RSS

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

11 Mar

Click here to read in English

આપણા જીવનના કોઈપણ ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવા માટે કે ઉદ્દેશો સિદ્ધ કરવા માટે દૃઢ નિશ્ચયનું આગવું મહત્ત્વ છે. આજનો દૃઢ નિશ્ચય એ આવતી કાલની સફળતા છે. ટોમી લાસોર્ડા (Tommy Lasorda) કહે છે, ‘શક્ય અને અશક્ય વચ્ચેનો તફાવત માણસના દૃઢ નિશ્ચયમાં રહેલો છે.’ આ બધાં દૃઢ નિશ્ચયમાંથી નિપજતાં હકારાત્મક ભવિષ્ય કથનો છે. કોઈપણ માણસ માટે આવું આવું  હજુય વધારે કહેવું આસાન છે. માત્ર એમ કહેવું એ એક બાબત છે અને તેને અમલમાં મૂકવું એ જુદી બાબત છે. તમને જીવનમાં આગળ ને આગળ વધવામાં દૃઢ નિશ્ચયનું ચાલક બળ કે તેની શક્તિ તમને સક્રિય બનાવે છે. ઘણીવાર માણસને પોતાના સંઘર્ષ દરમિયાન ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેથી ઘણીવાર તે નાસીપાસ કે હતાશ થઈ જતો હોય છે. પરંતુ આવા સમયે તમારી દૃઢ નિશ્ચયની શક્તિ એ અવરોધને દૂર કરવા માટેની મદદ કરવા માટે આગળ આવતી હોય છે.

અત્રે હું મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન કે ઘણા એવા મહાન માણસોની વાત કરવા નથી માગતો. એ લોકો તો માનવજાતની ભલાઈ માટેનાં જે સ્વપ્નાં સેવ્યાં હતાં તેમને પોતાના દૃઢ નિશ્ચયના બળે સિદ્ધ કરી શક્યા. સુજ્ઞ વાચકો વિશ્વભરમાં તેમના વિષે લખાયેલાં અઢળક પુસ્તકોમાંથી તેમના વિષેની માહિતી મેળવી શકે છે.

પરંતુ આજનો મારો લેખ તો એક વિદ્યાર્થી વિષેનો છે. અલબત્ત તેણે જે કંઈ સિદ્ધિ મેળવી બતાવી તે પોતાની જ કારકીર્દિ બનાવવા અને તે કારકીર્દિથી જે કંઈ લાભ કે ફાયદા થશે તે માત્ર પોતાના કુટુંબ માટેના જ હોઈ શકે, પણ તેમાંથી મળવા પામનારો બોધપાઠ એ વિશ્વભરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. એક અંગ્રેજી કાવ્યમાં કહેવાયું પણ છે કે પ્રતિકૂળતાઓને પણ તકમાં પરિવર્તિત કરી શકાય છે. આ લેખના નાયકે એ સિદ્ધ કરી બતાવ્યું કે કેવી રીતે કોઈ અશક્ય વસ્તુને દૃઢ નિશ્ચયની તાકાત વડે શક્યમાં બદલી શકાય છે.

હું આ લેખના નાયકને ઓળખાવું તે પહેલાં મારા વાચકોને મારા અગાઉના લેખ ‘એક સજ્જનનું મૃત્યુ’ની યાદ અપાવીશ. અહીં જેની વાત કરવામાં આવનાર છે તે એ જ સજ્જનના પુત્ર અશરફ જ છે. તેની સફળતાની ગાથા વર્ણવવાનો હેતુ માત્ર એ નથી કે તેનાં ગુણગાન ગવાય, પરંતુ એથીય વિશેષ તો એ છે કે વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ કે જે પોતાના માધ્યમિક શિક્ષણમાં બહુ જ ખરાબ પરિણામ આવ્યું હોવાના કારણે કોલેજ શિક્ષણ મેળવવાનું મુલતવી રાખ્યું હોય તેમને પ્રેરણા મળી રહે.

પ્રથમ તો હું અહીં બરાબર બંધ બેસતું હેન્ડરસન (Henderson)નું એક રમૂજી અવતરણ મૂકીશ, જે આ પ્રમાણે છે : પિતાઓ પોતાનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે એટલા માટે મોકલતા હોય છે કે કાંતો તેમણે કોલેજ શિક્ષણ લીધું હોય છે અથવા તો તેઓ કદીય કોલેજનાં પગથિયાં ચઢ્યા નથી હોતા. આપણા આ કિસ્સામાં અશરફના પિતા શ્રીમાન અહમદભાઈ પલાસરા કોલેજમાં ભણવા નહોતા ગયા, કેમ કે તેમને પોતાના માધ્યમિક શિક્ષણ પછી તરત જ એમના કૌટુંબિક ધંધામાં તેમની જરૂરિયાત હોવાના કારણે જોડાવું પડ્યું હતું. તેઓ ભલે કોલેજ શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ એ મતના તો જરૂર હતા કે તેમની ભવિષ્યની પેઢીએ યુનિવર્સિટી શિક્ષણ અવશ્ય મેળવવું જ જોઈએ.

palasara_ashraf.jpgહવે આપણે મિ. અશરફની વાત ઉપર આવીએ. ગામડાંઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું જ્યારે જવલ્લે જ જોવા મળતું હતું, ત્યારે અશરફને તેના વતનની નજીકની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરમાં અને સમાજમાં ઉપકારક થઈ પડે તેવું વતાવરણ ન હોઈ એ દિવસોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું ઘણું મુશ્કેલ લાગતું હતું, કેમ કે મોટા ભાગનાં લોકો માત્ર ગુજરાતી માધ્યમમાં ભણેલાં હોઈ આવા અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં માર્ગદર્શન અને વાતાવરણ  મળી શકતું હતું. શરૂઆતથી જ ભાષાકીય અવરોધના કારણે તેને અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં પાયાની સમજ મેળવવામાં ખૂબ જ મથામણ કરવી પડતી હતી. સમય પસાર થતાં ભણવામાં સારો દેખાવ કરવાના બદલે તેની આ પ્રકારની મુશ્કેલીઓ ઘટવાના બદલે ઉત્તરોત્તર વધતી જ ગઈ. આમ તે ઘણીજ મુશ્કેલીથી તેના વિષયોમાં માંડ ઉત્તીર્ણ થઈ શકતો હતો. જ્યારે તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ધંધાકીય સંજોગોના કારણે તેના કુટુંબને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે અભ્યાસમાં સારો દેખાવ કરવા માટે તેણે ગુજરાતી માધ્યમ અપનાવવું જોઈએ. પરંતુ તેના મરહૂમ પિતાએ તેને અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા ખૂબ સમજાવ્યો. અશરફ કહે છે, ‘શરૂઆતમાં અમદાવાદમાં ધોરણ ચોથામાં અચકાતાં અચકાતાં અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા માટે મેં નક્કી કર્યું, ત્યારે તે મને ખૂબ જ અઘરું લાગવા માંડ્યું અને એ જ માધ્યમમાં ચાલુ રહેવાના મારા મૂર્ખાઈભર્યા નિર્ણય બદલ હું પસ્તાતો હતો. પરંતુ મારા પિતાએ મને એમ કહીને પ્રોત્સાહિત કર્યો હતો કે એ લોકોએ મને અંગ્રેજી માધ્યમમાં એટલા માટે મૂક્યો છે કે જેથી હું અંગ્રેજી વિષય ઉપર સારું પ્રભુત્વ મેળવી શકું અને આગળ જતાં અમારા ધંધામાં મદદરૂપ થવા માટેનો હેતુ સિદ્ધ થઈ શકે. વધુમાં તેમણે કહ્યું હતું કે મારે અન્ય વિષયોમાં વધુ ગુણ મેળવવાની જરાય ચિંતા કરવાની નથી. પાછળથી મેં જાણી લીધું હતું કે તેમણે મને સાવ સાદી સલાહ એટલા માટે આપી હતી કે હું ગમે તે રીતે અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવાના મારા નિર્ણયને વળગી રહું.”

મિ. અશરફે તેની એસ.એસ.સી. (૧૯૯૪) પરીક્ષા સાવ ઓછા એવા ૫૫% ગુણથી પસાર કરી. વળી એમાંય પણ તેનું માનવું હતું કે તેની ઓછી તૈયારી અને અત્યાર સુધીની લેવાયેલી પરીક્ષઓમાંના નબળા દેખાવને જોતાં આ એક કરિશ્મો જ હતો કે જે થકી તેણે એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેને આ તબક્કે એવું લાગ્યું કે હવે પોતાની જિંદગીમાં આગળ ઉપર શું કરવું તેના ઉપર ગંભીર વિચારણા કરવા માટેનો સમય આવી ગયો હતો. હવે તો તેની પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો ભણવાનું જ છોડી દઈને  કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે પછી પોતાના મન  અને આત્માથી ગંભીર બનીને આગળ ભણવું અને અભ્યાસમાં સારો દેખાવ કરી બતાવવો. તેણે આગળ ભણવાનું પસંદ કર્યું અને ઉચ્ચતર માધ્યમિકમાં વાણિજ્ય પ્રવાહને પસંદગી આપીને પોતાનો નોંધપાત્ર દેખાવ બતાવ્યો અને આમ ૭૫% ગુણ સાથે હાયર એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે વળી ફરી પાછા એ નક્કી કરવાનું હતું કે  તેણે કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે આગળ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવું. આ તેના જીવનનો ખૂબ જ અગત્યનો વળાંક હતો. તેને કુટુંબના સભ્યો અને મિત્રો તરફથી કોલેજમાં ભણવા જવા માટેનું પ્રોત્સાહન મળ્યું. છેવટે તેણે આગળ ભણવાનું નક્કી કરી જ લીધું અને તે પણ માત્ર કોમર્સ ફેકલ્ટીનું ગ્રેજ્યુએશન  જ નહિ, પણ તેથીય કંઈક વિશેષ અગત્યનું ભણવું. તેણે વિચાર્યું કે કોમર્સમાંનું માત્ર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ તો એવું બનીને રહી જશે કે ચીલાચાલુ ભણેલા એવા કમનસીબ મોટા સમુદાય ભેગા પોતાની જાતને પણ ભેળવી દેવી કે જેઓ નોકરી કે એવું કંઈક કરવા માટે આમથી તેમ ભટકતા હોય છે અને ભણવામાં કરેલી મહેનતના બદલામાં કશું જ પ્રાપ્ત કરી શકતા નથી હોતા. મારા વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એડવાન્સ કોર્સમાં જોડાવાનું નક્કી કરી જ લીધું. આમ જોઈએ તો તેનો આ નિર્ણય સાંકડા અને નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવા જેવો હતો અને છતાંય તેણે એમાં જ ભણવા માટેનો પોતાનો દૃઢ નિશ્ચય કરી જ લીધો હતો.

અહીં પોતાના આ કઠોર નિર્ણયના પક્ષમાં તેનો હકારાત્મક મુદ્દો એ હતો કે તેનું હવે અંગ્રેજી ભાષા ઉપર નોંધપાત્ર પ્રભુત્વ હતું. તેને ચોક્કસ ખાત્રી હતી કે પોતાના સંઘર્ષના શસ્ત્ર વડે તે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. અને લ્યો ! તેણે પોતાની સી.એ.ની પરીક્ષા પ્રથમ જ પ્રયત્ને સમગ્ર ભારતમાં ૩૩મા ક્રમાંકે નવેમ્બર – ૨૦૦૦માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે ઉત્તીર્ણ કરી લીધી. આ ખાસ પ્રકારની સ્પેશ્યલાઈઝ્ડ પ્રોફેશનલ ડિગ્રી હતી અને હવે તેના માટે ગેજ્યુએશનની એવી કોઈ ડિગ્રી મેળવવી જરૂરી ન હતી. આમ છતાંય તેણે સી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પહેલાં ૧૯૯૯માં જ ૭૦% ગુણે બી. કોમ. પરીક્ષા ઉત્તીર્ણ કરી દીધી હતી. વળી તેને લાગ્યું કે આ ડિગ્રી પર્યાપ્ત નથી અને તેણે ૨૦૦૧માં એલ.એલ.બી. (જનરલ) ડિગ્રી પણ મેળવી લીધી. હવે તેની પાસે સ્પેશ્યલાઈઝ્ડ સી.એ.ની ડિગ્રી સાથે ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ પણ હતી.

આપણા આ લેખના નાયક મહાશય પોતાની સી.એ. (ઈન્ડિયા)ની ડિગ્રીથી સંતુષ્ટ ન હતા, કેમ કે તેઓ પરદેશમાં પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. આ માટે તેણે ૨૦૦૩માં સી.પી.એ. (યુ.એસ.એ.)ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયત્ને તેમાં પણ સફળતા મેળવી લીધી. હવે તે ડબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  અને ડબલ ગ્રેજ્યુએટ હતો. હજુ પણ એ જ ક્ષેત્રની ત્રીજી ડિગ્રી મેળવવાનું તેનું લક્ષ હતું અને તે ડિગ્રી હતી યુ.કે.ની એ.સી.સી.એ., જે એણે ૨૦૦૪માં મેળવી લીધી. હાલમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઓસ્ટ્રેલીઆની ચોથી ડિગ્રી મેળવી લેવાના ફિરાકમાં છે, કેમ કે તેણે હવે ઓસ્ટ્રેલીઆમાં જ સ્થિર થવાનું વિચારી લીધું છે. તેને ખાત્રી છે કે એ પણ થઈને જ રહેશે. આ બધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રીઓ ભેગી કરવાનો તેનો સીધો સાદો તર્ક એ છે કે તે દુનિયાના કોઈપણ ભાગમાં પોતની કારકીર્દિને પ્રસ્થાપિત કરી શકે તેવી ક્ષમતા કેળવાય. વળી ભવિષ્યે અનુકૂળતાએ તે  પોતાના જીવનની કદાચ આખરી એવી ઇન્ડિયાનીની એમ.કોમ.ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરવાની નેમ ધરાવે છે.

હવે આપણે તેણે આ સમયગાળામાં અનેક વૈશ્વિક કંપનીઓમાં પોતાની પ્રોફેશનલ કારકીર્દિ બનાવી છે તેના ઉપર દૃષ્ટિપાત કરીશું.

– ભારતમાં ઓગસ્ટ ૧૯૯૭થી એપ્રિલ ૨૦૦૨ સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફર્મ્સ જેવી કે તૃષિત ચોકસી એન્ડ એસોસિયેટ્સ, યુસુફ સી, મનસુરી એન્ડ કંપની અને મનુભાઈ એન્ડ કંપની.

– કે.પી.એમ.જી. મસ્કત (ઓમાન) કે જે ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં જુન, ૨૦૦૨થી જુલાઈ, ૨૦૦૫ સુધી કામ કર્યું.

– પ્રાઈસ વોટર હાઉસ કૂપર્સ (PwC)  કે જે પણ ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં ઓગસ્ટ-૨૦૦૫થી એપ્રિલ-૨૦૦૬ સુધી કામ કર્યું.

– હાલમાં ડેલોઈટ સિડની (ઓસ્ટ્રેલીઆ) ઓફિસમાં મે ૨૦૦૬થી કામ કરે છે.

અશરફ હાલમાં નીચેનાં પ્રોફેશનલ બોડીઝ/ચેપ્ટરમાં  સભ્યપદ ધરાવે છે.

– ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI – India)
– સિડની ચેપ્ટર ઓફ આઈ.સી.એ.આઈ., સિડની – ઓસ્ટ્રેલીઆ
– કોલોરાડો સ્ટેટ બોર્ડ ઓફ એકાઉન્ટન્સી (licensed CPA) – Co. USA
– એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ  એકાઉન્ટન્ટ્સ (ACCA) – United Kingdom

આટલું જ પૂરતું નથી. તેનું ધ્યાન પોતાની પત્ની રૂબિનાની કારકીર્દિ પરત્વે પણ કેન્દ્રિત છે. તેણી એમ.કોમ. છે અને પોતાના માર્ગ A.C.C.A. (U.K.). ઉપર પ્રયાણ કરી રહી છે. તેણી હાલમાં જ એ પરીક્ષાનાં કુલ ૧૪ પેપર્સમાંથી છેલ્લાં ચાર પેપર્સની પરીક્ષા આપી રહી છે. તેની A.C.C.Aની ડિગ્રી મેળવવા આ ચાર પેપર્સ એક સાથે પાસ કરવાં ફરજિયાત છે.

અહીં આપણે અશરફની સત્ય ઘટનાત્મક કથાને પૂર્ણ કરીએ  છીએ. અશરફ જેવી પરિસ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓ તેમના દૃઢ નિશ્ચય વડે કરેલા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી શકે છે. પોતાના ધ્યેય તરફ આગળ ધપવા માગતા કોઈપણ ઈસમ માટે દૃઢ નિશ્ચયની તાકાત એક ચૂંબકનું કામ કરતી હોય છે કે જેથી તેમાં તે રચ્યોપચ્યો રહીને સિદ્ધિ મેળવી શકે. થોમ્સ આલ્વા એડિસને કહ્યું છે કે ‘કેટલાક જીવનમાં નિષ્ફળ જનારા એવા લોકો હોય છે કે જેમને ખબર નથી હોતી કે તેઓ સફળતાના  કેટલા નજીક છે અને તેઓ પોતાની પ્રવૃત્તિ છોડી દેતા હોય છે. મારા પ્રિય મહાનુભાવ  મિ. ચર્ચિલ પણ કહે છે કે ‘નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળતી હોવા છતાં હતાશ થયા વગર મથામણ ચાલુ રાખવામાં જ સફળતા સમાયેલી છે.’

ઉપરોક્ત લેખ માત્ર વિદ્યાર્થીઓને જ લાગુ પડતો નથી. તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા તમામ પ્રકારના લોકોને એટલો જ લાગુ પડે છે. થિયોડોર રૂઝવેલ્ટ આ અંગેની એક સામાન્ય રીત સમજાવે છે કે, ‘તમારી પાસે જે કંઈ હોય અને તમે જ્યાં પણ હો ત્યાં તમે જે કંઈ કરી શકતા હો તે અવશ્ય કરતા રહો.’

મારા ભલા વાચકો, અહીં મારો લેખ પૂર્ણ થાય છે.

-વલીભાઈ મુસા

(તા.૧૭-૦૭-૨૦૦૭)

તા.ક. મારા વાચકોને એક આશ્ચર્યજનક સમાચાર આપું તો આ લેખ પ્રસિદ્ધ થયા પછી મિ. અશરફે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની C.A. (Australia)ની ચોથી  ડિગ્રી પણ ઉત્તીર્ણ કરી લીધી છે. હવે તેમની લાયકાત આમ વાંચી શકાશે, ” B.Com., LL.B., C.A.(India), C.P.A.(U.S.A.), A.C.C.A.(U.K.), C.A.(Australia). અભિનંદન (લેખક)

(તા.૦૮-૦૮-૨૦૦૭)

(Translated from English version titled as “Power of Determination“ published on July 17, 2007)

 

 

 

Tags: , , , , , ,

4 responses to “(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

  1. સુરેશ

    March 11, 2017 at 12:37 pm

    અશરફને હર્દિક મુબારકબાદી. આવાં રત્નો ગુજરાતનું સાચું ધન છે.

    Like

     
    • Valibhai Musa

      March 11, 2017 at 7:42 pm

      અશરફ મારો ગ્રેન્ડ સન ઇન લો છે, મારા મરહૂમ મિત્રનો પુત્ર છે. નવાઈ લાગશે કે તે ઓડિટની આટલી બધી ડિગ્રીઓ ધરાવતો હોવા છતાં હાલમાં ફુલ ટાઈમ કેટલીય શાખાઓ સાથે ઇમિગ્રન્ટ ઓફિસ ચલાવે છે. રૂબિના (મારી પૌત્રી) સાથે કામ કરે છે.
      https://www.facebook.com/rkps.immigration.services?hc_ref=SEARCH

      Like

       

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.