(ગતાંક આંશિક ભાગ – ૩ ના અનુસંધાને ચાલુ)
વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૯ થી ૧૦)
UNPUBLISHED (TWO Shers):
ગ઼ાલિબની ગ઼ઝલોના સંકલનકારોને નવીન બે શેર પ્રાપ્ત થયેલા છે, જે નીચે દર્શાવવામાં આવ્યા છે. આ શેર દીવાન-એ- ગ઼ાલિબમાં કદાચ અપ્રસિદ્ધ રહ્યા છે. એ શેર એમના છૂટક શેરોમાંથી પ્રાપ્ત થયા હોય અને તેની શૈલી અને વિષય આ ગ઼ઝલના બધા શેર જેવાં જ હોઈ એમને આ ગ઼ઝલના ભાગરૂપ ગણવામાં આવ્યા હોય. જો કે ઘણા સંગ્રહોમાં આ બંને શેર પડતા મુકાયેલા છે. રસદર્શનકાર પણ આ બંને શેર “વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ” ના ભાગરૂપ જ ગણે છે અને તેથી જ એ બંનેના ભાવાનુવાદ અને રસદર્શન આપવા માટે જહેમત લીધી છે.
* * *
પર મુઝે તાક઼ત–એ–સવાલ કહાઁ
બોસે મેં વો મુજ઼ાઇક઼ા ન કરે (૯)
(બોસે= ચુંબન; મુજ઼ાઇક઼ા=ભેદ – Difference; તાક઼ત-એ-સવાલ= સવાલ પૂછવાની હિંમત)
અર્થઘટન અને રસદર્શન:
આ વિપ્રલંભ (વિરહ, વિયોગ) શૃંગારરસના ઉદાહરણ માટેનો ઉત્તમ શેર છે, સાથેસાથે તેમાં એ જ રસની પરાકાષ્ઠા પણ છે. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં માશૂકાને અવનવી અદાઓ અને અંદાઝોમાં રજૂ કરે છે. ચુંબન એ પ્રણયની અભિવ્યક્તિની એક રીતિ છે. ચુંબન દીર્ઘ કે ક્ષણિક હોઈ શકે, સહજ કે પ્રયત્નના પરિપાકરૂપ હોઈ શકે, સંકોચ કે બિન્દાસ ભાવે પણ હોઈ શકે. ચુંબનના અહીં કેટલાક ભેદ કલ્પવામાં આવ્યા છે. અહીં ‘ભેદ’ને અન્નિચ્છનીય એવી વ્યક્તિ- વ્યક્તિ વચ્ચે હોવા અંગે પણ વિચારી શકાય. આ શેરમાં માશૂક મર્યાદા ઓળંગીને માશૂકા સાથેના ચુંબન સુધીની કક્ષાએ કલ્પનાવિહારે પહોંચી ગયા છે. પરંતુ અહીં આશિક માશૂકા પાસે એવી અપેક્ષા રાખે છે કે તે ચુંબનમાં કોઈ ભેદ ન રાખે. પરંતુ ગ઼ાલિબ આ ગ઼ઝલના પ્રત્યેક શેરમાં નિરાશા અને નિરાશા જ માત્ર દર્શાવતા હોઈ અહીં પણ તેમની ભીરુતા બતાવે છે અને કહે છે કે તેમની માશૂકાને સવાલ કરવાની તાકાત સુદ્ધાં નથી કે તે ચુંબનમાં કોઈ ભેદ ન કરે. અગાઉ ખુલાસો કરવામાં આવ્યો જ છે કે ગ઼ાલિબની ગ઼ઝલોમાં આવતી માશૂકા એમની કલ્પનામૂર્તિ માત્ર જ છે. સામાન્ય રીતે કોઈપણ ગ઼ઝલકારની ગ઼ઝલોમાં આવતી માશૂકા દુન્યવી અને આધ્યાત્મિક રીતે એમ અનુક્રમે ઐહિક અને પારલૌકિક યાને કે ઈશ્વર સબબે હોય છે. ગ઼ઝલમાંથી માશૂકાને બાદ કરી દેવામાં આવે તો તે ગ઼ઝલ સાવ નીરસ અને ચાહકભોગ્ય ન જ બની શકે.
* * *
ફ઼લક–એ–સિફ઼્લા બે–મુહાબા હૈ
ઇસ સિતમ–ગર કો ઇંફ઼િઆલ કહાઁ (૧૦)
(ફ઼લક-એ-સિફ઼્લા= નિમ્ન, નીચું; બે-મુહાબા= અચકાયા વગર; સિતમ-ગર= જુલ્મી; ઇંફ઼િઆલ= પરસેવો)
અર્થઘટન અને રસદર્શન:
ગ઼ઝલનો પૂરક આ દ્વિતીય શેર ગ઼ાલિબની ઉત્કૃષ્ટ કલ્પનાને સો સો સલામ કરાવે તેવો છે. જુલ્મગાર (અહીં માશૂકા) સાવ નિમ્નપણે અને સહેજ પણ અચકાયા વગર જુલ્મ ગુજારી શકે છે. અહીં જુલ્મ એટલે માશૂકાનો માશૂક પરત્વેનો સાવ શુષ્ક અને નિરાશાજનક પ્રતિભાવ એમ સમજવાનું રહેશે. માશૂકાને માશૂકની ઉપેક્ષા (અવગણના) થકી થતો જુલ્મ પ્રત્યક્ષ દેખાય તેવો નથી, સૂક્ષ્મ છે; પરંતુ માશૂક માટે તો જે જનોઈવઢ ઘાવ સમાન જ છે. માશૂકા સાવ ઠંડા કલેજે કોઈપણ પ્રકારનો પરિશ્રમ ઉઠાવ્યા વગર એવો સિતમ ગુજારે છે કે માશૂકાને પરસેવો સુદ્ધાં વળતો નથી. બસ, મેં આગળ કહ્યું તે જ સો સો સલામવાળી આ જ પરિકલ્પના છે. આ જુલ્મ માનસિક છે, શારીરિક પ્રકારનો નહિ અને તેથી જ સામાન્ય રીતે કોઈ ઉપર શારીરિક જુલ્મ વરસાવનારો કોરડા ફટકારતાં અથવા લાતો કે મુક્કાઓ મારતાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે તેવો આ જુલ્મ નથી. માશૂકાની ઉપેક્ષાનો આ ઘાવ સ્થુળ નહિ, પણ સૂક્ષ્મ છે; જે જેને સહેવો પડતો હોય તે જ માત્ર તેની વેદનાને મહસૂસ કરી શકે. હવે આ બંને શેરને ગ઼ઝલમાં સમાવિષ્ટ કરી દેવાના હોય તો ઉપરોક્ત શેર ક્રમાંક (૮) કે જે ગ઼ાલિબની ઓળખ સાથેનો આખરી શેર છે તેની પહેલાં જ તેમને યોગ્ય સ્થાને ગોઠવવા પડે. તથાસ્તુ. ધન્યવાદ.
–મિર્ઝા ગ઼ાલિબ
(ગ઼ઝલ ક્રમાંક – ૮૬) (આંશિક ભાગ – ૪ સંપૂર્ણ)
* * *
નોંધ :-
ઉપરોક્ત બંને પૂરક શેરનું ભાવાનુવાદન અને રસદર્શનકાર્ય મારી સ્વતંત્ર અને આગવી સૂઝબૂઝ પ્રમાણે કરવામાં આવ્યું છે, કેમ કે મારાં નેટ ઉપરનાં ખાંખાંખોળાંમાંથી ખાસ આ બંને શેરની મને કોઈ સહાયક સામગ્રી મળી શકી નથી. There may be any veracities in interpretation of any Ghalib’s Gazal and particularly these Shers and it may vary person to person. If this or any other sher represents any different view, it is openly welcomed by communication with me or by putting the same in comment box without any hesitation. Regards.
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot, અને વીકીપીડિયા
* * *
[…] ક્રમશ: (7) […]