RSS

(629) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૫ (આંશિક ભાગ –૧)   યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

31 Jul

યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (શેર ૧ થી ૨)

યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં
કભી સબા કો કભી નામા-બર કો દેખતે હૈં (૧)

[હિજ્ર= જુદાઈ, વિરહ, વિયોગ; દીવાર-ઓ-દર= દિવાલ અને દ્વાર; સબા= વહેલી સવારની શીતળ હવા; નામા-બર= સંદેશાવાહક, કાસદ]

ઉર્દૂની પ્રણયશાયરીમાં ગ઼ાલિબનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે, તેનું એકમેવ કારણ એ છે કે તેમણે તેમના શેરમાં માત્ર માશૂકાની ખૂબસૂરતીની તારીફ જ બયાન નથી કરી; પરંતુ તેમણે માશૂકાના વિરહમાં માશૂકના માનસિક હાલહવાલને આપણાં કલ્પનાચક્ષુ સામે બખૂબી ચિત્રાત્મક રીતે રજૂ કર્યા છે કે જેથી પરોક્ષ રીતે શાબ્દિક વર્ણન વગર પણ એ માશૂકા આપણી નજર સામે સૌંદર્યવાન દેખાઈ આવે.

આ શેરમાં માશૂકની બેચેનીને એવી કલાત્મક રીતે રજૂ કરવામાં આવી છે કે આપણી નજર સામે માશૂકનું એવું શબ્દચિત્ર ખડું થાય છે કે જ્યાં તેઓ વિષાદમય માનસિક સ્થિતિએ પોતાના કમરામાં જાણે કે આંટાફેરા મારી રહ્યા હોય! પ્રથમ મિસરામાં માશૂક માશૂકાની દૂરીના વિરહમાં પોતાના નિવાસસ્થાનની દિવાલ અને દરવાજા સામે વારંવાર જોયા કરે છે. અહીં ‘જો’ નો પ્રયોગ સહેતુક છે, જે દ્વારા માશૂક એ ‘દીવાર-ઓ-દર’ને શા માટે દેખી રહ્યા છે તે આપણને જણાવવા માગે છે.

બીજા મિસરામાં ‘સબા’ એટલે કે ‘પરોઢની શીતળ હવા’ અને ‘નામા-બર’ એટલે કે ‘કાસદ’ એ બેઉને માશૂક વારાફરતી અને આભાસી રીતે જોવાની વાત કરે છે. અહીં પાઠક મૂંઝાશે કે કાસદને તો જોઈ શકાય, પણ અદૃશ્યમાન એવી શીતળ હવાને તો કઈ રીતે જોઈ શકાય! તો સુજ્ઞ વાચકોએ સમજી લેવું પડશે  કે આ કવિતા (Poetry) છે, શાયરી છે; જેમાં માત્ર શબ્દાર્થને ન પકડી રખાય, તેના ઇંગિત અર્થને પણ સમજવો પડે. હવે આપણે સમગ્રતયા આ શેરને સમજીએ. માશૂક કહે છે કે અમારું વારંવાર દિવાલ અને દરવાજાને જોઈ રહેવું અમારા માટે એ કારણે છે કે અમને ઇંતજાર છે, માશૂકાના પયગામને અમારા સુધી લાવનાર કાસદનો. જ્યારે અમારી નજર અમારા કમરાની દિવાલ ઉપરથી ઊંચકાઈને દરવાજા તરફ મંડાય છે, ત્યારે  ઘડીકવાર કાસદ આવી પહોંચ્યાનો અમને આભાસ થાય છે. વળી આભાસી એ કાસદ અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ખુલ્લા દરવાજામાંથી આવતી વહેલી પરોઢની મંદમંદ અને શીતળ હવા અમારા તનને સ્પર્શે છે. આમ આભાસી કાસદ અને વાસ્ત્વિક શીતળ હવા એ બંને જાણે અમારી નજર સામે સંતાકૂકડી રમતાં હોય તેવો અમને આભાસ થયા કરે છે. મારા નમ્ર મતે આ શેરમાં માશૂકની બેચેની અને રાહતને અનુક્રમે કાસદની બિનમોજુદગી અને શીતળ હવાની મોજુદગીનાં પ્રતીકો દ્વારા અભિવ્યક્ત કરવામાં આવ્યાં છે.

જો કે કોઈ મીમાંસકો કાસદ અને શીતળ હવા એમ બેઉને બિનમૌજદગીની સ્થિતિમાં સમજે છે અને એ બેઉનો માશૂક ઇંતજાર કરે છે. આપણે જો એ મતને સ્વીકાર્ય ગણવા માગતા હોઈએ તો તેઓ બંને કાસદ તરીકેની કામગીરી બજાવે છે એમ સ્વીકારવું પડે. હવે વાસ્તવમાં શીતળ હવા તો કાસદ બની શકે નહિ, તેમ છતાંય શાયરની કલ્પનાના સાક્ષી બનીએ તો તે  પણ સંભવ છે. સંસ્કૃત કવિ કાલિદાસના ‘મેઘદૂત’ની જેમ માશૂકા તરફથી આવતી શીતળ હવા પણ સંદેશાની વાહક બની શકે. આમ આ શેર ગ઼ાલિબીયન શૈલીનું યોગ્ય ઉદાહરણ બની રહે છે. ગ઼ાલિબની શાયરીની આ જ તો વિશેષતા છે કે પાઠક જે તે શેરને જે રીતે સમજવા માગે તે રીતે તેને સમજી શકે છે. 

* * *

વો આએ ઘર મેં હમારે ખ઼ુદા કી ક઼ુદરત હૈ
કભી હમ ઉન કો કભી અપને ઘર કો દેખતે હૈં (૨)

[ – ]

ગ઼ાલિબના કેટલાક શિષ્ટ (Classic) શેર પૈકીનો આ શેર છે. વળી તેમાંના બધાય શબ્દો સરળ હોઈ શેર સુગ્રાહ્ય પણ બની રહે છે.  ગ઼ાલિબના કેટલાક સુપ્રસિદ્ધ મક્તા શેરની હરોળમાં આવી શકે તેવો આ શેર હોવા છતાં આ શેર કે બાકીના ત્રણેય શેર પૈકી કોઈ પણ મક્તા શેર (Signature Sher)  નથી, કેમ કે એકેયમાં  ‘અસદ’ કે ‘ગ઼ાલિબ’  એવું નામ કે ઉપનામ (તખલ્લુસ) નથી. દીવાન-એ-ગ઼ાલિબમાં આવી કેટલીક ગ઼ઝલ મળી આવે છે.

હવે આપણે આ શેરને ઊંડાણથી સમજીએ તે પહેલાં જાણી લઈએ કે આ શેરની નોંધપાત્ર હકીકત એ છે કે અહીં માશૂકા સાથેનો ફ઼િરાક઼ (વિયોગ) નહિ, પણ વિસાલ (મિલન) છે. ગ઼ાલિબના માશૂકા સાથેના વિયોગને ઉજાગર કરતા અનેક શેર સામે જવલ્લે મળતા વિસાલને લગતા શેર પૈકીનો આ શેર માશૂકને તો આનંદિત કરે, પરંતુ ભાવક તરીકે આપણે પણ માશૂક સાથે જોડાઈને ખુશી અનુભવીએ છીએ. પ્રથમ મિસરામાં માશૂક કહે છે કે ‘વો’ એટલે કે ‘માશૂકા’ અણધારી રીતે પોતાના ઘરે આવી પહોંચે છે, તે ઘટનાને તેઓ ખુદાની મહેરબાની સમજે છે.

પરંતુ બીજા મિસરામાં માશૂક માશૂકાના આગમનથી ક્ષણિક આનંદ અનુભવ્યા પછી તરત જ મીઠી મૂંઝવણમાં મુકાઈ જાય છે. માશૂકની મૂંઝવણ બે બાબતોને લઈને છે; એક, માશૂકાનું માની ન શકાય તેવું અને જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવતી હતી તેવું તેનું ઓચિંતુ આગમન અને; બે પોતાના ઘરની બેહાલ સ્થિતિ. ઘરની બેહાલ સ્થિતિ અંગે પણ બે અનુમાન કરી શકાય; એક, ઘરનું અતિ સામાન્ય હોવું અને; બે ઘર અવ્યવસ્થિત અને વેરવિખેર હોવું, આમ આવી ઓચિંતી અણધારી પરિસ્થિતિ સર્જાતાં માશૂક એવા તો ડઘાઈ જાય છે કે કોઈક વાર માશૂકા તરફ તો કોઈક વાર તેમના પોતાના ઘર તરફ જોયા કરે છે. આમ આ બીજા મિસરાથી આપણી નજર સમક્ષ માશૂકનું આબેહૂબ શબ્દચિત્ર ખડું થાય છે. અહીં બીજી એક નોંધપાત્ર બાબત આપણા ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે પહેલા શેરના પ્રથમ મિસરામાંના  ‘દીવાર-ઓ-દર’ સાથે આ બીજા શેરના બીજા મિસરાના ઉત્તરાર્ધમાંના ‘ઘર’ શબ્દ સાથે પૂર્વાપાર સંબંધ જણાઈ આવે છે, એમ છતાંય કે બંને શેર સ્વતંત્ર અસ્તિત્વ તો જાળવી જ રાખે છે.         

 (ક્રમશ: ભાગ-૨)   

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –107)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: