RSS

Category Archives: ઊર્મિકાવ્ય

(૫૧૮-અ) ઊર્મિકાવ્ય – સર્જક અને ભોક્તાના હૃદયોલ્લાસને છલકાવતો એક ઋજુ કાવ્યપ્રકાર

પૂર્વ અને પશ્ચિમના કાવ્ય મીમાંસકોએ ઊર્મિકાવ્ય વિષે વિશદ ચર્ચાઓ કરી છે. એ ચર્ચાઓ એની ગેયતા-અગેયતા કે ભાવવાહી પઠન, તેનું આત્મલક્ષીપણું કે પરલક્ષીપણું કે પછી એના ઉગમસ્થાન આસપાસ થતી રહી છે. મોટા ભાગના વિદ્વાનોનો સામાન્ય મત એ રહ્યો છે કે આ કાવ્યપ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી વિશ્વભરની ભાષાઓમાં વિસ્તર્યો છે. અંગ્રેજી સાહિત્યમાં આ કાવ્યપ્રકારને લિરિક (Lyric) તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જે લાયર (Lyre) ઉપરથી બન્યો છે; જેનો અર્થ થાય છે, એક પ્રકારનું વીણા જેવું વાદ્ય. આમ એમ જણાય છે કે પ્રારંભે લિરિકને ગેયરચના તરીકે જ પ્રસ્થાપિત કરવામાં આવી હોવી જોઈએ અને તેથી જ ગુજરાતી સાહિત્ય પરિષદના ઊર્મિકાવ્ય વિષેના ‘વાંચનકક્ષ આર્કાઈવ્ઝ’ પ્રમાણે આપણા ગુજરાતી સાક્ષરોએ પણ લિરિકની ગેયતાને સ્વીકારી છે અને તેમણે ગેયતાસૂચક ઓળખનામો પણ આપ્યાં છે; જેવાં કે નર્મદે ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’ કે ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ વગેરે. કાળક્રમે લિરિકની ગેયતા ગૌણ બનતી રહી અને તેથી જ તો ન્હાનાલાલે એને ‘ભાવકાવ્ય’ તરીકેની ઓળખ આપી, તો વળી બળવંતરાયે તેને ‘ઊર્મિકાવ્ય’ ગણાવ્યું જે સંજ્ઞા ‘લિરિક’ના વિકલ્પે રૂઢ થઈ ગઈ.

ઊર્મિકાવ્યને ભલે ને એક ખાસ પ્રકાર તરીકે ભિન્ન રૂપે દર્શાવવામાં આવતું હોય, પણ મારા અંગત મતે વાસ્તવમાં તો કોઈપણ સાહિત્યસર્જન ઊર્મિના પરિપાક રૂપે જ હોય છે. ‘ઊર્મિ’ના શબ્દકોશીય અર્થો ‘ઉમળકો’, ‘આવેગ’, ‘લાગણીનો તરંગ કે ઉછાળો’, ‘ઉલ્લાસ’ વગેરે છે અને કોઈપણ સર્જન ઊર્મિ થકી જ સર્જાતું હોય છે. આમ ગદ્ય કે પદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર ઊર્મિસર્જન જ ગણાય. કાલિદાસનું ‘મેઘદૂત’ હોય, પ્રેમાનંદનું ‘આખ્યાન’ હોય, અખાના ‘છપ્પા’ હોય, બળવંતરાય ઠાકોરનાં ‘સોનેટ’ હોય, કલાપીનાં પ્રણયકાવ્યો હોય કે પછી કાન્તનાં ‘ખંડકાવ્યો’ હોય; અરે, એનાથી આગળ વધીએ તો ગદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર હોય – એ બધાં ઊર્મિસર્જનો જ ગણાય. કોઈપણ બાહ્ય સંવેદનશીલ ઘટના કે દૃશ્ય અથવા તો આંતરિક કોઈ વિચાર કે મનોભાવ સર્જકમાં ઊર્મિભાવ જગાડે અને કોઈક ને કોઈક સાહિત્યપ્રકારનું સર્જન થઈ જાય. આ તો એક વાત થઈ ગણાય અને ઊર્મિને વ્યાપક અર્થમાં પ્રયોજાતી હોવાનો મારો કે અન્યોનો એક મત સમજવો રહ્યો. આ લેખમાં તો આપણે ઊર્મિકાવ્યને એક માત્ર સ્વતંત્ર કાવ્યપ્રકાર સમજીને જ નહિ, પણ ઊર્મિતત્ત્વ ધરાવતા કોઈપણ કાવ્યને અનુલક્ષીને એ જ દિશામાં આગળ વધીએ.

ઊર્મિકાવ્ય (Lyric) માટે પાશ્ચાત્ય વિવેચકોએ આપેલી વિવિધ વ્યાખ્યાઓમાંથી નિચોડરૂપે બહાર આવતી વ્યાખ્યા છે : “Lyric is a poem that expresses the personal feelings of the poet.”; અર્થાત્, ઊર્મિકાવ્ય એ એવું કાવ્ય છે કે જે કવિની અંગત લાગણીઓને અભિવ્યક્ત કરે છે. મેં મારા “My Lyric – I (મારું ઊર્મિકાવ્ય–૧)”ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પણ આ વ્યાખ્યાને સમર્થન આપ્યું છે. ઉમાશંકર જોશીએ પોતાના ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકમાં ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ નામના લેખમાં ઊર્મિકાવ્યની આ ચાર બાબતો ઉપર ભાર આપ્યો છે : (૧) ઊર્મિકાવ્ય માત્ર વિદેશી એટલે કે આયાતી જ છે એવું નથી. (૨) ઊર્મિકાવ્ય સિવાયની અન્ય કવિતાને પણ જો તેમાં ઊર્મિતત્ત્વની હાજરી હોય તો તેને પણ ઊર્મિકાવ્ય તરીકે ઓળખાવી શકાય. (૩) ઊર્મિકાવ્ય ગેય જ હોવું જરૂરી નથી; તે અગેય પણ હોઈ શકે. (૪) ઊર્મિકાવ્યને અતીત (ભૂતકાળ) છે, તેમ તેનું ભવિષ્ય પણ હોઈ શકે. ઉમાશંકરભાઈએ ઊર્મિકાવ્ય વિષે વિશેષ જે એક વાત કહી છે તે છે, ઊર્મિકાવ્યમાંથી કવિના ઉલ્લાસ, ઉમંગ કે ઉમળકાનું પ્રગટ થવું. ઊર્મિકાવ્યમાં કોઈ વિચાર કે ચિંતનને કોઈ સ્થાન નથી; ઊલટાનું એવું પણ બને કે એવો કોઈ વિચાર કે એવું કોઈ ચિંતન પોતે જ ઊર્મિકાવ્યનો વિષય બને.

ઊર્મિકાવ્યનું સર્જન એ વિશિષ્ટ પ્રક્રિયા છે. કોઈ ધન્ય પળે કોઈ દૃશ્ય કે ઘટના કવિના હૃદયને સ્પર્શી જાય અને ગમે તે કાવ્યપ્રકારે ઊર્મિકાવ્ય સર્જાઈ જાય. એ પછી હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ હોય, કે બળવંતરાય ઠાકોરનું ‘ભણકારા’ હોય; અમૃત ‘ઘાયલ’ની ‘ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં’ (ગ઼ઝલ) હોય, કે બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ (સોનેટ) હોય; સુંદરમ્-નું ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્ય) હોય, કે હરીન્દ્ર દવેનું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ (ગીત) હોય; ‘કાન્ત’નું ‘સાગર અને શશી’ (પ્રકૃતિકાવ્ય) હોય, કે ‘મોરલી તો ચાલી રંગ રૂસણે’ જેવું કોઈ લોકગીત હોય. અહીં કેટલાંક ઊર્મિકાવ્યો જેમ જેમ યાદ આવતાં ગયાં તેમ ટપકાવાતાં ગયાં છે, ત્યારે ઊર્મિકાવ્યના વ્યાપમાં આવી શકે તેવી દીર્ઘ રચનાઓ તરીકે સંસ્કૃતના વિદ્વાન કવિ જયદેવના ૧૨ સર્ગ અને ૨૪ પ્રબંધમાં લખાયેલા માધવ અને રાધાના શૃંગાર, ભક્તિ અને પ્રણયને ઉજાગર કરતા ઊર્મિપ્રધાન ‘ગીતગોવિંદ’ સર્જનને, મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ને તથા રવીન્દ્રનાથ ટાગોર રચિત નોબલ પ્રાઈઝ વિજેતા ‘ગીતાંજલિ’ને પણ યાદ કરી લઈએ. હજુય યાદી ઘણી લાંબી થઈ શકે, પણ લેખની કદમર્યાદા તેમ કરતાં રોકે છે.

ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર ઊર્મિકાવ્યોના સંભવત: પ્રથમ સંગ્રહ તરીકે જેને ગણવામાં આવે છે, તે છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કૃત ‘કુસુમમાલા’ અને તો વળી બ.ક. ઠાકોરે તો આપણને ચિંતનપ્રધાન એવાં કેટલાંય ચિંતનોર્મિ કાવ્યો આપ્યાં છે, જે ભલે ને આત્મલક્ષી હોય પણ આપણને પરલક્ષી જ ભાસે છે. તેમના ‘મ્હારાં સોનેટ’ સંગ્રહમાંનાં મોટા ભાગનાં સોનેટને ઊર્મિકાવ્યો જ ગણવાં પડે, કેમ કે પાશ્ચાત્ય મીમાંસકોએ પણ એવાં સોનેટ કે જે ઊર્મિપ્રધાન હોય તેમના માટે ‘Lyrical Sonnets’ (ઊર્મિલ સોનેટકાવ્યો) એવું નામાભિધાન પણ કર્યું છે.

લેખસમાપને આ લેખમાંની મારી મર્યાદાને સ્વીકારી કરી લઉં કે અત્રે હું સાંપ્રતકાલીન ઊર્મિકાવ્યોના કવિઓ કે તેમનાં કાવ્યોનો નામોલ્લેખ કરી નથી શક્યો, જેનું કારણ એ કે હું સાંપ્રત સાહિત્યવાંચનથી કેટલાક દસકાઓથી અલિપ્ત રહ્યો છું. ‘વેગુ’વાચકો પ્રતિભાવ કક્ષમાં એવા કોઈ કવિઓનાં ઉચ્ચ કોટિનાં સર્જનોને ઉલ્લેખશે તો તે આ લઘુલેખ સાથે ‘વેગુ’વાચકો માટે પૂરક વાંચનસામગ્રી બની રહેશે.

–વલીભાઈ મુસા

* * *

ઋણસ્વીકાર :

(૧) જે તે રચના માટેનો લિંક આપવામાં આવ્યો છે તે બ્લૉગ કે વેબસાઈટનો અને ‘ગૂગલ’ શોધનો
(૨) અમેરિકાસ્થિત પ્રિય મિત્ર શ્રી ચીમનભાઈ પટેલનો એટલા માટે કે ‘વલદાની વાસરિકા’ માટે ‘ઊર્મિકાવ્ય (Lyric)’ વિષે લેખ લખવાનું વિચારતો હતો અને તેમના થકી મને પ્રેરકબળ મળ્યું.

 

Tags: , , , , ,

(૪૬૦) હું અને મારો ઘોડો : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧)

I and my horse

My horse and I are friends
he is my beloved, I am his.

His loyalty par excellence,
my comrade whom I trust
in times of travel and war
in expedition or in adventure.

We two have much in common
I do not take him as servant
he does not take me as master.

But his world is his own
and I cannot intervene.

He is not bound to my whims
his moods and fantasies are different.

I may take him to water,
it is my role and only function
but cannot insist anything to him
It’s up to him to drink water
or to bathe in the stream
or just be a spectator of river
or a silent visitor.

After all he knows well
what to do with the water.

                                                          –  Mukesh Raval

                                                          (Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * * * *

clip_image001

હું અને મારો ઘોડો

(ભાવાનુવાદ)

મારો ઘોડો અને હું મિત્રો છીએ,
તે મને અત્યંત પ્રિય અને હું તેને.

તેની વફાદારી પણ બેહદ,
એ એવો મારો ભરોસાપાત્ર મિત્ર;
જે સફર અને યુદ્ધ
ચઢાઈ અને સાહસ સઘળાયમાં એ જ.

અમારી વચ્ચે સામ્યતાય ઘણી,
હું એને સેવક ગણું નહિ
અને ગણે ન એ મને માલિક.

પણ તેની પોતાની એક દુનિયા છે;
જેમાં મારી દખલગીરી ન હોય, વળી
એ મારી મનસ્વિતાને અનુસરવા જરાય બંધાયેલો નહિ !

એનાં મિજાજ અને પરિકલ્પનાઓ સાવ ભિન્ન.

.હું તેને પાણી પાસે લઈ જાઉં ખરો,
કેમ કે એ તો મારી ભૂમિકા અને ફરજ;
પણ, મારો એની કોઈ બાબતે આગ્રહ તો નહિ જ.

એની એ મુનસફી કે પાણી પીએ
કે વહેતા પ્રવાહમાં એ ન્હાય
કે પછી માત્ર નદીનો બની રહે પ્રેક્ષક
યા તો સાવ રહે એનો મૂક મુલાકાતી.

છેવટે તો એ ખુદ જ જાણે કે
પાણી સાથે શું કરવું !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(સાભાર : ‘Pots of Urthona’ : A Collection of Poems – Mukesh Raval)

* * * * *

(૧)  હું અને મારો ઘોડો – રસદર્શન

અંગ્રેજીમાં મુહાવરો (Idiom) છે : “You can lead a horse to water, but you can’t make it drink.”; અર્થાત્,“તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો તો ખરા, પણ તેને પાણી પીવાની ફરજ પાડી શકો નહિ.” આપણે આની વિશદ ચર્ચામાં ન ઉતરતાં એટલું જ સમજી લઈએ કે આપણે કોઈને તક આપી શકીએ, પણ તે તકનો લાભ લેવાનું તો સામેના માણસ ઉપર જ નિર્ભર રહે છે.

કવિએ આ કાવ્યરચનામાં ઉપરોક્ત મુહાવરાનો આધાર લીધો હોય કે ન લીધો હોય, પણ આ કૃતિ એમનું મૌલિક સર્જન જ બની રહે છે. એમણે સહજ એવું ‘હું અને મારો ઘોડો’ શીર્ષક આપીને પોતાના કાવ્યની સરસ મજાની શરૂઆત કરી છે. તેઓશ્રી પોતાનો ઘોડો અને તેઓ ખુદ એકબીજાના મિત્રો હોવાની ઓળખાણ આપીને તેમની ઉમદા મિત્રાચારીને સમજાવે છે. આમેય ઘોડાને વફાદાર પ્રાણી ગણવામાં આવે છે અને અહીં પણ કવિ એ વફાદારીને સમજાવવા માટે તેની ક્યાંક્યાં ઉપયોગિતા છે તે દર્શાવીને તેની ભરોસાપાત્રતાને ઉજાગર કરે છે. આ બંને મિત્રોમાં ઘણી સામ્યતા હોવાનું દર્શાવવા લાઘવ્યમાં માત્ર એટલું જ કહી દે છે કે કવિ ઘોડાને પોતાનો સેવક ગણતા નથી અને સામે વળી ઘોડો પણ કવિને પોતાના માલિક તરીકે સમજતો નથી. આમ તે બેઉની વચ્ચે શેઠનોકરનો શુષ્ક સંબંધ નથી, પણ તેથીય કંઈક વિશેષ ઉષ્માભર્યો સંબંધ છે.

ઘોડાની પોતાની પણ એક દુનિયા હોઈ કવિ તેના જીવનમાં કોઈ દખલગીરી કરવા નથી માગતા. વળી તેઓ એવી કોઈ અપેક્ષા પણ રાખતા નથી કે એ ઘોડો તેમની મનસ્વિતા કે ધૂનને અનુસરે જ. કવિ સ્વીકારી લે છે કે ઘોડાનો પોતાનો મિજાજ અને તેની પરિકલ્પનાઓ ભિન્ન હોઈ શકે. આટલા સુધી ઘોડા સાથેના પોતાના વિશિષ્ટ સંબંધોનો પરિચય આપીને કાવ્યના હાર્દસમા અંતિમ ચરણમાં કવિ પ્રવેશે છે. તેઓ પોતાની ફરજના ભાગરૂપે ઘોડાને નદી તરફ દોરી જાય છે. નદીના પાણી સુધી પોતાના ઘોડાને લાવી દીધા પછી હવે એ ઘોડાએ પાણી સાથે શું કરવું તે બાબતને કવિ તેની મરજી ઉપર છોડી દે છે. કવિ કહે છે કે હવે એ ઘોડો પાણી પીએ કે પછી પાણીમાં સ્નાન કરે, અથવા તો તે નદીનું દર્શન માત્ર કરે કે પછી એક મૂક મુલાકાતી તરીકે તે નદીકાંઠે વિહરે. કવિ આ શબ્દોમાં નિર્લેપ ભાવે કાવ્યનું સમાપન કરે છે કે છેવટે તો ઘોડાને એની સારી રીતે જાણ છે જ કે તેણે પાણી સાથે શું કરવાનું છે !

આ કાવ્યને માનવીય જીવનમાં એ રીતે લાગુ પાડી શકાય કે માતાપિતાએ સંતાનઉછેરમાં કે શિક્ષકોએ વિદ્યાભ્યાસ કરાવતી વખતે બાળકોને માર્ગદર્શન (Counseling) જ પૂરું પાડવાનું હોય અને તેમની પોતાની રીતે જે તે કામ કરવા દેવા માટેની તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. જો આમ થાય તો જ તેઓ આત્મનિર્ભર બની શકે અને પોતે જ પોતાનો વિકાસ ઉત્તમ રીતે સાધી શકે. એમને વધારે પડતી સૂચનાઓ આપવાથી કે તેમના ઉપર વિચારો લાદી દેવાથી એ પરાવલંબી બની જશે.

આમ કવિશ્રીએ પેલા મુહાવરાની ઘોડાએ પીવાના પાણી માત્રની એક જ વાતથી આગળ વધીને તે ઉપરાંતના અન્ય વિકલ્પો પણ દર્શાવ્યા છે. માર્ગદર્શન આપનારા પ્રોફેશનલો (Counselors) પણ માર્ગદર્શન મેળવનારાઓ સામે બધા વિકલ્પો ખુલ્લા મૂકી દેતા હોય છે અને જે તે માર્ગ કે નિર્ણયની પસંદગી તો તેની પાસે જ કરાવતા હોય છે.

આ કૃતિનું કાવ્યતત્ત્વ ભલે સામાન્ય લાગતું હોય, પણ કવિએ માર્ગદર્શનની આદર્શ પ્રક્રિયાને પરોક્ષ રીતે સમજાવીને એક ઉમદા લક્ષ સિદ્ધ કરી બતાવ્યું છે. કનૈયાલાલ મુનશીનો વિવેચનશાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે સાહિત્ય કે અન્ય કોઈપણ કલામાં નીતિ કે બોધની વાતને સ્પષ્ટ રીતે આપી દેવાથી એ કલા ક્લુષિત થઈ જતી હોય છે. એમનું આ બાબતે વિખ્યાત સૂત્ર છે કે ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ આપણા આ કાવ્યના કવિએ આ મુદ્દે સજાગતા જાળવી રાખી છે અને કાવ્યનું સારતત્ત્વ કે ફલશ્રુતિ તારવી લેવાનું કામ વાચકો ઉપર છોડી દીધું છે અને પોતે કાવ્ય આપી દઈને દૂર ખસી ગયા છે.

ઉમદા કૃતિને સર્જવા બદલ કવિશ્રીને ખોબલે ખોબલે ધન્યવાદ.

                                                                                                                                          – વલીભાઈ મુસા (રસદર્શનકાર)

 

Tags: , , , , ,

(352) Best of 5 years ago this month/Nov-2007 (7)

(352) Best of 5 years ago this month/Nov-2007 (7)

Click on …

My Lyrics – II (મારાં ઊર્મિકાવ્યો – ૨)

My Haikus – III (મારાં હાઈકુ – ૩)

Over Sensitiveness

– Valibhai Musa