(૫૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા! – ૩ (ક્રમશ:)
મારો આત્મલક્ષી આ તૃતીય લેખ અનેકાનેક વ્યસનમુક્તિ માટે સંઘર્ષ કરતા વ્યસનીઓની માનવસહજ હાલકડોલક નિર્ણયશક્તિના કારણે મળતી નિષ્ફળતાને ઉજાગર કરશે. સમાજના રીઢા અપરાધીઓ કાયદાની પકડમાં આવે, ત્યારે પોતાના અપરાધની કબૂલાત કરતા નથી હોતા અને ઊલટાના એમ માનતા હોય છે કે ‘અપરાધ કબૂલ કરવો એ જ મોટો અપરાધ છે.!’(Confession is the greatest crime). આવા સામાજિક અપરાધીઓ અને વ્યસનીઓ વચ્ચે પાયાનો ફરક એ રહેતો હોય છે કે પેલા અપરાધીઓ તો અન્યોને સંતાપતા હોય છે, જ્યારે વ્યસની તો પોતાની જાતને જ હાનિ પહોંચાડતા હોય છે. પેલા અપરાધીઓ કબૂલાતથી દૂર ભાગે છે, વ્યસની પોતાના દોષનો સ્વીકાર કરે છે અને પસ્તાય છે; પરંતુ એ પસ્તાવાથી વિશેષ કશુંય કરી શકતો નથી હોતો! આમ છતાંય બડભાગી કોઈક વીરલો વ્યસનને કોઈકવાર મહાત કરીને વિજય તો મેળવી લે છે, પણ ઘણા કિસ્સાઓમાં સમય જતાં એ વિજય તકલાદી પુરવાર થતો હોય છે અને વળી પાછી એ વ્યસન સાથેની તેમની દોસ્તી જામીને પાકી થઈ જતી હોય છે.
મારા કિસ્સામાં પણ આમ જ બન્યું હતું. ત્રેપન ત્રેપન વર્ષની અવિરત એવી મારી તમાકુસેવનની બૂરી આદતનો અંત આવ્યો હતો અને ભારતના આઝાદીદિન તા.૧૫-૦૮-૨૦૧0ની મધ્યરાત્રિના બરાબર બારના ટકોરે હું પણ મારી તમાકુની ગુલામીને ફગાવી ચૂક્યો હતો. આ વખતના મારા સંકલ્પને સફળ થવા માટેના સંજોગો અનુકૂળ હતા, કેમ કે એકાદ અઠવાડિયામાં મારા હૃદયની સારવાર થવાની હતી. મેં વિચાર્યું હતું કે સાપ જેમ દરમાં સીધો થાય તેમ મારે દવાખાને સીધા થવાનું જ હતું, તો ઘરેથી સીધા થઈને જ કેમ ન જવું! વળી મેં મારા ઉપર મારું સ્વૈચ્છિક મનોવૈજ્ઞાનિક દબાણ એવી રીતે મૂક્યું હતું કે મેં મારા બ્લોગ ઉપર મારા તમાકુત્યાગના પરાક્રમનો જાણીજોઈને ઢંઢેરો પીટી નાખ્યો હતો. અગાઉ અનેકવાર મેં તમાકુત્યાગના પ્રયત્નો કર્યા હતા, પણ એ બધા મારા પૂરતા ખાનગી રહ્યા હતા; ‘મનમાં પરણવું અને મનમાં રંડાવું’ પ્રકારના જ તો વળી! ચાર જ દિવસ પછી તા.૧૯-૦૮-૨૦૧૦ના રોજ તાકીદના ધોરણે મારી બાયપાસ સર્જરી થઈ. મારી કટોકટીજનક સ્થિતિના કારણે છ દિવસ સુધીની આઈ.સી.યુ.ની મારી નજરકેદ પછી મારા રૂમમાં મને ખસેડવામાં આવ્યો; ત્યારે મેડિકેશનના કારણે જ્યાં મને પીવાનું પાણી કે ખાવાનું પણ બેસ્વાદ લાગતું હતું, ત્યાં તમાકુ ચાવવાનો વિચાર સુદ્ધાં પણ ક્યાંથી આવે! દવાઓની આ આડઅસર એકાદ મહિના સુધી રહી, જે મારા માટે લાભદાયી પુરવાર થઈ અને મારા પોતાના માન્યામાં ન આવે તેવી તમાકુત્યાગની અકલ્પ્ય સિદ્ધિ મને પ્રાપ્ત થઈ.
પછી તો તમાકુસેવનના નશાથી પણ બલવત્તર એવો તમાકુત્યાગનો નશો મારા દિલોદિમાગ ઉપર એવો છવાઈ ગયો કે હું પૂરાં ત્રણ વર્ષ અને બે માસ સુધી કોઈપણ જાતના માનસિક દબાણ વગર તમાકુથી વિમુખ રહી શક્યો. પરંતુ હું જાણીજોઈને ‘ખેલ ખેલમેં’ તા.૧૧-૧૦-૨૦૧૩ ના રોજ ભેંશનાં શિંગડાંમાં ફરી મારા પગ ભરાવી બેઠો. એ દિવસ મારી દીકરીનો જન્મદિવસ હતો અને મેં સ્વર્ગીય આનંદ માણવાની અનુભૂતિ સાથે લાંબા વિરામ બાદ મારાં ગલોફાંમાં પહેલીવાર તમાકુનો માવોમસાલો ભરીને તેને મારા મોબાઈલ ઉપરથી અધ્યાહાર SMS કરી દીધો, આ શબ્દોમાં કે ‘I have celebrated your birthday in my own way.’. એ બિચારીએ વળતો ફોન કરીને ‘કેવી રીતે ઊજવી’નો ખુલાસો માગ્યો, ત્યારે મેં એને લબડાવતાં કહ્યું હતું કે ‘સમય આવ્યે કહીશ’ અને એ સમય આવ્યો આઠેક મહિના પછી જ્યારે કે મારાં શ્રીમતીએ મને લપાતાંછુપાતાં તમાકુ ચાવતાં પકડી પાડ્યો હતો. સ્વાભાવિક જ છે કે માદીકરી વચ્ચે આવા કૌટુંબિક સનસનીખેજ સમાચારની આપલે થયા વગર રહે જ નહિ ને!
મારા તમાકુસેવનના ત્રણ વર્ષ અને બે માસના સન્યાસ પછી પુન: શરૂ થયેલી નઠારી આ ટેવનો મારો કબૂલાતનામાનો આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે બે વર્ષ અને પાંચ માસ પૂરા થઈ ચૂક્યા છે. મારાં આપ્તજનો અને મિત્રો-સ્નેહીઓ કે જે મને દિલોજાનથી ચાહે છે અને એવા કોઈ મારા જેવા તમાકુના બંધાણીઓ કે જેમણે કદાચ મારું ઉદાહરણ લઈને વ્યસનત્યાગ કર્યો હશે એ સઘળાને દુ:ખ થવા સાથે એક પ્રશ્ન પણ સતાવતો હશે કે મારે આમ કેમ કરવું પડ્યું હશે? મેં ઉપર ‘જાણીજોઈને’ શબ્દ સાથે ‘ભેંશનાં શિંગડાંમાં પગ ભરાવી બેઠો’ની જે વાત સહજ રીતે જણાવી દીધી છે તેને કંઈ ખુલાસો ન કહી શકાય તે હું સમજી શકું છું. ‘જાણીજોઈને’ શબ્દ સાથે સંકળાયેલા બે પ્રશ્નો – ‘શું જાણીને?’ અને ‘શું જોઈને?’ – અનુત્તર જ ઊભા રહે છે. આ પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ નથી અને કોઈપણ વ્યસનમાં ગળાડૂબ હોય એવા કોઈપણ વ્યસની પાસે આવા પ્રશ્નોના જવાબ હોઈ શકે નહિ.
વળી કદાચ માનો કે આવા પ્રશ્નોના જવાબ અપાય તો તે સ્વબચાવ (Defense mechanism) માટેના જ હોવાના અને પ્રશ્નકર્તાને કદીય એવા જવાબોથી સંતોષ ન થાય એ પણ એક હકીકત છે. આમ છતાંય મેં જ જ્યારે આ સવાલો ઊભા કર્યા છે, ત્યારે મારે એના જવાબો આપવા જ રહ્યા અને એ બંને પ્રશ્નોનો મારો એક જ જવાબ છે ‘મારી માનસિક નિર્બળતા!’. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપ સૌ વાચકો સમજી શકશો અને હું પોતે પણ સમજી શકું છું કે મેં જે તમાકુત્યાગ કર્યો હતો તે દિલથી નહિ, પણ મજબૂરીથી કર્યો હતો. જે માણસ પોતાને વ્યસન ક્યારથી વળગ્યું તે જાણે છે, એ વ્યસન કેટલા સમય સુધી રહ્યું એ પણ તે જાણે છે; એ માણસ કયા દિવસથી વ્યસનનો ત્યાગ કર્યો તેની નિશ્ચિત તારીખ યાદ રાખે છે, કેટલાં વર્ષ અને ઉપર કેટલા માસ સુધી પોતે વ્યસનમુક્ત રહ્યો તેનો હિસાબ પણ તેની પાસે છે. વળી ફરી વ્યસન શરૂ કર્યા પછી હાલ સુધીમાં કેટલો સમયગાળો વ્યતીત થયો છે તેની પણ વેપારીનામાની જેમ તેને ખબર છે. આ સઘળું બતાવી આપે છે કે તેના માનસપટમાંથી તમાકુ સદંતર ભુંસાઈ નથી. અંગારા ઉપર રાખ વળેલી હોય, પણ અંદર અગ્નિ પ્રજળતો જ હોય તેવી આ વાત થઈ ગણાય. વ્યસનના ભોગ બનવું એટલે એક પ્રકારની સાધ્યદુષ્કર માનસિક બિમારીને નોંતરવી અને એ બિમારીનો ઈલાજ જડમૂળથી ન થાય તો ફરી ઉથલો મારે જ એ હકીકતને સ્વીકારવી જ રહી.
કોઈ વાચક વળી મારા આ લેખના ફલિતાર્થને જાણવા માટેનો સવાલ ઊઠાવે તો હું એટલું જ કહી શકું એમ છું કે લેખના શીર્ષક મુજબ મારા પોતાના માટે તો આ સાચે જ શરમકથા છે, પણ વ્યસનત્યાગ માટેની મારી મથામણ અને અંતે મને મળતી નિષ્ફળતા અન્ય એવા વ્યસનમુક્ત લોકો માટે દાખલારૂપ બની શકે કે કદી કોઈએ આવાં ઝેરનાં પારખાં કરવાનો વિચાર સુદ્ધાં પણ કરવો જોઈએ નહિ. પેટ ચોળીને શૂળ ઊભું કર્યા પછી તેના ઈલાજ માટે ફાંફાં મારવા કરતાં શૂળ ઊભું જ ન કરવું એમાં જ શાણપણ છે. આજનો યુવાવર્ગ તંદુરસ્તીને હાનિકારક એવાં વ્યસનોથી દૂર રહે એમાં જ એની ભલાઈ છે.
-વલીભાઈ મુસા
Like this:
Like Loading...
Related
Tags: આત્મલક્ષી, કબૂલાતનામું, તમાકુ, વ્યસનમુક્તિ, સન્યાસ, સ્વબચાવ, Confession is the greatest crime, Defense mechanism
સુરેશ
March 15, 2016 at 9:31 pm
રોજ સવાર ઊગે જ છે- કોઈ ઊઠે કે ના ઊઠે.
બસ… એમ જ ‘ભુલ્યા ત્યાંથી સવાર’ માની જ લો ને.
Wish you best luck.
તમારા વાચકોના લાભાર્થે… આ લખનારે પણ અનુભવેલું – આવી જ બાબતોમાં તમને, મને , સૌને નડતા – વિઘ્ન પર વિજય મેળવવાની તરકીબની લિન્ક આપવાની લાલચ રોકી નથી શકતો….
નાનકડી શિસ્ત ( બે ભાગમાં )
https://gadyasoor.wordpress.com/2013/10/27/bani_azad-22/
( બીજા ભાગની લિન્ક એની છેવટના ભાગમાં છે. )
LikeLike
pragnaju
March 15, 2016 at 10:57 pm
કેટલીક વાર ખૂબ જાણીતી અવળવાણી અસરકારક રહે છે…લાભો
૧ ” તમાકુ ખાનારને કદી કૂતરા કરડતા નથી. બીજો લાભ એ કે તેને કદી ઘડપણ આવતુ નથી અને ત્રીજો લાભ એ કે તેના ઘરે ચોર કદી ચોરી કરતા નથી. જુઓ તમાકુ નાની વય થી સેવન કરવાથી પગ નબળા થઈ જાય છે એટલે સાથે લાકડી નો ટેકો રાખવો પડે છે એટલે કૂતરા નજીક આવતા નથી.
૨ ટીબી કે કેન્સર જેવા રોગ લાગુ પડે એટલે ૫૦ થી ૬૦ વષૅ જ જીવન સંકેલાય જાય તેથી ઘડપણ આવતુ જ નથ
૩ તમાકુ માં તથા તેની સારવાર પાછળ થતા ખચાઁઓ થી ઘરમાં નાણા ની તંગી વતાઁય તેથી ઘર માં ચોર ચોરી કરવા આવે જ નહી ત્યારે સમજુ માટે -નિકોટિનનું કુદરતી રીતે ઉદ્ભવતું સ્વરૂપ [α]D = –166.4° સાથે લીવોરોટેટરી હોય છે. તેનું ડેક્ષ્ટ્રોરોટેટરી સ્વરૂપ (+)-નિકોટિન અન્ય (–)-નિકોટિનથી માત્ર અડધી જ શારીરિક પ્રવૃતિ કરે છે. માટે તે એટલું નબળું હોય છે કે તેની સરખી અસર મેળવવા માટે તેનો ઊંચો ડોઝ લેવો પડે. (+)-નિકોટિનના ક્ષારો સામાન્ય રીતે ડેક્ષ્ટ્રોરોટેટરી હોય છે.નિકોટિન મગજ પર કાર્ય કરે છે. ખાસ કરીને, તેના માદક સ્વભાવ માટે એવું જાણવા મળ્યું છે કે નિકોટિન પ્રતિભાવના રસ્તાઓ ખોલી દે છે. આનંદ અને સુખબોધની લાગણીઓને નિયંત્રિત કરતી મગજની પરિભ્રમણ કક્ષાને તે સક્રિય કરે છે. ડોપામાઇન મગજની અંદર સમાવિષ્ટ સક્રિય ચાવીરૂપ ન્યુરોટ્રાન્સમિટર્સમાંથી એક છે. સંશોધન દર્શાવે છે કે મગજની રીવોર્ડ સર્કિટમાં ડોપામાઇમનનું પ્રમાણ વધારવાથી, નિકોટિન તીવ્ર માદક ગુણો ધરાવતા રસાયણ તરીકે કાર્ય કરે છે. ઘણાબધા અભ્યાસોમાં તો તેને કોકેઇન અને હેરોઇન કરતાં પણ વધુ માદક દર્શાવવામાં આવ્યું છે, જોકે અકસીર ઇલાજ ન હોય તેવી હઠીલી સારવારોમાં તેની અલગ જ અસર હોય છે. (સંદર્ભ આપો) અન્ય ભૌતિક કેફી પદાર્થોની જેમ, નિકોટિન પણ ડોપામાઇન અને અન્ય ઉત્તેજક ન્યુરોટ્રાન્સમિટર્સના ઉત્પાદનનું ડાઉન-રેગ્યુલેશન (ઘટાડો) કરે છે કારણ કે તે સમયે મગજ કૃત્રિમ ઉત્તેજનાથી થતાં નુકસાનના સમતોલન માટે પ્રયત્નશીલ હોય છે. વધુમાં, નિકોટિનિક એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સની સંવેદનશીલતા ત્યારે ઘટે છે. સમતોલન કરવાની આ વ્યવસ્થાને યોગ્ય રાખવા મગજ કેટલાક રીસેપ્ટર્સને અપરેગ્યુલેટ કરે(વધારે) છે.આમ કરીને તે તેની નિયંત્રિત અસરોને અન્ય સમતોલન વ્યવસ્થાઓની પ્રતિક્રિયાના ભાગરૂપે સમતોલન વ્યવસ્થાથી પરિવલિત કરે છે. આની ચોખ્ખી અસરરૂપે પ્રતિક્રિયાના રસ્તાની સંવેદનામાં વધારો થશે. જે પ્રતિક્રિયાના રસ્તાની સંવેદના ઘટાડતાં કોકેઇન અને હેરોઇનથી વિરૂદ્ધ કહી શકાય. મજ્જાતંતુની કોશિકાને લગતો મગજનો આ બદલાવ વ્યસનનું સંચાલન પૂરું થઇ ગયાના મહિનાઓ પછી પણ ચાલુ રહે છે. પ્રતિક્રિયાના રસ્તાની સંવેદનામાં વધારાના લીધે, નિકોટિનથી મુક્તિ એ દારૂ અથવા હેરોઇનની મુક્તિ કરતાં પ્રમાણમાં હળવી હોય છે.
સાંભળતા કંટાળી જઇ બંધ…………………..
LikeLike