RSS

(551) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૫)

08 Dec

ના અભણ તું!

થૈ લહિયો, લખતો,

હા, પ્રેમપત્ર!

જી હા, ઇશ્ક એ નશો છે! પછી એ હકીકી હોય કે મિજાજી! અહીં આ હાઈકુમાં તો મિજાજી જ સમજવાનો રહેશે, કેમ કે અહીં પ્રેમપત્ર લખવા-લખાવવાની વાત છે! ઇશ્કે હકીકી એ તો એવો દિવ્ય પ્રેમ છે કે જ્યાં માત્ર અનુભૂતિ જ થતી હોય છે, ત્યાં અભિવ્યક્તિને કોઈ સ્થાન નથી હોતું!

સામાન્ય રીતે પ્રેમીયુગલોને અને દુનિયાને આડવેર હોવાનું જોવા મળે છે. જગતના ઇતિહાસમાં અમર થએલી પ્રેમકહાનીઓનો અંજામ દુ:ખદ જ રહ્યો છે. પ્રથમ નજરે અન્યોન્ય પ્રેમમાં પડેલાં એવાં એ પ્રેમીપાત્રો એકબીજાંને રૂબરૂ મળી શકતાં નથી હોતાં. આવા સમયે પ્રેમપત્રોની આપલે જ તેમના વિરહના દુ:ખમાં સધિયારો પૂરો પાડે. આવા પ્રેમપત્રોમાં કવિઓની કવિતાઓ કે શાયરોની શાયરીઓ હોવી જરૂરી નથી હોતી. ઉભય પાત્રોની લેખિત અભિવ્યક્તિ અણઘડ સ્વરૂપે હોય તો પણ તેમને માન્ય રહેતી હોય છે.

આપણા હાઈકુનાયકને પોતાની પ્રિયતમા તરફના પ્રેમપત્રની અપેક્ષા છે, પણ અફસોસ કે એ અપેક્ષા સંતોષાતી નથી. પ્રિયતમાની આ નિષ્ક્રિયતા માટે પ્રેમપત્ર પકડાઈ જવાનો ભય, પત્ર લખવાની ઉદાસીનતા (આળસ) કે પછી સ્ત્રીસહજ શરમાળપ્રકૃતિ જવાબદાર હોઈ શકે ! જે હોય તે,પણ અહીં પ્રિયતમની પ્રેમપત્ર પામવાની ઝંખના ગાંડપણની હદે એવી તીવ્ર બને છે કે તેમને ઇચ્છા થઈ આવે છે કે પોતે પ્રિયતમા વતી તેનો લહિયો બનીને પોતે જ પોતાને પ્રેમપત્ર લખે! પરંતુ આમ કરવામાં એક પારિભાષિક (Technical) બાબત એ નડે છે કે પ્રિયતમા અભણ નથી! અભણ વ્યક્તિ જ લહિયાનો સહારો લે અને આમ ભણેલીગણેલી પ્રિયતમા વતી પોતે પ્રેમપત્ર લખે એ કૃત્યમાં પોતાના પક્ષે ગાંડપણભરી ચેષ્ટા ગણાઈ જવાનો ભય રહેલો છે!.

આમ સઘળી પરિસ્થિતિની ફલશ્રુતિ તો એ જ આવીને ઊભી રહે છે કે પ્રિયતમા શિક્ષિત હોવા છતાં પ્રેમપત્ર  લખતી નથી અને પ્રિયતમ મહાશય તેણીના લહિયા બનીને પત્ર લખી પણ શકતા નથી! આમ તેમના લલાટે લખાએલું વિરહનું દુ:ખ ભોગવવા સિવાય તેમની પાસે કોઈ આરો (કિનારો) કે ચારો (ઘાસ!) રહેતો નથી! ન આમ કે ન તેમ એવી દ્વિધાભરી પરિસ્થિતિ તેમના તન અને મનને દઝાડે છે. પ્રેમપંથ પાવકની જ્વાળાઓથી જ સભર હોય ત્યાં શીતળતાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય, હેં!

* * *

દૃષ્ટિકેમેરે,

થઈ ફ્લેશગન તું,

આંજે મુજને!

Photographyના ગુજરાતીમાં ભાષાંતરીય અને ભદ્રંભદ્રીય શબ્દો થાય ‘છબિકલા’ કે ‘તસ્વીરકલા’. રોજિંદાં ઉપયોગી અવનવાં ઉપકરણોમાં ક્રાંતિકારી પરિવર્તનો આવતાં જાય છે. સ્ટુડિયોમાં કેમેરાથી ફોટોગ્રાફ લેવાતો હોય તો લાઈટની વ્યવસ્થા હોય, પરંતુ Outdoor ફોટોગ્રાફીમાં કેમેરા સાથે ફ્લેશગન જોડાયેલી હોય છે. ફોટો લેતી વખતે ક્લિક કરતાંની સાથે જ ફ્લેશગનનો ઝબકારો થાય અને પરિણામે જેનો ફોટો લેવામાં આવતો હોય તે વ્યક્તિ કે દૃશ્ય બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે. આ ઝબકારાથી સામે જો કોઈ વ્યક્તિ હોય તો તેની આંખો અંજાઈ જતાં બંધ થઈ જતી હોય છે અને ફરી ફોટો લેવો પડતો હોય છે.

આ બધી તો ફોટોગ્રાફી વિષેની વાત થઈ, પણ આપણા આ હાસ્ય હાઈકુમાં તો હાઈકુનાયકની કોઈક જુદી જ વાત છે. હાઈકુનાયકની પાસે પેલો સાધનિક કેમેરો નથી, પણ પોતાની પાસે દૃષ્ટિ રૂપી કેમેરા છે. આ કેમેરામાં ફ્લેશગન નથી, પણ સામેની હાઈકુનાયિકા પોતે જ જાણે કે ફ્લેશગન હોય તે રીતે તેના ચહેરામાંથી એવું જાજ્વલ્ય પ્રગટે છે કે જેથી હાઈકુનાયકની આંખો અંજાઈ જતાં બંધ થઈ જાય છે, જેના પરિણામે પોતાના દૃષ્ટિકેમેરામાં નાયિકાની તસ્વીર ઝીલાતી નથી.

આમ અહીં ‘શિકાર કરનેવાલા ખુદ શિકાર હો ગય!’ જેવી સ્થિતિ નિર્માણ પામે છે. માશૂક પોતાના દૃષ્ટિકેમેરામાં માશૂકાના ચહેરાને ઝડપી લેવા માગે છે, એટલા માટે કે પોતે જ્યારે પણ ઇચ્છે ત્યારે તેનો વિચાર માત્ર કરતાં તેને પ્રત્યક્ષ નિહાળી શકે. તેની અપેક્ષા તો એવી છે કે ચર્મચક્ષુમાં ઝીલાએલી તસ્વીર અંત:ચક્ષુમાં એવી તો ઊંડી ઊતરી જાય કે તે કદીય વિસરાય નહિ! પણ, અફસોસ! માશુકનાં ચક્ષુઓમાં અંધકારના ઓળા ઊતરી આવે છે અને માશુકાનો ચહેરો ઓઝલ થઈ જાય છે.

* * *

દેવુની પારૂ

પ્લાસ્ટિક સર્જરીથી

ઘાવ રૂઝાવે!

શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા ‘દેવદાસ’ ઉપર આધારિત અને એ જ ‘દેવદાસ’ શીર્ષકે અનેક ભાષાઓમાં બનેલી, પણ એકલી હિંદીમાં જ ચાર વખત બનેલી આ કરૂણાંતિકા ફિલ્મના એક દૃશ્યની પશ્ચાદભૂમિકાએ રચાએલું આ હાઈકુ છે. 1935 થી 2002 સુધીમાં પી.સી.બરૂઆ, કુંદનલાલ  સહગલ, દિલીપકુમાર (યુસુફભાઈ) અને શાહરૂખખાને ‘દેવદાસ’ પાત્રની ભૂમિકા નિભાવી હતી.

‘ગુજરાત સમાચાર’ની સાપ્તાહિક ‘ચિત્રલોક’ પૂર્તિમાં અશોક દવેના આ લખાણે મારા હાઈકુની પૂર્વભૂમિકા સમજાશે – “બીજે પરણી જતી પારો દેવદાસને નદીકિનારે મળે છે, ત્યારે બંને વચ્ચે છૂપા ક્રોધની આપ-લે થાય છે, જેમાં પારો કહે છે, તું ફક્ત બુદ્ધિશાળી જ છે, જ્યારે હું તો સુંદર પણ છું. ‘ઇતના અહંકાર? ઇતના અહંકાર અચ્છા નહિ’ એમ કહીને દેવદાસ પારોના ચેહરા ઉપર સોટી ફટકારી દે છે, જેથી આટલા લાવણ્યમય રૂપ ઉપર એક દાગ રહી જાય અને ભવિષ્યમાં પારો જેટલીવાર અરીસો જુએ, એટલી વાર એના ‘દેવા’ને યાદ કરે!”.

રવીન્દ્રનાથ ટાગોરના સમકાલીન એવા આ નવલકથાના લેખકના જમાનામાં મેડિક્લ સાયન્સમાં કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જરીની સારવાર પદ્ધતિ અમલમાં હશે કે કેમ તેની તો આપણને ખબર નથી, પણ અહીં માની લેવામાં આવ્યું છે કે પારૂના કપાળમાં સેંથાના ભાગે સોટીથી પડેલા નિશાનને મિટાવવા પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેવાય છે. આમ દેવાની લાંબા ગાળાની અને જીવનભર પારૂના મનમાં પોતાની યાદ તાજી રહેશે તેવી ધારણા ખોટી પડે છે.

* * *

સંસારઘાણી,

વરવધૂ ફેરવે

લગ્નમંડપે!

હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાયેલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે.

લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, એટલે તેમના આ કાર્યમાં સરળતા રહેવા ઉપરાંત સાત જ ફેરા ફરવાના હોઈ ફેરા ફરવાનું કામ જલ્દીથી આટોપાય છે. સપ્તપદીના આ ફેરા જાણે કે એક રિહર્સલ માત્ર જ છે, ખરી સંસારઘાણી ફેરવવાનું કામ તો હવે પછીથી શરૂ થનાર છે. જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જન કરવું, સાંસારિક અન્ય જવાબદારીઓનું વહન કરવું, પ્રજોત્પત્તિ કરવી, તેમનું પાલનપોષણ કરવું વગેરે જવાબદારીઓની ઘાણી જીવનભર ફેરવ્યા જ કરવી પડતી હોય છે.

કૃષિજગતમાં એમ કહેવાય છે કે બળદ પાસેથી ખેતીનું દરેક પ્રકારનું કામ લઈ શકાય, જેમ કે હળે જોતરવા, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જોડવા વગેરે. આમ બળદ પાસેથી ખેતીને લગતાં સઘળાં કામની અદલાબદલી થઈ શકે અને તે દરેક કામ સક્ષમતાથી પાર પણ પાડે. પરંતુ એ જ બળદને જો ઘાણીએ જોતરવામાં આવે તો પછી તે અન્ય કશાય કામનો રહે નહિ. ઘાણીના બળદની દુનિયા સીમિત થઈ જાય છે, તે દિવસરાત ગમે તેટલો ચાલે પણ ઠામનો ઠામ જ રહેતો હોય છે. બસ, આમ જ પતિપત્ની જેવાં સંસારઘાણીએ જોતરાય અને પછી તો જીવનભર તેમણે સંસારઘાણી ફેરવ્યે જ જવી પડતી હોય છે. દાંપત્યજીવનનું આ કઠોર સત્ય છે અને આ સત્યને જીવનભર જીરવવું પડતું હોય છે.

સંવાદિતા, સાહચર્ય, પરસ્પરમયતા, પ્રસન્નતા, સમાજલક્ષી જીવન, પ્રવૃત્તિશીલતા અને ફરી પાછી પ્રારંભની એ જ દૃઢિકરણ માટેની સંવાદિતા એવાં આ સાતેય સૂત્રોમાં પતિ-પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવું સમાયોજન હોવું જોઈએ તથા તે માટે કેવી રીતે જીવવું જોઈએ તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે અને આડકતરી રીતે એવું પણ કહેવાયું છે કે આ બધું સાથે મળીને જ થઈ શકે. આમ સંસારઘાણીએ જોતરાયેલાં ઉભય પતિપત્નીએ કદમ મિલાવીને પરસ્પરના સહયોગથી જીવવાનું હોય છે. સુખમય દાંપત્યજીવન સંવાદિતા ઉપર આધારિત છે, જરા સરખી પણ વિસંવાદિતા જીવનને ઝેર બનાવવા સમર્થ નીવડતી હોય છે.

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

One response to “(551) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૫)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: