દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર – ૧ થી ૩)
પ્રાસ્તાવિક
ગ઼ાલિબનાં સુખ્યાત સર્જનોમાં જેની ગણના થાય છે, તેવી આ ગ઼ઝલ નોંધપાત્ર છે અને લગભગ તમામ શેરની સરળ ભાષા હોઈ ઘણાને એ ગ઼ાલિબની ગ઼ઝલ ન હોવાનું લાગે; પરંતુ વાસ્તવમાં આ તેમનું જ સર્જન છે. પ્રત્યેક શેરના ધ્રુવપદમાં આવતું શબ્દયુગ્મ ‘ક્યા હૈ’ ગ઼ઝલના પઠનમાં એક પ્રકારનો અનેરો લુત્ફ (આનંદ) પ્રતીત કરાવે છે. આ પ્રશ્નાર્થસૂચક શબ્દો ‘ક્યા હૈ’ માત્ર પ્રશ્નો જ નથી ઉઠાવતા, પણ તે તેમાં આશ્ચર્યનો ભાવ પણ જગાડે છે. આ ગ઼ઝલમાં ગ઼ાલિબે કાવ્યમય અને આલંકારિક ઢબે શાશ્વત અને દિવ્ય પરમ શક્તિ એવા ઈશ્વરને સંબોધીને જીવન વિષેના કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછ્યા છે. ગ઼ઝલના બધા જ શેર આશ્ચર્યભાવ સમેત ઝીણવટભરી બ્રહ્માંડોના રહસ્યની શોધખોળને ઉજાગર કરે છે. આ વિખ્યાત ગ઼ઝલ એ ગ઼ાલિબની સૂક્ષ્મભેદક દૃષ્ટિને સો સો સલામ કરવાનું આપણને મન થાય તેવી રીતે તે આસપાસની સૃષ્ટિની ઘટતી ક્રિયાઓને કાવ્યમય તાણાવાણામાં ગૂંથે છે. ‘ક્યા હૈ’થી પુછાતા દરેક શેરમાંના પ્રશ્નો ભાવકને પણ વિચારતા કરી મૂકે છે. ચાલો, આપણે ગ઼ઝલના શેરોને ઊંડાણથી સમજીને તેમનાં રહસ્યોને પામીએ.
* * *
દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ
આખ઼િર ઇસ દર્દ કિ દવા ક્યા હૈ (૧)
(દિલ-એ-નાદાન= નાદાન દિલ, બહાવરા મન)
અર્થઘટન અને રસદર્શન :
શાયર આ પહેલા જ શેરમાં પોતાના દિલને સંબોધીને પૂછે છે કે ‘હે દિલ, તને આ શું થઈ ગયું છે?’ શાયરીમાં ‘દિલ’ શબ્દનો વિનિયોગ સહજ હોય છે, પણ અહીં એ દિલને નાદાન કહેવાયું છે. નાદાન કહેતાં બહાવરું, આકુળવ્યાકુળ એવું દિલ કંઈક એવો ઉત્પાત મચાવે છે કે શાયર એ દિલનો જ ઉધડો લેતાં તેને તેની એ સ્થિતિનું કારણ પૂછે છે અને ઘવાયેલા એ દિલની વેદનાનો શો ઈલાજ હોવાનું પણ તેની પાસેથી જાણવા માગે છે. દિલ સંવેદનશીલ હોઈ તે નાનામોટા આઘાત-પ્રત્યાઘાતો અનુભવે ત્યારે તે દ્રવી ઊઠે તે હકીકત છે. આમ આ ગ઼ઝલની શરૂઆત દિલ સાથેની ગુફ્તગૂ (છાની વાતચીત)થી થાય છે. શેરનો બીજો મિસરા એનો વ્યંજનાર્થ એ પણ સૂચવે છે કે ‘ઈશ્કના એ દર્દનો કોઈ ઈલાજ નથી, સિવાય કે પ્રિયજનનું મિલન.’. કેટલાક વિવેચકો માને છે કે શેરના પ્રથમ મિસરાનો પ્રશ્ન જ દિલને પુછાયો છે, પણ દર્દના ઈલાજ માટેનો બીજો પ્રશ્ન તો ઈશ્વરને જ પુછાયો છે. જો કે પ્રથમ નજરે આ વાત સંદેહાત્મક લાગે છે, પણ પાછળના શેરોના આધારે માનવું જ રહ્યું કે આ અનુમાન સાચું છે. જો કે આ પ્રશ્નના બદલે વિધાન પણ હોઈ શકે કે જેનો મતલબ એ થાય કે ઈશ્કના દર્દનો કોઈ ઈલાજ નથી. ઘણા શાયરોએ તેમની શાયરીઓમાં ઈશ્કના દર્દને મિટાવવામાં હકીમો, વૈદો કે એવા ચિકિત્સકોને નિષ્ફળ ગણાવ્યા છે. ઈશ્કના દર્દને તો એ જ વ્યક્તિ મિટાવી શકે કે જેણે દર્દ આપ્યું હોય, કેમ કે ઈશ્કના દર્દના મૂળની માત્ર તેને જ જાણ હોય છે.
* * *
હમ હૈં મુશ્તાક ઔર વો બેજ઼ાર
યા ઇલાહી યે માજરા ક્યા હૈ (૨)
(મુશ્તાક= ઉત્સુક; બેજ઼ાર= અસંતુષ્ટ; યા ઇલાહી= હે ઈશ્વર; માજરા= ઘટના)
અર્થઘટન અને રસદર્શન :
ગ઼ાલિબ યાને માશૂક આ બીજા શેરમાં તો સ્પષ્ટ રીતે ઇલાહી (ઈશ્વર) તરફ વળે છે એને તેને સવાલ કરે છે કે હું તો મારા ઇશ્કમાં તરવરતા ઉત્સાહથી ઓળઘોળ છું અને તે (માશૂકા) તો સાવ અસંતુષ્ટ દેખાય છે; તો ‘હે ઈશ્વર, આ અંગેની હકીકત શું છે?’ પાશ્ચાત્ય વિદુષી કેથરિન પલ્સીફર (Catherine Pulsifer) પ્રેમસંબંધની ફલશ્રુતિ અંગે કંઈક આમ કહે છે : ‘એક પાત્ર જ્યારે શીખવાનું, વિકસવાનું અને વૃદ્ધિ પામવાનું ચાલુ રાખે છે અને બીજું પાત્ર સ્થિર ઊભું રહે છે, ત્યારે એ સંબંધ નષ્ટ પામે છે.’
સામાન્ય રીતે ગ઼ઝલના પ્રત્યેક શેર સ્વતંત્ર હોય અને છતાંય અહીં આ બીજો શેર પહેલા શેર સાથે સૂક્ષ્મ અનુસંધાન સાધે છે. માશૂકના દિલની ગમગીનીના કારણ રૂપ માશૂકાની ઉદાસીનતા છે અને એ ઉદાસીનતાની હકીકત જાણવા માટે ઇલાહીને પ્રશ્ન કરવામાં આવે છે. આ શેરમાંનો ‘વો’ શબ્દ વ્યાકરણની પરિભાષામાં ત્રીજા પુરુષને દર્શાવે છે અને આમ માશૂક અને ઇલાહી સિવાયની ત્રીજી વ્યક્તિ ‘વો’ છે, જેને માશૂકા જ ગણવી રહી.
અહીં અગાઉ જણાવાયું છે કે શેરના બીજા મિસરામાં ઈશ્વરને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેમ ન સમજતાં અન્ય ભાવાર્થે એમ પણ સમજી શકાય કે ‘યા ઇલાહી’ ઉદ્ગાર માત્ર પણ હોઈ શકે અને માત્ર અલ્લાહનું સ્મરણ કરીને માશૂક તો માત્ર પોતાની વ્યથા જ ઠાલવે કે પોતે બિન્દાસ્ત છે અને માશૂકા હતોત્સાહ હોવા પાછળની હકીકત તેમને સમજાતી નથી. જો કે શેર તો પોતાની પ્રવાહિતાને અવરોધ્યા વગર માશૂકારૂપી ઈશ્વર તરફી જ વહે છે, અર્થાત્ અહીં કોઈ વિષયાંતર થતું નથી. વળી અહીં દુન્યવી માશૂકા તરફથી મળતા દર્દની રાવ (ફરિયાદ) પારલૌકિક માશૂકા એવા ઈશ્વરને કરવામાં આવી રહી હોવાનું પણ સ્પષ્ટ જણાઈ આવે છે.
* * *
મૈં ભી મુઁહ મે જ઼બાન રખતા હૂઁ
કાશ પૂછો કિ મુદ્દા ક્યા હૈ (૩)
(કાશ= ઇચ્છવાયોગ્ય ઉદ્બોધન – કાશ, આમ થયું હોત તો!; મુદ્દા= ઉદ્દેશ્ય, હેતુ)
અર્થઘટન અને રસદર્શન :
ગ઼ઝલનો આ ત્રીજો શેર માશૂકના દિલનો હાલ દર્શાવે છે. તે વિચારે છે કે માશૂકા તરફથી તેની ઉપેક્ષા થઈ રહી છે. ઉપેક્ષા એ અર્થમાં કે માશૂકા હકીકત શું છે તેવું સીધું તેને પૂછવાના બદલે તે અંગેની પૂછપરછ અન્યોને કરે છે. બહેતર તો એ જ હતું કે તેણે તેને સીધું પૂછી લેવું જોઈતું હતું, કેમ કે તે પોતાના મોંઢામાં જીભ ધરાવે છે અને તેને જવાબ આપી શકવા માટે સમર્થ છે. માશૂકા માશૂકના પ્રેમ અંગેની પોતાની કોઈ શંકા-કુશંકાની જે કંઈ માન્યતા ધરાવતી હોય તે પૂછપરછથી સ્પષ્ટ થઈ શકે તેમ હતી. માશૂક પોતે દૃઢ વિશ્વાસ ધરાવે છે કે તેના માશૂકા પરત્વેના ઇશ્ક વિષે તેણે જે કંઈ સાંભળ્યું હોય અને કોઈ ગેરસમજ થઈ હોય તો તેનો સંતોષકારક ખુલાસો તેની પાસેથી મળી રહેત. અહીં ઈશ્વરને સંબોધીને માશૂક તેની (ઈશ્વરની) આગળ પોતાનો પક્ષ રજૂ કરતાં કહે છે કે માશૂકાએ ખરી હકીકત જાણવા માટે તેને નજર અંદાઝ કરવો જોઈતો ન હતો. શેરના પહેલા મિસરામાંના ‘મૈં ભી મુઁહ મે જ઼બાન રખતા હૂઁ’ શબ્દો દ્વારા માશૂકનો હળવો આક્રોશ વ્યક્ત થાય છે.
પ્રેમીયુગલોમાં ઉભયની કોઈ ગેરસમજો, કોઈ નોકઝોક, રીસણાં-મનામણાં થતાં રહેવાનાં અને આવી હરકતોનો ગ઼ાલિબ પ્રખર અભ્યાસુ હોવાની આપણને પ્રતીતિ થાય છે. જો કે ગ઼ાલિબનો આ કલ્પનાવિહાર માત્ર જ છે. જન્મગત સાહિત્યકારોને આ ઈશ્વરીય દેન મળેલી હોય છે કે તેઓ કોઈ સંવેગનો સ્વયં આત્મઅનુભવ કર્યા વગર પણ પરલક્ષી સાહિત્ય રચી શકે છે. ગ઼ાલિબની ગ઼ઝલોની માશૂકા વાસ્તવિક કોઈ પાત્ર નથી, કે જેના મોહપાશમાં પોતે જકડાયા હોય અને આવી બધી સ્વાનુભવ જેવી શાયરીઓ કહી સંભળાવતા હોય.
ગ઼ાલિબનું જીવન જાણનારને ખબર છે કે તેઓ ગૃહસ્થી હતા અને તેઓ એવો કોઈ લગ્નેતર સંબંધ પણ ધરાવતા ન હતા. જો કે સામાન્ય માનવીની જેમ તેમનામાં પણ કેટલીક જુગાર અને શરાબપાન જેવી લતો વિદ્યમાન તો હતી જ, પરંતુ તેમના ચારિત્ર્યસ્ખલનની કોઈ નક્કર હકીકત જાણવા મળતી નથી. તેમનાં શરીકે હયાત (યાને ધર્મપત્ની) સાથેનો એક પ્રસંગ જાણવા મળે છે. પોતે ધૂનમાં અને ધૂનમાં પગમાં પગરખાં સમેત ઘરમાં દાખલ થઈ જાય છે. તેમનાં પત્ની પરહેઝગાર અને નેક ઓરત છે. શૌહરની આ ગુસ્તાખી બદલની નારાજગી સામે ગ઼ાલિબે એમ કહ્યું હોવાનું મનાય છે કે, ‘બેગમ, મને ખબર ન હતી કે તમે આપણા ઘરને મસ્જિદ બનાવી દીધું છે!’ આવો મધુર સંવાદ જે યુગલ વચ્ચે થતો હોય, ત્યાં પેલી અપ્રિય વાતને અવકાશ જ રહેતો નથી કે તેમનું દાંપત્યજીવન ત્રિશંકુની સ્થિતિમાં વ્યતીત થઈ રહ્યું હોય!
* * *
–મિર્ઝા ગ઼ાલિબ
(ક્રમશ: ભાગ – ૨)
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
[…] ક્રમશ: (7) […]