હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૧ થી ૨)
પ્રસ્તાવના :
જગમશહૂર ગ઼ાલિબની અનેક ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ સંપૂર્ણત: શ્રેષ્ઠ તો છે જ, પણ તેના મત્લા (પહેલા) શેરના કારણે તે વધુ લોકપ્રિય બની છે. એ શેર વિષે આપણે આગળ વધુ ચર્ચા કરીશું, પણ અહીં હું એ કહેવા માગું છું કે ગ઼ઝલમાં મત્લા શેરનું શું મહત્ત્વ છે. સર્વ પ્રથમ તો આ શેરની રચના વખતે જ ગ઼ઝલનો વિષય, બહર (છંદ), રદીફ અને કાફિયા મુકર્રર થઈ જાય છે અને તેને જ બાકીના શેર અનુસરતા હોય છે. આ મત્લા શેરના પહેલા ઉલા મિસરાથી ગ઼ઝલ ઓળખાતી હોય છે, અર્થાત્ તે જ શીર્ષક બની જાય છે. મત્લા શેરથી ગ઼ઝલનો ઉપાડ થાય છે; વળી તેટલું જ નહિ, પણ તેનાથી આખી ગ઼ઝલ કેવી નીવડશે તેનો સંકેત પણ મળે છે. ગુજરાતીમાં કહેવત છે કે પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં જણાઈ આવે તેવું જ આ મત્લા શેરમાં હોય છે.
મત્લાના બંને મિસરામાં રદીફ આવશ્યક ગણાય છે, જ્યારે બાકીના શેરમાં બીજા સાની મિસરામાં જ રદીફ હોય છે. જો કે કોઈક ગ઼ઝલકાર એકાધિક મત્લા પણ પ્રયોજતા હોય છે. પહેલો જ મત્લા શેર ભાવકના દિલમાં ગ઼ઝલ પ્રત્યેનું આકર્ષણ જગાડે છે. ‘કુછ ના થા તો ખુદા થા’ અને આ ગ઼ઝલના ‘હર એક બાત પે કહતે હો તુમ’ જેવા ગ઼ાલિબના અનેક મત્લા શેર ગ઼ઝલપ્રેમીઓને કંઠસ્થ હોય છે. ઘણા ફિલ્મરસિયાઓને ફિલ્મોનાં આખાં ગીતો નહિ, પણ માત્ર ગીતનાં મુખડાં જ યાદ રહેતાં હોય છે, તેવું જ અહીં સમજવું.
* * *
હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ
તુમ હી કહો કિ યે અંદાજ઼-એ-ગુફ઼્તગૂ ક્યા હૈ (૧)
[અંદાજ઼-એ-ગુફ઼્તગૂ= વાતચીત કરવા માટેનો તરીકો (રીત)]
ગ઼ાલિબના આ મત્લા શેરનો વાચ્યાર્થ તો સાવ સંક્ષિપ્તમાં આમ થશે : “વાતે વાતે તમે તો અમને એમ જ પૂછો છો કે ‘તું શું છે?’ હવે તમે જ કહો કે તમારી વાતચીત કરવાની આ તે કેવી રીત છે?” પરંતુ આમ માત્ર વાચ્યાર્થ જાણી લેવાથી શેરના હાર્દને પામવાની ઇતિશ્રી આવી જતી નથી. શેરના પ્રત્યેક શબ્દને જે રીતે તે વંચાય છે તે રીતે ન લેતાં તેમાંના ઇંગિત અર્થને પામવો પડે. ‘હર એક બાત’ને ભલે આપણે ‘દરેક વાતે’ એમ પ્રથમ તબક્કે સ્વીકારી લઈએ,પણ તેના સમભાવી અર્થો ‘દરેક પ્રસંગે’, ‘દરેક ઉચ્ચારણ વખતે’ કે ‘દરેક વાદવિવાદ વખતે’ ને અવગણી શકીએ નહિ. વળી આપણે ‘તુમ’ અને ‘તુ’ સંબોધનાત્મક સર્વનામોના મર્મને પણ જાણવો પડશે, તો વળી બીજા મિસરામાંના ‘ગુફ઼્તગૂ’ શબ્દને પણ આપણે વિશ્લેષણાત્મક રીતે સાક્ષાત્ કરવો પડશે.
ચાલો તો આપણે આ શેરના રસદર્શનની સફરે ઉપડીએ. શાયર અર્થાત્ માશૂક સામા પક્ષે માશૂકાને સન્માનીય રીતે ‘તમે’થી સંબોધે છે, જ્યારે માશૂકા તો તોછડાઈ પૂર્વક ‘તુ ક્યા હૈ’ એમ પૂછે છે. સૌ પહેલાં આપણે ‘ગુફ઼્તગૂ’ના અર્થને પામીએ તો તે માત્ર ‘સીધી વાત’ના અર્થમાં નથી; પરંતુ ‘મસલત’, વાતચીત’ કે ‘ચર્ચા’ના સંદર્ભે છે. આ શેર ગ઼ઝલના શિરમોર સમાન હોઈ તેની વિશદ ચર્ચા કરતાં મારાથી અતિવિસ્તારના દોષમાં સપડાવાનું પણ બને અને તેથી આપ વાચકોની અગાઉથી જ ક્ષમાપ્રાર્થના કરી લઉં છું.
આ શેરને આંટીઘૂંટી વગર સાવ સીધી લીટીએ સમજીએ તો માશૂકાને સંબોધીને નમ્ર ફરિયાદ રૂપે તે કહેવાયો છે કે ‘તું શું છે, એટલે કે તારી વિસાત કે ઓખાત શું છે’ એવી તોછડાઈથી પ્રશ્ન પૂછીને મને જે ઉતારી પાડવામાં આવી રહ્યો છે તેવો તમારી વાતચીત કરવાનો અંદાઝ (ઢબ કે રીત) એ શું વ્યાજબી છે!’ અહીં માશૂકાના અહંકારી મેણાટોણાના પ્રત્યુત્તરરૂપે માશૂક વિનમ્રપણે મીઠો ઠપકો આપતાં કહે છે કે ‘તમારો ગુફ્તગૂનો અંદાઝ દુરસ્ત (યોગ્ય) નથી.’
ગ઼ઝલના આ મત્લા શેરને ઘણા સમીક્ષકો ‘ઇશ્કે મિજાજી’ તરીકે સ્વીકારી લઈને ઉપરોક્ત અર્થઘટને અટકી જાય છે, પણ આને આધ્યાત્મિકતાના દૃષ્ટિબિંદુએ સમજીએ તો તે ‘ઇશ્કે હકીકી’ બની જાય છે. આધ્યાત્મિક ચિંતને મશગૂલ (તલ્લીન) એવા સાધક અને ઈશ્વર વચ્ચે મૂક ગુફ્તગૂ થતી રહેતી હોય છે. આવા દરેક પ્રસંગે સામાપક્ષે માશૂકા અર્થાત્ ઈશ્વરનો માશૂક (સાધક)ને એક જ પ્રશ્ન પુછાતો રહેતો હોય છે કે તેણે કદીય વિચાર્યું છે ખરું કે તે પોતે કોણ છે? ઈશ્વરને જાણવા કે ઓળખવા પહેલાં સાધકે પોતાની જાતને ઓળખી લેવી જરૂરી બની જાય છે. હજરત ઈમામ અલી ઈબ્ને અબુતાલીબ (અ.સ.)એ પણ એ જ ફરમાવ્યું છે કે, ‘જેણે પોતાના આત્માને ઓળખ્યો, તેણે અલ્લાહ (ઈશ્વર)ને ઓળખ્યો.’
આમ ઈશ્કે મિજાજીરૂપે બીજો મિસરો જે માશૂકાને અપાતા મીઠા ઠપકા કે ફરિયાદના સૂરમાં સમજાય છે તે અહીં ઇશ્કે હકીકીમાં માશૂકના વિનમ્ર એવા સ્વીકાર તરીકે દેખાય છે કે ‘હે ઈશ્વર, આપણી વચ્ચેની આધ્યાત્મિક ગુફ્તગૂ (ચર્ચા)માંનો તારો મારી જાતને ઓળખવા વિષેનો પ્રશ્ન મારી સમજની બહાર છે, જેને હવે તું જ સમજાવ.’ આમ સાધક હથિયાર હેઠાં નાખીને ઈશ્વરના શરણે જઈને ‘હું કોણ?’નો જવાબ તેની પાસેથી જ મેળવવા માગે છે. વિવિધ ધર્મોએ અને તત્ત્વજ્ઞાનીઓએ તેમની રીતે માનવીને તેની ‘સ્વઓળખ’ સમજાવી છે.
અહીં આપણે આ ફિલસુફીની વિશદ ચર્ચાને સ્થગિત કરીને આગળ વધીએ તે પહેલાં થોડીક સ્પષ્ટતા કરી લઈએ કે આપણે આધ્યાત્મિક કક્ષાએ લઈ જઈને આ શેરને ઇશ્કે હકીકી તરીકે નાણી જોયો. આખી ગ઼ઝલના બધા જ શેર બંને પ્રકારના ઇશ્કને સમજાવતા હોય તેવું હંમેશાં બનતું નથી હોતુ. ઘણી ગ઼ઝલોના અમુક શેર જ બંને રીતે સમજી શકાતા હોય છે. અહીં આપણને યાદ રહે કે ગ઼ઝલના બધા જ શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એકમ તરીકે જ હોય છે. શેર-શેર વચ્ચે ભાવસાતત્ય હોઈ શકે, પણ તેની અર્થચ્છાયાઓ ભિન્નભિન્ન પણ હોઈ શકે. ટૂંકમાં આ ગ઼ઝલના આગામી શેર દ્વિઅર્થી જળવાઈ ન રહેતાં માત્ર ઇશ્કે મિજાજી પ્રકારના પણ હોઈ શકે.
* * *
ના શોલે મેં યે કરિશ્મા ના બર્ક મેં યે અદા
કોઈ બતાઓ કિ વો શોખ-એ-તુંડ-ખૂ ક્યા હૈ (૨)
[શોલે= અગનજ્વાલા; કરિશ્મા= જાદુ, ચમત્કાર; બર્ક= વીજળી; તુંડ= તીક્ષ્ણ, ધારદાર; ખૂ= વર્તણૂક; શોખ-એ-તુંડ-ખૂ= પાકી શરારતી]
દિલને બહેલાવી દેતો શૃંગારરસપ્રધાન આ શેર માશૂકાના દબદબાને શાનદાર રીતે રજૂ કરે છે. અહીં માશૂકાની અદાની સરખામણી અગનજ્વાલા અને વીજળી સાથે કરવામાં આવે છે અને તે પણ વ્યતિરેક અલંકારમાં કે જ્યાં ઉપમેયને ઉપમાનથી ચઢિયાતું બતાવવામાં આવે છે. ‘શોલે’ એટલે કે અગનજ્વાલામાં એટલો બધો જાદુ કે ચમત્કાર દેખાતો નથી, વળી વીજળીમાં પણ એવી કોઈ નખરાંબાજીની અદા વર્તાતી નથી. પરંતુ માશૂકાનો ધારદાર મિજાજ અને તેની મસ્તીખોર અદા પેલાં બેઉ ઉપમાનોને ઝાંખાં પાડે છે. સાની મિસરામાંના ‘ક્યા હૈ’ રદીફને ઉચિત ન્યાય આપવાના હેતુસર ગ઼ાલિબ ત્રાહિતોને એટલે કે ‘કોઈ’ને પૂછે છે કે ‘વો’ એટલે કે ‘માશૂકા’ એ શું છે કે જેના જાદુઈ વ્યક્તિત્વમાં અગનગોળા કરતાં પણ વધારે તાપમાન છે અને તેની તેના શરારતીપણામાં વીજળી કરતાં પણ વધારે ચપળતા છે. આમ બીજા મિસરામાં ‘કોઈ’ને સંબોધીને ભલે પ્રશ્ન પુછાયો હોય પણ તેમાંથી એ જ વિધાન ફલિત થાય છે કે માશૂકાનું સૌંદર્ય અને તેની નખરાંબાજી પેલા ‘શોલે’ અને ‘બર્ક’ને તો મહાત (પરાજિત) કરે જ છે.
* * *
– મિર્ઝા ગ઼ાલિબ (ક્રમશ: ૨)
(ગ઼ઝલ ક્રમાંક – 179)
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
* * *