RSS

(637) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૩ (આંશિક ભાગ –૩) દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (રસદર્શનકાર)

31 Mar

દરખ઼ુરક઼હરગ઼જ઼બ જબ કોઈ હમ સા હુઆ (શેર ૭ થી ૯)

http://cms.boloji.com/articlephotos/Mirza%20Ghalib's.gif

હરબુનમૂ સે દમજ઼િક્ર ન ટપકે ખ઼ૂઁ નાબ
હમજ઼ા કા ક઼િસ્સા હુઆ ઇશ્ક઼ કા ચર્ચા ન હુઆ ()  

[હર-બુન-એ-મૂ= દરેક બાલનો છેડો; દમ-એ-જ઼િક્ર= દમેદમનું રટણ; ખ઼ૂઁ= ખૂન; નાબ= શુદ્ધ, ચોખ્ખું; હમજ઼ા= સિંહ, બહાદુર, હજરત મહંમદ (સ.અ.વ.)ના કાકા]

રસદર્શન :

ગ઼ાલિબનો આ એક તલ્મીહ શબ્દયુક્ત શેર છે. જેમાં કોઈ ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તે શબ્દને તલ્મીહ કહે છે. આ શેરમાં ‘હમઝા’ તલ્મીહ શબ્દ  છે. આવા શબ્દ વિષેની જાણકારી મેળવવામાં ન આવે ત્યાં સુધી એવો શેર સારી રીતે સમજાય નહિ. હમઝા હજરત મહંમદ (સ.અ.વ.)ના કાકા હતા અને તેઓ અમીર હમઝા તરીકે પણ ઓળખાતા હતા. તેઓ હજરત મહંમદ સાહેબને  વિરોધીઓ સામે સાથ આપ્યો હતો. એક સ્વબચાવ માટેના યુદ્ધમાં તેઓ માર્યા ગયા હતા. વિરોધીઓના પક્ષની એક ઔરતે અમીર હમઝાના મૃતદેહને ચીરીને તેમનું કલેજું ચાવ્યું હતું અને આંતરડાંઓનો હાર બનાવીને પહેર્યો હતો. અગાઉના કોઈક યુદ્ધમાં અમીર હમઝાના હાથે પેલી ઔરતના ભાઈ અને પિતા માર્યા ગયા હતા તેના વેરની વસુલાત રૂપે તેણીએ ઉપરોક્ત હિચકારું કૃત્ય કર્યું હતું. 

બીજું કે શેરના પ્રથમ મિસરામાં સાહિત્યના અતિશયોક્તિ અલંકારમાં વર્ણવાતી એક રૂઢિગત વાત એમ છે કે કોઈ પ્રેમીને પોતાનો પ્રેમ પામતાં જે કંઈ યાતનાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તેની દાસ્તાન રજૂ કરનાર કે સાંભળનારને એટલું બધું દર્દ આપતી હોય છે કે જાણે કે તેમના શરીરના બાલના છેડેથી લોહી ટપકવા માંડે! શરીરશાસ્ત્ર પ્રમાણે શરીર ઉપરના બાલ તેમનાં મૂળ થકી લોહીનું પોષણ તો જરૂર મેળવે, પણ શરીરની લોહીની નસોની જેમ બાલમાં લોહીનું વહન તો ન જ થાય. પરંતુ અહીં સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં સમજવું પડે કે બાલના છેડાઓમાંથી લોહી ટપકે છે. 

આટલું સમજી લીધા પછી આપણે શેર ઉપર આવીએ. અહીં માશૂકને તેની માશૂકાનો પ્રેમ મેળવવામાં જે કંઈ કષ્ટ વેઠ્યું પડ્યું હતું તેનું બયાન કરતાં માથા અને શરીર ઉપરના બાલોમાંથી લોહી ટપકવા માંડે તેવી તે દર્દનાક હકીકત હોવા છતાં શ્રોતાઓ ઉપર તેની કોઈ અસર ન થાય તે માશૂકના મતે દુ:ખદ બાબત છે. મહેફિલમાં એકત્ર થયેલા માણસો ઉપર માશૂકની કરુણ કથનીનીની ધારી અસર થવી જોઈતી હતી અને માશૂકના ઈશ્ક અંગેની પૂછપરછ કે ચર્ચાઓ પણ થવી જોઈતી હતી. પરંતુ અફસોસ કે હમઝાના કિસ્સાને તો લોકોએ યાદ કર્યો, પણ માશૂકના ઈશ્કની દર્દભરી યાતનાઓ પરત્વે તો સૌ કોઈએ મૌન જ સેવ્યું. અહીં વ્યતિરેક અલંકાર બને છે જેમાં માશૂકના ઈશ્કની વેદનાઓને અમીર હમઝા સાથે થયેલા દુર્વ્યવહાર કરતાં ચડિયાતી બતાવાઈ છે. અહીં માશૂકનું માનવું છે કે અમીર હમઝાને તો શારીરિક યાતનાઓ વેઠવી પડી હતી અને તેમના માર્યા જવા સાથે જ એ યાતનાઓનો અંત આવી ગયો હતો. પરંતુ માશૂકને તો તેમના ઈશ્ક સબબે જે કોઈ મનોયાતનાઓ વેઠવી પડી છે તે તો પોતે જીવિત હોઈ જીવનભર દુ:ખ આપ્યા કરશે. આમ આ શેર મુજબ માશૂકના ઈશ્કની દાસ્તાન હમઝાના કિસ્સા કરતાં વધુ હૃદયદ્રાવક ગણાવી જોઈએ તેવું માશૂકને મન અપેક્ષિત છે.    

ક઼તરા મેં દજલા દિખાઈ દે ઔર જુજ઼્વ મેં કુલ
ખેલ લડ઼કોં કા હુઆ દીદાબીના હુઆ ()

[દજલા (Dijla)= નદી [દજલા એ ટાઈગ્રીસ (Tigris) નદીનું અન્ય ઓળખ નામ છે, જેને અહીં સામાન્ય અર્થમાં નદી માટે પ્રયોજવામાં આવેલ છે.]; જુજ઼્વ= કણ; કુલ= સંપૂર્ણ; દીદા-એ-બીના= નજરે ચઢવું, આંખે દેખાવું]

રસદર્શન :

આ શેરને ચર્ચાની એરણે લેતાં પહેલાં આપણે સૌ આપણા માધ્યમિક શિક્ષણને યાદ કરીએ તો ભૂમિતિમાં કેટલાક પ્રમેયો કોઈક પૂર્વધારણા મૂકીને સિદ્ધ કરવા માટે આગળ વધતા હતા અને છેવટે ખંડ = સમગ્ર એવું સમીકરણ આવતું હતું. ત્યાર પછી આપણે દલીલ આપતા હતા કે ખંડ સમગ્રની બરાબર થઈ શકે નહિ, માટે ‘આપણી ધારણા ખોટી છે’ એમ લખીને પ્રમેય પૂરો કરતા હતા. ગ઼ાલિબ આ શેરમાં ખંડ અને સમગ્રની વાત તો કરે છે, પણ તેનો નજરિયો કંઈક જુદો જ છે. અગાઉ ઉલ્લેખાયું તે મેથેમેટિક્સ હતું, તો અહીં સાહિત્ય છે. અહીં ગ઼ાલિબ પાણીના ટીપામાં નદી અને કણમાં સંપૂર્ણતાને સમજવાની વાત કરે છે. વળી આપણે વિજ્ઞાન ઉપર આવીએ તો નદીના પાણી અને પાણીના બિંદુનું બંધારણ તો એક સમાન H2O જ છે; પણ ટીપું એ ખંડ છે, જ્યારે નદી સમગ્ર છે. આમ ખંડ સમગ્રની બરાબર થઈ શકે નહિ. 

પરંતુ ગ઼ાલિબ જુદા દૃષ્ટિકોણથી વિચારતાં કહે છે કે પાણીના બિંદુ અને સિંધુ જથ્થાની રીતે ભલે ભિન્ન લાગે, પણ તાત્ત્વિક રીતે જોતાં એ સમાન જ છે. આમ નાના કે મોટા પદાર્થોની જેમ નાની કે મોટી વ્યક્તિઓને પણ સમાન ગણવાં જોઈએ. આ માટે ગ઼ાલિબ પહેલા મિસરામાં  કતરા (ટીપું) અને દજલા (નદી) તથા જુજ્વ (કણ) અને કુલ (સંપૂર્ણ)નાં દૃષ્ટાંતો આપીને બીજા મિસરામાં વ્યંગમાં કહે છે કે જો જોનારની આવી દૂરગામી અને વિશાળ દૃષ્ટિ ન હોય તો પછી એ તો નાનાં છોકરાંના ખેલ જેવું સાબિત થશે, નહિ કે આંખથી સ્પષ્ટ પરખાય તેવું હકીકતી! નાનાં છોકરાંમાં તેમની અપરિપક્વતાના કારણે તેમની રમતોમાં કે તેમના દૃષ્ટિકોણમાં   વાસ્તવિકતાઓ, ગંભીરતાઓ અને ઊંડાણનો અભાવ હોય છે તેથી તેમનામાં મોટેરાંઓ જેવી સમજની અપેક્ષા રાખવી વ્યર્થ છે. આમ ગ઼ાલિબ પરોક્ષ રીતે વિશાળ દૃષ્ટિ ન ધરાવતાં મોટેરાંને નાનાં છોકરાં જેવાં ગણાવે છે.       ગુજરાતી ભક્તકવિ નરસિંહ મહેતા પણ પોતાના એક પદમાં ઈશ્વરના સર્વવ્યાપીપણાને સમજાવતાં કહે છે, ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’. આમ ગ઼ાલિબ બીજમાં વૃક્ષ જોવાની જેમ જ બિંદુમાં સિંધુ અને કણમાં મણ જોવાની વાત ચર્ચે છે.                       

થી ખ઼બર ગર્મ કિગ઼ાલિબકે ઉડ઼ેંગે પુર્જ઼ે
દેખને હમ ભી ગએ થે તમાશા હુઆ ()

[પુર્જ઼ે= ટુકડા; પ= પણ; ગર્મ ખ઼બર= તાજી ખબર, સનસનીખેજ ખબર; ઉડ઼ેંગે પુર્જ઼ે= જાહેરમાં ઉધડો લેવાવો]

રસદર્શન :

ગ઼ઝલનો આ મક્તા શેર છે, જે રમૂજી પણ છે અને તેમાં રહેલા વ્યંગની વિચારણા માગી લે તેવો પણ છે. વળી અહીં ગ઼ાલિબ બેવડી ભૂમિકા (Double Role) ભજવતા લાગે છે, પણ તે ચાલાકી પૂર્વક ધારેલો તમાશો ન થયો હોવાનું જણાવીને ડુપ્લીકેટ (!) ગ઼ાલિબની ઉપસ્થિતિને દર્શાવવાનું ટાળે પણ છે. ગ઼ાલિબ કહે છે એવી સનસનીખેજ ખબર હતી કે આજે ચોરાહા ઉપર જાહેરમાં અને લોકોની ઉપસ્થિતિમાં તેમનો ઉધડો લેવાવાનો છે. (શરીરના પુર્જા-અવયવો ઊડવા એ રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે કોઈનો જાહેરમાં ઉધડો લેવાવો.). હવે બીજા મિસરામાં ગ઼ાલિબ જાણે કે મલકતા મુખે કહેતા હોય તેમ જણાવે છે કે ‘અમે પણ તે તમાશો જોવા ગયા હતા, પણ તમાશો થયો જ નહિ!’

આ શેરના ઉપરોક્ત અર્થઘટનથી શેર તમામ થતો નથી, કેમ કે અહીં ‘ગ઼ાલિબનો શા માટે ઉધડો લેવાવાનો છે તે અધ્યાહાર છે. ભાવકે કલ્પના કરવાની રહે છે કે ગ઼ાલિબ એવા કયા ગુનામાં સપડાયા હશે અથવા તેમની શી ભૂલ થઈ હશે કે જેના કારણે જાહેરમાં તેમની ઈજ્જતના ધજાગરા ઊડવાના છે. આમાં ગ઼ાલિબને જાહેરમાં  બદનામ કરવાનો મલિન ઈરાદો ધરાવતા ઈસમો કે ઈસમ ત્રણ પ્રકારના હોઈ શકે. (૧) ગ઼ાલિબના હરીફ શાયરો (૨) ગ઼ાલિબની માશૂકા (૩) લેણદારો. આ ત્રણેય પ્રકારના સંભવિત ઈસમોનાં ગ઼ાલિબને બદનામ કરવાનાં કારણો જુદાં જુદાં હોઈ શકે, પણ આપણે તેમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. અહીં શાયરની કલ્પનામાં મઢાયેલો આ શેર છે અને શાયરના કહેવાના અંદાજમાં રહેલી વિશિષ્ઠતાને જ આપણે સમજવાની છે અને માણવાની છે.    

(સંપૂર્ણ)

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: