RSS

(630) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૬ (આંશિક ભાગ –૨) યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

31 Aug

This image has an empty alt attribute; its file name is image.png

યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (શેર ૩ થી ૪)

નજ઼ર લગે ન કહીં ઉસ કે દસ્ત-ઓ-બાજ઼ૂ કો
યે લોગ ક્યૂઁ મિરે જ઼ખ઼્મ-એ-જિગર કો દેખતે હૈં (૩)

[દસ્ત-ઓ-બાજ઼ૂ= હાથ અને બાહુ; જ઼ખ઼્મ-એ-જિગર= જિગરનો ઘાવ]

આ શેરના અર્થઘટન તરફ આગળ વધતાં પહેલાં આપણે ‘નજર લાગવી’ રૂઢિપ્રયોગને સમજી લઈએ કે જેથી શેરને સમજવામાં સહુલિયત રહે. સામાન્ય રીતે અંધશ્રદ્ધામાં માનનારાઓનું માનવું હોય છે કે કોઈ બાળક, સ્ત્રી કે કોઈ ચીજવસ્તુને ટીકીટીકીને જોતા રહેવાથી નજર લાગતી હોય છે, જેના પરિણામે જેને નજર લાગી હોય તેનું કંઈક અશુભ થયા વિના રહે નહિ. આપણા દેશમાં બાળકને સ્નાન કરાવ્યા પછી તેના કાનની બાજુમાં મેંશનું ટપકું કરવામાં આવતું હોય છે. પશ્ચિમના દેશોમાં આવી અંધશ્રદ્ધામાં માનનારા પણ જ્યારે કોઈ બાળકના સૌંદર્યને વખાણતા હોય, ત્યારે વાક્યના અંતે ‘Touch Wood’ કે ‘Knock on wood’ જેવો રૂઢિપ્રયોગ વાપરતા હોય છે કે જેથી પેલા બાળકનું કોઈ અહિત ન થાય.

હવે આપણે સરસ મજાના આ શેર ઉપર આવીએ. માશૂક પોતાની માશૂકા પરત્વે ચિંતિત છે કે તેના નાજુક હાથ  અને સુંદર બાહુઓ ઉપર કોઈની નજર ન લાગી જાય. હવે અહીં એ બાબત વિચારણા માગી લે છે કે માશૂક માશૂકાના નખશિખ પૂર્ણ સૌંદર્યને નજર ન લાગવાનું કહેવાના બદલે તેના માત્ર ‘દસ્ત-ઓ-બાજ઼ૂ’ને એટલે કે તેના માત્ર આ બે અવયવોને જ નજર ન લાગવાનું શા માટે કહેતા હશે! જુઓ, અહીં બહુ જ સૂક્ષ્મ વાત કહેવાય છે, જેને સમજવા માટે આપણે બીજા મિસરા ઉપર જવું પડશે. વળી બીજી નોંધપાત્ર બાબત તો એ છે કે આપણને ત્યાં પણ સ્પષ્ટ રીતે તો એ રહસ્ય જાણવા  નહિ મળે; કેમ કે તે પરોક્ષ  રીતે કહેવાયું છે, જે આપણે માશૂકના કથન ઉપરથી તારવી લેવું પડશે.

બીજા મિસરાનો વાચ્યાર્થ તો એમ જ જણાવશે કે એ (ત્રાહિત) લોકો મારા જિગરના ઘાવને જ કેમ જોયા કરે છે? હવે આપણે બંને મિસરાને સંયુક્તપણે અને તેમાંના ઇંગિત ભાવ સાથે સમજીએ તો માશૂકાએ આ વખતે તો કોણ જાણે કયા કારણે, પણ તેણે ઝનૂનમાં આવી જઈને માશૂકના દિલને તેના કોમળ હાથ અને બાહુઓની તાકાત વડે ઊંડા ઘાવ ઝીંક્યા છે. માશૂકના ઘાયલ જિગરની દયાજનક સ્થિતિને ત્રાહિતો જોયા જ કરે છે અને જાણે કે એમ વિચારે છે કે માશૂકાએ તેના નાજુક હાથોએ આ કેવું હિચકારું કૃત્ય કર્યું છે! અહીં ત્રાહિતોની લાગણીનો માશૂકના દિલમાં પડઘો પડે છે. ત્રાહિતો એક  તરફ માશૂકના જિગરના ઘાવ તરફ જોયા કરે છે અને દયા ખાય છે, તો બીજી તરફ માશૂકાના હાથ અને બાહુના સૌંદર્યને જોઈને આશ્ચર્ય અનુભવે છે. આમ ત્રાહિતો (યે લોગ)ની લાગણીના પ્રતિભાવ રૂપે આ શેર કહેવાયો છે. માશૂક માશૂકાને એટલી હદે ચાહે છે કે તેણીએ પોતાના જિગરને ભલે ઊંડો ઘાવ પહોંચાડ્યો હોય; પણ તેને કોઈની નજર ન લાગવી જોઈએ, તે સલામત રહેવી જોઈએ. અહીં માશૂકનો માશૂકા પરત્વેનો ઉત્કૃષ્ટ પ્રેમ વર્તાય છે.

* * *

તિરે જવાહિર-એ-તુર્ફ઼-એ-કુલહ કો ક્યા દેખેં
હમ ઔજ-એ-તાલા-એ-લાલા-ઓ-ગૌહર કો દેખતે હૈં (૪)

[કુલહ=તાજ, ટોપી; જવાહિર-એ-તુર્ફ઼-એ-કુલહ= તાજની એક બાજુ રત્નજડિત હોવી; ઔજ= તેજ, ઓજસ; ગૌહર (ફા)= મોતી; ઔજ-એ-તાલા-એ-લાલા-ઓ-ગુહર= (૧) માણેક અને મોતીની સમૃદ્ધિનો ઝગમગાટ (૨) હીરા-ઝવેરાતના ભાગ્યની પ્રતિષ્ઠા] 

મારા સુજ્ઞ વાચકોને અહીં મુકાતા મારા બે શબ્દો(!)ને મારી આત્મપ્રશંસા ન સમજવા વિનંતી છે. આ મારી અત્યાર સુધીની ગ઼ાલિબની ૧૮મી ગ઼ઝલના મારા રસદર્શનનો આખરી અને સળંગ ૧૫૭મો  શેર છે. મારા નિખાલસતાપૂર્વકના આનંદ સાથે કહું તો આ શેરના રસદર્શનને આખરી ઓપ આપવા સુધીમાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. બબ્બે દિવસ સુધીના દિવસરાતના મનોમંથન અને ચિંતનના પરિપાકરૂપે અહીં જે મુકાઈ રહ્યું છે, તે મારું એવું પોતીકું અર્થઘટન છે કે જે મારા જેવા અન્ય તફસીરકારોના ઉપલકિયા અથવા તો તેમના નક્કર અર્થઘટનથી શ્રેષ્ઠ તો નહિ, પણ અલગ તો પડે જ છે. આ શેર આમેય સંકુલ હોઈ માત્ર શબ્દાર્થો તેને સમજવા કારગત નીવડી શકે નહિ. 

આ શેરને પ્રથમ વાચ્યાર્થે સમજી લઈને પછી આગળ ઉપર આપણે તેમાંના ગર્ભિત આનંદને માણીશું. પહેલા મિસરામાં માશૂક માશૂકાને કહે છે કે તારા મુગટની એક બાજુએ જડાયેલાં જવાહિરને તો હું શું જોઉં? માશૂકનો આમ કહેવાનો મતલબ એ છે કે એ જવાહિર ગમે તેટલાં મૂલ્યવાન હોય, પણ તેમને જોવામાં કે તેની તારીફ કરવામાં પોતાને કોઈ રસ નથી; કારણ કે પોતાને અપેક્ષિત એવા આકર્ષણનો તેમાં અભાવ છે. બીજા મિસરામાં માશૂક કહે છે અમે તો તેં  ધારણ કરેલા અન્ય અલંકારોમાં જડાયેલાં માણેક અને મોતીના ઓજસ (ઝગમગાટ)ને જોઈ રહ્યા છીએ અને તેમાં જ અમને રસ છે.

હવે કોઈક તફસીરકારોએ બંને મિસરામાંના જરઝવેરાતને ભિન્ન ગણ્યાં નથી અને તેથી તેઓ આ શેરના ઉપલકિયા અર્થઘટનને ગ્રાહ્ય રાખ્યું છે. મારા નમ્ર મતે બંને મિસરામાં સ્વીકારાયેલા એ મૂલ્યવાન અલંકારોમાં સ્થાનભેદ છે. પહેલા મિસરામાંનાં જવાહિર માશૂકાના તાજ ઉપર જડાયેલ છે, જે માશૂકાના અંગને સ્પર્શ્ય નથી. બીજા મિસરામાંનાં ઘરેણાં માશૂકાના અંગઉપાંગ જેવાં કે કપોલપ્રદેશ, કર્ણ, કંઠ, નાસિકા, કલાઈ, કટિપ્રદેશ, હાથપગની અંગુલિઓ, પગની ઘૂંટી (Ankle) આદિ સાથે સ્પર્શ્ય છે. આમ આ સ્થાનભેદથી તાજ સિવાયનાં માશૂકાએ પોતાના બદન ઉપર ધારણ કરેલાં ઘરેણાં માશૂકને વધુ આકર્ષે છે. વળી શાયર આપણને તેથીય વધારે આગળ લઈ જતાં કહે છે કે માત્ર એ સ્થૂળ ઘરેણાં જ નહિ, પણ તેમાંથી પ્રગટતી આભા જ માશૂકની પ્રશંસાને પાત્ર બને છે. અહીં હવે આપણે ગ઼ાલિબની ભવ્યાતિભવ્ય કલ્પના ઉપર વારી જતાં સ્વીકારવું પડશે કે એ આભા એ અલંકારોની સ્વપ્રકાશિત નથી, પણ પરપ્રકાશિત છે. હવે એ કહેવાની જરૂર રહે ખરી કે એ અલંકારોનો ઝગમગાટ કોના પ્રતાપે હોઈ શકે! સામાન્ય રીતે સ્ત્રી જે ઘરેણાં ધારણ કરતી હોય છે, તે પોતાના સૌંદર્યને ઓર દીપાવવા માટે. પરંતુ અહીં શાયર તો અજીબોગરીબ એવી કલ્પના કરે છે કે માશૂકા સ્વયં એટલી બધી સુંદરતમ છે કે તે પોતે જ ઘરેણાંની શોભા બની જાય છે. વળી માશૂકાના વદન અને તનબદનમાંથી પ્રગટતી કાંતિનો ઝગમગાટ જ એવો આંખને આંજી દેનારો છે કે પેલાં સ્થૂળ ઘરેણાં પણ અદૃશ્ય બની જાય છે. આમ માશૂકનું કહેવાનું થાય છે કે ‘તારા તાજ ઉપરનાં જવાહિરને જોવા કરતાં અમને તારા અંગ ઉપર ધારણ કરાયેલાં અને તારા જ સૌંદર્યથી ઝળહળી ઊઠતાં એ ઘરેણાંના ઝગમગાટને માણવો
વધુ પ્રિયકર છે.                                                                                                           (સંપૂર્ણ)                                                                                          

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –107)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: