RSS

Category Archives: વિવેચન

(444) Best of 5 years ago this month Oct., 2009 (30)

Click on

પ્રમાણિકતા

Expositions of Chosen Poems – 1 (A Poison Tree)

– Valibhai Musa

 

Tags: , ,

(૪૩૭-અ) સાહિત્યમાં સ્વવિવેચન – એક નવતર ખ્યાલ

સ્વવિવેચન એટલે સાહિત્યસર્જકે સ્વસર્જનને જાતે જ વિવેચવું. મારી હળવી અદાએ કહું તો ગૃહિણી જે તે વાનગી બનાવી લીધા પછી તેનો સ્વાદ પારખવા થોડુંક ચાખી લે અને ખામીખૂબી ચકાસી લે તેવી આ વાત કહેવાય ! અત્રે તો સાહિત્યસર્જનના સંદર્ભે જ વાત કરવાનો વિચાર છે, તેમ છતાંય વિશેષમાં એટલું તો કહીશ જ કે વિશાળ અર્થમાં આ ‘સ્વવિવેચન’ માનવીના જીવનઘડતરને પણ એટલા જ અંશે લાગુ પડે છે. આત્મસુધારણા માટે આંતરદર્શન જેવો શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. ડુઆન એલન હાહ્ન (Duane Alan Hahn) નામે વિચારક સ્વવિવેચન વિષે આમ કહે છે. : “તમે એક ભવ્ય અને ચળકતી તલવાર છો અને આત્મવિવેચન એ તમારા માટે સરાણનો પથ્થર છે. આ સરાણથી તમે દૂર ભાગશો નહિ; જો એમ કરશો તો તમે ધાર વગરના બૂઠા અને નકામા બની જશો. હંમેશાં ધારદાર રહો.”

કોઈપણ કલાનો વિવેચક એ તો કલાકારનો મિત્ર, માર્ગદર્શક અને સુધારક હોય છે. સાહિત્ય પણ કલાનો એક પ્રકાર જ છે અને સામાન્ય રીતે આનો વિવેચક સર્જકથી ભિન્ન એવો ત્રાહિત ઈસમ હોય છે. પરંતુ અહીં સર્જકે પોતે જ પોતાના જ સર્જન માટે ત્રાહિત બની જવાનું છે અને તો જ તે તાટસ્થ્ય જાળવી શક્શે. આ એક દુષ્કર પ્રક્રિયા છે. અહીં આંતરનિરીક્ષણ દ્વારા આ ભગીરથ કાર્યને પાર પાડવાનું છે. આના સમર્થનમાં ફિયોદોર દોસ્તોવ્સ્કીનું આ કથન જડબેસલાક બંધ બેસે છે, ‘મારા મતે બુદ્ધિમાન માણસ એ છે કે જે મહિના દરમિયાન ઓછામાં ઓછો એક વખત પોતાની જાતને મૂર્ખ તરીકે ઓળખાવતો રહે.’ અહીં સર્જક અને વિવેચકની એમ બેવડી ભૂમિકા પોતે જ ભજવવાની હોય છે. અહીં અનુકૂળતા એ છે કે સર્જનની ભૂમિકા પૂરી થઈ ગયા પછી જ વિવેચનની ભૂમિકા શરૂ થાય છે. આ એક નવતર ખ્યાલ કે પ્રયોગ છે, જેને મેં પોતે મારા પોતાના લખેલા વિવેચનલેખોના સંગ્રહ ‘ સમભાવી મિજાજે’ ના વિવેચક તરીકે અજમાવી જોયો છે અને તેને જાણવા, નાણવા અને માણવા માટે હું પાદનોંધમાં તેનો સંદર્ભ તો આપીશ, પરંતુ હાલ તો ટૂંકમાં જ જણાવી જ દઉં કે ‘ સ્વવિવેચન’ માં સર્જનના ગુણાવગુણને સર્જકે પોતે જ વાચકો સામે પ્રામાણિકપણે ધરી દેવાના હોય છે.’

મારા પ્રયોગને કોઈ કદાચ ન વાંચે તો તેમની જાણ માટે મારા ત્યાંના જ એક વિધાનને અહીં દોહરાવું છું કે ‘આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે, તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અહીં લેખક અને વિવેચક એમ બંને ‘હું’ જ હોઈ જરૂર પડે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહેશે !’ અહીં કવીશ્વર દલપતરામના વિખ્યાત પ્રહસનમાંની બે પાત્રોને લાગુ પડતી એકપાત્રીય ઉક્તિઓને પણ યાદ કરી લઈએ કે ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી ? / રીંગણાં લઉં બેચાર ? લે ને દસબાર !’ આમ વાડી અને દલા તરવાડીની ભૂમિકા એક જ વ્યક્તિ અદા કરે છે; બસ, તેમ જ અહીં સર્જક અને વિવેચક વિષે સમજવાનું રહેશે.

હવે આ સ્વવિવેચનને દૃશ્ય અને અદૃશ્ય એમ બંને રીતે રાખી શકાય છે. રહસ્યમય લાગતા મારા આ વિધાનને મારે સમજાવવું પડશે, નહિતર મારા સુજ્ઞ વાચકો મને સ્વર્ગસ્થ જાદુગર કે. લાલની જ્ગ્યાએ પૃથ્વીસ્થ વી. લાલ સમજી બેસશે ! આ માટે એક ઉદાહરણ બસ થઈ પડશે. તમે મોડા સુધી જાગીને કોઈ કાવ્ય, ગઝલ કે વાર્તા લખી ચૂક્યા છો. જો તમે બ્લોગર હો તો તેને તરત જ Publish કરી દેવા માટે હરખપદુડા થયા વગર ચૂપચાપ સૂઈ જજો. હવે વહેલી સવારે તમે જાગશો, ત્યારે તમારું મગજ તાજગીસભર હશે. હવે તમારે એ કૃતિને બીજા કોઈની કૃતિ સમજીને વાંચી લેવાની છે. હવે તમને તેમાંની ખામીઓ કે ખૂબીઓ દેખાશે. આ તમારા સ્વવિવેચનની કાચી સામગ્રી છે. હવે તમારી એ મૂળ કૃતિને યથાવત્ જાળવી રાખીને તમે અલગથી તમારી કૃતિ વિષે ‘દલા તરવાડી’ની જેમ જે કંઈ લખશો તે તમારું દૃશ્ય સ્વવિવેચન કે રસદર્શન જે કહો તે બની રહેશે. વાચકો તમને સર્જક અને વિવેચક એવા બે ઈલ્કાબોથી નવાજશે. હવે તમારે તમારી જ કૃતિના વિવેચક તરીકે જાહેર નથી થવું, તો તમે તમારી કૃતિમાં જ ઘટતા ફેરફારો કરી લેશો, જે તમારાં સ્વસૂચનોનું અમલીકરણ તમારા દ્વારા જ થઈ ગયું હોવાના કારણે અદૃશ્ય સ્વવિવેચન ગણાશે. જો કે કોમ્પ્યુટર ઉપર કામ કરતાં ચાલુ કામે થતા જતા શાબ્દિક કે વસ્તુવિષયક ફેરફારોને તો આપણે લેખનપ્રક્રિયાના ભાગરૂપે જ સમજીશું. પરંતુ આપણે અહીં જે સ્વવિવેચનની વાત કરી રહ્યા છીએ તે તો પ્રસિદ્ધ થવા માટે તૈયાર (Ready to Publish) પ્રકારની કૃતિને જ લાગુ પડે છે.

સ્વવિવેચન થકી સાહિત્યસર્જકની સ્વઘડતરની પ્રક્રિયાને સમજવા માટે અને આ લેખમાંના નવીન વિચાર કે ખ્યાલને આપ વાચકોના મનમાં અંકે કરાવવા માટે નીચે એક પ્રતીક આપું છું, જેનું શીર્ષક છે – ““Self made man” (સ્વસર્જિત માનવ).

સ્વસર્જિત-માનવ

સમાપને, આપણે એક ગૌણ વાતને પણ સમજી લઈએ કે જે તે સર્જનકાર્ય દરમિયાન કે છેલ્લે જે કોઈ જોડણી, વ્યાકરણ કે વાક્યરચનાની ભૂલસુધારણા કરતાં રહીએ કે કરી લઈએ તે સર્જનપ્રક્રિયાના ભાગરૂપ છે, જેને આપણે યાંત્રિક પ્રક્રિયા જ સમજવી રહી. એ બધી તો જે તે સર્જનના શરીરની ટાપટીપ ગણાય. વિવેચકે તો સર્જનના આત્માને ઓળખાવવાનો છે.

Disclaimer: If Image published here falls under breach of any copyright; the copyright holder/s might simply intimate me/us by mail and the same will be removed immediately.

પાદનોંધ :

પ્રસ્તાવના – ‘ હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક !’

 

Tags: , , ,

(૪૨૩) એક ધ્રુવપંક્તિ ઉપરનો મારો પ્રતિભાવ

મિડલ-ઈસ્ટ ક્રાઈસિસ

♥ પંચમ શુક્લ

ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે,
આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે!

 રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી;
પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી,
એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!

તણખામાં ભડકો ને ભડકામાં વિશ્વ ખાખ થાવાની ના કોઈને ધારણા;
હાથ પગ તાપી ને ઓઢી રજાઈ એય! સૂવાની સહુને છે એષણા,
મીંઢી કહો કે પછી મસ્તરામ અલગારીનિયતિ નરી વંઠેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!

૧-૧૨-૨૦૦૯

પ્રતિભાવ :

કાવ્યકૃતિના વાંચન પછી મૌન ધારણ કરવાનું મુશ્કેલ લાગ્યું આ પંક્તિ થકી કે “ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે”! આજે વિવેચને ન જતાં ‘આ’માં ‘તે’ કે ‘તે’માં ‘આ’ જેવાં બે દ્વંદ્વની વાત કરવી છે અહીં, હાસ્ય નિષ્પન્ન કરવા માટે જ તો વળી! વાંચકોને લાગશે કે અહીં મધ્ય પૂર્વની કટોકટી જેવી ગંભીર અને વિષાદમય પરિસ્થિતિમાં હાસ્યની છોળો ઊડાડવી એટલે વિવાહમાં મરશિયા ગાવા જેવી ધૃષ્ટતા ન ગણાય! ભાઈ-બાઈ, જે ગણાય તે ભલે ગણાય; હું તો કહીને જ રહીશ. મારે કાવ્યના વિષયવસ્તુ સાથે નહિ, પણ પંચમભાઈની આ પંક્તિ પૂરતી તેના અર્થ કે ભાવની ચમત્કૃતિ સાથે જ નિસ્બત છે.

[મારે હાંસિયા (કૌંસ)માં હાલ તો એટલું લખવું જ પડશે કે મ.પૂ.ની કટોકટી એ પશ્ચિમના દેશોના દિમાગમાંની ઈરાક અને અફઘાનિસ્તાનવાળી ભ્રામક પેદાશ જ છે. અહીં ‘તેં નહિ તો તારા બાપદાદાઓએ પાણી બોટ્યું હશે!’ જેવી પેલા વરુએ બકરાને ફાડી ખાવા પૂર્વે કહ્યા જેવી મલિન ઈરાદા ધરાવતી રાજનીતિપ્રેરિત આ સુફિયાણી વાત છે! અહીં તેમના માટે તો વિવાહમાં મરશિયા નહિ, પણ મરશિયા ગાવાની દુ:ખદ વેળામાં વિવાહનાં ગીતો ગાવાની મજાકભરી તેમની ધૃષ્ટતા છે!!!]

આટલા સુધીની આડવાતના અતિ વિસ્તારની ગુસ્તાખી બદલ માફી સાથે મૂળ મુદ્દે આવું તો પંચમભાઈની આ પંક્તિમાંની વાત ‘પગમાં બુટ!’ કે ‘બુટમાં પગ!’ જેવી તો ન જ ગણાય, કેમ કે તેમાં તો શું કહેવામાં આવી રહ્યું છે તે સમજાય છે! પણ, અહીં બીજી એક એવી વાત છે કે જેમાં એ કળવું મુશ્કેલ લાગશે કે “….”. જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ?”

“ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે!” ને એવી રીતે સમજી શકાય કે ‘લાંચરુશ્વતનો ઘાટ ઘડ્યા પછી અને તેને પાર પાડ્યા પછી કે તે પહેલાં લેતીદેતીની પ્રક્રિયાના થતા આ વ્યવહારને ભલેને ઈનામ, બક્ષિસ, મહેનતાણું કે ચાપાણી જેવાં જૂજવાં નામ આપવામાં આવતાં હોય પણ અંતે તો એને ભ્રષ્ટાચાર જ કહેવાય!!!!!


Thanks Valibhai.

જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ” .

વલીભાઈ, તમે તો ગીતના ધ્રુવપદને તરત સમજી શકાય એવી વિડંબના દ્વારા નવો આયામ આપી દીધો. (પંચમ શુક્લ)

-વલીભાઈ મુસા

 

 

Tags: , , , , , ,

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

“જીવન કે જીવ નાશ પામે છે પણ શરીરના પરમાણુઓ નાશ નથી પામતા. મ્રુત શરીરની રાખમાથી બધું પાછુ મળી શકે સિવાય કે એવા પરમાણુઓ જે બાશ્પશીલ હોય અને ઊડી ગયા હોય.”

બાઈબલ અને કુરઆનમાં ન્યાય (કયામત)ના દિવસે સઘળા જીવોની પુનર્જીવિત થવાની વાતને આ વિધાનથી સમર્થન મળે છે. જો કે આ બધો જે તે ધર્મોમાંની શ્રદ્ધાનો વિષય છે અને તેનું સામાન્યીકરણ થઈ શકે નહિ, થવું જોઈએ પણ નહિ. ઈશ્વરને સર્વશક્તિમાન અને સર્જનહાર તરીકે સ્વીકારવામાં આવતો હોય તો તેના માટે બધું જ શક્ય છે. આદમ કે મનુને પ્રથમ માનવ માનવામાં આવતા હોય તો તેમનાં માતાપિતા હોવા વિષેની વાત ઉપર આપણે અટકી જવું પડે અથવા માનવું પડે કે તેઓ વગર માતાપિતાએ ઈશ્વરેચ્છાએ અસ્તિત્વમાં આવ્યા. આમ વગર માતાપિતાએ તેઓ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવ્યા ગણાય. આપ પ્રજોત્પત્તિનો એક પ્રકાર બન્યો કહેવાય. બીજા પ્રકારમાં ઈસુ ખ્રિસ્ત અને કર્ણને લઈ શકાય કે જેઓ માત્ર માતા થકી અસ્તિત્વમાં આવ્યા. ત્રીજા પ્રકારમાં બહુમતીમાં એવા બાકીના સઘળા એ જીવો આવે કે જેમની ઉત્પત્તિ નરમાદાની રતિક્રિડા થકી થઈ.

આ સઘળી વાતનું તાત્પર્ય એ છે કે માનવીના મૃતદેહને બાળવામાં આવે, દાટવામાં આવે, જલસમાધિ આપવામાં આવે કે કોઈપણ રીતે દેહનું વિસર્જન કરવામાં આવે તો પણ તે સર્વથા નાશ પામે નહિ. (સોકેટીસે તેમના આખરી સમયે શિષ્યો દ્વારા તેમની અંતિમક્રિયા કેવી રીતે કરવામાં આવે તેના જવાબમાં તેમણે પણ આ મતલબનું જણાવ્યું હતું.) એવું પણ બને કે નવીન દેહ માટી (ખાક) કે પંચમહાભુતમાં પુન: સર્જાવાના બદલે જ્યોતિ (નૂર) ના બાંધામાં બંધાય અને તેમાં બિનનાશવંત એવા આત્મા (રૂહ)ને ફૂંકવામાં આવે. મૃત્યુ પછી પાપ અને પુણ્યનાં લેખાંજોખાં થયા પછી સ્વર્ગ કે નર્કમાં સુખ કે સજા ભોગવવા માટે એ જીવો સદેહી હોવા તો જોઈએ ને !

વેગુમિત્રો, મારા પ્રતિભાવમાં વિજ્ઞાનના વિષયનું વિષયાંતર થવા બદલ ખેદ અનુભવું છું. આ તો જીવનભરનાના વાંચનના પરિણામે જેમજેમ વિચારો આવતા ગયા તેમ લખાતું ગયું. અહીં મારો ‘આવો કે તેવો’ કોઈ મત હોવાની કોઈ ગેરસમજ ન થવી જોઈએ. વળી મારા આ પ્રતિભાવના સમર્થન કે ખંડનની પણ મારી કોઈ અપેક્ષા નથી, કેમ કે મારું તારણ એવું કોઈ અંતિમ પણ નથી. “Say not, ‘I have found the truth’; but rather, ‘I have found a truth’.”(Khalil Gibran). (અહીં અંગ્રેજી આર્ટિકલ a અને the ધ્યાને લેવાવા જોઈએ.)

– વલીભાઈ મુસા

નોંધ :- વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના વેગુ ઉપરના લેખ : “સમય – ૨ : સમય શું છે ?” ને વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો. 

 

Tags: , ,

(૩૮૮) અનુકાવ્યયુગ્મ – પ્રયોગશીલ સહિયારું ભાષ્ય

વિશ્વના કોઈપણ ભાષી સાહિત્યમાં આપણને પ્રતિકાવ્યો કે અનુકાવ્યો મળશે. પ્રતિકાવ્ય સામાન્ય રીતે તેને કહેવાય કે કોઈ કવિએ લખેલા કોઈ એક કાવ્યના પ્રત્યુત્તર રૂપે અન્ય કોઈ કવિએ લખેલું કાવ્ય. તો વળી, અનુકાવ્ય એ એવું કાવ્ય હોય છે કે જે અગાઉના કોઈ કવિએ લખેલા કાવ્ય જેવું જ અન્ય કાવ્ય બીજા કોઈ કવિ દ્વારા સર્જવામાં આવ્યું હોય. ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્ય અને અનુકાવ્યનાં ઉદાહરણોમાં અનુક્રમે ‘આંધળી માનો કાગળ’ અને ‘દેખતા દીકરાનો જવાબ’ તેમ જ ‘તું મહાકાવ્ય’ અને ‘તું મહાનાયી’ને ગણાવી શકાય.

મારી ‘સમભાવી મિજાજે’ શીર્ષકે તૈયાર થતી જતી વિવેચનલેખોની ઈ-બુક માટેના આ પ્રયોગશીલ સહિયારા ભાષ્યને મારા માનવંતા વાચકો સમક્ષ મૂકતાં હું હર્ષની લાગણી અનુભવું છું. સદરહુ  ભાષ્ય માટેનાં કાવ્યો છે ‘એવુંયે બને !’ અને ‘એવું ના બને !’ જેમના રચયિતા અમેરિકાસ્થિત મારા કવિમિત્રો છે, અનુક્રમે રમેશભાઈ પટેલ અને સુરેશભાઈ જાની. આ બંને કાવ્યોમાં માત્ર શીર્ષકસામ્ય જ નહિ, પણ અર્થ અને ભાવસામ્ય પણ છે; અને તેથી જ તો ‘એવું ના બને !’ને ‘એવુંયે બને !’ના અનુકાવ્ય તરીકેની ઓળખ આપવામાં આવી છે. મારી આ વાતના સમર્થનમાં બંને કવિઓના તેમનાં કાવ્યો ઉપરની તેમની પોતાની જ  ટિપ્પણીના શબ્દો  આ પ્રમાણે છે : રમેશભાઈ લખે છે, “મારા ‘ત્રિપથગા’ કાવ્યસંગ્રહના વિમોચનપ્રસંગે મારા કાવ્ય ‘એવુંયે બને!’ના શ્રીમતી પ્રતિમાબેન અને પુષ્પાબેન રાવલની જુગલબંધીમાં ગવાએલા એ ગાનના ગુંજારવને પોતાના મનમાં ઝીલીને  સુરેશભાઈએ પોતાના બ્લોગ ‘કાવ્યસૂર’ ઉપર પોતાની અનુરચના ‘એવું ના બને !’ મૂકી.” તો વળી, સુરેશભાઈ પણ પોતાના આ શબ્દોમાં લખે છે કે “મારા ‘ત્રિપથગા’ના વિમોચનપ્રસંગેથી મારા એક સ્નેહીજનના ઘરે પાછા ફર્યા બાદ બપોરની વામકુક્ષિ દરમિયાન મારા મનમાં ‘એવું ના બને !’ રચના ઊભરી આવી હતી.”

આ બંને કાવ્યો ઉપરના સહિયારા ભાષ્ય ઉપર જવા પહેલાં ચાલો આપણે એ બંને રચનાઓને અવલોકીએ :

એવુંયે બને !

વસંત  પધારે  ને  ફૂલડાં ના હસે, એવું ના બને !

પૂનમનો ચંદ્ર આભે ખીલે, ને સાગર હેલે ના ચઢે,

એવું ના બને !


મેહુલિયો ગાજે ગગને, મોરલો  ટહુકા  ના  કરે

બોલો એવું બને? એવું ના બને !


ગુલાલની    છોળો    ઊડે, ને   હોળી   યાદ   ના  આવે,

એવું ના બને !


રણ યુધ્ધે કોઈ લલકારે, ને ભારતીય લાલ પડકાર ના ધરે,

એવું ના બને !


બંસરી  મધુરી  વાગે  વૃંદાવને, ને  મોહન  મનમાં  ના  રમે,

બોલો એવું બને ? એવું ના બને !


દીપમાલા ઘરને ચોખટે ઝગમગે, ને દિવાળી યાદ ના આવે,

એવું ના બને !


ગાંધીવિચાર વિશ્વવાટે વિચરે, સત્યઅહિંસાનો સંદેશ ના ખીલે,

એવું ના બને !


જયશ્રી સીયારામ હોઠે રમે ને, હનુમંત દેવ હૄદયે ના  રમે,

બોલો એવું બને ? એવું ના બને !


નારદજીનું  નામ  પડે,  ને  નારાયણમંત્રનું  રટણ  ના  ગુંજે,

એવું ના બને !


મહિસાગર સાગરશા છલકાય, ને વતન મહિસા યાદ ના આવે,

એવું ના બને !


‘આકાશદીપ’ની  કલમ ઉપડે ને, ભારતીય સંસ્કૄતિ ના  છલકે,

બોલો એવું બને ? એવું ના બને !

– રમેશ પટેલ(આકાશદીપ)

એવુંયે બને !

મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,

ટહુકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને ? એવુંયે બને !

નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને ? એવુંયે બને !

બળબળતી હોય આગ દુખતા દિલે,
શીતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને ? એવુંયે બને !

મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે – એવું ના બને ? એવુંયે બને !

કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને ? એવુંયે બને !

વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને ? એવુંયે બને !

ભૂત અને ભાવિનાં વમળો  ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. –  એવું ના બને ? એવુંયે બને !

– સુરેશભાઈ જાની (કાવ્યસૂર)  

હવે, મારા પોતાના ભાષ્ય તરફ આગળ વધવા પહેલાં સુરેશભાઈ જાનીના પોતાના શબ્દોમાં ઉભય કાવ્યો ઉપર અભિવ્યકત કરેલા તેમના મનોભાવોને આપણે પ્રથમ જાણી અને માણી લઈએ :

“આ કાવ્યના ‘એવું ના બને !’ એવા નાનકડા વાક્યમાં કેટકેટલા ભાવ છુપાયેલા છે ? કશાકની અભિપ્સા સાથે શંકાકુશંકા પણ છે. નાનકડો ભય છે, તો વળી મોટે ભાગે ન થતું હોય તેવા ભવિતવ્યને સાકાર કરવાની ઝંખના છે. વળી, ‘એ ઝંખના એળે તો નહીં જાય ને !’ તેવી વિભાવના પણ છે.

મારા કાવ્ય ‘એવુંયે બને !’માં પણ આવી જ ભય અને શંકાપૂર્ણ આશા છે. એ થાય એમ લાગતું તો નથી પણ, કદાચ એમ થાય પણ ખરું !’. બન્ને સાથે મળીને માનવસહજ નબળાઈઓથી ભરેલા મનના બળને મજબૂત કરવાનો પ્રયાસ છે. આ કોઈ મહામાનવ કે અલૌકિક શક્તિઓથી ભરેલા અવતારી પુરુષનો મહિમા નથી; પણ આપણા સૌના જેવા સામાન્ય માણસોની અંતરની થોડીક હલબલતી અભિલાષાઓ – ‘छोटी सी आशा’ છે. આમ આ બે પંક્તિઓ મળીને આપણી નબળી ચેતનાને એક નવું બળ પૂરું પાડે છે. બે બહેનોએ રમેશભાઈનું ગીત ગાયું, ત્યારે મારા મનમાં આવા જ મિશ્ર ભાવ પ્રગટ્યા હતા.”

હવે, આપ સૌ વાચકોને રસદર્શન કરાવવા સુરેશભાઈના બ્લોગ ‘કાવ્યસૂર’ ઉપર મુકાએલા તેમના કાવ્ય ‘એવુંયે બને !’ ઉપર મેં આપેલા મારા પ્રતિભાવને અત્રે અક્ષરશ: રજૂ કરું છું :   

“શ્રી સુરેશભાઈ,

કુશળ હશો.

મને તો તમે અને રમેશભાઈ બંને જાદુગર જ લાગ્યા! ‘એવું ના બને-એવુંય બને’ ને અંગ્રેજીમાં Burden Line (Refrain) કહેવાય, પણ તમે લોકોએ તો એ શબ્દોને એવા હળવા બનાવીને રમાડી નાખ્યા કે શ્રોતા/વાંચકો/વિવેચકો પણ એમના ગુંજનમાં ઘેલા બનીને મનોમન નાચી ઊઠે ! પંક્તિએ પંક્તિએ ઉદ્દીપનો બદલાતાં રહે અને ધ્રૂવ પંક્તિનો એ જ પ્રશ્ન અને તેનો પ્રત્યુત્તર યથાવત્ રહીને પુનરાવર્તિત થતો રહે અને છતાંય જરાયે ના કઠે. તમારી રચનાને પ્રતિકાવ્ય નહિ, પણ અનુકાવ્ય કહેવાય; પ્રતિકાવ્યો તો શોધકને અનેક મળે, પણ અનુકાવ્યો તો જવલ્લે જ મળે.

ધ્રૂવ પંક્તિની જાદુઈ અસર મારી જેમ અન્યોએ પણ એવી મહેસુસ કરી હશે કે તેમની સામે એક એવું શબ્દચિત્ર આકાર પામે કે જ્યાં ચકળવકળ અને કુતુહલપૂર્ણ આંખે કોઈ માસુમ બાળક વડીલજનને પૂછે ‘એવું ના બને ?’ અને પેલા પરિપક્વ વડીલજન ગંભીર મુખમુદ્રાએ જાણે કે જવાબ વાળતા હોય, ‘હા, એવું પણ બને!’. સામાન્ય રીતે ‘કાર્યકારણ’નો સિદ્ધાંત શરતોને આધીન હોય છે, જ્યારે ‘જોગસંજોગ’ તો ભાગ્યાધીન હોય છે અને એવી ઈચ્છાપૂર્તિ ટાણે ગેબી મદદો પ્રાપ્ત થયાના નાનામોટા કરિશ્માઓ ઘણાના જીવનમાં બનતા હોય છે.

કવિ વિવિધતાપૂર્ણ અપેક્ષિત પ્રસંગો અને પરિસ્થિતિઓ દર્શાવતા જાય છે અને તેમનાં સમાધાનો માટેની શક્યતાઓ પણ સુચવતા જાય છે, એ સઘળામાં કવિની લયતંતુની જાળવણી માટેની દરકાર અને તેની માવજત અનન્ય રીતે ઝળકી ઊઠે છે. કાવ્યની અભિવ્યક્તિમાં એક ખૂબી એવી પણ છુપાએલી છે કે કાવ્યભોક્તાને ખબર પણ ન પડે અને અજાણતાં જ તેના માનસમાં જીવન પરત્વેનો હકારાત્મક અભિગમ કેળવાતો અને વિકસતો જાય.

કાવ્યનાં બધાં જ કંડિકાયુગ્મ સોનેમઢ્યા જેવાં છે એટલે તેમની પરસ્પરની સરખામણી કોઈકને અન્યાય કરી બેસે. આમ છતાંય મને મારા એક સમભાવી આકર્ષણના કારણે આ કંડિકાઓ વિશેષ ગમી છે :

“નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને ? એવુંયે બને !”

અતિવિસ્તારનું જોખમ ઊઠાવીને પણ મારા સમભાવી આકર્ષણને સમજાવી દઉં, મારા જ આ હાઈકુ વડે :

”ઢોલ ઢબુકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી!”

વિદ્વાન કોમેન્ટવાચકોએ જાતે જ જાણી લેવું પડશે છે કે ‘તે કન્યાને નાચનિષેધ કેમ છે અને તે કેમ પલાંઠી ભીડી દે છે ?’ અહીં તેની ચર્ચાને અવકાશ નથી.

ગુણાનુરાગી,
વલીભાઈ મુસા”

મારા ઉપરોક્ત પ્રતિભાવને સુરેશભાઈ મને ક્ષોભ થાય તેવા પોતાના આ શબ્દોમાં બિરદાવતાં લખ્યું હતું કે “વલીભાઈ જેવા ઉચ્ચ કક્ષાના વિચારક અને લેખક આપણા બેની કવિતા માણે, એ આપણા બન્નેનું પરમ સૌભાગ્ય છે. “‘મુસા’ એટલે મોઝીસ – ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ ચલચિત્રના દૃષ્ટા !”

સુરેશભાઈના મારા માટે વપરાએલા ‘ઉચ્ચ કક્ષાના વિચારક અને લેખક’ શબ્દો મને ભારે પડતાં મારે એ બંને મિત્રોને સંબોધતાં આ શબ્દોમાં લખવું પડ્યું હતું :

“શ્રીશ્રી સુરેશભાઈ અને રમેશભાઈ; કે પછી, શ્રીશ્રી રમેશભાઈ અને સુરેશભાઈ (!)

દ્વિધા છે જગજાહેર કે વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? બસ એવું જ કંઈક છે, મારા પ્રારંભિક સંબોધનમાં ! મારે મન (આપ બંનેની સત્તાવાર ઉઁમરની જાણ નથી અને એ ગૌણ છે) આપ બંને મહાનુભાવ છો, સાહિત્યક્ષેત્રે. સાહિયમાં મારું લેખિત કોઈ જ પ્રદાન નથી અને ક્રિકેટર વિનુ માંકડની જેમ ઝળકવા માટેનો સમય હાથમાંથી સરકી ગયો. માંકડને વિશ્વયુદ્ધોના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શુન્યાવકાશ નડ્યો અને મેં ધંધાવ્યવસાયના વિકાસમાં ગળાડૂબ રહ્યો હોવાના કારણે દસકાઓ સુધી સાહિત્યનો સથવારો છોડ્યો, પણ તેના પરત્વેનો પ્રેમ અકબંધ રાખીને !

મૂળ મુદ્દે આવું તો પરમ સૌભાગ્ય કોનાં એ તો આપણ ત્રણેયને સારી રીતે જાણનાર કોઈ ત્રાહિત જ નક્કી કરી શકે. વળી ઘણી બાબતો એવી હોય છે કે અનિર્ણિત રહેતી હોય છે, વાંચો આ મારું હાઈકુ :

આંગળી ઝાલી
શિશુજરઠ ચાલે,
કોણ સહારો ?

જીવનમાં ગંભીરતા અને હળવાશને સાથે લઈને સાત દાયકા પૂરા કરવાની સમીપે છું, ઈશ્વરેચ્છા હશે તો ! સમયાનુસાર રમુજ કરી લેવી એ મારી આદત કે વ્યસન છે !

અંતે એટલું જ કહીશ કે ચણાનો છોડ હોય, ઝાડ નહિ; અને તમે લોકોએ ‘પરમ સૌભાગ્ય’ શબ્દોથી ૮૦ કિલોથી વધુ વજન ધરાવનાર માણસને (મને) તેને ઝાડ સમજીને ઉપર ચઢાવી દીધો ! એ ચણાનો છોડ મારું વજન ખમશે ખરો !

શામળના નામ વિષેના છપ્પાની જેમ ‘ભૂપ (નામધારી) ભીખંતો દીઠો’. મુસા (મોઝીઝ) પ્રભુના પયગંબર હતા, મારી વિસાત શી ?

આવી બધી ચર્ચાઓમાં મને તો મજા પડે છે, સામે આવું કંઈક વળતું આવે તો ઓર મજા પડે! યુવાનવયે વોલીબોલનો પ્રખર ખેલાડી હતો, એટલે કહું છું કે વળતો બોલ જ ન આવે તો રમત કેવી રીતે જામે!

ધન્યવાદ.”

જામી પડેલી આ સઘળી ચર્ચામાં કેલિફોર્નિઆનિવાસી ડો. ચન્દ્રવદન મિસ્ત્રી પોતાની કાલીઘેલી કાવ્યરચના લઈને કૂદી પડ્યા હતા. તેમના કાવ્યના ભાવવાહી શબ્દો આ પ્રમાણે છે :

“એવું ના બને ! એવુંયે બને !”

બસ, આટલા જ શબ્દોની શરૂઆતથી,

શું બનતું એ જ મારે કહેવું……

પહેલ હતી, રમેશભાઈની,

પોસ્ટ કાવ્ય-રચના હતી સુરેશભાઈની,

અનેક પ્રતિભાવો બાદ,

પધાર્યા અહી, વલીભાઈ…..

નર્તન..અને વલી ઢોલનાદે, આવે રમેશભાઈ,

વગર વરસાદે ભીંજવી, સુરેશને એ લાવે,

મુસાને “મોઝીસ” કહેતા, વલીભાઈ આવે,

“નથી ઝાડ, છું ચણાનો છોડ હું “કહે વલી,

ત્યારે, વલી શબ્દોને ચૂંટી…..

અંતે, ચંદ્ર કહે……

આ તો વોલીબોલની રમત રમાય છે,

બોલ દિશાઓ બદલે, ‘ને રમત રમાય છે

અને ખુશી છે ચંદ્રહૈયે…

એવું ના બને ! એવું યે બને !

– ચન્દ્રવદન

ચન્દ્રવદનભાઈની કાવ્યરચનાના અનુસંધાને મારાથી ઉત્સાહભેર આમ લખાઈ ગયું હતું :

“સુરેશભાઈ,

આ એકદમ શું થઈ ગયું કે લાંબા વિરામે બધા ચર્ચામાં કૂદી પડ્યા ! મને લાગે છે કે લોકો ‘એવું ના બને, એવુંયે બને !’ શબ્દોને તકિયા કલામ તરીકે વાપરતા તો નહિ થઈ જાય ને ! એમ થાય તો સારું, લોકોનો આત્મવિશ્વાસ વધશે; અને એના જશનાં પોટલાં તમારે એકલાએ જ બાંધવાં પડશે, અમે કોઈ મદદે નહિ આવીએ ! પણ હા, રમેશભાઈને જરૂર બોલાવજો !”

સુરેશભાઈએ મારા અગાઉના પ્રતિભાવમાં ઉલ્લેખાએલા મારા હાઈકુ અંગેના ‘નાચનિષેધ કેમ ?’ પ્રશ્નનો જવાબ સંક્ષિપ્તમાં આમ આપ્યો હતો : “સામાજિક આચારસંહિતા/બંધનો !”. સુરેશભાઈના આ જવાબને સ્વીકારતાં મેં વિશેષ આમ લખ્યું હતું : “આપનું સામાન્ય સંજોગોમાંનું અનુમાન સાચું છે. અહીં વિશિષ્ટ સંજોગ છે, અર્થાત્ હાઈકુનાયિકા સ્વયં લગ્નમંડપે વધૂ તરીકે છે. અન્યોના લગ્ન પ્રસંગે મુક્ત રીતે નાચી શકતી આ કન્યા પોતાના જ લગ્નપ્રસંગમાં નાચી શકતી નથી, પ્રોટોકોલ નડે છે ! ઢબુકતો ઢોલ તો નાચવા પ્રેરે છે, પણ સંયમ જાળવવા પોતાની પલાંઠીને ભીડી દે છે, રખેને પોતે નાચી ન પડે !”

અત્રે બંને કાવ્યો ઉપરનું સહિયારું સંયુક્ત ભાષ્ય પૂર્ણ થાય છે. આશા સેવું છું કે આ સઘળી ચર્ચા આપ સૌ સાહિત્યરસિકોને અવશ્ય ગમી હશે. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , ,