દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ (શેર ૪ થી ૬)
કમ નહીં નાજ઼િશ–એ–હમનામી–એ–ચશ્મ–એ–ખ઼ૂબાઁ
તેરા બીમાર બુરા ક્યા હૈ ગર અચ્છા ન હુઆ (૪)
[નાજ઼િશ-એ-હમનામી-એ-ચશ્મ-એ-ખ઼ૂબાઁ= માશૂકાની બીમાર હોવાના કારણે ઢળી પડેલી આંખો પરત્વેની આશિકી; બીમાર= મરીઝ, દર્દી, (અહીં) માંદગી]
રસદર્શન :
ગ઼ાલિબની કલ્પનાઓ અને તેનાં અવલોકનો એટલાં બધાં બારીક છે કે ઘણી વાર આપણી સમજમાં ન પણ આવે! જેના માટે બબ્બે વખત ‘જરા હટકે’ કહેવું પડે તેવો ઉચ્ચ કોટિનો આ શેર છે. વળી આ શેરને સમજવા અને માણવા માટે તેમાંથી આકાર લેતા એવા એક શબ્દચિત્રને પણ આપણાં કલ્પનાચક્ષુ વડે નિહાળવું પડશે. શેરના પ્રથમ ઉલા મિસરામાં આપણને માશૂકની બીમાર માશૂકા તેની સુખશય્યા ઉપર ઢળી પડેલી અને છતાંય મદહોશશી દેખાતી આંખો સાથે સૂતેલી દેખાશે. હવે માશૂક ‘કમ નહિ’ શબ્દોના પ્રયોગ થકી એ આંખોને વખાણે છે; કેમ કે તેવી આંખોમાં પણ માશૂકને અનન્ય પ્રકારનું એક એવું સૌંદર્ય દેખાય છે, કે તે ટીકી ટીકીને જોઈ રહે તો પણ તેને પરિતૃપ્તિ થાય નહિ.
હવે બીજા સાની મિસરાના પઠન થકી ધીરગંભીર ઈસમ પણ હસ્યા વગર રહી શકે નહિ. અહીં માશૂક માશૂકાને બેહદ ચાહતો હોઈ તેની અપેક્ષા તો એ જ હોઈ શકે કે માશૂકા બીમારીમાંથી બેઠી થઈ જાય; પરંતુ માશૂકની મનેચ્છા તો કંઈક જુદી જ છે. માશૂકનું માનવું છે કે માશૂકા સાજીનરવી થઈ જાય તે બહેતર તો છે જ, કિંતુ તેમ ન થાય તો માશૂકા બીમાર હાલતમાં જ રહે તેમાં શું ખોટું છે! બીમારીના કારણે માશૂકાની પોપચાં ઢળી જવાના કારણે ઝીણી થઈ ગયેલી મદહોશ આંખોમાં પણ એક નજાકત છે અને એ નજાકતને માણવા માટે માશૂક માશૂકાની એ જ સ્થિતિ જળવાઈ રહે તેવી અપેક્ષા સેવે છે. અહીં આપણે માશૂકને ક્રૂરતાની શ્રેણીમાં ન મૂકી શકીએ. તે માશૂકા સાજી જ ન થાય, તેની બીમારી લંબાય અને તેને તેણીની ઢળી પડેલી આંખોનું સૌંદર્ય માણવા મળતું જ રહે તેવી નિમ્ન કક્ષાની માનસિકતા તો તે ન જ ધરાવી શકે; કેમ કે તે પોતાની માશૂકાને સાચા દિલથી ચાહે છે. પરંતુ એક વિકલ્પ તરીકે પોતે વિચારે છે કે જો તેણી સાજી ન જ થઈ શકવાની હોય અથવા તેણીની બીમારી લંબાઈ શકે છે તેવો તબીબોનો મત હોય તો જ તે માને છે કે તેની હાલની માંદગી શું ખોટી છે! આ મિસરામાંના ‘બીમાર’ શબ્દનો અર્થ ‘માંદી વ્યક્તિ’ નહિ, પણ ‘માંદગી’ એમ લેવાનો છે.
સીને કા દાગ઼ હૈ વો નાલા કિ લબ તક ન ગયા
ખ઼ાક કા રિજ઼્ક઼ હૈ વો ક઼તરા કિ દરિયા ન હુઆ (૫)
[દાગ઼= ઘાવ, જખમ, ચાઠું; નાલા= રડવું-કકળવું, ફરિયાદ કરવી; લબ= ઓષ્ઠ, હોઠ; રિજ઼્ક઼= રોજી, અન્ન; ક઼તરા= બુંદ, ટીપું; દરિયા= નદી]
રસદર્શન :
ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે ‘શેરના માથે સવાશેર’, જેમાં ‘શેર’ એ વજન માટેનો જૂનો એકમ છે. અહીં ગ઼ઝલના સંદર્ભે ‘શેર’ સમજતાં અગાઉના શેર કરતાં આ શેર સવાયો છે. ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં માશૂકાનો માશૂક સાથેનો અણબનાવ અને તેના પરિણામે માશૂકને માશૂકા તરફથી સહેવી પડતી સતત અવહેલના વર્ણવાતી હોય છે. માશૂકાના વિયોગના કારણે માશૂકનું દિલ એવું તો ઘવાય છે કે તેમાં ઊંડા ઘાવ પડી ગયા છે, જેના કારણે પોતાની વેદનાની ફરિયાદ તેમના હોઠ સુધી પહોંચી શકતી નથી અને મનમાં અને મનમાં ઘોળાયા કરે છે અને અંતે શમી જાય છે. હવે પહેલા મિસરાની આ વાતને વજન આપવા માટે બીજો મિસરો લખાયો હોવો સમજી શકાય છે.
બીજા મિસરામાં દરિયા કહેતાં નદી પહાડનાં નાનાં નાનાં ઝરણાં થકી સર્જાય છે અને ઝરણું પાણીના એક એક બુંદ થકી અસ્તિત્વ પામે છે. પરંતું એ પાણીનું પ્રત્યેક ટીપું નદીના સર્જન માટે સહાયરૂપ બની શકતું નથી. આવાં કોઈક ટીપાં પહાડમાંની ખાક અર્થાત્ માટીમાં શોષાઈ જાય છે. હવે શાયરના અંદાઝમાં ગ઼ાલિબે આ વાતને એવી રીતે દર્શાવી છે કે આપણે આફરિન આફરિન પોકારી બેસીએ. ગ઼ાલિબ કહે છે કે એવાં નદીમાં ભળવા માટે કમભાગી સાબિત થયેલાં એ ટીપાં માટીનો ખોરાક બની જાય છે. અહીં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે, જેમાં પેલી માટીને પાણીના કતરા (ટીપું)ને તેના રિજ઼્ક઼ (રોજી-આહાર) તરીકે આરોગતી કલ્પી છે. અહીં ઈસ્લામની પાક કુરઆનની સુરએ ‘હુદ’ની એક આયત યાદ આવી જાય છે કે જેમાં અલ્લાહ ફરમાવે છે કે ‘અને પૃથ્વી પર કોઈ એવું પ્રાણી નથી કે જેની રોજી અલ્લાહના શિરે ન હોય!’ આ આયત ભલે સૃષ્ટિના ચેતન જીવોને લાગુ પડતી હોય, પણ ઈશ્વર-અલ્લાહની નજરમાં જડ કે ચેતનના કોઈ ભેદ નથી. સમુદ્ર, પહાડ, વૃક્ષ કે એવાં કોઈ સર્જનહારનાં સર્જાયેલાં અચેતન સર્જનો પણ તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે કશાક ઉપર આધાર રાખતાં હોય છે, જેમને તેમના રિઝક તરીકે ગણી શકાય અને આમ સર્જનહાર તેમને પણ જીવંત રાખવા માટે જરૂરી પુરવઠો પહોંચાડતો રહેતો હોય છે.
નામ કા મેરે હૈ જો દુખ કિ કિસી કો ન મિલા
કામ મેં મેરે હૈ જો ફ઼િત્ના કિ બરપા ન હુઆ (૬)
[ફ઼િત્ના= લડાઈ-ઝગડો, દંગા-ફસાદ; બરપા= બનવું, સફળ થવું,]
રસદર્શન :
ગ઼ઝલનો આ શેર આત્મલક્ષી છે. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેમનું જીવન બેસુમાર દુ:ખો અને અલ્પ સુખોથી ભરેલું હતું. તેમની આર્થિક બેહાલી અને કેટલાક ગણ્યા ગાંઠ્યા સમકાલીન શાયરો તરફથી સહેવી પડતી ઈર્ષાઓના કારણે તેઓ દુ:ખી દુ:ખી હતા. તેમના દિલનો આ ઉભરો આ શેરના પ્રથમ મિસરામાં વ્યક્ત થાય છે. ગ઼ાલિબ કહે છે કે મારા ઉપર હકીકતી જે દુ:ખો પડ્યાં છે તેવાં નામ પૂરતાં પણ કોઈને દુ:ખો પડ્યાં નહિ હોય! વળી તેમની મૌલિક શાયરીઓ સામે પણ સવાલ ઉઠાવનારાઓએ તેમની ફિત્નાખોરી થકી તેમને બદનામ કરવાના લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં તેઓ તેમના ઈરાદાઓમાં સફળ થઈ શક્યા ન હતા. આ શેરના બંને મિસરામાં બે ભિન્ન ભિન્ન ભાવ રજૂ થયા છે. પહેલા મિસરામાં હૃદયનો બળાપો અભિવ્યક્ત થયો છે, તો બીજા મિસરામાં આત્મસંતોષ એ વાતનો છે કે દુશ્મનોના હાથ હેઠા પડ્યા છે.
(ક્રમશ:૩)
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈ મુસા (રસદર્શનકાર)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
[…] ક્રમશ: (7) […]