RSS

(593) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૩ (આંશિક ભાગ – ૨) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

12 Nov

નુક્તાચીં હૈ ગ઼મદિલ (શેર થી )

 

 

 

ગ઼ૈર ફિરતા હૈ લિએ યૂઁ તિરે ખ઼ત કો કિ અગર
કોઈ પૂછે કિ યે ક્યા હૈ તો છુપાએ ન બને (૪)

ગ઼ાલિબ પોતાની ઘણી ગ઼ઝલોમાં નામાબર (કાસદ)ને ઉલ્લેખે છે. માશૂકાને પત્રો પહોંચાડવાનું કામ બજાવતા આ કાસદ ઉપર માશૂકને ઘણીવાર શંકા થતી હોય છે કે રખેને એ કાસદ જ પોતાની માશૂકાનો વધુ કરીબી થઈને ખલનાયક તો નહિ બની જાય, આડખીલીરૂપ તો નહિ બની જાય! અહીં આ શેરમાં પણ ગ઼ાલિબ એવી જ વાત લાવે છે; પરંતુ અહીં કાસદ નહિ, પણ માશૂકનો હરીફ છે. માશૂકાના પોતાના ઉપરના પત્રને ગડી વાળીને લઈ ફરતો એ હરીફ બિનભરોંસાપાત્ર છે. તેમના પ્રણયની ગુપ્તતા એ નહિ જ જાળવે. કોઈક એને પૂછે કે તેના હાથમાં શું છે તો તે રહસ્ય ખુલ્લું કરી જ દેશે અને આમ જમાનાને માશૂકના ઇશ્કની જાણ થઈ જશે. એ તો સર્વવિદિત છે જ કે જમાનો હંમેશાં પ્રેમીયુગલોનો દુશ્મન જ રહ્યો છે. માશૂકનો હરીફ માશૂકને ઊઘાડો પાડી દઈને તેને બદનામ કરી દીધા પછી હળવેથી તે માશૂકાનો નિકટતમ પ્રેમી થઈ જશે. આ શેરમાં માનવસ્વભાવની શંકાશીલતાને ઉજાગર કરવામાં આવી છે. આપણને યાદ રહે કે ગ઼ાલિબની વાસ્તવિક કોઈ માશૂકા છે  જ નહિ. તેમની  ગ઼ઝલોમાં તેમની કલ્પનાની માશૂકા એક વિષય માત્ર જ બને છે. આમેય આપણે જાણીએ જ છીએ કે ગ઼ઝલકારની  ગ઼ઝલોમાં શરાબ અને સુંદરી હોય જ  અને તેથી જ તો શાયરીમાં રંગત આવતી હોય છે, અન્યથા એ સર્જન નીરસ જ બની રહે.

* * *

ઉસ નજ઼ાકત કા બુરા હો વો ભલે હૈં તો ક્યા
હાથ આવેં તો ઉન્હેં હાથ લગાએ ન બને (૫)

(નજાકત= કોમળતા); આતિશ = આગ]

આ શેરમાં શાયર માશૂકા પરત્વે હળવો આક્રોશ વ્યક્ત કરે છે. તે માશૂકાને સંબોધતાં કહે છે કે ભલેને તારામાં ગમે તેવી નજાકત (કોમળતા) હોય, પણ એ કશાય કામની નથી; અને તેથી હું સખ્ત શબ્દોમાં તારી નજાકતની આલોચના કરું છું. એવી નજાકત તો શા કામની કે જે પાસે હોય અને તેને સ્પર્શી ન શકાય. આમ માશૂકાની નજાકત આસમાનના સિતારાઓ જેવી છે; જે સુંદરતમ તો છે, પણ તેમને હાથમાં લઈ શકાતા નથી. આ શેરના બીજા મિસરામાં ‘હાથ’ શબ્દની પુનરાવૃત્તિ, પણ ભિન્ન અર્થોમાં, મનનીય બની રહે છે. ‘હાથ આવવું’નો મતલબ છે, ‘પ્રાપ્ત થવું’ અને ‘હાથ લગાવવો’નો મતલબ છે, ‘સ્પર્શ થવો’. આ શેર આપણને ગ્રીક દંતકથાના શાપિત રાજા ટેન્ટેલસની યાદ અપાવે છે કે જેના મોંઢા સુધી ફળ અને પાણી હોવા છતાં તે તેમને આરોગી કે પી શક્તો નથી.

* * *

કહ સકે કૌન કિ યે જલ્વાગરી કિસ કી હૈ
પર્દા છોડ઼ા હૈ વો ઉસ ને કિ ઉઠાએ ન બને (૬)

(જલ્વાગરી = તેજ (પ્રભા)ની જાદુગરી)

અહીં માશૂકાના હુશ્નને બિરદાવવામાં આવ્યું છે. પર્દાની પાછળ છુપાયેલા હુશ્નના તેજની જાદુગરી કોની છે એ જાણવું કે સમજવું કોઈપણ બુદ્ધિમાન માણસની બૌદ્ધિક શક્તિ બહારનું છે. માશૂકાએ પોતાના હુશ્નને છુપાવવા માટે પોતના ચહેરા ઉપર પર્દો એવી રીતે નાખ્યો છે કે તેને ઉઠાવવામાં આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી. ચહેરા ઉપર પર્દા કે નકાબનું હોવું એ સ્વરૂપવાન બાનુ માટે તહજીબ (શિષ્ટાચાર)નો એક ભાગ ગણાય છે. મર્દમાત્ર માટે એ સાહજિક આરજૂ હોય છે કે ઢંકાયેલા સૌંદર્ય તરફ વિશેષ આકર્ષણ કે લગાવ હોવો. અહીં શાયરની ઝંખના તો એ જ છે કે માશૂકાના સૌંદર્યનું અનાવરણ થાય અને તે એ સૌંદર્યને જોવા પામે, પણ સાથે સાથે તેને એ વાતનો યકિન પણ છે કે એ પર્દો નહિ જ ઊઠે. આ શેરને ઇશ્કે હકીકી સંદર્ભે લઈએ તો સમજાય છે કે અનુપમ સૌંદર્ય ઠેર ઠેર વેરાયેલું પડ્યું છે એવા બ્રહ્માંડનો સર્જનહાર ઈશ્વર પણ પર્દા પાછળ છુપાયેલો જ હોય છે કે જેને આપણે આપણાં ચર્મચક્ષુઓ વડે હરગિજ નિહાળી ન શકીએ, સિવાય કે આપણે આપણાં અંત:ચક્ષુ દ્વારા તેની અનુભૂતિ કરીએ.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ                                                                                                                                                                                                (ક્રમશ:)

(ગ઼ઝલ ક્રમાંક – ૧૯૨)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org (અંગ્રેજી વર્ઝન)

* * *

English Version :

My rival roams, your message tucked so by his side
If someone were to ask what’s this, he’s unable to hide (4)

Her daintiness નજાકત be damned, tho’ noble, she may be as much
E’en when I manage to get hold, I’m unable to touch (5)

Who can fathom who it is behind the veil concealed
Its been dropped in such a way it cannot be unveiled (6)

– Courtesy : https://rekhta.org

 

 

Tags: , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: