RSS

Category Archives: વલદાની વાસરિકા

(૪૪૭-અ) મહત્તમ નંબરનાં પગરખાંમાં લઘુતમ પગ ઘાલવાની બાળસહજ ચેષ્ટાઓ

‘વેબગુર્જરી’નાં પાને તાજેતરમાં મુકાયેલી મારી નવલિકા ‘પારિતોષિક’ને કોઈ વાચકે ન વાંચી હોય તો તેનો અછડતો ઉલ્લેખ હું અહીં ફરી એટલા માટે કરી રહ્યો છું કે જેથી મારી આજની વાસરિકામાં સૌને સુગમ પડે તે રીતે હું વિષયપ્રવેશ કરી શકું. એ વાર્તાનાં મુખ્ય પાત્રો લેખક (વાર્તાનાયક) અને તેમનાં પત્ની છે. વાર્તાનાયકની ખુદની લખેલી એક વાર્તા પત્નીના નામે એક સામયિકમાં પ્રગટ થાય છે અને તે પારિતોષકને પાત્ર બની જાય છે. કોઈપણ કલા એ કલાકારની બૌદ્ધિક સંપત્તિ છે અને સાહિત્ય પણ એક કલા જ છે. કેટલાક કીર્તિ અને કલદારના ભૂખ્યા માણસો આમપ્રજાને ઘણીવાર ખબર ન હોય એવા અજાણ્યા સ્રોતમાંથી સાહિત્યની ઊઠાંતરી કરીને તેને પોતાના નામે ચઢાવતા હોય છે. આવી છેતરપિંડી એ નૈતિક અપરાધ છે. આ એક ગંભીર મુદ્દો એ વાર્તાનો આધારસ્તંભ છે. જો કે એ વાર્તામાંની ઘટનાની ગૂંથણી એવી રીતે થયેલી છે કે ત્યાં તફડંચી કે ઊઠાંતરી શબ્દો લાગુ પડશે નહિ, કારણ કે વાર્તાનાયકે સ્વૈચ્છિક રીતે એ વાર્તા પત્નીના નામે છપાવવા માટે આપેલી હોય છે. આમ છતાંય સૂક્ષ્મ અર્થમાં વિચારતાં એ દાંપતીય અંગત ચેષ્ટામાં પણ રહેલી અનૈતિકતાને અવગણી શકાય તો નહિ જ.

જગતભરનાં સાહિત્યોમાં કેટલાક લેખકો દ્વારા ક્યાંકક્યાંક આવી તફડંચીઓ કે ઊઠાંતરીઓ વધતા કે ઓછા પ્રમાણમાં થતી આવી છે, થતી રહેતી હોય છે અને થતી પણ રહેશે. આવી અનૈતિક ચેષ્ટાઓ કોઈકવાર પકડાઈ જતી હોય છે અથવા તો વળી મહદ્ અંશે તેમના ઉપર પડદો પડેલો જ રહેતો હોય છે. ફિલ્મનિર્માણમાં પણ જે તે પટકથાના મૂળ સર્જક પાસેથી નાણાંકીય ચુકવણી દ્વારા હક્કો ખરીદવાના બદલે મૂળભૂત સર્જનમાં ફેરફારો કરી નાખવાની પ્રયુક્તિ પણ અજમાવાતી હોય છે. આવી અનૈતિકતાઓ આચરવામાં અગાઉ જણાવ્યા મુજબ કીર્તિ અને કલદારની ભૂખ હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે કેટલાક લોકો આપસી વાતચીતમાં ક્ષુલ્લક એવી આપવડાઈ ખાતર પણ આવી હરકતો કરતા હોય છે. મારા જાતઅનુભવનું એક ઉદાહરણ ટાંકું તો એક ભાઈએ સરસ મજાની પૂર્વભૂમિકા આપીને દલપતરામનું ‘કેડેથી નમેલી ડોશી’ કાવ્ય પોતે જ સર્જ્યું છે, તેમ કહીને મને અક્ષરશ: સંભળાવી દીધું હતું. તેઓશ્રી પાંચ માણસો વચ્ચે બેઠેલા હોઈ મેં તેમને મિથ્યા આનંદ લૂંટવા દીધો હતો અને મને તેમના કાન આમળવા જરૂરી લાગ્યા ન હતા.

અત્રે આ ચર્ચામાં ‘જોગસંજોગ’ની વાતને પણ આપણે સમજી લઈએ. વિશાળ વિશ્વમાં અનેક ભાષાઓ અને અનેક સર્જકો હોય છે. ઘણીવાર જોગસંજોગના પરિણામે સર્જનોના વિષયોમાં સામ્ય આવી જવાની સંભાવના પણ રહેતી હોય છે. દરેક સાહિત્યકાર છેવટે તો પોતાના સમાજમાં જ જીવતો હોય છે. ઘણીવાર ભિન્નભિન્ન સમાજોમાં કેટલીક સામાજિક ઘટનાઓ સમાન રીતે બનતી હોય છે અને એમનાં પરિણામો કે અસરો પણ સમાન જોવા મળે છે. હવે કોઈ એવી એક ઘટના ઉપર વિશ્વના એક ખૂણાનો સર્જક કંઈક સર્જન કરે તો તેને મળતું આવતું સર્જન વિશ્વના બીજા કોઈ ખૂણાનો અન્ય સર્જક પણ કરી શકે. એ બધાંયમાં વિષયોની સામ્યતા સર્જાય, પણ અભિવ્યક્તિઓ તો નોખી જ રહેવાની. આમ આવાં સામ્યોમાં ‘જોગસંજોગ’ હોવાની વાતને સ્વીકારવી જ રહી. આમ છતાંય ચાલાક તફડંચીકારો ‘જોગસંજોગ’ના શકનો લાભ ઊઠાવીને અન્યના તૈયાર ભાણા ઉપર જમવા બેસી જતા હોય છે. જો કે નકલમાં અક્કલ ન વાપરનારાઓ રંગેહાથ ઝડપાઈ જતા પણ હોય છે.

ઉપરોક્ત વાતના સમર્થનમાં એક કાલ્પનિક હળવી વાત હું ટાંકીશ કે જે વાચકોને થોડીક હળવાશનો અનુભવ કરાવશે. એક અંગ્રેજ અફસર ચોમાસાના દિવસોમાં મોડી રાત સુધી કોઈક અગત્યની ફાઈલના કાગળો ઊથલાવી રહ્યો હતો. બીજા દિવસે એણે હાથ નીચેના એક દેશી કારકુનને એ ફાઈલના કેટલાક કાગળોની નકલ કરી આપવાનું કામ સોંપ્યું હતું. પેલાએ ખૂબ જ ચોકસાઈપૂર્વક પોતાની કામગીરી બજાવી આપી હતી, એટલા સુધી કે મૂળ ફાઈલમાં જે કાગળો વચ્ચે જે ફકરાઓ ઉપર જે જાતનું અને જે કદનું જીવડું દબાઈને મરી ગયું હતું, તેવું જ એણે કરી બતાવ્યું હતું ! આમ અન્યનાં લખાણોની બેઠી ને બેઠી નકલ કરનારાઓ કંઈક આવી માનસિકતા ધરાવતા હોય છે. આવાઓને આપણે એવા ઘરફોડ ચોરો સાથે સરખાવી શકીએ કે જેઓ તાળું વાખેલી આખેઆખી તિજોરીને જ ઉપાડી જાય !

જેમ જે તે દેશના અપ્રમાણિક નાગરિકો આવકવેરો ભરવાની બાબતમાં સંપૂર્ણ કરચોરી (Tax evasion) કે અંશત: કરચોરી (Tax avoidance)ની નીતિરીતિ અપનાવતા હોય છે અને જેને સમાજ માનવસહજવૃત્તિ ગણી લઈને હળવાશમાં લઈ લે છે, બસ તેવું જ સાહિત્યચોરોની બાબતમાં પણ સ્વીકાર્ય બનવું જોઈએ ! વળી આવકવેરાના કાયદાઓમાં કરઆયોજન (Tax planning)ને અપરાધ માનવામાં નથી આવતો, તેવું સાહિત્યમાં પણ ગણાવું જોઈએ ! કોઈ સાહિત્યચોર કોઈકની વાર્તા કે નવલકથાને યથાવત્ રાખીને માત્ર માઈક્રોસોફ્ટ વર્ડની Find, Replace with and Replace All સુવિધા વડે આંખના પલકારામાં પાત્રોનાં નામો બદલી નાખે તો તેને કોપીરાઈટનો ભંગ ન ગણતાં તેને વિષયવસ્તુ આયોજન (Text planning)નો દરજ્જો અપાવો જોઈએ ! પદ્યમાં પણ જેને ઉદ્દેશીને એ કાવ્યરચના લખાઈ હોય તે નામની જગ્યાએ અન્ય નામ મૂકી દેવાય તો તેને પણ મૌલિક રચના ગણવી જોઈએ ! સાહિત્યચોરોના લાભાર્થે કોપીરાઈટ અંગેના કાયદાઓમાં એક સુધારો તો તાત્કાલિક અમલમાં આવે તે રીતે કરી લેવો જોઈએ કે કોઈપણ સાહિત્યચોરને Lie detector Testની ફરજ પાડી શકાય નહિ !

પ્રાચીન સાહિત્યોમાં વિવિધ વિદ્યાશાખાઓ ઉપરના અનેક ગ્રંથો રચાયેલા જાણવામાં આવે છે, જેમાં ચોરી કરવાનું શાસ્ત્ર એટલે કે ચૌરશાસ્ત્ર ઉપર પણ વિશદ રીતે લખાયાનું માલૂમ પડે છે. આ શાસ્ત્રમાં ચોરો માટેનાં નૈતિક મૂલ્યો અને આચારસંહિતાઓ, ચોરી કરવા જવા પહેલાંના શુકન અને સારાં ચોઘડિયાં અંગેનાં માર્ગદર્શનો, ચોરીના કામમાં વપરાતાં ‘ગણેશિયો (ખાતરિયું)’ જેવાં સાધનોની રચનાઓ અને ઉપયોગિતાઓ વિષેની વિશદ છણાવટો વગરે સમાવિષ્ટ છે. ચૌરશાસ્ત્ર પાછળનો ઉમદા આશય સમજી શકાય છે કે તેમાં ચોરલોકોનો સમાજના અભિન્ન અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. ચોરીને પણ એક પ્રકારના વ્યવસાયનો દરજ્જો આપવામાં આવ્યો જણાય છે. ભૂખે મરતા પોતાના પરિવારને જીવાડવા માટે કરવામાં આવતાં ચોરીનાં કામોને અપરાધ ગણવામાં ન આવે તેવો તેમાં દૃઢ ખ્યાલ છે અને તેથી જ તો એવા ચોરોના ચોરીના વ્યવસાય માટે ઉપયોગી એવું એ સાહિત્ય રચાયું હોવું જોઈએ. આ જ વાત સાહિત્યચોરીને પણ લાગુ પાડી શકાય ! સાહિત્યચોરો પણ બિચારા કીર્તિ અને નાણાંની ભૂખમરાની સ્થિતિમાં જીવતા હોય, ત્યારે સમાજે તેમની સાહિત્યચોરીને અપરાધ ન ગણવો જોઈએ. પ્રાચીન વિદ્વાનો જેવી બુદ્ધિપ્રતિભા ધરાવતા મહાસાહિત્યચોરોએ આ વ્યવસાય માટે ઉપયોગી થઈ શકે તેવાં સાહિત્યો પણ રચવાં જોઈએ !

લેખસમાપને હું આવી ચૂક્યો છું અને આ લેખના શીર્ષકને ફરીથી વાચકોના ધ્યાને લાવીને હું લેખની ફલશ્રુતિ સમજાવવા માગું છું. નાનાં બાળકો મોટેરાંઓનાં પગરખાંમાં પગ નાખીને ચાલવાનો પ્રયત્ન કરે; તેમના પગ ઉપડે, પણ પગરખાં તો ઠેરનાં ઠેર જ રહે એવા રમૂજી દૃશ્યને જોઈને આપણે મોટેરાંઓ હસી પડતાં હોઈએ છીએ. બાળકોની એ રમતને આપણે ‘બાળસહજ ચેષ્ટા’ તરીકે સ્વીકારી લઈએ છીએ અને બાળકની એ જ ક્રિયાનું પુનરાવર્તન આપણને વધુ ને વધુ આનંદ આપતું રહે છે. આમ સાહિત્યજગતમાં પણ ધુરંધર સાહિત્યકારોનાં પગરખાંમાં માત્ર પોતાના પગ જ ઘાલવાના પ્રયત્નોના બદલે એ પગરખાં જ ઉપાડી જતા બાલસાહિત્યચોરોને તુચ્છ નજરે ન જોતાં એમની એ હરકતોને બાળસહજ ચેષ્ટાઓ તરીકે સ્વીકારી લેવી જોઈએ ! વળી એટલું જ નહિ, આપણે પણ તેમનું અનુકરણ કરીને એવી ચેષ્ટાઓ શીખવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે જેથી ચોરેલાં સાહિત્યોના ભંડાર વધુ ને વધુ સમૃદ્ધ થતા રહે અને વાચકોને નવીન લેબલવાળી બોટલોમાં જૂનું સિરપ વિપુલ પ્રમાણમાં મળતું રહે !

બ્લૉગજગતમાં પણ કોપે (Copy-Paste) સાહિત્યનો જય હો !!!!!

-વલીભાઈ મુસા

 

Tags: , , , ,

(૪૪૩-અ) બ્લોગીંગમાં ‘પ્રતિભાવો’ અંગે વલદાના પ્રતિભાવો

સાહિત્યકારો પોતાનાં સર્જનોમાં ઘણીવાર એવાં કથનો પ્રયોજતા હોય છે કે જે લાંબાગાળે સૂત્રો કે સુવિચારો બની જતાં હોય છે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે અને તેમાંય આ નિયમ લાગુ પડતો હોય છે. બ્લૉગ ઉપરના પ્રતિભાવ એ એક રીતે જોવા જઈએ તો વિવેચનની લઘુ આવૃત્તિ જ છે. અત્રે કનૈયાલાલ મા. મુનશીના વિવેચનશાસ્ત્રમાંના તેમના એક સૂત્ર ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ને ધ્યાનમાં ન રાખીને ‘વેગુ’વાચકોને ઊઘાડી શિખામણનાં કટુવચનોને યથાશક્ય શર્કરાયુક્ત આવરણમાં લપેટીને વટિકા ગળાવવાનો મારો અત્રે વિચાર છે. ક્યાંક આવરણ પાતળું રહી ગયું હોય કે કટુવચનના કોઈક ભાગે એ આવરણ બરાબર ચોંટ્યું ન હશે તો કટુતાનો થોડોક સ્વાદ આવી જવાની શક્યતા પણ ભારોભાર રહેલી છે જ. ‘કારેલાના ગુણ કડવા નથી હોતા’ એવું માનનારાઓ ભલે અલ્પસંખ્યક હોય, તો પણ તેમને જ ધ્યાનમાં રાખીને ગૃહિણીઓ કે વીશીઓના મહારાજો દ્વારા સમારાએલાં કારેલાંની કડવાશને નીચોવીને અને થોડોક વધુ પ્રમાણમાં ગોળ નાખીને પણ ભોજનની થાળીમાં એક વધારાના વિકલ્પ તરીકે કારેલાંનું શાક પીરસાતું હોય છે. આ લેખમાં મને “‘વલદા’ ગૃહિણો” કે “‘વલદો’ મહારાજ”, જે કહો તે, એવું જ કંઈક હું રાંધવા જઈ રહ્યો છું; પેલા અલ્પસંખ્યકોને જ મદ્દેનજર રાખીને જ તો !

આજનું કારેલું એ છે કે જેને બ્લૉગની દુનિયાનાં માણસો ‘પ્રતિભાવ’ના નામે ઓળખે છે. બ્લૉગનું માળખું ગોઠવનારાઓએ તો તેના માટે અંગ્રેજી શબ્દ ‘Comment’ આપ્યો છે, જેનો સીધો અર્થ તો ‘ટીકા’ થાય છે; પણ આપણાં શાંતિપ્રિય ગુર્જરજનોએ એના માટે ‘પ્રતિભાવ’ શબ્દ અપનાવીને તેને ‘Response’ના અર્થમાં ગોળ કાણામાં ચોરસ ખીલાની જેમ લાકડાની હથોડીએ હળવેથી બેસાડી દીધો છે. મારા મતે Comment Box એ એક પ્રકારનું Magic Box છે કે જે લેખનાં વિવિધ પાસાંઓને દેખાડે છે. પ્રતિભાવના બે જ સારા શબ્દો સારા લેખકને ઊંચે લઈ જાય છે, તો એ જ બે સારા શબ્દો નઠારા લેખકને પાછો પાડી દેતા હોય છે. પહેલામાં કાબેલિયતને પ્રોત્સાહન મળતું હોય છે, તો બીજામાં મિથ્યા ગર્વને પોષણ મળતું હોય છે.

મારો એક હોસ્ટેલ મિત્ર ભજનો ગાવાનો શોખીન હતો અને જુદાજુદા સમયે નિશ્ચિત ભજન જ ગાતો. બાથરૂમમાં નહાતી વખતે તે ‘પ્રભુ ભાવ-ના ભૂખ્યા છે, ભોજનના થાળ શાને !’ ગાય. આ વાત એટલા માટે યાદ આવે છે કે બ્લોગર એ પણ પોતાના બ્લોગનો પ્રભુ છે અને વાચક એનો ભક્ત છે. આ પ્રભુ ભક્તની પાસે ગિફ્ટ પાર્સલ જેવી મોટી અપેક્ષા નથી રાખતો, માત્ર બેચાર શબ્દોના પ્રતિભાવની આશા રાખે છે. હવે એ પણ ન મળે ત્યારે એને એવું ગાવાનો વારો આવે કે ‘હું પ્રતિભાવનો ભૂખ્યો છું, ખાલીખમ થાળ શાને ?’

રેડિયોના જમાનામાં સમાચાર-વાંચનમાં શરૂઆતમાં અને વચ્ચેવચ્ચે ‘આ આકાશવાણી છે’ એમ જે કહેવાતું, બસ તેમ જ વચ્ચે આ ‘વલદા’ કહી રહ્યો છે કે “આ લેખ ‘વેબગુર્જરી’ માટે લખાઈ રહ્યો છે.” અને તેજીને કરવામાં આવતી ટકોરની જેમ ‘વલદા’ એ કહેવા માગે છે કે કલાકારને દાદ(પ્રશંસા) ન મળે તો એ બિચારો દાદ(ફરિયાદ) કરવા ક્યાં જાય ! વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિરહુસેન પણ જો દાદ ન મળે તો સંચાલકોના મોંઢા ઉપર મળેલી ફીની નોટો ફેંકીને બગલમાં તબલાં દબાવીને સ્ટેજ છોડીને ભાગી જાય ! જો બ્લૉગર પોતાની જ કૃતિઓને પોતાના બ્લૉગ ઉપર મૂકતો હોય, તો તેના માટે તો સમજ્યા મારા ભાઈ કે, તે નિજાનંદ માટે લખે છે એટલે એને ભાવ, સમભાવ, અનુભાવ, પ્રતિભાવ, કટુભાવ, દ્વેષભાવ કે જે કહો તે ભાવ મળે કે ન મળે એને કોઈ ફરક પડશે નહિ; કેમ કે ત્યાં તો ‘વાડી’ અને ‘દલો તરવાડી’ એકના એક જ છે. પરંતુ એવી કોઈ સાઈટ કે એવાં કોઈ ઈ-સામયિક કે જે બિનવ્યાપારી ધોરણે કામ કરતાં હોય તેને તો અન્ય લેખકો ઉપર અવલંબિત રહેવું પડે અને એ લોકો જ્યારે કોઈ પુરસ્કારની અપેક્ષા વગર જાન રેડીને કંઈક લખતા હોય ત્યારે તે પ્રતિભાવ તો અવશ્ય ઝંખે જ ને !

કલાપીની આ કાવ્યપંક્તિ કે ‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ’ ને આપણે હરખપદુડા થઈને રટ્યા કરીએ અને વાચક તરીકે આપણે એને અમલમાં ન મૂકીએ તો ‘પોથીમાંના રીંગણા’ના ચિત્રને ચાવવા જેવું જ સમજવું પડે ને ! મોંઢામાં કાગળનો ડુચો વળશે, પણ એમાંથી સરસ મજાનાં મસાલાથી ભરેલાં રીંગણનાં સમારિયાંનો સ્વાદ તો ક્યાંથી મળવાનો છે ! અહીં વળી એક કાવ્યપંક્તિ યાદ આવી જાય છે, ‘મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી’; જેને આમ ગાવાની ઇચ્છા થાય છે, ’મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યાં ‘Like’ બટનને જરી !’ ભલાં ગુર્જરભાંડુડાંઓ, કોઈને ખુશ થઈને ભલે ઈનામ ન આપો, પણ મફતના ભાવની તાળી તો આપી શકાય ને ! ‘Like’ બટન એ ટેકનોલોજિકલ તાળી જ છે ! વળી તમે બ્લોગધારક હશો અને તમારા બ્લૉગમાં તમારો ફોટો હશે તો ‘Like’ બટનની હારોહાર તમારા ફોટા સાવ મફતમાં ગોઠવાતા જશે અને બ્લોગરે ‘Like’ ની જાણકારી મેળવવા માટેની મેઈલનો વિકલ્પ પસંદ કર્યો હશે તો બ્લૉગ સર્વિસ પ્રોવાઈડર પેલા લેખકને ‘Like’ની મેઈલ મોકલી આપીને મેટ્રિક પદ્ધતિમાં કહીએ તો એમને પાંચસો ગ્રામ (જૂનો માનાંક ‘શેર’) લોહી ચઢાવશે !

અમે કેટલાંક મિત્રો એક હાસ્યબ્લોગે એકવાર એવાં તોફાને ચઢેલાં (બહેનો પણ ભેગી હતી !) કે પ્રતિભાવોમાં ટોળટપ્પા કરીને થોડાક સમયમાં તો એ સાઈટને ગરમલ્હાય કરી દીધેલી. પછી તો થયું કે લાવોને આપણે અંગત રીતે એ બ્લૉગ માટે કોઈ હાસ્યલેખકોને નિમંત્રીએ. અમારા નિમંત્રણને માન આપીને કેટલાક લેખકોએ સરસ મજાના હાસ્યલેખો આપ્યા પણ ખરા. પરંતુ પછી તો થોડાક સમય માટે પ્રતિભાવોમાં થોડીક મંદી (Recession) આવી અને પેલા લેખો પ્રતિભાવ વગરના કોરા જવા માંડ્યા અને એક લેખકે તો શિષ્ટાચાર(Protocol) ને ભૂલી જઈને અંગત મેઈલમાં એવી હૈયાવરાળ કાઢી કે ‘જોયા, જોયા તમારા વાચકો, એકેયમાં Sense of humor તો છે જ નહિ; આવા બ્લૉગ ઉપર અમારી સોનાની સાંકળને પાણીમાં શા માટે નાખીએ !’ મિત્રો, બધાંય ‘વેગુ’વાચકોને સમજાય એ રીતે આ વાત અહીં એટલા માટે મૂકી છે કે ‘બાપલિયાં, જો જો હાં, અહીં ‘વેગુ’ ઉપર અમારાં નિમંત્રણને માન આપીને આવતા વિદ્વાન લેખકો અમને સંચાલકોને એવું મહેણું ન મારી જાય કે ‘જોયા, જોયા તમારા વાચકો; એકેયમાં કામની કદર કરવાની અક્કલ તો છે જ નહિ !’ અને પછી નવ અને બેનો સરવાળો કરી દે ! ( ન સમજાયું હોય, તો તેનું હિંદી કરી દઉં કે ’નૌ ઓર દોકા જુમલા કર દેં !; હજુ ન સમજાયું હોય તો કહું કે ‘નવ અને બેનો સરવાળો અગિયાર કરી દે !’ હાશ, હવે સમજાયું હશે ખરું !!!)

‘વેગુ’મિત્રો, ‘જોયા, જોયા તમારા…’ લખતાં એના અનુસંધાને એક રમુજી ટુચકો યાદ આવ્યો છે; જેને અહીં નહિ મૂકું તો મારા લેખના ઉપરોક્ત લખાણમાંનો મારો રૂની પૂણીનો પ્રહાર કોઈને ઈજા પમાડી ગયો હોય તો તેમને રૂઝ નહિ વળે ! “શ્રીરામ અને સીતાજીના વનવાસ દરમિયાન સીતાજીની પતિસેવા જોઈને નરવાનરો પ્રભાવિત થયા અને માદાવાનરોને શિખામણ આપવા માંડ્યા કે ‘અલી વાંદરીઓ, જાઓ અને સીતામાતાને જોઈ આવો કે એ કેવાં ગુણિયલ છે અને પતિની કેવી સેવા કરે છે ! તમે લોકો તો એમાંનું કશું જ કરતી નથી !’ માદાવાનરોએ સીતામાતાને વચમાં ઊભાં રાખીને કેટલીયવાર સુધી તેમની ફરતે પ્રદક્ષિણા કરી અને ઝાડવાંઓ ઉપર પ્રતીક્ષા કરતા નરવાનરો પાસે જઈને કહ્યું, ‘જોયાં જોયાં, તમારાં સીતામાતાજી ! એમને પૂંછડી તો છે જ નહિ !’” આપ સૌ સમજદાર અને શાણા વાચકોને ‘વલદા’થી એવું થોડું કહેવાય કે ‘…. એટલા માટે જ તો ‘Like’નું બટન આપ્યું છે, ને !!!’

બ્લોગીંગમાંની પ્રતિભાવની વ્યવસ્થાને ગંભીરતાથી સમજવી પડશે અને લેખકોએ પણ માનસિક રીતે તૈયારી રાખવી પડશે કે All the times સારા પ્રતિભાવ ન મળે અને કોઈકવાર વાચકો દ્વારા તેમના કાન પણ ખેંચવામાં આવે અને ત્યારે પ્રત્યુત્તર આપવાની તેમની ફરજ પણ બની રહે. અપરિપક્વ લખાણના લેખકે સારા પ્રતિભાવોની અપેક્ષા રાખવી અસ્થાને છે. ઊલ્ટાનું એણે તો એમ ઇચ્છવું જોઈએ કે કોઈક એમની ખામીઓ બતાવે. જાહેરમાં એવી ટીકાટિપ્પણી ન ખમાય તેમ હોય તો અંગત મેઈલથી પણ જાણીજણાવી શકાય. સારા પ્રતિભાવો મેળવવા માટે લાંઘણ કરવી એ તો માગીને માન મેળવ્યા બરાબર ગણાય અને એવા માનનું મૂલ્ય પણ શું ગણાય ?

વાચકપક્ષે પણ એ અપેક્ષિત છે કે તેઓ પોતાના પ્રતિભાવોમાં લખાણની શિષ્ટતા જાળવે. બ્લોગ એ બુદ્ધિજીવીઓ અને બુદ્ધિશાળીઓ માટેના વિચારોના આદાનપ્રદાન માટેનું એક ફલક (Platform) છે; જ્યાં સૌએ ખેલેદિલીપૂર્વક વર્તવાનું છે, એકબીજાનાં માનસન્માનને જાળવવાનાં છે, તટસ્થ અભિપ્રાયો મુક્ત રીતે આપવાના છે, એને કુસ્તીનો અખાડો બનાવવાનો નથી ! અહીં એવું ન બને કે પેલા પ્રાચીન કવિએ ‘પશુમાં પડી તકરાર’ જેવું કોઈ વર્તમાન કવિએ લખવું પડે કે ‘બ્લોગરોમાં પડી તકરાર’ ! અહીં પ્રશંસાને સ્થાન છે, ખુશામતને નહિ; અહીં સ્પષ્ટવક્તાપણું આવકાર્ય છે, તોછડાઈ નહિ; અહીં જ્ઞાન, ગમ્મત, ચિંતન, અને મનનને અવકાશ છે, બાલિશતાને નહિ; અહીં વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાએ એકાદ કદમ આગળ વધવાનું છે, પીછે કદમ નહિ.

અનેક બ્લૉગરોને અનુભવ થયો હશે કે કોણજાણે કેટકેટલા અજનબી માણસો સાથેના તેમના સંપર્કો સંધાયા હશે અને મિત્રાચારીના અંકુરો ફૂટ્યા હશે, આ બ્લોગના માધ્યમ થકી ! અહીં ‘વલદા’ એમ કહે કે ‘એટલા બધા સંબંધો બંધાયા છે કે તેમનાથી એક નાનકડું ગામ સર્જાઈ રહે’ તો તેને અતિશયોક્તિ સમજતા નહિ. વલદાનું તારણ છે કે બ્લોગના માત્ર લેખન કે વાંચનથી સંબંધો બંધાતા નથી, કેમ કે એ તો બંને પક્ષે એક મૂક ક્રિયા માત્ર બની રહે છે; પ્રતિભાવના માધ્યમ દ્વારા જ સંબંધો બંધાય છે અને સાથેસાથે એ પણ ખરું કે વિવેકભાન ગુમાવાય તો સંબંધો વણસે પણ ખરા !

‘વલદા’ એ આ લેખમાં સાવધાની વર્તીને જે કહેવા ધાર્યું હતું તે કહી દીધું છે, કોઈની લાગણી ન દુભાય તેની તકેદારી પણ એણે રાખી છે, જે કંઈ લખાયું છે તે ‘વેબગુર્જરી’ પ્રત્યેના અહોભાવના કારણે જ તો; આમ છતાંય જાણેઅજાણે આજના આ લેખરૂપી કારેલાની કોઈ કડવાશ કોઈ વાચકની જીભને સ્પર્શી ગઈ હોય તો તેમની ક્ષમા પ્રાર્થીને ‘વલદા’ અત્રેથી વિરમે છે.

જય ગુર્જરી.

 

Tags: , , ,

(૪૩૭-અ) સાહિત્યમાં સ્વવિવેચન – એક નવતર ખ્યાલ

સ્વવિવેચન એટલે સાહિત્યસર્જકે સ્વસર્જનને જાતે જ વિવેચવું. મારી હળવી અદાએ કહું તો ગૃહિણી જે તે વાનગી બનાવી લીધા પછી તેનો સ્વાદ પારખવા થોડુંક ચાખી લે અને ખામીખૂબી ચકાસી લે તેવી આ વાત કહેવાય ! અત્રે તો સાહિત્યસર્જનના સંદર્ભે જ વાત કરવાનો વિચાર છે, તેમ છતાંય વિશેષમાં એટલું તો કહીશ જ કે વિશાળ અર્થમાં આ ‘સ્વવિવેચન’ માનવીના જીવનઘડતરને પણ એટલા જ અંશે લાગુ પડે છે. આત્મસુધારણા માટે આંતરદર્શન જેવો શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. ડુઆન એલન હાહ્ન (Duane Alan Hahn) નામે વિચારક સ્વવિવેચન વિષે આમ કહે છે. : “તમે એક ભવ્ય અને ચળકતી તલવાર છો અને આત્મવિવેચન એ તમારા માટે સરાણનો પથ્થર છે. આ સરાણથી તમે દૂર ભાગશો નહિ; જો એમ કરશો તો તમે ધાર વગરના બૂઠા અને નકામા બની જશો. હંમેશાં ધારદાર રહો.”

કોઈપણ કલાનો વિવેચક એ તો કલાકારનો મિત્ર, માર્ગદર્શક અને સુધારક હોય છે. સાહિત્ય પણ કલાનો એક પ્રકાર જ છે અને સામાન્ય રીતે આનો વિવેચક સર્જકથી ભિન્ન એવો ત્રાહિત ઈસમ હોય છે. પરંતુ અહીં સર્જકે પોતે જ પોતાના જ સર્જન માટે ત્રાહિત બની જવાનું છે અને તો જ તે તાટસ્થ્ય જાળવી શક્શે. આ એક દુષ્કર પ્રક્રિયા છે. અહીં આંતરનિરીક્ષણ દ્વારા આ ભગીરથ કાર્યને પાર પાડવાનું છે. આના સમર્થનમાં ફિયોદોર દોસ્તોવ્સ્કીનું આ કથન જડબેસલાક બંધ બેસે છે, ‘મારા મતે બુદ્ધિમાન માણસ એ છે કે જે મહિના દરમિયાન ઓછામાં ઓછો એક વખત પોતાની જાતને મૂર્ખ તરીકે ઓળખાવતો રહે.’ અહીં સર્જક અને વિવેચકની એમ બેવડી ભૂમિકા પોતે જ ભજવવાની હોય છે. અહીં અનુકૂળતા એ છે કે સર્જનની ભૂમિકા પૂરી થઈ ગયા પછી જ વિવેચનની ભૂમિકા શરૂ થાય છે. આ એક નવતર ખ્યાલ કે પ્રયોગ છે, જેને મેં પોતે મારા પોતાના લખેલા વિવેચનલેખોના સંગ્રહ ‘ સમભાવી મિજાજે’ ના વિવેચક તરીકે અજમાવી જોયો છે અને તેને જાણવા, નાણવા અને માણવા માટે હું પાદનોંધમાં તેનો સંદર્ભ તો આપીશ, પરંતુ હાલ તો ટૂંકમાં જ જણાવી જ દઉં કે ‘ સ્વવિવેચન’ માં સર્જનના ગુણાવગુણને સર્જકે પોતે જ વાચકો સામે પ્રામાણિકપણે ધરી દેવાના હોય છે.’

મારા પ્રયોગને કોઈ કદાચ ન વાંચે તો તેમની જાણ માટે મારા ત્યાંના જ એક વિધાનને અહીં દોહરાવું છું કે ‘આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે, તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અહીં લેખક અને વિવેચક એમ બંને ‘હું’ જ હોઈ જરૂર પડે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહેશે !’ અહીં કવીશ્વર દલપતરામના વિખ્યાત પ્રહસનમાંની બે પાત્રોને લાગુ પડતી એકપાત્રીય ઉક્તિઓને પણ યાદ કરી લઈએ કે ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી ? / રીંગણાં લઉં બેચાર ? લે ને દસબાર !’ આમ વાડી અને દલા તરવાડીની ભૂમિકા એક જ વ્યક્તિ અદા કરે છે; બસ, તેમ જ અહીં સર્જક અને વિવેચક વિષે સમજવાનું રહેશે.

હવે આ સ્વવિવેચનને દૃશ્ય અને અદૃશ્ય એમ બંને રીતે રાખી શકાય છે. રહસ્યમય લાગતા મારા આ વિધાનને મારે સમજાવવું પડશે, નહિતર મારા સુજ્ઞ વાચકો મને સ્વર્ગસ્થ જાદુગર કે. લાલની જ્ગ્યાએ પૃથ્વીસ્થ વી. લાલ સમજી બેસશે ! આ માટે એક ઉદાહરણ બસ થઈ પડશે. તમે મોડા સુધી જાગીને કોઈ કાવ્ય, ગઝલ કે વાર્તા લખી ચૂક્યા છો. જો તમે બ્લોગર હો તો તેને તરત જ Publish કરી દેવા માટે હરખપદુડા થયા વગર ચૂપચાપ સૂઈ જજો. હવે વહેલી સવારે તમે જાગશો, ત્યારે તમારું મગજ તાજગીસભર હશે. હવે તમારે એ કૃતિને બીજા કોઈની કૃતિ સમજીને વાંચી લેવાની છે. હવે તમને તેમાંની ખામીઓ કે ખૂબીઓ દેખાશે. આ તમારા સ્વવિવેચનની કાચી સામગ્રી છે. હવે તમારી એ મૂળ કૃતિને યથાવત્ જાળવી રાખીને તમે અલગથી તમારી કૃતિ વિષે ‘દલા તરવાડી’ની જેમ જે કંઈ લખશો તે તમારું દૃશ્ય સ્વવિવેચન કે રસદર્શન જે કહો તે બની રહેશે. વાચકો તમને સર્જક અને વિવેચક એવા બે ઈલ્કાબોથી નવાજશે. હવે તમારે તમારી જ કૃતિના વિવેચક તરીકે જાહેર નથી થવું, તો તમે તમારી કૃતિમાં જ ઘટતા ફેરફારો કરી લેશો, જે તમારાં સ્વસૂચનોનું અમલીકરણ તમારા દ્વારા જ થઈ ગયું હોવાના કારણે અદૃશ્ય સ્વવિવેચન ગણાશે. જો કે કોમ્પ્યુટર ઉપર કામ કરતાં ચાલુ કામે થતા જતા શાબ્દિક કે વસ્તુવિષયક ફેરફારોને તો આપણે લેખનપ્રક્રિયાના ભાગરૂપે જ સમજીશું. પરંતુ આપણે અહીં જે સ્વવિવેચનની વાત કરી રહ્યા છીએ તે તો પ્રસિદ્ધ થવા માટે તૈયાર (Ready to Publish) પ્રકારની કૃતિને જ લાગુ પડે છે.

સ્વવિવેચન થકી સાહિત્યસર્જકની સ્વઘડતરની પ્રક્રિયાને સમજવા માટે અને આ લેખમાંના નવીન વિચાર કે ખ્યાલને આપ વાચકોના મનમાં અંકે કરાવવા માટે નીચે એક પ્રતીક આપું છું, જેનું શીર્ષક છે – ““Self made man” (સ્વસર્જિત માનવ).

સ્વસર્જિત-માનવ

સમાપને, આપણે એક ગૌણ વાતને પણ સમજી લઈએ કે જે તે સર્જનકાર્ય દરમિયાન કે છેલ્લે જે કોઈ જોડણી, વ્યાકરણ કે વાક્યરચનાની ભૂલસુધારણા કરતાં રહીએ કે કરી લઈએ તે સર્જનપ્રક્રિયાના ભાગરૂપ છે, જેને આપણે યાંત્રિક પ્રક્રિયા જ સમજવી રહી. એ બધી તો જે તે સર્જનના શરીરની ટાપટીપ ગણાય. વિવેચકે તો સર્જનના આત્માને ઓળખાવવાનો છે.

Disclaimer: If Image published here falls under breach of any copyright; the copyright holder/s might simply intimate me/us by mail and the same will be removed immediately.

પાદનોંધ :

પ્રસ્તાવના – ‘ હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક !’

 

Tags: , , ,

(૪૩૩-અ) હવે તો અદ્યતન સ્પેલચેકર એ જ કલ્યાણ !

તાજેતરમાં જ ‘વેબગુર્જરી’ના સાહિત્યવિભાગે નીલમબેન દોશીની ‘આઇ એમ સ્યોર…’ શીર્ષકે વાર્તા પ્રસિદ્ધ થઈ છે. મારા આજના ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ લખાઈ રહેલા ગુજરાતી ભાષાવિષયક આ લેખ માટે મેં એ જ શીર્ષકને ભાગ – ૨ તરીકે પસંદ કરવાનું વિચાર્યું હતું, જેવી રીતે કે આજકાલ ‘દબંગ’, ‘ધૂમ’, ક્રિશ, આશિક જેવાં ચલચિત્રો એ જ શીર્ષકે પણ સળંગ વધતા જતા ક્રમાંકે આવતાં જાય છે; પરંતુ હું એમ કરતો નથી. કારણ દેખીતું જ છે કે ગુજરાતી ભાષા અંગેના આ ગુજરાતી લેખનું શીર્ષક હું અંગ્રેજીમાં રાખું તો એવું બને કે કોઈ શ્વેત ધોતીઝભ્ભાધારી ગુજરાતી સજ્જને માથે ટોપો (Hat) ધારણ કર્યો હોય ! જો કે આજકાલ લુપ્ત થઈ ગયેલી પ્રાચીન ગુજરાતીના ભવાઈના જનક અસાઈતની કોઈક ભવાઈમાં આવી વેશભૂષાવાળું પાત્ર જોવા મળતું હતું.

જો કે આ તો આડવાત થઈ અને મારા વિષયપ્રવેશ પહેલાં બીજી એક આડવાતનો આશરો લેવાનું મારા માટે જરૂરી છે. ‘પરગોલેક્સ’ કે અન્ય બ્રાન્ડની એ પ્રકારની કોઈપણ વટિકા માનવશરીરના મળત્યાગમાર્ગમાંના સર્જાએલા બંધને ખુલાસાબંધ ખોલી આપવાનું કામ કરે, બસ તેમ જ અહીં ખુલાસાબંધ એક વાત કરી લઉં કે એ વાર્તા અને આ લેખમાં અંશત: એક વાત પૂર્વાપાર સંબંધે અને પરસ્પર આધારિત એમ સમાન રીતે લાગુ પડે છે. એ વાત છે, ‘આત્મહત્યા કરવાના એક હજાર અને એક સરળ ઉપાય.’ એવી સંભવિત કોઈ ચોપડી અંગેની ! પરંતુ, મારે ‘આત્મહત્યા’ સબબે અહીં જે વાત કરવાની થાય છે; તે ઉપાયો અંગેની નથી, પણ તે માટેનાં અનેક કારણો પૈકીના એક શક્યત: અને મુજ સંશોધિત કારણ અંગેની છે.

અત્રે મારા મનમાં રમી રહેલા આત્મહત્યાના વિચારને ઉદ્દીપ્ત કરનારા જે કારણને હું ઉજાગર કરવા જઈ રહ્યો છું, તે કારણ સર્વત્ર વિદ્યમાન તો છે જ; પણ જે તે આત્મહત્યાના ઇચ્છુકે એ કારણને પોતાનામાં જગાડવું પડે, આપ વાચકોને વધુ વખત સુધી લોલીપોપ બતાવ્યા વગર સીધું જ ભાખી દઉં તો એ કારણને જગાડવા માટે આપણે ગુજરાતી ભાષાના પ્રુફ રીડર બનવું પડે. આપ કહેશો કે આ તો ખૂબ લાંબો અને કાંટાળો માર્ગ છે. પ્રુફ રીડર થવા પહેલાં ભાષામાં પારંગત થવું પડે. પારંગત થયા પછી પ્રુફ રીડીંગનું કામ હાથ ધરવું પડે. પ્રુફરીડીંગ કરતાંકરતાં જ તે લખનારના લખાણને મઠારવા જતાં કંટાળવું પડે. કંટાળાની શરૂઆતમાં બંને હાથોએ પોતાના માથાના વાળ પીંખવા પડે. આમ ધીમેધીમે આપણો કંટાળો પરાકાષ્ઠા તરફ આગળ ને આગળ વધતો જાય અને આપણા ચિત્તપ્રદેશમાં આત્મહત્યા કરી લેવાના વિચારોના કાંટા ફૂટતા જાય. આમ ને આમ એવી કોઈ નિશ્ચિત ધન્ય પળ આવી પણ જાય કે આત્મહત્યાના કાર્યને આખરી અંજામ અપાઈ જાય અને દુ:ખદ એવા આપણા જીવનનો સુખદ અંત આવી જાય. પછી તો એવું પણ બની શકે કે પેલા રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવની ‘એક સરકારી કારકુનનું મૃત્યુ !’ જેવી જ વાર્તા કોઈ વાર્તાકાર દ્વારા આવા શીર્ષકે લખાઈ જાય કે ‘એક ગુજરાતી પ્રુફ રીડરનું અકુદરતી મૃત્યુ !’.

અહીં વાચકને એમ લાગ્યા સિવાય રહેશે નહિ કે આ તો ભાઈ બગડી ગયેલા લાઈટરની દિવેટને દિવાસળીથી સળગાવીને પછી એ લાઈટર વડે બીડી કે સિગારેટ સળગાવવા જેવી વાત થઈ ન ગણાય ! જેને આ દુનિયામાંથી ટળવું છે, એ સીધી રીતે પણ ટળી તો શકે ! ભાઈ, વાત તો સાચી, પણ પછી પેલા કાર્યકારણના સિદ્ધાંતનું શું; એ તો પછી ખોટો પડી જાય ને ! ખેર, એ વાતને રહેવા દો અને મને તમારા મનની વાત કહેવા દો. તમારા મનમાં દેશી પાકી કેરીઓની જેમ એ વાત ઘોળાયા કરે છે કે અપમૃત્યુને ગળે લગાડનારો પ્રુફરીડર બીજી કોઈ ભાષાનો નહિ અને ગુજરાતીનો જ કેમ હોઈ શકે ! આનો સીધોસાદો જવાબ એ છે કે આપણી પાસે સક્ષમ એવું કોઈ રોબોટિક સોફ્ટવેર નથી કે જે Spellchecker તરીકેની ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ આપી શકે; વળી જે કોઈ છે, તે આપણા દેશી બાબરિયા ભૂત જેવી છે કે જે પોતે તો થાકે જ નહિ; પરંતુ આપણને થકવી તો જરૂર નાખે. જો કે આપણાં સુભાગ્ય છે કે જીવનભર ગુજરાતી ભાષાના સંશોધન, સંમાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે આજીવન તન, મન અને ધનનો ભોગ આપીને ઑનલાઈન ગુજરાતી લેક્સિકોનને હાથવગુ ઉપલબ્ધ કરાવનાર મરહુમ રતિલાલ ચાંદેરિયા (મુરબ્બી રતિકાકા) કે જે મૂર્ત સ્વરૂપે ભલે હવે આપણી વચ્ચે ન હોય, પરંતુ અમૂર્ત સ્વરૂપે તો ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ વચ્ચે ચિરકાળ સુધી જીવિત રહેશે જ. તેઓશ્રીના સોફ્ટવેરમાં ‘ઑનલાઈન સરસ સ્પેલચેકર’ની સુવિધા તો છે જ, પરંતુ તેમાં હજુય વધુ ને વધુ સંશોધનને અવકાશ તો છે જ. અંગ્રેજીની જેમ ઓટોચેક (Auto Check)ની સુવિધા ન હોવા ઉપરાંત આપણી ભાષા જ વિશેષે કરીને સંકુલ હોઈ જોડણીસુધાર માટેના અસંખ્ય શબ્દોને લાલ અને વક્ર અધોરેખાએ દર્શાવે છે. વળી જે શબ્દનો સુધારો સુચવાયો હોય તેના માટે અનેક વિકલ્પો આપવામાં આવ્યા હોય છે અને તેમાંથી આપણે જે સાચો હોય તેને જાતે જ પસંદ કરી લેવો પડે. ઘણીવાર અનુસ્વાર જરૂરી હોય તેવા શબ્દો અધોરેખિત બતાવવામાં આવ્યા નથી હોતા, એટલા માટે કે અનુસ્વારરહિત એવા શબ્દનું અસ્તિત્વ હોવા ઉપરાંત તે સાચો પણ હોય. વળી સમયનો વ્યય થાય એવી દુવિધા બીજી એ છે કે આપણા લખાણને કોપી-પેસ્ટ વડે પેલા સ્પેલચેકર બૉક્સમાં લાવવું-લઈ જવું પડે છે, જે તે મૂળ જગ્યાએ અંગ્રેજીની જેમ ભૂલસુધારણાકાર્ય થતું નથી; અર્થાત્ તે લખાણને ઑપરેશન થિયેટરમાં લઈ જવું પડતું હોય છે !

જૂઓ, કોઈપણ માતૃભાષી જીવના દિલમાં બળતરા તો હોય જ છે કે પોતે સાચું લખાણ લખે, શબ્દોના સાચા ઉચ્ચારો કરે; પણ બધાંયથી એમ થઈ શકતું નથી હોતું. આના માટે કોમ્પ્યુટર ટેકનોલોજિ જ બેલી બની શકે તેમ છે. જેમ પશ્ચિમના દેશોમાં અને અલ્પાંશે ભારતમાં પણ શિક્ષણસંસ્થાઓમાંથી આંક, ઘડિયા,પાડા કે ટેબલ ગયાં અને કેલ્ક્યુલેટરે સ્થાન લઈ લીધું; તેમ આપણી ભાષાવિષયક સમસ્યા પણ એવાં સોફ્ટવેરથી જ હલ થઈ શકશે. હું આ વિષયે અલ્પજ્ઞાનીય નહિ, અજ્ઞાની જ છું; એટલે ડહાપણ ડહોળવાથી વિશેષ તો શું કરી શકું ! હા, કોમ્યુટર પ્રોગામરોને વિચાર તો જરૂર આપી શકું તેમ છું કે જેનાથી અંગ્રેજીના જેવું શતપ્રતિશત ચોક્કસ સ્પેલચેકર તો કદાચ નહિ બની શકે, પણ હાલમાં ઉપલબ્ધ છે તેનાથી વિશેષ કાર્યક્ષમ તો જરૂર બની શકે. એક તો અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતી લખાણને પેલા ઓપરેશન થિયેટરમાં લઈ જવાના બદલે સ્થળ ઉપર કામનો નિકાલ થાય તે માટે અંગ્રેજીની જેમ જે તે ગુજરાતી ફોન્ટના સોફ્ટવેરમાં સ્પેલચેકર જોડાઈ જવું જોઈએ. વળી ઓટોચેક પદ્ધતિએ આવવા માટે હું નીચે જે ઉદાહરણ આપવા જઈ રહ્યો છું તે રીતે જ ગુજરાતી ભાષાના બધા જ શબ્દોને આવરી લેવા જોઈએ. હવે આપણે એક સાચો શબ્દ ‘કોશિશ’ લઈએ. આપણે શક્યતાના ગણિત (Maths of Possibility) પ્રમાણે જોઈશું, તો એ શબ્દના ખોટા શબ્દો આટલા બની શક્શે : કોશીશ, કોશીસ, કોશીષ, કોશિસ, કોશિષ. પ્રોગ્રામરે લખાણમાં સાચો શબ્દ ‘કોશિશ’ લાવી દેવા માટેનો રસ્તો (Path) એવી રીતે કંડારી કાઢવો જોઈએ કે પેલા ખોટા શબ્દો પૈકીના ગમે તે કોઈ એકને છાપવામાં આવે તો એ બધા જ ‘કોશિશ’ એવા સાચા શબ્દમાં ફેરવાઈ જાય. જૂઓ મિત્રો, આ કંઈ વલદાનું સંશોધન છે એવી ભૂલ કરી લેવાની ભૂલ ભૂલમાં પણ કરી લેતા નહિ. અંગ્રેજી સ્પેલચેકર આ રીતે જ સર્જાયું હોવું જોઈએ એવા અનુમાન માત્રથી હું મારા વિચારોને દર્શાવી રહ્યો છું.

કોઈ કહેશે કે આટલી બધી મગજમારી કોણ અને શા માટે કરે; તો તેનો સીધોસાદો જવાબ છે પાપી પેટ જ કરે, પૈસા શું ન કરાવી શકે ! ગુજરાત સરકાર અનેક યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે મોટી રકમ ફાળવીને કોઈ સોફ્ટવેર કંપનીને આ કામ સોંપવામાં આવે તો મારું માનવું છે કે તે ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ એક વર્ષમાં આ કામ પાર પાડી શકે. એમના પાસે મોટી ટીમ હોવાથી આ સમયમર્યાદામાં એ કામ ચોક્કસ પૂર્ણ થઈ શકે. હવે વાત રહી આવા સ્પેલચેકરની વિશ્વસનીયતાની; તો જૂઓ મિત્રો, અંગ્રેજી કે અન્ય કોઈ વિદેશી કે દેશી ભાષાઓમાંનાં તેમનાં સ્પેલચેકર્સને કેટલીક મર્યાદાઓ તો નડતી જ હોય છે. આના માટે મારી એક જ દલીલ છે કે કોમ્પ્યુટર અક્કલ જેવું કામ તો કરી શકે છે, પણ તેનામાં અક્કલ હોતી નથી. અંગ્રેજીમાં hut ની જગ્યાએ તમે nut છાપી નાખ્યો હશે, તો સ્પેલચેકરનું કામ તમારા બંને શબ્દોના માત્ર સ્પેલિંગ ચકાસવાનું છે; નહિ કે તે તમને એમ બતાવે કે hut કરી નાખો. ગુજરાતીનું એક અશુદ્ધ વાક્ય લઈએ કે કે ‘કૂતરા ભસતા હતા.’ અહીં ગુજરાતી સ્પેલચેકર એ વાક્યના ત્રણેય શબ્દોમાં ભૂલ નહિ જ બતાવે, કેમ કે એ ત્રણેય શબ્દો અલગઅલગ રીતે તો સાચા જ છે; પણ ત્યાં વ્યાકરણની ભૂલના કારણે એ ત્રણેય શબ્દોમાં અનુસ્વાર નથી. પ્રોગ્રામરો આ કામ પણ કરી શકે, કેમ કે અંગ્રેજી સ્પેલચેકરમાં પણ મર્યાદિત રીતે ઉપયોગી થઈ શકતી આવી સુવિધા ઉપલબ્ધ હોય છે.

‘આઈ એમ સ્યોર’ કે ભવિષ્યે કોઈ ગુજરાતી ભાષાપ્રેમી શિક્ષણમંત્રી બનશે તો આ લેખમાંનું હાલનું દિવાસ્વપ્ન કદાચ નિશાસ્વપ્નમાં ફેરવાય અને એ નિશાસ્વપ્ન હકીકતમાં સાકાર પણ થઈ શકે ! સાથેસાથે એ પણ હકીકત છે કે ઉમાશંકર જોશીના કાવ્ય ‘નદી દોડે’ માંની આ પંક્તિ ‘અરે, એ તો ક્યારે, ભસમ સૌ થઈ જાય પછીથી ?’ જેવી પરિસ્થિતિને નિવારવા માટે સમર્થ અને નિષ્ઠાવાન એવા કોઈ ભાષાપ્રેમીને વિધાયક તરીકે બિનહરીફ ચૂંટવો પડે.

-વલીભાઈ મુસા 

 

Tags: , , , ,

(૪૩૦-અ) હમને તો બબૂલ બોવિયા, ને આંબલા ઝંખીએ હો જી…

મારા આજના લેખના શીર્ષકમાં મેં ‘જરા હટકે’ સ્ટાઈલ મારી છે. હિંદી, તળપદા, હૂલામણા અને ભજનિયા એવા શબ્દો અનાયાસે પ્રયોજાઈ ગયા છે અને તેને અનુરૂપ વિષય પણ મનમાં આકાર લઈ ચૂક્યો છે. વિષય તો, ગુર્જર ભાંડુંડાંઓ, બીજો કયો હોઈ શકે; એ જ આપણા સૌની માતૃભાષા ગુજરાતી વિષેની બળતરા અંગેનો જ તો વળી ! ગુજરાતીના ભાવી વિષેની ચિંતારૂપી ચિતા ઉપર માંડ રાખ વળવા માંડે અને ક્યાંક વળી કોઈકેને કોઈક એવા ઝંઝાવાતી લેખો વાવા માંડે કે ઓલી રાખ ઊડી જઈને માંહ્યલા અગનને પ્રજ્વલિત કરી બેસે.

આ લેખકડો સૌને ગમે કે ન ગમે પણ આ લેખ માથેના મથાળે રોકડું પરખાવી દે છે કે આપણે બાવળનાં બી રોપી દઈએ છીએ અને આંબો ઊગવાની ગાંડપણભરી આશાઓ સેવતા હોઈએ છીએ. અહીં બી રોપવું એટલે કે કોઈ કામનો પ્રારંભ કરવો. અહીં આ લેખમાં ‘કોઈ કામ’ એટલે ગુજરાતી ભાષા શીખવા-શીખવવાની જ વાત અભિપ્રેત સમજવી, મારાં ભાઈબહેનો ! બાળકને માતૃભાષા શીખવનારાં ઘરની અંદરનાં ગુરુઓમાં સર્વપ્રથમ માતા અને પછી અન્ય કુટુંબીજનો આવે. બાળક મોટું થઈને ઘર બહાર રમવા જવા માંડે એટલે આડોશપાડોશનાં તેનાં સમવયસ્કો આવે અને એમ ક્રમિક આગળ વધતાં એ બાળકના શાળાજીવનમાં તેના શિક્ષકો અને સહાધ્યાયીઓ આવે.

હવે કારખાનાંઓમાં માલનું ઉત્પાદન કરનારા કામદારો જેમ અકુશળ, અર્ધકુશળ અને કુશળ હોય છે, તેમ બાળકને તેની માતૃભાષા શીખવનારાં ઉપર દર્શાવાએલાં ગુરુજનો પૈકી શિક્ષકો તો કુશળ જ હોવા ઘટે. શિક્ષકેતર ગુરુજનો કુશળ હોય તો well and good, અર્ધકુશળ હોય તો એ પણ ચાલે અને અકુશળ હોય તો તેમને ચલાવી પણ લેવા પડે; પરંતુ શિક્ષકોની ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ કરી શકાય ખરી ? અહીં ‘શિક્ષકો’ ને વ્યાપક અર્થમાં બેબીસીટીંગથી માંડીને આંગણવાડી, બાલમંદિર, શાળા-મહાશાળા કે વિદ્યાલય-મહાવિદ્યાલય સુધી અધ્યાપન કરાવનારાં સૌ કોઈ આવે.

અહીં આપણે પાયાનાં શાળાકીય ગુરુજનો અંગેની જ વાત ચર્ચવા માગીએ છીએ, પણ એ પહેલાં આપણે સૌ વાચકોએ આપણા એ બાલ્યકાળ તરફ પાછા ફરવું પડશે. આપણે એ યાદ કરવું પડશે કે આપણા એ પાયાના ગુરુજનો વાસ્તવમાં પોતાના પવિત્ર એવા શિક્ષણના વ્યવસાયમાં ખરે જ ગંભીર હતા ખરા ? તેઓ પોતાના શિક્ષણકાર્ય માટે સજ્જ થઈને આવતા હતા ખરા ? તેઓશ્રીઓ કક્કો, બારાખડી, એકડી કે આંકથી માંડીને કાવ્ય કે પાઠના વાંચન અને લેખનમાં સ્વયં સ્પષ્ટ હતા ખરા ? ચાલો, આપણા ભૂતકાળની એ વાતો જવા દો અને વર્તમાનમાં આવી જઈને હાલની કોઈક શાળાની પાટલી ઉપર છેવાડા બેસી જઈને એ મહાનુભાવોને અવલોકીએ. મારું માનવું છે કે હવે આગળ ઉપર હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું તે સંદર્ભે આપને કોઈ પરિવર્તન નહિ દેખાય. શિક્ષકો નિવૃત્ત થતા જશે અને તેમની જગ્યાએ નવીન આવતા જશે, પણ માતૃભાષા શીખવવાની પાયાની ભૂલો અને ક્ષતિયુક્ત પાયાની પુસ્તિકાઓ આજે પણ જોવા મળશે જ.

સર્વ પ્રથમ આપણે ગુજરાતી કક્કો યાને મૂળાક્ષર (Alphabet) કહેતાં વ્યંજનોની વાત કરીએ, તો આપણે તેની પુસ્તિકાઓમાં શુદ્ધ મૂળાક્ષરો (વ્યંજન) કદીય આપ્યા નથી. આપણે ક, ખ, ગ, ઘ વગેરે ‘અ’ સ્વર સાથે ભળેલા મૂળાક્ષરો જ આપ્યા છે; ક્, ખ્, ગ્, ઘ્, વગેરેની જેમ મૂળભૂત નહિ. અહીં ગુજરાતી ભાષા શીખતાં બાળકોને મૂળ ખ્યાલ (Concept) આપવામાં નિષ્ફળ રહ્યા છીએ. એમને સમજાવવું જોઈએ કે જે તે મૂળાક્ષર (વ્યંજન) ઉચ્ચારતી વખતે તેને ઉચ્ચારવાનું શરૂ કરીને તરત જ છોડી દેવાનો છે, એટલે કે અડધો ઉચ્ચારવાનો છે. જ્યારે તેને લખવામાં આવે ત્યારે સ્વરરહિત એવા નીચેના ભાગે ‘માત્રા’ના આકારથી લખાતા ચિહ્ન સાથે યાને ‘ખોડો’ વ્યંજન તરીકે લખવાનો છે. હવે એ છોડી દેવાતા મૂળાક્ષર સાથે ‘અ’ સ્વર જોડાય, ત્યારે જ આપણે શીખતા આવ્યા હતા તે કે કદાચ હાલમાં પણ શીખવવામાં આવતા હશે તેવા આખા અક્ષરો બને છે અને એ મૂળાક્ષર તો નથી જ નથી.

હવે આપણે બારાખડી ઉપર આવીએ તો સમજાશે કે બારાખડી એ જે તે વ્યંજન સાથે સંજ્ઞાત્મક રીતે સ્વર ભળતાં બનેલા જે તે અક્ષરો છે. આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ વગેરે સ્વતંત્ર રીતે લખી શકાતા સ્વરોને જ્યારે પેલા વ્યંજનો સાથે જોડવામાં આવે; ત્યારે તેના માટે મુકરર કરેલી સંજ્ઞાઓ આગળ-પાછળ, ઉપર-નીચે મૂકવામાં આવતી હોય છે. આ સંજ્ઞાઓને બોલવા માટેનાં નામો પણ આપવામાં આવ્યાં છે, જેવાં કે કાનો (કા), હૃસ્વ ઇ (કિ), દીર્ઘ ઈ (કી), હૃસ્વ ઉ (કુ), દીર્ઘ ઊ (કૂ) , એક માત્રા (કે), બે માત્રા (કૈ), કાનો માત્રા (કો), કાનો અને બે માત્રા (કૌ) વગેરે. હવે મજાની વાત અહીં આવે છે. ‘અ’ સ્વરને કોઈ સંકેત નથી, એટલે જ તો ઉપરોક્ત યાદી ‘આ’થી શરૂ થાય છે. મજાકમાં કહું તો ‘અ’ નિરાકાર છે, ઈશ્વરની જેમ જ તો ! તેને મન કે અક્કલથી સમજી શકાય, સાકાર સ્વરૂપે જોઈ ન શકાય. આ ‘અ’ નું કામ શું, તો તેનો જવાબ એ છે કે તે જે તે ખોડા વ્યંજન સાથે ભળે એટલે પેલો વ્યંજન ખોડો (લંગડાતો) મટી જાય. આમ એનો પોતાનો કોઈ સંકેત નથી, પણ ઊલટાનો પેલો વ્યંજનની નીચેનો ‘ખોડા’નો સંકેત ખાઈ જાય છે, હજમ કરી નાખે છે ! આપણા ગુરુજનો વિદ્યાર્થીઓને આ બારાખડીને સમૂહમાં બોલાવતી વખતે ‘ક’ ને ‘કંઈ નહિ’, ‘ક’ એમ બોલાવે છે. ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે વાસ્તવિક રીતે આમ બોલવું ખોટું છે; ખરું તો એમ બોલાવું જોઈએ કે ‘ક્’ ને ‘અ’, ‘ક’.

હાલમાં આપણે લખવામાં કે બોલવામાં થતી ભાષાકીય કે ઉચ્ચારગત ભૂલો માટે જે કાગારોળ મચાવીએ છીએ, એના માટે બાળકોને ગળથૂથીમાં આપેલી આપણી આ ભૂલો જ જવાબદાર છે. ગામડાંમાં વિદ્યાર્થીઓ બિન્દાસ્તપણે કોનો, માતરા, રસવાવાડુ, દીર્ઘાવાડુ જેવા ખોટા ઉચ્ચારો થકી બારાખડી બોલતા હોય છે. એકડીના શબ્દો પણ પણ ખોટી રીતે ઉચ્ચારાય છે, જેમ કે ‘પાંચ’ના બદલે ‘પોંચ’. આંક (ઘડિયા કે પાડા) બોલાવતાં રાગ લાવવા ‘એકડ’, ‘બગડ’, ‘ત્રગડ’ કે ‘પચુ પચુ પચ્ચી (૫X૫=૨૫) જેવા વિકૃત ઉચ્ચારો થતા હોય છે. શિક્ષકો પોતાના ઘરમાં બોલાતી પોતીકી બોલીમાં જ સૂચનાઓ આપતા હોય છે.; ‘અલ્યા, આંઈ આય’, ‘ચ્યોં જ્યો’તો’ વગેરે. વર્ગનાં પાટિયાંમાં ખોટી જોડણીઓવાળાં લખાણો લખાતાં હોય છે, ઓરડાની દિવાલો ઉપર અશુદ્ધ શબ્દોમાં સુવિચારો લખાતા હોય છે, પાઠ્યપુસ્તકો ખામીઓથી ભરપુર હોય છે; આ બધાં વાવેલાં બાવળનાં બીને ગમે તેટલી માવજત આપવામાં આવે તો પણ બાવળ જ ઊગે, કંઈ આંબો ન ઊગે. એ ઝાડ મોટું થાય ત્યારે આપણને કાંટા જ મળે, કંઈ કેરીઓ તો ન જ મળે ને !

લેખસમાપને હું આવી ગયો છું અને મારા આ લેખને સમેટતાં હું એટલું જ કહેવા માગું છું જ્યાં સુધી પાયાનું શિક્ષણ સ્પષ્ટ ખ્યાલ (Concept) સાથે આપવામાં નહિ આવે, ત્યાં સુધી આપણને કાંટા ભોંકાવાના જ છે. કોઈ પૂર્વપ્રાથમિક વિદ્યાર્થી જ્યારે શરૂઆતમાં જ ૫૭૮૨ ને ૫૦૦૦૭૦૦૮૨ લખે, ત્યારે સમજવું રહ્યું કે તેને સંખ્યાના જે તે અંકના અંકસ્થાન પ્રમાણેના મુલ્યની સમજ આપવામાં આવી નથી. ‘ઘેટાબકરા ચરી રહ્યા હતા.’ એમ લખાય ત્યારે સ્વીકારવું પડશે કે જે તે લખનાર પોતે જ અનુસ્વારોને ચરી ગયો છે. જ્યારે ‘ગોંધીજી’, ગોંધીનગર’ બોલાય ત્યારે ‘એક અને એક બે’ ની જેમ માની જ લેવું પડશે કે એ બોલવાવાળાને શીખવવામાં આવ્યું જ નથી કે ‘આં’ અને ‘ઓં’ એ ભિન્ન બાબતો જ છે. કોઈક ડિટરજન્ટ પાઉડરની જાહેરાતમાં ‘ડાઘ’ વિષે એમ કહેવામાં આવ્યું છે કે ‘ઢૂંઢતે હી રહ જાઓગે !’; બસ, આપણે આપણી ગુજરાતી ભાષાના શુદ્ધ શબ્દો માટે પણ આવી જ કોઈ જાહેરાતો આપવી પડશે કે ‘ઢૂંઢતા જ રહી જશો, લ્યા !’. આજકાલ આપણી ગુજરાતી ભાષા એવી મંઝિલ તરફ ગતિ કરી રહી છે કે બિચારી કોઈ ગરીબ સ્ત્રીની સાડી જોઈને આપણે કહેવું પડે કે ‘સાડીમાં થીગડાં કે થીગડાંમાં સાડી !!!’.

લખ્યું-વંચાવ્યું માફ !

 

Tags: , , , ,