RSS

(614) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૪૦ (આંશિક ભાગ – ૧) બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

30 Apr

બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (શેર ૧ થી ૨)

બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે
હોતા હૈ શબ-ઓ-રોજ઼ તમાશા મિરે આગે (૧)

[બાજ઼ીચા-એ-અતફ઼ાલ = બાળકોનું રમવાનું મેદાન; શબ-ઓ-રોજ઼= રાતદિવસ; તમાશા= ખેલ]

ગ઼ાલિબની સરળ, પ્રવાહી અને સહજ શૈલીમાં લખાયેલી કેટલીક ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ છે, જેનો પહેલો જ આ મક્તા શેર માનવમનના બદલાતા જતા મિજાજો પૈકીના કયા મિજાજમાં લખાયો હશે તે નિશ્ચિતપણે કળવું કઠિન હોવા છતાં મહદ અંશે એમ લાગે છે કે અહીં ગ઼ાલિબનો બેફિકરાઈ કે અલ્લડપણાનો મિજાજ પરખાય છે. સામાન્ય રીતે માનવમાત્રને અને ખાસ કરીને પ્રેમીઓને દુનિયા પરત્વે ઘણી શિકાયતો રહેતી હોય છે અને તેથી દુનિયા પરત્વે તેમનામાં નફરત ભારોભાર ભરેલી હોય છે. પરંતુ અહીં ગ઼ાલિબ તો દુનિયાને એવી તો તુચ્છ સમજે છે કે તેની સાથે પનારો પાડવો તેને ખૂબ જ આસાન લાગે છે અને તેથી જ તો પહેલા મિસરામાં બિન્દાસપણે તે કહે છે કે મારા માટે આ દુનિયા તો બાળકોના રમતના મેદાન જેવી છે.  બાળકોને કોઈ ફિકરચિંતા હોતી નથી અને તેથી તેઓ તેમનાં ભેરુડાંઓ સાથે મોકળા મને જેમ રમતાં હોય છે, તેમ હું પણ દુનિયા સાથે રમી લઉં છું.

બીજા મિસરામાં દુનિયા પરત્વેની પોતાની બેફિકરાઈને વળી ગ઼ાલિબ અન્ય એક ઉદાહરણ દ્વારા એ રીતે ઉજાગર કરે છે, જાણે કે આ દુનિયા એક સરકસ છે અને રાતદિવસ તેની સામે અવનવા તમાશા (ખેલ) થતા રહે છે જેમને તેઓ મન ભરીને માણી લેતા હોય છે. અહીં શબ-ઓ-રોજ઼  (રાતદિવસ) એ સામાસિક શબ્દ છે અને તેનો અભિપ્રેત અર્થ ‘હર સમયે’ એમ જ લેવો પડે, તેમ છતાંય ગ઼ાલિબની શબ્દરમત રમવાની ખાસિયતને પકડતાં ‘રાતદિવસ’ને જ તમાશા (ખેલ) તરીકે ગણી શકીએ. આમ અહીં એવું અર્થઘટન થઈ શકે કે મારા આગળ રાત અને દિવસના તમાશા થતા જ રહે છે, જેમને હું તટસ્થભાવે જોયા કરું છું અને તેમનાથી હું જરાય વિચલિત થતો નથી. રાતને દુ:ખ અને દિવસને સુખ એવાં રૂપકો તરીકે તેમને સમજીએ તો ગ઼ાલિબ એમ કહેવા માગે છે કે જીવનમાં સુખ અને દુ:ખ એ તો માત્ર એક ખેલ સમાન છે અને તેથી તેમને દુનિયા પરત્વે કોઈ ગિલા-શિકવા છે જ નહિ.

ગ઼ઝલના આ શેર પછી હવે આવનારા બીજા ત્રણ શેરમાં પણ આપણને શાયરનો આ જ મિજાજ અનુભવવા મળશે કે તેઓ દુનિયાને દુ:ખદાયક સમજતા નથી, પણ તેઓ તો તેને એક મેળા (Carnival) સમાન જ ગણે છે કે જ્યાં મદ્યપાન અને રંગબેરંગી જયાફતોનો આનંદ જ માણવાનો છે.

* * *


ઇક ખેલ હૈ ઔરંગ-એ-સુલૈમાઁ મિરે નજ઼દીક
ઇક બાત હૈ એજાજ઼-એ-મસીહા મિરે આગે (૨)

[ઔરંગ-એ-સુલૈમાઁ= સુલયમાનનું તખ્ત (સિંહાસન); એજાજ઼-એ-મસીહા= મસીહાના ચમત્કાર]

શાયરો ઘણીવાર તેમના શેરમાં તલ્મીહ (આડકતરા ઉલ્લેખયુક્ત) શબ્દો પ્રયોજતા હોય છે, જે કોઈ ઐતિહાસિક કે પૌરાણિક ઘટનાઓને અનુલક્ષીને હોય છે. હવે જો એ ઘટના કે તેના પાત્ર વિષે આપણે સાવ અજ્ઞાત હોઈએ તો આપણા માટે એ શેરને સમજવો મુશ્કેલ થઈ પડે. આમ જ્યારે શેર સમજાય જ નહિ તો આપણે તેનો લુત્ફ (આનંદ) માણી શકીએ નહિ.      

આ શેરને સમજવા માટે આપણે સુલેમાન અને મસીહા જેવા તેમાંના તલ્મીહ શબ્દો અર્થાત્ નામો વિષેની સંક્ષિપ્ત હકીકત સમજી લઈએ. સુલેમાન (Solomon) એ હિબ્રૂ બાઈબલ, ઓલ્ડ ટેસ્ટમેન્ટ, કુરાને શરીફ અને હદીસોમાં ઉલ્લેખાતા યુનાઈટેડ કિંગડમ ઓફ ઈઝરાયેલના બાદશાહનું નામ છે. તેઓ ડેવિડના ઉત્તરાધિકારી હતા, જેમને મુસ્લિમો હજરત દાઉદ પયગંબર નામે અને સોલોમનને હજરત સુલયમાન પયગંબર તરીકે ઓળખે છે. સુલયમાનનું તખ્ત ભવ્ય અને મોટા કદનું  હતું, જે સુવર્ણનું બનેલું હોવા ઉપરાંત અદ્ભુત કલાકારીગરી અને મનહર કોતરણીકામ ધરાવતું હતું. વળી સુલયમાન એ તખ્ત ઉપર બેસીને ઉડ્ડયન કરીને ઇચ્છિત જગ્યાએ જઈ શકતા હતા. આ બધી નયામતો અલ્લાહ દ્વારા તેમને અપાઈ હતી અને તે બદલ તેઓ તેનો શુક્રિયા અદા કરતા હતા. બીજા મિસરામાંનું મસીહા નામ તો સુપરિચિત છે, જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસા મસીહ (Jesus Christ) માટે છે કે જેમને એ સંક્ષિપ્ત સંબોધને અહીં સંબોધવામાં આવ્યા છે. આ ઈસા મસીહને પણ મુસ્લિમો હજરત ઈસા પયગંબર તરીકે ઓળખે છે. મસીહા એવી દૈવી શક્તિ ધરાવતા હતા કે તેઓ સ્પર્શમાત્રથી લોકોનાં રક્તપિત્ત અને  કોઢને મટાડવા ઉપરાંત અંધત્વને નાબૂદ કરી શકતા હતા અને મૃત્યુ પામેલાને સજીવન પણ કરતા હતા. આ શેરમાં તેમના આ ચમત્કારો (Miracles)નો ઉલ્લેખ થયો છે.

હવે આપણે શેરના અર્થઘટન ઉપર આવીએ તો પ્રથમ મિસરામાં શાયર કહે છે કે સુલેમાનનું તખ્ત એ તો મારી નજરે એક ખેલ સમાન છે અને તેને હું કોઈ મહત્ત્વ આપતો નથી. અહીં ‘ખેલ’ શબ્દપ્રયોગથી ગ઼ાલિબ એમ સમજાવવા માગે છે કે સુલેમાન જાણે કે એ તખ્ત ઉપર બેસીને કોઈ નાટકીય ખેલ જ ખેલતા હતા અને વળી એ તખ્ત વિશેષ બીજું કંઈ નહિ, જાણે કે તે પણ રંગભૂમિ કે નાટ્યપ્રયોગ માટેનું એક ઉપકરણ (Stage Prop)  માત્ર જ હતું! આમ સુલેમાનનું એ તખ્ત અને તખ્તનશીન સુલેમાન મને પ્રભાવિત કરી શકે તેમ નથી. બંને મિસરાઓમાં ગ઼ાલિબનાં આવાં ઉદ્દંડ વિધાનો આપણા મનમાં કદાચ એવી ગેરસમજ જન્માવે કે આ તો અભિમાન કહેવાય અને પયંગબરોની શાનને ઝાંખી પાડવાનો તે અક્ષમ્ય અપરાધ કહેવાય. પરંતુ એવું નથી કેમ કે અભિમાન અને ગર્વ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. પહેલા શેરના વિવરણના આરંભે મેં જણાવી દીધું છે કે અહીં ગ઼ાલિબનો બેફિકરાઈ કે અલ્લડપણાનો મિજાજ પરખાય છે.

બીજા મિસરા ઉપર આવીએ તો પહેલા મિસરાની જેમ અહીં પણ શાયર મસીહાના એ ચમત્કારોને ‘ઇક બાત’ અર્થાત્ તેમને ‘એક કહાની’ માત્ર તરીકે જ સમજે છે. અહીં પણ ઈસા મસીહના ચમત્કારો વિષે ગ઼ાલિબના મનમાંનો એ ભાવ સમજી શકાય છે કે ઈસા મસીહને માત્ર ચમત્કારોથી જ ઈશ્વરના પયગંબર સમજવા એ તો સામાન્ય કક્ષાના માનવીઓને લાગુ પડતી વાત છે, જ્યારે પોતે તો વગર ચમત્કારોએ પણ તેમને ઈસા મસીહ તરીકે માનવાની શ્રદ્ધા ધરાવે છે.

આ શેરને આપણે સંપૂર્ણતયા સમજી તો લીધો જ છે અને તેના ન્યાયી નિષ્કર્ષ ઉપર આપણે આવી પણ ગયા છીએ, એટલે વિશેષ પિષ્ટપેષણને હવે કોઈ સ્થાન રહેતું નથી. છતાંય એક આડવાત તરીકે આ શેરના પહેલા મિસરામાંના ‘મિરે નજ઼દીક’ શબ્દને મહત્ત્વ આપીને કોઈક તફસીરકારે કપોલકલ્પિત એવી અવધારણા દર્શાવી છે કે ગ઼ાલિબ એ છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના દરબારમાં તેમના તખ્તની નજદીક બેઠેલા હોવા જોઈએ અને તેમની ખુશામત કરતા આ મિસરાનો કલામ તેમણે રજૂ કર્યો હોવો જોઈએ. પરંતુ આ કલ્પનાનો છેદ એ રીતે ઊડી જાય છે કે અહીં બંને શાયરો (ઝફર પણ શાયર જ હતા ને!) મુસ્લીમ હોવાના કારણે હજરત સુલેમાન અને હજરત ઈસાને પોતાના ઈમાનના ભાગરૂપ પયગંબરો તરીકે માનતા જ હોય ત્યારે તેમની શાનમાં શાયર કદીય ગુસ્તાખી કરી શકે નહિ અને આમ તેમની નજદીકના ઝફરના તખ્તને હજરત સુલેમાનના તખ્તથી ચઢિયાતું બતાવે પણ નહિ.   

* * *

મિર્ઝા ગ઼ાલિબ                                                                           (ક્રમશ: ભાગ-૨)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 209)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

 

Tags: , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: