
હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૩ થી ૫)
શમ્અ’ બુઝતી હૈ તો ઉસ મેં સે ધુઆઁ ઉઠતા હૈ
શો’લા-એ-ઇશ્ક઼ સિયહ-પોશ હુઆ મેરે બા’દ (૩)
[શમ્અ’= દીપક, મીણબત્તી; ધુઆઁ= ધુમાડો; શો’લા-એ-ઇશ્ક઼= પ્રેમજ્યોત; સિયહ-પોશ= શ્યામ રંગમાં પરિવર્તિત થવું.]
આ શેર ગૂઢાર્થ ધરાવે છે. બંને મિસરા એકબીજાના પૂરક બને છે કે વિરોધાભાસી બને છે તે સમજવું થોડુંક મુશ્કેલ હોવા છતાં સાવ નામુમકિન તો નથી જ. અહીં જીવનને દીપક કે મીણબત્તીનું રૂપક આપવામાં આવ્યું છે. દીપક કે મીણબત્તીના આયુષ્યની એક અવધિ હોય છે. જેમ દીપકમાં ઇંધણ કે મીણબત્તીમાં મોમની રહેલી એક નિશ્ચિત માત્રા પૂરી થતાં તે હોલવાઈ જાય છે, બસ તેમ જ જીવન વિષે પણ સમજવું રહ્યું. અહીં માશૂક શમ્અ વિષેનું પોતાનું નિરીક્ષણ સમજાવે છે કે તે જ્યારે હોલવાઈ જાય છે, ત્યારે છેલ્લે થોડાક સમય સુધી તેમાંથી શ્વેતરંગી ધૂમ્રસેર નીકળતી રહેતી હોય છે. શ્વેત રંગ શાંતિ અને સંતોષના પ્રતીક સમાન છે. દીપક કે મોમબત્તીને હોલવાયા પછી પણ સંતોષ એ વાતનો છે કે પોતે ફના થઈને પણ અન્યોને પ્રકાશ આપ્યો છે અને આમ તેમનું જીવન સાર્થક નીવડ્યું છે.
બીજા મિસરામાં માશૂક પોતાના માશૂકા પરત્વેના ઇશ્કની જ્યોતનો આખરી અંજામ પણ પેલા દીપકની જ્યોતની જેમ જ આવવાનું જણાવે છે. આમ છતાંય એ બંને ધૂમ્રસેર વચ્ચે ફરક તો એ જ છે કે પેલા દીપક કે મોમબત્તીના ધુમાડાની આખરી સ્થિતિ કંઈક સંતોષકારક એવી છે કે જે સુખાંતના પ્રતીક સમી શ્વેતરંગી છે; જ્યારે માશૂકનો જીવનદીપ બુઝાતાં તેની પ્રેમજ્યોત શ્યામરંગી હશે કે જે વિષાદને ઘેરો બનાવશે. અહીં માશૂકનો જીવનભર માશૂકાના ઇશ્કની પ્રાપ્તિની નિષ્ફળતાનો વિષાદ શ્યામ રંગમાં પરિવર્તિત થશે. આમ ‘મેરે બા’દ’ અર્થાત્ માશૂકના મૃત્યુ બાદ માશૂકા પ્રત્યેના ઇશ્કની જ્વાળા ‘સિયહ-પોશ’ એટલે કે ઘેરા કાળા રંગની બની રહેશે.
* * *
ખ઼ૂઁ હૈ દિલ ખ઼ાક મેં અહવાલ-એ-બુતાઁ પર યા‘ની
ઉન કે નાખ઼ુન હુએ મુહતાજ-એ-હિના મેરે બા‘દ (૪)
[ખ઼ૂઁ= ખૂન, લોહી; ખ઼ાક= માટી; બુત= મૂર્તિ, પ્રતિમા (એ.વ.); બુતાઁ= મૂર્તિઓ (બ.વ.); હાલ= સ્થિતિ (એ.વ.) અહવાલ= સ્થિતિઓ (બ.વ.) અહવાલ-એ-બુતાઁ = મૂર્તિઓની હાલતો; નાખ઼ુન= નખ; મુહતાજ-એ-હિના= મહેંદી લગાવવા માટે મોહતાજ (આધારિત,પરાધીન, પરવશ) હોવું]
ખૂબ જ પ્રભાવક આ શેર છે, જેને ગ઼ાલિબ જેવો સમર્થ શાયર જ રચી શકે. માશૂક એવી કલ્પના કરે છે કે તેમનું લોહીલુહાણ થયેલું દિલ માટીમાં એવી નિશ્ચેતન સ્થિતિમાં પડેલું છે, જેવી રીતે કે પ્રતિમાઓ નિશ્ચેતન સ્થિતિમાં હોય. પોતાના તનબદનમાં એ દિલ (હૃદય) જ્યારે સ્થિત હતું ત્યારે તે ચૈતન્યસભર ધબકાર કરતું હતું; પરંતુ માશૂકાએ બેરહમીથી જ્યારે તેને રહેંસી નાખીને ધૂળભેગું કરી દીધું, ત્યારે તે પેલી પ્રતિમાઓની જેમ જડ સ્થિતિમાં ફેરવાઈ ગયું. આ પ્રથમ મિસરાને આપણે સીધી રીતે સમજી તો લીધો, પણ તેના અનુસંધાને બીજા મિસરામાં આવતી ગૂઢાર્થસભર શાયરાના અંદાઝમાંની માશૂકની કલ્પના ભવ્યાતિભવ્ય છે.
અહીં ખ઼ૂઁ (ખૂન) અને નાખ઼ુન શબ્દોને સમજવા જેવા છે. નાખુન (નખ) એ શરીરનો એવો ભાગ કે અવયવ છે, જેમાં ખૂનનો સંચાર નથી થતો; અને તેથી જ તો વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) પ્રમાણે તેને નાખુન કહેવામાં આવે છે. હવે ખરો આનંદ તો આપણે આ બીજા મિસરામાંથી લૂંટવાનો છે. માશૂકા પોતાના નખને રક્ત (લાલ) રંગે રંગવા માટે હીના (મહેંદી) લગાવે છે. અહીં માશૂક અફસોસ વ્યક્ત કરતાં કહે છે કે માશૂકા તેના નખને લાલ રંગે રંગવા માટે તેના (માશૂકના) દિલનું લોહી જ્યારે તે ચેતન અવસ્થામાં હતું ત્યારે તેને હીનાના બદલામાં ઉપયોગમાં લઈ શકી હોત, પરંતુ માટીમાં ભળી ગયેલું તેમના દિલનું લોહી વેડફાઈ ચૂક્યું છે. આમ માશૂકના અવસાન બાદ માશૂકાના નખ એવા તો માશૂકની ખૂનરૂપી મહેંદીના મોહતાજ (મજબૂર સ્થિતિમાં હોવું) બની ગયા છે કે હવે ધૂળમાં ભળી ગયેલું એ લોહી ખપમાં આવી શકે તેમ નથી.
* * *
દર-ખ઼ુર-એ-અર્જ઼ નહીં જૌહર-એ-બેદાદ કો જા
નિગહ-એ-નાજ઼ હૈ સુરમે સે ખ઼ફ઼ા મેરે બા’દ (૫)
[દર-ખ઼ુર-એ-અર્જ઼= દુરસ્ત (વ્યાજબી) વિનંતી; જૌહર-એ-બેદાદ= સામાન્ય કક્ષાનું ઝવેરાત; જા= જગ્યા, સ્થાન; નિગહ-એ-નાજ઼= પ્યારભરી નટખટ નજર; સુરમા= કાજળ, મેંશ; ખ઼ફ઼ા= નારાજ]
આ શેરને ગુજરાતી સાહિત્યના સોનેટપિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનાં સોનેટો સાથે સરખાવી શકાય. બ.ક.ઠા.નાં સોનેટોને વિવેચકોએ નારિયેળની ઉપમા આપી છે, કે જે દેખાવમાં તો કદરૂપું લાગે; પરંતુ તેનાં પડ ભેદતાં અંતે સ્વાદિષ્ટ પીણું પ્રાપ્ત થાય. અહીં પહેલો મિસરો કંઈક એવો જ છે કે જે માટે તજજ્ઞોએ પોતપોતાનાં ભિન્નભિન્ન અર્થઘટનો આપ્યાં છે. એ અર્થઘટનોને હું સારરૂપે મારા પોતાના અર્થઘટનમાં સાંકળી લઈને અત્રે રજૂ કરીશ.
શેરનો પ્રથમ ઉલા મિસરો એ એક મિસાલ કે ઉદાહરણ રૂપે છે જે બીજા સાની મિસરામાંની સુરમાની હકીકતને પુષ્ટિ આપવા માટે રચાયો છે. આમ અલંકારશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં આ શેરમાં દૃષ્ટાંત અલંકાર સમાવિષ્ટ છે તેમ કહી શકાય. અહીં એવા જરઝવેરાતને ઉલ્લેખવામાંઆવ્યું છે કે જે સામાન્ય કે નિમ્ન કક્ષાનું હોવાના કારણે જરાય પ્રશંસાને પાત્ર નથી. હવે આવા જરઝવેરાતને પાપ્ત કરવા માટેની કોઈને ઝંખના થાય નહિ અને તેથી જ તો કોઈ તેના માટે માગણી કે વિનંતી પણ કરે નહિ. આથી જ તો આવા નિકમ્મા ઝવેરાત માટે એવી કોઈ અપેક્ષાને કોઈ સ્થાન નથી.
હવે આપણે બીજા મિસરા ઉપર આવી જઈએ તો માશૂક કહે છે કે મારા મૃત્યુ પછી મારી માશૂકા (Beloved)ની નખરાળી આંખો સુરમા (કાજળ)થી નારાજ છે. અહીં સૂક્ષ્મ ઇંગિત અર્થ એ છે કે માશૂકાને પોતાની આંખોને શણગારવા માટે પહેલાં જે કાજળ પ્રિય હતું, તે જ કાજળ પરત્વે તેને હવે નફરત થાય છે. નફરત થવાનું કારણ એ જ કે પોતાની નખરાળી આંખોની પ્રશંસા કરનાર માશૂક હવે જીવંત ન હોઈ આંખોને કાજળમઢી બનાવવાનો હવે કોઈ મતલબ નથી. આમ એ કાજળ કે જે પહેલાં મૂલ્યવાન હતું તે હવે પેલા નિમ્ન કક્ષાના ઝવેરાત જેવું બની ગયું છે. આમ માશૂકાને સુરમાથી નફરત થવાનું એક કારણ માશૂકનું હયાત ન હોવું તો સીધેસીધું સમજાઈ જાય છે, પરંતુ બીજું પણ એક સંભવિત કારણ હોઈ શકે કે માશૂકાની કાજળ આંજેલી આંખો એવી તો ઘાતક નીવડી કે માશૂક તેના પ્રહારને ખમી ન શક્યો અને બેમોત માર્યો ગયો. હવે ભલા જે કાજળના કારણે જેણે પોતાનો પ્રિયતમ ગુમાવ્યો હોય, તેવી માશૂકાના દિલમાં એ કાજળ પરત્વે નફરત જાગે તે સ્વાભાવિક ગણાય.
સમાપને યાદ આપવું જરૂરી છે કે માશૂક અવસાન પામ્યો હોવાની તેની કલ્પના અનુસાર અહીં ‘મેરે બા’દ’ શબ્દો ઉચ્ચારાયા છે. શાયરો તેમની કલ્પનાઓ કરવામાં એટલા બધા આઝાદ હોય છે કે તેઓ જનાજાને પણ બોલતો કરી શકે!
(ક્રમશ:)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક –58)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
[…] ક્રમશ: (7) […]