Click here to read in English.
આજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના છ દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના વિચારોની પ્રતીતિ થઈ રહી છે, જ્યારે કે આજકાલ આખુંય જગત આતંકવાદ અને એવા ઘણા બધા વાદની ધમકીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. યુનોએ સાચી રીતે જ આજના દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે અને ખરેખર એ જ તેમના માટેની મોટી શ્રદ્ધાંજલિ છે.
ચાલો, આપણે તેમના એ શબ્દોને યાદ કરીએ કે જે આ પ્રમાણે છે : “સાચે જ જગત નફરતથી થાકી ગયું છે. આપણને આ થાક પશ્ચિમનાં રાષ્ટ્રોમાં વધારે છવાયેલો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાનથી માનવતાને કોઈ લાભ પહોંચ્યો નથી. ચાલો, ભારતને ઇતિહાસનું એક પાનું ફેરવવાનો અને જગતને બોધપાઠ શિખવવાનો જશ ખાટવા દો.” જગતની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંજોગોમાં તેમના આ શબ્દો કેવા બંધબેસતા છે! તેમણે જગતને એક માનવ શરીર સાથે સરખાવ્યું હતું. શરીરના કોઈપણ અવયવની વેદના આખા શરીર દ્વારા અનુભવાતી હોય છે. તેમના શબ્દો દૈવી લાગતા હતા પણ તેઓ એટલા નમ્ર અને પ્રમાણિક હતા કે તેમણે કદીય કોઈ તત્ત્વજ્ઞાની કે દેવદૂત હોવાનો દાવો કર્યો ન હતો.
આ દિવસે વિશ્વભરનાં પ્રસાર માધ્યમોએ મહાત્મા ગાંધી વિષે ઘણું બધું કહ્યું છે. આજના ખૂબ જ ભારેખમ વિષયને સ્પર્શવાનો મારો પ્રયત્ન મારા સુજ્ઞ વાચકોને સાવ ક્ષુલ્લક લાગશે અને તે હું સારી રીતે જાણું પણ છું, કેમ કે હું લેખના માફકસરના કદને જાળવી રાખવા માટે બંધાયેલો છું. મારી આ મર્યાદા છતાંય હું માત્ર અહિંસાના આ વિષયને તેના સમર્થનમાંનાં અન્ય અવતરણોની સહાયથી સારી રીતે ચર્ચવાનું પસંદ કરીશ.
ઈસ્લામના પયગંબર (સ.અ.વ. = સલામ હજો તેઉના ઉપર)ની એક હદીસ (કથનની સ્મૃતિ)માં કહેવાયું છે કે ‘માનવ રક્ત પવિત્ર છે અને તેને કોઈપણ સંજોગોમાં અકારણ વહાવી શકાય નહિ. જો કોઈ ઈસમ માનવ રક્તની આ પવિત્રતાને અવગણીને કોઈપણ એક જીવને હણશે, તો પવિત્ર કુરઆન એ કૃત્યને સમગ્ર માનવજાતની હિંસા કર્યા બરાબર ગણે છે.” હિંસાનાં ઘણાં સ્વરૂપો છે, પણ તેમને મુખ્યત્વે બે શ્રેણીમાં વિભાજિત કરી શકાય; શારીરિક અને માનસિક હિંસા. હિંસા જીભ દ્વારા પણ થઈ શકે. જો તમારા કથન દ્વારા કોઈની લાગણી દુભાય તો તેને પણ હિંસા તરીકે ઓળખાવી શકાય. પીર મશાયખ રહમતુલ્લાહ પોતાના એક બયાનમાં ફરમાવે છે કે ‘ખરો આસ્તિક પોતાના હાથ અને જીભનો ઉપયોગ કરીને કોઈને ઈજા કે દુ:ખ પહોંચાડી શકે નહિ.’ તેઓ આગળ સમજાવે છે કે ‘કોઈને તેની લાગણી દુભાય તેવો ભૂંડો કાગળ લખવો એ તો બેવડી હિંસા છે.’ આ વાત તેઓ એ રીતે સમજાવે છે કે ભૂંડા કાગળના આ હથિયાર થકી સામેવાળાને દુ:ખ પહોંચાડનાર માણસ પોતાના હાથ અને તેની સાથેસાથે જીભનો પણ ઉપયોગ કરતો હોય છે. જીભનો મતલબ એ કે ભૂંડા કાગળનો વાચક જ્યારે એ કાગળ વાંચતો હોય છે ત્યારે તેને એવો ભાસ થતો હોય છે કે જાણે તે લખનારને સાંભળી રહ્યો છે.
ઈલેક્ટ્રોનિક કે મુદ્રિત વાંચન સામગ્રી એ પ્રવચન સમાન છે અને વક્તા કે લેખક તરફથી થતું જરા પણ અસમતુલન જગત માટે માનવીય હોનારત સર્જી શકે છે. અહિંસા દિવસની માત્ર ઉજવણી જગતને શાંતિમય બનાવી શકે નહિ. પરિણામલક્ષી શાંતિસ્થાપન માટે ઘણી બધી સાવધાનીઓ અને સ્વયંશિસ્ત પણ એટલાં જ જરૂરી છે. જ્યારે જ્યારે દુનિયામાં કોઈ સંવેદનશીલ ઘટના બને ત્યારે પ્રસાર માધ્યમની પવિત્ર ફરજ બની જાય છે કે તેઓ લોકોને હિંસા આચરવા માટે ન ઉશ્કેરે. તે એક પ્રસ્થાપિત નૈતિક સત્ય છે કે ધર્માંધતા અને નફરત એ અમાનવીય અને અપ્રમાણિત છે.
સામૂહિક હિંસાને અટકાવવા માટે એ બાબત ધ્યાનમાં લેવાવી જોઈએ કે કોઈ વ્યક્તિ કે નાના જૂથ દ્વારા કોઈ અનિચ્છનીય કાર્ય થયું હોય તો તે કોઈ ખાસ ધર્મની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો જે તે ધર્મ તેના માટે જવાબદાર છે તેવું ઠરાવી શકાય નહિ. સમાચાર માધ્યમો દ્વારા આવી હિંસાત્મક ઘટનાઓને ઈસ્લામિક, ક્રિશ્ચિયન, યહૂદી કે હિંદુ પ્રેરિત એવી ઓળખ અપાય તે વ્યાજબી નથી. પ્રસાર માધ્યમે હિંસાના માર્ગે જતા મોટા સમુદાયને અટકાવવો જોઈએ અને ઊલટાનો તેને એવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ કે તે સત્તાવાળાઓને શાંતિ અને સુલેહનું વાતવરણ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બની રહે. લોકોને એ વિચારધારા અપનાવવા માટે માર્ગદર્શન અપાવું જોઈએ કે બચાવ કે આક્રમણના હેતુસર નિર્દોષ લોકોના જાનમાલને હાનિ પહોંચાડવી તેમાં કોઈ બહાદુરી કે ત્યાગ રહેલાં નથી.
અહિંસાના માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ હોય છે અને ઘણીવાર તો તે નિરાશાજનક પણ નીવડે છે. ગાંધીજીએ આ મુદ્દાને આ રીતે સમજાવ્યો છે કે ‘અહિંસા વિષેની મારી શ્રદ્ધા હંમેશાં મજબૂત રહી છે. દુ:ખી જગતને શાંતિ અર્પવા માટે અહિંસાના ટૂંકા અને સરળ માર્ગ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. મારા જેવા લાખો લોકો અહિંસાના આ માર્ગ ઉપર ચાલતાં નિષ્ફળતાને પામી શકે, પણ એ નિષ્ફળતા એ વ્યક્તિઓની ગણાવી જોઈએ, નહિ કે અહિંસાના એ સનાતન નિયમની.’
ગાંધીજીએ માનવજીવનને સ્પર્શતા કોઈપણ મુદ્દાને જતો કર્યો નથી. આ વાતની પ્રતીતિ માટે સંશોધકો કે સામાન્ય માનવીઓ ‘ગાંધીજીનો અક્ષ્રરદેહ’ ગ્રંથશ્રેણી જોઈ શકે છે. આમાં તેમનું માત્ર સાહિત્યિક સર્જન જ નથી, પણ તેમનું સર્જનાત્મક અને પ્રવૃત્તિમય જીવન પથરાયેલું છે. વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે લોકોના સામાન્ય રીતે જીવાતા જીવન સાથે સંકળાયેલી અનેક બાબતોને સંલગ્ન માનવજાતની ભલાઈ માટે એમણે વિપુલ માત્રામાં કામ કર્યું છે. તેઓ ખુલ્લા મનના માનવી હતા અને સાથે સાથે તેઓ ક્રાંતિકારી કર્મશીલ એવા સત્ય અને અહિંસાના માધ્યમે સમાજમાંનાં અનિષ્ટો સામે લડતા લડવૈયા પણ હતા. તેમનું વિચારવું, તેમનું બોલવું અને તે પ્રમાણેનું જ કાર્ય કરવું એ ત્રણેયમાં હંમેશાં એકસૂત્રતા જ રહેતી.
સમાપને, મહાત્મા ગાંધીને આપણા દ્વારા સહેતુક અને સહૃદયતાપૂર્વકની અપાતી શ્રદ્ધાંજલિમાં આપ સૌને પણ મારી સાથે સામેલ કરું છું. ચાલો, આપણે માત્ર શાબ્દિક જ નહિ; પરંતુ ક્રિયાત્મક રીતે તેમણે જગતને ચીંધેલા માનવતાના માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ.
ઈશ્વર વૈશ્વિક માનવતાના વિકાસ માટે આપણાં દિલોને પ્રેમથી ભરી દે એવી પ્રાર્થનાસહ,
-વલીભાઈ મુસા
(તા. ૦૨-૧૦-૨૦૦૭)
(Translated from English version titled as “International Non-violence Day” published on October 02, 2007)
One response to “(૫૩૨) આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ – International Non-violence Day (અનુવાદ)”