RSS

Author Archives: Valibhai Musa

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - https://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - http://musavalibhai.wordpress.com

(631) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૭ (આંશિક ભાગ –૧) હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)


હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૧ થી ૨)


પ્રાસ્તાવિક

ગ઼ાલિબની આ ગ઼ઝલના રસદર્શન પૂર્વે, ગ઼ાલિબના જન્મ પહેલાં લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં જન્મેલા અને તેમની લગભગ ૧૪ વર્ષની ઉંમર થઈ ત્યારે અવસાન પામેલા, વળી જેમને સમકાલીન શાયરોએ ‘ખુદા-એ-સુખન’નો ઈલ્કાબ આપેલો, તેવા મીર તકી મીરને ખાસ તો આ ગ઼ઝલના અનુસંધાને યાદ કરવા જરૂરી બની જાય છે. ગ઼ાલિબ મહાન શાયર હોવા છતાં તેઓ મીર તકી મીરને ખૂબ જ માનસન્માન આપતા હતા, તેના પ્રમાણ રૂપે હું મીર તકી મીરને અનુલક્ષીને લખેલા તેમના બે શેર અહીં આપીશ.    

મીર કે શિ`ર કા અહ્વાલ કહૂં ક્યા ગ઼ાલિબ
જિસ કા દીવાન કમ અજ઼-ગુલ્શન-એ કશ્મીર નહી

(મીરના શેરના અહેવાલ વિષે તો શું કહું, ગ઼ાલિબ? તેમનું દીવાન કાશ્મીરના ગુલિસ્તાનથી કમ નથી.)

રેખતા કે તુમ્હીં ઉસ્તાદ નહીં હો ગ઼ાલિબ,
કહતે હૈં અગલે જ઼માને મેં કોઈ મીર ભી થા

(ઉર્દૂના તમે જ ઉસ્તાદ નથી, ગ઼ાલિબ; લોકો કહે છે કે આગળના જમાનામાં કોઈ મીર પણ હતા.)

કોઈ શાયરની ગ઼ઝલના કોઈ શેરને યથાવત્ જાળવી રાખીને તેના અનુસંધાને ભાવસાતત્યને જાળવી રાખતા પોતાના ત્રણ મિસરા સાથેની રચનાને તઝમીન કહેવામાં આવે છે. આવી તઝમીનની રચનામાં ઉપયોગમાં લેવાયેલા શેરને તફડંચી ગણવામાં આવતી નથી. વળી કોઈ ગ઼ઝલકારની ગ઼ઝલના પ્રખ્યાત રદીફ-કાફિયા અને એ જ બહેર (Metre) પ્રયોજીને તેને મળતી આવતી ગ઼ઝલ રચવી એ ભલે તફડંચી ન ગણાય, પણ   શિષ્ટ તો ન જ ગણાય; આમ છતાંય ઘણીવાર અજાણપણે આવું થઈ જવાના સંભવને નકારી ન શકાય. અહીં આ બધી ચર્ચા કરવાનો આશય માત્ર એટલો જ છે કે ઉર્દૂના પ્રખર વિદ્વાનો પણ આંગળાં કરડે તેવી વાત એ છે કે ગ઼ાલિબે જેમને મનોમન ઉસ્તાદ માન્યા હતા તેવા મીરની એક ગ઼ઝલનાં રદીફ, કાફિયા અને એ જ બહેરને સ્વીકારીને અહીં ચર્ચવામાં આવનાર ગ઼ઝલને લખી છે. નીચે મીરની ગ઼ઝલનો માત્ર મત્લા શેર આપું છું, જે આપવા પાછળનો સરખામણી કરવાનો અહીં કોઈ આશય નથી; માત્ર અને માત્ર કુતૂહલ સંતોષવાનો જ ઈરાદો છે. બંને શાયરો ઊંચી કોટિના છે, એટલે અહીં એ પ્રશ્ન ઊભો નથી જ થતો કે ગ઼ાલિબે મીરની ગ઼ઝલની નકલ કરી હોય! આમ કરવા પાછળ ગ઼ાલિબની માની લીધેલા પોતાના ઉસ્તાદ મીરનો ઋણસ્વીકાર કરવાની ઉદ્દાત ભાવના હોય કે પછી જોગાનોજોગ પણ હોય! જો કે બંને ગ઼ઝલના ભાવ ભિન્ન છે અને તેથી જ તો ગ઼ાલિબ પરત્વેનું આપણું માન ઓર વધી જાય છે, તેમની એ કાબેલિયતના કારણે, કે તે આ ગ઼ઝલમાં ભાવવૈવિધ્ય લાવી શક્યા છે; જેથી બંને ગ઼ઝલ એકબીજીથી સાવ અલગ જ બની રહે છે.

આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ  
(મીર તકી મીર)

[સજ્જાદા-નશીં= નમાજના સિજદાની સ્થિતિમાં હોવું, (અહીં)  કોઈ દરગાહના મુજાવર હોવું;  ક઼ૈસ= મજનૂ; દશ્ત= રણ, જંગલ; જા= જગ્યા]

[કૈસ (મજનૂ) કે જે રણમાં ભટક્યા કરે છે તે મારા પછી થઈ ગયો અને મારા મૃત્યુ બાદ તે મારી કબ્રગાહનો મુજાવર થઈ ગયો. એ રણમાં મારી કોઈ નિશ્ચિત સ્થળે કબ્ર નથી; કેમ કે આખું રણ એ મારી કબ્રમાં ફેરવાઈ ગયું છે, અર્થાત્ આખાય રણમાં કોઈ જગ્યા ખાલી રહેવા પામી નથી. આમ પેલો મજનૂ આખાય રણમાં ગમે તે જગ્યાએ હોય, પણ તે મારી કબ્રગાહનો મજાવર (સેવક) જ લેખાશે.]

હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા
બારે આરામ સે હૈં અહલ-એ-જફ઼ા મેરે બા(ગ઼ાલિબ)

ઉપરોક્ત બંને શેર બંને શાયરોના પોતપોતાની ગ઼ઝલના મત્લા શેર છે. અહીં મીરના ઉપરોક્ત શેર કે તેમની આખી ગ઼ઝલનો સારાંશ, અર્થઘટન કે રસદર્શન આપવાનો કોઈ ઉપક્રમ નથી.  તો ચાલો, આપણે ગ઼ાલિબની ગ઼ઝલ પ્રતિ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ.

* * *

હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા
બારે આરામ સે હૈં અહલ-એ-જફ઼ા મેરે બાદ (૧)

[હુસ્ન= રૂપ, સૌંદર્ય; ગ઼મ્જ઼ે= ઇશ્કી, પ્રેમમાં પડેલું, શૃંગારી, પ્રેમી, કામુક, રસિક નજર નાખ્યા કરવી; કશાકશ= ખીંચાખીંચી, કશ્મકશ; મેરે બા’દ= મારા મૃત્યુ પછી; બારે= છેવટે, આખિરકાર; અહલ-એ-જફ઼ા = મુસીબતો આપનારી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓનો સમૂહ]

ગ઼ઝલનો પ્રથમ શેર મત્લા તરીકે ઓળખાય છે. મેં અગાઉ ક્યાંક કહ્યું છે તેમ મત્લા શેર માત્ર ગ઼ઝલની ઓળખ જ બનતો નથી, પણ એનાથીય વિશેષ એનું કામ છે આગળ રચાનારી ગ઼ઝલના ભાવવિશ્વમાં ચાહકને પદાર્પણ કરાવવાનું. આ શેર એવો દમદાર હોવો અપેક્ષિત હોય છે કે જેથી ગ઼ઝલરસિયો પૂરી ગ઼ઝલને માણવા માટે મજબૂર બની જાય. મત્લા શેરના બંને મિસરામાં રદીફનું હોવું આવશ્યક ગણાય છે, તેમ છતાંય કોઈ ગ઼ઝલકાર માત્ર સાની મિસરામાં જ રદીફ પ્રયોજતા હોય છે.

હવે આપણે આ શેર ઉપર આવીએ તો રદીફ ‘મેરે બા’દ’નો સ્પષ્ટ અર્થ ‘મારા મૃત્યુ બાદ’ એમ જ લેવો પડશે. મૃત્યુ એવી મંઝિલ છે, જ્યાં પહોંચતાં જ જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિ વિષયક પરેશાનીઓનો અંત આવી જતો હોય છે. માશૂકાના ઇશ્કમાં ગિરફ્તાર થયેલો માશૂક એવી તો કશ્મકશભરી વ્યથા અનુભવતો હોય છે કે પોતાની હયાતી સુધી તેને સુખચેન નસીબ નથી થતાં, પરંતુ જેવું મૃત્યુ આવે કે તરત જ એક જ ઝાટકે માશૂકાના હુશ્ન સાથેની તેની આસક્તિનો છેદ ઊડી જતો હોય છે. આથી જ કહેવાય છે કે મૃત્યુ એ લાખ દુ:ખોના નિવારણનો રામબાણ ઈલાજ છે. બીજા મિસરામાં વળી જે મુસીબતો માશૂકને હેરાન પરેશાન કરવા માટે કળ કરતી ન હતી, તે જ મુસીબતો હવે માશૂકના મૃત્યુ બાદ આરામ ફરમાવી રહી છે.

આમ આ શેરમાં શાયરે માશૂકના મૃત્યુ થકી માશૂકા પરત્વેના તેના ઇશ્કની ખેચંખેચનો અંત અને મુસીબતોના કાફલાઓનું આપોઆપ શમન થઈ જતાં દર્શાવીને મૃત્યુને વિજયવંત ઠરાવ્યું છે. વળી ભાષાશાસ્ત્રીય દૃષ્ટિકોણે આ શેરને સમજતાં એમ લાગ્યા વિના નહિ રહે કે શાયરે વ્યંગ્યનો સહારો લઈને એક કડવા સત્યને આપણી સમક્ષ રજૂ કર્યું છે. 

* * *


મનસબ-એ-શેફ઼્તગી કે કોઈ ક઼ાબિલ ન રહા
હુઈ માજ઼ૂલી-એ-અંદાજ઼-ઓ-અદા મેરે બા’
દ (૨)

[મનસબ-એ-શેફ઼્તગી=  મોહ, મુગ્ધતા, વિમૂઢતા, ચિત્ત હરી લેવું, મોહિત કરવું તે; માજ઼ૂલી-એ-અંદાજ઼-ઓ-અદા= નખરાંબાજી અને પ્રેમની રમતમાંથી મુક્ત થઈ જવું.]  

આ શેર સંકુલ છતાં તે સ્પષ્ટ થયેથી સહૃદયી ભાવક તેમાંથી અનેરો લુત્ફ લઈ શકશે. ‘મનસબ’ એ આમ તો રાજદ્વારીય શબ્દ છે. કોઈ રાજાના દરબારમાં માનવંતુ પદ ધરાવનાર કોઈ શખ્સિયત મોભાના મોહમાં બદીવાન થઈને પોતે મુગ્ધતા તો અનુભવે છે અને સાથે સાથે તે અન્યોને પ્રભાવિત પણ કરે છે. પરંતુ આ ઐહિક સુખ તો જીવન છે, ત્યાં સુધી જ માણવાનું  કે ભોગવવાનું રહે છે. આવો સાહેબગીરીનો દબદબો ધરાવતો ઈસમ મૃત્યુ પામ્યા પછી એવો નિ:સહાય બની રહે છે કે તે કશાયને કાબિલ રહેતો નથી. સાપ કાંચળી ઊતારીને આગળ સરકી જાય, તેમ માનવીની રૂહ પણ જગતની મોહમાયા કે સુખદાયક અસ્મિતાઓને અહીં જ છોડી દઈને દેહમાંથી પરવાજ કરી જાય છે.

બીજા મિસરામાં ‘મેરે બાદ’ની બીજી એક સ્થિતિ વર્ણવાઈ છે. આ સ્થિતિ એટલે માશૂકની માશૂકા પરત્વેની દિવાનગી અને સામા પક્ષે માશૂકાની નખરાંબાજી. પ્રેમી યુગલનું અન્યોન્ય સાથેનું સાન્નિધ્ય એવું તો નશીલું હોય છે કે તેઓ ભાન ભૂલી જતાં હોય છે કે કોઈક વખતે તો આ સુખ સમેટાઈ જવાનું છે. આ વખત એટલે મૃત્યુવેળા કે જ્યારે આ પ્રણયખેલ સમાપ્ત થઈ જનાર છે. આમ શાયર તત્ત્વજ્ઞાનીય અંદાજમાં મિથ્યા જગતની ભ્રમણાઓમાં વધારે પડતા લપેટાઈ ન જવાનો એક મનનીય ખ્યાલ પેશ કરે છે. એક સુફી સંતે પણ મૃત્યુની ફિલસુફી સમજાવતાં એક ગહન વાતને સાવ સાદા શબ્દોમાં આમ આપી છે કે માનવી મૃત્યુ પામે કે તરત જ ‘બાકી રહ્યા સો રહ્યા, જી સુણ ભાઈ’ની અણધારી સ્થિતિ સર્જાઈ જતી હોય છે.         

(ક્રમશ: ૨)

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –58)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

(630) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૬ (આંશિક ભાગ –૨) યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

This image has an empty alt attribute; its file name is image.png

યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (શેર ૩ થી ૪)

નજ઼ર લગે ન કહીં ઉસ કે દસ્ત-ઓ-બાજ઼ૂ કો
યે લોગ ક્યૂઁ મિરે જ઼ખ઼્મ-એ-જિગર કો દેખતે હૈં (૩)

[દસ્ત-ઓ-બાજ઼ૂ= હાથ અને બાહુ; જ઼ખ઼્મ-એ-જિગર= જિગરનો ઘાવ]

આ શેરના અર્થઘટન તરફ આગળ વધતાં પહેલાં આપણે ‘નજર લાગવી’ રૂઢિપ્રયોગને સમજી લઈએ કે જેથી શેરને સમજવામાં સહુલિયત રહે. સામાન્ય રીતે અંધશ્રદ્ધામાં માનનારાઓનું માનવું હોય છે કે કોઈ બાળક, સ્ત્રી કે કોઈ ચીજવસ્તુને ટીકીટીકીને જોતા રહેવાથી નજર લાગતી હોય છે, જેના પરિણામે જેને નજર લાગી હોય તેનું કંઈક અશુભ થયા વિના રહે નહિ. આપણા દેશમાં બાળકને સ્નાન કરાવ્યા પછી તેના કાનની બાજુમાં મેંશનું ટપકું કરવામાં આવતું હોય છે. પશ્ચિમના દેશોમાં આવી અંધશ્રદ્ધામાં માનનારા પણ જ્યારે કોઈ બાળકના સૌંદર્યને વખાણતા હોય, ત્યારે વાક્યના અંતે ‘Touch Wood’ કે ‘Knock on wood’ જેવો રૂઢિપ્રયોગ વાપરતા હોય છે કે જેથી પેલા બાળકનું કોઈ અહિત ન થાય.

હવે આપણે સરસ મજાના આ શેર ઉપર આવીએ. માશૂક પોતાની માશૂકા પરત્વે ચિંતિત છે કે તેના નાજુક હાથ  અને સુંદર બાહુઓ ઉપર કોઈની નજર ન લાગી જાય. હવે અહીં એ બાબત વિચારણા માગી લે છે કે માશૂક માશૂકાના નખશિખ પૂર્ણ સૌંદર્યને નજર ન લાગવાનું કહેવાના બદલે તેના માત્ર ‘દસ્ત-ઓ-બાજ઼ૂ’ને એટલે કે તેના માત્ર આ બે અવયવોને જ નજર ન લાગવાનું શા માટે કહેતા હશે! જુઓ, અહીં બહુ જ સૂક્ષ્મ વાત કહેવાય છે, જેને સમજવા માટે આપણે બીજા મિસરા ઉપર જવું પડશે. વળી બીજી નોંધપાત્ર બાબત તો એ છે કે આપણને ત્યાં પણ સ્પષ્ટ રીતે તો એ રહસ્ય જાણવા  નહિ મળે; કેમ કે તે પરોક્ષ  રીતે કહેવાયું છે, જે આપણે માશૂકના કથન ઉપરથી તારવી લેવું પડશે.

બીજા મિસરાનો વાચ્યાર્થ તો એમ જ જણાવશે કે એ (ત્રાહિત) લોકો મારા જિગરના ઘાવને જ કેમ જોયા કરે છે? હવે આપણે બંને મિસરાને સંયુક્તપણે અને તેમાંના ઇંગિત ભાવ સાથે સમજીએ તો માશૂકાએ આ વખતે તો કોણ જાણે કયા કારણે, પણ તેણે ઝનૂનમાં આવી જઈને માશૂકના દિલને તેના કોમળ હાથ અને બાહુઓની તાકાત વડે ઊંડા ઘાવ ઝીંક્યા છે. માશૂકના ઘાયલ જિગરની દયાજનક સ્થિતિને ત્રાહિતો જોયા જ કરે છે અને જાણે કે એમ વિચારે છે કે માશૂકાએ તેના નાજુક હાથોએ આ કેવું હિચકારું કૃત્ય કર્યું છે! અહીં ત્રાહિતોની લાગણીનો માશૂકના દિલમાં પડઘો પડે છે. ત્રાહિતો એક  તરફ માશૂકના જિગરના ઘાવ તરફ જોયા કરે છે અને દયા ખાય છે, તો બીજી તરફ માશૂકાના હાથ અને બાહુના સૌંદર્યને જોઈને આશ્ચર્ય અનુભવે છે. આમ ત્રાહિતો (યે લોગ)ની લાગણીના પ્રતિભાવ રૂપે આ શેર કહેવાયો છે. માશૂક માશૂકાને એટલી હદે ચાહે છે કે તેણીએ પોતાના જિગરને ભલે ઊંડો ઘાવ પહોંચાડ્યો હોય; પણ તેને કોઈની નજર ન લાગવી જોઈએ, તે સલામત રહેવી જોઈએ. અહીં માશૂકનો માશૂકા પરત્વેનો ઉત્કૃષ્ટ પ્રેમ વર્તાય છે.

* * *

તિરે જવાહિર-એ-તુર્ફ઼-એ-કુલહ કો ક્યા દેખેં
હમ ઔજ-એ-તાલા-એ-લાલા-ઓ-ગૌહર કો દેખતે હૈં (૪)

[કુલહ=તાજ, ટોપી; જવાહિર-એ-તુર્ફ઼-એ-કુલહ= તાજની એક બાજુ રત્નજડિત હોવી; ઔજ= તેજ, ઓજસ; ગૌહર (ફા)= મોતી; ઔજ-એ-તાલા-એ-લાલા-ઓ-ગુહર= (૧) માણેક અને મોતીની સમૃદ્ધિનો ઝગમગાટ (૨) હીરા-ઝવેરાતના ભાગ્યની પ્રતિષ્ઠા] 

મારા સુજ્ઞ વાચકોને અહીં મુકાતા મારા બે શબ્દો(!)ને મારી આત્મપ્રશંસા ન સમજવા વિનંતી છે. આ મારી અત્યાર સુધીની ગ઼ાલિબની ૧૮મી ગ઼ઝલના મારા રસદર્શનનો આખરી અને સળંગ ૧૫૭મો  શેર છે. મારા નિખાલસતાપૂર્વકના આનંદ સાથે કહું તો આ શેરના રસદર્શનને આખરી ઓપ આપવા સુધીમાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. બબ્બે દિવસ સુધીના દિવસરાતના મનોમંથન અને ચિંતનના પરિપાકરૂપે અહીં જે મુકાઈ રહ્યું છે, તે મારું એવું પોતીકું અર્થઘટન છે કે જે મારા જેવા અન્ય તફસીરકારોના ઉપલકિયા અથવા તો તેમના નક્કર અર્થઘટનથી શ્રેષ્ઠ તો નહિ, પણ અલગ તો પડે જ છે. આ શેર આમેય સંકુલ હોઈ માત્ર શબ્દાર્થો તેને સમજવા કારગત નીવડી શકે નહિ. 

આ શેરને પ્રથમ વાચ્યાર્થે સમજી લઈને પછી આગળ ઉપર આપણે તેમાંના ગર્ભિત આનંદને માણીશું. પહેલા મિસરામાં માશૂક માશૂકાને કહે છે કે તારા મુગટની એક બાજુએ જડાયેલાં જવાહિરને તો હું શું જોઉં? માશૂકનો આમ કહેવાનો મતલબ એ છે કે એ જવાહિર ગમે તેટલાં મૂલ્યવાન હોય, પણ તેમને જોવામાં કે તેની તારીફ કરવામાં પોતાને કોઈ રસ નથી; કારણ કે પોતાને અપેક્ષિત એવા આકર્ષણનો તેમાં અભાવ છે. બીજા મિસરામાં માશૂક કહે છે અમે તો તેં  ધારણ કરેલા અન્ય અલંકારોમાં જડાયેલાં માણેક અને મોતીના ઓજસ (ઝગમગાટ)ને જોઈ રહ્યા છીએ અને તેમાં જ અમને રસ છે.

હવે કોઈક તફસીરકારોએ બંને મિસરામાંના જરઝવેરાતને ભિન્ન ગણ્યાં નથી અને તેથી તેઓ આ શેરના ઉપલકિયા અર્થઘટનને ગ્રાહ્ય રાખ્યું છે. મારા નમ્ર મતે બંને મિસરામાં સ્વીકારાયેલા એ મૂલ્યવાન અલંકારોમાં સ્થાનભેદ છે. પહેલા મિસરામાંનાં જવાહિર માશૂકાના તાજ ઉપર જડાયેલ છે, જે માશૂકાના અંગને સ્પર્શ્ય નથી. બીજા મિસરામાંનાં ઘરેણાં માશૂકાના અંગઉપાંગ જેવાં કે કપોલપ્રદેશ, કર્ણ, કંઠ, નાસિકા, કલાઈ, કટિપ્રદેશ, હાથપગની અંગુલિઓ, પગની ઘૂંટી (Ankle) આદિ સાથે સ્પર્શ્ય છે. આમ આ સ્થાનભેદથી તાજ સિવાયનાં માશૂકાએ પોતાના બદન ઉપર ધારણ કરેલાં ઘરેણાં માશૂકને વધુ આકર્ષે છે. વળી શાયર આપણને તેથીય વધારે આગળ લઈ જતાં કહે છે કે માત્ર એ સ્થૂળ ઘરેણાં જ નહિ, પણ તેમાંથી પ્રગટતી આભા જ માશૂકની પ્રશંસાને પાત્ર બને છે. અહીં હવે આપણે ગ઼ાલિબની ભવ્યાતિભવ્ય કલ્પના ઉપર વારી જતાં સ્વીકારવું પડશે કે એ આભા એ અલંકારોની સ્વપ્રકાશિત નથી, પણ પરપ્રકાશિત છે. હવે એ કહેવાની જરૂર રહે ખરી કે એ અલંકારોનો ઝગમગાટ કોના પ્રતાપે હોઈ શકે! સામાન્ય રીતે સ્ત્રી જે ઘરેણાં ધારણ કરતી હોય છે, તે પોતાના સૌંદર્યને ઓર દીપાવવા માટે. પરંતુ અહીં શાયર તો અજીબોગરીબ એવી કલ્પના કરે છે કે માશૂકા સ્વયં એટલી બધી સુંદરતમ છે કે તે પોતે જ ઘરેણાંની શોભા બની જાય છે. વળી માશૂકાના વદન અને તનબદનમાંથી પ્રગટતી કાંતિનો ઝગમગાટ જ એવો આંખને આંજી દેનારો છે કે પેલાં સ્થૂળ ઘરેણાં પણ અદૃશ્ય બની જાય છે. આમ માશૂકનું કહેવાનું થાય છે કે ‘તારા તાજ ઉપરનાં જવાહિરને જોવા કરતાં અમને તારા અંગ ઉપર ધારણ કરાયેલાં અને તારા જ સૌંદર્યથી ઝળહળી ઊઠતાં એ ઘરેણાંના ઝગમગાટને માણવો
વધુ પ્રિયકર છે.                                                                                                           (સંપૂર્ણ)                                                                                          

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –107)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

(629) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૫ (આંશિક ભાગ –૧)   યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં (શેર ૧ થી ૨)

યે હમ જો હિજ્ર મેં દીવાર-ઓ-દર કો દેખતે હૈં
કભી સબા કો કભી નામા-બર કો દેખતે હૈં (૧)

[હિજ્ર= જુદાઈ, વિરહ, વિયોગ; દીવાર-ઓ-દર= દિવાલ અને દ્વાર; સબા= વહેલી સવારની શીતળ હવા; નામા-બર= સંદેશાવાહક, કાસદ]

ઉર્દૂની પ્રણયશાયરીમાં ગ઼ાલિબનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે, તેનું એકમેવ કારણ એ છે કે તેમણે તેમના શેરમાં માત્ર માશૂકાની ખૂબસૂરતીની તારીફ જ બયાન નથી કરી; પરંતુ તેમણે માશૂકાના વિરહમાં માશૂકના માનસિક હાલહવાલને આપણાં કલ્પનાચક્ષુ સામે બખૂબી ચિત્રાત્મક રીતે રજૂ કર્યા છે કે જેથી પરોક્ષ રીતે શાબ્દિક વર્ણન વગર પણ એ માશૂકા આપણી નજર સામે સૌંદર્યવાન દેખાઈ આવે.

આ શેરમાં માશૂકની બેચેનીને એવી કલાત્મક રીતે રજૂ કરવામાં આવી છે કે આપણી નજર સામે માશૂકનું એવું શબ્દચિત્ર ખડું થાય છે કે જ્યાં તેઓ વિષાદમય માનસિક સ્થિતિએ પોતાના કમરામાં જાણે કે આંટાફેરા મારી રહ્યા હોય! પ્રથમ મિસરામાં માશૂક માશૂકાની દૂરીના વિરહમાં પોતાના નિવાસસ્થાનની દિવાલ અને દરવાજા સામે વારંવાર જોયા કરે છે. અહીં ‘જો’ નો પ્રયોગ સહેતુક છે, જે દ્વારા માશૂક એ ‘દીવાર-ઓ-દર’ને શા માટે દેખી રહ્યા છે તે આપણને જણાવવા માગે છે.

બીજા મિસરામાં ‘સબા’ એટલે કે ‘પરોઢની શીતળ હવા’ અને ‘નામા-બર’ એટલે કે ‘કાસદ’ એ બેઉને માશૂક વારાફરતી અને આભાસી રીતે જોવાની વાત કરે છે. અહીં પાઠક મૂંઝાશે કે કાસદને તો જોઈ શકાય, પણ અદૃશ્યમાન એવી શીતળ હવાને તો કઈ રીતે જોઈ શકાય! તો સુજ્ઞ વાચકોએ સમજી લેવું પડશે  કે આ કવિતા (Poetry) છે, શાયરી છે; જેમાં માત્ર શબ્દાર્થને ન પકડી રખાય, તેના ઇંગિત અર્થને પણ સમજવો પડે. હવે આપણે સમગ્રતયા આ શેરને સમજીએ. માશૂક કહે છે કે અમારું વારંવાર દિવાલ અને દરવાજાને જોઈ રહેવું અમારા માટે એ કારણે છે કે અમને ઇંતજાર છે, માશૂકાના પયગામને અમારા સુધી લાવનાર કાસદનો. જ્યારે અમારી નજર અમારા કમરાની દિવાલ ઉપરથી ઊંચકાઈને દરવાજા તરફ મંડાય છે, ત્યારે  ઘડીકવાર કાસદ આવી પહોંચ્યાનો અમને આભાસ થાય છે. વળી આભાસી એ કાસદ અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ખુલ્લા દરવાજામાંથી આવતી વહેલી પરોઢની મંદમંદ અને શીતળ હવા અમારા તનને સ્પર્શે છે. આમ આભાસી કાસદ અને વાસ્ત્વિક શીતળ હવા એ બંને જાણે અમારી નજર સામે સંતાકૂકડી રમતાં હોય તેવો અમને આભાસ થયા કરે છે. મારા નમ્ર મતે આ શેરમાં માશૂકની બેચેની અને રાહતને અનુક્રમે કાસદની બિનમોજુદગી અને શીતળ હવાની મોજુદગીનાં પ્રતીકો દ્વારા અભિવ્યક્ત કરવામાં આવ્યાં છે.

જો કે કોઈ મીમાંસકો કાસદ અને શીતળ હવા એમ બેઉને બિનમૌજદગીની સ્થિતિમાં સમજે છે અને એ બેઉનો માશૂક ઇંતજાર કરે છે. આપણે જો એ મતને સ્વીકાર્ય ગણવા માગતા હોઈએ તો તેઓ બંને કાસદ તરીકેની કામગીરી બજાવે છે એમ સ્વીકારવું પડે. હવે વાસ્તવમાં શીતળ હવા તો કાસદ બની શકે નહિ, તેમ છતાંય શાયરની કલ્પનાના સાક્ષી બનીએ તો તે  પણ સંભવ છે. સંસ્કૃત કવિ કાલિદાસના ‘મેઘદૂત’ની જેમ માશૂકા તરફથી આવતી શીતળ હવા પણ સંદેશાની વાહક બની શકે. આમ આ શેર ગ઼ાલિબીયન શૈલીનું યોગ્ય ઉદાહરણ બની રહે છે. ગ઼ાલિબની શાયરીની આ જ તો વિશેષતા છે કે પાઠક જે તે શેરને જે રીતે સમજવા માગે તે રીતે તેને સમજી શકે છે. 

* * *

વો આએ ઘર મેં હમારે ખ઼ુદા કી ક઼ુદરત હૈ
કભી હમ ઉન કો કભી અપને ઘર કો દેખતે હૈં (૨)

[ – ]

ગ઼ાલિબના કેટલાક શિષ્ટ (Classic) શેર પૈકીનો આ શેર છે. વળી તેમાંના બધાય શબ્દો સરળ હોઈ શેર સુગ્રાહ્ય પણ બની રહે છે.  ગ઼ાલિબના કેટલાક સુપ્રસિદ્ધ મક્તા શેરની હરોળમાં આવી શકે તેવો આ શેર હોવા છતાં આ શેર કે બાકીના ત્રણેય શેર પૈકી કોઈ પણ મક્તા શેર (Signature Sher)  નથી, કેમ કે એકેયમાં  ‘અસદ’ કે ‘ગ઼ાલિબ’  એવું નામ કે ઉપનામ (તખલ્લુસ) નથી. દીવાન-એ-ગ઼ાલિબમાં આવી કેટલીક ગ઼ઝલ મળી આવે છે.

હવે આપણે આ શેરને ઊંડાણથી સમજીએ તે પહેલાં જાણી લઈએ કે આ શેરની નોંધપાત્ર હકીકત એ છે કે અહીં માશૂકા સાથેનો ફ઼િરાક઼ (વિયોગ) નહિ, પણ વિસાલ (મિલન) છે. ગ઼ાલિબના માશૂકા સાથેના વિયોગને ઉજાગર કરતા અનેક શેર સામે જવલ્લે મળતા વિસાલને લગતા શેર પૈકીનો આ શેર માશૂકને તો આનંદિત કરે, પરંતુ ભાવક તરીકે આપણે પણ માશૂક સાથે જોડાઈને ખુશી અનુભવીએ છીએ. પ્રથમ મિસરામાં માશૂક કહે છે કે ‘વો’ એટલે કે ‘માશૂકા’ અણધારી રીતે પોતાના ઘરે આવી પહોંચે છે, તે ઘટનાને તેઓ ખુદાની મહેરબાની સમજે છે.

પરંતુ બીજા મિસરામાં માશૂક માશૂકાના આગમનથી ક્ષણિક આનંદ અનુભવ્યા પછી તરત જ મીઠી મૂંઝવણમાં મુકાઈ જાય છે. માશૂકની મૂંઝવણ બે બાબતોને લઈને છે; એક, માશૂકાનું માની ન શકાય તેવું અને જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવતી હતી તેવું તેનું ઓચિંતુ આગમન અને; બે પોતાના ઘરની બેહાલ સ્થિતિ. ઘરની બેહાલ સ્થિતિ અંગે પણ બે અનુમાન કરી શકાય; એક, ઘરનું અતિ સામાન્ય હોવું અને; બે ઘર અવ્યવસ્થિત અને વેરવિખેર હોવું, આમ આવી ઓચિંતી અણધારી પરિસ્થિતિ સર્જાતાં માશૂક એવા તો ડઘાઈ જાય છે કે કોઈક વાર માશૂકા તરફ તો કોઈક વાર તેમના પોતાના ઘર તરફ જોયા કરે છે. આમ આ બીજા મિસરાથી આપણી નજર સમક્ષ માશૂકનું આબેહૂબ શબ્દચિત્ર ખડું થાય છે. અહીં બીજી એક નોંધપાત્ર બાબત આપણા ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે પહેલા શેરના પ્રથમ મિસરામાંના  ‘દીવાર-ઓ-દર’ સાથે આ બીજા શેરના બીજા મિસરાના ઉત્તરાર્ધમાંના ‘ઘર’ શબ્દ સાથે પૂર્વાપાર સંબંધ જણાઈ આવે છે, એમ છતાંય કે બંને શેર સ્વતંત્ર અસ્તિત્વ તો જાળવી જ રાખે છે.         

 (ક્રમશ: ભાગ-૨)   

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –107)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

(628) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૪ (આંશિક ભાગ –૩) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (શેર ૬ થી ૭)

ન હશ્ર-ઓ-નશ્ર કા ક઼ાએલ ન કેશ-ઓ-મિલ્લત કા
ખ઼ુદા કે વાસ્તે ઐસે કી ફિર ક઼સમ ક્યા હૈ (૬)

[હશ્ર= કયામતનો દિવસ; નશ્ર= મદદ; ક઼ાએલ= કબૂલ કે માન્ય કરવું, હશ્ર-ઓ-નશ્ર= કયામતનો દિવસ અને મદદ માટેનું આક્રંદ અને શોરબકોર, મિલ્લત= પંથ; સંપ્રદાય; કેશ-ઓ-મિલ્લત= કૌમનું ઈમાન, કૌમની ધાર્મિક માન્યતા]

ગ઼ાલિબનો સરસ મજાનો આ શેર છે, જેમાં કસમના વજૂદને સમજાવવામાં આવ્યું છે. લોકોમાં સામાન્ય રીતે કસમ ખાવા-ખવડાવવાનો એક રિવાજ હોય છે કે જેમાં સોગંદ ખાનાર વ્યક્તિ જે કંઈ બોલશે તે સાચું જ બોલશે તેમ માની લેવામાં આવતું હોય છે, હાલાં કિ ઘણીવાર માણસ ખોટા સોગંદ પણ ખાતો હોઈ શકે છે. કોર્ટકચેરીઓમાં પણ સોગંદવિધિ પછી જે તે આરોપી કે ફરિયાદીનું નિવેદન લેવામાં આવતું હોય છે. કોઈ માણસ માબાપના નામે, સંતાનના નામે કે પોતાની જાત ઉપરના સોગંદ ખાય તે કરતાં પોતાના ધર્મ ઉપરના ઈમાન, શ્રદ્ધા કે આસ્થાના સોગંદ ખાય તેને વધારે ભરોંસાપાત્ર માનવામાં આવે છે.

આટલી પૂવભૂમિકા પછી આપણે શેર ઉપર આવીએ. ઈસ્લામ મજહબમાં તેમાંની કેટલીક પાયાની માન્યતાઓનો એકરાર કરવો તેને ઈમાન કહેવામાં આવે છે. અહીં અતિવિસ્તારને ખાળવા મિસરામાં સમાવિષ્ટ મુદ્દાઓને જ ધ્યાનમાં લઈએ તો એ છે; કયામતના દિવસને નક્કી સમજવો, એ દિવસે પાપીઓની મદદ માટેની પુકાર સાથેના આક્રંદ અને કોલાહલને સાચાં ગણવાં વગેરે. હવે આ બાબતો તો પારલૌકિક  ગણાય, પણ જીવાતી જિંદગીમાં પોતાની કૌમની ધાર્મિક માન્યતાઓ કે રીતરિવાજોના પાલન માટેની તૈયારીને પણ આવશ્યક સમજવી પડે. હવે આપણે ગ઼ાલિબના મૂળ કથન ઉપર આવીએ તો તેમાં તે કહેવા માગે છે કે હું ઉપરોક્ત કોઈ એક પણ બાબતને કબૂલ જ ન કરતો હોઉં કે તેનું પાલન પણ કરતો ન હોઉં અને છતાંય હું ‘ખુદા કે વાસ્તે’ શબ્દો દ્વારા ખુદાનો વાસ્તો આપીને એટલે કે ખુદાનું નામ વચ્ચે લાવીને કસમ ખાઉં તો એવા કસમનું કોઈ વજૂદ (મહત્ત્વ) રહેતું નથી. આમ શેરને પોતાની જાત ઉપર લઈને ગ઼ાલિબે એવા દાંભિકોની મજમ્મત (નિંદા) કરી છે. 

* * *

વો દાદ-ઓ-દીદ ગરાઁ-માયા શર્ત હૈ હમદમ
વગર્ના મેહર-એ-સુલેમાન-ઓ-જામ-એ-જમ ક્યા હૈ (૭)

[દાદ= પ્રશંસા, સન્માન; દીદ= દર્શન; દાદ-ઓ-દીદ= પ્રશંસા અને દર્શન; ગરાઁ-માયા=મૂલ્યવાન; હમદમ= માશૂકા, મિત્ર, જીવનસાથી, પ્રેમપાત્ર; વગર્ના= નહિ તો; જામ-એ-જમ= ઈરાનના બાદશાહનો જાદુઈ પ્યાલો; મેહર-એ-સુલેમાન= સુલેમાનની મહેરબાની]

ગ઼ાલિબના જ્યાદાતર શેરમાં માશૂકા તરફી ગિલાશિક્વા જોવા મળે છે, ત્યારે આ શેર માશૂકા પરત્વેનો અહોભાવ પ્રગટ કરે છે. પ્રથમ મિસરામાંના માશૂકના હકારાત્મક વિધાનથી આપણને પણ અહોભાવની લાગણી થાય છે. માશૂક અને માશૂકા વચ્ચેના સંબંધમાં અહીં તંગદિલી નથી, તાલમેલ છે. બંને એકબીજાંને દર્શન (મુલકાત) આપવા માટે ઉત્સુક હોવા ઉપરાંત બંને એકબીજાંને દાદ (માનસન્માન) પણ આપે છે. સાચાં પ્રેમીઓ વચ્ચે આવો સુમેળભર્યો વ્યવહાર હોવો એ આવશ્યક શર્ત હોય છે, જે અહીં પરિપૂર્ણ થાય છે. આમ માશૂકના માશૂકા તરફી  પ્રેમભાવમાં સામંજસ્ય હોઈ તેઓ તેને અતિ મૂલ્યવાન ગણે છે.

બીજા મિસરામાં માશૂકના માશૂકા સાથેના પ્રેમસંબંધના મૂલ્યની માત્રા નક્કી થવા માટે  બે ઉદાહરણો અપાય છે; એક, ઈસ્લામના પયગંબર સુલેમાનની મહેરબાની અને બે, ઈરાનના મશહૂર બાદશાહ જમશેદનો કિંમતી જાદુઈ  પ્યાલો. હવે આ બે ઉદાહરણોને ઊંડાણથી સમજવા પહેલાં એક આડવાત કરી લઈએ. શેર-ઓ-શાયરીમાં કોઈ ઐતિહાસિક, પૌરાણિક, દંતકથાકીય કે પ્રેમકહાણીઓનો ઉલ્લેખ કરવામાં આવે તેને ‘તલ્મીહ’ કહેવામાં આવે છે. આ ‘તલ્મીહ’ શબ્દોમાં  ઉલ્લેખાયેલાં પાત્રો વિષેની આપણને જાણકારી ન થાય, ત્યાં સુધી એ આખો શેર આપણને સમજાય નહિ.

અહીં ‘જામ-એ-જમ’ને હું અહીં સંક્ષિપ્તમાં જ સમજાવીશ, કેમ કે અગાઉ ‘હુઈ ઇસ દૌર મેં મંસૂબ મુઝ સે બાદા-આશામી, ફિર આયા વો જ઼માના જો જહાઁ મેં જામ-એ-જમ નિકલે’ શેરમાં વિસ્તારથી બતાવી ચૂક્યો છું. પર્શિયાના હકીમોએ એક એવો સાત બંગડીવાળો જાદુઈ પ્યાલો તૈયાર કરીને બાદશાહ જમશેદને ભેટ ધર્યો હતો, કે જેની અંદર જોવાથી સાત જન્નતોને આંખો સમક્ષ જોઈ શકાતી હતી. એ જ રીતે સુલેમાન પયગંબરને અલ્લાહે અનેક બક્ષિસો આપી હતી, જેવી કે પ્રાણીઓની ભાષા સમજવી, જિન્નાતો ઉપર કાબૂ પ્રાપ્ત થવો, શસ્ત્રો બનાવવા માટે તાંબાની ખાણ મળવી, ઊડતું તખ્ત હોવું વગેરે; જેમાં અપાર ધનદોલતનો પણ સમાવેશ થતો હતો. હવે એ પયગંબર કોઈ ઉપર મહેરબાન થાય તો તેને પણ માલામાલ કરી શકે. આમ બંને ઉદાહરણોમાં એ બેઉનું બહુમૂલ્ય બતાવાયું છે.

હવે આખા શેરને સમગ્રતયા સમજીએ તો માશૂક કહે છે કે મારી માશૂકા સાથેની મહોબ્બત અને અમારી એકબીજાં પરત્વેની ઓતપ્રોતતા એટલાં બધાં મૂલ્યવાન છે કે તેની સામે સુલેમાન પયગંબરની મહેરબાની કે જમશેદનો પ્યાલો કોઈ વિસાતમાં નથી.                                                             

(સંપૂર્ણ)

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –217)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન

 

(627) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૩ (આંશિક ભાગ –૨) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (શેર ૪ થી ૫)

કટે તો શબ કહેં કાટે તો સાઁપ કહલાવે
કોઈ બતાઓ કિ  વો જ઼ુલ્ફ઼-એ-ખ઼મ-બ-ખ઼મ ક્યા હૈ (૪)

[શબ= રાત્રિ; સાઁપ= સાપ; ખ઼મ= વાંકાપણું; ઝુકાવ; જ઼ુલ્ફ઼-એ-ખ઼મ-બ-ખ઼મ= વાંકડિયા બાલ]

ગ઼ાલિબનો આ શેર પ્રથમ દૃષ્ટિએ ઉખાણા કે કોયડા જેવો લાગશે, પણ  વાસ્તવમાં એમ નથી; જેની પ્રતીતિ આપણને બીજા મિસરાથી થશે. ઉખાણામાં ચાવીરૂપ વર્ણન દ્વારા જે તે પદાર્થ કે વસ્તુ કઈ હશે તે પૂછવામાં આવતું હોય છે, જ્યારે અહીં બીજા મિસરામાંની હકીકત પહેલા મિસરાની બે બાબતો પૈકીની કઈ સમજવી તે  માશૂક દ્વારા ભાવકને  પૂછવામાં આવ્યું છે. વળી ગ઼ાલિબની પોતાના ઘણા શેરમાં ‘કોઈ બતાઓ’ કે ‘કોઈ બતલાઓ’ જેવા પ્રશ્નો મૂકવાની ખાસિયત છે.  મને યાદ આવે છે, આ  શેર : “પૂછતે હૈં વો કિ ‘ગ઼ાલિબ’ કૌન હૈ, કોઈ બતલાઓ કિ હમ બતલાએઁ ક્યા” 

હવે આ શેરને સમજવા માટે આપણે બીજા મિસરાને પહેલો હાથ ધરવો પડશે. માશૂક પોતાની માશૂકાના વાંકડિયા બાલ એ શું છે, તેનો જવાબ મેળવવા માટે પહેલા મિસરામાં બે વિક્લ્પ આપી જ દે છે. વળી ‘વાંકડિયા બાલ’ એ તો માત્ર પ્રતીકાત્મક છે, પરંતુ એ દ્વારા વાત તો થઈ રહી છે માશૂકા પરત્વેની મહોબ્બતની. હવે આ મહોબ્બત કેવી હોઈ શકે, તેના માટેની બે શક્યતાઓ છે;  હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મકમાં  માશૂકા માશૂકને એટલી જ ચાહે કે જેટલો માશૂક તેને ચાહે છે. નકારાત્મકમાં માશૂકનો એકતરફી જ ઇશ્ક હોય અને માશૂકા જરાય ભાવ ન આપે.

બીજા મિસરાની ઉપરોક્ત ચર્ચા પછી આપણે પહેલા મિસરા ઉપર આવીએ તે પહેલાં રાત્રિના મહત્ત્વને સમજી લઈએ. સામાન્ય રીતે રાત્રિને તો સુખાદાતા જ  તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ કોના માટે કે જેનું ચિત્ત શાંત હોય; ઉદ્વેગયુક્ત મનને એ રાત્રિ ગોઝારી જ લાગતી હોય છે. હવે આપણે બંને મિસરાને સાંકળીને સમજીએ તો માશૂક એમ કહેવા માગે  છે કે જો માશૂકા સાથેનો સંબંધ સુમેળભર્યો હોય તો રાત આસાનીથી ચિર નિદ્રામાં પસાર થઈ જાય છે. અહીં ‘કટે’ એટલે ‘રાત્રિનું પસાર થઈ જવું’, જેનો અભિપ્રેત અર્થ તો એ જ છે કે રાત્રિ એ રીતે સુખચેનથી પસાર થઈ જાય, તો જ તેને રાત્રિ કહેવાય. હવે આ મિસરાના ઉત્તરાર્ધને આપણે સમજીએ તો એ જ રાત્રિ માશૂકા તરફની અવહેલના હોય તેવા સંજોગોમાં સાપની જેમ ડંખ દેતી હોય છે અને કરવટો બદલવામાં જ તે પસાર થતી હોય છે. આમ માશૂકાના વાંકડિયા બાલની ખૂબસૂરતીને માશૂકે સુખચેનથી પસાર થતી રાત્રિ સમજવી કે પછી એ જ રાતને  ડંખીલા સાપ સમાન ગણવી તેવી મૂંઝવણનો ઉત્તર ‘કોઈ’ પાસેથી અપેક્ષિત છે. ગ઼ાલિબની ‘કટે’ અને ‘કાટે’ની શબ્દરમત વળી પાછી આ શેરમાં જોવા મળે છે. ઉપર પહેલા ફકરામાંના મક્તા  શેરવાળી એ જ ગ઼ઝલનો અન્ય એક શેર જોઈએ : લાગ હો તો ઉસ કો હમ સમઝેં લગાવ, જબ ન હો કુછ ભી તો ધોકા ખાએઁ ક્યા’ આમાં પણ આપણા માટે ‘લાગ’ અને ‘લગાવ’ની શબ્દપ્રયોજના આનંદપ્રદ બની રહે છે.

* * *

લિખા કરે કોઈ અહકામ-એ-તાલા-એ-મૌલૂદ
કિસે ખ઼બર હૈ કિ વાઁ જુમ્બિશ-એ-ક઼લમ ક્યા હૈ (૫)

[અહકામ=આજ્ઞાઓ; હુકમો, નિયમો ફરજપાલન; તાલા= તાળું, (અહીં) પાબંધી, મનાઈ; મૌલૂદ= જન્મેલું બાળક; અહકામ-એ-તાલા-એ-મૌલૂદ= કોઈ શુકનવંતી પળે જન્મેલા બાળક માટેની પાબંધી; જુમ્બિશ-એ-ક઼લમ= કલમનું કંપવું કે તેની હલચલ]

હું અગાઉ કહી ચૂક્યો છું કે ગ઼ાલિબ માત્ર ઇશ્ક-મહોબ્બતના શાયર નથી, પરંતુ તેમની કલમ માનવજીવનનાં વિવિધ પાસાંઓને પણ ખેડી ચૂકી છે. અહીં આ ગ઼ઝલમાં ગ઼ાલિબે બાળમાનસને તેમની અજીબોગરીબ કલ્પના વડે એવી રીતે આપણી સમક્ષ ધર્યું છે કે આપણે તેમના ઉપર વારી જઈએ. અહીં એવા બાળકની વાત કરવામાં આવી છે કે તે ધન્ય એવી કોઈ પળે જન્મ્યું છે અને તેનાં વાલદૈન (માતાપિતા) તેને શુકનવંતુ સમજીને તેની સલામતી અને આરોગ્ય માટેના કેટલાક નીતિનિયમો દ્વારા તેના ઉપર કોઈ  પાબંધીઓ લાદે છે. હવે અહીં આપણે એ વિચારી શકીએ કે એ શુકનવંતા બાળકને  પોતાને  તો કોઈ એવી કોઈ ખબર ન હોય  કે તે શુકનવંતુ છે અને તેને કોઈ હાનિ ન પહોંચે એટલા માટે તેના ઉપર નિયમન લાદવામાં આવી રહ્યું છે. એને તો બસ  મોકળી રીતે ધિંગામસ્તી કે તોફાનો કરવાં છે, દોડધામ કે કૂદાકૂદ  કરવી છે અને બાલસહજ આનંદ લૂટવો છે.

હવે બીજા મિસરામાં સજીવારોપણ અલંકારમાં ગ઼ાલિબે પેલી કલમ કે જે પેલા બાળકની સ્વતંત્રતાને નિયમનમાં રાખવા માટેના જે નીતિનિયમો લખે છે તેને કંપતી કલ્પી છે. પેલા નિર્દોષ બાળક માટેના સખ્તાઈના હૂકમો લખતી એ કલમ પણ ધ્રૂજી ઊઠે છે એ વિચારીને કે આ તો એ બાળક ઉપર જૂલ્મ થઈ રહ્યો છે. આમ એક તરફ જીવંત એવાં એ બાળકનાં વાલદૈન કે અન્ય કોઈ છે, તો બીજી તરફ અચેતન એવી એ કલમ છે. આ બંને પૈકી શાયરે અચેતન એવી કલમને વધારે સંવેદનશીલ બતાવી છે. આવી કલ્પનાઓ કરવી એ શાયરો કે કવિઓને મળેલા વિશિષ્ટ અધિકારો છે. તેઓ જડને ચેતન અને ચેતનને જડ પણ બનાવી શકે છે. અહીં આપણે ગુજરાતી કવિ નિરંજન ભગતના કાવ્ય ‘પથ્થર થરથર ધ્રૂજે’ને યાદ કરી શકીએ.             

                                    (ક્રમશ: ભાગ-૩)

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –217)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *