ક્યાંક ખીલે (ગ઼ઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
ક્યાંક ખીલે કોક પુષ્પો બાગમાં
તો વળી કો ક્યાંક તો કરમાય છે.
બાળકુસુમો જન્મ પામે ને મરે
કુદરતી એ ક્રમ અહીં વર્તાય છે.
કોક પામે માનમોભો તો વળી
કો બિચારો વાંકવણ નંદવાય છે
ગાય કોઈ લગ્નગીતો હર્ષમાં
કે પછી કો મરશિયાને ગાય છે.
ક્યાંક જો ને પેટ મોટાં થાય છે
તો વળી કો પેટ સંકોચાય છે.
બે ધ્રુવોનો ફાસલો છે એટલો
કે કદી ના મેળ એનો થાય છે
આંખમાં ખૂંટો ફરે તો મોતને
માગવું ના દર્દ છો ને થાય છે
લાગણીની વાત છે ન્યારી ઘણી
ક્યાં કદી કો’થી વળી પરખાય છે
તુંય કેવો સાવ ભોળો છે ‘વલી’
કે તને સૌ શીઘ્ર ધૂતી જાય છે
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૦૪૧૧૧૭)
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૪૧૧૧૭)
સુરેશ જાની
November 20, 2017 at 3:29 pm
બે હતા પથ્થર જુઓ આ પ્હાડ પર
એમની કથની અહીં કહેવાય છે.
એક બેઠો ઘાટ લઈ મંદિર વિશે.
દેવ બનીને એ જુઓ પૂજાય છે.
બીજો સાવ અબૂધ ને બેડોળ તે.
ધોબીડાની ઝીંક ખાતો જાય છે.
LikeLike
Valibhai Musa
November 21, 2017 at 1:42 am
વાહ, માશાઅલ્લાહ!
LikeLike