RSS

Category Archives: રસદર્શન

(622) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૮ (આંશિક ભાગ – ૪) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૭ થી ૮)

યક નજ઼ર બેશ નહીં ફ઼ુર્સત-એ-હસ્તી ગ઼ાફ઼િલ
ગર્મી-એ-બજ઼્મ હૈ ઇક રક઼્સ-એ-શરર હોતે તક (૭)

[યક= એક; બેશ= વધારે, પુષ્કળ, પૂરતું; ફ઼ુર્સત-એ-હસ્તી= જીવનની અવધિ; ગ઼ાફ઼િલ= અસાવધ; બેપરવા; ગર્મી-એ-બજ઼્મ= મહેફિલમાંની હૂંફ (તાપમાન); રક઼્સ= નૃત્ય, નાચ મુજરો; શરર= ચિનગારી; તણખો, ઝલક; રક઼્સ-એ-શરર= નૃત્યની ઝલક]

આ શેર અને તેની અગાઉના શેરની સરખામણી કરતાં દેખાઈ આવશે કે દૃષ્ટાંત અને મૂળ કથન ઉલટસુલટ મિસરાઓમાં આવે છે. આ પણ ગ઼ાલિબની અભિવ્યક્તિના વૈવિધ્યની એક કળા જ છે ને! વળી આ શેર અગાઉના શેરમાંની માશૂકાની કૃપાનજર સાથે સાતત્ય ધરાવતો હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. જો કે ગ઼ઝલના શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાના લક્ષણને અહીં કોઈ હાનિ પહોંચતી નથી, કેમ કે બંને શેર સ્વતંત્ર ઊભા રહી શકે છે. માત્ર બંને શેર પેલી ‘નજર’ને કેન્દ્રમાં રાખે છે, તેથી જ મેં ઉપર ‘સાતત્ય’ શબ્દ પ્રયોજ્યો છે.    

હવે આપણે આ શેરના પહેલા ઉલુ મિસરાને ચર્ચાની એરણ ઉપર લઈએ, તે પહેલાં  તેના અંતે આવતા ગ઼ાફ઼િલ શબ્દને સમજી લઈએ. આ શબ્દ શેરના કથનના ભાગરૂપ નથી, પણ એ  સંબોધન માત્ર છે જ છે; અને તે પણ શાયરે પોતાની જાત માટે જ પ્રયોજ્યો છે. આ શેર કંઈક આધ્યાત્મિકતાને સ્પર્શતો દેખાય છે, કેમ કે તેમાં માનવજીવનના અસ્તિત્વની ચર્ચા થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો શાયર અહીં પેલી માશૂકાની અમીનજરને મદ્દે નજર રાખીને કહેવા માગે છે કે જીવનની અવધિ અર્થાત્ અસ્તિત્વને ટકાવી રાખવા માટે એ એક નજર પર્યાપ્ત નથી. એ નજર તો એવી ક્ષણિક છે કે જે જીવનને જાળવી રાખવાના એક માત્ર તંતુ તરીકેનું જ કાર્ય બજાવે છે. એ અમીનજર તો અલ્પકાલીન છે અને એ પણ કેવી અલ્પકાલીન તે સમજાવવા માટે શાયર બીજા મિસરામાં એ માટેનું દૃષ્ટાંત આપે છે.

આ બીજા સાની મિસરામાં શાયર આપણી નજર સામે નાચગાનની એક મહેફિલને ખડી કરી દે છે. આવી કોઈ મહેફિલમાં થતા મુજરા કે શેર-ઓ-શાયરીની રમઝટ વાતાવરણને એવું તો હળવું અને  હૂંફાળું બનાવી  દે છે કે તેમાં ભાગ લેનાર સૌ ખુશમિજાજમાં આવી જાય છે. પરંતુ આ ખુશમિજાજી તો ક્ષણિક બની રહે છે, કેમ કે પેલા નૃત્યની ઝલક સમેટાઈ જાય કે તરત જ પેલી ખુશમિજાજી પણ આપોઆપ આટોપાઈ જતી હોય છે.

આમ આખા શેરનું તારતમ્ય તો એ જ ઉપસી આવે છે કે માશૂક માટે માશૂકા તરફની એક માત્ર કૃપાનજર જ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાપ્ત નથી, પણ તેથીય વિશેષ તો સાન્નિધ્ય સધાય એ પણ જરૂરી છે. આ સાન્નિધ્ય એટલે માશૂકને માશૂકા સાથે અમર્યાદ સ્વાતંત્ર્ય સાથે હળવા મળવાની છૂટ, કે જે આપણી આ ગ઼ઝલના પ્રથમ શેરમાં વર્ણવાઈ છે અને જે છે ‘માશૂકાના કેશની લટને રમાડવા સુધીનો અધિકાર!’.  

* * *

ગ઼મ-એ-હસ્તી કા અસદકિસ સે હો જુજ઼ મર્ગ ઇલાજ
શમ્અ હર રંગ મેં જલતી હૈ સહર હોતે તક (૮)

[ગ઼મ-એ-હસ્તી= જીવનનાં દુ:ખ; જુજ઼= સિવાય; મર્ગ= મૃત્યુ; શમ્અ= મીણબત્તી; સહર= સવાર]

ગ઼ાલિબનો આ મર્મભેદક મક્તા શેર છે. અહીં તેમણે તેમના તખલ્લુસ ‘ગ઼ાલિબ’ના બદલે પોતાના મૂળ નામ ’અસદ’ને  પ્રયોજ્યું છે. આ શેરમાં માનવજીવન સાથે જોડાયેલાં દુ:ખોની નરી વાસ્તવિકતા રજૂ થઈ છે. સુખ અને દુ:ખના તાણાવાણાથી વણાતી જતી આ જિંદગીમાં સુખ ઓછું અને દુ:ખ વધારે હોય છે. કોઈ ગુજરાતી કવિએ ગાયું છે, ‘છે માનવીજીવનની ઘટમાળ એવી; દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી!’. ઘણીવાર માનવી એવાં અસહ્ય શારીરિક કે માનસિક દુ:ખોથી જીવનભર પિડાતો રહેતો હોય છે, જેનો કોઈ ઈલાજ નથી હોતો અને તેમને સહન કરી લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ નથી હોતો. આમ છતાંય ગ઼ાલિબ આવાં લાઈલાજ દુ:ખોના આખરી ઈલાજ તરીકે મોતને ગણાવે છે. મોત એ એવું ઔષધ છે કે જેનાથી તમામ દુ:ખોનો એકી ઝાટકે અંત આવી જાય છે. ગ઼ાલિબનો આ જ મતલબનો એક શેર છે, જેના સાની મિસરાના શબ્દો છે : ‘મૌત સે પહલે આદમી ગ઼મ સે નજાત પાએ ક્યૂઁ’. હવે અહીં વિચારવા જેવી અને સમજવા જેવી વાત એ છે એ મોત કુદરતી હોવું જોઈએ. સર્જનહારે આપણને મૂલ્યવાન જિંદગી જીવવા માટે આપી છે, જેને આત્મહત્યા દ્વારા વેડફી નાખવાનો આપણને કોઈ અધિકાર નથી.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબ શમા (Candle) દાખલો આપીને સમજાવે છે કે મહેફિલનું વાતાવરણ હર્ષ કે શોક એવા ગમે તે મિજાજમાં હોય, પણ તે અવિરત પ્રજળ્યા જ કરે છે; અને તેને ત્યારે જ બુઝવવામાં આવે છે, જ્યારે કે સવાર થાય છે. માનવીએ પણ જીવનની દરેક પરિસ્થિતિમાં અડગ રહેવું જોઈએ. જીવનનાં દુ:ખો કાં તો આપણે હયાતિમાં જ સમેટાઈ જશે, નહિ તો છેવટે મોત તો છે જ.

આ ગ઼ઝલ અહીં સમાપ્ત તો થાય છે, પણ ‘હોતે તક’ રદીફનો ઘોષ આપણા જેહનમાં સતત પડઘાયા કરે છે.

(સંપૂર્ણ)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)                                                                                                  

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 79)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

(621) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૭ (આંશિક ભાગ – ૩) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

This image has an empty alt attribute; its file name is image.png

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૫ થી ૬)

હમ ને માના કિ તગ઼ાફ઼ુલ ન કરોગે લેકિન
ખ઼ાક હો જાએઁગે હમ તુમ કો ખ઼બર હોતે તક (૫)

[તગ઼ાફ઼ુલ= અવગણના; ખ઼ાક=માટી]

ગ઼ઝલના અન્ય શેરની સરખામણીએ આ શેર સરળ છે તો ખરો, પણ તેમાં ઘુંટાયેલી આશિકી અને દર્દ એવાં તો સંવેદનશીલ છે કે બીજા મિસરાના પઠન વખતે ભાવક એવો તો ભાવવિભોર બની જાય કે જાણે તે પોતે જ અવસાન પામી ચૂક્યો છે અને હાય અફસોસ કે માશૂકાને તેની ખબર સુદ્ધાં પણ નથી! મૌલિક અને અલૌકિક સાહિત્યસર્જનની એ તો ખૂબી હોય છે કે તેમાં ભાવક સર્જકનો હમદર્દ બની રહે છે.

પ્રથમ મિસરાના પઠનમાં  ‘લેકિન’ શબ્દ આવે ત્યાં સુધી માશૂકની જેમ આપણે પણ આશાવાદી રહીએ છીએ અને પાકો યકિન ધરાવીએ  છીએ કે તેણી માશૂકની અવહેલના કદીય કરશે નહિ; પરંતુ ‘લેકિન’ શબ્દ આપણા અને માશૂકના ભ્રમનો ભુક્કો બોલાવી દે છે કે માશૂકા એવી તો કઠોર છે કે તે કદીય દાદ આપશે નહિ. અહીં ગ઼ાલિબની શબ્દ પાસેથી કામ લેવાની કાબેલિયત તો જુઓ કે ‘લેકિન’ શબ્દ માત્ર જ આપણને ઘણું કહી જાય છે.

બીજા મિસરામાં હૃદયને હલાવી નાખતી માશૂકની વેદના એવી રીતે પડઘાય છે કે માશૂકાની બેરહમીનો કરુણ અંજામ માશૂકના મોતથી જ આવશે. આમ માશૂક માશૂકાને આગાહ કરતાં જણાવે છે ભલે તેમની ચાહતનો  પ્રતિભાવ ન મળે તોય તેઓ તો જીવનભર પોતાના પક્ષે માશૂકાને ચાહતા જ રહેશે.  વળી આમ ને આમ ચાહતાં ચાહતાં જ મોત આવી જશે અને માશૂકાને આ સમાચારની જાણ થવા પહેલાં તો કબ્રમાં દફન થતાં તેમનું અસ્તિત્વ માટીમાં ફેરવાઈ પણ ગયું હશે. આખીય ગ઼ઝલમાં આપણે જોઈએ છીએ કે ‘હોતે તક’ રદીફને  દરેક શેરમાં પૂર્ણ ન્યાય અપાયો છે.

કોઈ મીમાંસકો આ શેરને માશૂકના માશૂકા તરફના ટોણા કે કટાક્ષ તરીકે જુએ છે. તેમનું માનવું એમ છે કે માશૂક માને તો છે જ કે એક વખત એવો આવશે કે માશૂકાનો પ્રેમ તેમના તરફ ઊભરાશે તો ખરો, પણ તે એટલું બધું મોડું થઈ ગયું હશે કે માશૂક કબ્રમાં માટી થઈ ગયા હશે! અહીં આપણે ગુજરાતી કવિ ઉમાશંકર જોશીના ‘બળતાં પાણી’ કાવ્યની અંતિમ પંક્તિ ‘અરે એ તે ક્યારે ભસમ સહુ થઈ જાય પછીથી’ને સાંકળી શકીએ. સંક્ષિપ્તમાં આ કડીને સમજીએ તો નદીના જન્મદાતા પહાડમાં લાગેલા દવને હોલવવા માટે નદી ઝડપથી વહીને, સમુદ્રમાં ભળીને, વાદળ બનીને વરસવા ઇચ્છે છે, પણ ત્યાં સુધીમાં તો  બધું બળીને ભસ્મ થઈ ગયું હશે! 

* * *

પરતવ-એ-ખૂર સે હૈ શબનમ કો ફ઼ના કી તાલીમ
મૈં ભી હૂઁ એક ઇનાયત કી નજ઼ર હોતે તક (૬)

[પરતવ-એ-ખ઼ુર= સૂર્યનાં કિરણો; શબનમ= ઝાકળ; ફ઼ના= મરી ફીટવું; ઇનાયત= કૃપા, મહેરબાની] 

ગ઼ાલિબ તેમના શેરમાં ઉપમાઓ (Similes) અને દૃષ્ટાંતો આપવામાં માહિર છે, વળી એ ઉપમાઓ કે દૃષ્ટાંતો ચીલાચાલુ ન હોતાં વિશિષ્ઠ હોઈ કાબિલે તારીફ પણ હોય છે. પ્રાકૃતિક દૃશ્યો પરત્વેની તેમની અવલોકનશક્તિ ગજબની હોય છે. વળી ભાષાના અલંકારો તેમના કથનને સંપૂર્ણ રીતે સહાયક બની રહે છે. શેરના પ્રથમ મિસરામાં ગ઼ાલિબ વૃક્ષોનાં પાંદડાં કે ફૂલની પાંખડીઓ ઉપર વહેલી પરોઢે બાઝતાં ઝાકળબિંદુ અને ઊગતા સૂર્યનાં કિરણો વચ્ચેના તાલને સમજાવે છે. સૂર્યનાં કિરણો પાસેથી એ ઝાકળબિંદુઓ દરરોજ  ફના થવાની જાણે કે તાલીમ લે છે, વળી માત્ર તાલીમ જ નહિ, ફના થઈ પણ બતાવે છે. અહીં આપણે જ્યારે ગ઼ાલિબને ઉપમાઓના બાદશાહ તરીકે ઓળખાવતા હોઈએ, ત્યારે આપણે પણ આપણી કલ્પનાશક્તિને થોડીક ધારદાર બનાવીને આ શેરના અર્થઘટનમાં યથાશક્તિ યોગદાન આપી શકીએ. અહીં કલ્પી શકાય કે ઝાકળબિંદુઓ સૂર્યનાં કોમળ કિરણોના સ્પર્શને ઝંખે છે. તેમની આ ઝંખનાનો ઉદ્દેશ કદાચ એ હોઈ શકે, કે તેમના કલેવર ઉપર નાનકડું પણ એક મેઘધનુષ્ય સર્જાઈ જાય અને તેમનું અલ્પકાલીન જીવન  ધન્ય બની જાય. ખેર, હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો આ મિસરામાં ઝાકળના અસ્તિત્વની કાળમર્યાદા બતાવાઈ છે. સૂર્યકિરણોનો સ્પર્શ થયો ન થયો  અને તે ઝાકળ બિદું બાષ્પ બનીને હવામાં ભળી જાય છે, હાલ સુધી જે દૃશ્યમાન હતું તે અદૃશ્ય બની જાય છે.

હવે ગ઼ાલિબ શેરના પ્રથમ મિસરામાંના દૃષ્ટાંતને આધાર બનાવીને પોતાની કેફિયત રજૂ કરે છે. માશૂક માશૂકાને પૂર્ણત: પામવાની આશા તજી દઈને તેની માત્ર કૃપાદૃષ્ટિને સ્વીકાર્ય ગણી લે છે. ‘મૈં ભી હૂઁ’ એવા એકાક્ષરી ત્રણ શબ્દો મિતભાષી હોવા છતાં તે ‘મારું પણ અસ્તિત્વ’ એમ સમજાવી જાય છે. પેલા ઝાકળના બિંદુની જેમ જ માશૂકાની રહેમનજરની એક ઝલક જોવા મળી જાય કે પછી તરત જ માશૂક ફના થઈ જવા  તૈયાર છે. આમ માશૂકનું અસ્તિત્વ જે ટકી રહ્યું છે; તેનો એકમાત્ર આશય છે, માશૂકાની અમીદૃષ્ટિને જીવનની આખરી પળે માણી લેવાનો. આ મિસરાનો બીજો ઇંગિત અર્થ આમ પણ લઈ શકાય માશૂકાની રહેમનજરની આખરી ઝલક જોવા મળ્યાના આનંદના અતિરેકમાં તે માશૂકના મોતનું કારણ પણ બની જાય!  

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી ભાષામાં લખાયેલા કાવ્ય ‘ઝાકળબિંદુ’ને ઝવેરચંદ મેઘાણીએ એ જ શીર્ષકે ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે, જેની પ્રારંભની પંક્તિઓ આ પ્રમાણે છે : ‘ઝાકળના પાણીનું બિંદુ, એકલવાયુ બેઠું’તુ; એકલવાયુ બેઠું’તુ, ને સૂરજ સામે જોતું’તું; સૂરજ સામે જોતું’તું, ને ઝીણુંઝીણું રોતું’તું; સૂરજભૈયા, સુરજભૈયા, હું છું નાનું જળબિંદુ’ આ કાવ્યમાંનો વિચાર પણ આપણા મિસરામાંના વિચાર સાથે સુસંગત છે, કેમ કે બંનેમાં છેવટે તો ઝાકળબિંદુ ફના થાય છે.    

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  ( ગ઼ઝલકાર)                                                                            (ક્રમશ: ભાગ-૪)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 79)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags: , , ,

(620) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૬ (આંશિક ભાગ – ૨) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૩ થી ૪)


આશિક઼ી સબ્ર-તલબ ઔર તમન્ના બેતાબ
દિલ કા ક્યા રંગ કરૂઁ ખ઼ૂન-એ-જિગર હોતે તક (૩)

[આશિક઼ી= ચાહત; સબ્ર-તલબ= ધીરજ ધારણ કરવી; તમન્ના બેતાબ= ખ્વાહિશ માટે અધીરાઈ; ખ઼ૂન-એ-જિગર= હૃદયનું લોહી]

અર્થઘટન અને રસદર્શન :

આ શેર જો કે અંશત: સંકુલ હોવા છતાં તેને વિવિધ મંતવ્યે સમજવાથી તેના સૌંદર્યને પામી શકાશે. આ શેરના પ્રથમ મિસરાના અર્થઘટનમાં કોઈ મતાંતર નથી, પણ બીજો મિસરો અસ્પષ્ટ હોઈ આપણી બુદ્ધિ અને વિચારશક્તિને તાવે છે.

પ્રથમ મિસરામાં તો આશિકી અર્થાત્ ચાહત કે પ્રેમમાં પડેલ માશૂક કે માશૂકાએ પોતાની ઇશ્કની તલબને સબ્ર એટલે કે ધીરજ થકી સંયમિત રાખવી જોઈએ તે બતાવાયું છે. ઇશ્ક તો પ્રેમીઓના દિલોનો એવો અવાજ હોય છે કે જે ઉભયનાં દિલોમાં પડઘાતો હોય છે, પણ તેવી નૈસર્ગિક સ્થિતિ સર્જાય તે માટે સમયની રાહ જોવાવી આવશ્યક બને છે. આમ પ્રણયમાં ધીરજ ધારણ કરવી એ તેની પ્રથમ શરત છે. પરંતુ આ શરતનું પાલન થવું એ દરેક પ્રેમી માટે માનીએ તેટલું આસાન નથી હોતું, કેમ કે સામેના પાત્ર તરફથી પોતાના તરફ પ્રણયભાવ જલ્દી જાગે તેવી  ખ્વાહિશ બલવત્તર હોઈ તેમનામાં અધીરાઈ ઊભરતી હોય છે. આમ ધીરજ અને અધીરાઈ સામસામેના છેડે હોઈ અહીં માશૂક દ્વિધા અનુભવતો લાગે છે. વળી  એ તમન્ના કે ખ્વાહિશને અંકુશિત કરવામાં આવે, તો જ ધૈર્ય ધારણ કરી શકાય એ પણ સનાતન સત્ય છે.

બીજા મિસરામાં માશૂક પહેલા મિસરામાંની પોતાની તમન્ના અને સબ્ર વચ્ચેની ઝોલાયમાન પરિસ્થિતિમાંથી ઊગરવા માટે પોતાની જાત સામે પ્રશ્ન ખડો કરે છે કે ‘દિલ કા ક્યા રંગ કરૂઁ?’. આ પ્રશ્નનો મતલબ એ છે કે ‘મારે હવે મારા દિલને કઈ તરફ ઢાળવું, ધૈર્ય તરફ કે બેતાબી તરફ?’. અહીં ‘દિલ કા રંગ’થી એ અર્થ અપેક્ષિત છે કે માશૂકાના ઇશ્કને પામવા માટેનો આ સંઘર્ષ ‘ખૂન-એ-જિગર તક’ અર્થાત્ મૃત્યુ આવે ત્યાં સુધી ચાલુ રહેનાર હોઈ મારા દિલને મારે કેવી રીતે સંભાળી લેવું? અહીં ‘ખૂન-એ-જિગર’ના અર્થઘટનમાં વિદ્વાનોના મત બે પક્ષે વહેંચાયેલા છે.  એક પક્ષ તેનો અર્થ ‘લોહી’ લે છે, તો બીજો પક્ષ તેનો અર્થ હત્યા (Murder) લે છે. બીજા પક્ષનો મત સર્વસ્વીકૃત ન હોઈ આપણે ‘ખૂન-એ-જિગર’નો અર્થ ‘મૃત્યુ પર્યંત’ જ લઈએ છીએ, એ કારણે કે એ શબ્દપ્રયોગમાંથી ઇંગિત અર્થ ‘હૃદયના આખરી બુંદ સુધી’ ફલિત થાય છે.

વળી પર્શિયન ભાષામાં પણ એક રૂઢિપ્રયોગ ‘ખૂન-એ-જિગર શુદા’ પ્રચલિત  છે, જેમાં શુદાનો અર્થ ‘પર્યંત’ કે ‘પૂર્ણત:’ લેવાય છે; જેમ કે ‘શાદીશુદા’ એટલે કે ‘જેની શાદી થઈ ચુકેલી છે તે (વ્યક્તિ)’. ગુજરાતી ભાષામાં પણ ‘આખરી દમ (શ્વાસ) સુધી’ કે ‘લોહીના અંતિમ બુંદ સુધી’ રૂઢિપ્રયોગો સમાનાર્થમાં વપરાય છે. આમ આપણે ‘ખૂન-એ-જિગર’નો ઉપરોક્ત જે અર્થ લીધો છે તે યોગ્ય ઠરે છે.            

* * *

તા-ક઼યામત શબ-એ-ફ઼ુર્ક઼ત મેં ગુજ઼ર જાએગી ઉમ્ર
સાત દિન હમ પે ભી ભારી હૈં સહર હોતે તક (૪)

[તા-ક઼યામત= અંતિમ ન્યાયના દિવસ અર્થાત્ કયામત સુધી; શબ-એ-ફ઼ુર્ક઼ત= વિરહની રાત્રિ; સહર= સવાર]

અર્થઘટન અને રસદર્શન :

ઉર્દૂ શાયરીમાં વિસાલ (મિલન) અને હિજ્ર (વિયોગ) શાયરોના મનપસંદ વિષયો રહ્યા છે. આ શેરમાં વિયોગની વાત છે. પ્રથમ મિસરામાં ગ઼ાલિબ સર્વમાન્ય એ હકીક્તને બયાન કરે છે કે ઇશ્કમાં ગિરફ્તાર હોય તેવાં કેટલાંક પ્રેમીજનો જ્યારે પોતાના પ્રિયજનથી દૂર હોય હોય ત્યારે તેમની રાત્રિઓ વિરહમાં પસાર થતી રહેતી હોય છે. આ એમની દુ:ખદાયક એવી સ્થિતિ છે કે જેને આપણા ગ઼ાલિબે તેમના અન્ય એક શેરના મિસરા ‘કહૂ કિસે મેં કિ કયા હૈ શબ-એ-ગમ બુરી બલા હૈ’ માં તેને બલા કે આફત તરીકે ગણાવે છે. આવાં વિરહીજનો  જો કમનસીબ હોય તો ઘણીવાર જીવનભર તેમનું મિલન શક્ય બનતું નથી અને આમ ને આમ આખી ઉંમર પસાર થઈ જતી હોય છે. આવાં વિરહી યુગલોની કરમકહાણી કયામત (Doomsday)ના દિવસ સુધી આમ જ ચાલ્યા કરતી હોય છે, ભલે પાત્રો બદલાય પણ બધાંમાં પ્રજળતી રહેતી અગનજ્વાળા તો બધાંયને સરખાં જ દઝાડે છે. અહીં કયામત શબ્દનો ઉપર અર્થ તો આપવામાં આવ્યો છે, પણ એ કયામત કે ન્યાયના દિવસની માન્યતા ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મોમાં પ્રવર્તમાન છે. ‘કયામત’ શબ્દ ‘કયામ’ ઉપરથી બન્યો છે, જેના અર્થો ‘ઊભા રહેવું, રોકાવું, સ્થિર થવું વગેરે’ છે. મુસ્લીમો નમાજના પ્રારંભમાં પોતાની જગ્યા ઉપર ઊભા રહે છે તેને કયામની સ્થિતિ કહેવામાં આવે છે. બસ આમ જ કયામત (હસ્ર)નો દિવસ આવશે ત્યારે સઘળા જીવો મેદાનમાં કયામ (ઊભેલી સ્થિતિ)માં હશે, તેમને બેઠક આપવામાં નહિ આવે. આપણી દુન્યવી અદાલતોમાં પણ આરોપીને પિંજરામાં ઊભો રાખવામાં આવતો હોય છે.

હવે બીજો સાની મિસરો શાયર પોતાના ઉપર લે છે અને કહે છે કે પેલાં કમનસીબ માશૂક કે માશૂકાઓ તો બિચારાં જિંદગીભર તેમની રાત્રિઓને વિરહમાં પસાર કરી લેતાં હશે, પરંતુ મારા માટે તો સાત દિવસ પણ મિલનના ઇંતજાર માટે પસાર કરવા ભારે પડી જાય. ‘સહર હોતે તક’નો વાચ્યાર્થ તો ‘સવાર પડે ત્યાં સુધી’ જ લેવાશે; પરંતુ અહીં સહર (સવાર)નો ઇંગિત અર્થ ‘મિલન થવું’ સમજવો પડશે. હવે અહીં ‘સાત દિન’ પછી કાફિયા તરીકે આવતો શબ્દ ’સહર’  કોઈ પાઠક માટે કંઈક એવી કંઈક ગેરસમજ ઊભી કરશે કે એ સાતેય દિવસોમાં સવાર તો પડવાની જ છે, તો પછી અહીં કઈ સવારની વાત કરવામાં આવે છે! તો સુજ્ઞ વાચકો, અહીં ‘સાત દિવસ’ને ‘સાત રાત્રિદિવસના સમયગાળા’ તરીકે સમજીશું તો પેલી ગેરસમજ દૂર થઈ જશે. આમ ગ઼ાલિબ બીજા મિસરા દ્વારા વિરહની વેદનાની માત્રાની સરખામણી કરે છે.

આ શેરના સારાંશે કહું તો વસ્લની રાત સુખદાયક હોઈ પ્રેમીયુગલો માટે એવી ટૂંકી બની જતી હોય છે કે તે કેવી રીતે પસાર થઈ ગઈ તેની ખબર પણ ન પડે. પરંતુ હિજ્રની રાત તો એવી લાંબી  લાગતી હોય છે કે તે કેમેય કરીને પસાર થતી નથી હોતી. રાત લાંબી અને ટૂંકી હોવાની અહીં જ્યારે વાત થાય છે, ત્યારે આપણે યાદ કરીશું કે વર્ષમાં ૨૧મી જુને ટૂંકામાં ટૂંકી રાત હોય છે, તો ૨૨મી ડિસેમ્બર લાંબામાં લાંબી રાત હોય છે. આમ આપણે વસ્લની રાતને ૨૧મી જુન ગણાવીએ, તો હિજ્ર (વિરહ)ની રાતને ૨૨મી ડિસેમ્બર ગણાવવી પડે!  જો કે આ તો અહીં એક વાત થાય છે. મને મારું એક સ્વરચિત  હાઈકુ ‘વસ્લની રાત/ એકવીસમી જુને/હરહંમેશ’ અહીં યાદ આવે છે, જેની હું કોઈ વિશદ ચર્ચા તો નહિ કરું; પણ ‘હરહંમેશ’ને ટૂંકમાં માત્ર સમજાવી દઉં કે ‘મિલનની રાત વર્ષના ગમે તે દિવસે હોય, પણ તે ૨૧મી જુનની ટૂંકામાં ટૂંકી રાત્રિ જ બની જતી હોય છે!’ 

* * *

– મિર્ઝા ગ઼ાલિબ   (ગ઼ઝલકાર)                                                                        (ક્રમશ: ભાગ-૩)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 79)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

Tags: , , ,

(619) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૫ (આંશિક ભાગ – ૧) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૧ થી ૨)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક
કૌન જીતા હૈ તિરી જ઼ુલ્ફ઼ કે સર હોતે તક (૧)

[આહ= નિસાસો, હાય; જીતા= જીવવું, જીતવું; જ઼ુલ્ફ઼= બાલની લટ]

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબના દીવાનમાંની આ ગ઼ઝલના રદીફ ‘હોતે તક’ને અહીં હું કાયમ રાખું છું, પરંતુ ઘણા વર્તમાન તફસીરકારોએ તેને હાલની પ્રણાલિએ ‘હોને તક’ માન્ય રાખેલ છે. જો કે આ બંને પ્રયોગોમાં પાતળી ભેદરેખા તો છે જ; જેમ કે ‘હોતે તક’માં ક્રિયા હજુય અધૂરી હોવાનો આભાસ સમજાય છે, જ્યારે ‘હોને તક’માં ક્રિયા લગભગ પૂરી થઈ હોવાનું મનાય છે.

આ શેરમાં બુદ્ધિચાતુર્યની ચમત્કૃતિ કરતાં અન્ય આવા શેર જેવું પ્રભાવક સૌંદર્ય વિશેષ જોવા મળે છે. વળી આ શેર શું કહેવા માગે છે, તેમાંય વિદ્વાનોમાં મતભેદ વર્તાય છે. આ મતભેદના મૂળમાં મારી સમજ પ્રમાણે શેરના બંને મિસરા વચ્ચે અનુબંધ ન હોવાનું કારણ જવાબદાર હોઈ શકે. પહેલા મિસરામાં શાયર સાર્વત્રિક (Universal) સિદ્ધાંતની જેમ ‘આહ’ની લાક્ષણિકતા દર્શાવે છે, તો બીજા મિસરામાં તે જ વાતને વ્યક્તિગત રીતે પોતાની જાત ઉપર લે છે. આમ ‘આહ’ શબ્દના પ્રત્યક્ષ અર્થ ‘નિસાસો’ના બદલે ‘તમન્ના, આરજૂ’ જેવા હકારાત્મક અર્થ સ્વીકારવાથી આ મતભેદ ઉદ્ભવતો હોય તેમ લાગે છે.

જે હોય તે, પણ આપણે તો ‘આહ’નો પરંપરાગત અર્થ ‘નિસાસો’ જ લઈશું, ‘હાય’ પણ નહિ. ‘નિસાસો’ અને ‘હાય’માં તીવ્રતાભેદ છે. ‘હાય’માં તે શ્રાપ બની જાય તેટલી હદ સુધીની કઠોરતા રહેલી છે, જ્યારે ‘નિસાસા’માં માત્ર આરજૂયુકત નિરાશાનો હળવો ભાવ છે, જે ‘હાય’ કરતાં ઓછો દાહક છે. આમ ‘આહ’નો હળવો અર્થ લેવામાં આવશે તો જ શેરના બીજા મિસરા સાથે તેનું સાતત્ય જોડી શકાશે.

આટલી પૂર્વભૂમિકા પછી આપણે પહેલાં તો શેરના વાચ્યાર્થ ઉપર આવીએ તો ગ઼ાલિબ કહે છે કે આહની અસર થવામાં ઘણીવાર આખી ઉંમર પસાર થઈ જતી હોય છે. વળી આમ આહની અસર થાય અને માશૂકાના કેશની લટને રમાડવા સુધીનો અધિકાર પ્રાપ્ત થાય એટલા લાંબા સમય સુધી કોણ જીવિત રહી શકવાનું છે! હવે અહીં પણ ‘જીતા’ના બે અર્થ નીકળી શકે, એક ‘જીવિત રહેવું (Live)’ અને બીજો ‘જીતવું (Win)’. ‘જીવિત રહેવું’ અર્થ લેતાં એ માત્ર આ શેરના માશૂક (નાયક)ને જ લાગુ પડશે, જ્યારે ‘જીતવું’ એ ખુદ માશૂક ઉપરાંત તેના હરીફો એ બધાયને લાગુ પડશે, જેનો અર્થ એમ થશે કે ‘માશૂકાની કેશલટને સર કરી શકાય, તેટલી હદ સુધી કોણ પહોંચી શક્યું છે!’ પરંતુ અહીં આપણે સર્વસ્વીકૃત અર્થ તો એકલા માશૂકને લાગુ પડતો જ લઈશું અને તેથી બીજા મિસરાનો વાચ્યાર્થ આમ બનશે કે ‘તારી કેશલટને મારી આંગળી વડે રમાડી શકું તેવી નિકટતમ હૈસિયતે પહોંચવા સુધી તો હું ક્યાં જીવવાનો છું.’

માશૂકનો માશૂકા પરત્વેનો ઇશ્ક એવો તો દુર્ભાગી છે કે તેઓ તેણીને પામી શકતા નથી અને નિસાસા નાખવા સિવાયનો કોઈ વિકલ્પ તેમની પાસે બચતો નથી. આમ છતાંય તેઓ આશાવાદી છે કે માશૂકાને પામવાની તડપ કોઈકવાર તો સંતોષાશે જ. વળી આગળ પોતાની જાતને હૈયાધારણ આપતાં વિચારે છે કે તેમની માશૂકાને પામવાની આરજૂની અસર થવામાં ઘણીવાર આખી ઉંમર પણ પસાર થઈ જતી હોય છે. આમ તેમણે ધીરજ ધારણ કરવાનો પોતાનો મનસૂબો બનાવી લીધો છે. પરંતુ તરત જ બીજા મિસરામાં વળી પાછી તેમની નિરાશા ડોકાઈ જાય છે કે માશૂકાને પામવાની તેમની ખ્વાહિશ સંતોષાય ત્યાં સુધી પોતે જીવતા રહેશે કે કેમ!

આ શેરને માનવીય જીવનને પણ લાગુ પાડી શકાશે એ રીતે કે આપણે જીવનના કોઈ લક્ષ કે સિદ્ધિને સર કરવા માગતા હોઈએ ત્યારે આપણે ધીરજ રાખીને જીવનભર ઝઝૂમવું પડશે. વળી આ મથામણના અંતે પણ કોઈ પરિણામ ન પણ આવે અને એવું પણ બને કે આપણું જીવન એમ જ પૂર્ણ થઈ જાય એ હકીકતનો પણ સ્વીકાર કરવો પડશે.  

* * *

દામ-એ-હર-મૌજ મેં હૈ હલ્ક઼ા-એ-સદ-કામ-એ-નહંગ
દેખેં ક્યા ગુજ઼રે હૈ ક઼તરે પે ગુહર હોતે તક (૨)

[દામ-એ-હર-મૌજ= મોજાંઓની હારમાળા (જાળ); હલ્ક઼ા-એ-સદ-કામ-એ-નહંગ= કદરૂપાં અને કદાવર પ્રાણીઓની હારમાળા (જાળ); ક઼તરે= ટીપાં; ગુહર= મોતી, રત્ન]

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબની કલ્પનાશક્તિ અદ્ભુત છે, જેની પ્રતીતિ આપણને તેમના અસંખ્ય શેરમાં જોવા મળે છે. આ ગ઼ઝલના ‘હોતે તક’ રદીફને સાર્થક બનાવતા દરેક શેરમાં કંઈક ને કંઈક ‘થવા સુધી’માં શું શું થાય છે અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવાની સ્થિતિ સર્જાય છે તે દર્શાવાયું છે.

અહીં આ શેરમાં ગ઼ાલિબે એક માન્યતાનો સહારો લીધો છે, જે પ્રમાણે સ્વાતિ નક્ષત્રમાં દરિયા ઉપર વરસતા વરસાદનું જે ટીપું દરિયામાંની ખુલ્લી છીપમાં જઈ પડે તે સમયાંતરે મોતીમાં પરિવર્તિત થઈ જતું હોય છે. હવે ગ઼ાલિબ આ સીધીસાદી માન્યતાને એક શાયરની નજરે અવલોકતાં કહેવા માગે છે કે વરસાદના એ ટીપા માટે એટલું બધું સરળ નથી કે જે તે સીધેસીધું છીપમાં પ્રવેશી જાય અને મોતી બની જાય. જો એમ હોય તો વરસાદનું પ્રત્યેક ટીપું મોતી બની જાય અને મોતીઓનો એટલો બધો જથ્થો સર્જાઈ જાય કે પછી તો એ મોતીનું મૂલ્ય રહે જ નહિ. સૃષ્ટિમાં જે પામવું દુષ્કર હોય અને ઓછા પ્રમાણમાં જ પ્રાપ્ય હોય તેનું જ ઊંચું મૂલ્ય અંકાતું હોય છે. અહીં વરસાદના કોઈ એક બુંદને છીપમાં પ્રવેશવા પહેલાં કેટલા કોઠા પસાર કરવા પડે છે, તે પૈકીના બે જ મુશ્કેલ કોઠાઓને ગ઼ાલિબ આ શેરમાં ઉલ્લેખે છે. પ્રથમ છે, દરિયાનાં ઊછળતાં મોજાં જે એવી જાળ બનાવી દે છે અને પાણીની સપાટીને પણ એવી અસ્થિર બનાવી દે છે કે પેલું વરસાદનું ટીપું આસાનીથી તીરની જેમ પેલી છીપમાં પ્રવેશી શકતું નથી હોતું અને આમ તે વેડફાઈ જાય છે. વળી એ ટીપા માટેના બીજા અવરોધક બળ તરીકે દરિયામાંનાં કદાવર અને કદરૂપાં મગરમચ્છ જેવાં પ્રાણીઓ ઉલ્લેખાયાં છે, જે તેમનાં ખુલ્લાં મોંઢાં વડે પેલા ટીપાને સ્વાહા કરી જાય છે. આ બંને અવરોધો તો દરિયાની સપાટી ઉપર જ વિદ્યમાન છે, જે પેલા ટીપાને સમુદ્રમાં પ્રવેશતાં જ અટકાવે છે. પરંતું દરિયાની અંદરનાં જળચરો કે જે પેલા ટીપાની સીધી ગતિને દિશાફેર કરી નાખે અથવા તો એવું પણ બને કે પેલી છીપ જ પોતાનું સ્થાન બદલી નાખે.

શેરના બીજા સાની મિસરામાં ગ઼ાલિબ એવી સહજ રીતે પોતાની લાક્ષણિક શૈલીએ આપણને જણાવી દે છે ‘જુઓ અથવા આપણે જોઈએ કે એક વરસાદના પાણીના કતરાને મોતી બનવા સુધીમાં કેટકેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને તેના ઉપર કેવું કેવું વીતે છે!’

આમ પ્રથમ શેરની ફલશ્રુતિ કે ‘જીવનમાં પરમ લક્ષની પ્રાપ્તિ આસાનીથી થઈ શકે નહિ.’ને અહીં આ શેરમાં પણ સમર્થન મળે છે. ગ઼ાલિબના બીજા એક શેરના આ મિસરા “બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના”માં પણ આપણને આ જ સંદેશ મળે છે. આમ ગ઼ાલિબ પોતાની શાયરી થકી માત્ર ઇશ્ક જ નહિ, પરંતુ જીવનનો રાહ પણ ચીંધે છે.   

* * *

– મિર્ઝા ગ઼ાલિબ ( ગ઼ઝલકાર)                                                                               (ક્રમશ: ભાગ-૨)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 79)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags:

(618) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૪ (આંશિક ભાગ – ૫) બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે(ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (શેર ૧૨ થી ૧૪)

હૈ મૌજ-જ઼ન ઇક ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ કાશ યહી હો
આતા હૈ અભી દેખિએ ક્યા ક્યા મિરે આગે (૧૨)

[મૌજ-જ઼ન= જલદ વહેતું; ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ= ખૂનની નદી]

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબના કોઈક શેર આપણને અર્થઘટનમાં મુશ્કેલ લાગતા હોય છે, તેનું કારણ એ હોય છે કે તેમાં અતિ લાઘવ્ય હોવા ઉપરાંત અગાઉના કોઈ શેર સાથે તેનો પૂર્વાપર સંબંધ હોય છે. તો વળી ઘણીવાર વાક્છટાપૂર્ણ આલંકારિક શૈલીના કારણે મૂળ કથન ગૌણ બની જતાં એવા શેર સમજાતા નથી હોતા અને પરિણામે તેમનાં એકાધિક અર્થઘટનો થઈ શકતાં હોય છે. આમ અંધજન અને હાથીની કહાનીની જેમ દરેક સમીક્ષક પોતાની સમજ પ્રમાણે અર્થ તારવે છે. ગ઼ાલિબના પ્રશંસકો શેર અર્થઘટનના સાચાપણા સુધી ન પહોંચી શકવાના કારણને તેમની મર્યાદા ન ગણતાં તેને મતાંતરક્ષમાની દૃષ્ટિએ કૌશલ્ય તરીકે સ્વીકારે છે.

આ શેરના પ્રથમ મિસરામાં ગ઼ાલિબ તેમના અન્ય શેરમાં ભિન્ન ભિન્ન રીતે પ્રયોજાતા બદનના લહૂને પ્રવેગે વહેતી ખૂનની નદી (ફા.દરિયા) તરીકે ઓળખાવ્યું છે. અહીં માશૂકના શરીરની નસોમાં લોહી એટલું તો પ્રબળ રીતે પરિભ્રમણ કરી રહ્યું છે કે તેમની આંખોમાંથી અશ્રુની જગ્યાએ ધસમસતી નદીની જેમ લોહી વહેવા માંડે છે. ગ઼ાલિબ પોતાના કેટલાક શેરમાં જુદીજુદી રીતે રૂઢિપ્રયોગ તરીકે લોહીનાં આંસુએ રડવાની વાતનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં તો પરાકાષ્ઠા છે. માશૂકા માશૂકના ઈશ્કની ગહરાઈને સમજી શકી ન હોઈ તેણીએ માશૂકના દિલને વેધક આઘાત પહોંચાડ્યો છે. આમ છતાંય માશૂક એ આઘાતને હળવાશથી લે છે, એમ કહીને કાશ આ આઘાત આખરી હોત તો કેવું સારું થાત! જો એમ હોત તો હું તેને આસાનીથી જીરવી લેત!

ઉપરોક્ત લોહીના આંખો દ્વારા અશ્રુ રૂપે વહેવાના અર્થઘટનના બદલે એમ પણ લઈ શકાય કે તે લોહી બદનમાં જ ફર્યા કરે છે, પણ તેની ગતિ તો ઊછાળા મારતી અને ત્સુનામીની જેમ ગાંડીતુર બનેલી નદી જેવી જ છે. લોહીના પરિભ્રમણની ગતિ અત્યાધિક થઈ જાય, ત્યારે વેદનાની પરાકાષ્ઠા અનુભવાતી હોય છે. માણસ જ્યારે ભયભીત બને, કોઈ માનસિક આઘાત અનુભવે અથવા તો આક્રોશમાં આવી જાય; ત્યારે હૃદયના ધબકારા વધી જતા આવી અસહ્ય બેચેની અનુભવે છે.      

શેરના બીજા મિસરામાં માશૂકા તરફથી આઘાત પામેલા માશૂક આપણ ભાવકને સંબોધીને કહે છે કે હજુ તો તમે જુઓ તો ખરા કે આથી પણ વધારે આગળ શું શું આવનાર છે! અહીં ‘ક્યા કયા’ નો પ્રમાણ દર્શાવતો એક અર્થ ‘આગળના દુ:ખ કરતાં વધારે દુ:ખ’ એમ લઈ શકાય, તો બીજા અર્થમાં સંખ્યાત્મક રીતે ‘આગળના કરતાં વધારે કંઈક કેટલાંય દુ:ખો’ એમ પણ  સમજી શકાય. આમ પ્રથમ મિસરામાંની મનોવ્યથાને પણ આંબી જાય તેવી આપત્તિજનક ઘટનાઓનો સંકેત બીજા મિસરામાં આપવામાં આવ્યો છે.

નોંધ :-

આ શેરમાંની ‘લહૂ’ને લગતી ગ઼ાલિબની પરિકલ્પનાને અનુરૂપ નીચેના કેટલીક ગ઼ઝલના શેર સરખાવવા અને સમજવા જેવા છે :   

રગોં મેં દૌડ઼તે ફિરને કે હમ નહીં ક઼ાઇલ
જબ આઁખ હી સે ન ટપકા તો ફિર લહૂ ક્યા હૈ

ઐસા આસાઁ નહીં લહૂ રોના
દિલ મેં તાક઼ત જિગર મેં હાલ કહાઁ

હૈ ખ઼ૂન-એ-જિગર જોશ મેં દિલ ખોલ કે રોતા
હોતે જો કઈ દીદા-એ-ખ઼ૂઁનાબા-ફ઼િશાઁ ઔર

* * *

ગો હાથ કો જુમ્બિશ નહીં આઁખોં મેં તો દમ હૈ
રહને દો અભી સાગ઼ર-ઓ-મીના મિરે આગે (૧૩)

[ગો= અગર જો; જુમ્બિશ= આમતેમ હલાવવાની ક્રિયા; દમ= શક્તિ, કૌવત; સાગ઼ર-ઓ-મીના= મદિરા રાખવાનું પાત્ર, સુરાહી]

અર્થઘટન અને રસદર્શન :

વળી પાછો આ જ ગ઼ઝલનો સાતમો શેર એ જ મતલબે પણ જુદા અંદાઝમાં અહીં ફરી આવ્યો છે, જે મદિરા અને મદિરાપાનની તારીફને બયાન કરે છે. સાતમા શેરમાંનો શબ્દસમૂહ ’પૈમાના-એ-સહબા’ અને આ શેરમાંનો શબ્દસમૂહ ‘સાગ઼ર-ઓ-મીના’ સમાન અર્થો ધરાવે છે. બંનેમાં ગ઼ાલિબે શરાબને ઉચ્ચતમ પાયરી બક્ષી છે. ગ઼ઝલ સાહિત્યમાં શરાબ અને શાયર એકબીજાના પર્યાય મનાય છે અને તેથી જ તો મોટા ભાગના શાયરો શરાબથી દૂર રહી શક્યા નથી. આપણા ગ઼ાલિબ પણ બાદા-ખ઼્વાર (શરાબી) જુમાતના સભ્ય છે, જેનો તેમણે નિખાલસપણે ઘણા શેરમાં સ્વીકાર કર્યો છે.

આ શેર આપણી આગળ એવું શબ્દચિત્ર રજૂ કરે છે કે જ્યાં શરાબની મહેફિલ જામી છે. તેજ (કડક) શરાબ (Fire-water)ના અતિસેવનથી ગ઼ાલિબ મદોન્મત બની ગયા હોઈ સાથીઓ તેમની નજર સામેથી સુરાહી અને પ્યાલાને હઠાવવા જઈ રહ્યા છે. આ જ ટાણે સાથીઓને એવી હરકત ન કરવાનું કહેવા માટે જાણે આ શેર રચાયો છે.

જ્યાં દાદ ઉપર દાદ આપવાનું મન થાય તેવા આ પહેલા મિસરામાં ગ઼ાલિબ સાથીઓને સંબોધતાં કહે છે કે ભલે ને શરાબના પ્યાલા તરફ હાથ લંબાવવાની મારામાં શક્તિ ન રહી હોય, પણ મારી આંખોમાં હજુ તો દમ છે કે જેના વડે ઓછામાં ઓછો હું શરાબને જોઈ તો શકું છું અને તે રીતે તેના દર્શનમાત્રથી પણ તેનું પાન કર્યાનો અહેસાસ હું કરી લઈશ.

બીજા મિસરામાં પ્રથમ મિસરામાંનું  કારણ આપીને ગ઼ાલિબ સાથીઓને સુરાહી કે પ્યાલાને હટાવી લેવાની મનાઈ ફરમાવતાં કહે છે એમને મારી નજર આગળ રહેવા દો, કેમ કે હું મારી આંખો વડે જ તેમાંના શરાબને પી લઈશ. આમ આ આખો શેર એ રીતે કહેવાયો છે કે જે આપણને રસિક રમૂજ પૂરી પાડે છે અને સાથે ગ઼ાલિબનું પિયક્કડપણું કેટલું અમર્યાદ હશે તેની સાબિતી પણ આપે છે. તદુપરાંત આ શેર દ્વારા ગ઼ાલિબે શરાબને ભવ્યતા પણ બક્ષી છે.

આ જ શેરનું બીજું શબ્દચિત્ર ગ઼ાલિબના જીવનના આખરી દિવસોને આધારિત એવું પણ બની શકે કે તેઓ જીવલેણ બીમારીના કારણે એટલા બધા કમજોર થઈ ગયા છે કે તેઓ પ્યાલા તરફ કદાચ તેમનો લકવાગ્રસ્ત હાથ પણ લંબાવી શકતા નથી અને તેથી તેઓ પથારીમાં પડ્યા પડ્યા તેને માત્ર જોઈ રહીને પણ સંતોષ માણી લેવા માગે છે. ગ઼ાલિબના જીવનના આખરી દિવસોને મેં ‘ગ઼ાલિબ પરિચય’માં અગાઉ વર્ણવી દીધા હોઈ અહીં હું તેની પુનરુક્તિ કરતો નથી. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેઓ કેવી દુર્દશામાં જીવ્યા હતા અને તેથી જ તો શરાબ અને શાયરીના સહારે જ તેઓ લાંબું આયુષ્ય જીવી શક્યા હતા.

* * *

હમ-પેશા ઓ હમ-મશરબ ઓ હમરાજ઼ હૈ મેરા
ગ઼ાલિબકો બુરા ક્યૂઁ કહો અચ્છા મિરે આગે   (૧૪)

[હમ-પેશા= સમાન કારોબારવાળા; હમ-મશરબ= શરાબ પીવાની સમાન ટેવવાળા; હમરાજ઼= રહસ્યમિત્ર]

અર્થઘટન અને રસદર્શન :

હંમેશની જેમ ગ઼ાલિબનો લહેરી મિજાજે લખાયેલો આ આત્મલક્ષી (સ્વકેન્દ્રી) મક્તા શેર છે. શેરનું સ્વગતોક્તિ (soliloquy) કૌશલ્ય કાબિલેદાદ છે. જાત સાથે વાત કરનાર એકમાંથી બે ઈસમ થતો હોય છે, બસ તેમ જ આ શેરમાં બે ગ઼ાલિબ હોવાનો ભાસ થાય છે; પરંતુ વાસ્તવમાં તેમ નથી, ગ઼ાલિબ તો એક જ છે. તો પછી આપણે એકને શાયર અને બીજાને ગ઼ાલિબ પોતે એમ જ સમજવું પડશે અને તો જ આપણી સમજ ન્યાયી ગણાશે.

ગ઼ાલિબના સમકાલીન કોઈક શાયરે કે શાગિર્દે ઈર્ષાભાવે અથવા તો તેમની માશૂકાએ નફરતના ભાવે તેમને ઉતારી પાડતાં ભલાંબૂરાં વેણ કહ્યાં હશે કે તેમની પીઠ પાછળ નિંદા કરી હશે તેના જવાબરૂપે ચાલાકીભરી રીતે આ શેર લખાયો છે. શેરને આસાનીથી સમજવા માટે આપણે સાની મિસરાને પહેલો લેવો પડશે. શાયર ગ઼ાલિબ કહે છે તમે ‘ગ઼ાલિબ’ને મારી આગળ બૂરો કેમ કહો છો, એ તો મારી નજરે સારો માણસ જ છે. આત્મશ્લાઘાના દોષમાં પડ્યા વગર અને સામેના ટીકાકારના નામનિર્દેશ વગર સ્વબચાવ માટેની ગ઼ાલિબની પ્રયુક્તિ તેમને મોટા ગજાના હોશિયાર ગ઼ઝલકાર તરીકે સાબિત કરે છે.

હવે આપણને ઉલા મિસરામાંથી એ દલીલો જાણવા મળશે કે કયા આધારે શાયર ગ઼ાલિબ વાસ્તવિક ગ઼ાલિબને ‘અચ્છા’ ઈસમ તરીકે ઓળખાવે છે. તે કહે છે કે ‘(૧) અમે બંને સમાન કારોબાર (કામકાજ) કરવાવાળા અર્થાત્ શાયરો છીએ. (૨) અમે બંને શરાબપાનની ટેવવાળા છીએ. (૩) અમે રહસ્યમિત્રો છીએ, એટલે કે એકબીજાના ભેદને જાણવાળા છીએ. ભલા, આટઆટલું સામ્ય અને નિકટતા અમારી વચ્ચે હોય તો એમ એકબીજાને કેમ ન ઓળખી શકીએ! અને તેથી જ હું કહું છું કે ગ઼ાલિબ મારી આગળ અચ્છો ઇન્સાન છે, માટે તેને મારી આગળ બૂરો ન ચીતરો.’ આમ ગ઼ાલિબ પોતાના વક્તવ્યની તરકીબ થકી પોતાનો આત્મબચાવ (Self defence) કરે છે અને તેથી જ તો આ મક્તા શેર અન્ય મક્તા શેરના શિરોમણિરૂપ બની રહે છે.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  ( ગ઼ઝલકાર)                                                                                    (સંપૂર્ણ)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 209)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

* * *

 

Tags: , , , ,