પૂર્વ અને પશ્ચિમના કાવ્ય મીમાંસકોએ ઊર્મિકાવ્ય વિષે વિશદ ચર્ચાઓ કરી છે. એ ચર્ચાઓ એની ગેયતા-અગેયતા કે ભાવવાહી પઠન, તેનું આત્મલક્ષીપણું કે પરલક્ષીપણું કે પછી એના ઉગમસ્થાન આસપાસ થતી રહી છે. મોટા ભાગના વિદ્વાનોનો સામાન્ય મત એ રહ્યો છે કે આ કાવ્યપ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી વિશ્વભરની ભાષાઓમાં વિસ્તર્યો છે. અંગ્રેજી સાહિત્યમાં આ કાવ્યપ્રકારને લિરિક (Lyric) તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જે લાયર (Lyre) ઉપરથી બન્યો છે; જેનો અર્થ થાય છે, એક પ્રકારનું વીણા જેવું વાદ્ય. આમ એમ જણાય છે કે પ્રારંભે લિરિકને ગેયરચના તરીકે જ પ્રસ્થાપિત કરવામાં આવી હોવી જોઈએ અને તેથી જ ગુજરાતી સાહિત્ય પરિષદના ઊર્મિકાવ્ય વિષેના ‘વાંચનકક્ષ આર્કાઈવ્ઝ’ પ્રમાણે આપણા ગુજરાતી સાક્ષરોએ પણ લિરિકની ગેયતાને સ્વીકારી છે અને તેમણે ગેયતાસૂચક ઓળખનામો પણ આપ્યાં છે; જેવાં કે નર્મદે ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’ કે ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ વગેરે. કાળક્રમે લિરિકની ગેયતા ગૌણ બનતી રહી અને તેથી જ તો ન્હાનાલાલે એને ‘ભાવકાવ્ય’ તરીકેની ઓળખ આપી, તો વળી બળવંતરાયે તેને ‘ઊર્મિકાવ્ય’ ગણાવ્યું જે સંજ્ઞા ‘લિરિક’ના વિકલ્પે રૂઢ થઈ ગઈ.
ઊર્મિકાવ્યને ભલે ને એક ખાસ પ્રકાર તરીકે ભિન્ન રૂપે દર્શાવવામાં આવતું હોય, પણ મારા અંગત મતે વાસ્તવમાં તો કોઈપણ સાહિત્યસર્જન ઊર્મિના પરિપાક રૂપે જ હોય છે. ‘ઊર્મિ’ના શબ્દકોશીય અર્થો ‘ઉમળકો’, ‘આવેગ’, ‘લાગણીનો તરંગ કે ઉછાળો’, ‘ઉલ્લાસ’ વગેરે છે અને કોઈપણ સર્જન ઊર્મિ થકી જ સર્જાતું હોય છે. આમ ગદ્ય કે પદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર ઊર્મિસર્જન જ ગણાય. કાલિદાસનું ‘મેઘદૂત’ હોય, પ્રેમાનંદનું ‘આખ્યાન’ હોય, અખાના ‘છપ્પા’ હોય, બળવંતરાય ઠાકોરનાં ‘સોનેટ’ હોય, કલાપીનાં પ્રણયકાવ્યો હોય કે પછી કાન્તનાં ‘ખંડકાવ્યો’ હોય; અરે, એનાથી આગળ વધીએ તો ગદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર હોય – એ બધાં ઊર્મિસર્જનો જ ગણાય. કોઈપણ બાહ્ય સંવેદનશીલ ઘટના કે દૃશ્ય અથવા તો આંતરિક કોઈ વિચાર કે મનોભાવ સર્જકમાં ઊર્મિભાવ જગાડે અને કોઈક ને કોઈક સાહિત્યપ્રકારનું સર્જન થઈ જાય. આ તો એક વાત થઈ ગણાય અને ઊર્મિને વ્યાપક અર્થમાં પ્રયોજાતી હોવાનો મારો કે અન્યોનો એક મત સમજવો રહ્યો. આ લેખમાં તો આપણે ઊર્મિકાવ્યને એક માત્ર સ્વતંત્ર કાવ્યપ્રકાર સમજીને જ નહિ, પણ ઊર્મિતત્ત્વ ધરાવતા કોઈપણ કાવ્યને અનુલક્ષીને એ જ દિશામાં આગળ વધીએ.
ઊર્મિકાવ્ય (Lyric) માટે પાશ્ચાત્ય વિવેચકોએ આપેલી વિવિધ વ્યાખ્યાઓમાંથી નિચોડરૂપે બહાર આવતી વ્યાખ્યા છે : “Lyric is a poem that expresses the personal feelings of the poet.”; અર્થાત્, ઊર્મિકાવ્ય એ એવું કાવ્ય છે કે જે કવિની અંગત લાગણીઓને અભિવ્યક્ત કરે છે. મેં મારા “My Lyric – I (મારું ઊર્મિકાવ્ય–૧)”ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પણ આ વ્યાખ્યાને સમર્થન આપ્યું છે. ઉમાશંકર જોશીએ પોતાના ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકમાં ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ નામના લેખમાં ઊર્મિકાવ્યની આ ચાર બાબતો ઉપર ભાર આપ્યો છે : (૧) ઊર્મિકાવ્ય માત્ર વિદેશી એટલે કે આયાતી જ છે એવું નથી. (૨) ઊર્મિકાવ્ય સિવાયની અન્ય કવિતાને પણ જો તેમાં ઊર્મિતત્ત્વની હાજરી હોય તો તેને પણ ઊર્મિકાવ્ય તરીકે ઓળખાવી શકાય. (૩) ઊર્મિકાવ્ય ગેય જ હોવું જરૂરી નથી; તે અગેય પણ હોઈ શકે. (૪) ઊર્મિકાવ્યને અતીત (ભૂતકાળ) છે, તેમ તેનું ભવિષ્ય પણ હોઈ શકે. ઉમાશંકરભાઈએ ઊર્મિકાવ્ય વિષે વિશેષ જે એક વાત કહી છે તે છે, ઊર્મિકાવ્યમાંથી કવિના ઉલ્લાસ, ઉમંગ કે ઉમળકાનું પ્રગટ થવું. ઊર્મિકાવ્યમાં કોઈ વિચાર કે ચિંતનને કોઈ સ્થાન નથી; ઊલટાનું એવું પણ બને કે એવો કોઈ વિચાર કે એવું કોઈ ચિંતન પોતે જ ઊર્મિકાવ્યનો વિષય બને.
ઊર્મિકાવ્યનું સર્જન એ વિશિષ્ટ પ્રક્રિયા છે. કોઈ ધન્ય પળે કોઈ દૃશ્ય કે ઘટના કવિના હૃદયને સ્પર્શી જાય અને ગમે તે કાવ્યપ્રકારે ઊર્મિકાવ્ય સર્જાઈ જાય. એ પછી હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ હોય, કે બળવંતરાય ઠાકોરનું ‘ભણકારા’ હોય; અમૃત ‘ઘાયલ’ની ‘ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં’ (ગ઼ઝલ) હોય, કે બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ (સોનેટ) હોય; સુંદરમ્-નું ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્ય) હોય, કે હરીન્દ્ર દવેનું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ (ગીત) હોય; ‘કાન્ત’નું ‘સાગર અને શશી’ (પ્રકૃતિકાવ્ય) હોય, કે ‘મોરલી તો ચાલી રંગ રૂસણે’ જેવું કોઈ લોકગીત હોય. અહીં કેટલાંક ઊર્મિકાવ્યો જેમ જેમ યાદ આવતાં ગયાં તેમ ટપકાવાતાં ગયાં છે, ત્યારે ઊર્મિકાવ્યના વ્યાપમાં આવી શકે તેવી દીર્ઘ રચનાઓ તરીકે સંસ્કૃતના વિદ્વાન કવિ જયદેવના ૧૨ સર્ગ અને ૨૪ પ્રબંધમાં લખાયેલા માધવ અને રાધાના શૃંગાર, ભક્તિ અને પ્રણયને ઉજાગર કરતા ઊર્મિપ્રધાન ‘ગીતગોવિંદ’ સર્જનને, મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ને તથા રવીન્દ્રનાથ ટાગોર રચિત નોબલ પ્રાઈઝ વિજેતા ‘ગીતાંજલિ’ને પણ યાદ કરી લઈએ. હજુય યાદી ઘણી લાંબી થઈ શકે, પણ લેખની કદમર્યાદા તેમ કરતાં રોકે છે.
ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર ઊર્મિકાવ્યોના સંભવત: પ્રથમ સંગ્રહ તરીકે જેને ગણવામાં આવે છે, તે છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કૃત ‘કુસુમમાલા’ અને તો વળી બ.ક. ઠાકોરે તો આપણને ચિંતનપ્રધાન એવાં કેટલાંય ચિંતનોર્મિ કાવ્યો આપ્યાં છે, જે ભલે ને આત્મલક્ષી હોય પણ આપણને પરલક્ષી જ ભાસે છે. તેમના ‘મ્હારાં સોનેટ’ સંગ્રહમાંનાં મોટા ભાગનાં સોનેટને ઊર્મિકાવ્યો જ ગણવાં પડે, કેમ કે પાશ્ચાત્ય મીમાંસકોએ પણ એવાં સોનેટ કે જે ઊર્મિપ્રધાન હોય તેમના માટે ‘Lyrical Sonnets’ (ઊર્મિલ સોનેટકાવ્યો) એવું નામાભિધાન પણ કર્યું છે.
લેખસમાપને આ લેખમાંની મારી મર્યાદાને સ્વીકારી કરી લઉં કે અત્રે હું સાંપ્રતકાલીન ઊર્મિકાવ્યોના કવિઓ કે તેમનાં કાવ્યોનો નામોલ્લેખ કરી નથી શક્યો, જેનું કારણ એ કે હું સાંપ્રત સાહિત્યવાંચનથી કેટલાક દસકાઓથી અલિપ્ત રહ્યો છું. ‘વેગુ’વાચકો પ્રતિભાવ કક્ષમાં એવા કોઈ કવિઓનાં ઉચ્ચ કોટિનાં સર્જનોને ઉલ્લેખશે તો તે આ લઘુલેખ સાથે ‘વેગુ’વાચકો માટે પૂરક વાંચનસામગ્રી બની રહેશે.
–વલીભાઈ મુસા
* * *
ઋણસ્વીકાર :
(૧) જે તે રચના માટેનો લિંક આપવામાં આવ્યો છે તે બ્લૉગ કે વેબસાઈટનો અને ‘ગૂગલ’ શોધનો
(૨) અમેરિકાસ્થિત પ્રિય મિત્ર શ્રી ચીમનભાઈ પટેલનો એટલા માટે કે ‘વલદાની વાસરિકા’ માટે ‘ઊર્મિકાવ્ય (Lyric)’ વિષે લેખ લખવાનું વિચારતો હતો અને તેમના થકી મને પ્રેરકબળ મળ્યું.
[…] ક્રમશ: (7) […]