દૃષ્ટિઘૂંટડા
ભરી, રહ્યાં ખામોશ,
ગળ્યાં શું જિહ્વા?
આ લેખકડાએ ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ ‘સાહિત્યમાં શબ્દપ્રયોજના’ લેખમાં ધૂમકેતુને તેમની ‘રજપૂતાણી’ વાર્તા સબબે યાદ કર્યા હતા. વાર્તાના અંતભાગે વાક્ય હતું : અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં, બે તરસ્યા હાથનો ખોબો વાળીને, આ પડતું પાણી ભારે વિહ્વળતાથી પી રહ્યું છે…ઘટક…ઘટક….ઘટક…ઘૂંટડા લે છે.’ આ અંગે મારી ટિપ્પણી હતી : ‘શું અવગતિયા થએલા એ રજપૂતે પીધેલા પાણીના ઘૂંટડાઓનો ઘટક…ઘટક અવાજ વાચકના કાનોમાં દીર્ઘકાળ સુધી ગૂંજ્યા નહિ કરે?’
અહીં આ હાઈકુમાં પાણીના ઘૂંટડાની નહિ, પણ દૃષ્ટિઘૂંટડાની વાત છે. દૃષ્ટિઘૂંટડા પ્રેમીયુગલના એકબીજા પરત્વેના હોઈ શકે, જો આ હાઈકુ હાઈકુકાર પક્ષે બોલાયું/લખાયું હોય તો! વળી બીજી શક્યતા એ પણ હોઈ શકે દૃષ્ટિઘૂંટડા હાઈકુનાયિકાએ ભર્યા હોય, કેમ કે હાઈકુનાયકે ‘રહ્યાં’ અને ‘ગળ્યાં’ એવાં સંબોધનાત્મક માનવાચક ક્રિયાપદો પ્રયોજ્યાં છે.
દૃષ્ટિઘૂંટડા ભરનાર ગમે તે હોય પણ તેણે કે તેમણે સામેની વ્યક્તિના સૌંદર્યનું પાન એવું ઘૂંટડે ઘૂંટડે કર્યું છે કે એ સૌંદર્યપાનની સાથે સાથે જીભ પણ ગળાઈ ગઈ છે, યાને કે હલક નીચે ઊતરી જવાના કારણે તેણે કે તેમણે ખામોશી અખત્યાર કરવી પડી છે. અહીં પ્રણયરસ એવો જામ્યો છે કે ઉભય એકબીજાંની દૃષ્ટિનું પાન કરે છે અને એ ક્રિયા પર્યાપ્ત પણ છે, કેમ કે પ્રણયની અભિવ્યક્તિ શબ્દોની મહોતાજ નથી અને તેથી જ ખામોશી વર્તાય છે.
આમ આ હાઈકુ શૃંગાર અને હાસ્ય એવા બંને રસ ધરાવે છે. ‘ગળ્યાં શું જિહ્વા!’ એ શબ્દોમાં હાસ્ય સમાવિષ્ટ છે. સામેના પાત્રની ચૂપકીદી સામે પ્રશ્ન પુછાય છે, ગળ્યાં શું જિહ્વા?’ અને અહીં વાચકથી સહજપણે મલકી પડાય છે.
* * *
ઢોલ ઢબૂકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી!
ચકોર વાચક આ હાઈકુમાં રહેલા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સ્મિતને પારખીને માણી શકે છે, એટલે જ અહીં મેં હાસ્ય નહિ, પણ સ્મિતને અપેક્ષ્યું છે. આનો વાચ્યાર્થ તો સાવ સીધોસાદો આમ થાય છે : ઢોલ ગાજી રહ્યો છે, નાચવાની મનાઈ છે અને કન્યા પોતાની પલાંઠી ભીડી દે છે.
ગામડાની કે શહેરની ગોરી ઉત્સવપ્રસંગે કે લગ્નપ્રસંગે નાચતી હોય છે. શહેરોમાં તો ઢોલની જગ્યાએ નવાં વાદ્યો આવી ગયાં છે, પણ ગામડાંઓમાં તો હજુય ઢોલ જીવંત છે. ગામડાની ગોરી પોતાનું ગમે તે ગૃહકાર્ય કરતી હોય, પણ તેના કાને ઢોલનો અવાજ આવતાં જ તેનાં તનમન થનગની ઊઠતાં હોય છે. આ હાઈકુમાં તહેવાર નહિ, પણ લગ્નપ્રસંગ છે. હવે એક કન્યાને પરંપરા અને વડીલોની મનાઈના કારણે નાચવા ઉપર પ્રતિબંધ છે, કેમ કે એ કન્યા પોતે જ પરણી રહી છે. હવે માયરામાં બેઠેલી એ કન્યાના મનમાં અને તનમાં ઢોલનો ધ્વનિ થનગનાટ જગાડે છે. આ થનગનાટને નાથવા એ પોતાની પલાંઠીને ભીડી દે છે, સંભવ છે કે એણે દાંત પણ ભીંસ્યા હોય! શારીરિક આ ચેષ્ટા કન્યાના નચાઈ ન જવાના મક્કમ ઈરાદાને ઉજાગર કરે છે.
આ હાઈકુ સ્વરચિત હોઈ આત્મશ્લાઘા થઈ જવાનો ભય છતાં હું તટસ્થભાવે કહીશ કે આ હાઈકુકાર તેમના ઉચ્ચતમ લક્ષ્યને સિદ્ધ કરવામાં કામિયાબ રહ્યા છે.
* * *
વરએંજિને,
ઘસડાતી લાડી, ને
અદૃશ્ય ડબ્બા!
આમ જોવા જાઓ તો જિંદગી એક બાળરમત છે, જેવી કે આપણે નાનાં હતાં ત્યારે છુક છુક રેલગાડીની રમત રમતાં હતાં. હિંદુ લગ્નવિધિ પ્રમાણે મંગળફેરા ફરતી વખતે જાણે કે એ જ બાળરમતનું ફરીવાર પુનરાવર્તન ન થતું હોય! આ હાઈકુમાં હાઈકુકારના દૃષ્ટિકેમેરામાં આ દૃશ્ય ઝડપાઈ જાય છે. અહીં ફેરા ફરતી વખતે આગળ રહેતા વરરાજાને ટ્રેઈનનું રૂપક આપવામાં આવ્યું છે. તેને અનુસરતી કન્યા માટેનો વૈકલ્પિક શબ્દ ‘લાડી’ પ્રયોજાયો છે, જે ‘ગાડી’ શબ્દના પ્રતિઘોષ સમો છે અને તેથી તે સહેતુક છે. એંજિન પાછળ ઘસડાતી ગાડીના ડબ્બા અદૃશ્ય રહે છે. આમાં ભવિષ્યે જન્મનારાં બાળકોનો સંકેત છે.
મારી એક ‘ચાર બસ ચાર જ!’ વાર્તામાં આવી જ ગાડીની વાત છે. વરાળએંજિનવાળી ગાડીના એંજિન ઉપર પતિનું નામ, પાણી તથા કોલસાવાળા પૂરક ભાગ ઉપર પત્નીનું નામ અને ચાર ડબ્બા પૈકીના પ્રથમ ત્રણ ડબ્બા ઉપર સંતાનોનાં નામ તથા ચોથા ડબ્બાને અડધો બતાવીને તેના ઉપર ‘અડધિયો ડબ્બો’ લખવામાં આવ્યું છે. મુકત હસ્તચિત્ર ઉપરના આ ચોથા ‘અડધિયા ડબ્બા’નો ભેદ આપ જેવા મારા વિદ્વાન વાચકો માટે સ્વયં સ્પષ્ટ છે, અકલમંદોને ઈશારો કાફી હોય છે, ખરું કે નહિ?
* * *
હલાવી જોયાં,
લાગ્યું ગયાં! ધ્રાસકે
હસી પડતાં!
સુખી દાંપત્યજીવનમાં પતિપત્ની વચ્ચે એમના શયનખંડમાં ધિંગામસ્તી, ટોળટપ્પા અને મજાક મશ્કરી થતાં રહેતાં હોય છે. આપ રસિક વાચકજનો માટે પણ મારે હકારાત્મક જ વિચારવું પડે કે આપ પણ આ હાઈકુયુગલની જેમ મિત્ર કે સખીભાવે મધુર દાંપત્યજીવન માણતાં હશો. હાઈકુનાયિકા શબવત્ સ્થિતિ ધારણ કરીને નાયકને એવો હળવો આંચકો આપવા માગે છે જાણે કે તેના રામ રમી ગયા છે. નાયક ચિંતિતભાવે ક્ષણભર માની લે છે કે ખરે જ એમ બન્યું હશે અને તેથી તેને હલાવી જુએ છે. પરંતુ નાયિકા તો ઢોંગ કરીને પતિને ચીઢવવા માટે આવી ચેષ્ટા કરે છે અને છેવટે તે ખડખડાટ હસી પડે છે. હાઈકુકાર અને રસદર્શનકાર એક જ ઈસમ હોવા ઉપરાંત તે સ્વવિવેચકની ત્રીજી ભૂમિકાએ આ હાઈકુને બિરદાવે છે, એ સંગીન પાસા ઉપર કે અહીં સર્જક આબેહૂબ અને જાણે કે પ્રત્યક્ષદર્શી હોય તેવું શબ્દચિત્ર ખડું કરવામાં સફળ રહ્યા છે. આ હાઈકુની અન્ય વિશેષતા એ છે કે તે ભાવકના દિલોદિમાગમાં પ્રણયભાવ એવો જગાડે છે કે તે પોતાની જાતને નાયક કે નાયકની જગ્યાએ ગોઠવી દે છે અને ઘડીભર નિજાનંદ માણી લે છે.
-વલીભાઈ મુસા
One response to “(553) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૬)”