[મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા: ‘Thank you very much for supporting my views on Yoga.’ ત્યાર પછી તેમના બ્લોગ ઉપર તેમનો ‘યોગ’ વિષેનો તેમના જાતનુભવ ઉપર આધારિત ઉપરોક્ત લેખ મારા વાંચવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવા અને મારા બ્લોગ ઉપર મૂકવા માટે તેમણે ઉદાર સંમતિ આ શબ્દોમાં આપી છે : Please feel free to translate my article – you’ll be doing me a great service and honor.
આશા રાખું છું કે ‘યોગ’ ઉપરનો ભાવાનુવાદિત આ લેખ સૌ વાચકો અને ખાસ કરીને મુસ્લીમોને માત્ર ગમશે જ નહિ, પરંતુ અનુકરણીય પણ બની રહેશે. મુસ્લીમો યોગ અને ધ્યાન કરતા થશે; તો આ એકદમ શુદ્ધ, વૈજ્ઞાનિક અને આખા જગતમાં બહુ જ ઝડપથી પ્રચલિત થઈ રહેલી પ્રક્રિયાનો લાભ મેળવતા થઈ શકશે. ધ્યાન વખતે નમસ્કાર કરવાનું કંઈ જરૂરી નથી. ધ્યાનની આ મુદ્રા સાવ ધર્મનિરપેક્ષ છે.
(courtesy – Internet & Mr. Suresh Jani, USA)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)]
* * *
સ્વસ્થતા (WELLBEING)
એક મુસ્લીમ તરીકે ‘યોગ’ મને મદદરૂપ થાય છે. (YOGA HELPS ME AS A MUSLIM)
-રબાબ મહેર (મૂળ લેખિકા)
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
મારું મન અને મારું શરીર સતત કાર્યશીલ રહે છે, કેમ કે તેના અટકાવ માટે કોઈ ઓફ બટન છે જ નહિ. માનસિક રાહત કે શાંતિ માટે મને વિચાર આવે છે કે હું કંઈક એવી પ્રવૃત્તિમાં લાગી જાઉં કે જેનાથી મારી બુદ્ધિમત્તા કે શરીર કે પછી એ બંને રસતરબોળ બની જાય.
મારી આ અપેક્ષા મને યોગક્રિયામાં સિદ્ધ થતી લાગે છે. યૌગિક વિવિધ પ્રક્રિયાઓ થકી મારી સર્વગ્રાહી તંદુરસ્તી, આંતરિક અને બાહ્ય શારીરિક સુયોગ્યતા ઉપરાંત માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક કલ્યાણ અંગેની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે.
શરીર
યોગથી થતા શારીરિક ફાયદાઓ અગણ્ય છે. મારા વ્હાલા વાચકો, એ ફાયદાઓને જાત અનુભવ કર્યા વગર નહિ સમજી શકાય. મારા અનુભવે એ ફાયદાઓ છે : માનસિક અને શારીરિક સ્વસ્થતા, શરીરના અવયવોની સંવાહનતા, શરીરની આંતરિક પ્રક્રિયામાં સુધારો, ચયાપચય (પાચનક્રિયા)માં વધારો, પીઠના મણકાઓની સુગ્રથિતતા, શરીરના સ્નાયુઓની મજબૂતી અને ઇંદ્રિયોની દૃઢતા, વજન ઘટવું, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્ફૂર્તિ તથા ચપળતામાં વધારો થવો.
યોગમાં જરૂરી હોય છે, નાક દ્વારા શ્વાસ લેવો અને છોડવો અને આ ક્રિયા તંદુરસ્ત મન અને તનને જાળવવા માટે અતિ આવશ્યક છે.
નાક દ્વારા શ્વાસ લેવાનો મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સરળ અને અગત્યના મહાવરાથી ફેફસાં વૃદ્ધિ પામે છે અને આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પ્રસરે છે અને તેથી કીટાણુજન્ય વિષ નાશ પામે છે અને આવા તો ઘણા બધા ફાયદા થાય છે.
યોગથી હું સાચી રીતે શ્વાસ લેવાનો આનંદ લઈ શકી અને તેનાથી તેનું મૂલ્ય સમજાયું. વળી એટલું જ નહિ, મને મારા શરીર અને તેની અદ્ભુતતા પરત્વે પ્રેમ ઉભરાયો અને તેના પરત્વે મારો સન્માનીય દૃષ્ટિકોણ વિકાસ પામ્યો.
યોગ એ જીવનપદ્ધતિ છે અને તે સમગ્ર જીવન દરમિયાનની એવી સફર છે કે જેમાં નવું જાણવાનું મળવા ઉપરાંત અલ્લાહ દ્વારા અપાયેલા આ શરીર, ચિત્ત અને આત્મા સાથેનું અનુસંધાન સધાય છે.
ચિત્ત અને આત્મા
ઇચ્છાશક્તિ, ધીરજ, એકાગ્રતા, પ્રતિબદ્ધતા અને સમતુલા એ આસન પ્રયોગનાં ચાવીરૂપ તત્ત્વો છે, જે મને માનસિક અંધાધૂંધીમાંથી બહાર લાવે છે; મારી રોજિંદી કાર્યશૈલીને ચેતનવંતી બનાવે છે અને મારી દિશાશૂન્યતાને અટકાવી દે છે.
હું જ્યારે કોઈ આસનને લાંબા સમય સુધી જાળવી રાખું છું, ત્યારે અલ્લાહના નામનો જાપ જપવામાં મારી જીભમાં એક પ્રકારની મીઠાશનો અનુભવ કરું છું. મેં નોંધ્યું છે કે આમ આસન દ્વારા મને એવી ઊર્જા પ્રાપ્ત થાય છે કે જે થકી હું મારા આસનકાળને લંબાવી શકું છું અને તેનાથી મારા શરીરમાં શક્તિનો સંચાર થાય છે; વળી એટલું જ નહિ, પણ મારી અલ્લાહ પરત્વેની મારી આસ્થામાં ઈજાફો થાય છે.
મારી અન્ય આસનોની પ્રક્રિયાના અંતે હું જ્યારે સુખાસન અવસ્થામાં બેઠેલી હોઉં કે પછી શવાસન અવસ્થામાં સુતેલી હોઉં ત્યારે એક પ્રકારની વિશ્રામની અનુભૂતિ સાથે હું ધ્યાન ધરતી હોઉં છું. હું મારી આંખોને બંધ કરીને મારી શ્વાસોચ્છવાસની ક્રિયાને ધીમી પાડું છું, જેનાથી મારા હૃદયના ધબકારાઓને અનુભવી શકું છું, શાંતિને ધારણ કરી શકું છું અને માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકું છું. આ બધું મારી શ્વાસોચ્છવાસની ક્રિયા સાથેના મારા અલ્લાહના જિક્ર (સ્તવન) દરમિયાન અનુભવી શકું છું.
મને નથી લાગતું કે યોગ સિવાયનો બીજો કોઈ ઉત્તમ માર્ગ હોય કે જેના થકી આપણે ક્ષણભંગુર એવાં વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ અનુભવી શકીએ અને પોતાની જાતને તનાવમુક્ત કરી શકીએ. યોગની આ પ્રક્રિયા દરમિયાન મારા શરીર અને ચિત્તને કેન્દ્રિત કરીને હું અલ્લાહ આગળ મારા હૃદયને ખોલી શકું છું.
ઉપચારાત્મક જીવનરાહ
શરીઆ એ મારો જીવનરાહ છે અને તેની સાથે સાથે જો હું મારી જાતની પણ કાળજી રાખું તો તે મને અલ્લાહની નજદીકી તરફ અવશ્ય લઈ જઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગ એટલે પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.)નો માર્ગ.
મારા અંતરાત્માના દૃષ્ટિબિંદુ પ્રમાણે મારી સંપૂર્ણ સ્વસ્થતા એ યોગને આભારી છે. હું મારી બૌદ્ધિક અને શારીરિક સ્વસ્થતા અને સુયોગ્યતા માટે જાગૃત છું અને હું જાણું છું કે તન અને મનને કેળવવામાં આવશે, તો તેનું પરિણામ બહાર દેખાઈ જ આવશે.
આ માટે મેં મારી જાત સાથે વાયદો કર્યો છે કે હું ગમે તે રીતે સમય કાઢીને પણ વ્યાયામ કરીશ અને યોગને પ્રાથમિકતા આપીશ; કેમ કે તે જ મારા ચિત્ત અને શરીરને જોડશે અને તેનાથી જ મારામાંની નકારાત્મકતા દૂર થઈને મારું મન શુદ્ધ થશે.
આમ હું એવી જિંદગી જીવવા માટે શક્તિમાન બની છું કે જેનાથી મારી સંપૂર્ણ તંદુરસ્તી સાથે હું અલ્લાહની સક્ષમતાપૂર્વક ઈબાદત કરી શકું છું અને મારી જાતને મુસ્લીમ તરીકે ઉમદા બનાવવાની દિશામાં આગળ વધી રહી છું જેનો ફાયદો મને થયો છે અને અન્યોને પણ થઈ શકે છે.
* * *
આપણે આપણા જીવનમાં આપણાં લક્ષ્યોનાં પ્રમાણપત્રો, ઉપાધિઓ (Degrees) અને નાણાં કમાવા માટે સમય કાઢી શકીએ છીએ. આપણે નેટવર્ક, સોશિયલ મિડિયા અને એવાં માધ્યમોમાં કાર્યરત રહીએ છીએ; તો પછી આપણે આપણો સમય આપણા જ હિત માટેની આ યોગક્રિયા માટે પણ ફાળવવો જોઈએ અને આ નિર્ણાયક ક્રિયા બીજા કોઈએ નહિ, પણ આપણે જ આપણી અને અલ્લાહની ખુશી માટે કરવી જ રહી.
આપણે આપણા માટેની જ આ જવાબદારી ઉઠાવવી પડશે અને આજની વ્યસ્તતાપૂર્ણ દુનિયાદારીના બહાના હેઠળ આ જવાબદારીમાંથી આપણે છટકી નહિ શકીએ.
આપણા પ્રિય એવા હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘…તમારા શરીરનો તમારા ઉપર એક અધિકાર છે..’
નોંધ :-
મારા એવા વાચકો માટેના મારા ઉપરોક્ત લેખમાંના ચાર મહત્ત્વના મુદ્દાઓને મારે સ્પષ્ટ કરવા જોઈશે કે જેઓ અને એમાંય ખાસ તો મુસ્લીમો એમ માનતા હોય કે યોગ એ તેમની માની લીધેલી ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી અને આધ્યાત્મવિદ્યા માટેની મહત્ત્વની આ યોગક્રિયાને તેઓ અપનાવવા ન ઇચ્છતા હોય!
નીચેની ચાર સામાન્ય યૌગિક ક્રિયાઓ કે જે ઈસ્લામિક માન્યતા સામે દેખીતી રીતે જ વિરોધાભાસી લાગતી હોય તો તેને અવગણી શકાય.
(૧) નમસ્કાર મુદ્રા અને નમન;
(૨) એવી કોઈ મુદ્રા કે જેમાં હાથ જોડવાના હોય કે હિંદુ અથવા બુદ્ધ ધર્મના કોઈ મંત્રોનું રટણ કરવામાં આવતું હોય;
(૩) નમસ્કાર કે નમસ્તે જેવા સંસ્કૃત કે સમાનાર્થી અંગ્રેજી શબ્દો હોય;
(૪) યૌગિક ક્રિયામાં ત્રીજી આંખ જાગૃત કરવાની માન્યતા કે જેનું કાર્ય માનવસ્વભાવમાં ભલે મહત્ત્વનું હોય, પણ તે માટે આભારદર્શન કરવું જરૂરી નથી, કેમ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ નથી.
છેલ્લે,
જો તમે ઈટાલિયન ખોરાક ખાઓ છે, તો શું તમે ઈટાલિયન બની જાઓ છો? ધ્યાન અને યોગ એ છે કે જે તમારા માટે લાભદાયક છે. તમે જે કોઈ ખ્યાલ બાંધો છો કે ધ્યાન ધરો છો તે તમારી જાત માટે અનુરૂપ છે. આસનો કે તટસ્થ સ્થિતિઓ કાલાતીત છે અને તે સિદ્ધ થયેલાં છે. – ડો. પિટર જે. ડી’આદમો.
-રબાબ મહેર (મૂળ લેખિકા)
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
મૂળ લેખ ‘YOGA HELPS ME AS A MUSLIM’ વાંચવા માટે અહીં ક્લિક કરો
[…] ક્રમશ: (7) […]