બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (શેર ૬ થી ૭)
ન હશ્ર-ઓ-નશ્ર કા ક઼ાએલ ન કેશ-ઓ-મિલ્લત કા
ખ઼ુદા કે વાસ્તે ઐસે કી ફિર ક઼સમ ક્યા હૈ (૬)

[હશ્ર= કયામતનો દિવસ; નશ્ર= મદદ; ક઼ાએલ= કબૂલ કે માન્ય કરવું, હશ્ર-ઓ-નશ્ર= કયામતનો દિવસ અને મદદ માટેનું આક્રંદ અને શોરબકોર, મિલ્લત= પંથ; સંપ્રદાય; કેશ-ઓ-મિલ્લત= કૌમનું ઈમાન, કૌમની ધાર્મિક માન્યતા]
ગ઼ાલિબનો સરસ મજાનો આ શેર છે, જેમાં કસમના વજૂદને સમજાવવામાં આવ્યું છે. લોકોમાં સામાન્ય રીતે કસમ ખાવા-ખવડાવવાનો એક રિવાજ હોય છે કે જેમાં સોગંદ ખાનાર વ્યક્તિ જે કંઈ બોલશે તે સાચું જ બોલશે તેમ માની લેવામાં આવતું હોય છે, હાલાં કિ ઘણીવાર માણસ ખોટા સોગંદ પણ ખાતો હોઈ શકે છે. કોર્ટકચેરીઓમાં પણ સોગંદવિધિ પછી જે તે આરોપી કે ફરિયાદીનું નિવેદન લેવામાં આવતું હોય છે. કોઈ માણસ માબાપના નામે, સંતાનના નામે કે પોતાની જાત ઉપરના સોગંદ ખાય તે કરતાં પોતાના ધર્મ ઉપરના ઈમાન, શ્રદ્ધા કે આસ્થાના સોગંદ ખાય તેને વધારે ભરોંસાપાત્ર માનવામાં આવે છે.
આટલી પૂવભૂમિકા પછી આપણે શેર ઉપર આવીએ. ઈસ્લામ મજહબમાં તેમાંની કેટલીક પાયાની માન્યતાઓનો એકરાર કરવો તેને ઈમાન કહેવામાં આવે છે. અહીં અતિવિસ્તારને ખાળવા મિસરામાં સમાવિષ્ટ મુદ્દાઓને જ ધ્યાનમાં લઈએ તો એ છે; કયામતના દિવસને નક્કી સમજવો, એ દિવસે પાપીઓની મદદ માટેની પુકાર સાથેના આક્રંદ અને કોલાહલને સાચાં ગણવાં વગેરે. હવે આ બાબતો તો પારલૌકિક ગણાય, પણ જીવાતી જિંદગીમાં પોતાની કૌમની ધાર્મિક માન્યતાઓ કે રીતરિવાજોના પાલન માટેની તૈયારીને પણ આવશ્યક સમજવી પડે. હવે આપણે ગ઼ાલિબના મૂળ કથન ઉપર આવીએ તો તેમાં તે કહેવા માગે છે કે હું ઉપરોક્ત કોઈ એક પણ બાબતને કબૂલ જ ન કરતો હોઉં કે તેનું પાલન પણ કરતો ન હોઉં અને છતાંય હું ‘ખુદા કે વાસ્તે’ શબ્દો દ્વારા ખુદાનો વાસ્તો આપીને એટલે કે ખુદાનું નામ વચ્ચે લાવીને કસમ ખાઉં તો એવા કસમનું કોઈ વજૂદ (મહત્ત્વ) રહેતું નથી. આમ શેરને પોતાની જાત ઉપર લઈને ગ઼ાલિબે એવા દાંભિકોની મજમ્મત (નિંદા) કરી છે.
* * *
વો દાદ-ઓ-દીદ ગરાઁ-માયા શર્ત હૈ હમદમ
વગર્ના મેહર-એ-સુલેમાન-ઓ-જામ-એ-જમ ક્યા હૈ (૭)
[દાદ= પ્રશંસા, સન્માન; દીદ= દર્શન; દાદ-ઓ-દીદ= પ્રશંસા અને દર્શન; ગરાઁ-માયા=મૂલ્યવાન; હમદમ= માશૂકા, મિત્ર, જીવનસાથી, પ્રેમપાત્ર; વગર્ના= નહિ તો; જામ-એ-જમ= ઈરાનના બાદશાહનો જાદુઈ પ્યાલો; મેહર-એ-સુલેમાન= સુલેમાનની મહેરબાની]
ગ઼ાલિબના જ્યાદાતર શેરમાં માશૂકા તરફી ગિલાશિક્વા જોવા મળે છે, ત્યારે આ શેર માશૂકા પરત્વેનો અહોભાવ પ્રગટ કરે છે. પ્રથમ મિસરામાંના માશૂકના હકારાત્મક વિધાનથી આપણને પણ અહોભાવની લાગણી થાય છે. માશૂક અને માશૂકા વચ્ચેના સંબંધમાં અહીં તંગદિલી નથી, તાલમેલ છે. બંને એકબીજાંને દર્શન (મુલકાત) આપવા માટે ઉત્સુક હોવા ઉપરાંત બંને એકબીજાંને દાદ (માનસન્માન) પણ આપે છે. સાચાં પ્રેમીઓ વચ્ચે આવો સુમેળભર્યો વ્યવહાર હોવો એ આવશ્યક શર્ત હોય છે, જે અહીં પરિપૂર્ણ થાય છે. આમ માશૂકના માશૂકા તરફી પ્રેમભાવમાં સામંજસ્ય હોઈ તેઓ તેને અતિ મૂલ્યવાન ગણે છે.
બીજા મિસરામાં માશૂકના માશૂકા સાથેના પ્રેમસંબંધના મૂલ્યની માત્રા નક્કી થવા માટે બે ઉદાહરણો અપાય છે; એક, ઈસ્લામના પયગંબર સુલેમાનની મહેરબાની અને બે, ઈરાનના મશહૂર બાદશાહ જમશેદનો કિંમતી જાદુઈ પ્યાલો. હવે આ બે ઉદાહરણોને ઊંડાણથી સમજવા પહેલાં એક આડવાત કરી લઈએ. શેર-ઓ-શાયરીમાં કોઈ ઐતિહાસિક, પૌરાણિક, દંતકથાકીય કે પ્રેમકહાણીઓનો ઉલ્લેખ કરવામાં આવે તેને ‘તલ્મીહ’ કહેવામાં આવે છે. આ ‘તલ્મીહ’ શબ્દોમાં ઉલ્લેખાયેલાં પાત્રો વિષેની આપણને જાણકારી ન થાય, ત્યાં સુધી એ આખો શેર આપણને સમજાય નહિ.
અહીં ‘જામ-એ-જમ’ને હું અહીં સંક્ષિપ્તમાં જ સમજાવીશ, કેમ કે અગાઉ ‘હુઈ ઇસ દૌર મેં મંસૂબ મુઝ સે બાદા-આશામી, ફિર આયા વો જ઼માના જો જહાઁ મેં જામ-એ-જમ નિકલે’ શેરમાં વિસ્તારથી બતાવી ચૂક્યો છું. પર્શિયાના હકીમોએ એક એવો સાત બંગડીવાળો જાદુઈ પ્યાલો તૈયાર કરીને બાદશાહ જમશેદને ભેટ ધર્યો હતો, કે જેની અંદર જોવાથી સાત જન્નતોને આંખો સમક્ષ જોઈ શકાતી હતી. એ જ રીતે સુલેમાન પયગંબરને અલ્લાહે અનેક બક્ષિસો આપી હતી, જેવી કે પ્રાણીઓની ભાષા સમજવી, જિન્નાતો ઉપર કાબૂ પ્રાપ્ત થવો, શસ્ત્રો બનાવવા માટે તાંબાની ખાણ મળવી, ઊડતું તખ્ત હોવું વગેરે; જેમાં અપાર ધનદોલતનો પણ સમાવેશ થતો હતો. હવે એ પયગંબર કોઈ ઉપર મહેરબાન થાય તો તેને પણ માલામાલ કરી શકે. આમ બંને ઉદાહરણોમાં એ બેઉનું બહુમૂલ્ય બતાવાયું છે.
હવે આખા શેરને સમગ્રતયા સમજીએ તો માશૂક કહે છે કે મારી માશૂકા સાથેની મહોબ્બત અને અમારી એકબીજાં પરત્વેની ઓતપ્રોતતા એટલાં બધાં મૂલ્યવાન છે કે તેની સામે સુલેમાન પયગંબરની મહેરબાની કે જમશેદનો પ્યાલો કોઈ વિસાતમાં નથી.
(સંપૂર્ણ)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક –217)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન
[…] Click here to read in Gujarati […]