાવ્યમાંય વળી એવા જ લાઘવ્ય વડે ‘ઢાઈ અક્ષર એવા પ્રેમ’ને ઉજાગર કરી બતાવ્યો છે.

આમ આ કાવ્ય મનનીય બની રહે છે, માત્ર એના એ જ સામર્થ્યના કારણ કે એના સમર્થ કવિએ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો પાસેથી ધાર્યું કામ કઢાવી જાણ્યું છે.

સરસ મજાના આ કાવ્ય બદલ કવિશ્રીને અભિનંદન.

– વિજય જોશી (મૂળ કવિ)

– વલીભાઈ મુસા(રસદર્શનકાર)

(આ શ્રેણીનાં કાવ્યો ઉપરનું અનુવાદન અને સંક્ષેપનું કામ કરતાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. મારું આ કામ ‘વેગુ’વાચકોને ગમ્યું હોય તો તેના યશના સાચા અધિકારી કવિશ્રી વિજયભાઈ છે, કેમ કે જે મૂળ કાવ્યમાં હતું એ જ હું મારા ભાવાનુવાદમાં લાવ્યો છું. અહીં શ્રી વિજયભાઈ જોશીનાં અંગ્રેજી કાવ્યોના (3 in 1) આઠ હપ્તા પૂરા થાય છે. ધન્યવાદ.– વલીભાઈ મુસા)

* * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

Tags: , , , , , , , , , , , ,

3 responses to “(૫૧૩) “અમર્યાદ આનંદ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન (૮) -વલીભાઈ મુસા

  1. pragnaju

    March 2, 2016 at 6:57 pm

    Boundless Joy શ્રી વિજય જોશીના સુંદર કાવ્યનો શ્રી વલીભાઈ દ્વારા અનુરુપ ભાવાનુવાદક અને સ રસ રસદર્શન
    અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા કહી તમે શબ્દો પર અવલંબન રાખો તે અજ્ઞાન છે.તે
    melancholy, lonely, dubious words,
    buried, forgotten, abandoned, words.
    pointless, worthless, vague words.
    Pitted, cavernous, hollow words,
    unwanted, discarded, unused words.
    abused, injured, battered words.
    શબ્દ પ્રેમ કે જેમના અર્થો સમયાંતરે બદલાય ગયા હોય જયારે તમે વિશ્વાસ રાખશો તો આનંદ જ થશે.નાનું મગજ દિવ્ય મગજ પર હાવી થવા પ્રયત્ન કરે છે.દિવ્યતામા બધું જાણવું અને ફક્ત સર્વ ને ચાહવું
    uttered three words, “We love You”
    જયારે આત્મીયતા હોય ત્યારે બીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન ના કરો,અથવા તો પોતાની જાત ને વધારે ઉજાગર કરવા પ્રયત્ન ના કરો.જો તમે આત્મીય હો તો તમારી અભિવ્યક્તિ યોગ્ય હશે,અને .આ આંતરિક સમૃદ્ધી
    little boy replied with joy, “I love you all, too!” સમજી શકશે ત્યારે ‘ પ્રેમ પામવાને પાત્ર તો છે જ, પણ સાથેસાથે એ પ્રેમનો પ્રત્યુત્તર પ્રેમથી જ આપે છે’
    …………………………
    રમુજ યાદ
    નહીં તો કહેશે “I love you all, three!”

    Like

     
  2. La Kant Thakkar

    July 17, 2016 at 7:38 pm

    બસ આપણે બચ્ચા જ રહીેએ… નીર્દોષ…પ્રગનાજુના કથન અનુસાર….સહજ…રહીેએ ( જયારે આત્મીયતા હોય ત્યારે બીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન ના કરો,અથવા તો પોતાની જાત ને વધારે ઉજાગર કરવા પ્રયત્ન ના કરો.જો તમે આત્મીય હો તો તમારી અભિવ્યક્તિ યોગ્ય હશે,અને .આ આંતરિક સમૃદ્ધી…….. )

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: