સામાન્યપણે હું ‘આ જ કંઈક શુભ અને આ જ કંઈ શુકનવંત’ એવી માનસિકતામાં સપડાયો નથી અને છતાંય કોઈક અગમ્ય કારણે હું ૭૭ના અંકને જીવનમાં કંઈક શુભ કે અશુભ એવી નવીનતાના જનક તરીકે સ્વીકારતો આવ્યો છું. મારા જીવનના હાલમાં ચાલી રહેલા ૭૭મા વર્ષે મારા અર્ધી સદીના સાહિત્યિક જીવનમાંની ગ઼ઝલસર્જનની મારી મનોકામના સિદ્ધ થઈ રહી છે. હાલમાં હું ‘વેબગુર્જરી’ માટેનું ગ઼ાલિબની ગ઼ઝલો ઉપર કામ કરી રહ્યો છું, ત્યારે મનમાં એક જ અફસોસ ઘુંટાયા કરતો હતો કે હું ગ઼ઝલ પદ્યપ્રકારમાં સાવ ભોઠ હોવા છતાં નાના મોંઢામાં મોટો કોળિયો મૂકી રહ્યો છું. આમ ગ઼ઝલસર્જનના મારા સુષુપ્ત ઉમળકાને આ વિચારથી ધક્કો પ્રાપ્ત થયો અને આજે હું મારી પ્રથમ ગ઼ઝલ રચવા શક્તિમાન બન્યો.
હું ‘ગુરુ વિના જ્ઞાન નહિ’ એવા સૂત્રને માનતો આવ્યો છું અને તે ન્યાયે મારી પ્રથમ ગ઼ઝલના અધકચરા સર્જનને મેં મારા પરમ સખા શ્રી સુરેશભાઈ જાની સાથે શેર કર્યું. તેમણે મને વિશેષ માર્ગદર્શન તો ન આપ્યું, પણ એક શેરમાં ખૂબ જ અસરકારક એવા શબ્દસમૂહ ‘કદમ હર કદમ પર’નું સૂચન કર્યું અને જેને મેં ગ્રાહ્ય તો રાખ્યું, પણ મને લાગ્યું કે ગ઼ઝલ પદ્યપ્રકારના કોઈક અનુભવી સમક્ષ મારે સમર્પિત થવું જોઈએ અને આ વિચારના એક જ ઝબકારે હ્યુસ્ટન (અમેરિકા) સ્થિત દેવિકાબહેન ધ્રુવનું નામ મારા માનસપટ ઉપર અંકાઈ ગયું. આમ મારી આ પ્રથમ ગ઼ઝલને સુયોગ્ય ઘાટ મળ્યો તે બદલ હું બહેનશ્રીનો ઋણી છું.
મારા લેખના શીર્ષકને ન્યાય આપવા તથા મારા જેવા નવોદિત એવા ગ઼ઝલસર્જકોને પ્રોત્સાહન મળી રહે તે આશય તરફ આગળ વધતાં મારા અનુભવ, આનંદ અને પરિતૃપ્તિને મારા સુજ્ઞ વાચકો સાથે વહેંચી રહ્યો છું.
કોઈપણ કાર્યના પ્રારંભ માટે જોગસંજોગનો ફાળો મહત્ત્વનો હોય છે અને તદનુસાર હું માનસિક રીતે મારાં કેટલાંક અંગત કારણોના લીધે થોડોક વ્યથિત હતો, જેની અસર મારી આ પ્રથમ ગ઼ઝલરચના ઉપર પડ્યા વગર ન રહી શકી. હું કોઈ ગાયક તો નથી, પણ મારા જે તે મિજાજને અનુરૂપ કોઈ ફિલ્મી ગીતના માત્ર મુખડાને એવા સમયે ગણગણી લેતો હોઉં છું અને ગુંજન શરૂ થયું ‘આંસુંભરી હૈ યહ જીવનકી રાહેં’નું! વિખ્યાત ગાયક સ્વ શ્રી મુકેશજીનું તેમના ખરજ રાગમાં ગવાયેલું આ ગીત આખું તો મોંઢે ન હતું પણ તેની પ્રારંભની કડીઓના ગાને મને એ જ રાગ કે લયમાં એકાદી ગ઼ઝલ લખવા માટે પ્રેર્યો અને પહેલો જ શેર જે એટલો બધો અસરકારક ન હોવા છતાં તેને મેં જીવનની પહેલી ગ઼ઝલરચનાના પહેલા શેર તરીકે કાયમ રાખ્યો. મને ગ઼ઝલના પારિભાષિક શબ્દોની કે તેની શાસ્ત્રીયતાની કોઈ જાણ ન હોવા છતાં મેં મારા સર્જાતા જતા શેરોને ગાતા જઈને શાબ્દિક ફેરફારો સાથે લખવાનું ચાલુ રાખ્યું. આમ અપરિપક્વ સ્વરૂપે ગ઼ઝલના નવ શેર લખાઈ ગયા.
મારા શેરોમાં ક્ષતિયુક્ત છતાંય ક્યાંક ક્યાંક ‘લગાગા’નાં આવર્તનો હોવાની જાણ મને દેવિકાબહેન દ્વારા થઈ. મારા માનસમાં મુકેશજીના ગીતનો રાગ કે લય દૃઢ હતો અને એ લઢણનાં કોઈ ગુજરાતી કાવ્યો હોઈ શકે કે કેમ તેવો વિચાર કરું છું અને તરત જ પ્રાથમિક શિક્ષણમાં ભણવામાં આવેલી દલપતરામની કવિતા ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’ યાદ આવી ગઈ અને તેને ગણગણવા માંડ્યું, પણ રાગ બંધબેસતો ન હતો. આમ થવાનું કારણ એ હોઈ શકે કે એ વખતના આપણા ગુરુજીઓ આપણી પાસે એ કાવ્ય છટાથી ગવડાવતા હતા. મુકેશજીના ગીતની કડીનો ઉપાડ ગળામાંથી અને હળવા રાગે થતો હતો. મેં ‘પૂરી એક અંધેરી’ કાવ્યની કડીઓને એ રીતે ગાઈ તો અદ્દ્લ ‘આંસુંભરી હૈ’ની સાથે રાગ બેસી ગયો. પછી તો, ‘જુદી જિંદગી છે’ – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ અને ‘જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું’ – મરીઝની ગ઼ઝલો યાદ આવતી ગઈ અને ‘લગાગા’ છંદવિધાન પાકું મનમાં દૃઢ થઈ જ ગયું.
પછી તો દેવિકાબહેન સાથે પત્રવ્યવહાર ચાલુ થઈ ગયો એમણે એક અપવાદમાં મારા એક શેરમાં થોડું ભાવપરિવર્તન લાવી દેવા જણાવીને બાકીના આઠેય શેર કાયમ રખાવ્યા. કોઈ શબ્દ બદલાવાના સમયે હું ઉચ્ચારછૂટની છટકબારી આગળ ધરતો તો તે સામે તેમનો દૃઢ આગ્રહ રહેતો કે મારે પોતાએ જ મથામણ કરીને વૈકલ્પિક શબ્દ શોધવો રહ્યો. આ માટે હું ગુજરાતી લેક્સિકનની મદદથી ‘લગાગા’ સાથે મળતો શબ્દ કે થોડીક માનસિક કવાયત કરીને એ શબ્દ શોધીને બદલતો રહ્યો. એકાદ બે સંજોગોમાં મેં શરણાગતી સ્વીકારીને તેમની પાસેથી એવા ફેરફારો મેળવ્યા. આમ મારી કાચી સામગ્રીને નવતર રૂપ અપાયું અને આખરે આખી ગ઼ઝલ ખામીરહિત બનીને નિભાડામાં પાકતી ઈંટ જેવા નક્કર સ્વરૂપે અસ્તિત્વમાં આવી.
મારી પાસે છંદશાસ્ત્રનું જ્ઞાન તો હતું જ અને ત્રણ અક્ષરના આઠ ગણની જે ચુસ્તતા ત્યાં જોવા મળે છે તેના બદલે ગ઼ઝલસર્જનમાં પાસેપાસેના લઘુ અક્ષરોને ગુરુ સમજી લેવાના કારણે ચાર અક્ષરો પણ થઈ શકે તેવી નવીન બાબત જાણવા મળી. દેવિકાબહેન સાથેના સમગ્ર પત્રવ્યવહારમાં એમણે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે મારા માટે કાયમી યાદ રાખવા જેવો બોધપાઠ બની રહ્યો છે. તેમની ચીવટ અને નિખાલસતા મને એવાં સ્પર્શી ગયાં છે કે તેને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. એમણે અમેરિકાથી તેમના તરફથી મારી સાથે ટેલિફોનિક વાત કરીને તેમના છેલ્લા સૂચન સાથે મને સહમત કર્યો, જે મારા માટે સંભારણું બની રહ્યું છે.
આ લેખના સમાપને હું નવોદિત ગ઼ઝલકારોને એક મશવરો આપીશ કે ગ઼ઝલમાં ભાષાશુદ્ધિ તો જળવાવી જ જોઈએ. કોઈ સર્જક ‘જઈ’ કે ‘થઈ’ એવા શબ્દપ્રયોગ વખતે ઉચ્ચારછૂટ હેઠળ ‘ઈ’ને ‘ઇ’ એમ તો ન જ લખવું જોઈએ. આ ગૌણ વાત ઉપરાંત મારું મુખ્ય મંતવ્ય તો એ જ છે કે નવોદિતે શરૂઆતમાં ટૂંકી બહેરની ગ઼ઝલ લખવી જોઈએ કે જેથી સરળતા તો રહે જ, પણ સાથે સાથે આત્મવિશ્વાસ પણ અકબંધ જળવાઈ રહે. આ લખી રહ્યો છું, ત્યારે મારા મિત્ર શ્રી સુરેશભાઈની એક મેઈલ ટપકી પડી છે. તેમણે સાવ ટૂંકી અને સરળ શબ્દોમાં એક શિખામણ આપી છે કે ‘સરસ મજાના ઘણા શબ્દો મળી શકે તેવા રદીફ, કાફિયા પહેલેથી નક્કી કરો અને લખવાની ખૂબ મજા આવશે.’
હવે, મારા સુજ્ઞ વાચકોને વધુ લટકાવ્યા વગર નીચે મારી પ્રથમ ગ઼ઝલ આપું છું. આ ગ઼ઝલને ‘આંસુભરી હૈ જીવનકી રાહેં’ અથવા ‘મહોબ્બતકી જુઠી કહાનીપે રોયેં’ ના રાગમાં ગાવાનો પ્રયત્ન કરવાની ભલામણ કરવામાં આવે છે.
* * *
દુનિયા ધુતારી (ગ઼ઝલ) – ૧
તકતી- લગાગા લગાગા લગાગા લગાગા
(આ) દુનિયા ધુતારી, (એ) ઠગતી સદાયે
થયું ખિસ્સું ખાલી, ન બાકી જરાયે
હું તપતો રહ્યો છું, દુ:ખોના પ્રતાપે
વિસામા તણું કો, તરુ ના જણાયે
ગયાં સૌ નિકટનાં, કબરની મહીં જ્યાં
ખભો ના મળે કો, રુદન કાજ ક્યાંયે
સખાની જુદાઈ, કઠંતી કલેજે
હું ઝંખું દિલાસો, જો દિલ હળવું થાયે
છે ખારો સમંદર, નજર જ્યાં ફરે ત્યાં
મધુ જળની આશા, ન રાખું કદીયે
ને કંટક નડે છે, કદમ હર કદમ પર
કદમ મુજ શિરે તો, ધરું કેમ હાયે
હું દર્દી થયો છું, મરણ પામવાને
તબીબો જીવાડે, ન જીવવું છતાંયે
ખુદાનો સહારો, ખરી એ જ આશા
ન છો હાથ લાગ્યો, એ શોધ્યો ઘણાંયે
‘વલી’ શું રડે જ્યાં, નડ્યાં વાલાં-દવલાં
જલ્યાં તનનાં કપડાં, કરું શું શિકવાયે
–વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૧૯૦૯૧૭)
માર્ગદર્શક – સુશ્રી દેવિકા ધ્રુવ
* * *
અંતે આશા રાખું કે આપ સૌ આપના અમૂલ્ય પ્રતિભાવો આપીને વિના સંકોચે ગ઼ઝલમાંની ખામીઓ-ખૂબીઓ દર્શાવશો તો તે મારા માટે ચાલક (પ્રેરક) બળ (Motivation) બની રહેશે. ધન્યવાદ.
-વલીભાઈ મુસા
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૮૧૧૧૭)
સુરેશ
November 6, 2017 at 12:53 am
પહેલે જ પ્રયત્ને સિક્સર લગાવી દીધી . હાર્દિક અભિનંદન. હવે સેન્ચ્યુરી પૂરી કરતાં સુધીમાં ગઝલ સેન્ચ્યુરી પણ નોંધાવી દેવાના .
હાહા કાર તરીકે તો બહુ મઝા કરાવી હતી. હવે ગઝલકાર રૂપે ગઝલ લખતા તો નથી પણ ગઝલ વાંચતા કરી દેશો.
LikeLike
P. K. Davda
November 6, 2017 at 7:40 pm
First class with Distinction.
LikeLike
Valibhai Musa
November 6, 2017 at 9:04 pm
First class with Distinction એટલે ૭૦% ઉપર માર્ક્સ, ખરું ને ? આભાર.
LikeLike
nabhakashdeep
November 7, 2017 at 5:52 pm
મર્મભરી સૌના જીવનની હકિકત ગઝલ બની મહેકી ઊઠી
રમેશ પટેલ (આકાશદીપ)
LikeLike
Rubina
November 7, 2017 at 11:57 pm
Awesome dada
LikeLike
Valibhai Musa
November 6, 2017 at 9:04 pm
First class with Distinction એટલે ૭૦% ઉપર માર્ક્સ, ખરું ને ? આભાર.
LikeLike
ashik husen noormohmed musa
November 8, 2017 at 4:27 am
su sikva valo davalo na jindadili tamari malam se tamari
LikeLike
Saeedshaikh
November 9, 2017 at 9:24 am
kHUB J SARAS PRAYATN CHHE…. AAVIJ SARAS GAZALO AAPTA RAHO EVI ABHYARTHNA….
LikeLike
Valibhai Musa
November 9, 2017 at 10:17 am
Still learning A B C D! ‘Koshish’ will continue. Thanks.
LikeLike
Devika Dhruva
November 18, 2017 at 1:19 pm
વલીભાઈ, આપે તો મને ખૂબ ઊંચા આસને બેસાડી દીધી.ખરેખર તો હું પણ હજી શીખી રહી છું. હકીકતે ગઝલનો દરિયો ખૂબ ઊંડો અને દિલચશ્પ છે.તેમાં કોઈ પારંગત નથી. દરેક વખતે સર્જકને કંઈક નવું અને જુદું લાધતું હોય છે.આપણે સૌ એકમેક પાસેથી શીખતા રહેતા હોઈએ છીએ. આપના અહોભાવ માટે આપની ઉદારતા જ કારણભૂત છે જેનો આનંદ આનંદ…
LikeLike
Valibhai Musa
November 18, 2017 at 2:41 pm
આપનું આસન ઊંચું જ હોય, કેમ કે હું હજુ આ સબબે જમીન ઉપર જ બેઠેલો છું. આપની વાત સાચી છે, શેરના માથે સવા શેર હોય જ. હજુ તો બે મહિના જ થયા છે, મારા પ્રયત્નને અને જાણ્યું કે આ તો દરિયો છે. શરૂઆત છે, ફાલ સારો ઊતરે કે ન ઊતરે; પણ મથામણની મજા ઓર છે. ધન્યવાદ.
LikeLike