હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૧ થી ૨)

પ્રાસ્તાવિક
ગ઼ાલિબની આ ગ઼ઝલના રસદર્શન પૂર્વે, ગ઼ાલિબના જન્મ પહેલાં લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં જન્મેલા અને તેમની લગભગ ૧૪ વર્ષની ઉંમર થઈ ત્યારે અવસાન પામેલા, વળી જેમને સમકાલીન શાયરોએ ‘ખુદા-એ-સુખન’નો ઈલ્કાબ આપેલો, તેવા મીર તકી મીરને ખાસ તો આ ગ઼ઝલના અનુસંધાને યાદ કરવા જરૂરી બની જાય છે. ગ઼ાલિબ મહાન શાયર હોવા છતાં તેઓ મીર તકી મીરને ખૂબ જ માનસન્માન આપતા હતા, તેના પ્રમાણ રૂપે હું મીર તકી મીરને અનુલક્ષીને લખેલા તેમના બે શેર અહીં આપીશ.
મીર કે શિ`ર કા અહ્વાલ કહૂં ક્યા ગ઼ાલિબ
જિસ કા દીવાન કમ અજ઼-ગુલ્શન-એ કશ્મીર નહી
(મીરના શેરના અહેવાલ વિષે તો શું કહું, ગ઼ાલિબ? તેમનું દીવાન કાશ્મીરના ગુલિસ્તાનથી કમ નથી.)
રેખતા કે તુમ્હીં ઉસ્તાદ નહીં હો ગ઼ાલિબ,
કહતે હૈં અગલે જ઼માને મેં કોઈ મીર ભી થા
(ઉર્દૂના તમે જ ઉસ્તાદ નથી, ગ઼ાલિબ; લોકો કહે છે કે આગળના જમાનામાં કોઈ મીર પણ હતા.)
કોઈ શાયરની ગ઼ઝલના કોઈ શેરને યથાવત્ જાળવી રાખીને તેના અનુસંધાને ભાવસાતત્યને જાળવી રાખતા પોતાના ત્રણ મિસરા સાથેની રચનાને તઝમીન કહેવામાં આવે છે. આવી તઝમીનની રચનામાં ઉપયોગમાં લેવાયેલા શેરને તફડંચી ગણવામાં આવતી નથી. વળી કોઈ ગ઼ઝલકારની ગ઼ઝલના પ્રખ્યાત રદીફ-કાફિયા અને એ જ બહેર (Metre) પ્રયોજીને તેને મળતી આવતી ગ઼ઝલ રચવી એ ભલે તફડંચી ન ગણાય, પણ શિષ્ટ તો ન જ ગણાય; આમ છતાંય ઘણીવાર અજાણપણે આવું થઈ જવાના સંભવને નકારી ન શકાય. અહીં આ બધી ચર્ચા કરવાનો આશય માત્ર એટલો જ છે કે ઉર્દૂના પ્રખર વિદ્વાનો પણ આંગળાં કરડે તેવી વાત એ છે કે ગ઼ાલિબે જેમને મનોમન ઉસ્તાદ માન્યા હતા તેવા મીરની એક ગ઼ઝલનાં રદીફ, કાફિયા અને એ જ બહેરને સ્વીકારીને અહીં ચર્ચવામાં આવનાર ગ઼ઝલને લખી છે. નીચે મીરની ગ઼ઝલનો માત્ર મત્લા શેર આપું છું, જે આપવા પાછળનો સરખામણી કરવાનો અહીં કોઈ આશય નથી; માત્ર અને માત્ર કુતૂહલ સંતોષવાનો જ ઈરાદો છે. બંને શાયરો ઊંચી કોટિના છે, એટલે અહીં એ પ્રશ્ન ઊભો નથી જ થતો કે ગ઼ાલિબે મીરની ગ઼ઝલની નકલ કરી હોય! આમ કરવા પાછળ ગ઼ાલિબની માની લીધેલા પોતાના ઉસ્તાદ મીરનો ઋણસ્વીકાર કરવાની ઉદ્દાત ભાવના હોય કે પછી જોગાનોજોગ પણ હોય! જો કે બંને ગ઼ઝલના ભાવ ભિન્ન છે અને તેથી જ તો ગ઼ાલિબ પરત્વેનું આપણું માન ઓર વધી જાય છે, તેમની એ કાબેલિયતના કારણે, કે તે આ ગ઼ઝલમાં ભાવવૈવિધ્ય લાવી શક્યા છે; જેથી બંને ગ઼ઝલ એકબીજીથી સાવ અલગ જ બની રહે છે.
આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ (મીર તકી મીર)
[સજ્જાદા-નશીં= નમાજના સિજદાની સ્થિતિમાં હોવું, (અહીં) કોઈ દરગાહના મુજાવર હોવું; ક઼ૈસ= મજનૂ; દશ્ત= રણ, જંગલ; જા= જગ્યા]
[કૈસ (મજનૂ) કે જે રણમાં ભટક્યા કરે છે તે મારા પછી થઈ ગયો અને મારા મૃત્યુ બાદ તે મારી કબ્રગાહનો મુજાવર થઈ ગયો. એ રણમાં મારી કોઈ નિશ્ચિત સ્થળે કબ્ર નથી; કેમ કે આખું રણ એ મારી કબ્રમાં ફેરવાઈ ગયું છે, અર્થાત્ આખાય રણમાં કોઈ જગ્યા ખાલી રહેવા પામી નથી. આમ પેલો મજનૂ આખાય રણમાં ગમે તે જગ્યાએ હોય, પણ તે મારી કબ્રગાહનો મજાવર (સેવક) જ લેખાશે.]
હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા‘દ
બારે આરામ સે હૈં અહલ-એ-જફ઼ા મેરે બા‘દ (ગ઼ાલિબ)
ઉપરોક્ત બંને શેર બંને શાયરોના પોતપોતાની ગ઼ઝલના મત્લા શેર છે. અહીં મીરના ઉપરોક્ત શેર કે તેમની આખી ગ઼ઝલનો સારાંશ, અર્થઘટન કે રસદર્શન આપવાનો કોઈ ઉપક્રમ નથી. તો ચાલો, આપણે ગ઼ાલિબની ગ઼ઝલ પ્રતિ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ.
* * *
હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા‘દ
બારે આરામ સે હૈં અહલ-એ-જફ઼ા મેરે બા‘દ (૧)
[હુસ્ન= રૂપ, સૌંદર્ય; ગ઼મ્જ઼ે= ઇશ્કી, પ્રેમમાં પડેલું, શૃંગારી, પ્રેમી, કામુક, રસિક નજર નાખ્યા કરવી; કશાકશ= ખીંચાખીંચી, કશ્મકશ; મેરે બા’દ= મારા મૃત્યુ પછી; બારે= છેવટે, આખિરકાર; અહલ-એ-જફ઼ા = મુસીબતો આપનારી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓનો સમૂહ]
ગ઼ઝલનો પ્રથમ શેર મત્લા તરીકે ઓળખાય છે. મેં અગાઉ ક્યાંક કહ્યું છે તેમ મત્લા શેર માત્ર ગ઼ઝલની ઓળખ જ બનતો નથી, પણ એનાથીય વિશેષ એનું કામ છે આગળ રચાનારી ગ઼ઝલના ભાવવિશ્વમાં ચાહકને પદાર્પણ કરાવવાનું. આ શેર એવો દમદાર હોવો અપેક્ષિત હોય છે કે જેથી ગ઼ઝલરસિયો પૂરી ગ઼ઝલને માણવા માટે મજબૂર બની જાય. મત્લા શેરના બંને મિસરામાં રદીફનું હોવું આવશ્યક ગણાય છે, તેમ છતાંય કોઈ ગ઼ઝલકાર માત્ર સાની મિસરામાં જ રદીફ પ્રયોજતા હોય છે.
હવે આપણે આ શેર ઉપર આવીએ તો રદીફ ‘મેરે બા’દ’નો સ્પષ્ટ અર્થ ‘મારા મૃત્યુ બાદ’ એમ જ લેવો પડશે. મૃત્યુ એવી મંઝિલ છે, જ્યાં પહોંચતાં જ જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિ વિષયક પરેશાનીઓનો અંત આવી જતો હોય છે. માશૂકાના ઇશ્કમાં ગિરફ્તાર થયેલો માશૂક એવી તો કશ્મકશભરી વ્યથા અનુભવતો હોય છે કે પોતાની હયાતી સુધી તેને સુખચેન નસીબ નથી થતાં, પરંતુ જેવું મૃત્યુ આવે કે તરત જ એક જ ઝાટકે માશૂકાના હુશ્ન સાથેની તેની આસક્તિનો છેદ ઊડી જતો હોય છે. આથી જ કહેવાય છે કે મૃત્યુ એ લાખ દુ:ખોના નિવારણનો રામબાણ ઈલાજ છે. બીજા મિસરામાં વળી જે મુસીબતો માશૂકને હેરાન પરેશાન કરવા માટે કળ કરતી ન હતી, તે જ મુસીબતો હવે માશૂકના મૃત્યુ બાદ આરામ ફરમાવી રહી છે.
આમ આ શેરમાં શાયરે માશૂકના મૃત્યુ થકી માશૂકા પરત્વેના તેના ઇશ્કની ખેચંખેચનો અંત અને મુસીબતોના કાફલાઓનું આપોઆપ શમન થઈ જતાં દર્શાવીને મૃત્યુને વિજયવંત ઠરાવ્યું છે. વળી ભાષાશાસ્ત્રીય દૃષ્ટિકોણે આ શેરને સમજતાં એમ લાગ્યા વિના નહિ રહે કે શાયરે વ્યંગ્યનો સહારો લઈને એક કડવા સત્યને આપણી સમક્ષ રજૂ કર્યું છે.
* * *
મનસબ-એ-શેફ઼્તગી કે કોઈ ક઼ાબિલ ન રહા
હુઈ માજ઼ૂલી-એ-અંદાજ઼-ઓ-અદા મેરે બા’દ (૨)
[મનસબ-એ-શેફ઼્તગી= મોહ, મુગ્ધતા, વિમૂઢતા, ચિત્ત હરી લેવું, મોહિત કરવું તે; માજ઼ૂલી-એ-અંદાજ઼-ઓ-અદા= નખરાંબાજી અને પ્રેમની રમતમાંથી મુક્ત થઈ જવું.]
આ શેર સંકુલ છતાં તે સ્પષ્ટ થયેથી સહૃદયી ભાવક તેમાંથી અનેરો લુત્ફ લઈ શકશે. ‘મનસબ’ એ આમ તો રાજદ્વારીય શબ્દ છે. કોઈ રાજાના દરબારમાં માનવંતુ પદ ધરાવનાર કોઈ શખ્સિયત મોભાના મોહમાં બદીવાન થઈને પોતે મુગ્ધતા તો અનુભવે છે અને સાથે સાથે તે અન્યોને પ્રભાવિત પણ કરે છે. પરંતુ આ ઐહિક સુખ તો જીવન છે, ત્યાં સુધી જ માણવાનું કે ભોગવવાનું રહે છે. આવો સાહેબગીરીનો દબદબો ધરાવતો ઈસમ મૃત્યુ પામ્યા પછી એવો નિ:સહાય બની રહે છે કે તે કશાયને કાબિલ રહેતો નથી. સાપ કાંચળી ઊતારીને આગળ સરકી જાય, તેમ માનવીની રૂહ પણ જગતની મોહમાયા કે સુખદાયક અસ્મિતાઓને અહીં જ છોડી દઈને દેહમાંથી પરવાજ કરી જાય છે.
બીજા મિસરામાં ‘મેરે બાદ’ની બીજી એક સ્થિતિ વર્ણવાઈ છે. આ સ્થિતિ એટલે માશૂકની માશૂકા પરત્વેની દિવાનગી અને સામા પક્ષે માશૂકાની નખરાંબાજી. પ્રેમી યુગલનું અન્યોન્ય સાથેનું સાન્નિધ્ય એવું તો નશીલું હોય છે કે તેઓ ભાન ભૂલી જતાં હોય છે કે કોઈક વખતે તો આ સુખ સમેટાઈ જવાનું છે. આ વખત એટલે મૃત્યુવેળા કે જ્યારે આ પ્રણયખેલ સમાપ્ત થઈ જનાર છે. આમ શાયર તત્ત્વજ્ઞાનીય અંદાજમાં મિથ્યા જગતની ભ્રમણાઓમાં વધારે પડતા લપેટાઈ ન જવાનો એક મનનીય ખ્યાલ પેશ કરે છે. એક સુફી સંતે પણ મૃત્યુની ફિલસુફી સમજાવતાં એક ગહન વાતને સાવ સાદા શબ્દોમાં આમ આપી છે કે માનવી મૃત્યુ પામે કે તરત જ ‘બાકી રહ્યા સો રહ્યા, જી સુણ ભાઈ’ની અણધારી સ્થિતિ સર્જાઈ જતી હોય છે.
(ક્રમશ: ૨)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક –58)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
[…] Click here to read in English […]