ન થા કુછ તો ખ઼ુદા થા
ન થા કુછ તો ખ઼ુદા થા કુછ ન હોતા તો ખ઼ુદા હોતા
ડુબોયા મુઝ કો હોને ને ન હોતા મૈં તો ક્યા હોતા (૧)
[- – -]
અર્થઘટન અને રસદર્શન:
ગ઼ાલિબનો આ શેર વાચ્યાર્થમાં સમજવો તો સાવ સહેલો છે, પરંતુ તેનો ગૂઢાર્થ સંકુલ છે. ગ઼ાલિબ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. હિંદુ ફિલસૂફી પણ ઈશ્વરને અનાદિ અને શાશ્વતકાલીન ગણે છે. ઈસ્લામ મજહબ પણ તેને આદિ (The First), અમર્યાદ (The Boundless) અને છેલ્લો બાકી રહેનાર (The Last) તરીકે ઓળખાવે છે. ભારતીય તત્ત્વજ્ઞાનીઓ પણ તેને સનાતાન (Everlasting, Eternal) તરીકે સ્વીકારે છે. ગ઼ાલિબ કહે છે કે જ્યારે કશું જ ન હતું ત્યારે ખુદા (ઈશ્વર) હતો. ‘ખુદા’ ફારસી શબ્દ છે, જેનો મતલબ છે કે ‘તે ખુદ અસ્તિત્વમાં આવેલો છે’. હિંદુ મીમાંસકો તેને ‘સ્વયંભૂ’ એટલે કે ‘જાતે જ ઉત્પન્ન થયેલો’ હોવાનું કબૂલે છે. ગ઼ાલિબ ઈશ્વરના અસ્તિત્વને પ્રથમ મિસરામાં બીજી વાર પણ દોહરાવીને આગળ પોતાના વિષે કે જે સમગ્ર માનવજાતને પણ લાગુ પડે છે, કહે છે કે ‘ડુબોયા મુઝ કો હોને ને’ એટલે કે માનવી પોતાના હુંપદના ગર્વના કારણે અધ:પતન પામ્યો છે. ગ઼ઝલકારે એક કલ્પના કરી છે કે પોતે હાલ હયાત ન હોત તો એ પહેલાં શું હોત? આ ગહન વાતને સાવ ટૂંકાણમાં આમ સમજી શકાય કે આપણે બિનઅસ્તિત્વમાંથી જ અસ્તિત્વમાં આવ્યા છીએ.
* * *
હુઆ જબ ગ઼મ સે યૂઁ બે-હિસ તો ગ઼મ ક્યા સર કે કટને કા
ન હોતા ગર જુદા તન સે તો જ઼ાનૂ પર ધરા હોતા (૨)
[બે-હિસ= સ્તબ્ધ (shocked/stunned); જ઼ાનૂ= જાંઘ (thigh)]
Stun= આઘાતથી દિગ્મૂઢ કરી નાખવું
અર્થઘટન અને રસદર્શન:
આ શેરમાં ગ઼ાલિબ કહે છે કે જ્યારે હું મારાં દુ:ખોના આઘાતથી સાવ દિગ્મૂઢ જ બની ગયો છું તો મારું મસ્તક પણ કદાચ વધેરાઈ જાત તો પણ હું શા માટે દુ:ખ લગાડત? વળી મારું કપાઈ ગયેલું માથું જો તનથી જુદું ન થઈ ગયું હોત તો તેને મારી મરજીથી મેં પોતે જ તેને કાપી દઈને મારી જાંઘ ઉપર જ ધારણ કરી લીધું હોત! આમ અહીં પોતાના માથે આવી પડેલાં દુ:ખોની તીવ્રતા દર્શાવાઈ છે. ગ઼ાલિબ આર્થિક રીતે એવા તો દુ:ખી હતા કે નાણાંના અભાવના એ દુ:ખ આગળ મસ્તક વધેરાઈ જવાનું દુ:ખ પણ કોઈ વિસાતમાં ન હતું. આમ આ શેર આત્મલક્ષી બની જાય છે, તેમ છતાંય એરિસ્ટોલની ટ્રેજેડીની વિભાવના પ્રમાણે ગ઼ાલિબના જેવાં દુ:ખો ધરાવનાર અન્ય કોઈને પણ તે લાગુ પડી શકે છે.
* * *
હુઈ મુદ્દત કિ ‘ગ઼ાલિબ’ મર ગયા પર યાદ આતા હૈ
વો હર ઇક બાત પર કહના કિ યૂઁ હોતા તો ક્યા હોતા (૩)
(મુદ્દત= સમય (duration/period)
અર્થઘટન અને રસદર્શન:
ગ઼ાલિબ આ શેરમાં પોતાનું અવસાન થઈ ગયું હોવાનું કલ્પે છે. વળી તેના અવસાન પામ્યાને ઘણો લાંબો સમય પણ થઈ ગયો છે. હવે પોતાના યાર કે ચાહકોના પક્ષે પોતે અનુમાન લગાવે છે કે એ લોકો એમ જ કહેશે કે ગ઼ાલિબને મૃત્યુ પામ્યાને લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાંય તે ખરેખર બહુ જ યાદ આવે છે. આમ ગ઼ાલિબ માને છે કે લોકો તેમને તેમના અવસાન પછી પણ ખૂબ યાદ કર્યા કરશે. શેર અને ગ઼ઝલનો આખરી મિસરા આમ લોકોને એ રીતે લાગુ પડે છે કે તેઓ કોઈ એવી દુ:ખદ પરિસ્થિતિમાં આવી ગયા પછી દરેક વાતે બસ એમ જ બોલતા સાંભળવા મળે છે કે ‘આમ થયું હોત તો તેમ થાત અને તેમ ન થયું હોત તો આમ થાત’. આમ ‘બીત ગઈ સો બાત ગઈ’ પ્રમાણે પાછળથી દુ:ખી થવાનો કે પસ્તાવાનો કોઈ મતલબ રહેતો નથી. ગ઼ાલિબ અહીં પોતે પણ પોતાના જીવનમાં કોઈ તક ચૂકી જવા બદલ કે કોઈ ભૂલો કરી બેઠા હોય અને પોતે વર્તમાન દુ:ખી સ્થિતિમાં મુકાઈ ગયા હોવાનો પરોક્ષ રીતે એકરાર કરે છે.
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલ ક્રમાંક – ૩૩)
* * *
નોંધ:-
(આ ગ઼ઝલના પહેલા શેરના ભાવાનુવાદ અને રસદર્શન માટે મારે http://themissingslate.com ના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેને નીચે પરિશિષ્ઠમાં આપ્યો છે.)
પરિશિષ્ઠ :
Na thaa kuchh to khuda hota
When there was nothing there was God,
if there’d been nothing there’d have been God,
Being has ruined me,
if I did not exist what would have been? (1)
(While chatting on Internet, I could trace out only above one Sher.)
Courtesy – http://themissingslate.com
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) Courtesy – http://themissingslate.com
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા
સુરેશ
April 8, 2018 at 3:52 pm
વાહ! ઓસ્ટ્રેલિયામાં પણ ધખારો ચાલુ જ છે. ગમ્યો.
વાગોળવા અને પચાવવા જેવી ગઝલ. ગમી ગઈ.
LikeLike
Valibhai Musa
April 9, 2018 at 8:43 am
My work up to May, ’18 for Webgurjari was sent in advance to my trip to Australia. Thanks for your encouraging comment.
LikeLike