Click here to read in English
હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.
પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.
દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.
જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.
અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.
“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.
મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :
નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)
“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.
તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.
મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.
પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.
ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.
પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.
મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.
પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.
મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.
મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.
પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’
બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.
પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.
પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.
પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.
ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.
પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.
પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.
મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”
છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’
-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)
[…] ક્રમશ: (7) […]