
Category Archives: Criticism
(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

સાહિત્યજગતમાંના કદાચ નવતર એવા એક પ્રયોગ રૂપે મારી વિવેચનકૃતિઓના લેખ/નિબંધના ‘સમભાવી મિજાજે’ આ સંગ્રહની અત્રે મારી જ કલમે હું દુષ્કર એવી વિવેચનાત્મક પ્રસ્તાવના લખવાનું દુ:સાહસ ખેડવા જઈ રહ્યો છું. મને પોતાને તો મારા પ્રયત્નની ફલશ્રુતિની કોઈ ખબર નથી; પણ હા, એટલું તો ચોક્કસ છે જ કે મારા આ કાર્યમાં હું સંપૂર્ણ નહિ તો અંશત: પણ સફળ પુરવાર થઈશ. સર્વપ્રથમ તો હું આ નવતર પ્રયોગ કરવા કેમ લલચાયો છું તેની પૂર્વભૂમિકા આપીને પછી જ મારા લેખનમાર્ગે આગળ પ્રયાણ કરીશ.
મેં મારા બ્લોગ ઉપર “Needing voluntary, neutral and stranger critics for my P-Books” શીર્ષકે હળવું હાસ્ય ઉત્પન્ન કરે તેવી થોડા સમય માટે એક પોસ્ટ મૂકી રાખી હતી, જેનો મતલબ એમ થતો હતો કે જાણે કે હું મારાં મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ થનારાં આગામી પુસ્તકો માટે વિવેચકો મેળવવા માટેની જાહેરાત આપી રહ્યો છું! મારા અનેક જાણીતા સાહિત્યિક મિત્રોને મારાં પુસ્તકો માટેનું વિવેચનકાર્ય બજાવવા માટેની એક વિનંતી માત્ર કરતાં સઘળા મિત્રભાવે આગળ ધસી આવે તેમ હોવા છતાં મેં એવા ત્રાહિતોને જ જાહેર નિમંત્રણે નિમંત્ર્યા હતા કે જેઓ મારા માટે અને હું તેમના માટે સાવ અજાણ્યા હોઈએ કે જેથી હું મારાં પુસ્તકો માટેનું તટસ્થ વિવેચન પ્રાપ્ત કરી શકું. મારી આ મુર્ખાઈ હતી, કેમ કે કોઈપણ સ્વમાની વિવેચક આમ આવી જાહેરાત માત્રથી સામા પગે વિવેચનો લખવા આગળ આવે નહિ; અને આમ થયું પણ એવું જ કે છેવટે બેએકમાસના અંતે મારે મારી એ પોસ્ટને પાછી ખેંચી લેવી પડી હતી. આમ આજે હું ‘સ્વયંપાકી’ની જેમ‘સ્વયંવિવેચકી(!)’ બનવાનો નમ્ર પ્રયત્ન કરી રહ્યો છું.
હું મારી કૃતિઓના કર્તૃત્વ વિષયે આગળ વધવા પહેલાં સાહિત્યપ્રકાર ‘વિવેચન’ અંગે થોડોક પ્રકાશ નાખવા માગું છું. એન્ડી વોરહોલ (Andy Warhol) લખે છે ‘કોઈ પણ કલા કે સાહિત્યને માત્ર સર્જવા ખાતર સર્જી નાખો નહિ; પણ અન્યોને એ નક્કી કરી લેવા દો કે તે સર્જન સારું છે કે ખરાબ છે, તેઓ તેને પસંદ કરે છે કે ધિક્કારે છે.” આમ, હું પણ ઈચ્છું છું કે મારા સર્જનને કઠોર રીતે વિવેચવામાં આવે. હું એ પણ ઈચ્છું છું કે હું મારા લખાણમાં ક્યાંક ખોટો હોઉં તો એવો વિવેચક મારો કાન પણ ખેંચે. માત્ર હાજી હા કહેનાર કે લેખકના લખાણને માત્ર બિરદાવનાર વિવેચક લેખકના માટે લાંબા ગાળે નુકસાનકારક પુરવાર થતો હોય છે. મારી ઉપરોક્ત કહેવાતી જાહેરાતમાંનો ‘Neutral’ શબ્દ પણ સહેતુક હતો, કેમ કે વિવેચક એ લેખકનો માત્ર મિત્ર કે દુશ્મન ન બની રહેતાં તે તટસ્થ રહેવો જોઈએ. તેણે સર્જનના સાચા ન્યાયાધીશ બની રહીને તેના ગુણાવગુણને સ્પષ્ટ રીતે નિર્દેશવાથી અચકાવું ન જોઈએ. તો વળી સાથે સાથે વિવેચક લેખક કે તેના લેખન માટે કોઈ પૂર્વગ્રહ પણ ધરાવતો ન હોવો જોઈએ. અહીં વિવેચકનો જે વિવેચનધર્મ સમજાવવામાં આવી રહ્યો છે, તેની પાછળ પણ એક આશય છુપાએલો છે કે મારા આ પ્રકરણના અંતે મારા સુજ્ઞ વાચકો એ તારણ કાઢી શકે કે મેં સાચે જ મારો વિવેચનધર્મ નિભાવ્યો છે કે કેમ! મેં અગાઉ જણાવ્યું છે તેમ આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અગાઉ જણાવ્યું તેમ ‘સમભાવી મિજાજે’ નો લેખક અને વિવેચક એમ બંને હું હોઈ જરૂર લાગે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહ્યા!
સાવ નવીન એવા સ્વયં-વિવેચનના પ્રયોગ અન્વયે અગાઉ કહ્યું તેમ આ એક અશક્ય નહિ તો મુશ્કેલ કાર્ય જરૂર છે. અહીં માનવ મનોવિજ્ઞાનના સંદર્ભે કહીએ તો સ્વયં-વિવેચકે આંતરનિરીક્ષણ પદ્ધતિએ પોતાનું વિવેચનકાર્ય પાર પાડવાનું હોય છે. કોઈક પ્રતિભાશાળી લેખકો જ પોતાના સર્જનનું સક્ષમ વિવેચન કરી શકતા હોય છે. આ કામ તેઓ એવી રીતે પાર પાડી શકતા હોય છે જાણે કે તેઓ અન્ય કોઈ ત્રાહિત સાહિત્યકાર કે તેના સાહિત્યસર્જનનું વિવેચનકાર્ય ન કરતા હોય! આ કાર્ય એવું કઠોર હોય છે કે જેને પોલાદ કે હીરાની કઠોરતાની ઉપમા આપવી પડે. અહીં આવા વિશિષ્ઠ વિવેચકે સર્જક અને વિવેચકની એવી બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. આ પ્રક્રિયામાં એક અનુકૂળતા હોય છે કે બંને ભૂમિકાઓને એક પછી જ બીજી એમ ભજવવાની હોય છે. અન્ય શબ્દોમાં કહેતાં મૂળ કાર્ય પૂરું થયા પછી જ તેને આનુષંગિક દ્વિતીય કાર્ય શરૂ થતું હોય છે. સ્વયંવિવેચન એટલે પોતાના જ લેખનકાર્યને ઓળખાવવું, તેનું મૂલ્યાંકન કરવું, તેનાં વિવિધ પાસાંને નાણી જોવાં અને તેની ખામીઓ તથા ખૂબીઓને તટસ્થભાવે નિરુપવી. લખાણના પૃથક્કરણનું સાતત્ય સર્જકને ક્રમિક રીતે પૂર્ણતા તરફ દોરી જતું હોય છે.
મારા સુજ્ઞ વાચકો મને માફ કરશે કેમ કે હું તો વિવેચન લખવાના બદલે વિવેચનના પાઠ શીખવવા લાગી ગયો હતો. ‘સમભાવી મિજાજે’ એ લેખકનું ઉત્તરાર્ધે ‘મિજાજે’ શબ્દધારી છઠ્ઠું પુસ્તક છે. વિવિધ વિષયો ઉપરના લેખો કે નિબંધોના સંગ્રહો પૈકીના એક એવા આ સંગ્રહના પહેલા ભાગમાં તેમના માત્ર વિવેચનલેખોને સંકલિત કરવામાં આવ્યા છે. તેમણે બ્લોગજગતના નામી કે અનામી સર્જકોના વિવિધ સાહિત્યપ્રકારો જેવા કે લેખો, કાવ્યો, લઘુનવલ, ગઝલ વગેરે ઉપર પોતાના વિવેચનલેખો લખ્યા છે. તો વળી સાહિત્યસર્જકના પરિચયલેખ ઉપરાંત તેમણે મુદ્રિત સ્વરૂપે કે ઈ-બુક સ્વરૂપે લખાએલી નવલકથા કે કાવ્યસંગ્રહ ઉપર પોતાના વિદ્વતાસભર વિવેચનલેખો આપીને તેમણે પોતાની એ પ્રકારની કાર્યક્ષમતા પણ દેખાડી છે. ફ્રેન્ક ક્લાર્ક (Frank Clark) વિવેચન સબબે પોતાનું મંતવ્ય આપતાં લખે છે કે વિવેચન એ ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવું હોવું જોઈએ કે જે થકી સર્જકનું સર્જનકાર્ય તેનાં મૂળિયાંને હાનિ થયા વગર પોતાના ઉત્તરોત્તર વિકાસ માટેનું પોષણ મેળવતું રહે. લેખકે પોતાના આ વિવેચન સંગ્રહમાં કોઈક નવોદિતોને સદરહુ વિધાન મુજબ પોતાના પ્રોત્સાહક શબ્દો થકી એવું બળ પૂરું પાડ્યું છે કે જે થકી તેમના લખાણમાં પરિપક્વતા આવતી રહે અને પૂર્ણતા તરફ તેમની ગતિ થતી રહે. આના ઉદાહરણમાં તેમના લેખ “મુનીરા અમી કૃત ‘નીરવનું વર્ણન’ નું રસદર્શન”ને ગણાવી શકાય. તેમના પ્રોત્સાહક શબ્દો વાંચો : ‘નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો.’
શ્રી વલીભાઈ એક તરફ મુનીરા અમી જેવી નવોદિત કવયિત્રીને પ્રોત્સાહન પૂરું પાડે છે, તો વળી બીજી તરફ બ્રિટીશ-પેલેસ્ટિઅન એવી સિદ્ધહસ્ત કવયિત્રી રબાબ મહેરને તેમના સમજવા માટે દુષ્કર અને પ્રથમ નજરે સાવ નીરસ લાગતા એવા નવીન જ વિષય ઉપરના અંગ્રેજી કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’ – (A Publicity Whore)ને બબ્બે મોંઢે વખાણે છે. પ્રસાર માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રથમ નજરે આકર્ષક લાગતા પોકળ પ્રચારને વિવેચક સરસ એવા ડાકણના ઉદાહરણથી સમજાવે છે કે ડાકણ સામા મોંઢે તો રૂપાળી લાગતી હૌય છે; પણ જેવી તેણી પોતાની પીઠ ફેરવતી હોય છે, ત્યારે તેણીના આંતરિક ખુલ્લા માંસ અને હાડકાંના કમકમાટી ઉપજાવે તેવા દૃશ્યથી તેણી ભયાનક ભાસતી હોય છે. આમ આ પ્રસારમાધ્યમો તેમના બાહ્ય આકર્ષક મહોરા પાછળની આંતરિક કુરૂપતાને સંતાડી રાખીને ‘સમૂહગત છેતરપિંડીનાં હથિયારો’ પ્રયોજીને પ્રજાને ગુમરાહ કરતાં હોય છે. વિવેચકે આ કાવ્યનું રસદર્શન અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં પોતાના બ્લોગ ઉપર આપ્યું છે, પરંતુ તેનું અંગ્રેજી વર્ઝન વધુ અસરકારક માલૂમ પડે છે; કેમ કે હકીકતે કાવ્ય પણ મૂળ અંગ્રેજીમાં જ લખાએલું છે. સામાન્ય રીતે અનુવાદન મૂળ ભાષામાંના લખાણની અસરકારકતાને વધતાઓછા અંશે અવશ્ય ગુમાવે તેવું બનતું હોય છે.
હરનિશ જાનીના ‘પ્યાર-તકરાર’ હાસ્યલેખ ઉપરનું વલીભાઈનું અવલોકન પ્રશંસનીય રહ્યું છે. લેખકના નર્મમર્મયુક્ત આ લેખના વિવેચનમાં વલીભાઈએ પોતાના તરફની એક પ્રાસંગિક રમૂજી વાતને મૂકી છે કે જેમાં ટ્રેઈનના ડબ્બામાં બે જણ લડતા ઝગડતા વારાફરતી કાચની બારી ખોલબંધ કર્યે જ જાય છે, પણ તેમને ખબર હોતી નથી કે બારીને કાચ છે જ નહિ અને તેઓ માત્ર ફ્રેમને જ ઊંચીનીચી કરતા હોય છે! નવોદિતોનાં સર્જનો ઉપર પ્રોત્સાહક પ્રતિભાવો આપતા જતા આ સમભાવી વિવેચક શ્રી વલીભાઈ ગુજરાતી હાસ્યસાહિત્યમાં જેમનું નામ ગાજે છે અને જેમનાં બબ્બે હાસ્યપુસ્તકોને પુરકૃત કરવામાં આવ્યા હોય તેવા ધુરંધર અને પ્રતિભાશળી સાહિત્યસર્જક શ્રી હરનિશભાઈ જાનીના સર્જનને પણ વિવેચે છે અને તેમના આ લેખના શીર્ષક વિષે પણ આ શબ્દોમાં તેમને બિરદાવે છે કે ‘પ્યાર તકરાર’ સરસ શીર્ષક લાવી જાણ્યા છો.’
શ્રી વલીભાઈએ ‘સમભાવી મિજાજે’ ના પ્રથમ ભાગમાં મામા અને ભાણેજ એવા અનુક્રમે સુરેશભાઈ જાની અને પંચમ શુક્લ તથા તે જ રીતે શ્રી વિજયભાઈ શાહની એકાધિક કૃતિઓને સમાવવાના બદલે કેટલાક અન્ય સર્જકોની કૃતિઓના વિવેચનને સ્થાન આપ્યું હોત તો વિવેચનના આ પુસ્તકમાં વિશેષ પ્રમાણમાં કર્તાઓ અને કૃતિઓનું વૈવિધ્ય આપી શકાયું હોત! સુરેશભાઈના ‘કેલેન્ડર’ ઉપરના અવલોકનના લેખ ઉપરના પ્રતિભાવમાં શ્રી વલીભાઈએ ‘ખોવાએલું ઊંટ અને વટેમાર્ગુની અવલોકનશક્તિ’વાળી પ્રચલિત વાતને સરસ રીતે સાંકળી લીધી છે. તો વળી, સુરેશભાઈની ‘અવલોકનો’ શીર્ષકવાળી ઈ-બુકની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈ સરસ મજાની જૂના જમાનાના પગીઓની વાત લાવી દે છે. તેમની ‘ઈશ્વરનો જન્મ’ વાર્તા તેમના બ્લોગ ઉપર પ્રસિદ્ધ થવા ઉપરાંત તાજેતરમાં એ જ વાર્તા મધુ રાય સંપાદિત હમણાં નવીન જ શરૂ થએલા વાર્તામાસિક ‘મમતા’માં પ્રસિદ્ધ થઈ ચુકી છે. શ્રી વલીભાઈએ આ વાર્તાના વિવેચનમાં ખાસ કરીને તેના શીર્ષક પરત્વે વિભિન્ન ધર્મોમાંથી અવતરણો કે વિચારો ટાંકીને ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે કેટલાંક વૈકલ્પિક શીર્ષકો ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ સૂચવ્યાં છે. સુરેશભાઈની ‘વર્તમાનમાં જીવન’ શીર્ષકે અનુવાદલેખ શ્રેણીના વિવેચનમાં શ્રી વલીભાઈ સરસ મજાનો આ શબ્દોમાં પ્રારંભ કરે છે : ‘એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે.’ જો કે તેમને પાછળથી ‘The Power of Now’ નો કોઈકે ગુજરાતીમાં અનુવાદ કરી દીધો છે તેવું જાણવા મળતાં આ લેખશ્રેણીને તેમણે અટકાવી દીધી હતી.
શ્રી વલીભાઈ ક્યાંક કબૂલે છે કે જીવનની ઉત્તરાવસ્થાએ શ્રી સુરેશભાઈ જાની એક ભાઈ સમા મિત્ર તરીકે સાંપડ્યા છે અને આમ તેમના ભાણા એ વલીભાઈના પણ ભાણા થાય અને તે ન્યાયે તેમણે પંચમ શુક્લની ‘એક બ્લોગ્મંડૂકને’, ‘એ એ જ રીતે હીંચી છે!’, ‘ખેચરી’ અને ‘What a wonderful world!’ નો ભાવાનુવાદ એમ ચારચાર રચનાઓના અવલોકન થકી તેમણે કવિ પ્રત્યેના પોતાના મોસાળપ્રેમને અભિવ્યક્ત કર્યો છે. અહીં કોઈએ ‘વલીભાઈએ સગાવાદ નિભાવ્યો છે!’ એવું ન વિચારતાં એ ચારેય કૃતિઓને અવલોકવી પડશે. પોતાના બ્લોગ ઉપર મુકાતી તેમની સઘળી રચનાઓ ઉપર પ્રતિભાવોનો ખડક્લો રચાઈ જાય તે જ તેમનાં કાવ્યોની ગુણવત્તાનું પ્રમાણ છે. ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ એ તો એવો સરસ મજાનો મૂળ અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ છે કે જે ઝવેરચંદ મેઘાણી જેવા ભાવાનુદિત કાવ્યોના સમર્થ સર્જકોની હરોળમાં બેસી શકે તેવો છે. તેમના એક બ્લોગ્મંડૂકને’ કટાક્ષકાવ્યે તો તેમના બ્લોગ ઉપર તરખાટ મચાવી દીધો હતો.
શ્રી વલીભાઈ મુસાએ પોતાના હ્યુસ્ટન(અમેરિકા) ખાતે રહેતા મિત્ર શ્રી વિજયભાઈ શાહનાં બે પુસ્તકો અને તેમના ‘મારા પિતાજી’ કાવ્ય ઉપર પણ પોતાની પ્રમાણભૂત આલોચના લખી છે. તેમની ‘ટહુકો એકાંતના ઓરડેથી’ પત્રશ્રેણી રૂપે તેમના બ્લોગ ઉપર લખાએલી નવલકથા મુદ્રિત સ્વરૂપે બહાર પડી ચૂકી છે, જેમાં શ્રી વલીભાઈના પ્રતિભાવને સ્થાન આપવામાં આવ્યું છે. ‘નિવૃત્તિની પ્રવૃત્તિ’ કે જે શ્રી વિજય શાહ અને ‘હરિપ્રેમી’શ્રી દ્વારા સંયુક્ત રીતે લખાએલું મનનીય પુસ્તક છે તેના મુદ્રિત સ્વરૂપમાં પણ શ્રી વલીભાઈનો પ્રતિભાવ સ્થાન પામ્યો છે. પોતાના અમેરિકાના પ્રવાસ વખતે જેમની સાથે શ્રી વલીભાઈને પરિચય થયો હતો તે દેવિકાબેન ધ્રુવની ગઝલ ‘વાત લાવી છું’ ઉપરના તેમના પ્રતિભાવ વિષે મૂળ લેખ નીચેના હ્યુસ્ટનસ્થિત ગુજરાતી સાહિત્યપ્રેમીઓ પૈકીના એક ભાઈશ્રી નવીન બેન્કરના તેમને ચણાના ઝાડ ઉપર ચઢાવી દેતા તેમના પ્રશંસાત્મક પ્રતિભાવ અને લઘુતાગ્રંથિ તરફ સરકી જાય તેવા તેમના મનોભાવને ત્યજી દેવાની ચાનકરૂપ તેમની સલાહ તેમના પ્રત્યુત્તરીય પ્રતિભાવમાં જોવા મળે છે. બ્લોગીંગ પ્રક્રિયામાં પ્રતિભાવોનું એક આગવું સ્થાન હોય છે, જે બ્લોગરને ઉત્સાહિત કરે છે અને તેના લખાણની ગુણવત્તાની બાબતમાં તેને સદા જાગૃત રાખે છે.
આ પ્રસ્તાવનાના અતિવિસ્તારને મર્યાદિત કરવાના પ્રયત્ન રૂપે હું મારા હવે પછીના લખાણને ટૂંકમાં પતાવીશ. આ લેખસંગ્રહના પ્રથમ ભાગમાં આ પ્રસ્તાવનામાં બાકી રહી જતા બે ખાસ લેખોની ખાસ નોંધ લેવી પડે તેમ હોઈ તેને અવગણી શકું તેમ નથી. એ બંને લેખો છે : (૧) મારી કલમે હું (મારા ૭૨મા જન્મદિવસે) (૨) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના. હાઈકુ કાવ્યપ્રકારમાં વિવિધ પ્રયોગો કરી ચુકેલા આ લેખક મહાશય પોતાની જ કલમે પોતાનો પરિચય રસમય રીતે એવી રીતે આપે છે કે જેમાં તેમની આત્મશ્લાઘાનો અંશ માત્ર પણ દેખાય નહિ. ‘કાવ્યસરવરના ઝીલણે’ની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈએ ઘણા વિવેચકોને ટાંકીને લેખને રસપ્રદ બનાવ્યો છે, તેમ છતાંય તેમની પોતાની કબુલાત મુજબ ત્રણેક દસકાના સાહિત્યજગતથી દૂર રહેવાના તેમના સંજોગોના કારણે સાંપ્રત સાહિત્યની ગતિવિધિને તેમાં સ્થાન આપી શક્યા નથી, જે તેમની એક મોટી મર્યાદા બની રહે છે.
‘સમભાવી મિજાજે’ નો બીજો ભાગ પ્રથમ ભાગથી વિષયે અને સાહિત્યપ્રકારે સાવ જુદો પડે છે. આનું ‘ભેદભરમની ભીતરમાં’ લેખશ્રેણી એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ વિભાગના છએ લેખ સ્વાનુભવ ઉપર આધારિત છે. તેના લખાણમાં લેખકથી આત્મપ્રશંસા ન થઈ જાય તેની ખાસ કાળજી લેવાઈ છે. આ લેખોમાં વિષયોની વિવિધતા પણ છે. ‘એક વિચારયાત્રા’માં વાચકને સર્જનહારની અકળ એવી માનવજીવનમાંની વ્યવસ્થા અને ઘટનાક્રમની અનુભૂતિ થયા વગર રહેશે નહિ. વળી આ જ લેખના અંત ભાગે આપણને વિચારયાત્રાઓની ફલશ્રુતિઓ જાણવા મળે છે. ‘આસ્થા કે ઈમાન!’ માં એક અજીબોગરીબ ઘટનાની આપણને જકડી રાખે તેવી લેખકની સ્વાનુભવની વાત છે. ‘ભૂતપ્રેત!’ માં પણ આપણને વિચારતા કરી મૂકે તેવી છણાવટ સાથેના બેએક પ્રસંગો આપવામાં આવ્યા છે. લેખકે આ લેખમાં ‘ભૂતપ્રેત’ની માન્યતાને સમર્થન કે તેનો વિરોધ એમ એવા બંને છેડાથી પોતાની જાતને અલિપ્ત રાખી છે. ‘એક અનોખો દુ:ખદ સ્વાનુભવ’ એ લેખકના પશુપાલનના વ્યવસાય સાથે સંકળાએલી ભેંસના ગર્ભાધાન વિષેની આપણામાં રહેલી જીવદયાની લાગણીને ઢંઢોળતી સત્ય કથા છે. ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ એ વરલી મટકા પ્રકારના જુગાર સાથે સંકળાએલી માહિતીપ્રધાન કથાતત્વ ધરાવતી સત્ય ઘટના છે તો વળી ‘સાચું કોણ?’ શીર્ષકધારી છેલ્લો લેખ રસમય રીતે એમ અંત પામે છે કે બંને પક્ષ છેવટે સાચા પુરવાર થાય છે.
આ લેખના શીર્ષક ‘હું જ મારા વિવેચનસંગ્રહનો વિવેચક!’ ઉપરથી કોઈ વાચકને એમ લાગ્યા વિના નહિ રહે કે મેં ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી?’વાળી કોઈ હાસ્યાસ્પદ ચેષ્ટા અહીં કરી છે! પ્રારંભના ફકરામાં દર્શાવ્યા મુજબ મારા આ પ્રયાસ કે ચેષ્ટાની ફલશ્રુતિ નક્કી કરવાની જવાબદરી આપ સૌ વાચકોના શિરે નાખીને હળવો ફૂલ જેવો થતાં મારી પ્રસ્તાવનાના અતિવિસ્તાર બદલ આપ સૌ વાચકોની ક્ષમા યાચીને વિદાય લઉં છું.
ધન્યવાદ
વલીભાઈ મુસા.
(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

Click here to read in English
“મારા ‘યોગ’ વિષેના દૃષ્ટિકોણને પુષ્ટિ આપવા બદલ આપનો આભાર. કેવી રીતે તે મને યાદ આવતું નથી, પણ ગમે તેમ તોય સરસ મજાના એવા આપના બ્લોગના સંપર્કમાં હું આવ્યો તો ખરો જ. સરળતા, સ્પષ્ટતા અને સાંવેગિક અભિગમ એ સઘળાં આપની કવિતાનાં આકર્ષક તત્વો છે.” મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા. તેણીના બ્લોગ ‘BoBi’z Breathings…’ માંના ‘A Publicity Whore’ (પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી) શીર્ષકે સરસ મજાના એક કટાક્ષકાવ્યનું મારા બ્લોગવાચકોને અહીં રસદર્શન કરાવતાં હું આનંદની લાગણી અનુભવું છું.
હું આગળ વધું તે પહેલાં, રસદર્શન કરાવવામાં આવતા આ કાવ્યને અહીં મૂકવું હું જરૂરી માનું છું. આમ ન કરવું તે અંધારામાં ગોળીબાર કરવા જેવું સાબિત થશે. આ લેખ ઓનલાઈન હોઈ કદને નિયંત્રિત કરવાના હેતુસર કવયિત્રીની પૂર્વમંજૂરીથી અહીં કાવ્ય ‘A Publicity Whore’નો માત્ર લિંક આપું છું. વળી એ સાવ દેખીતું જ છે કે જ્યારે આ ઈ-બુક કે જેમાં આ લેખને સમાવિષ્ટ કરવામાં આવ્યો હશે તેને મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે તો આખેઆખા મૂળ કાવ્યને રજૂ કરવું જ પડશે. આમ હાલ જ એવી સ્થિતિ સર્જાતાં નીચે એ કાવ્યને તેના અંગ્રેજી વર્ઝનમાં જ અભિવ્યક્ત કરી દઉં છું.
A Publicity Whore
Weapons of Mass Deception
* * *
I am the one that uses and abuses unseeing
A leech that sucks the essence out of one’s being
* * *
Exploitation is my one and only valid name
And exclusivity and fame is my main game
* * *
I show you the world from my point of view
But the facts I keep securely obscured from you
* * *
I fiercely claim I fight and speak up for the truth
Whilst my treatment of my workers is rather uncouth
* * *
I do not bother about loyalty or human respect
The existence of my servants I contentedly neglect
* * *
Their lives I willingly sacrifice and their blood I shed
After they are gone I bury their name with the dead
* * *
I label the gone souls with “martyrs” to fool you
To deter you away from seeking what is true
* * *
I cunningly name my studios after the deceased
Although their lives for me have long ceased
* * *
I may remember those ‘no more’ during anniversaries
But I only do so to win favour and shun adversaries
* * *
You all fall for it with your eyes widely sealed
Your ears not hearing the words I mutely revealed
* * *
I easily dispense with those who are for justice
Before they betray my character: my cowardice
* * *
I dismiss the moral for they may tarnish my veneer
Expose what I really am and my name they smear
*
Because . . .
*
Beneath my infamous façade, I am a publicity whore
I only please you with frivolity and nothing more
* * *
When I am in the spotlight, I smile to gain that publicity
And behind the shadow of that light, I just care about me
– Rabab Maher
આ કાવ્યને આત્મકથાનક રૂપે લખવામાં આવ્યું હોઈ તેમાં વૈયાકરણીય પરિભાષાએ કહેતાં કવયિત્રીએ પહેલો પુરૂષ એકવચનનું સર્વનામ ‘હું’ પ્રયોજ્યું છે. આ કાવ્ય ‘વીજાણુ પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું હોઈ તેણીએ તેના શીર્ષક નીચે ટીવી ઉપકરણનું ચિત્ર આપ્યું છે અને સાથે ‘સમૂહ છેતરપિંડીનાં સાધનો’ શબ્દો દ્વારા તેની કટાક્ષમય ઓળખ પણ આપવામાં આવી છે. વળી કવયિત્રીએ પોતાના કાવ્ય ઉપરની કોઈક કોમેન્ટના પ્રત્યુત્તર રૂપે એ પણ ખુલાસો કર્યો છે કે તે કાવ્ય ‘નાનકડા કતારના પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું છે.
‘વીજાણુ પ્રસાર માધ્યમના માળખા’ને અહીં આલંકારિક ભાષામાં ‘ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી’ સાથે સરખાવવામાં આવ્યું છે. પોકળ પ્રસિદ્ધિ એ કાલ્પનિક એવી ડાકણ જેવી હોય છે કે જે આપણી સામે તેનો ચહેરો ધરી રાખે તો સુંદર દેખાતી હોય છે, પણ તેણી જેવી પોતાની પીઠ ફેરેવે કે તરત જ તેણી આપણને પોતાનાં આંતરિક ખુલ્લાં અને ભયાનક હાડકાં અને માંસના લોચાઓ થકી બિહામણી લાગતી હોય છે. ટેલિવિઝન અને વેબજગત સામુહિક છેતરપિંડીનાં એવાં ખૂબ જ અસરકારક ઉપકરણો છે કે જે કહેવાતાં સત્યોના અંચળા હેઠળ ભ્રામક પ્રચારના ભાગ તરીકે બિનઅધિકૃત પ્રસારણો દ્વારા શ્રોતાઓ કે દર્શકોનાં દિમાગોને ભરમાવી નાખતાં હોય છે. મુદ્રિત અને વીજાણુ પ્રસાર માધ્યમો આજકાલ એવાં શક્તિશાળી પુરવાર થયાં છે કે જે જૂઠ્ઠાણાં ફેલાવીને અને મનઘડત વાતોને ગૂંથીને પ્રજાને પોતાની ઈચ્છા મુજબનાં બિબાંઓમાં ઢાળી શકે છે. આવાં પ્રસારમાળખાં પોતાનાં શક્તિશાળી કેમેરા અને ઉપગ્રહો જેવાં માધ્યમો કે સાધનો અને પત્રકારો તથા તેમનાં ભ્રામક પ્રચાર કૌશલ્યોની મદદ વડે પોતે ધારે તે કરી શકવા સમર્થ હોય છે. આ પ્રસારમાધ્યમો ગમે તેવા ખેરખાં માણસની મહાનાયક તરીકેની તેની પ્રતિભાને ઝાંખી પાડીને અથવા તેને શુન્યવત્ કરી નાખીને તેને કોડીની કિંમતની કરી દઈ શકે છે.
આ પ્રસાર માધ્યમોની ભૂમિકાઓ મોટાભાગે નકારાત્મક હોય છે અને તેથી જ તો કવયિત્રીએ કાવ્યના અંત સુધી માનવજાતને બધી જ રીતે નુકસાનકારક એવા દુષ્ટ સાધન તરીકે તેને ચીતર્યું છે. સદરહુ કાવ્ય પ્રસાર માધ્યમની એ કબુલાતથી શરૂ થાય છે કે તે પોતે પાણીમાંની લોહી ચૂસતી જળો જેવું છે કે જે લોકોની પ્રતિષ્ઠા અને તેમની જિંદગીના ભોગે પોતાના અસ્તિત્વને સ્થિર અને મજબુત રાખવા માગે છે. આ માધ્યમ અણદેખી વસ્તુઓને એવી રીતે રજૂ અને પુન: રજૂ કરી શકે છે કે જાણે કે વાસ્તવમાં તેઓ અસ્તિત્વ ધરાવતી હોય! તે હંમેશાં પોતાની પ્રસિદ્ધિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને પોતાના એ હેતુને બર લાવવા તે લોકોનું અને અન્યોનું શોષણ કરતાં પણ અચકાશે નહિ. મુદ્રિત કે વીજાણુ પ્રસાર માધ્યમો નીતિમત્તાથી વેગળાં હોય છે અને તેમનું પીળું પત્રકારત્વ સંશોધન કર્યા વગરના ઊડીને આંખે વળગે તેવાં મુખ્ય શીર્ષકો સાથેના સમાચારો કે જે તેમના વ્યવસાયને શોભે નહિ તે રીતે કામ કરતું હોય છે. આ બંને પૈકી મુદ્રિત સ્વરૂપના પ્રસાર માધ્યમને પોતાના સમાચારપત્રની વધુ ને વધુ પ્રતો વેચાય તેમાં રસ હોય છે; તો વળી, વીજાણુ માધ્યમોને પોતાના ટેલિવિઝન કે ચેનલના કાર્યક્રમને બહોળા પ્રમાણમાં દર્શકો મળી રહે તે જ તેમનું લક્ષ હોય છે, કે જેથી તેમનો ટીઆરપી જળવાઈ રહે અને તેના પરિણામે તેમને મોટા પ્રમાણમાં ધંધાકીય જાહેરાતો મળી રહે. આમ આ માધ્યમો પેલી કુલટા સ્ત્રીની જેમ બધા જ પ્રકારનાં નખરાં અજમાવીને, પોતાની ગરિમાના ભોગે પણ વાચકો કે દર્શકોને લલચાવતાં હોય છે. અહીં કવયિત્રી પ્રસારમાધ્યમોના આવા નકારાત્મક વલણને નોંધે છે કાવ્યની આ પંક્તિ પ્રમાણે કે ‘પણ, હું હકીકતોને તમારાથી છુપાવતું હોઉં છું.’
કાવ્યનો મધ્ય ભાગ કટાક્ષમય કે વક્રોક્તિપૂર્ણ છે. અહીં આપણે સમાચારમાધ્યમો કે વીજાણુ માળખાનાં બેવડાં ધોરણોને જોઈ શકીએ છીએ. ચાલો, આપણે કાવ્યની આ કડીને તપાસીએ : “હું જુસ્સાપૂર્વક દાવો કરું છું કે હું સત્ય તરફે જ બોલું છું અને તેને માટે લડું પણ છું. / જ્યારે મારા માટે કામ કરતા મારા હાથ નીચેના કાર્યકરો પરત્વેનો મારો વ્યવહાર અભદ્ર હોય છે.” એક તરફ આ સમાચારમાધ્યમ ભારપૂર્વક એવો દાવો કરતું હોય છે કે તે સત્ય માટે ઝઝૂમે છે, તો બીજી તરફ એ જ સમાચારમાધ્યમ પોતાના જ કર્મચારીઓ પરત્વે પોતાનું રુક્ષ અને અસંસ્કારી વર્તન દાખવે છે. આપણને એ જાણીને આઘાત લાગે છે કે જ્યારે આ માધ્યમોના કર્મચારીઓ સમાજ અને માનવતા વિરુદ્ધ કામ કરતાં ગુંડાતત્વોને ઊઘાડા પાડતા સમાચારો લાવતાં ઘણીવાર પોતાની જિંદગી ગુમાવી બેસે છે, ત્યારે આ માધ્યમોના ધણીધોરીઓ પોતાનો જાન ન્યોછાવર કરતા તેમના પેલા સહાયકોને યોગ્ય માનસન્માન આપતા નથી હોતા. ખરેખર તો એ બિચારાઓની પ્રશંસા થવી જોઈએ, પણ અફસોસ કે તેઓનાં નામો ટૂંક સમયમાં જ ભુલાઈ જતાં હોય છે અને અવસાન પામેલા સામાન્ય માનવીઓની જેમ તેમની યાદ દટાઈ જતી હોય છે એવી રીતે જાણે કે તેઓ આ દુનિયામાં અવતર્યા જ ન હોય! આ માધ્યમોના સ્વામીઓ આમ પ્રજાને મૂર્ખ બનાવવા આડંબરભર્યા અને સુફિયાણા જીભકવાયત જેવા શબ્દો થકી પેલા બિચારાઓને (જો કે હકીકતમાં તેઓ શહીદ તરીકેના માનસન્માનને લાયક હોવા છતાં) માત્ર દંભી શિષ્ટાચાર બતાવતાં શહીદ તરીકે બિરદાવતા હોય છે. સમાચારમાધ્યમોના આ દંભી સ્વામીઓને પેલા સાચા શહીદો પ્રત્યે કોઈ દિલી સદભાવના નથી હોતી, પણ તેઓ પોતાની બાહ્ય અને દંભી સહાનુભૂતિ બતાવવા કોઈકવાર પોતાના સમાચાર પ્રસારિત કરવાના સ્ટુડીઓને તેમનાં નામ આપી દેતા હોય છે. આ બિચારા શહીદોને તેમની મૃત્યુતિથિએ માત્ર વ્યવહર ખાતર યાદ કરવામાં આવતા હોય છે કે જેથી આમ પ્રજાની સહાનુભૂતિ મેળવી શકાય તથા તેમના વિરોધીઓને ચૂપ રાખી શકાય.
કાવ્યના સમાપન વિભાગે, કવયિત્રીએ લુચ્ચાઈ અને ધૂર્તતા વડે ખરડાએલા પ્રસારમાધ્યમના અસલી ચહેરાને સફળતાપૂર્વક ખુલ્લો પાડ્યો છે. આ પ્રસારતંત્ર પોતાની ચાલાકી વડે પ્રજા સાથે પોતાનું કામ પાર પાડવામાં હંમેશાં સફળ રહ્યું છે. પ્રજાના કાન અને આંખો આ માધ્યમના અંકુશ હેઠળ હોય છે. તે કોઈપણ ભોગે પોતાના અસલી ચારિત્ર્ય અને નમાલાપણાને હોશિયારીપૂર્વક છુપાવી રાખી શકે છે. તે ધુરંધર વ્યક્તિત્વોના જુસ્સાને પણ તેમની પ્રતિષ્ઠા ખંડિત કરવાનો ભય આપીને તોડી શકે છે. આ પ્રસારમાધ્યમના નકારાત્મક પાસાને કવયિત્રી પોતાના ખુલ્લંખુલ્લા આવા શબ્દો વડે અભિવ્યક્ત કરે છે : “હું પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી છું. હું તમને બાલિશ ચેનચાળાઓથી વિશેષ કંઈ નહિ તે રીતે માત્ર ખુશ જ કરું છું.”
હું શેક્સપિઅરના નાટક ‘As you like it’ માંના એક કાવ્યની પંક્તિમાંના શબ્દો “આખી દુનિયા એક રંગભૂમિ છે’ ને કવયિત્રીના કાવ્યની આખરી કડીના વિચારો સાથે અનુસંધાન સાધવા માટે અહીં ટાંક્યા વગર મારી જાતને રોકી નથી શકતો. કવયિત્રી પોતાના કાવ્યની આખરી કડીમાં પ્રસારમાધ્યમના મુખે આ શબ્દો મૂકે છે કે ‘જ્યારે હું નાટ્યતખ્તા (રંગભૂમિ) ઉપર ફેંકવામાં આવતા પ્રકાશ (Spot Light) હેઠળ હોઉં, ત્યારે ખ્યાતિ મેળવવા બદલ હું સ્મિત કરું છું અને જ્યારે હું એ ઝળહળતા પ્રકાશની બહાર થઈ ફેંકાઈ જાઉં ત્યારે હું ફક્ત મારી જ ચિંતા કરતું હોઉં છું.” અહીં કવયિત્રી આ પ્રસારમાધ્યમના મૂળ રંગને અને તેના આંતરિક સ્વરૂપને ઊઘાડા પાડવાના પોતાના હેતુને સિદ્ધ કરવામાં કામયાબ પુરવાર થાય છે. નાટકના રંગમંચ ઉપરના વર્તુળાકાર પ્રકાશ હેઠળ કોઈ પાત્ર કે દૃશ્ય હોય તેમ આ પ્રસારમાધ્યમ પણ લોકોમાં ધ્યાનાકર્ષક હોય ત્યાં સુધી અત્યંત ખુશમિજાજ રહેતું હોય છે. પરંતુ એ જ પ્રસારમાધ્યમ જ્યારે પેલા પ્રકાશ વિરુદ્ધના પડછાયા પાછળ ધકેલાઈ જતું હોય છે, ત્યારે તે સજાગ બની જાય છે અને પોતાની પ્રતિષ્ઠાને પુન: પાછી મેળવવા માટે ચિંતાતુર બની જાય છે.
સમાપને, મારે કહેવું પડશે કે રસદર્શન હેઠળના આ કાવ્યને મારે વારંવાર વાંચવું પડ્યું છે એટલા માટે કે જેથી હું કવયિત્રીએ પોતાના આ કાવ્યસર્જન વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણીઓ અનુભવી શકું. સાહિત્યપ્રકાર ‘વિવેચન’ નો એક મુખ્ય સિદ્ધાંત હોય છે કે કોઈપણ સાહિત્યિક રચનાના વિવેચકે તે કૃતિના મૂળભૂત ખ્યાલની એકંદર છાપને પોતાના માનસપટ ઉપર ઝીલવી પડે અને પછી સર્જકે જે લાગણીઓ અનુભવી હોય તેની સાથે તાદાત્મ્ય સાધીને પછી જ પોતાના શબ્દોમાં વિવરણ લખવું પડે આ કાવ્યનું રસદર્શન લખવા પહેલાં મેં કાવ્યને સમજવાનો મારાથી શક્ય તેટલો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે મારા કાવ્યના અર્થઘટનમાં વાચકો કે ખુદ કવયિત્રીના મતે કોઈ વિરોધાભાસ કે કોઈ ભિન્ન મંતવ્ય હોય તો મને દરગુજર કરવામાં આવશે..
-વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
(Translated from English Version titled as “An Exposition of a Poem: “A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess” published on September 12, 2012)
[…] ક્રમશ: (7) […]