ગુજરાતી બ્લૉગરો પૈકી કેટલાક મિત્રો એવા છે કે જેઓ વિજ્ઞાન કે ટૅકનોલૉજિનું જ જ્ઞાન કે ભણતર ધરાવતા હોવા છતાં આત્મસૂઝ અને સ્વયં સ્ફૂરણાથી સરસ મજાના વિવિધ ગુજરાતી સાહિત્યપ્રકારોનું સર્જન કરતા હોય છે. આવા મિત્રો જે કંઈ પ્રયત્નો કરતા હોય છે, તે સરાહનીય તો છે જ, પરંતુ તેમની એક મર્યાદા હોય છે કે તેઓ ભાષાકીય રીતે કાચા પડતા હોય છે. મેં ઘણા બ્લૉગ ઉપર સરસ મજાની ગઝલો જોઈ કે વાંચી છે, પણ એ ગઝલકારોએ શરૂઆતથી અંત સુધીમાં સોગંદ ખાવા પૂરતું એકેય વિરામચિહ્ન મૂક્યું નથી હોતું. આવા બ્લૉગરોનું સર્જન ગુણવત્તાસભર હોવા છતાં તેની અભિવ્યક્તિની ખામીના કારણે વાચકોને આકર્ષી શકતું નથી હોતું. એવા મિત્રોએ નિ:સંકોચપણે એવા કોઈ ભાષાના નિષ્ણાતોને શોધી લેવા જોઈએ, કે જેઓ તેમનાં લખાણોને જાહેરમાં પ્રસિદ્ધ કરવા લાયક સ્વરૂપે મઠારી આપે; જેવી રીતે કે વેપારીઓ ટેક્ષ કન્સલટન્ટની સેવાઓ લેતા હોય છે, બસ તેમ જ !
ભાષા કે માનવજીવનમાં સઘળે બદલાવ શાશ્વત છે, તે સ્વીકાર્ય તો હોય જ; પણ એ બદલાવ ઊર્ધ્વગામી હોય, તે ઇચ્છનીય ગણાય. ગુજરાતી વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) પ્રમાણે શબ્દોમાં કાળક્રમે વૈજ્ઞાનિક ઢબે રૂપાંતરો થતાં રહ્યાં છે, જે મોટાભાગે સારા કે વધુ સારા તરફ આગળ વધતાં હોય છે; તેમાં પીછેહઠ નથી હોતી. ઉદા. વાપિ > વાવિ > વાવ; મિષ્ટ > મિટ્ઠ (ટ્ + ઠ) > મીઠું; ઘૃતમ્ > ઘિઅં > ઘી; અષ્ટ > અટ્ઠ (ટ્ + ઠ) > આઠ. આ કેટલાંક ઉદાહરણો જોતાં ખ્યાલ આવશે કે જે તે સમયે લોકો જ પોતાની મેળે શબ્દોમાં બદલાવ લાવ્યા હોય છે. લોકો ઉચ્ચારોમાં સરળતા લાવતા જતાં હાલના પ્રચલિત શબ્દો સુધી પણ આપણે આવ્યા છીએ. આમાં વૈજ્ઞાનિક અભિગમ છે.
શિયાળ ઊંચાઊંચા ઠેકડા મારવા છતાં દ્રાક્ષ સુધી પહોંચી ન શકે, ત્યારે તેણે સ્વીકારી લેવું જોઈએ કે દ્રાક્ષ તેની પહોંચની બહાર છે; પરંતુ પોતાનું મન મનાવવા ‘દ્રાક્ષ ખાટી છે’ એમ બોલીને ચાલતી પકડે, તે તો જાતને છેતર્યા બરાબર ગણાય ! જોડણીની ભૂલોમાં ઊંઝકોની એક ‘ઈ-ઉ’વાળી વાતને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ અન્ય પ્રકારની અક્ષમ્ય ભૂલોને ચલાવી લેવાનું વલણ ભાષા માટે ઘાતક પુરવાર થઈ શકે. ‘મેં કેળું ખાધું.’, ‘હું કેળું ખાધું’, ‘હુંએ કેળું ખાધું.’, ‘મી કેળું ખાધું.’, ‘મીં કેળું ખાધું.’. આમાં વળી ‘કેળુ’, ‘ખાધુ’ અને ‘ખાયું’ કે ‘ખાયુ’ પણ આવી શકે. આ બધી રીતોએ લોકો વડે બોલાતા એ જ વાક્યને ભલે આપણે બોલવા દઈએ. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે, જેને જેમ ફાવે તેમ બોલે; ગમે તે રીતે વિચારવિનિમય તો થશે જ, સામેવાળો સમજી પણ લેશે. મૂંગો માણસ પણ ઈશારાઓથી પોતાની વાત સમજાવે તો છે જ ને ! પરંતુ એ જ વાક્યને જ્યારે લખવાનું આવે; ત્યારે લખનારે, જો તે શિક્ષિત હોય તો, ‘મેં કેળું ખાધું’ એમ જ લખવું જોઈએ. ‘કેળુ’ માં અનુસ્વાર કે જોડણીની ભૂલ હોઈ તેને ‘ઊંઝકો’ પણ સ્વીકારશે નહિ; આમ છતાંય આપણે એ શબ્દને બાજુ પર રાખીએ, તો પણ પેલાં કર્તાવાચક સર્વનામોનું શું કરીશું ! કોઈપણ માતૃભાષા વ્યાકરણથી શીખાતી નથી, સાંભળીને જ શીખાય છે. અહીં માતા બાળકને વ્યાકરણનો એવો કોઈ નિયમ શીખવતી નથી કે સકર્મક ક્રિયાપદ ભૂતકાળમાં હોય, તો કર્તાને ત્રીજી વિભક્તિનો ‘એ’ પ્રત્યય લાગે. કર્તા તરીકે (રમેશ) નામ હોય, તો ‘રમેશે’ લખાય; અહીં ‘હું’ સર્વનામ છે, એટલે નિયમની રીતે તો ‘હું’એ થાય, પણ બોલચાલમાં તો ‘મેં’ (જેમાં ‘હું’એ = ‘મેં’ જ છે !) જ વપરાય છે અને તેને જ ભણેલા કે શહેરી માણસો પ્રયોજતા હોય છે.
કોઈ માણસ કોઈના ઉપર ગુસ્સે થઈને મૌખિક રીતે જે ગાળો ભાંડે, તે જ ગાળોને પોસ્ટકાર્ડમાં લખીને સામેવાળાને મોકલી આપે તો તેણે પેલાને ગાળો ભાંડ્યા હોવાની લેખિત સાબિતી આપી ગણાય. મૌખિક બોલાએલી ગાળો હવામાં શમી જશે, પણ પેલી લેખિત ગાળોને તો પેલો બીજાઓને વંચાવતો ફરશે અને પોતે પણ વાંચતો રહેશે અને પોતાની માનહાનિને સરભર કરવા પોતે બદનક્ષીનો દાવો પણ ઠોકી શકે ! કહેવાનું તાત્પર્ય એ છે કે માણસે કંઈપણ અશોભનીય લખાણ લખતાં પહેલાં સત્તર વખત વિચારી લેવું જોઈએ, બસ તેમ જ અશુદ્ધ લખાણ લખતાં પહેલાં માણસે એક વાર તો વિચારવું જ જોઈએ. માણસ નાનું હોય કે મોટું હોય પણ તેણે, જો તેને માતૃભાષા પ્રત્યે સાચો પ્રેમ હોય તો, સાચું લખવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો. મારા ગામમાં એક નાના દુકાનદારે પાટિયા ઉપર ગુજરાતીમાં ‘રેડીમેન્ટ ગારમેન્ટ’ લખ્યું છે તે જો મને ખટકતું હોય, તો મને ‘આટો દળવાની ઘંટી’ લખેલું પણ ખટકવું જોઈએ. પણ ના, ‘એ તો ભાઈ આટો દળવાનું’ બોલવાનું રૂઢ થઈ ગયું છે, એટલે એ તો ‘બદલાવ’ થયો ગણાય ! આટાને પણ દળીને કદાચ મેંદો બનાવવામાં આવતો પણ હોય ! એવું તો ઘણુંય ખોટું બોલાય છે; જેમ કે, ‘ઘઉં વીણવા (કાંકરા નહિ, હોં કે!) વગેરે’.
હું બ્લૉગર તરીકે દ્વિભાષી – Bilingual (ગુજરાતી-અંગ્રેજી) લેખક છું. મારી ચોકસાઈ બંને ભાષાઓ માટે સરખી હોવી જોઈએ. હવે હું અંગ્રેજી માટે સો સો વખત લેક્સિકોનને ફંફોસતો હોઉં, તો ગુજરાતી માટે પણ મારે તેમ જ કરવું જોઈએ. પણ ના, એ તો ગુજરાતી છે, શું-શાં છે, ભાષા તો પરિવર્તનશીલ છે, સામેવાળો સમજે એટલે પત્યું, પાડી-પાડાનું જાણીને શું કામ છે – ભેંસમાલિકે બળી મોકલી એ જ આપણા માટે મહત્ત્વનું, આવી બચાવપ્રક્રિયા (Defence Mechanism)ની ઓથ લઈને હું મન ફાવે તેમ લખ્યા કરું અને પછી ઢોલ પીટીને લોકો આગળ ગીત ગાતો ફરું કે ‘મને ગુજરાતી પ્રત્યે પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે !’ તો તે કેવું વિરોધાભાસી લેખાશે ! માફ કરજો; મિત્રો, અહીં હું મારી જાત ઉપર આ બધાં દોષારોપણો સ્વેચ્છાએ લઈ લઉં છું. મારો પોતાનો પણ એવો કોઈ દાવો નથી કે મારાં લખાણોમાં કોઈ ભૂલો હોય જ નહિ, મારી પણ અસંખ્ય ભૂલો હોઈ શકે છે. મારા ગુજરાતી સાથેના એમ.એ. (Dropped) સુધીના અભ્યાસકાળ અને હાલના સમયની વચ્ચે મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે અડધી સદી પસાર થઈ ગઈ હોઈ ઘણું વિસારે પડ્યું પણ હોય ! આ કારણે જ તો મેં વેગુના લેખોનું પ્રથમ પ્રુફરીડિંગ જ સ્વીકાર્યું છે, બીજી ચાળણી જુગલભાઈની લાગતી હોય છે. હજુ હું પણ ‘ઇચ્છા’, ‘ઇજનેર’ જેવા શબ્દો ટાણે અવઢવમાં રહેતો હોઉં છું અને મારાં લખાણોમાં હું ‘મરજી’ કે ‘એન્જિનિયર’થી કામ કાઢી લેતો હોઉં છું. પરંતુ અન્ય લેખકના લખાણના પ્રુફરીડિંગમાં હું શબ્દ બદલી ન શકું અને તેથી જ હું અસંખ્યવાર ‘સ્વ. રતિકાકા’ના શરણે જતો હોઉં છું.
હું જ્યારે કોઈ લખાણ ડ્રાફ્ટ કરતો હોઉં છું, ત્યારે મારા કોમ્પ્યુરના છેક નીચેના ભાગે ગુજરાતી લેક્સિકોનને Minimize કરેલું માઉસવગું રાખતો જ હોઉં છું. આપણા જમાનામાં શિક્ષકો આપણને ભણાવતા હતા અને આપણે તેમની સામે બેસી રહીને માત્ર સાંભળ્યા કરતા હતા અને એ અર્થમાં આપણે સંપૂર્ણત: પરાવલંબી હતા. આજે ભણતરની પદ્ધતિઓ બદલાઈ હોઈ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પદ્ધતિથી ભણે છે. આપણે બ્લૉગરોએ પણ સ્વાધ્યાય કરતાંકરતાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહેવું જોઈએ. મારું માનવું છે કે જો આપણું લખાણ દોષરહિત કરવાની આપણી નિષ્ઠા હશે તો બધું જ શક્ય છે. આપણે આપણા લેખને બ્લૉગ ઉપર મૂકવા પહેલાં બેત્રણ વખત વાંચી જઈશું, તો પણ આપણને આપણી ઘણી ભૂલો મળી આવશે જ. મિત્રો, મારા શબ્દો આકરા પડે તો માફ કરશો; પરંતુ હું કહીને જ રહીશ કે જો ભાષાસુધારણાની આપણી દાનત જ ન હોય, તો આપણે બ્લૉગીંગ પ્રવૃત્તિને નવ ગજના નમસ્કાર કરી લેવા જોઈએ. ગમે તેવું ઘસડી કાઢીને અને તેને બ્લૉગ ઉપર મૂકી દઈને વાચકો અને એમાંય ખાસ તો ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અવઢવમાં નાખીને તેમને ભાષાકીય શુદ્ધતાની બાબતમાં ગેરમાર્ગે દોરવાનો આપણને કોઈ અધિકાર નથી.
ભાષાશુદ્ધિના વ્યવહારુ ઉપાયોમાં અહીં એક સામાન્ય નુસખો આપ મિત્રોને બતાવવા માગું છું. ગુજરાતી આપણી માતૃભાષા હોઈ એક જ શબ્દના અનેક વૈકલ્પિક શબ્દોને આપણે જાણતા હોઈએ છીએ. જોડણીની શંકાકુશંકા ન રહે તેવો શબ્દ આપણે પ્રયોજીએ તો ઘણી ભૂલો નિવારી શકાય. ઉદા. ‘કોશિશ’ના બદલે ‘પ્રયત્ન’, ‘શુશ્રૂષા’ના બદલે ‘સારવાર’, ‘હોસ્પિટલ’ના બદલે ‘દવાખાનું’, ‘વૈજ્ઞાનિક’ના બદલે ‘વિજ્ઞાનશાસ્ત્રી’, ‘કિંમત-કીમત’ના બદલે ‘ભાવ’, ‘હોશિયાર’ના બદલે ‘ચાલાક-ચતુર’, ‘દુનિયા’ના બદલે ‘જગત’, ‘શ્વસુર’ના બદલે ‘સાસરો-સસરો’ લખી શકાય.
આપણા ગુજરાતી બ્લૉગરોના હળવેથી કાન આમળતો (જેમાં મારો કાન પણ આમળવામાં આવ્યો છે, તેમ સૌએ માનવાનું રહેશે !) એક લેખ ‘વલદાની વાસરિકા’ ઉપર ટૂંક સમયમાં આવશે જ, એટલે રસભંગ ન થાય તે હેતુએ એ અંગે હું મૌન સેવું છું; પરંતુ તેના ઉપસંહારરૂપે એક વાત અહીં જણાવીશ કે જો ગુજરાતી બ્લૉગીંગ પ્રવૃત્તિ આમ ને આમ નવાં દશેક વર્ષ સુધી ચાલુ રહી તો આપણાથી જ ગુજરાતી ભાષાનું ધનોતપનોત નીકળી જશે ! એમ કહેવાય છે કે ‘કમજોરને ખૂબ ગુસ્સો આવે !’ અને તેથી જ કોઈ મિત્રોને થોડાક ગુસ્સે કરવાનું સાહસ કરીને પણ કહીશ કે આજકાલ બ્લૉગર એ નેટજગતના બાદશાહ જેટલી નિરંકુશ સત્તાઓ ભોગવી રહ્યો છે. આપણે આ લેખના વિષયના સંદર્ભમાં જ વિચારીએ તો આપણું કોઈ રણીધણી નથી. આપણે મન ફાવે તે લખી શકીએ છીએ, મન ફાવે તેમ લખી શકીએ છીએ; કારણ કે આપણે પોતે જ આપણા લેખના લેખક હોઈએ છીએ, આપણે પોતે જ તેના સંપાદક હોઈએ છીએ અને તેના પ્રકાશક પણ આપણે જ હોઈએ છીએ. વળી કોઈ આકળો પ્રતિભાવક પોતાના પ્રતિભાવમાં રોકડું પરખાવે તો તેને રદ (Delete) કરવાનો અધિકાર પણ આપણા જ હાથમાં હોય છે ! અન્ય શબ્દોમાં કહીએ તો આપણે સરમુખ્યતાર હોઈએ છીએ, જેમ કોઈ શાસક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રને પોતાના જ અંકુશ હેઠળ રાખતો હોય ! મારી આ કઠોર વાતને હવે સાવ હળવી રીતે નીચેના એક ઉદાહરણથી સમજાવીશ.
સાડીઓના કે એવા કોઈ ડ્રેસ મટિરિઅલના વેચાણ (Sale) માટેની અખબારના પાના ઉપર એક જાહેરાત હતી કે ‘ફલાણી રૂ. ૫૦૦/- ની વસ્તુ રૂ. ૫૦/– માં, ઢીંકણી રૂ. ૭૦૦/- ની વસ્તુ પણ માત્ર રૂ. ૫૦/- માં; પૂંછડી રૂ. ૧૫૦૦/- ની વસ્તુ પણ માત્ર અને માત્ર રૂ. ૫૦/- માં જ. મારો માલ છે, મને કોણ પૂછનાર છે કે હું મારો માલ આટલો સસ્તો કેમ આપું છું ! આ મારો માલ છે; એને હું દરિયામાં પધરાવું, એને હું દીવાસળી ચાંપું કે પછી મફતમાં લુંટાવી દઉં ! છે કોણ માઈનો લાલ, મને પૂછવાવાળો ?’
મિત્રો, સાનમાં સમજો તો સારું છે, (અત્રે) માફકસરનું લખાણ ન્યારું છે !!! ધન્યવાદ.
– વલીભાઈ મુસા
[…] Click here to read in English […]