RSS

Monthly Archives: December 2020

(610) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૭ થી ૧૦)

 

 

 

વો ચીજ઼ જિસ કે લિએ હમ કો હો બિહિશ્ત અજ઼ીજ઼
સિવાએ બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ ક્યા હૈ (૭)

[બિહિશ્ત= સ્વર્ગ, જન્નત; અજ઼ીજ઼= પ્રિય, પ્યારું; બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ= ગુલાબી રંગનો કસ્તુરીની સુગંધવાળો શરાબ]

આ શેરના સાની મિસરામાંનો ‘સિવાએ’ અર્થાત્ ‘સિવાય’ શબ્દ એવો છે, જે આ શેરને બે ઇંગિત અર્થોએ  દ્વિઅર્થી બનાવે છે. પહેલા ઇંગિત અર્થ પ્રમાણે શાયર કહે છે કે એ ચીજ કે જે મેળવવા માટે અમને જન્નત અત્યંત પ્યારી છે અને તે ચીજ સામે ગુલાબી રંગના કસ્તુરીની સુગંધવાળા શરાબની કોઈ વિસાત નથી. ઇસ્લામ મજહબમાં શરાબને હરામ ઠરાવેલ છે. હવે જે પરહેજગાર બંદાઓ આ દુનિયામાં શરાબથી દૂર રહે છે, તેમના માટે જન્નતમાંના હવ્ઝ-એ-કૌસરનો વાયદો કરવામાં આવ્યો છે. ‘કૌસર’ નામનું એવું નિર્દોષ પીણું કે જેના હોજ ભરેલા હશે અને તેના પીવામાં શરાબ કરતાં પણ વધારે લિજ્જત હશે. તેના સેવનથી ભાન ભુલાશે નહિ અને છતાંય અનેરો આનંદ લૂંટી શકાશે. આમ અહીં ‘વો ચીજ’ જેને અધ્યાહાર રાખવામાં આવી છે, તેને હું મારા મતે પહેલા ઇંગિત અર્થમાં પીણાના બદલે પીણું એમ ‘કૌસર’ને સમજું છું, કેમ કે દુન્યવી શરાબ કરતાં પણ ચઢિયાતી વસ્તુ જન્નતનું ‘કૌસર’ જ હોઈ શકે.

હવે દ્વિતીય ઇંગિત અર્થ મુજબ પીણાના સામે પીણાના બદલે અન્ય કોઈ ચીજ અર્થાત્ બાબતને જો લેવી હોય તો સ્ત્રીસુખને લઈ શકાય. જે પાક બંદાઓ આ દુનિયામાં વ્યભિચારથી દૂર રહ્યા છે, તેમના માટે ‘હૂર’ એટલે કે સ્વરૂપવાન સ્ત્રી, અપ્સરા કે પરીનો જોડા તરીકે પ્રાપ્ત થવાનો વાયદો કરવામાં આવ્યો છે. ‘હૂર’  શબ્દની તફસીર (સમજૂતી) મુજબ આ લોકની પોતાની પત્નીઓ જ સ્વરૂપવાન સ્ત્રીઓ સ્વરૂપે જન્નતમાં જીવનસાથી બની રહેશે. આમ શાયર જન્નત પ્રિય હોવાના કારણ રૂપે સંભવિત આ બે બાબતો પૈકી કોઈ એક એટલે કે ‘કૌસર’ અથવા ‘હૂર’ને ‘વો ચીજ’ તરીકે પ્રસ્થાપિત કરે છે. આમ આ  ચીજ (કૌસર/હૂર)ના કારણે શાયરેને જન્નતમાં જવા માટેની ઉત્કંઠા છે અને જન્નતના એ અનેરા સુખને દુન્યવી શરાબ કરતાં ચઢિયાતું જણાવ્યું છે.

હવે આ શેરને ઇંગિત અર્થોના બદલે જો સીધા અર્થમાં સમજીએ તો શાયર માર્મિક રીતે એમ કહે છે કે અહીંની શરાબની મહેફિલમાં જે લુત્ફ (આનંદ) મળે છે તેવો આનંદ જો જન્નતમાં ન જ મળવાનો હોય તો શા માટે આપણે જન્નતની તમન્ના રાખવી જોઈએ. હવે જો આપણે આ અર્થમાં આ શેરને લેવા માગતા હોઈએ તો પેલા દુન્યવી શરાબને સ્થૂળ અર્થમાં ન સમજતાં તેને આધ્યાત્મિક અર્થમાં ઈશ્વરની યાદ કે તેના જિક્ર (રટણ)ના શરાબ અર્થાત્ નશાના અર્થમાં સમજવો પડે અને આમ આ શેર ઇશ્કે મિજાજી (દુન્યવી પ્રેમ)ના બદલે ઇશ્કે હકીકી (ઈશ્વરીય પ્રેમ) બની જાય છે. સુફીવાદ પ્રમાણે ઈશ્વર માશૂકા રૂપે પ્રાપ્ત થતો હોય તો સાધક માટે જન્નત ગૌણ બની જાય છે. ઈશ્વરની ભક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે જ હોવી જોઈએ, તેની ખુશનૂદી માટે હોવી જોઈએ; નહિ કે જન્નતની પ્રાપ્તિ માટે કે જહન્નમની આગથી બચવા માટે. એથી જ તો કહેવાય છે કે એવા સાચા ભક્તો કે બંદાઓના મતે જન્નતને આગ ચાંપી દેવામાં આવે કે જહન્નમને ઠારી દેવામાં આવે તો પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. છેવટે તો જન્નત કે જહન્નમ એ તો ઈશ્વરની મખલૂક (સર્જન)માં જ આવે, જ્યારે ઈશ્વર તો ખાલિક (સર્જનહાર) છે. સર્જનહાર આગળ તેનાં સર્જનો ગૌણ બની જાય છે. આમ ઈશ્વરનું નૈકટ્ય એ જ પરમ લક્ષ હોવું જોઈએ અને તેથી જ ગુજરાતી કવિ દયારામે પણ ગાયું છે કે ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ  જાવું’.

* * *

પિયૂઁ શરાબ અગર ખ઼ુમ ભી દેખ લૂઁ દો-ચાર
યે શીશા-ઓ-ક઼દહ-ઓ-કૂજ઼ા-ઓ-સુબૂ ક્યા હૈ (૮)

[ખ઼ુમ= લાકડાનું દારૂ સંઘરવાનું બેરલ;  શીશા= શરાબની બાટલી કે સુરાહી; ક઼દહ= કટોરો, વાડકો; કૂજ઼ા= સાંકડા મોંવાળું માટેનું પાત્ર; सुबू= શરાબનો ઘડો]

ગ઼ઝલનો આ શેર આપણને મરક મરક સ્મિત કરાવે તેઓ રમૂજી છે. શેરના અર્થઘટન ઉપર આવવા પહેલાં પૂર્વભૂમિકા રૂપે આપણે મયખાના સાથે સંકળાયેલાં પાત્રો વિષેની જાણકારી મેળવી લઈએ. મયખાના (દારૂનું પીઠું)માં શરાબને સંઘરવા કે પાવા-પીવા માટેનાં નાનાંથી મોટાં પાત્રો હોય છે. સૌથી મોટામાં મોટું પાત્ર લાકડાનું બેરલ હોય છે કે જેમાં વિપુલ પ્રમાણમાં શરાબને સંઘરવામાં આવતો હોય છે. ત્યાર પછીનાં મોટાથી નાનાં પાત્રો જેવાં કે ઘડો, કૂજો, કટોરો, સુરાહી વગેરે સાકી (શરાબ પાનાર) કે શરાબપાન કરનારના ઉપયોગનાં પાત્રો હોય છે. આ બધાંયમાં ઓછા કે વધુ પમાણમાં શરાબ હોય છે અને શરાબની મહેફિલમાં આ બધાં પાત્રો વડે શરાબીઓને સાકી કે ખાદિમ દ્વારા શરાબ આપવામાં આવતો હોય છે.

હવે આપણે શેરના અર્થઘટન ઉપર આવીએ. અહીં શાયર અર્થાત્ શરાબી કહે છે કે હું શરાબ પીવા પહેલાં બેચાર શરાબનાં બેરલને ચકાસી લઉં કે તેમાં પૂરતી માત્રામાં શરાબ ભરેલો છે કે નહિ! આમ કરવા માટેનું પ્રયોજન એ કે શરાબી પોતે પિયક્કડ (વધારે પ્રમાણમાં દારૂ પીનારો દારૂડિયો) છે અને એવું ન બને કે પીવામાં બરાબરની મજા આવી રહી હોય અને બેરલમાં દારૂ ખૂટી પડે. અત્રે એ સમજી લેવું જરૂરી છે કે શાયર એક માત્ર શરાબી નથી, પૂરી મહેફિલ જામેલી છે અને આમ ઝાઝા શરાબી હોઈ બેરલમાંનો શરાબ ખૂટી પણ  પડે! વળી ‘બેચાર’ બેરલ ચકાસી લેવાં એટલે કે જુદાજુદા પ્રકારના શરાબનાં બેરલ હોવાના કારણે એકથી વધારે ચકાસવાં પડે. અહીં સાની મિસરામાં ‘ક્યા હૈ’ રદીફને બખૂબી નિભાવવામાં આવ્યો છે. બેરલમાંના શરાબના જથ્થાને તપાસી લીધા પછી અને તેમાં પૂરતા પ્રમાણમાં હોવાનું માલૂમ પડ્યા પછી નાનાંનાનાં પાત્રોમાં શરાબ છે કે નહિ અથવા તેમાં કેટલા પ્રમાણમાં શરાબ છે તે ચકાસવાનો કોઈ મતલબ રહેતો નથી. ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, તદનુસાર બેરલમાં હશે તો અન્ય પાત્રો અને છેલ્લે પીનારની પ્યાલી સુધી તો એ શરાબ આવવાનો જ છે.

ઉર્દૂ શાયરીમાં શરાબની હાજરી હોય જ અને જો તેને ઉઠાવી લેવામાં આવે તો શાયરીમાં કશું જ બાકી રહે નહિ. આ શેર શરાબીઓની એ વર્તણૂકને ઉજાગર કરે છે કે તેઓ ગમે તેટલા પ્રમાણમાં તેનું પાન કરે તો પણ તેઓ અતૃપ્ત જ રહે!

* * *

રહી ન તાક઼ત-એ-ગુફ઼્તાર ઔર અગર હો ભી
તો કિસ ઉમીદ પે કહિએ કિ આરજ઼ૂ ક્યા હૈ (૯)

[તાક઼ત-એ-ગુફ઼્તાર= વાત કરવાની શક્તિ; આરજ઼ૂ= મનોકામના, ઇચ્છા]

દુ:ખના અસહ્ય બોજ હેઠળ દબાયેલા, માનસિક રીતે ભાંગી પડેલા અને સાવ ઉદાસીન થઈ ગયેલા માશૂક પોતાની હાર સ્વીકારતાં કબૂલ કરે છે કે તેઓ માશૂકા સાથે કોઈપણ વાતચીત કરવા માટેની શક્તિ ગુમાવી બેઠા છે. વળી પાછા હૈયાધારણ દર્શાવતાં કહે છે કે માની લો કે દિલ ખોલીને વાત કરવાની તાકાત પાછી મેળવી લીધી છે, તો પણ કઈ આશાએ માશૂકાને એમ કહેવું કે તેમના દિલની મનોકામના શું છે, આખરે પોતે શું ઇચ્છે છે? બીજા સાની મિસરામાં માશૂકની નાઉમેદી જે વર્તાય છે તે માટેની એવી કલ્પના કરવી રહે કે અત્યાર સુધી દૂર ભાગતી રહેલી એ માશૂકા હાલ સન્મુખ તો છે, પણ તે જડ પૂતળા જેવી સ્થિતપ્રજ્ઞ અને એકદમ અક્કડ સ્થિતિમાં! માશૂકાના ચહેરા ઉપર પોતાના પરત્વેનો કોઈ મહોબ્બતનો ભાવ દેખા દેતો ન હોઈ માશૂક ખામોશી ધારણ કરવાનું મુનાસિબ સમજે છે અને તેની આરજૂ વિષેની પૃચ્છા કરવાનું માંડી વાળે છે. આમ શેર ઉલ્લાસમય ન રહેતાં સાવ વિષાદમય બની રહે છે અને આમાં જ ગ઼ઝલમાંના ભાવના ચઢાવઉતારની ખૂબી સમાયેલી છે.

* * *

હુઆ હૈ શહ કા મુસાહિબ ફિરે હૈ ઇતરાતા
વગર્ના શહર મેં ‘ગ઼ાલિબ’ કી આબરૂ ક્યા હૈ (૧૦)

[શહ= બાદશાહ; મુસાહિબ=દરબારીજન]

ફરી એકવાર ગ઼ાલિબના ઉમદા મક્તા શેર પૈકીનો વધુ એક શેર આપણને અહીં મળે છે. આ શેર જ્યારે તત્કાલીન બાદશાહની મહેફિલમાં તેમના મુરબ્બીવટ હેઠળ રજૂ કરવામાં આવ્યો હશે, ત્યારે તેને કેટલી બધી દાદ (પ્રશંસા) મળી હશે તેની તો આપણે માત્ર કલ્પના જ કરવી રહે છે. કેવું ભવ્ય અભિવાદન એ બાદશાહનું કે જેના દરબારીજન માત્ર હોવાથી પોતાને આટલાં બધાં માનસન્માન મળી રહ્યાં છે તેવો ગ઼ાલિબ એકરાર કરે છે. આથી જ તો ગ઼ાલિબ શાહ સાથે બેસવા-ઊઠવાના નિકટતમ સંબંધોના કારણે જ ગર્વ અનુભવે છે અને છાતી કાઢીને ચાલી શકે છે.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબ નિખાલસભાવે સ્વીકારે છે બાદશાહની મહેફિલમાંની પોતાની હાજરી હોવાના કારણે જ તેઓ ખ્યાતનામ થયા છે, વર્ના તેમની શહેરમાં શી આબરૂ કે હૈસિયત છે! અહીં ચકોર પાઠકને   ગ઼ાલિબના આ વિધાન પાછળ રહેલો છૂપો કટાક્ષ અને હળવો આક્રોશ સમજાયા વગર રહેશે નહિ. ગ઼ાલિબ તેમના સમયના ઉમદા શાયર છે અને તેમની શાયરીને શાહ સાથેના સાન્નિધ્યના આલંબન વગર પણ પ્રશંસા મળવી જોઈતી હતી તેવી તેમની ખેવના અહીં ડોકાય છે. આમ આ બીજા મિસરાનું વિધાન એક રીતે તો વક્રોક્તિમાં રજૂ થયેલું જણાઈ આવે છે.

આમ છતાંય ગ઼ાલિબ સ્વીકારે છે કે આબરૂદાર ગણાવાના દુનિયાના માપદંડોમાં પોતે ઊણા ઊતરે છે. તેમની નિર્ધનતા, શરાબ અને જુગારની લત આદિ તેમના વ્યક્તિત્વનાં ઉધાર પાસાં છે, જે તેમના માટે આબરૂદાર ગણાવામાં બાધક નીવડે છે. આ સમીક્ષક નમ્રપણે  માને છે કે નિર્ધનતાને અવગણતાં બાકીની બે કુટેવો ગ઼ાલિબના મુસ્લિમ હોવાના નાતે અલબત્ત ખરાબ તો છે જ, કેમ કે ઇસ્લામમાં આ બંને આદતોને હરામ ઠરાવવામાં આવેલ છે; પરંતુ આ આદતો જાતને જરૂર નુકસાન પહોંચાડનારી છે, પણ તેનાથી અન્યોને કોઈ હાનિ પહોંચતી નથી. ચોરી, હત્યા, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દંગાફસાદ આદિ ગુનાહિત પ્રવૃત્તિઓની અસર સામેની વ્યક્તિ કે વ્યક્તિસમૂહો ઉપર થતી હોય છે અને તેથી ગ઼ાલિબની ત્રુટિઓ સ્વનુકસાનકારક જ હોઈ તેમને  અંશત: ક્ષમ્ય ગણી-ગણાવી શકાય.

આ અંતિમ મક્તા શેર સાથે ગ઼ાલિબની ગ઼ઝલ અહીં પૂરી થાય છે. આખી ગ઼ઝલમાંના પ્રત્યેક શેરમાંનો રદીફ ‘ક્યા હૈ’ અર્થસભર બની રહેવા ઉપરાંત તેમાં જે તે કથન સાથેનો તેનો અનુબંધ (Co-relation) પણ જળવાઈ રહે છે. ચાલો ત્યારે આપણે આ  ગ઼ઝલના મત્લા શેર – હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ, તુમ હી કહો કિ યે અંદાજ઼-એ-ગુફ઼્તગૂ ક્યા હૈ – ને ગણગણતાં અને તેને માણતાં માણતાં આપણે છૂટા પડીએ. (સંપૂર્ણ)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – 179)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , , , ,