RSS

Category Archives: અછાંદસ

(૫૦૮) “ચબરાક શ્રેણીબંધ હત્યારો” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૬) -વલીભાઈ મુસા

ચબરાક શ્રેણીબંધ હત્યારો (ભાવાનુવાદ)

(અછાંદસ)

આડેધડ,

અણધાર્યા
અને મનફાવે તેમ એ કરે પ્રહાર.

પોલીસ દફ્તરે,
ન ખૂની હોવાનું કોઈ રેખાચિત્ર
યા કોઈ ગવાહ –

ઉદ્દેશવિહીન,
ઢબ એક જ
ને એક જ કાર્યરીતિ.

કડી કોઈ છોડે નહિ,
ચેતવણી કે
આંગળાંનાં નિશાન પણ નહીં –

આગમનનો અણસાર પણ નહિ,
છાનોછપનો અને
અભેદભાવે સૌને હણે એકસરખો.

વિચારમાત્રે તેઉ તણી ઉપસ્થિતિના એકદા,
હલબલી ઊઠું નિજ ચેતાતંત્રે ને સાક્ષાત્ ભાળું હું નિજ અંત્યેષ્ટિક્રિયા !

એ આવી પહોંચે ચૂપચાપ ને વળી ચાપલ્યે,
એવા બાહોશ સેનાધ્યક્ષની જેમ,
મુજ માંસ અગ્નિસંસ્કાર તણી આગમાં ગળવા પૂર્વે
ફંગોળી દે મુજ આત્માને –
સ્વર્ગ મહીં, કે જ્યાં મારું નવજીવન થાય શરૂ ફરી !

અને એ હત્યારો અવિરત હત્યાઓ કરતો રહે ફરીફરી;
અહો, કેવું વણઉકલ્યું રહસ્ય રહેતું એ સર્વદા !

આશાવાદી બની રહું કે હવે પછીનો મુજ ઘડોલાડવો
આખરી બની રહે અને પ્રતીક્ષા કરતો રહું
તોય એની હજુય વળી એક વાર !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

The elusive serial killer

strikes randomly
unexpectedly and
arbitrarily
has no police record
killer profile or
witnesses –

no motive
a pattern or
a modus operandi –
leaves no clues
warnings or
fingerprints –

is unpredictable
clandestine and
Indifferent

sensing his presence one day
I felt the funeral in my Brain
with the stealth and skill
of a shogun samurai – before
the inferno could engulf my flesh –

he hurled my soul into
the heavens to begin my new life –

all over again while he continues to kill
the mystery remains unsolved

hoping my next encounter to be
my last – I wait for him – again

​​​​​​– Vijay Joshi

* * * * *

સંક્ષેપ :

આ કાવ્ય અવિરત ચાલ્યે જતા જન્મ અને પુનર્જન્મના ચક્રને સમજાવે છે, જેમાં મૃત્યુને શ્રેણીબંધ હત્યાઓ કરતા હત્યારા તરીકેનું રૂપક આપવામાં આવ્યું છે. વળી મૃત્યુની ધાસ્તી જ એવી છે કે તેનો વિચારમાત્ર કરતાં જીવાત્માનું ચેતાતંત્ર ભયની કંપારી અનુભવે છે અને ખરે જ પોતાની નજર સામે જ પોતાની અંતિમવિધિ થઈ રહી હોય તેવો આભાસ તેને થતો હોય છે.

કવિએ એમિલિ ડિક્સનના એક કાવ્યના કથન ‘I felt the funeral in my Brain’ને આબેહૂબ રીતે પોતાના આ કાવ્યમાં સાંકળી લીધું છે. ‘જે જાયું તે જાય’ ઉક્તિ અનુસાર જીવમાત્રને મૃત્યુ તો કદીય છોડનાર નથી. મૃત્યુનો દેવતા યમરાજ કે મલેકુલ મૌત કોઈ નર કે નારીને પોતાના ક્રૂર પંજામાં જકડી લે છે; ત્યારે તે વ્યક્તિ તો એમ જ ઝંખતી હોય છે કે આ પોતાનો આખરી જન્મ અને આખરી મોત હોય અને જન્મમરણના ચક્રમાંથી મુક્ત બનીને પોતે મોક્ષ પ્રાપ્ત કરે. પરંતુ હિંદુ ફિલિસોફી મુજબ કર્મોનો હિસાબ સરભર ન થાય ત્યાંસુધી જન્મમરણનું આ ચક્ર ચાલ્યા જ કરતું હોય છે.

કવિએ મૃત્યુના દેવતાને શ્રેણીબંધ હત્યાઓ કરતા હત્યારા તરીકે ઓળખાવતાં તેની કાબેલિયતને પણ દર્શાવી છે. ચબરાક હત્યારો હત્યાને અંજામ આપવાનું કામ બખૂબી નિભાવતો હોય છે, બસ તેમ જ મૃત્યુ પણ ચૂપચાપ આવીને કોઈપણ જીવની જિંદગીને સમાપ્ત કરી દે છે.

અનોખા વિષય ઉપરનું અનોખું આ કાવ્ય ખરે જ આપણા ચિત્ત ઉપર ઘેરી અસર કરે છે અને માનવજીવનની ક્ષણભંગુરતાને સુપેરે સમજાવે છે.

-વલીભાઈ મુસા (સંક્ષેપકાર)

* * * * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER

 

 

Tags: ,

(૫૦૬) “વણલખ્યું” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૫) -વલીભાઈ મુસા

વણલખ્યું

(અછાંદસ)

સઘળે ફરી વળ્યો શબ્દોને ખોળવા
જડી ગયા ભોંયતળિયે, વેરાયેલા.

કોઈ પ્રેમાળ, કોઈ દ્વેષીલા;
કોઈ વળી સૌમ્ય, તો કોઈ વળી ભાવતા.

કેટલાક આનંદી, કેટલાક દુખિયારા;
કોઈક તો સાચુકલા, સીધા ને સાદા.

કોક તો હતાશ વળી, કોક તો આશભર્યા;
કોક સાવ જૂઠડા જ લીસા ઢોળાવ સમ.

કોઈક વળી ગંભીર, તો કોઈ સાવ રમૂજી;
કોઈ ખૂબ વાલીડા, ને કોઈક તો કશામાં નંઈ.

કોઈ કોઈ મળતાવડા, કોઈ કોઈ મતભેદિયા;
કોઈ વળી લહેરી, તો કોઈક સાવ રોતલ.

કેટલાક ટચુકડા, તો કેટલાક લંબુજી;
ને કોક વળી મરતલ, તો કોક વળી ભડવીર.

કોક તો લેખામાં નંઈ, કોઈક વળી ભાવતા;
કોઈ સાવ મસ્તરામ, તો કોક વળી ભારી વેંઢારવા.

આપણાં લોક જ્યમ, તેઓ શ્વસતા-સંવેદતા;
ને હડધૂત જો કરીએ તો દુભાય ઘણેરા બાપડા.

મુજ કાવ્ય જ્યાં બે તૃતીયાંશ માત્ર સર્જાયું,
ને નીચો વળ્યો ઢૂંઢવા કોઈક અદકેરા શબ્દ.

પીડાભરી ચીસ થકી સહસા એ શબ્દોએ
બુમરાણ એવી તો મચાવી

કે ‘બસ કરો સતામણી ને
છોડી દો તવ કવિતા અધૂરી.

મુક્ત તો છીએ અમે, ભલે વેરાયેલા હોઈએ.
ભોંયતળિયે અમને છોડી દો, રહેવા દો અમને,

બસ એમ જ રહેવા દો.’

– વિજય જોશી (કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Unwritten 

Went looking for words to explore,
found them scattered on the floor.

Some with love, some with hate,
some quite bland, some with taste.

some with joy, some with pain,
some with truth, simple and plain.

some with despair, some with hope,
some with lies on a slippery slope.

some quite serious, some had fun,
some had respect, some had none.

some consenting, some dissenting,
some rejoicing, some lamenting.

some pretty short, some pretty long,
some quite weak, some quite strong.

some were ignored, some adored,
some were amused, some bored.

like people – they breath, they feel,
if abused, they are hurt a great deal.

As the poem was done only two thirds,
I reached down to get more words.

suddenly words screamed in agony,
stop the torture, spare the poetry.

free we are, scattered we might be,
Leave us on the floor, leave us be.

Just leave us be.

–  Vijay Joshi

* * * * *

નોંધ : – આ કાવ્ય સ્વયં-સ્પષ્ટ હોઈ તેનો સંક્ષેપ (Synopsis) આપવામાં આવ્યો નથી.

* * * * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

Tags: , ,

(૫૦૫) “મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં) : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૨)

મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં)

(ભાવાનુવાદ)

એ.કે.૪૭ની ગોળીઓની વર્ષા તણી એ રમઝટે,
સ્વાત, પાકિસ્તાનના એ દાંતાળા મારગડે,
એકલાઅટૂલાએ જ્યાં ધૈર્ય ધરવું કઠિન,
એવા વનરાવને એ નાનકડી કિશોરી,
નિજ વૅનમાં,
હુમલા સામેના પ્રતિકાર તણો પડકાર ઝીલી લે
ને ન થાય આધીન એ ઘાતકી ઘેલછાઓને;
બની નિ:સંકોચ
અને વળી મુક્ત વિશ્વ તણા મુક્ત માનવીની જ્યમ
રહી નિર્ભયા, ન જરાય ઝૂકતી !
ઊભી રહી અડીખમ વૈષમ્ય સામે સ્મિતસહ
અને ચીંધ્યો મારગ સાવ સાચો જગતને;
શાંતતા અને અધિકાર રક્ષવા,
રહી ઊભી ટટ્ટાર નતમસ્તકે
અને બોલાવ્યો જયજયકાર –
જ્ઞાન, શાંતિ અને જ્યોતિ તણો;
વળી જુલમગાર અને રક્તપાતી શાસન તણા
અંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

To Malala (On receiving the Nobel prize)

Among the bullety bushes of AK 47
where it’s hard to be composed and one
at a forked road in Swat, Pakistan
a tiny girl when attacked in a van
chose to resist and not to be tamed
the whims of cruelty and not be ashamed
as a free human being of a free world
remained fearless, never be curled
she stood with a smile against the odd
and showed the world the right road
For peace and rights stood upright
hailed the knowledge, peace and light
became the torch in the darkened zone
a midst the tyrannical bloody throne
– Mukesh Raval 

* * * * *

રસદર્શન

સાહિત્યકાર પોતાનાં સર્જનોમાં સુખદ કે દુ:ખદ ઘટતી એવી સામાજિક સાંપ્રત ઘટનાઓથી અલિપ્ત રહી શકે નહિ. એમાંય વળી કવિજીવ તો ગણાય, સાવ સંવેદનશીલ; અને તેથી જ તો આપણા કવિ પાકિસ્તાનની સ્વાત ખીણની માત્ર ૧૭ જ વર્ષની કિશોરી મલાલા યુસુફઝઈ કે જેણે આતંકવાદીઓ સામે અડીખમ ઊભી રહીને જે શૌર્ય બતાવ્યું હતું અને જે બદલ તેને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું એ ઘટનાને વિષય બનાવીને આપણને આ કાવ્ય આપે છે. ૨૦૧૪નું આ નોબલ પ્રાઈઝ ભારતના ‘બચપન બચાવો આંદોલન’ના વાહક શ્રી કૈલાશ સત્યાર્થી અને સ્ત્રીશિક્ષણની પુરસ્કર્તા આ મલાલાને સંયુક્ત રીતે અપાયું હતું. તાલિબાન દ્વારા સ્વાત ખીણમાં છોકરીઓના અભ્યાસ ન કરવાના ફતવાનો ઉલ્લઘંન કરતાં મલાલાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેના આ પ્રતિકારથી છંછેડાયેલા આતંકવાદીઓએ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

આ અગાઉ આતંકવાદના વિષયે ‘ચાલો ને આપણે…’ કાવ્ય આપી ચૂકેલા કવિનું મલાલાના શૌર્યને બિરદાવતું આ પ્રશસ્તિકાવ્ય છે. આતંકવાદીઓની રાઈફલની ગોળીઓ વચ્ચે આ કિશોરીએ ફના થઈ જવાની તત્પરતા બતાવી એ દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું દૃઢ હશે. માર્ગ ભૂલેલા એ અધમ ધર્માંધો ધર્મના ઠેકેદાર બનીને બળજબરીપૂર્વક કોઈના ઉપર પોતાના આપખુદી વિચારો લાદવાનો પ્રયત્ન કરે તેને જુલ્મ જ કહેવાય. એ કહેવાતા મુસલમાનો એ ભૂલી જાય છે કે કુરઆને પાકમાં સ્પષ્ટ આયત છે કે અલ્લાહ જુલ્મગારોને પસંદ કરતો નથી અને એ પણ આદેશ છે કે મજહબના સ્વીકાર કે પાલન માટે બળજબરીને કોઈ સ્થાન નથી. મલાલાની સ્ત્રીશિક્ષણની તરફદારી એ કંઈ ગુન્હો નથી, કેમ કે કુરઆને શરીફમાં અને ઈસ્લામના પયગંબરની હદીસમાં દરેક સ્ત્રીપુરુષ માટે ઈલ્મ (જ્ઞાન) પ્રાપ્ત કરવાનું વાજીબ (ફરજિયાત) ઠરાવવામાં આવ્યું છે; પછી એ શિક્ષણ દીની હોય કે દુન્યવી. સ્વાતના ભયજનક એવા ખીણપ્રદેશમાં માનવતાના દુશ્મનો સામે નમતું જોખ્યા વગર મલાલાએ ગોળીઓથી વીંધાઈને જગતને જ્ઞાન અને શાંતિનો માર્ગ ચીંધ્યો. આમ જોઈએ તો મલાલાની આ અહિંસક લડત હતી, એણે પ્રતિકાર કરવા કોઈ હથિયાર ધારણ નહોતું કર્યું, પણ ગોળીઓને ઝીલવા માટે પોતાના તનબદનને સામે ધરી દીધું હતું. સદ્ભાગ્યે એ મરણશરણ તો ન થઈ, પણ એને પ્રાણઘાતક ઈજાઓ તો જરૂર થઈ હતી અને તે માટે એને વિદેશમાં સારવાર પણ લેવી પડી હતી.

કાવ્યસમાપને મુકાયેલી આ કડી : “જુલમગાર અને રક્તપાતી શાસન તણા અંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી !”માં કવિએ મલાલાને મશાલનું રૂપક આપીને તેને ગૌરવ પ્રદાન કર્યું છે. જ્યાં જુલ્મ થતો હોય અને રક્તપાતનું શાસન ચાલતું હોય એ અંધારો પ્રદેશ કહેવાય અને એ અંધકારને મિટાવવા માટે જ્ઞાન અને સમજનો પ્રકાશ જોઈએ. મલાલાએ મશાલ બનીને લોકોને જાગૃતિનો પ્રકાશ પૂરો પાડ્યો. નૉબલ પુરસ્કારના અધિષ્ઠાતાઓએ મલાલાને જે માન સન્માન આપ્યું તેની અસર પેલા આતંકવાદીઓના માનસ ઉપર અવશ્ય પડી હશે. તેમને એ વાતની પ્રતીતિ થઈ જ હશે કે જગત સુકર્મોની અવશ્ય નોંધ લે છે અને દુષ્કર્મોને ધિક્કારે છે.

માનવ્ય પરત્વે અહોભાવની લાગણી જન્માવતા કવિના આ કાવ્ય બદલ તેમને ધન્યવાદ.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭


પુસ્તક પ્રાપ્તિ :

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , , , ,

(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)

Pain Tree

The fruits of pain

on every branch,

swinging with the moves

swaying with the limbs

like the apples sway and swing

on Apple Tree.

The apples of pain,

tasty n mouth watering

release balmy fragrance

that senses love boundlessly.

these pains are the fruits

of wisdom.

They realize me every moment

That I am human and hollow,

anyone can put drumsticks on me.

Their sweet bites, strong crackles,

soar stings and mild clatters

are the lessons of life.

They are the memorabilia

of my existence.

-Mukesh Raval

* * * * *

વેદનાનું વૃક્ષ

(અછાંદસ)

વેદનાનાં ફળ –

હર શાખે શાખે,

ઝૂલતાં ને હાલતાં

હાલતાં ને ઝૂમતાં

અંગ અંગ સંગ,

જ્યમ ઝૂલતાં ને ઝૂમતાં

સફરજન નિજ ઝાડવે.

વેદનાનાં ફળ –

લિજ્જતદાર

ને વળી

મુખમાં પાણી લાવે

સૌમ્ય સુગંધ પ્રસારે

સ્નેહ અપાર બતાવે.

આ વેદનાઓ તો

ડહાપણનાં ફળ

જે હર પળે યાદ અપાવે

કે હું માનવ છું ને પોલો પણ,

હરકોઈ દાંડી પીટી શકે મુજ પર !

તેઉનાં મધુરાં બચકાં

ને તીવ્રતર તડતડ ધ્વનિ

સ્વૈરવિહારી ડંખ અને હળવો ખડખડાટ

એ સઘળા છે

જીવનના પાઠો.

એ સઘળાં છે

યાદગાર તથ્યો

મુજ અસ્તિત્વનાં.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

રસદર્શન

વિષયવૈવિધ્ય હોય અને વળી વિષયો પણ પાછા કલ્પનાતીત હોય એવાં કાવ્યો આપવામાં માહિર એવા કવિશ્રી મુકેશ રાવલનું આ કાવ્ય પણ વાચકો માટે મનભાવન બની રહે તેમ છે. માનવજીવનમાં પરસ્પર વિરોધી એવી ઘણી બાબતો સમાવિષ્ટ હોય છે; જેવી કે જન્મ-મરણ, અમીરી-ગરીબી, બીમારી-તંદુરસ્તી વગેરે. સ્વાભાવિક છે કે માનવી સુખદ બાબતોથી પ્રસન્નતા અનુભવે અને દુ:ખદ બાબતોથી ગમગીન રહે. જો કે સુખ અને દુ:ખ સાપેક્ષ છે. કોઈ એક જ ઘટના માનવીમાનવીએ રુચિ અને પરિસ્થિતિની વિભિન્નતાના કારણે કોઈને સુખ આપે તો કોઈને દુ:ખ આપે. સુખ તો સૌ કોઈને ગમે, પણ અહીં કવિ દુ:ખને અને દુ:ખની વેદનાને પણ સુખદ હોવા તરીકે સમજાવે છે.

વિલિયમ શેક્સપિયરના એક નાટકમાં અવતરણ છે કે ‘Sweet are the uses of adversities’ અર્થાત્ વિષમ પરિસ્થિતિઓને પણ સુખદ સ્થિતિમાં પરિવર્તિત કરી શકાય છે. અહીં કવિએ ‘વેદના’ને એક વૃક્ષ તરીકે કલ્પીને તેના ઉપર પરિણામ રૂપે બાઝતાં ફળોને સફરજનનાં ફળો સાથે સરખાવ્યાં છે. સફરજનના ઝાડ ઉપર જેમ સફરજન ઝૂલતાં અને ઝૂમતાં હોય તેમ વેદનાના વૃક્ષ ઉપર પણ એવાં જ ફળ ડાળેડાળે હાલતાં, ઝૂલતાં અને ઝૂમતાં કલ્પી શકાય, જો એવો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો. આ વેદનાનાં ફળ પણ પેલાં સફરજનની જેમ સ્વાદિષ્ટ અને એવી જ સોડમ ફેલાવતાં લાગી શકે.

માનવજીવનની વેદનાઓમાંથી જ ડહાપણ ઉદ્ભવે. પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાંથી આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ. માનવી વેદનાઓમાં જેટલો વધુ પિસાય તેટલો જ વધુ શક્તિશાળી બનીને બહાર આવી શકે અને વિષમ પરિસ્થિતિઓ સામે લડવાનું કૌવત પણ મેળવી શકે. કવિ દુ:ખોને સહજ તરીકે અપનાવી લેવા માટે એક રમૂજી વાત સંભળાવે છે. વેદનાઓમાંથી પ્રાપ્ત થયેલું ડહાપણનું ફળ આપણને માનવી હોવાનો અહેસાસ તો કરાવે છે, પણ સાથેસાથે આપણે પોલા ઢોલ જેવા છીએ એવી વાસ્તવિકતા સ્વીકારી લેવાની વાત પણ સમજાવે છે. પોલા ઢોલ ઉપર સૌ કોઈ દાંડી પીટીને તેને વગાડી લે, બસ તેવું જ માનવીનું પણ હોય છે. માનવી ઉપર પણ આધિ, વ્યાધિ અને ઉપાધિના મારા આવતા જતા હોય છે, કેમ કે એ સૌ પોલું ભાળીને એને સતાવ્યે રાખતાં હોય છે. પરંતુ આપણે એ વિટંબણાઓના ઊજળા પાસાને ધ્યાનમાં લેવું જોઈએ, કેમ કે એ જ વિટંબણાઓ આપણા ચારિત્ર્ય અને મનોબળને મજબૂત બનાવવા માટે પોષણ પણ પૂરું પાડતી હોય છે.

કવિ કાવ્યસમાપને આવવા પહેલાં ગંભીર વાતને એવી સહજ રીતે સમજાવે છે કે જેમ આપણે સફરજનને મધુરાં બચકાં ભરતા હોઈએ અને તે ટાણે થતો તીણો તડતડાટ આપણને આનંદ આપે, તેમ વેદનાના વૃક્ષનાં ફળ પણ આપણને જીવનોપયોગી મધુર પાઠ ભણાવતાં હોય છે. વેદનાનાં આ ફળ આપણા જીવનનાં તથ્યો કે તારણો સમાન છે જે આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.

ગહન વિચારને સરલ બાનીમાં અભિવ્યક્ત કરતી મર્મસ્પર્શી રચના બદલ કવિશ્રીને અભિનંદન.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ :–

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩

* * * * *

 

Tags: , , , , , ,

(૪૯૧) “ચતુર્થ પરિમાણની પેલે પાર” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૩)

Beyond The Fourth Dimension

 

Visible

Explicit

Tangible

high strung

on pins and needles

external physical timepiece

struggles to keep up with

ruthless demanding Time.

Invisible

Implicit

intangible

enigmatic

restive internal biological clock

struggles to keep away

a ruthless demanding death.

Time was not to blame

only timepiece – that failed to tick.

Death was not to blame

only life – that failed to live on.

– Vijay Joshi      

 

* * *

ચતુર્થ પરિમાણની પેલે પાર

(ભાવાનુવાદ)

દૃશ્ય

સુસ્પષ્ટ

પાર્થિવ

સુગ્રથિત

બેચેન

બાહ્ય ભૌતિક ઘડિયાળ

મથ્યા કરે નિજ ગતિ થકી

ને કરે તકાદો સમયનો નિષ્ઠુર બની.

અદૃશ્ય

અભિપ્રેત

અપાર્થિવ

ગૂઢ

ચંચળ

ગુહ્ય પ્રાકૃતિક ઘડિયાળ

મથ્યા કરે દૂર હડસેલવા

ને કરે એય તકાદો મૃત્યુનો નિષ્ઠુર બની.

સમયને ન દોષ દેવાય,

દેવાય દોષ તો ઘડિયાળને

જે નિષ્ફળ રહ્યું ટિક કરવા કાજે.

મૃત્યુનેય ન દેવાય દોષ

દેવાય દોષ તો માત્ર જિંદગીને

જે નિષ્ફળ રહી જીવવા કાજે.

–વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

 

ચતુર્થ પરિમાણની પેલે પાર

સંક્ષેપ :

પ્રખર વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન દ્વારા પ્રસ્થાપિત થયેલા ખ્યાલ મુજબ અદૃશ્ય, અજાણ્યું અને વણશોધાયેલું એવું અગોચર બ્રહ્માંડ હોઈ શકે છે કે જ્યાં દિશા કે સમયનું કોઈ માપ કે ગણતરી ન હોય. આને અનંતકાળ તરીકે ઓળખાવી શકાય કે જે અવકાશનાં ત્રણ પરિમાણો ઉપરાંતનું વિશેષ એવું ચોથું પરિમાણ છે.

સમય અને મૃત્યુની ગતિ એકમાર્ગી રસ્તા જેવી છે જે બંને સાથે મળીને બધાજ સજીવોને નિયંત્રિત કરે છે, તેમની સાથે ચાલાકીથી પોતાનું કામ પાર પાડે છે અને તેમને ભયભીત કરે છે.

આ કાવ્ય અપાર્થિવ અને પ્રાકૃતિક એવાં બે ઘડિયાળોની સરખામણી કરે છે અને સમજાવે છે કે એ બંને કેવી રીતે સમય અને મૃત્યુ સામે આરક્ષણ મેળવવા મથામણ કરે છે. સમય અને મૃત્યુ એ ગૂઢ, ચલાયમાન અને સાતત્યપૂર્ણ છે.

કાવ્યનો નિષ્કર્ષ એ છે કે છેવટે તો માનવી પોતે જ પોતાનાં કાર્યો માટે જવાબદાર હોય છે. તેણે કોઈનાય ઉપર દોષારોપણ કરવાની રમત બંધ કરી દેવી જોઈએ અને તેણે અનિવાર્ય અને અંતિમ એવી જીવનની વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

# # #

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

 

Tags: , , ,