RSS

(591) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૧ (આંશિક ભાગ – ૩ સંપૂર્ણ) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

15 Sep

દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર ૮ થી ૧૧)

હમકો ઉનસે વફ઼ા કી હૈ ઉમ્મીદ
જો નહીં જાનતે વફ઼ા ક્યા હૈ (૮)

(વફ઼ા= પ્રેમની વફાદારી)

પ્રણયમાં પરસ્પરની વફાદારી અપેક્ષિત હોય છે. આ શેરના ઉલા મિસરામાં માશૂકની અપેક્ષા છે કે માશૂકા તેમના પ્રત્યેની વફાદારી સંપૂર્ણપણે નિભાવે. પરંતુ સાની મિસરામાં માશૂકની નિરાશા પ્રગટ થઈ છે. તેનું માનવું છે કે માશૂકાને એ ખ્યાલ પણ નથી કે વફાદારી શું છે! આમ જેને વફાદારીની ખબરસુદ્ધાં નથી તેની પાસે વફાદારીની ઉમ્મીદ રાખવી વ્યર્થ છે. ગ઼ાલિબની ગ઼ઝલોમાં આપણને માશૂક-માશૂકાના સંબંધોમાં ભાવવૈવિધ્ય જાણવા મળે છે. હર્ષ, વ્યથા, ઉપેક્ષા, વિસાલ (મિલન), વિપ્રલંભતા (વિયોગ), ફરિયાદ, પરિતૃપ્તિ, આરજૂ, નોકઝોક, સહનશીલતા, શંકા-કુશંકા આદિ સંવેગો જે તે ગ઼ઝલના શેરના પ્રાણ સમાન બની રહે છે. આ શેરમાં શંકા-કુશંકા અર્થાત્ અવિશ્વાસનો ભાવ ગુંથાયો છે. પ્રેમીયુગલો તો અહર્નિશ એમ જ ઇચ્છતાં હોય છે કે બેઉની વચ્ચે ત્રીજું કોઈ ન આવે અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે. આમ છતાંય એવાં પ્રેમી યુગલો કંઈ દૈવી હોતાં નથી, આખરે તો તેઓ માનવી જ છે અને માનવસહજ ગુણદોષ ધરાવતાં હોય છે. આ શેરમાં માશૂકા ઉપર બેવફાઈનું દોષારોપણ લાગુ પાડવામાં આવ્યું છે, જે વાસ્તવિક દેખાતું તો નથી જ; પરંતુ માશૂકના મનનો એવો કોઈક વહેમ હોવાનું જણાઈ આવે છે. પ્રેમસંબંધે જોડાતાં પાત્રો પ્રારંભિક તબક્કે તો માત્ર લાગણીશીલતાના પ્રવાહમાં ખેંચાતાં હોય છે. સમય જતાં જ્યારે તેમનો પ્રેમ પરિપક્વ થતો હોય છે, ત્યારે તેમનામાં એકબીજા પરત્વેની વફાદારી અને પ્રેમ દૃઢિભૂત થતાં હોય છે.

* * *

હાઁ ભલા કર તેરા ભલા હોગા
ઔર દરવેશ કી સદા ક્યા હૈ (૯)

(દરવેશ= ફકીર, મહાત્મા; સદા= પોકાર )

આ શેર અગાઉના આઠમા શેરનું સૂક્ષ્મ અનુસંધાન સાધે છે. માશૂકા બેવફાઈના બદલે વફાદારી અપનાવે તો એ ભલાઈનું જ કામ છે અને એ ભલાઈનો બદલો તેને માશૂક તરફથી ભલાઈ રૂપે જ મળશે. આ સમજાવવા માટે ગ઼ાલિબ દરવેશ (ફકીર)નું ઉદાહરણ આપતાં સમજાવે છે કે તે ખૈરાત માગતાં લોકો સમક્ષ એમ પોકાર કરતો હોય છે કે ‘ભલું કરો તો તમારું પણ ભલું થશે.’ અર્થાત્ તમારી ભલાઈનો બદલો અલ્લાહ તરફથી ભલાઈ રૂપે જ મળશે. અહીં માશૂક પોતાની માશૂકાને ખાત્રી આપે છે કે તેની વફાદારી રૂપી ભલાઈનો બદલો તેના પોતાના (માશૂકના) તરફથી બસ એવો જ મળી રહેશે. આ શેરમાં ગ઼ાલિબનું ચાતુર્ય જણાઈ આવે છે એ રીતે કે તે દરવેશની સદા (પોકાર)ના માધ્યમે માશૂકાને ભલાઈની પ્રતીતિ કરાવે છે અને તેની ફલશ્રુતિ પણ સમજાવે છે. સરળ લાગતા આ શેરમાં આપણને ગહરાઈની અનુભૂતિ થયા વગર રહેતી નથી.

* * *

જાન તુમ પર નિસાર કરતા હૂઁ
મૈં નહીં જાનતા દુઆ ક્યા હૈ (૧૦)

(નિસાર= ન્યોછાવર)

આ શેરમાં માશૂકની માશૂકા પરત્વેની પ્રેમની પરાકાષ્ઠા જાણવા મળે છે. માશૂકાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે માશૂક વહાલામાં વહાલો ગણાતો પોતાનો જાન (જીવ) પણ ન્યોછાવર કરવા તૈયાર છે. શેરના સાની મિસરામાં માશૂકના જેવા અન્ય પ્રેમીઓની તેમની માશૂકા પ્રત્યેની દુઆઓ (પ્રાર્થનાઓ) ઉલ્લેખાઈ છે. અહીં માશૂક કહેવા માગે છે કે તેમની દુઆઓના શબ્દો કયા હશે તેની મને જાણ નથી. સંભવ છે કે તેઓ પોતાની માશૂકાને પામવા માટે અલ્લાહ આગળ દુઆઓ દ્વારા કાકલૂદી કરતા હોય. તેઓ માત્ર માશૂકાનો પ્રેમ જ મેળવવા માગતા હોય, પણ તેમની માગણી સામે કોઈ બલિદાન આપવાની તેમની કોઈ તૈયારી ન પણ હોય! પરંતુ પોતે તો માશૂકાને પામવા માટે પોતાના જાનની બાજી લગાવવા માટે પણ તૈયાર છે. આમ માશૂકની આત્મબલિદાન માટેની તત્પરતા પેલાઓની દુઆઓ કરતાં પણ ચડિયાતી સાબિત થાય છે. ઇશ્કે હકીકી સંદર્ભે આ શેરમાંની માશૂકાને ઈશ્વર ગણી લઈએ તો તેને પ્રાપ્ત કરવા માટે ભક્તની પ્રાણ તજી દેવા માટેની પણ તૈયારી હોવી જોઈએ. એક બોધાત્મક પદમાં કહેવાયું પણ છે કે ‘જીવ હો દેતાં, રબકુ જો પાવે; તો સ્હેલા મન જાણો, જી સુણ ભાઈ.’ આમાં ગૂઢાર્થ એ સમાયેલો છે કે ઈશ્વર આગળ જિંદગીની કોઈ વિસાત નથી. વળી જિંદગી સમર્પી દેતાં પણ જો રબ (ઈશ્વર)ને પ્રાપ્ત કરી શકાય તો માની લેવું કે એ સ્હેલાઈથી (સસ્તામાં) મળી ગયો.

* * *

મૈંને માના કિ કુછ નહીં ગ઼ાલિબ
મુફ઼્ત હાથ આયે તો બુરા ક્યા હૈ (૧૧)

(—)

આપણી ગ઼ઝલના આખરી આ મક્તા શેર (જેમાં ગ઼ઝલકારનું નામ વણી લેવામાં આવતું હોય છે)માં ભારોભાર રમૂજ પ્રયોજાઈ છે. ઉલા મિસરામાં માશૂક અલ્પોક્તિ દ્વારા જણાવે છે કે પોતે તો સાવ તુચ્છ કહેતાં નાચીજ (પામર) બંદો છે અને વળી નકામો પણ છે. આમ છતાંય ગમે તેવો તોય જો પોતે સાવ મફતમાં પણ માશૂકાને મળી રહેતો હોય તો એમાં ખોટું પણ શું છે! માશૂકા માટે એમ કરવું એ કંઈ ખોટનો સોદો નથી. માશૂકાથી ખરીદાઈ જવાના સામે પોતે કોઈ અવેજ મેળવવા માગતા નથી અને આમ પોતે જીવનભર તેણીના ગુલામ થવા તૈયાર છે.

આ શેરને પણ આધ્યાત્મિક અર્થમાં સમજીએ તો માનવીએ માશૂકારૂપી ઈશ્વરના ગુલામ થઈને જીવવું જોઈએ. મુસ્લીમો અને હિંદુભાઈઓમાં અનુક્રમે ‘અબ્દુલ્લાહ’ અને ‘ભગવાનદાસ’ નામો ધરાવાતાં હોય છે. ‘અબ્દુલ્લાહ’ શબ્દનો અર્થ છે, અલ્લાહનો અબ્દ (બંદો, ગુલામ, સેવક); જ્યારે ‘ભગવાનદાસ’ શબ્દના પણ એવા જ અર્થો થાય છે. પરંતુ આવાં માત્ર નામો ધારણ કરવાથી શું વળે? ધર્મગ્રંથોમાંની દેવવાણી કે કલામે રબ્બાનીમાંની આજ્ઞાઓને ગુલામની જેમ અનુસરવાથી ઐહિક અને પારલૌકિક આપણું કલ્યાણ થઈ શકે.

નોંધ:-

આખીય ગ઼ઝલના અગિયાર શેરોનું વર્ગીકરણ આમ થશે; ઈશ્વરને સંબોધન (૧ થી ૪ શેર), માનવીને સંબોધન (૫ થી ૭ શેર) અને માશૂકાને અનુલક્ષીને (૮ થી ૧૧ શેર).

મિર્ઝા ગ઼ાલિબ                                                                             (સંપૂર્ણ)

(ગ઼ઝલ ક્રમાંક – ૧૬૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
(૬) Courtesy –  urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 

Tags: ,

One response to “(591) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૧ (આંશિક ભાગ – ૩ સંપૂર્ણ) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

  1. Shree

    February 4, 2020 at 4:07 am

    બહુ સરસ…

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: