(ગતાંક આંશિક ભાગ – 3 ના અનુસંધાને ચાલુ)
યે ન થી હમારી ક઼િસ્મત (શેર ૧૦ થી ૧૧)
ઉસે કૌન દેખ સકતા કિ યગાના હૈ વો યક્તા
જો દુઈ કી બૂ ભી હોતી તો કહીં દો-ચાર હોતા (૧૦)
(યગાના= અનુપમ; યક્તા= અદ્વિતીય; દુઈ= દ્વૈત, દો-ચાર= આમનો-સામનો)
અર્થઘટન અને રસદર્શન
શેરનો વાચ્યાર્થ તો સીધોસાદો આમ જ છે કે કોણ એ માશૂકાને જોઈ શક્યું છે કે જે અનુપમ અને અદ્વિતીય છે. જો એ બે હોવાનો ઈશારો માત્ર જ હોત તો ક્યાંક ને ક્યાંક તેનો આમનો-સામનો થઈ જ ગયો હોત! આને થોડુંક વધુ સ્પષ્ટ સમજીએ તો તે એકમાત્ર એક જ હોવાથી તેનો ભેટો થઈ જવાની શક્યતા બહુ જ ઓછી છે, પણ જો એ યથાતથ રૂપે ઓછામાં ઓછી બેની સંખ્યામાં હોત તો તેનું મિલન થઈ જવાની શક્યતા થોડીઘણી પણ વધી જાતા! આખી ગઝલમાં આ શેર સંપૂર્ણ રીતે ઉત્તમોત્તમ છે. સંભવત: ગાલિબે પણ આ વાતને સમર્થન આપ્યું છે. આ શેર હવે પછીના છેલ્લા શેરની આગળ છે અને તેનું તેની સાથે અનુસંધાન અને સાતત્ય પણ છે. હકીકતમાં થોડુંક સાહસ કરીને એમ કહી શકાય કે ગાલિબના સર્વકાલીન ઉત્તમ એવા બે કે ત્રણ શેર પૈકીનો આ શેર છે.
‘દો-ચાર હોના’ એ બોલાતી ભાષાનો પ્રચલિત શબ્દપ્રયોગ છે જેને આ ખૂબસૂરત ગઝલમાં પ્રયોજવામાં આવ્યો છે. જો કે એનો સીધો વાચ્યાર્થ ‘બે-ચાર’ એમ સંખ્યા તરીકે ન લેતાં રૂઢિપ્રયોગ તરીકે તેનો અર્થ તો ‘એકબીજા સાથે ભેટો થઈ જવો’ કે ‘આકસ્મિક ટકરાઈ જવું’ એમ જ લેવો પડશે. હવે આ શેર સમજવો થોડો પડકારજનક હોઈ તેના ગૂઢાર્થને પકડવા માટે હિંમત ધારણ કરવી પડે. અહીં માશૂકા આસાનીથી નજરે પડી જાય તેમ નથી, કેમ કે તેનું એકલીનું સૌંદર્ય એકમેવ છે, કેમ કે તેની અન્ય જોડ મળવી મુશ્કેલ છે. તેના મુકાબલામાં કોઈ આવી શકે તેમ ન હોઈ તે ખાસ મોભો ધરાવે છે. તે એક જ છે, પણ તેની પાસે ઊભી રહે શકે તેવી અન્ય કોઈ એક તે સાથે મળીને એકંદરે બે હોય તો કદાચ તેનાં દીદાર (દર્શન) થઈ શકે અને તેમ થાય તો જ તેને મૂળ અથવા સમાંતર સ્વરૂપે કોઈકવાર અને ક્યાંક કદાચ મેળવી શકાય. અહીં નાજુક અર્થઘટન એ લેવાનું છે કે માશૂકના તરફથી એને મળવાનો કોઈ પ્રયત્ન નહિ હોય પણ પોતે જ પોતાની રીતે દેખા દેશે, શરત માત્ર એ કે તે પોતે બે તરીકે હોય!
અગાઉના શેરોમાં આપણે ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી અંગે જાણી ચૂક્યા છીએ, જે અનુસાર સૂફી મત પ્રમાણે માશૂકની માશૂકા ભૌતિકના બદલે દિવ્ય પણ સમજી શકાય.આ દિવ્ય માશૂકા એટલે કે ઈશ્વર. તેમના મત પ્રમાણે તે દૃશ્ય ન હોઈ આ શેરમાં જે માશૂકા ઉલ્લેખાઈ છે તે માત્ર તે જ હોઈ શકે, કેમ કે તે અદ્વૈત છે. આમ તેને ચર્મચક્ષુથી નહિ, પણ અંતરચક્ષુથી જોઈ તો ન જ શકાય પણ તેની માત્ર અનુભૂતિ જ થઈ શકે. આમ ગ઼ાલિબ કહેવા માગે છે કે ઈશ્વર તો માત્ર એક જ છે, જે સંખ્યાના અર્થમાં પણ નહિ, પણ એકત્વ તરીકે તેને સમજવો પડે. જો એકને સંખ્યા તરીકે લઈએ તો તેના પછી બે અને આગળ તેથી અધિક સંખ્યાઓ આવી શકે, પરંતુ તેમ હરગિજ નથી. જો તે સ્થૂળ હોય તો જ તે ગણતરીમાં આવી શકે. પરંતુ તે તો દિવ્ય છે, નિરાકાર સ્વરૂપે છે. આમ તેને માત્ર અને માત્ર તે જ તરીકે ગણવો પડે. ભક્તજનો પણ તેને ‘તુંહી’ તરીકે જ ઓળખે છે. ધર્મશાસ્ત્રોમાં પણ તેને આમ જ સમજાવાયો છે. સારાંશે ઈશ્વર એકમેવ હોઈ તેના સિવાય અન્યના હોવાપણાનો વિચાર સુદ્ધાં પણ ન કરી શકાય. આમ ગ઼ાલિબ અહીં અદ્વૈત વિચારધારાનો પુરસ્કારકર્તા જણાય છે. વળી તે કદાચ કર્મે નહિ, તો જન્મે પણ મુસ્લીમ હોઈ ઈસ્લામિક અદ્વૈતવાદને સ્વીકારે તે સ્વાભાવિક પણ છે. વળી આ અદ્વૈતવાદ હિંદુ વિચારધારામાં પણ એક મત તરીકે પ્રવર્તમાન છે. બાઈબલમાં પણ ‘No man can serve two masters’નું કથન છે.
છેલ્લે આપણે તત્ત્વદર્શનના સમાપને આવીએ તો ગ઼ાલિબ ગૂઢાર્થમાં સંતવાણી ઓચરે છે અને અદ્વૈતવાદને ટેકો પૂરો પાડે છે. ગ઼ઝલના આગામી છેલ્લા શેરમાં આ શેરના સાતત્ય અને અનુસંધાન અંગે અગાઉ જણાવી દેવાયું છે. આ શેરના વિવરણના અતિવિસ્તાર માટે હું ક્ષમાપ્રાર્થી છું.
* * *
યે મસાઈલ-એ-તસવ્વુફ઼ યે તિરા બયાન ‘ગ઼ાલિબ‘
તુઝે હમ વલી સમઝતે જો ન બાદા-ખ઼્વાર હોતા (૧૧)
(મસાઈલ-એ-તસવ્વુફ઼= ભક્તિની સમસ્યાઓ; બયાન= વર્ણન; વલી= ઋષિ, મુનિ, સંત ; બાદા-ખ઼્વાર= શરાબી)
અર્થઘટન અને રસદર્શન
ગ઼ઝલનો આ આખરી શેર ‘જરા હટકે’ છે અને મર્મહાસ્ય પણ નિષ્પન્ન કરે છે. ગ઼ઝલનો આ મક્તા શેર ‘ગ઼ાલિબ’ દ્વારા રચિત જ છે, પણ તે ચાહકો, ભાવક કે પાઠક પક્ષે રજૂ થયો હોવાનો આભાસ થાય છે. ગ઼ઝલના બયાન અંગે જાણે કે ગ઼ાલિબના ચાહકો તેમને એક વલી (સંત) તરીક સ્વીકારી લેવા માગે છે, બાશરત કે જો તે શરાબી ન હોત તો!!! ગ઼ાલિબ શરાબી હતા એ જગજાહેર છે અને તેમણે નિખાલસપણે તેમની આ એબનો અનેક જગ્યાએ સ્વીકાર પણ કરેલ છે. આમ પોતે કબૂલ કરે છે કે તેઓ કદીય તે વલી કે સંતની હરોળમાં આવી શકે નહિ. માનવીના ગુણો કે અવગુણોને ઈશ્વર તો જાણે જ છે તો પછી તેના બંદાઓથી એ વાત કેમ છૂપી રાખવી જોઈએ? હિંદી વિખ્યાત ચલચિત્ર ‘મોગલે આઝમ’ના એક વિખ્યાત ગીતના અવિચલ શબ્દો પણ છે કે ‘પર્દા નહિ જબ કોઈ ખુદાસે, તો બંદોસે પર્દા કરના ક્યા’. આમ આ નિખાલસ કબૂલાતથી ગ઼ાલિબ એમ જણાવે છે કે કોઈ માનવી કદીય સપૂર્ણ તો ન જ હોય, કેમ કે સંપૂર્ણ તો એક માત્ર ઈશ્વર જ હોય અને તેથી જ ‘સંપૂર્ણ કેવલો હરિ’ એમ કહેવાય પણ છે. આમ ગ઼ઝલ અને શેરની આખરી પંક્તિ ગ઼ઝલના શિરમોર સમી બની રહે છે.
* * *
–મિર્ઝા ગ઼ાલિબ
(ગ઼ઝલ ક્રમાંક – ૨૧) [આંશિક ભાગ – ૪ સંપૂર્ણ]
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
સુરેશ
August 16, 2018 at 11:43 pm
બહુ જ ગહન વાત.
LikeLike