(તકતી – લગાગા*8)
ભલે હું નકામો, ભલે હું દિવાનો, છતાંયે ગણો તો, હું માણસ મજાનો
રડો જો તમે તો, દુ:ખોના પ્રહારે, હું આપું દિલાસો, હું માણસ મજાનો
લડો સૌ નિરર્થક, મતો આપવાને, ફલાણો જ સારો, કહી પૂજ્ય ભાવે
હું તો ચૂપચાપે, જ નોટા દબાવી, દઉં વોટ નિજનો, હું માણસ મજાનો
તમે લોહી પ્યાસા, છુરીઓ હુલાવો, બની આંધળા સાવ, પાગલ ખયાલે
હું તો દોડતો જાઉં, બ્લડ બેંક રાહે, ધરું કર હું મારો, હું માણસ મજાનો
તમે હાથમાં લઇ, મશાલો સળગતી, ઘરો ને દુકાનો, પ્રજાળો પ્રકોપે
હું તો ખોબલાભર, ભલે હોય પાણી, મથું ઠારવા તો, હું માણસ મજાનો
નપાવટ થઈને, કદી કો સતાવે, અભાગી જ નારાયણીને બજારે
ધસી જાઉં મદદે, ધરી હામ હૈયે, મદદગાર થાતો, હું માણસ મજાનો
તમે તો કહેશો, નરી આ ગણાયે, બડાઈ સ્વની તો, સ્વઘાતી સરીખી
ભલે સ્વપ્રશંસા, ગણાતી સ્વઘાતી, છતાંયે કહું કે, હું માણસ મજાનો
‘વલી’ હું ગણાતો, ભલે લોક નજરે, નફકરો, નમાલો વ કમજોર ઘેલો
વિપદ આવતી ક્યાંય, કૂદી પડું હું, ન લાવું વિચારો, હું માણસ મજાનો
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૦૧૧૨૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૮૧૧૧૭)
One response to “(555) ભલે હું નકામો (ગ઼ઝલ) – ૧૪”