RSS

Category Archives: ગ઼ઝલ

(568) દોરો પરોવેલી સુઈ (ગ઼ઝલ) – ૨૫

તકતી – ગાગાલગા *3 (રજઝ સાલિમ ષડવર્ગી)

દોરો પરોવી સોઈ તો ખોવાય ના
નારી સુહાગણ એમ કૈૈં નિંદાય ના

મિત્રો ઘણા મળતા રહેતા આ જગે
વિપદા વચાળે ખુદગરજ ડોકાય ના

પાણી કદી ધોકેય નોખાં થાય ના
લોહીસગે જોડાયલાં વેરાય ના

કુદરત તણી લીલા સમજવી દોહ્યલી
આકાશમાં ભમતા ગ્રહો અથડાય ના

લજ્જાહયા ચારિત્ર્યનું છે ઢાંકણું
લૂપહાજરીએ ગર્ભ ધારણ થાય ના

ધૂંવો કદીયે ઊઠતો ના જાણવો
જ્યાં ચીજ કોઈ ક્યાંય સળગાવાય ના

જીવન મહીં નાતા ઘણા નાજુક છતાં
જતને ‘વલી’ અમથા જ એ કરમાય ના

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૨૨૦૧૧૮)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૨૦૧૧૮)

 

 
Leave a comment

Posted by on February 8, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

(567) હૃદયમાં હો મમતા  (ગ઼ઝલ) – ૨૪ 

તકતી – લગાગા લગાગા લગાગા લગાગા

હૃદયમાં હો મમતા એ ઓછું ન જાણો
ઉમળકાથી મળતા એ ઓછું ન જાણો

પ્રજળતી ભલે આગ દિલમાં સદાયે
રહેવું મલકતા એ ઓછું ન જાણો

પ્રજા મોંઘવારી સહન જે કરી લે
કરે ના ફજેતા એ ઓછું ન જાણો

જુઓ તો ખરા કે અધર્મો છતાંયે
ન કોપે વિધાતા એ ઓછું ન જાણો

નપાવટ નમાલો ધણી હોય માથે
ગણાતી વિજાતા એ ઓછું ન જાણો

મહેતા ન મારે, ભણાવે ન તોયે
પગારો અપાતા એ ઓછું ન જાણો

ભલે ઘોરતા હોય નેતા સભાએ
ઉપસ્થિત રહેતા એ ઓછું ન જાણો

મનાવે ‘વલી’ મન ચલાવે બધુંયે
નિભાવે જ શાતા એ ઓછું ન જાણો

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

[વિજાતા= છોકરાં થયાં હોય તેવી સ્ત્રી]

(તા.૦૮૦૧૧૮)

 

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૮૦૧૧૮)

 

 

 

 

 

 

 

 

 
2 Comments

Posted by on February 5, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

(566) કાગનો વાઘ છે (ગ઼ઝલ) -૨૩

તકતી – ગાલગા * 4  (મુતદારિક મુસમન સાલિમ)

કાગનો વાઘ છે, વાતમાં દમ નથી,
ચિત્રનો વાઘ છે, એ કંઈ જમ નથી.

જામ શરબત તણો હાથમાં  છે લીધો,
માનશો  ના ભલે, કિંતુ એ રમ નથી.

આગ ભડકાવતા શાસકો  ખુદ પછી,
શાંતિને યાચતા શાઠ્ય એ કમ નથી.

કોમને  કોમથી  ડારવી  છળ થકી,
સેક્યુલર શબ્દ શું શાબ્દિક ભ્રમ નથી?

રાજકારણ બન્યું  મિન્ટ બીજું  જ તો,
ખાયકી તેઉની શ્યામધન સમ નથી?

લોકશાહી  બિચારી વહાવે લહૂ,
દૂઝતા ઘાવનો  કોઇ મરહમ નથી?

ચોરને સોંપવું ચોરનું પકડવું,
ખેલ જોઈ ‘વલી’  શું તને ગમ નથી?

(રમ= એક પ્રકારનો દારૂ; સેક્યુલર= બિનસાંપ્રદાયિક; મિન્ટ=ટંકશાળ) 

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૦૩૦૧૧૮)

 
1 Comment

Posted by on February 2, 2018 in ગ઼ઝલ

 

Tags: , , , , ,

(564) આ વિશ્વમાં પ્લાસ્ટિક (ગ઼ઝલ) – ૨૨

તકતી – ગાગાલગા * 4 (રજઝ સાલિમ)

આ વિશ્વમાં પ્લાસ્ટિક તણો વપરાશ વધતો જાય છે,
તેના થકી ભાવી પ્રલય પૃથ્વી તણો વરતાય છે.

પ્લાસ્ટિક અને ઈશ્વર સનાતન નાશ પામે ના કદી,
એ બેઉનું બાકી રહેવું આખરે સમજાય છે.

નહિ તો પછી તરુલોપથી આવે પ્રલય સમજી જ લો,
કુદરત તણો એ કોપ નહિ પણ માનવીથી થાય છે.

આગોતરી મળતી ખબર એ દી પ્રલયના આખરી,
વાવો વૃક્ષો છેલ્લી પળે પ્રલયે ભલે ભેળાય છે.

તાકાત અણુશસ્ત્રો તણી દર્શાવતાં રાષ્ટ્રો બધાં,
વેરાન થાશે વિશ્વ આ યુનો મહીં ચર્ચાય  છે.

જે તોપમુખમાં બાંધતું માળો વિહગ નિરાંતવું,
અંજામથી અણજાણ એ તો મન મહીં હરખાય છે.

પ્લાસ્ટિક તજો, વાવો તરુ, એ મંત્ર ફેલાવો ‘વલી’,
અણુઆયુધો નાબૂદ કરવાં તુજ શિરે ક્યાં જાય છે?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૦૧૦૧૧૮)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૧૦૧૧૮)

 

 

 

 

 

 

 

 
1 Comment

Posted by on January 26, 2018 in ગ઼ઝલ

 

Tags: , , , , ,

(561) મુજ આરજૂ મુજ સોણલાં (મરશિયા ગ઼ઝલ) – ૨૦

તકતી – લલગાલગા*4 – દરેક આવર્તનમાં પ્રથમ બે અક્ષરો લઘુ નિભાવવા પડે (કામિલ સાલિમ)

મુજ આરજૂ મુજ સોણલાં તુજ પાછળે જ લુટાવિયાં
દિલગીર હાય સરવ કશેંય ન કામ એ મુજ આવિયાં

ન હતો કદીય સપન મહીં જુજ પણ ખયાલ સનમ અરે
તુજ મૌતના જ કહર થકી હા સરવ જહાજ ડુબાવિયાં

ચિર કાળની તુજ નીંદડી ચિર કાળનો મુજ આંતરો
શું ગળી જશે મુજનેય શું વિધિએ ખરે જ હરાવિયાં

તુજ નૈન નત મધુ ચંદ્રિકા વિસરાય ના કદીયે જિગર
સ્થિર બૂતશો તુજ કબ્ર નીરખું ચૈન હા જ ગુમાવિયાં

નિજ ઘર તણી અતિ શૂન્યતા એ સતાવતી દિનરાત તો
તુજ રૂહને કશું થાય ના મુજ નેત્રજળ જ ઝમાવિયાં

આ ‘વલી’ ચહે તુજ પામવું દિન આખરી જ કયામતે
દિન તદ તલક જ ભમવું અરે નિજ ભાગ્ય સમ જ ભમાવિયાં

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૧૫૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૫૧૨૧૭)

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on January 16, 2018 in ગ઼ઝલ, મરશિયા

 

Tags: , , ,