સુજ્ઞ ગુગમમિત્રો,
આપણે અગાઉની આપણી શબ્દસૃષ્ટિની સફરમાં છેલ્લે એકકોશી જીવ અમીબાની વાત કરી હતી, જ્યાં આપણે ધાતુરૂપ શબ્દોને અમીબા તરીકેની ઓળખ આપી હતી. આમ છતાંય ધાતુ અને અમીબામાં ભિન્નતા એ છે કે અમીબામાંથી વિભાજન થઈને અમીબા જ બને, પણ ધાતુમાં વૃદ્ધિ થઈને પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય થકી અનેકાએક શબ્દો બની શકે અને છતાંય એ બધા શબ્દોનો જન્મદાતા તો પેલો મૂળ ધાતુરૂપ શબ્દ જ ગણાય.
આ ધાતુરૂપ શબ્દોને લાગતા પ્રત્યયો (પૂર્વગ-ઉપસર્ગ) શબ્દની આગળ આવે. ક્રિયાવાચક શબ્દોની પૂર્વે લાગતા પ્રત્યયોને ઉપસર્ગ કહે છે. સંસ્કૃત તત્સમ ઉપસર્ગ (પ્ર, પરા વગેરે) વીસની સંખ્યામાં છે. વળી તત્સમમાંથી તદ્ભવ ઉપસર્ગ (અ, અણ વગેરે) પણ બન્યા છે. આપણી ભાષામાં અરબી-ફારસી-ઉર્દૂ ઉપસર્ગો (બદ, લા, ખૂબ, બે વગેરે) આયાત પામ્યા છે અને તેમના થકી પણ અનેકાનેક શબ્દો પ્રચલિત બન્યા છે.
આટલા સુધીની મારી સંક્ષિપ્ત ચર્ચા સહેતુક છે. આપણે જ્યારે શબ્દની વ્યુત્પત્તિ જાણવા ઇચ્છીએ, ત્યારે એ શબ્દની આગળ પાછળ લાગતા પ્રત્યયોને પણ ધ્યાનમાં લેવા પડે, તેમને વિચ્છેદવા પડે. અહીં ‘વિચ્છેદ’ શબ્દપ્રયોગે માર્ક ટ્વેઈનભાઈ યાદ આવી ગયા, તેમના આ અવતરણ થકી કે ‘કોઈ બાબત કે વસ્તુનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું જાણી તો શકીએ, પણ તેનો અંત મરેલા દેડકાથી જ આવે!’ પરંતુ અહીં આપણા શબ્દોની ચીરફાડ (Dissection)માં મૂળ શબ્દ પ્રાપ્ત થાય છે, નજરે ચઢે છે, જીવિત થાય છે. ચાલો, ત્યારે આજે આપણે કેટલાક શબ્દો તપાસીએ.
(૧) વિજય :
આ શબ્દમાં ધાતુરૂપ શબ્દ ‘જિ’ છે, એકાક્ષરી છતાંય શબ્દ કહેવાય, હોં કે! આના અર્થો જીતવું; હરાવવું; સર્વોત્કૃષ્ટ થવું વગેરે છે અને તેના ઉપરથી થયેલા શબ્દો – જય, વિજય, પરાજય, જીત, અજિત, પરાજિત, જેતા, વિજેતા, સંજય વગેરે છે. મૂળ ધાતુ જિ ને અ પ્રત્યય લાગવાથી એટલે કે જિ + અ = જય શબ્દ બન્યો. (સંધિના નિયમ ઇ-ઈ પછી વિજાતીય સ્વર આવતાં ‘ઇ’ નો ‘અય્’ બનીને પાછળનો ‘અ’ જોડાઈ જાય. જિ = જ્+ઇ > જ્ +અય્ + અ > જય.) આમ ‘જય’ શબ્દમાં મૂળ બીજરૂપ ધાતુ ‘જિ’ છે. હવે આ ‘જિ’ને ‘અ’ પ્રત્યય લાગવાથી ‘જય’ ભાવવાચક સંજ્ઞા બની. વળી આ પ્રક્રિયા આટલેથી ન અટકતાં તેની આગળ ‘વિ’ ઉપસર્ગ લાગતાં, ‘જય’ના અર્થમાં વૃદ્ધિ દર્શાવતો ‘વિજય’ શબ્દ બન્યો.
(૨) બેઆબરૂ :
આ શબ્દે ગ઼ાલિબના એક શેરને સ્મૃતિપટ પર લાવી દીધો. અહીં એક રમૂજી ટુચકાનો રસાસ્વાદ માણીને આગળ વધીએ. એક નાના બાળકની માતાનો સંતાનપ્રેમ ઊભરાતાં તે તેના બંને ગાલ ઉપર હથેળીઓ દબાવતાં બોલી ઊઠી, ‘મારા બચુડા, તારો ચહેરો લાડવા જેવો ગોળ છે.’ પછી તો બસ, બાળક રડવાનું શરૂ કરી દેતાં બોલી ઊઠ્યું, ‘મા, મારે લાડવો ખાવો છે.’ મારે પણ એવું જ બન્યું કે ‘બેઆબરૂ’ શબ્દ સામે આવ્યો અને આ શેર મારા દિલ-ઓ-દિમાગ ઉપર તેજલીસોટો પાડી ગયો.
નિકલના ખ઼ુલ્દ સે આદમ કા સુનતે આએ હૈં લેકિન
બહુત બે-આબરૂ હો કર તિરે કૂચે સે હમ નિકલે
આ શેરમાંના ‘બેઆબરૂ’ શબ્દથી જ આપણે મતલબ છે. અહીં પૂર્વપ્રત્યય અને શબ્દ બંને ફારસી છે. ‘બે’ પૂર્વ પ્રત્યયનો અર્થ ‘વગર’ કે ‘સિવાય’ છે, જે થકી વિરોધાર્થી શબ્દ બન્યો છે. મૂળ શબ્દ ’આબરૂ’ને તપાસીએ તો આબ (પાણી, તેજ) + રૂ (મોં, ચહેરો) થાય છે, જેનો સીધો અર્થ ‘ચહેરાની તેજસ્વિતા’ બનશે. આબરૂદાર માણસનો તેજસ્વી ચહેરો જ આપણને કહી દેશે કે જે તે ઈસમ આબરૂદાર છે.
‘બે’ જેવા અન્ય કેટલા ફારસી-અરબી પૂર્વપ્રત્યયો અને પરપ્રત્યયો આ પ્રમાણે છે. કમ (કમજોર), ખૂબ (ખૂબસૂરત), ખુશ (ખુશખબર), ગેર (ગેરફાયદો), દર (દરરોજ), ના (નાપસંદ), લા (લાજવાબ) વગેરે પૂર્વપ્રત્યયો છે. તો વળી પરપ્રત્યયો પણ છે, જેવા કે ખોર (હરામખોર), દાન (કદરદાન), ગાર (મદદગાર), ગર (સોદાગર), ગીર (આલમગીર), ગી (તાજગી), ગીરી (ગુલામગીરી), બાજ (દગાબાજ), દાર (દુકાનદાર) વગેરે.
ઉપર મોટા ભાગના પૂર્વપ્રત્યયો મૂળ ફારસી કે અરબી શબ્દને લાગ્યા હોઈ તે આખોય શબ્દ આપણી ભાષામાં પ્રયોજાય, ત્યારે તેને તત્સમ શબ્દ કહેવાય. આ બધા પરપ્રત્યયો આપણી ગુજરાતી ભાષાના શબ્દોને પણ લાગી શકે છે. દા.ત. ગેરવર્તન, દાદાગીરી, ગરાસદાર, બેધ્યાન, બિનઆવડત વગેરે.
(૩) ટિકિટ – સિનિમા
ધવલજનોએ આપણા દેશ ઉપર લગભગ બે સૈકા સુધી રાજ્ય કર્યું. ‘સાપ ગયા અને લિસોટા રહ્યા’ની જેમ એ લોકો ભારતીય ભાષાઓમાં તેમના કેટલાક શબ્દો મૂકી ગયા અને ગળાનાં લટકણિયાં (નેકટાઈ) પણ છોડી ગયા. ગુજરાતીમાં અંગ્રેજીના આવા જે શબ્દો અડીંગો લગાવીને બેસી ગયા તેમને તત્સમ અથવા તદ્ભવનાં લેબલ લાગી શકે. ઉપર આપેલા શબ્દો પૈકી ટિકિટને તત્સમ શબ્દ ગણી શકાય, કેમ કે તેનો જેવો ઉચ્ચાર છે તેવો જ શબ્દ આપણે લખીએ-બોલીએ-વાંચીએ છીએ. ગુજરાતી શબ્દકોશોએ આ શબ્દની જોડણી પણ નિર્ધારિત કરી આપી છે. જો કોઈ ટિકીટ કે ટીકીટ લખે તો તે જોડણીદોષ ગણાય.
અહીં બીજો શબ્દ ‘સિનિમા’ એ અંગ્રેજી ફોનેટિક ડિક્શનરી મુજબ લખવામાં આવ્યો છે. આ શબ્દનો સહી ઉચ્ચાર આ જ છે, પરંતુ આપણે ‘સિનેમા’ બોલીએ, લખીએ, વાંચીએ છીએ. માટે ‘સિનેમા’ને તદ્ભવ શબ્દ ગણવો પડે. અભણ કે ઓછું ભણેલા માણસો અજાણપણે ‘સિનિમા’ બોલે છે, તેથી તેમને સાચા ગણવા પડે. વળી ‘સ્ટેશન’ શબ્દ પણ ગુજરાતીમાં રૂઢ થયેલો છે. ‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથામાં ‘ટિકિટ’ માટે ‘મૂલ્યપત્રિકા’ શબ્દ પ્રયોજાયો છે, તો ટ્રેઈન માટે ‘અગ્નિરથ’. હાલમાં ટ્રેઈન ડિઝલથી ચાલે છે, તો ‘ખનિજતેલરથ’ એમ બોલવું પડે. હાલમાં સસ્તા દરવાળી ટ્રેઈન માટે ગરીબોના સ્વમાનના ભોગે ‘ગરીબરથ’ શબ્દવપરાય છે, તો લોનમેળાઓ માટે ‘ગરીબ લોનમેળા’ પ્રયોજાય છે. આ તો જરા સમજવા જેવી થોડી આડવાત થઈ.
હવે આ અંગ્રેજી શબ્દોને પાયારૂપ શબ્દો જ ગણી લેવા પડે અને તેનાં બહુવચન આદિ રૂપ માટે ગુજરાતી વ્યાકરણના નિયમો લાગુ પડે. ‘ટિકિટ’નું બહુવચન ‘ટિકિટો’ જ થાય, નહિ કે ‘ટિકિટ્સ’. આપણી ગુજરાતી ભાષા દરિયાવદિલ છે. દરિયામાં બધી નદીઓ સમાય તેમ આપણે તુર્કી ભાષાના ‘તોપ’ અને ‘તમાકુ’ શબ્દો પણ અપનાવી લીધા અને તોપો ફોડવા માંડ્યા તથા હથેલીઓમાં તમાકુ પણ ઘસવા માંડ્યા.
-વલીભાઈ મુસા
ખાસંખાસ નોંધ :
આ શ્રેણીના મારા આ આખરી લેખ પછી વલદા આપ સૌની આ લેખમાળા પૂરતી વિદાય લે છે. ‘વ્યુત્પત્તિ’ વિષય જ સંશોધાનત્મક છે, જે ખૂબ મહેનત માગે છે અને તે માટે સંદર્ભ પુસ્તકો અનિવાર્ય બની રહે છે. વળી આગામી ૭મી જુલાઈએ વલદા ૮૦મા વર્ષમાં પ્રવેશશે, એટલે થોડી રાહત પણ તેમના માટે જરૂરી છે. ગુગમપિતા અને આ શ્રેણીના ગુગમકાકાએ મને ભાવભીની વિદાય આપી છે. મેં આ વિષય ચાલુ રાખવા માટે એક સૂચન કર્યું છે. જો તે સ્વીકારાશે તો આ શ્રેણી ચાલુ રહેશે, બાકી વલદા આપ સૌ ઉપર હાસ્યફુવારા ઉડાવવાનું તો ચાલુ જ રાખશે. ધન્યવાદ.
[…] Click here to read in English […]