Category Archives: Humor
(૩૯૦) ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ !
… આવા પ્રયોગો સાવ એળે તો નહિ જ જાય.
મને પ્રાપ્ત થએલા કોઈક અજાણ્યા સ્રોતમાંના કોઈકના જાતઅનુભવને અહીં ટાંકીશ, જેના શબ્દો આ પ્રમાણે છે : “જ્યારે વરસતા વરસાદમાં હું આકર્ષક સુટ પહેરીને છત્રી વગર એક મિટીંગમાં હાજરી આપવા મારા માર્ગે હતો, ત્યારે એક ભલી અને અજાણી સ્ત્રીએ મને તેનું સરનામું આપતાં પોતાની છત્રી આપી અને મારા ઉપર વિશ્વાસ મૂકી બતાવ્યો કે હું વરસાદ રહી જતાં એ છત્રી તેને પરત કરીશ જ.” આ એક સાવ ઓછા મહત્વની વાત હોવા છતાં તેમાં ખૂબ જ ગંભીર અને છૂપો ભેદ છુપાએલો છે. અહીં પરસ્પરના વિશ્વાસનું મહત્વ છે, નહિ કે છત્રીના મૂલ્યનું ! દરેક જણે સહન કરી શકાય તેવાં આવાં જોખમો ઊઠાવીને પણ અન્યને મદદરૂપ થવાનો પ્રયોગ કરવો જોઈએ. આનાથી માનવીના માનવી સાથેના ભરોંસાનો પાયો મજબૂત બનશે અને મને ખાત્રી છે કે આવા પ્રયોગો સાવ એળે તો નહિ જ જાય.
… ત્યારે જ તેમને ભુલાએલી છત્રી યાદ આવે છે !
સામાન્ય રીતે ચોમાસામાં છત્રીઓ ભુલાઈ જતી હોય છે. જ્યારે વરસાદ વરસવો શરૂ થાય, ત્યારે જ આપણને આપણી ભુલાએલી છત્રી યાદ આવતી હોય છે. પરંતુ, આ મહાશય તો બસની રાહ જોતા છેલ્લા અર્ધા કલાકથી પલળી રહ્યા હતા. છેવટે વરસાદ બંધ થતાં તેઓ ડાબા હાથે છત્રીનો હાથો પકડીને તથા જમણો હાથ ઊંચો કરીને છત્રી બંધ કરવા માટેની કળ દબાવવા જાય છે, ત્યારે જ તેમને ભુલાએલી છત્રી યાદ આવે છે !
… તો તો પછી હું બે છત્રીઓ લઉં કે ?
છત્રીની દુકાને ભાવની રકઝક કરતા અને સસ્તામાં સસ્તી છત્રી ઝંખતા એક ગ્રાહકથી કંટાળીને દુકાનદારે કહ્યું કે, ‘બહાર દુકાનના ઓટલે ખોખામાં પડેલી ખરાબ થઈ ગએલી છત્રીઓમાંથી કોઈ એક લઈ લો, સાવ મફત છે !’ રૂપિયાની ત્રણ અધેલી ઈચ્છતા એ ગ્રાહકે કહ્યું, ‘તો તો પછી હું બે છત્રીઓ લઉં કે ?’
… ચશ્માં માટેનાં વાઈપર મળશે ?
રેઈનકોટથી સજ્જ એવા ચશ્માધારી એ ભાઈ વરસતા વરસાદે રસ્તે ચાલી રહ્યા હતા. ચશ્માંના કાચ ઉપર પાણીનાં ટીપાં બાઝવાના કારણે તેમને ધૂંધળું દેખાતું હતું. ઓટોપાર્ટ્સની દુકાને જઈને તેમણે પૂછ્યું, ’ચશ્માં માટેનાં વાઈપર મળશે ?’ દુકાનદારે હા પાડતાં કહ્યું, ’પણ તમારે વાઈપર ચલાવવા માટે પોકેટ બેટરી લેવી પડશે અને મારી પાસે નાનામાં નાની સાઈઝમાં મારૂતી ૮૦૦ નાં વાઈપર છે, એટલે તમારે ચશ્માંના કાચ પણ બદલાવવા પડશે !’
… અને ઝાડની ઘટામાંના કાગડાઓ ‘કા..કા’ કરતા ખડખડાટ હસી પડ્યા !
પવન સાથેના ધોધમાર વરસાદમાં છત્રી ઓઢીને બિન્દાસ ચાલ્યા જતા કાકાની છત્રી ઊંધી ફરી જઈને કાગડો થઈ ગઈ અને ઝાડની ઘટામાંના કાગડાઓ ‘કા…કા’ કરતા ખડખડાટ હસી પડ્યા !
… અને આમ અંગ્રેજી શબ્દ ‘Umbrella’ બન્યો હોવો જોઈએ !
ગુજરાતીમાં ‘અંબર’ એટલે ‘આકાશ’ થાય અને ‘રેલો’ એટલે ‘પ્રવાહ’ થાય ! વરસાદનાં ટીપાં એ પાણીનો ઊંચેથી નીચી તરફનો પ્રવાહ જ ગણાય. આમ આકાશમાંથી પડતા પાણીના રેલાથી બચવા માટેના સાધનને ‘અંબર + રેલા’ = ‘અમ્બ્રેલા’ નામ આપવામાં આવ્યું હોય અને આમ અંગ્રેજી શબ્દ ‘Umbrella’ બન્યો હોવો જોઈએ !
… આ રીતે ‘Rain Coat’ શબ્દ બન્યો હોવાની ધારણા મૂકી શકાય !
ધોધધાર વરસાદ માટે અંગ્રેજીમાં Rain Cats and Dogs શબ્દોનો પ્રયોગ થતો હોય છે. બિલાડીને ઝડપી લેવા કૂતરો તેની પાછળ પડે અને આમ બિલાડી પોતાનો જીવ બચાવવા જેટલી ઝડપથી દોડે તેટલી જ ઝડપથી પાછળ કૂતરો પણ દોડે. બસ, આ જ પ્રમાણે વરસાદનાં એક પછી એક એવાં ટીપાંની ગતિ હોય ત્યારે ‘ધોધમાર વરસાદ’ એમ કહેવાય. હવે ‘Cat’ અને ‘Coat’ વચ્ચે ઉચ્ચારસામ્ય હોઈ તથા ‘Coat’ નો અર્થ ‘આવરણ’ પણ થતો હોઈ આ રીતે ‘Rain Coat’ શબ્દ બન્યો હોવાની ધારણા મૂકી શકાય !
… આમ ‘Rainy Day’ અને ‘નાણાંભીડનો સમય’ વચ્ચે અર્થભાવસામ્ય છે!
નાણાંભીડના સમય માટે અંગ્રેજીમાં Rainy Day શબ્દપ્રયોગ થાય છે. વાત પણ સાચી છે, કેમ કે નાણાં બેંકમાં પડેલાં હોય અને વરસતા વરસાદે બેંકમાંથી નાણાં ઊપાડવા જવાના બદલે કામચલાઉ નાણાંભીડ ભોગવી લેવી સારી ! આમ ‘Rainy Day’ અને ‘નાણાંભીડનો સમય’ વચ્ચે અર્થભાવસામ્ય છે!
… એટલે જ તો ‘મેઘરાજા’ અને ‘વર્ષારાણી’ શબ્દો પ્રયોજાય છે !
વરસાદ માટેનાં નરજાતિ તરીકે ‘મેઘરાજા’ અને નારીજાતિ તરીકે ‘વર્ષારાણી’ સંબોધનો અનુક્રમે સ્ત્રીઓ અને પુરુષો દ્વારા થયાં હોવાં જોઈએ, અને એટલે જ ‘મેઘરાજા’ અને ‘વર્ષારાણી’ શબ્દો પ્રયોજાય છે !
… જેવી જેની દૃષ્ટિ !
ચોમાસાની ઋતુમાં આકાશમાં સપ્તરંગી મેઘધનુષ રચાતું હોય છે. કોઈ કવયિત્રીઓને એ ધનુષના બદલે મેઘરાજાનો સપ્તરંગી ફેંટો (Turban/Head-dress) આકાશમાં સૂકવવામાં આવ્યો હોય તેમ લાગતું હોય છે; તો વળી કવિઓને લાગતું હોય છે કે વર્ષારાણીની સપ્તરંગી ઓઢણી કે સાડીને સૂકવવા માટે ફેલાવવામાં આવી છે, જેવી જેની દૃષ્ટિ !
… અને તેથી જ તેને Lady’s Umbrella તરીકે સંબોધવામાં આવે છે !
‘ભીંડા’ માટે અંગ્રેજીમાં Lady’s Fingers શબ્દો છે, કેમ કે સ્ત્રીનાં આંગળાં અને ભીંડામાં એકસરખી નાજુકતા હોય છે. આવી જ નાજુકતા સ્ત્રીઓની છત્રીઓમાં પણ હોય છે અને તેથી જ તેને Lady’s Umbrella તરીકે સંબોધવામાં આવે છે !
… ‘છાતા’ ઓઢીને જ બેસવું પડે !
હિંદી શબ્દ ‘છાતા’ એ ‘છત (Ceiling)’ શબ્દ ઉપરથી બન્યો છે. હવે ચાલુ વરસાદે કોઈના ઘરની ‘છત’માંથી પાણી ટપકતું હોય તો જે તે ઈસમે તે ‘છત’ની નીચે ‘છાતા’ ઓઢીને જ બેસવું પડે !
… અલ્યા, પલળી જવાય !
ગામડિયા કાકાએ નિશાળમાં ભણતા ટાબરિયાને પૂછ્યું,’એય છોકરા, છતરીમાંથી બાર જાય તો શું થાય?
પેલા ટાબરિયાએ હોંશેહોંશે જવાબ આપ્યો, ‘ચોવીસ.’
કાકાએ કહ્યું, ‘અલ્યા, પલળી જવાય !’
… મારે કમોતે મરવું નથી, મારા બાપલિયા !’
ગુજરાતીના અધ્યાપકે એક વિદ્યાર્થીને પૂછ્યું, ‘અલ્યા, તને કઈ ઋતુ ગમે – શિયાળો, ઉનાળો કે ચોમાસુ?’
પેલાએ કહ્યું, ‘પછી જવાબ આપું; પહેલાં કહો કે તમે મારા સાહેબ છો કે પછી ધૂમકેતુની ટૂંકી વાર્તા ‘રજપૂતાણી’ ના નાયક ‘રજપૂત’નું ભૂત છો ? મારે કમોતે મરવું નથી, મારા બાપલિયા !’
… છાપાવાળા એવા ખાડાને ‘ભૂવા’ તરીકે છાપે છે !’
ચોમાસાના ભારે વરસાદથી રસ્તામાં પડી ગએલા એક ઊંડા ખાડામાં કોઈકનું વળગાડ કાઢવા માટે આવેલો ભૂવો ધૂણતોધૂણતો પડી ગયો. ફાયરબ્રિગેડવાળાને લોકોએ કહ્યું કે ‘ઓલ્યા ખાડામાં ભૂવો પડી ગયો છે અને તેને બહાર કાઢવાનો છે !’
‘હેં, ભૂવામાં ભૂવો પડી ગયો છે ?’
‘એટલે ?
‘એટલે’ એટલે વળી શું ? એટલી ખબર પડતી નથી ! છાપાવાળા એવા ખાડાને ‘ભૂવા’ તરીકે છાપે છે !’
– વલીભાઈ મુસા
નોંધ : –
આ હળવો લેખ ‘વેબગુર્જરી’ દ્વારા પ્રકાશિત ઈ-બુક ‘વર્ષાવૈભવ’માં પસંદગી પામેલ છે.
(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના
ઉનાળા વિષેના ગરમ સવાલો – ઠંડા જવાબો !
‘વિધાતાએ ઉનાળાને શા માટે સર્જ્યો હશે ?’
’કેરીઓ પકવવા !’
’કેરીઓ ભેગા આપણે પાકીએ છીએ તેનું શું ?’
‘તો જ આમરસની જેમ પ્રસ્વેદરસ છૂટે ને !’
‘આમરસ અને પ્રસ્વેદરસમાં ફરક શો ?’
’આમરસ ખાટો અથવા મીઠો હોઈ શકે, પ્રસ્વેદરસ ખાટો અને ખારો જ હોય!’
’લગ્નગાળો સામાન્ય રીતે ઉનાળામાં જ કેમ હોય છે ?
’એક યા બીજું ગરમ મિજાજનું પલ્લે પડે તો ગરમી સાથે અનુકૂલન સાધવાનો પહેલાંથી જ મહાવરો થાય તે માટે !’
’ઉનાળાના દિવસોમાં શરીરે પરસેવો કેમ વળતો હોય છે ?’
’શરીરમાંના કચરાનો પ્રવાહી સ્વરૂપે નિકાલ ત્રણેય ઋતુમાં થતો હોય છે; શિયાળામાં વધુ પડતા પેશાબ દ્વારા, ચોમાસામાં અતિસાર (diarrhoea) દ્વારા અને ઉનાળામાં શરીરનાં છિદ્રો થકી ! કુદરતે શરીરમાં ડ્રેનેજ્ની વ્યવસ્થા અગાઉથી કરી આપી છે.’
‘શરીરમાંના કચરાનો નિકાલ પ્રવાહી સિવાય કોઈ અન્ય રીતોએ થાય ખરો ?’
‘આ પ્રશ્ન ચિંતન માગી લે તેવો છે. આનો જવાબ કદાચ શૌચાલયમાં મળી રહે !’
‘ઉનાળામાં લોકો ઠંડાં પીણાં અને આઈસક્રીમનો કેમ ઉપયોગ કરતા હોય છે ?’
’ઠંડા પીણાને જઠરાગ્નિમાં ગરમ કરવા અને આઈસક્રીમને તેમાં ઓગાળવા !’
‘કબૂતરોમાં કાગડા જેવો એક સવાલ પૂછું ?’
’કાગડા સાથે માદા પણ હોય તો બે સવાલ પૂછી શકો છો!’
’ઉનાળાને લગતા સવાલો પૂછવાના છે, માટે પૂછું છું કે અંગ્રેજી શબ્દ ‘Fan’ એટલે શું ?’
’તો ગુજરાતી પ્રશ્નોમાં તમે એક અંગ્રેજી વિષેનો પ્રશ્ન પૂછ્યો માટે કબૂતરોમાં કાગડાની વાત કરી ખરું ને ! તો સાંભળો કે આપણા માથે છતપંખો કે સામે મેજપંખો હોય તો આપણે તેના એટલે કે Fan (પંખો) ના Fan (પ્રશંસક) કહેવાઈએ !’
‘ઉનાળામાં લોકો તડબૂચને કેમ વધુ પસંદ કરે છે?’
’મૂર્ખ માણસને તડબૂચ તરીકે સંબોધતાં આપણે એક પ્રકારની મીઠાશ અનુભવતા હોઈએ છીએ, હવે એ જ તડબૂચ જ્યારે મીઠું તડબૂચ બનીને આપણી સામે આવે તો તેને છોડાય ખરું !’
‘એક કાકા શહેરમાંથી પછેડીના છેડે મોટો બરફનો ગાંગડો બાંધીને ઘરે આવ્યા તો બરફ ગાયબ! એ કેવી રીતે બન્યું હશે?’
‘જૂઓ ભાઈ, એ પછેડીની ગાંઠ એમની એમ જ હશે ! બિચારા કાકાને ખબર નહિ હોય કે શહેરના ગઠિયાઓ કેવા ચાલાક હોય છે! બોલો, ગાંઠ એમની એમ જ રાખીને બરફનો ગાંગડો કાઢી ગયા હશે!’
’તમે કોઈ દિવસ બરફગોળો (Ice lolly) ખાધેલો ખરો ?’
’ખાધેલો નહિ, પણ ચૂસેલો ખરો !’
‘રેફ્રિજરેટર (Refrigerator) ને ગુજરાતીમાં શું કહેવાય ?’
’જો જાણવા પૂરતા પૂછતા હો તો કહું કે એને ‘શીતપેટી’ કહેવાય, પણ કોઈ NRG (બિનનિવાસી ગુજરાતી) આગળ બોલતા નહિ! પેલો એને પોતાની સાથે વિદેશે લઈ જશે અને ત્યાંના શ્વેતબંધુઓ તેનો અર્થ સમજવા, જો તેમના માથે ટાલ નહિ હોય તો તેમના માથાના બાલ પીંખી નાખશે અને માથે ટાલ હશે તો તેમના નખોથી તેને લોહીલુહાણ કરી નાખશે!’
‘રેફ્રિજરેટર (Refrigerator) નો બીજો કોઈ ઉપયોગ ખરો ?’
‘હા, ઉનાળા સિવાયની ઋતુમાં કપડાં મૂકી શકાય !’
‘ઉનાળા સાથે સંલગ્ન એકાદ હાઈકુ સંભળાવશો ?’
“ઉપરોક્ત બીજો પ્રશ્ન નીચેના હાઈકુના વિચ્છેદથી બનેલો છે :
‘કેરી પાકતી,
સંગ અમે પાકતા,
ઉષ્ણ ઉનાળે !’”
‘એક સાંભળ્યું, સાથે બીજું એક મફત નહિ સંભળાવો ?’
‘પહેલું પણ મફત જ હતું ને ! છતાંય લ્યો, સાંભળો :
પાડા ન્હાય ત્યાં
તળાવે, હું ઘોરતો
શીતઓરડે !
‘ઉનાળા સાથે સંકળાએલા બીજા વધારે પ્રશ્નો પૂછી શકું ખરો ?’
’હા, પૂછી તો શકો; પણ, આગામી ઉનાળા માટે થોડાક ફ્રિજમાં સાચવીને મૂકી દો તો સારું !’
-વલીભાઈ મુસા
નોંધ :- ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુક ‘વેગુ’ ના Home Page ના Side Bar ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
(375) My quoted Quotes in my Posts (8)

[…] Click here to read in English […]