RSS

Category Archives: અહેવાલ

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.

જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.

અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.

“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.

મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :

નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)

“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.

તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.

મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.

ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.

પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.

મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.

પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.

મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.

મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.

પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’

બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.

પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.

પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.

પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.

ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.

પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.

પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”

છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’

-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “The Morning Call” (USA)

(Translated from English version titled as “A full circle swallowed 22 years published on June 06, 2007)

 

Tags: , , , , , , , ,

Image

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

Click here to read in English

મારા અગાઉના લેખ “જેનો અંત સારો, તેનું સઘળું સારું – All’s well that ends well”માં ઉપરોક્ત શીર્ષકવાળા ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ડો. અલીમહંમદ મુસા હયાત હતા અને ઘણાં વર્ષોના તેમના અભ્યાસ અને અનુભવ પછી જ્યારે એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પૂરબહારમાં ધમધમી રહી હતી, ત્યારે સદરહુ રિપોર્ટ અગ્રગણય દૈનિક સમાચારપત્ર એવા “Early Times”માં પ્રસિદ્ધ થયો હતો.

“આપણે જ્યાં રહીએ છીએ – Where We Live” એવી “Early Times” અખબારની કોલમ હેઠળ સ્ટાફ રિપોર્ટર મિ. રોન ગોવર (Mr. Ron Gower) દ્વારા નીચે પ્રમાણેનું તેમનું દૃષ્ટિબિંદુ/મંતવ્ય રજૂ થયું હતું :

જ્યારે પ્રમુખશ્રી અને હિલેરી ક્લિન્ટને આરોગ્ય કાળજીની સુધારણા ઉપર ભાર મૂક્યો ત્યારે મારા મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા કે એવું શું કરવામાં આવે કે આરોગ્ય જાળવણીનું ખર્ચ ઓછું આવે. આરોગ્ય સેવાઓના ઊંચા ખર્ચનો મુદ્દો એ મારો હંમેશ માટે અને આજે પણ મુખ્ય વિષય જ રહ્યો છે કે કોઈપણ રીતે આ ખર્ચ અંકુશમાં આવવું જ જોઈએ.

આ એક હકીકત છે કે ઘણા ડોકટરો ઓછામાં ઓછું કામ કરીને દર્દી પાસેથી વધુમાં વધુ નાણાં વસુલતા હોય છે. ઘણા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલોમાં તેમનો મૂલ્યવાન સમય વેડફાયો અને ડોક્ટરોએ કેવી રીતે દરવાજામાં માત્ર ડોકિયું કરીને તેમની પાસેથી તગડી ફી વસુલ કરી લીધી.

એક વખત હું મારા કુટુંબના એક સભ્યને એલન ટાઉનના એક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. અમે વેઈટીંગ રૂમમાં બે કલાક સુધી રાહ જોઈ. છેવટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તેણીના કાનમાં એક નજર નાખી, પછી બીજા કાનમાં બેત્રણ મિનિટ સુધી કંઈક તપાસ કરી અને અમારી પાસેથી ૧૨૫ ડોલર પડાવી લીધા. એક વખતે હું મારા સસરાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો હતો. તેમનો પગ ખૂબ જ સૂઝી ગયો હતો. ડોકટરે અમને ઠપકો આપ્યો કે અમે કેવી મામુલી તકલીફ માટે દર્દીને સારવાર માટે લાવ્યા છીએ. અમે બીજા ડોક્ટરની માગણી કરી અને એ કેસમાં ગેંગ્રીન (હાડકામાંનો સડો)ની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.

આ તો એક તરફની વાત થઈ, પરંતુ બીજી તરફ જોઈએ તો મેડિકલના ક્ષેત્રમાં કેટલાક મહાન ડોક્ટરો પણ છે અને તેમાંના કેટલાક અમારા એરિઆમાં પણ છે. આ એવા ડોક્ટરો છે કે જે જેઓ દર્દીની સારી કાળજી લે છે, દર્દી સાથે વિવેક અને સહાનુભૂતિથી વર્તે છે. તેઓ ધીરજપૂર્વક અને શાંતિથી દર્દીને તપાસતા હોય છે, પ્રમાણિક હોય છે અને એ લોકો એવો વ્યાજબી ચાર્જ લેતા હોય છે કે જેનાથી બિલ મેળવતી વખતે દર્દીને હૃદયરોગનો હુમલો ન આવે! એ તો દેખીતું જ છે કે અમે અમારા એરીઆના બધા જ ડોકટરોને ન જ મળ્યા હોઈએ અને તેથી જ તો અમે જે કોઈને મળ્યા છીએ તેમના સાથેના અમારા પ્રથમ જ અનુભવ અંગે અત્રે કંઈક લખીએ છીએ.

આવા ભલા ડોક્ટરો પૈકીના એક કે જેમના પ્રત્યે અમને ખૂબ માન છે અને તે છે પામરટનના ડોક્ટર અલીમહંમદ મુસા. તેમણે અમારા કુટુંબના થોડાક જ સભ્યોની સારવાર કરી છે જેમાંના કેટલાક ગંભીર બીમારીના ભોગ બનેલા હતા. કેટલીકવાર તેમણે અમારા દર્દીને અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના ત્યાં મોકલ્યા છે કે જેઓ કદીય ડો. મુસાને મળેલા પણ ન હોય અને છતાંય તેમને તેમના વિષે ઊંચો અભિપ્રાય આપવો જ પડે કે તેમણે દર્દીને જે પ્રાથમિક સારવાર આપી હતી તે ઉત્તમ પ્રકારની હતી.

તાજેતરમાં જ મારા સસરા અવસાન પામ્યા. ડો. મુસાએ તેમના ફિઝિશ્યન તરીકે લગભગ દસેક વર્ષ સુધી તેમની સારવાર કરી હતી. મારા સસરાને બંને પગે ગેંગ્રીન ઉપરાંત ઘણી બધી ગંભીર સમસ્યાઓ હતી. તેમને કેટલાક હૃદયરોગના હુમલા પણ આવી ચૂક્યા હતા. તેમની ધમનીઓ અને ફેફસાંમાં સોજા પણ હતા. ડો. મુસાએ તેમની સારવાર કરવામાં કદીય પાછી પાની કરી ન હતી. તેમણે ડેવિડના મરતાં દમ સુધી તેમને સાજા કરવા માટે ભારેમાં ભારે ઈન્જેક્શનો આપીને ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ઘણીવાર તેમના માટે તે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને પણ બોલાવતા અને તેમની રોજબરોજની સુશ્રૂષા માટે પામરટન હોસ્પિટલની પરિચારિકાઓની પણ તેઓ સેવાઓ લેતા હતા.

ઘણીવાર તો અમારે ડો. મુસાને હોસ્પિટલમાં મળવાનું ન બન્યું હોય તેવા સંજોગોમાં પણ તેઓ નિયમિત રીતે ફોન દ્વારા દર્દીની તત્કાલીન પરિસ્થિતિની અમને જાણ કરતા હતા. એક મધ્યરાત્રીએ ડેવિડની જીવનલીલા સમાપ્ત થઈ. પછીની જ સવારે ડો. મુસાનો દિલગીરી દર્શાવતો ફોન આવી ગયો અને એમણે અમને સહાનુભૂતિ કાર્ડ પણ મોકલ્યું.

ડો. મુસા સાથે અમારે કોઈ અંગત કે સામાજિક મૈત્રીના સંબંધો ન હતા, સંબંધો હતા તો માત્ર અમારા ડોક્ટર તરીકેના વ્યાવસાયિક સંબંધો. આમ છતાંય માત્ર ધંધાકીય સંબંધોથી પણ આગળ વધીને તેમણે અમને તેમના વિષે એમ વિચારવાની ફરજ પાડી કે ખરે જ અમે માવજતની આત્મીય લાગણી ધરાવતી એક વ્યક્તિ સાથે કામ પાર પાડી રહ્યા છીએ અને અમને ચોક્કસ ખાત્રી હતી કે તેમ જ હતું.”

આગળ જતાં, ઉપરોક્ત અહેવાલ(Reporting)માં કોલમ-લેખકે પોતાના વ્યવસાયને સમર્પિત એવા કેટલાક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. એ બધા ડોક્ટરો હતા : ફિઝિશ્યન ડો. માર્વિન સિન્ડર, સર્જન ડો. ઓર્લાન્ડો આસો, ફિઝિશ્યન ડો. જ્હોન સ્ટીલ, ત્વચારોગ નિષ્ણાતો અનુક્રમે ડો. ટેરી રોબિન્સ અને ડો. સુસાન કુક્રીર્ક.

છેલ્લે મિ. ગોવર પોતાના અહેવાલનું આ શબ્દોમાં સમાપન કરે છે : “જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળની સુધારણા માટેનાં પગલાં લેવાની વિચારણા કરવામાં આવે ત્યારે અત્રે ઉલ્લેખાયેલા વ્યાવસાયિકોનાં સલાહસૂચન લેવામાં આવે તો તે ઉત્તમ કાર્ય લેખાશે.”

મારા ભલા વાચકો, અત્રે આ લેખ પૂર્ણ થાય છે. હવે આપણે મારા હવે પછીના આખરી લેખ “મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, a Physician will be missed) એવા ડો. મુસાના જીવન ઉપર મૃત્યુ રૂપી પડેલા આખરી પરદાને વર્ણવતા દુ:ખદ લેખ સાથે મળીશું.

-વલીભાઈ મુસા
(તા. ૨૨-૦૫-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “Early Times” (USA)

(Translated from English version titled as “Not All Doctors Money Hungry” published on May 22, 2007)

 

Tags: , , ,

(૫૨૨) કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૮ (૨૦૧૫) : પરિણામ અને પસંદગી પ્રક્રિયા (‘સંવેદન’ના સૌજન્યથી)

તાજેતરમાં કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૮ (૨૦૧૫)નું પરિણામ આવ્યું, જેમાં નીચેના ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા. પારિતોષિક અર્પણ સમારોહ તા.૦૮૦૫૧૬ના રોજ સુરત ખાતે ‘નર્મદ સાહિત્ય સભા’ના નેજા હેઠળ યોજાઈ ગયો.

( ૧) શ્રી ડૉ. સ્વાતિ નાયક (નવસારી)  – વાર્તા ‘કચરો’ – પ્રથમ પારિતોષિક રૂ. ૨૫,૦૦૦/-  

(૨) શ્રી નીતા જોશી (વડોદરા) – વાર્તા ‘યામા કદાચ માની જશે’ – દ્વિતીય પારિતોષિક રૂ. ૧૦,૦૦૦/-

(૩) શ્રી માવજી મહેશ્વરી (કચ્છ) – વાર્તા ‘ લાક્ષાગૃહ’ – તૃતીય પારિતોષિક રૂ. ૫,૦૦૦/-  

દેશ-વિદેશથી ૨૪૮ વાર્તાઓ સ્પર્ધામાં આવી હતી. નિર્ણાયકો તરીકે ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને શ્રી બકુલેશ દેસાઈ હતા. ખૂબ જ જહેમત લઈને એમણે પહેલા રાઉન્ડમાં ૨૪ વાર્તાઓ પસંદ કરી હતી. ત્યારપછી ‘નર્મદ સાહિત્ય સભા’એ શ્રી યોગેશ જોશી અને શ્રી બકુલેશ દેસાઈને આ ૨૪ વાર્તાઓમાંથી પાંચ વાર્તાઓ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ એ બંનેએ વધારાની બબ્બે બબ્બે વાર્તાઓ પસંદ કરતાં કુલ્લે સાત વાર્તાઓ પસંદ થઈ હતી. આ સાતમાં ઉપરોક્ત ત્રણ વાર્તાઓ ઉપરાંત નીચેની ચાર વાર્તાઓ સમાવિષ્ટ થઈ હતી.

(૪) પકડેલો હાથ – સુનીલ વિઠ્ઠલદાસ મેવાડા (નાલાસોપારા)
(૫) ચાવીનો ઝૂડો – કિશોર પંડ્યા (વેજલપુર – અમદાવાદ)
(૬) વહુનાં વળામણાં – વલીભાઈ મુસા (કાણોદર – બનાસકાંઠા)
(૭) દ્વિધા – આમ્રપાલી દેસાઈ (સુરત) 

ઉપરોક્ત સાતેય વાર્તાઓને પૂરતો ન્યાય મળી રહે તે હેતુથી જનક નાયક અને બકુલેશ દેસાઈએ દિલીપ ઘાસવાળા અને રેખાબહેન શાહના સહયોગથી સંસ્થાના પ્રમુખ અને સાહિત્યકાર-વાર્તાકાર- કવિ શ્રી ભગવતીકુમાર શર્મા સમક્ષ સાતેય વાર્તાઓનું પઠન કર્યું. વાર્તાઓ સાંભળ્યા પછી શ્રી ભગવતીકુમાર શર્માનો પ્રથમ ઉદગાર હતો, આ વખતે વાર્તાઓ સાચે જ ખૂબ સરસ આવી છે.

દરેક વાર્તા ઉપર ચર્ચાઓ થઈ, દલીલો થઈ, વાર્તાઓની વિશિષ્ટતાઓ અને નબળાઈઓની ખુલ્લા મનથી ચર્ચાઓ કરવામાં આવી. સાથે સાથે નિર્ણાયક શ્રી યોગેશ જોશી સાથે ટેલિફોનિક  ચર્ચા પણ કરવામાં આવી. પછી સર્વસંમતિથી ઉપરોક્ત લાલ અક્ષરોમાં દર્શાવેલી ત્રણ વાર્તાઓને આખરી પસંદગી આપવામાં આવી.

આ સમગ્ર ચયન પ્રક્રિયામાં છેલ્લે ત્રણ વાર્તાઓ પસંદ થઈ ત્યાં સુધી કોઈનેય જે તે વાર્તાના લેખકોનાં નામોની ખબર ન હતી. આમ આ વાર્તાસ્પર્ધા પારદર્શી  રહી.

‘સંવેદન’ સામયિકનો જુલાઈ – ૨૦૧૬નો અંક કેતન મુનશી વાર્તાવિશેષાંક તરીકે પ્રગટ થશે, જેમાં ઉપરોક્ત સાતેય વાર્તાઓ અને તેમના આસ્વાદ, વાર્તાલેખન કળા વિષે લેખ, નિર્ણાયકોના પ્રતિભાવ, બાકીની ૨૪માંથી પસંદ કરેલી કેટલીક વાર્તાઓ અને પારિતોષિક વિતરણ સમારોહનો અહેવાલ પ્રકાશિત થશે.

‘સંવેદન’ – તંત્રી જનક નાયક : પ્રાપ્તિ અંગે :-

વાર્ષિક લવાજમ રૂ. ૧૮૦ના બદલે વાર્ષિક માત્ર રૂ. ૫૦/- (વિદેશ માટે ૨૪ ડોલર અથવા ૮ પાઉંડ)
સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – ૩૯૫ ૦૦૧
ફોન : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ – ૨૫૯૨૫૬૩

 આગામી ‘કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૨૦૧૬’ અંગે :

નવલિકા મોકલવાની અંતિમ તારીખ ૩૦-૦૯-૨૦૧૬ રહેશે.

-વલીભાઈ મુસા 

   

 

 
6 Comments

Posted by on May 13, 2016 in અહેવાલ

 

(૪૯૯) કૅપ્ટનશ્રી નરેન્દ્રભાઈ ફણસેના સાન્નિધ્યે યાદગાર સભા ! (Re-blogged)

તા. ૨૫મી ઑક્ટોબરની વિશેષ સભાનો અહેવાલ.

– જુગલકિશોર

આજે ફરી એક વાર વલદાજીની ‘હોટલ સફર ઇન’ કે જેના ડાયરેક્ટર તરીકે તેમના દ્વિતીય પુત્ર અકબરભાઈ છે ત્યાં વેબગુર્જરીના યજમાનત્વ નીચે અમે સૌ મળ્યા. આજની સભા અનેક રીતે જુદા પ્રકારની હતી. થોડી ઉતાવળે આ કાર્યક્રમ ગોઠવાયેલો એટલે હાજર સભ્યસંખ્યા વિશે બહુ આશા નહોતી. પણ ફોન ઉપર જે પ્રતિભાવો વલીભાઈને મળેલા એણે કરીને અમે ઉત્સાહિત હતા.

આગળના દિવસે કૅપ્ટન શ્રી નરેન્દ્રભાઈ વલીભાઈ સાથે રહીને કેટલીય નવાજૂની વાતોનું આદાનપ્રદાન કરી ચૂકેલા. વર્ષો પછી દેશ, પ્રદેશ અને અમદાવાદની ભૂમિને વહાલ કરવાનું માહાત્મ્ય કંઈ ઓર જ હોય. ને એવું જ માહાત્મ્ય સૌને મળીને ભાષાસાહિત્ય ને કંઈ કેટલાય વિષયોની ચર્ચા કરવાનું હોય છે. આ વાતની સાબિતી ખરે જ બીજા દિવસની સંધ્યાએ અમને સૌને મળી ! કહ્યું ને કે આ વખતની સભા કંઈ જુદી જ હતી.

ક્યારેક કાં તો ભૂલી જવાને કારણે સભાઓમાં ગેરહાજર રહેવાનું મારે બનતું હોય છે પરંતુ જો ભૂલી ન જવાયું તો તો સૌથી પહેલાં પહોંચવાનું – અપના ઉસુલમાં આવતું છે. ને એમ વલદાની હોટેલ ઇન પર સૌથી પહેલાં પહોંચીને મેં વલીભાઈને જ આવકારવાનું માણ્યું હતું.

પછી તો ખબર પડી કે કૅપ્ટન હોટેલમાં જ ઊતર્યા હોઈ હાજર જ છે તેથી ત્રીજે માળે એમની થ્રી–નોટ–થ્રી નંબરની રૂમમાં અમે પહોંચી ગયા ! સભા માટે પૂરતી બેઠકની સરસ મજાની એસીવાળી રૂમમાં એમને – વર્ષો પછી – મળવાનું બન્યું ત્યારે ભેટી પડવા સિવાય બીજો કોઈ શિરસ્તો કયો હોય ?! એક દેશસેવક સૈનિક–કૅપ્ટનના ધબકારા આપણા જેવા ઘરકૂકડી માણુસ સાથે ક્યાંથી મૅચ થાય એમ વિચારીએ વિચારીએ ત્યાં તો હૈયાએ નેટ–વેગુ–સાહિત્ય–ઈમેઈલો વગેરેના સંબંધે એવા તો ધબકાર આપ્યા કે બે હૈયાં વચાળે ધબકાર જાણે એક જ હતો !!

પછી આવ્યા શ્રી હરીશભાઈ દવે. એમનું વ્યક્તિત્વ પણ, અલપઝલપ થતા રહેતા ફોનીય સંપર્કો છતાં, ઘણા લાંબા સમયે ‘સમક્ષ’ થયું. વેગુ પર ગુજરાતના ઇતિહાસને અતિ સંક્ષેપમાં પણ રસપ્રચુર બનાવીને મૂકનારા શ્રી દવે માહિતીઓનો ખજાનો ધરાવે છે. અનેક વિષયોની નાનીમોટી, ઝીણીઝીણી કેટલીય સામગ્રી એમની પાસે સંગ્રહાયલી પડી છે. સભામાં તો એમાંની કેટલીક મેળવી શકાઈ, બાકી તો, વેગુ પર એ બધું ક્યારેક તો વરસશે જ એ આશા અસ્થાને નથી.

આ વખતે એક સાવ અલગ વ્યક્તિત્વનોય પરિચય થયો આ સભામાં. વલીભાઈએ પરશુરામભાઈ પટેલનો પરિચય કરાવ્યો. ગીત–સંગીત–કથાવાર્તા–લોકસાહિત્યના પીરસનારા એવા પરશુરામભાઈ આપણી સભાઓમાં પ્રથમ વાર જ આવ્યા હતા.

પણ સભાને એક નવું પરિમાણ આપનારા રજનીભાઈ પંડ્યાનું આવવું તો અમારા સૌ માટે આજની સભાની સફળતા માટેનું કારણ બની રહ્યું. આજ સુધીની કેટલીય સભાઓમાં આવી ચૂકેલા રજનીભાઈ આજે તો અમને વેબગુર્જરી લેખક પરિવારના સભ્યરૂપે પણ દેખાયા એનોય આનંદ વિશેષ હતો ! તેમની સાથે સુશ્રી પૂજા મલકાણ પણ હતાં. તેમણે સભાની ચર્ચાઓમાં કંઈ કેટલીય ખૂટતી માહિતી–કડી ગોઠવવામાં મદદ કરી.

ત્યાર બાદ આવ્યા કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી પ્રફુલ્લભાઈ દવે. આ પહેલાં લગભગ બધી જ સભાઓમાં હાજરી આપનારા તેઓ વિચારસભર અને વિશેષ બાનીમાં કાવ્યો રજૂ કરનારા સર્જક છે. જરૂર કરતાં એક શબ્દ પણ વધુ ન બોલનારા દવેસાહેબ સૌ વક્તાઓ માટે બહુશ્રુત શ્રોતા છે. તેમની રચનાઓ વિચારતાં કરી મૂકે તેવી હોય છે.

અને પછી, લગભગ શરૂ થઈ રહેલી સભામાં આવ્યા આજની સભાના કવિ– આપણા માનીતા ને ચચ્ચાર (હવે તો પાંચ) ઍવૉર્ડ મેળવી ચૂકેલા શ્રી અનિલ ચાવડા. ઍવૉર્ડોથી ઊંચા ચાલતા ને ક્યારેક ઍવૉર્ડો પાછા આપીને પ્રકાશમાં રહેવા મથતા કેટલાય મહાનુભાવોની સરખામણીએ ઉત્તમ કાવ્યો ને આટઆટલા ઍવૉર્ડો મેળવી ચૃક્યા પછી પણ સાવ સહજ એવી નમ્રતા ધરાવતા શ્રી અનિલભાઈ નેટ પરના કાવ્યજગતની શોભા છે. તેઓએ જે ભક્તિભાવથી શ્રી રજનીકાન્તભાઈને વંદન કર્યાં તે તેમના બન્નેનો પરિચયય અપાવનારું દૃષ્ય હતું.

*************

સભાની શરૂઆત તદ્દન અનૌપચારિક રીતે થઈ. વેગુ પર મુકાયેલા ગુજરાતના ઇતિહાસ વિષયક લખાણોની વાતથી ચર્ચા આરંભાઈ.ગુજરાતનો ઇતિહાસ અને એનાં પરનાં લખાણોની ચર્ચામાં સર્વશ્રી હરીશભાઈ, નરેન્દ્રભાઈ, વલીભાઈ તથા રજનીભાઈ જોડાયા. પરશુરામભાઈએ પોતે વિદેશોમાં આપેલા કાર્યક્રમોની વાત કરી. તેના પરથી લોકસાહિત્ય, તેના મરમ અને લોકોના કંઠે સચવાયેલું સાહિત્ય કેટલું બળુંકું ને અસરકારક હોય છે તેની વાતો થઈ. લોક અને સાહિત્ય બન્ને શબ્દો કેમ મૅચ નથી થતા તેનો ઉલ્લેખ જુગલભાઈએ શ્રી કનુભાઈ જાનીનો સંદર્ભ આપીને કર્યો. લોકસાહિત્યના સર્જનગાળા વખતે મુદ્રણકલા નહોતી ને સર્જનો કંઠોપકંઠ વહેતાં ને સચવાતાં. સાહિત્યની સાચવણ વાણી મારફતે થતી તેથી “લોક વાંગ્મય” શબ્દ કનુભાઈએ પ્રચલિત કર્યાની વાત તેમણે કહી.

આ દરમિયાન વાર્તા વિષયક વાત નીકળતાં શ્રી રજનીભાઈએ બે વાત મૂકી. કુમાર સામયિકે તેના તંત્રીશ્રી બચુભાઈ રાવતના સક્રીય રસથી અનેક કવિઓને કાવ્યો લખતાં કરીને ગુજરાતમાં ઉત્તમ કાવ્યોનો ફાલ આપ્યો. તે જ રીતે, અનેક લેખકોને વાર્તાઓ લખતાં કરવાનું શ્રેય શ્રી અશોક હર્ષને ફાળે જવાની વાત રજનીભાઈએ કહી. તેમણે વધુ વિગતો આપતાં કહેલું કે, અશોકહર્ષ સંપાદિત ‘જનસત્તા’ કાર્યાલયનું વાર્તા માસિક  ‘ચાંદની’. તેમણે પોતાના 1956થી 1982 સુધીના કાર્યકાળ દરમિયાન તે કાળે નવોદિત એવા અનેક વાર્તાકારોને વાર્તાની સમજણ આપીને તેમને ઉછેરવાનું અણમોલ કાર્ય કર્યું. જેમાંથી આગળ જતાં અનેક નામાંકિત વાર્તાકારો બન્યા, પોતે પણ તેમનાહાથ નીચે શિક્ષણ પામ્યા હતા….અન્ય વાર્તામાસિકો તે પહેલાંના કાળનાં તે ‘કહાની’. તેમના સમકાલીન વાર્તામાસિકો ‘સવિતા’  અને તે પછીના કાળે સંદેશનું ‘સરવાણી”. વાર્તા પરત્વે વાચકોનું આકર્ષણ (કવિતા તરફના પ્રબળ ખેંચાણને કારણે) ઘટી જતાં વાર્તા માસિકો બંધપડ્યાં. આ વર્ષ શ્રી હર્ષની જન્મશતાબ્દીનું છે.

એ સમયે વાર્તાનાં સામયિકોની જે પકડ વાચકો પર હતી તેનાં વર્ણનો પણ સભામાં થયાં ને સૌ વાર્તારસમાં તણાયાં…..પરંતુ કુમારની વાત નીકળે ને કુમાર ચંદ્રક કેમ રહી જાય ? એ ચંદ્રકમાંના સોના કરતાંય કુમારનું ચંદ્રક સાથે જોડાયેલું નામ કેટલું મહત્ત્વનું છે તે ચર્ચાતાં રજનીભાઈને મળેલા એ ચંદ્રકની સાથે સાથે ચંદ્રક માટે ફાળો આપનારા મહાનુભાવોનેય સંભાર્યા.

ત્યાર બાદ સીધો જ સવાલ કરીને આજની સભાના મુખ્ય અતિથિ કૅપ્ટન નરેન્દ્રભાઈને, તેમણે અંગ્રેજીમાં લખેલી બૃહદ કથા ‘પરિક્રમા’ વિશે વિગતે વાત કહેવા આગ્રહ થતાં તેમણે આ યુદ્ધકથા કઈ રીતે લખાઈ તેની વિગતે વાત કરી. આમેય “યુદ્ધસ્ય કથા રમ્યા !” એટલે કૅપ્ટનની કથા અંગેની કથામાં પણ સૌને ખૂબ રસ પડ્યો.

એ રસને હજી વાગોળીએ વાગોળીએ ત્યાં તો સૌની ઘ્રાણેન્દ્રીયને ઝબકાવી ગયેલી નવતાડનાં સમોસાની સુગંધ “વાહ, શું ગંધ !” કહેવડાવતીક ને એના અનુગામી એવાં સાક્ષાત સમોસા–ચટણીનેય પ્રતિઅક્ષ (પ્રત્યક્ષ) કરી ગઈ !  સમોસા સાથે કેટલીક વાતોય – વધારાની ચટણી જાણે – અલપઝલપ ચાલી. ત્યાર પછી તો તીખા તમતમાટને શીત કરતો આઈસ્ક્રીમ પણ પીરસાયો. (કહેવાની ભાગ્યે જ જરૂર રહે, કે આ બધી જ આગતા–સ્વાગતા ને શ્રીભરી મહેમાનગતીનું સં–ચાલકબળ એવા વલીભાઈ મુસા પરિવારના પ્રતિનિધિશ્રી અકબરભાઈ, હવે તો વેગુસભાઓના કાયમી યજમાન બની ગયા છે. વેગુની બધી સભાઓના સંયોજક–યજમાન જેમ વલીભાઈ હોય છે તેમ બધી જ સગવડો–સવલતોની નિ:શુલ્ક વ્યવસ્થા માટેના યજમાન તેઓ છે. આ બધાંનો યશ કે એ માટેની આભારની લાગણીય તેઓ સ્વીકારવા રાજી નથી ! એમનું સૌજન્ય અમારી સભાઓને એક પરિમાણ આપે છે.)

વેબગુર્જરી નિમિત્તે આજનું મળવાનું હતું તેથી તો ખરું જ પણ આ સભામાંનાં બધાં વેગુના લેખકો પણ હતા એટલે એની પ્રગતિ અને વર્તમાન પ્રવાહ પણ ચર્ચામાં આવ્યાં. કેટલાક ન આવી શકેલા લેખકો અને  બ્લૉગરોની ગેરહાજરી ખૂંચ્યાનુંય અમે વાતમાં લીધું.

‘ગદ્યં ચ પદ્યં ચ’ એવું એક સૂત્ર છે. સભામાં ચર્ચારૂપ ગદ્ય પછી કાવ્યપઠન એટલે પદ્યાસ્વાદ. કાવ્યપઠનથી સભામાં એક મજાનું વાતાવરણ મળે છે. સૌએ શ્રી પ્રફુલ્લભાઈને વિનંતી કરતાં તેમણે એક લઘુ રચના પેશ કરી –

ચાલો ‘મોટા મોટા’ રમીએ.

સાવ ભલે ને ખોટા રમીએ…..ચાલો૦

આ છલનાના કે મૃગજળના

ખાનાં કરી લખોટા રમીએ……ચાલો૦

ખાલીપાનો રાજીપો લઈ

હાથ લઈ પરપોટા રમીએ….ચાલો૦

રોલ વિનાનો કૅમેરા લઈ,

ચાલો પાડી ફોટા રમીએ…..ચાલો૦

જીવવાનું છે જીવવા માટે,

આપણે ‘ખોટા ખોટા’ રમીએ…..ચાલો૦

નાનાં બાળકોની અનેક રમતોને મોટાંઓની ‘રમત’માં ફેરવી દેતી આ રચના સૌને સ્પર્શી ગઈ.

ત્યાર બાદ વારો આવ્યો કવિશ્રી અનિલ ચાવડાનો. એમણે મજાની ટૂંકી રચના આ પ્રગટ કરી –

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,

ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

કાન તો કાપી લીધા’તા ભીંતના,

તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?

હું કળી માફક જરા ઊઘડી ગયો,

એટલામાં પણ તને તકલીફ થઈ?

આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે-

આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.

કેટલું સારું છે ઊડતા પંખીને,

કોઈ ચિંતા નહિ કઈ તારીખ થઈ?

આ પછી જુગલભાઈએ ત્રણ રચનાઓ મૂકી. અહીં તેમાંની એક –

પુત્રને હીંચકાવતાં :

ધીમે ધીમે  હાલરડાતા
આ હીંચકાની હેઠ,
ટપકતા મૂતરના રેલાની


સડકે સડકે
હું ચાલ્યો….

મઘમઘબાળોતીયું આ મહેંકે-
એની ગંધ ઓઢીને
ચાલ્યો…

કડાંના કિચૂડાટનો
શમણે લઈને ભાર,
ઝીણા ઘૂઘરિયાળા રવને મારગ
ચાલ્યો..

ઘોડિયે બેઠેલો આ પોપટ
મારાં વર્ષો
લઈને પાંખે એની
ફડ ફડ ઊડી જાય…

મારાં અંગ
ઉઘાડાં કરી,
ઘોડિયે પગ ઉલાળતો કરી મૂકીને

હવે –
‘મને’
આ કોણ હીંચોળે ?!

ને ત્યાર બાદ વલીભાઈએ એક હળવી રચના હળવે હળવે પ્રગટાવી હતી –

‘હવે ઊઠશો કે?’(અછાંદસ)

‘હવે ઊઠશો કે?’

ભરનિદ્રાએ હલબલી ઊઠ્યો શ્રીમતી ગર્જને!

’ધરતીકંપ થયો શું?’

’ના, ધરતી ફાટી નથી! ગઈ રાતનું દૂધ ફાટ્યું!’

’તો?’

’તો…શું વળી?ભાગો શેરીનાકે લઈ તપેલી,

લાવી દ્યો દૂધ અડધો લીટર’

‘તપેલી નાની લાવ્યા, સાહેબ,

દઉં ચારસો મિલિલીટર?’

ધનજી દૂધવાળો બોલ્યો.

’ના, ભાઈ, ના

હૂકમ તેણીનો નહિ ઊથાપું.’

’પણ, છલકાશે!’

’ભલે છલકતું, દઈ દે પૂરું તું તારે!’

વાત ખરી પડી, દૂધ છલકતું પ્રત્યેક ડગલે.

’છલકો મા બચુ છલકો મા, મોંઘેરાં તમે!’ વીનવું હું.

પણ, ના માને એ લગીરે!

હવે સહેજ મોટા અવાજે વદું હું,

’ખરીદ્યું તને ચાલીસના ભાવે, મફતિયું નથી તું!’

કોઈ અસર નહિ, એ તો બસ મક્કમ હતું છલકવા!

હવે ક્રોધ મુજ ચરમ સીમાએ અને તાડુકી ઊઠ્યો,

’ક્યારનો વીનવું, છલકો મત, છલકો મત, તોય તું છલકે!

તો લ્યો ફિર છલકો!’ કહી છલકાવ્યું એને,

બંને હાથોએ તપેલી હલાવી,

જાણે થયો મુજ હસ્તે કંપ!

દૂધની તપેલી તો છલકી પણ સભાએ સૌનાં હૃદય–મન પણ છલકાવી દીધાં….ને એમ સૌ એકબીજાને સ્નેહપૂર્વક ભેટતાં રહીને છલકતા હૈયે ઊભા થયા !

પણ તે પહેલાં ખાસ તો આ સભાનું યજમાનપદ શોભાવનારા શ્રી વલીભાઈ તથા તેમના દ્વિતીય પુત્ર, હોટેલના ડાયરેક્ટર અને મજાની સગવડોભરી રૂમો ફાળવવાની સાથે “ગદ્યપદ્ય પદારથો”નું આચમન કરાવનારા શ્રી અકબરભાઈને અમે સૌ અભિનંદતા રહ્યા. આભારવશ અમે તેમનેય સ્નેહે છલકાવ્યા !!

– જુગલકિશોર વ્યાસ

(સૌજન્ય ‘વેબગુર્જરી’)

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on November 7, 2015 in અહેવાલ

 

(૪૮૮) થોભો અને રાહ જુઓ …

સુજ્ઞ વાચકો,

વિશ્વભરના વિભિન્ન સમાજોમાં યુવક-યુવતીઓનાં આંતરજાતીય કે આંતરધર્મીય લગ્નોની છૂટીછવાયી ઘટનાઓ બનતી હોય છે, જેને સામાજિક માન્યતા પ્રાપ્ત ન થવાના કારણે તેવાં યુગલોને આધુનિક લયલા-મજનુ, શીંરી-ફરહાદ કે સોની-મહિવાલની દુ:ખદ પરિસ્થિતિમાં મુકાવું પડતું હોય છે. પશ્ચિમના દેશોમાં આ મુદ્દે ઉદાર વલણ હોય છે, પરંતુ પૂર્વના દેશોમાં ઘણું કરીને સંકુચિત માનસ પ્રવર્તતું હોઈ આવાં લગ્નોને નકારાત્મક ભાવે ગંભીરતાથી લેવામાં આવતાં હોય છે અને ઘણીવાર તો ગૌરવ હત્યા (Honor Killing) જેવી અમાનવીય ઘટનાઓ બનતી હોય છે. ઘણીવાર આવાં લગ્નો વ્યક્તિગત બાબતો હોવા છતાં તેમને સાર્વજનિક રૂપ આપી દેવામાં આવતું હોઈ સામાજિક શાંતિ પણ જોખમાતી હોય છે.

આંતરધર્મીય લગ્નની સમસ્યાને ઉજાગર કરતી એક અંગ્રેજી વાર્તાનું ભાવાનુદિત કાર્ય મારા હાથ ઉપર છે. આ સાથેના બીડાણ (Attachment)માં એ વાર્તાનું મારું પુરોવચન (Preface) સામેલ છે. મારી આ ભાવાનુવાદિત વાર્તા મારા અંગત ત્રણેય બ્લૉગ ઉપર એક સાથે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે, એ માટે થોભો અને રાહ જુઓ.

મારો Parent Blog – “William’s Tales” છે. બાકીના બે બ્લૉગ ઉપર ત્યાંના Home Page ઉપરથી જઈ શકાશે. આપ ગમે ત્યાંથી ગમે તો જ વાંચી શકો છો. આપના પ્રતિભાવ અપેક્ષિત છે, એટલા માટે કે એક વિદેશી લેખકને પોતાની કૃતિ ગુજરાતી ભાષામાં પ્રશસ્ય થયેલી જાણીને અહોભાવની લાગણી થાય.

ધન્યવાદ.

સસ્નેહ,
વલીભાઈ મુસા

#  #  #  #  #

I DON’T WANNA DIE, I’D RATHER KISS

હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

– લૉર્ડ ઈબે (Lord eBay ) : મૂળ લેખક
વલીભાઈ મુસા : (ભાવાનુવાદક)

[અંગ્રેજીમાં લખાયેલી આ વાર્તાના યોરુબા(Yoruba) માતૃભાષી એવા મૂળ લેખક લૉર્ડ ઈબે (Lord eBay ) પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઈજીરિયાના વતની છે. વાર્તાને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવા માટેની તેમણે મને સહૃદયતાપૂર્વક સંમતિ આપી છે. વાર્તામાંના કેટલાક સંવાદો યોરુબા ભાષામાં હતા, જે માટે તેમણે જહેમત લઈને આખીય વાર્તાનું પુનર્લેખન કરીને મને મોકલી આપ્યું છે. યોરુબા એ ઘણીબધી આફ્રિકન ભાષાઓમાંની વધુ બોલાતી ભાષા છે અને અને એ લોકો વિદેશોમાં પણ જ્યાંજ્યાં સ્થાયી થયા છે, ત્યાંત્યાં પોતાની Lord eBayભાષાને જાળવી રાખવા માટે સમભાષીઓ સાથે એ જ ભાષામાં વાણીવિનિમય પણ કરતા રહેતા હોય છે. વાચકોને આ યોરુબા ભાષાનો અછડતો ખ્યાલ મળી રહે તે માટે મેં એવા સંવાદોને ક્યાંક ક્યાંક ગુજરાતીની સાથે સાથે કૌંસમાં અંગ્રેજી લિપિમાં દર્શાવ્યા છે. મારા મત પ્રમાણે સંભવત: યોરુબા ભાષાની પોતાની અલગ લિપિ નથી અને તેઓ અંગ્રેજી મૂળાક્ષરો (Alphabets) જ પ્રયોજે છે. મારા નેટ ઉપરના ખાંખાંખોળા મુજબ તેમણે અંગ્રેજીના છવ્વીસ (૨૬) મૂળાક્ષરોમાંથી [C,Q,V,X,Z]ને પડતા મૂક્યા છે. વળી આ ત્રણ મૂળાક્ષરો [E,O,S)ની નીચે Dot (.) મૂકીને બબ્બે કર્યા છે અને G ઉપરાંત Gb એક વધારાનો મૂળાક્ષર બનતાં તજી દેવાયેલા પાંચ મૂળાક્ષરના બદલે આ નવા ચાર મૂળાક્ષરો સાથે તેના કુલ મૂળાક્ષર પચીસ (૨૫) થાય છે. અંગ્રેજીના પાંચ સ્વરો (A, E, I, O, U) માં ‘E’ અને ‘O’ની નીચે Dot (.) મૂકીને એમણે પાંચના બદલે સાત સ્વરો બનાવ્યા છે. આપણા ‘એ’ અને ‘ઓ’ના સાધારણ ઉચ્ચારો ઉપરાંત ‘ઍ’ અને ‘ઑ’ એવા પહોળા ઉચ્ચારોની જેમ યોરુબામાં ઊંચા (high), મધ્યમ (mid) અને નીચા (low) એવા ત્રણ પ્રકારના ઉચ્ચારો થતા હોય છે. જેમ ગુજરાતી ભાષામાં ‘ગૉળ’ અને ‘ગોળ’ના ઉચ્ચાર પ્રમાણે ભિન્ન અર્થવાળા શબ્દો મળે છે, તે જ પ્રમાણે યોરુબા ભાષામાં પણ હોય છે. આ સ્વરગત કે ઉચ્ચારગત ભાષા છે અને લિખિત સ્વરૂપમાં એવા ઉચ્ચારો દર્શાવવા માટે જો ઊંચો ઉચ્ચાર કરવાનો હોય તો અક્ષર ઉપર સ્વરાઘાત ચિહ્ન (‘) ડાબી તરફ ત્રાંસું અને નીચા ઉચ્ચાર માટે જમણી તરફ ત્રાંસુ ( ‘ ) મુકાય છે. મધ્યમ ઉચ્ચાર માટે કોઈ ચિહ્ન મૂકવામાં આવતું નથી હોતું. આ ભાષા અંગ્રેજી મૂળાક્ષરોમાં જ લખાતી હોઈ લખવામાં સરળતા રહે છે.

લૉર્ડ ઈબે (Lord eBay) એ લેખકનું તખલ્લુસ કે ઉપનામ (Pen Name) છે. આ યુવાન લેખક પોતાના મૂળ નામને જાહેર કરવાનું પસંદ કરતા નથી. તેમનો “Lord eBayism School of Thought” નામે બ્લૉગ છે, જેનું URL – https: ebayism.wordpress.com છે. તેમના બ્લૉગની Tag Line છે : AWAKENING THE SLEEPING READERS. એમના બ્લૉગ ઉપરથી તેમના વિષેનો કોઈ અંગત પરિચય મળતો નથી. અમારા પરસ્પરના પ્રારંભિક સંબંધમાં અંગત બાબતો અંગે વધુ ઊંડા ઊતરવું એ સૌજન્યતાના ખિલાફ હોઈ એમના વિષેનો વિશેષ પરિચય ન આપી શકવા બદલ દિલગીરી પેશ કરું છું. – વલીભાઈ મુસા]

-વલીભાઈ મુસા

નોંધ :- આ પોસ્ટ ગૌણ હોઈ એના ઉપર કોઈ પ્રતિભાવ ન આપવા વિનંતી, કેમ કે આને કદાચ દૂર પણ કરી દેવામાંઆવે.

 
 

Tags: ,