RSS

(617) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૩ (આંશિક ભાગ – ૪) બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે(ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

31 Jul

બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (શેર ૯ થી ૧૧)

ઈમાઁ મુઝે રોકે હૈ જો ખીંચે હૈ મુઝે કુફ઼્ર
કાબા મિરે પીછે હૈ કલીસા મિરે આગે (૯)

[ઈમાઁ= ઈમાન, આસ્થા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા; કુફ઼્ર= અજ્ઞાનતા, અનેકેશ્વરવાદની માન્યતા; કાબા= મુસ્લિમોનું મક્કાનું ધર્મસ્થાન; કલીસા= ખ્રિસ્તીઓનું ચર્ચ, (અહીં) પાશ્ચાત્ય સંસ્કૃતિના અર્થમાં]

અર્થઘટન અને રસદર્શન : 

આ શેરનો પ્રત્યક્ષ અનુવાદ તો કંઈક આવો થાય કે ‘મારી ધર્મનિષ્ઠા મને આગળ વધતાં રોકી રાખે છે અને અજ્ઞાનતા મને આગળ ખેંચ્યે જાય છે. કાબા મારી પાછળ રહી જાય છે અને ચર્ચ આગળ રહે છે.’ પરંતુ આ તો માત્ર વાચ્યાર્થ થયો ગણાય. આ શેર પાછળનો વ્યંજનાર્થ તો વાચ્યાર્થથી ઘણો આગળ છે, જેને જાવિદ અખ્તરે આમ દર્શાવ્યો છે: “‘હું મારા ઈમાનથી ભટકી ગયો છું. કલીસાનો મતલબ ચર્ચ એટલે કે વેસ્ટર્ન કલ્ચર, જે મને પોતાની તરફ ખેંચી રહ્યું છે; અને કાબા મારી પાછળ છે, જે મારી જડો (મૂળ) છે અને તે પાછળ રહી ગઈ છે. આમ હું વચ્ચે જ અસમંજસમાં અટવાઈ ગયો છું.’ આજે આપણી સ્થિતિ પણ આવી જ છે, જે આપણે ગ઼ાલિબના આ શેરમાં મહસૂસ કરી શકીએ છીએ.”

કાબા અને કલીસા શબ્દો પ્રતીકાત્મક છે જે અનુક્રમે ધાર્મિક સદાચરણ અને દુન્યવી પ્રલોભનને સમજાવે છે. સામાન્ય રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ ભોગવાદમાં માને છે, જ્યારે પૌર્વાત્ય સંસ્કૃતિ આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપે છે. આજનો માનવી આ બંને સંસ્કૃતિઓ વચ્ચે ફંગોળાય છે અને તે એવો અવઢવમાં જીવે છે કે તે નક્કી જ કરી શકતો નથી કે આદર્શ જીવન કોને સમજવું. ગ઼ાલિબ  ભારતમાંના અંગ્રેજ શાસનના સાક્ષી હતા. અંગ્રેજોની રહેણીકરણી મોટાં શહેરોને પ્રભાવિત કરી રહી હતી અને ગ઼ાલિબનો વસવાટ મોટાભાગે દિલ્હીમાં અને અલ્પાંશે કલકત્તામાં રહ્યો હતો. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિનો ભારતીય સંસ્કૃતિ સાથેના ટકરાવનો એ પ્રારંભિક તબક્કો હોવા છતાં ગ઼ાલિબ આ શેરમાં પોતાની આર્ષદૃષ્ટિએ આપણા વર્તમાનને જુએ છે.

આ શેરને વ્યક્તિગત ધોરણે અને ચારિત્ર્ય ઘડતરને અનુલક્ષીને સમજીએ તો માનવી સાત્વિક જીવનરાહ અપનાવવા માગે તો ખરો; પણ દુન્યવી પ્રલોભનો તેના માટે અવરોધક બનતાં હોય છે. આમ આ શેરમાં ગ઼ાલિબનું તત્ત્વજ્ઞાનીય વ્યક્તિત્વ પ્રગટે છે.

* * *

આશિક઼ હૂઁ પ(ર) માશૂક઼-ફ઼રેબી હૈ મિરા કામ
મજનૂઁ કો બુરા કહતી હૈ લૈલા મિરે આગે (૧૦)

[આશિક઼= પ્રેમી; માશૂક઼-ફ઼રેબી= માશૂકની કાનભંભેરણી}

અર્થઘટન અને રસદર્શન :

આ શેરનો પ્રથમદર્શી સીધો અનુવાદ મારા મતે માશૂકને અર્થાત્ શાયરને અન્યાય કરી બેસશે, તેમ છતાંય આપણે તેનો સીધો અનુવાદ પ્રથમ જાણી લઈએ. ત્યારબાદ આગળ જતાં આપણે એ અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરી લઈશું. 

અહીં માશૂક કહે છે કે ‘હું મારી પ્રિયતમાનો આશિક તો છું, છતાંય અન્ય પ્રેમીયુગલો પૈકીની ખાસ તો માશૂકાઓને ફરેબ આપવાનું એટલે કે તેમની કાનભંભેરણી કરવાનું અધમ કામ પણ હું કરું છું. આગળ બડાઈ હાંકતાં કહે છે કે મારી આ હરકતથી લૈલા જેવી લૈલા પણ મારી આગળ મજનૂને ખરાબ ચીતરે છે.’  

આ સીધા અનુવાદથી પ્રથમ તો આપણને હસવું આવે અને પછી ખેદ પણ થાય કે શાયર ગ઼ાલિબ અર્થાત્ ગ઼ઝલનાયક આવી સાવ હલકી અને નીચી પાયરીએ ઊતરી શકે ખરો? ના, હરગિજ નહિ; કેમ કે આપણો શાયર તો ખાનદાન છે અને પ્રેમીયુગલોમાં વિખવાદ જગાવવાનું ખલનાયકનું કામ તો તે કરે જ નહિ. શાયરના મારા આ બચાવનામા સામેની દલીલ એ છે કે આવું હિચકારું કૃત્ય કરનારા અન્ય જ હોય,પણ આમ કહેવાની એક લઢણ મુજબ શાયર પોતાની જાત ઉપર એ બાબત લઈને આપણને શેર સંભળાવે છે. આ ગ઼ઝલનો રદીફ ‘મિરે આગે’ છે અને તેથી તમામ શેરનાં કથન પહેલી નજરે શાયર અર્થાત્ માશૂકને જ લાગુ પડતાં દેખાવા છતાં સમગ્રતયા એમ જ માનવું પડશે કે એ સઘળું ત્રાહિતને અનુલક્ષીને કહેવાયું છે.  આ શેરમાંનો માશૂક સાચો આશિક છે અને અન્ય આશિકોને પોતાના જેવા જ સમજે તે સ્વાભાવિક છે. આમ પ્રેમભંગ થવાથી પોતાને જેવું દુ:ખ થાય તેવું અન્યોને પણ થઈ શકે તેવું માનનાર ‘માશૂક઼-ફ઼રેબી’નું કામ ન જ કરે.

તો પછી ખલનાયકીને અંજામ આપનારા એવા પણ નિમ્નસ્તરીય આશિકો હોઈ શકે જે એકતરફી પ્રેમના કારણે તેમની માશૂકાને પામવામાં નિષ્ફળ જતાં સાચાં પ્રેમીઓ પરત્વે તેમનો ઈર્ષાભાવ જાગે અને ‘પેટનો બળ્યો ગામ બાળે’ના ન્યાયે તેમના વચ્ચે દૂરી લાવવાનું દુરાચારણ આદરી બેસે. આવા હતાશાનો ભોગ બનેલા આશિકો અન્ય નિર્દોષોને સંતાપ આપીને પોતે ઉપલકિયો આત્મસંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ શેરનો ખલનાયક એવી તો મોટી શેખી હાંકે છે કે તે લૈલાને પણ પોતાની તરફ આકર્ષી શકે છે અને તેના પ્રેમી મજનૂ વિષે પણ તેની પાસે એલફેલ બોલાવી શકે છે. આમ આ શેરમાં માનવ સ્વભાવના એક નકારાત્મક પાસાને ઉજાગર કરવામાં આવ્યું છે. ગ઼ાલિબ માનવ વર્તણૂકોના કેવા અભ્યાસુ છે તેનો એક વધુ સબળ પુરાવો આપણને આ શેરમાંથી મળે છે.

મારા અગાઉ અપાયેલા એ ખુલાસાને અહીં દોહરાવું છું કે ઉર્દૂ ભાષામાં માશૂક઼ શબ્દ પ્રિયતમ અને પ્રિયતમા  એમ બંનેને લાગુ પડતો હોય છે, પણ પૂર્વાપર સંબંધને અનુરૂપ માશૂક કે માશૂકા એમ સમજવાનું હોય છે. આપણા આ શેરના પ્રથમ મિસરામાં પ્રયોજાયેલા શબ્દઘટક ‘માશૂક઼-ફ઼રેબી’માંના ‘માશૂક’ને નારી જાતિમાં અર્થાત્ માશૂકાના અર્થમાં સમજવાનો છે, જેની પ્રતીતિ આપણને બીજા મિસરાથી થાય છે. પેલા ખલનાયકનું કામ માશૂકાને બહેકાવવાનું છે, નહિ કે માશૂકને. ખલનાયક ચાલાક છે અને તે સારી રીતે જાણે છે કે પુરુષ કરતાં સ્ત્રીને છેતરવી સહેલી છે અને તેથી જ તો તેની આપવડાઈ હેઠળ તે લૈલાને છેતરી હોવાનો દંભ કરે છે. જો કે લૈલા-મજનૂની પ્રેમકહાની તો ભૂતકાલીન છે અને છતાંય તેને વર્તમાનમાં લાવીને ખલનાયક તેની અતિશયોક્તિની પરાકાષ્ઠાનું પ્રદર્શન કરે છે.    

* * *

ખ઼ુશ હોતે હૈં પર વસ્લ મેં યૂઁ મર નહીં જાતે
આઈ શબ-એ-હિજ્રાઁ કી તમન્ના મિરે આગે (૧૧)

[વસ્લ= મિલન; શબ-એ-હિજ્રાઁ= જુદાઈની રાત; તમન્ના= ખ્વાહિશ]

આ શેરના પ્રથમ મિસરામાં માશૂકના મનોભાવનું ઉત્કૃષ્ટ સમતોલન (equilibrium) જોવા મળે છે. આપણને લાગે છે કે માશૂકે માશૂકા પરત્વેના ઈશ્ક સબબે કંઈક ગંભીરતા ધારણ કરી છે. તે કહે છે કે માશૂકાના મિલનટાણે તેમને ખુશી તો અવશ્ય થાય છે, પણ એ ખુશી ઉશ્કેરાટમાં તબદિલ થયા વગર સંયમિત રહે છે; અને તેથી જ તો તેઓ મિલનની ખુશીના અતિરેકમાં મરી જતા નથી, પણ જીવિત જ રહે છે. આમ માશૂકે જીવતા રહેવું જરૂરી છે, એટલા માટે કે આ મિલન તો હવે પછીના આનંદમય સહજીવન માટેનું પહેલું સોપાન છે. જો જીવન જ રહેવા ન પામે તો એ મિલન વ્યર્થ બની રહે. હવે આપણે એ સમજવાનું રહે છે કે માશૂકને માશૂકાના મિલનની ખુશી ઉપર નિયંત્રણ રાખવાનું અને તે થકી જીવિત રહેવાનું બળ ક્યાંથી મળ્યું, તો તેનો જવાબ આપણને બીજા મિસરામાંથી મળે છે.

માશૂક કહે છે કે માશૂકાના મિલનની ખુશીમાં મરી જતાં મને અટકાવનાર, મારી આગળ વહારે આવનાર જો કોઈ હોય તો તે છે મારી આગામી (ભવિષ્યની) જુદાઈની દુ:ખમય વેળાને પામવાની મારી ખ્વાહિશ. આ મિસરામાં ખૂબ નાજૂક ભાવ સમાયેલો છે, જેને ઉવેખતાં આપણને સમજાશે કે મૂલ્યવાન જિંદગીને આમ મિલનના આનંદમાં મરી જઈને વેડફવાની નથી, પણ જીવિત રહીને માણવાની છે. પછી તો એક સમય એવો આવવાનો જ છે કે જ્યારે માશૂકાથી છૂટા પડવાનું બનશે અને ત્યારે આ બચાવેલી જિંદગી તે ટાણે ન્યોછાવર કરી શકાશે અને મૃત્યુ સાર્થક બનશે. આમ માશૂકાથી જુદાઈની દુ:ખમય વેળા જોવાની ખ્વાહિશના કારણે જ મિલનવેળાનું  સંભવિત એ મૃત્યુ પાછળ હડસેલાઈ ગયું. અહીં ‘શબ-એ-હિજ્રાઁ’ માંના શબ્દ ‘શબ’ને  રાતના અર્થમાં નહિ, પણ ‘દુ:ખ’ના પ્રતીક તરીકે સમજવાનો છે. 

* * *

– મિર્ઝા ગ઼ાલિબ ( ગ઼ઝલકાર)                                                                            (ક્રમશ: ભાગ-૫)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 209)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 

Tags: , , , ,

2 responses to “(617) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૩ (આંશિક ભાગ – ૪) બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે(ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

  1. chaman

    July 31, 2021 at 2:32 pm

    સરસ. આ વિષય ગમ્યો.

    આ વાંચી એક હાઈકુ આજે લખાયું.

    આંસુમાં પાણી
    ભીંજાય એમાં વાણી
    વંચાય ક્યાંથી?

    ‘ચમન’/૭/૩૧/’૨૧

    Like

     
    • Valibhai Musa

      August 1, 2021 at 2:26 am

      લાખ ટકે કી બાત! અશ્રુપડળ વાંચનને અવરોધે જ તો! શુક્રિયા જનાબ.

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: